ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ/નલોપાખ્યાન

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નલોપાખ્યાન

વીરસેન નામના રાજાને નલ નામના પુત્ર હતા, તે બળવાન, રૂપવાન, અશ્વવિદ્યામાં નિપુણ, અનેક ગુણ સંપન્ન હતા. જેવી રીતે ઇન્દ્ર બધા દેવોમાં શ્રેષ્ઠ છે તેવી રીતે રાજા નલ પણ બધા રાજાઓમાં શ્રેષ્ઠ હતા. જેવી રીતે સૂર્ય પોતાના તેજથી બધાની ઉપર રહે છે તેવી રીતે રાજા નલ બધા રાજાની ઉપર હતા. તે બ્રાહ્મણોના પૂજક, વેદજ્ઞ, નિષધ દેશના રાજા, જુગારપ્રિય, સત્યવાદી અને અનેક અક્ષૌહિણી સેનાના સ્વામી હતા; શ્રેષ્ઠ સ્ત્રીઓના પ્રિય હતા, ઉદાર હતા, ઇન્દ્રિયજિત હતા, ધનુર્ધારીઓમાં શ્રેષ્ઠ હતા, તેઓ સાક્ષાત્ મનુ જેવા હતા.

એવી જ રીતે વિદર્ભ દેશમાં રાજા ભીમ મહાપરાક્રમી શૂરવીર સર્વગુણ સંપન્ન હતા. તેઓ સંતાનપ્રાપ્તિ માટે ઇચ્છા કર્યા કરતા હતા. સંતાન માટે એકાગ્રચિત્તે અનેક યત્ન કર્યા, એક દિવસ તેમને ત્યાં દમક નામના મહર્ષિ આવ્યા. સંતાનની ઇચ્છાવાળા અને ધર્મજ્ઞ રાજા ભીમે અને તેની રાણીએ તે તેજસ્વી ઋષિનો સત્કાર કર્યો, ત્યારે પ્રસન્ન થયેલા દમન ઋષિએ રાજાને અને રાણીને વરદાન આપ્યું, તમને એક કન્યારત્ન અને ત્રણ ઉદાર, યશસ્વી પુત્રો થશે. રાજાએ કન્યાનું નામ રાખ્યું દમયંતી, અને પુત્રોનાં નામ રાખ્યાં દમ, દાન્ત અને દમન. તે સૌ તેજસ્વી, સર્વગુણસંપન્ન અને મહાપરાક્રમી થયા. સુમધ્યમા દમયંતી રૂપ, તેજ, યશ, લક્ષ્મી અને સૌભાગ્યથી લોકોમાં વિખ્યાત થઈ. તે યુવાવસ્થામાં આવી ત્યારે સુશોભિત સેંકડો દાસીઓ-સખીઓ ઇન્દ્રાણીની સખીઓની જેમ તેની આસપાસ રહેતી હતી. તે ભીમકપુત્રી અનવદ્ય અંગોવાળી, સર્વ આભરણો પહેરીને સખીઓની વચ્ચે વાદળોમાં વીજળીની જેમ શોભતી હતી, વિશાલ નેત્રવાળી તે રાજપુત્રી અતિ રૂપસંપન્ન હોવાથી લક્ષ્મીની જેમ શોભતી હતી. તેના જેવી સુંદરી ન દેવોમાં, ન યક્ષોમાં, ન મનુષ્યોમાં કોઈએ જોઈ હતી કે ન કોઈએ સાંભળી હતી. દેવોના ચિત્તને પણ તે વિહ્વળ કરી મૂકતી હતી.

નરશાર્દૂલ નલરાજા પણ પોતાના રૂપ વડે પૃથ્વી પર અપ્રતિમ હતા, જાણે તેઓ સાક્ષાત્ કામદેવનો મૂર્તિમંત અવતાર હતા, દમયંતીની સખીઓ તેની આગળ આશ્ચર્યકારક નલની પ્રશંસા કરતી હતી અને નૈષધની આગળ પુરુષો દમયંતીની પ્રશંસા કરતા હતા.

આ પ્રકારે એકબીજાને જોયા વિના જ કેવળ ગુણો સાંભળીને અન્યોન્યને માટે તેમનો પ્રેમ વધી ગયો અને સાથે કામદેવ પણ વૃદ્ધિ પામ્યો, નલ પોતાના હૃદયમાં કામદેવને ન સહી શક્યા એટલે અંત:પુર પાસે ઉદ્યાનમાં એકાંતવાસ સેવવા લાગ્યા. ત્યારે એક દિવસ એ ઉદ્યાનમાં સુવર્ણની પાંખોવાળા હંસો જોયા અને એમાંથી એક હંસને પકડી લીધો. આકાશમાં ઊડનારા હંસે નલને કહ્યું, ‘હે રાજન, મને મારતા નહીં, હું તમારું પ્રિય કાર્ય કરીશ. હું દમયંતીની પાસે જઈને તમારી પ્રશંસા એવી રીતે કરીશ કે પછી તમને મૂકીને કોઈ અન્ય પુરુષનો વિચાર નહીં કરે.’ આ સાંભળીને નલ રાજાએ હંસને છોડી મૂક્યો, એટલે બધા હંસ ઊડીને વિદર્ભ દેશમાં ગયા. તે હંસ વિદર્ભનગરીમાં જઈને દમયંતીની પાસે ઊતર્યા, ત્યારે તે પક્ષીઓને દમયંતીએ જોયાં. સખીઓથી ઘેરાયલી દમયંતી અદ્ભુત રૂપવાળાં એ પંખીઓને જોઈને તેમને પકડવા ગઈ. ત્યારે પ્રમદાવનમાં બધા હંસ આમતેમ દોડવા લાગ્યા. એકેક હંસ પાછળ એકેક કન્યા દોડતી હતી. જે હંસ પાછળ દમયંતી દોડતી હતી તે હંસ પાસે આવીને મનુષ્યની બોલીમાં બોલ્યો, ‘હે દમયંતી, નિષધના રાજા નલ અશ્વિનીકુમાર જેવા રૂપવાન છે, તેમના જેવો સુંદર પુરુષ બીજો કોઈ નથી, હે ઉત્તમ વર્ણવાળી, હે સુમધ્યમા, જો તું તેની પત્ની બને તો તારો જન્મ અને તારું રૂપ સફળ થશે. અમે બધા દેવ, ગંધર્વો, મનુષ્યો, સાપ, રાક્ષસોને જોયા છે પણ નલ જેટલો સુંદર પુરુષ જોયો નથી. તું નારીઓનું રત્ન છે, પુરુષોમાં નલ શ્રેષ્ઠ છે, વિશિષ્ટનો વિશિષ્ટ સાથેનો સંયોગ વિશેષ ગુણકારી થાય છે.’

હંસની આ વાત સાંભળીને દમયંતીએ હંસને કહ્યું, ‘તું નલ પાસે જઈને આમ જ કહેજે.’ વિદર્ભકન્યાની વાત માનીને અંડજ હંસ ત્યાંથી નીકળ્યો અને નિષધમાં આવીને તેણે આખી વાત જણાવી. હંસના મોઢે વાત સાંભળીને દમયંતી તે જ દિવસથી નલ માટે વિહ્વળ રહેવા લાગી, ત્યારથી દમયંતી ચિંતાતુર, દીન, વિવર્ણ વદનવાળી, દુર્બળ બની ગઈ અને વારે વારે નિ:શ્વાસ નાખવા લાગી. તેની દૃષ્ટિ સદા ઊંચે રહેતી ઉન્મત્ત બની ગઈ હતી, નલનું ધ્યાન કર્યા કરતી હતી. શય્યા અને એવા ભોગમાં તેને આનંદ મળતો ન હતો, તે ન રાતે સૂતી, ન દિવસે. વારેવારે હા હા કરતી હતી. દમયંતીની આ અસ્વસ્થતા તથા આવી આકૃતિ જોઈને તેની સખીઓએ ચિહ્નો દ્વારા વાત જાણી લીધી. તે સખીઓએ દમયંતીની આ અસ્વસ્થતાની જાણ વિદર્ભરાજને કરી. રાજા ભીમે સખીઓના મોંએ પોતાની પુત્રીની આવી દશા સાંભળીને પુત્રી માટે કશુંક કરવાનું વિચાર્યું; પોતાની પુત્રીની યુવાવસ્થા જોઈને દમયંતીના સ્વયંવરનો વિચાર કરવા લાગ્યો. ત્યારે બધા રાજાઓને આમંત્રણ આપ્યું અને કહેવડાવ્યું, સ્વયંવરમાં આવીને આનંદનો અનુભવ કરો. બધા રાજા દમયંતીના સ્વયંવરની વાત જાણીને ભીમ રાજાની આજ્ઞા પ્રમાણે હાથી, ઘોડા, રથના ધ્વનિથી પૃથ્વીને ધ્રુજાવતા, વિચિત્ર માળાઓ ધારણ કરીને, ઉત્તમ રીતે ભૂષિત થવાને કારણે સુંદર દેખાતા સૈનિકોથી ઘેરાઈને ભીમ પાસે આવ્યા.

આ સમયે નારદ અને પર્વત ઘૂમતા ઘૂમતા ઇન્દ્રલોકમાં જઈ પહોંચ્યા. મહા વ્રતધારી અને મહાત્મા નારદ અને પર્વત પૂજાવિધિ પછી ઇન્દ્રભવનમાં ગયા. ત્યારે સહાક્ષે બંનેની પૂજા કરી કુશળતાના સમાચાર પૂછ્યા, આખા જગત વિશે પૂછ્યું.

નારદે કહ્યું, ‘હે દેવ, હે ઈશ્વર, હે મઘવન (ઇન્દ્ર) અમે તો સદા કુશળ છીએ, બીજા રાજાઓ પણ કુશળ છે.’

નારદની વાત સાંભળીને વલાસુર અને વૃત્રનો વધ કરનારા ઇન્દ્રે પૂછ્યું, ‘જે ક્ષત્રિયો ધર્મજ્ઞ, પૃથ્વીપતિ છે, પ્રાણ ન્યોછાવર કરીને પણ યુદ્ધ કરે છે, જે સમય આવે સામી છાતીએ શસ્ત્રોનો સામનો કરીને મૃત્યુને ભેટે છે, તેમને માટે અમારું આ સ્વર્ગ અક્ષય બની જાય છે, અને મારી જેમ તેમને પણ મનોવાંછિત ભોગ આપે છે. જે શૂરવીર ક્ષત્રિયો અતિથિ રૂપે મારે ત્યાં આવતા હતા તેમને આજકાલ હું જોતો નથી, તે ક્ષત્રિયો છે ક્યાં?’ ઇન્દ્રે આમ કહ્યું એટલે નારદે ઉત્તર આપ્યો, ‘અત્યારે ક્ષત્રિયો નથી દેખાતા તેનું કારણ સાંભળો. વિદર્ભરાજાની પુત્રી દમયંતી નામે વિખ્યાત છે, તેણે પોતાના રૂપથી પૃથ્વી પરની બધી સ્ત્રીઓને પરાજિત કરી મૂકી છે, હે ઇન્દ્ર, તેનો સ્વયંવર સત્વરે થવાનો છે, ત્યાં બધા રાજા અને રાજપુત્રો જઈ રહ્યા છે. હે વલ અને વૃત્રના હર્તા, પૃથ્વી પરના રત્ન જેવી એ દમયંતીને પામવાની ઇચ્છા બધા રાજા કરે છે.’ આ પ્રમાણે વાત થતી હતી તેવામાં ઇન્દ્ર પાસે અગ્નિની સાથે બધા લોકપાલો આવ્યા. તેમણે નારદનું આ મહાન વચન સાંભળ્યું અને આનંદિત થઈને કહ્યું, ‘આપણે પણ ત્યાં જઈશું.’ ત્યારે એ બધા દેવ પોતાના સાથીઓને લઈને વાહનો સમેત વિદર્ભ નગરમાં આવ્યા, ત્યાં બધા રાજા એકઠા થયા હતા. બધા રાજાઓ સ્વયંવર નિમિત્તે એકઠા થયા છે એ જાણીને નલ રાજા દમયંતીમાં અનુરક્ત થઈને પ્રસન્ન ચિત્તે સ્વયંવરમાં આવ્યા. રસ્તામાં દેવતાઓએ નલને જોયા, સાક્ષાત્ કામદેવ સંપદાઓને લઈને આવ્યા ન હોય! લોકપાલક નલ રાજાને સૂર્ય સમાન તેજસ્વી જોઈને, તેમની રૂપસંપદાથી વિસ્મિત થઈને દમયંતીને પામવાનો સંકલ્પ છોડી દીધો. ત્યારે બધા દેવતાઓએ પોતાના વિમાનોને અંતરીક્ષમાં અટકાવીને આકાશ પરથી પૃથ્વી પર આવીને નલ રાજાને કહ્યું, ‘હે નૈષધ, હે રાજેન્દ્ર, તમે સત્યવ્રત છો, અમારી સહાય કરો, હે નરોત્તમ, તમે અમારા દૂત બનો.’

દેવતાઓનું આવું વચન સાંભળીને નલે દેવો આગળ પ્રતિજ્ઞા કરી કે તમારું કાર્ય કરીશ. બે હાથ જોડીને તેઓ ઊભા રહી ગયા, પછી નલ રાજાએ તેમને પૂછ્યું, ‘તમે કોણ છો? જેની પાસે મને મોકલવા માગો છો તે કોણ છે? મારે તમારું ક્યું કાર્ય કરવાનું છે તે યથાતથ કહો.’ નૈષધની આ વાત સાંભળીને ઇન્દ્રે કહ્યું, ‘અમે દમયંતી માટે આવેલા દેવતાઓ છીએ. હું ઇન્દ્ર છું, આ અગ્નિ છે અને આ જળના સ્વામી વરુણ છે. હે રાજા, આ બધા મનુષ્યોના કાળ એવા યમરાજ છે. તમે દમયંતી પાસે જઈને અમારા આગમનના સમાચાર આપજો. કહેજો કે ઇન્દ્ર સમેત બધા જ લોકપાલ તને જોવા આવી રહ્યા છે. ઇન્દ્ર, અગ્નિ, વરુણ, યમ તને પામવા ઇચ્છે છે. એટલે એ બધામાંથી તું કોઈ એક દેવને પતિરૂપે સ્વીકારી લે.’ ઇન્દ્રનું આ વચન સાંભળીને નલ રાજાએ હાથ જોડીને કહ્યું, ‘દેવતાઓ, તમારી જેમ મારું પણ એ જ પ્રયોજન છે. એટલે આ જ પ્રયોજનથી આવેલા એવા મને તમે દૂત બનાવીને ન મોકલો.’

દેવતાઓએ કહ્યું, ‘હે નૈષધ, તમે અગાઉ અમારી સમક્ષ પ્રતિજ્ઞા કરી હતી કે હું તમારું કાર્ય કરીશ. તો હવે કેમ ના પાડો છો? હવે જાઓ, વિલંબ ન કરો.’ નૈષધરાજે ફરી કહ્યું, ‘દમયંતીનું નિવાસસ્થાન અતિ સુરક્ષિત છે, ત્યાં હું કેવી રીતે પ્રવેશ કરી શકીશ?’

ઇન્દ્રે ફરીથી કહ્યું, ‘તમે ત્યાં પ્રવેશ કરી શક્શો.’ ત્યારે નલ રાજા ‘ભલે’ કહીને તેમની વાત સ્વીકારીને દમયંતીના આવાસે પહોંચ્યા. ત્યાં સખીઓથી ઘેરાયેલી, પોતાના શરીરના શોભા અને તેજથી પ્રકાશિત વિદર્ભરાજપુત્રી સુંદરી દમયંતીને જોઈ. અતીવ સુકુમારી, પાતળી કમર ને સુંદર નેત્રવાળી તે દમયંતી પોતાના તેજથી શશિની કાંતિને ઝાંખી કરતી, સુશોભિત જણાતી હતી, તે ચારુહાસિનીને જોઈને નલના શરીરમાં કામ વૃદ્ધિ પામવા લાગ્યો, પરંતુ સત્યપાલન કરવાની ઇચ્છાવાળા નલ રાજાએ હૃદયને શાંત કર્યું. દમયંતીની સુંદર સખીઓ નલ રાજાને જોઈને ચકિત થઈ ગઈ, તેમના તેજથી ગભરાઈને પોત પોતાના આસનેથી ઊભી થઈ ગઈ. આશ્ચર્યચક્તિ થયેલી તે સ્ત્રીઓ પ્રસન્ન થઈને નલ રાજાની પ્રશંસા કરવા લાગી, કોઈએ તેમની સાથે વાત ન કરી, મનોમન વિચારતી રહી; અહો તેમનું રૂપ કેવું? કાન્તિ કેવી છે? આ મહાત્માનું ધૈર્ય કેવું છે? આ કોણ છે? નિશ્ચિત કોઈ દેવ, યક્ષ કે ગંધર્વ હશે, તે બધી સ્ત્રીઓ તેમના તેજથી ગભરાઈને અને લજ્જાવશ બની ને નલને કશું કહી ન શકી, ત્યારે વિસ્મિત થયેલી દમયંતી સ્મિતપૂર્વક નલને કહેવા લાગી, ‘હે પાપરહિત, ઉત્તમ કાયાવાળા, મારા કામદેવને વધારનારા, તમે કોણ છો તે હું જાણવા માગું છું. તમે અહીં કેવી રીતે આવ્યા? તમને કોઈએ જોયા નહીં, મારો આવાસ બહુ સુરક્ષિત છે, રાજાનું શાસન ઉગ્ર છે.’

વિદર્ભરાજની પુત્રીની વાત સાંભળીને નલ રાજાએ તેને કહ્યું, ‘હે કલ્યાણી, હું નલ છું, દેવતાઓનો દૂત બનીને આવ્યો છું, ઇન્દ્ર, અગ્નિ, વરુણ અને યમ તને પામવા માગે છે, એટલે હે સુંદરી, તું એકને પતિ તરીકે પસંદ કર. તેમના જ પ્રભાવે કરીને હું અહીં આવી શક્યો છું, કોઈએ મને જોયો નથી, કોઈએ મને અટકાવ્યો નથી. હે ભદ્રા, મને દેવતાઓએ મોકલ્યો છે, હવે આ સાંભળી તારે જે કરવું હોય તે કર.’

નલ રાજાનું વચન સાંભળીને દેવતાઓને નમસ્કાર કરીને હસતાં હસતાં નલને કહેવા લાગી, ‘હે રાજન, તમે જ મારી સાથે વિવાહ કરો, બોલો, હું તમારું શું કાર્ય કરું? હું અને મારું જે કાંઈ ધન છે તે સઘળું તમારું જ છે, તમે વિશ્વાસપૂર્વક મારી સાથે વિવાહ કરો. હંસોએ તમારા વિશે વાતો કરી હતી તે મારા હૈયાને પ્રજાળે છે, મેં માત્ર તમને બોલાવવા માટે જ આ બધા રાજાઓને બોલાવ્યા છે, તમને આરાધનારી મને જો તમે નહીં સ્વીકારો તો હું તમારા કારણે વિષપાન કરીશ, અગ્નિ કે રસ્સીથી મૃત્યુ પામીશ.’

દમયંતીની વાત સાંભળીને નલ રાજાએ કહ્યું, ‘લોકપાલોના હોવા છતાં તું એક માનવીની ઇચ્છા કેમ કરે છે? હું આ મહાત્મા ઈશ્વર લોકપાલોની ચરણરજ સમાન પણ નથી. આ લોકપાલોમાં તારું ચિત્ત પરોવ, દેવતાઓનું અપ્રિય કરનાર પુરુષ નષ્ટ થાય છે, એટલે હે સુંદરી, મારી રક્ષા કર, તું કોઈ ઉત્તમ દેવતાને પતિ તરીકે સ્વીકાર.’

ત્યારે શુચિસ્મિતા દમયંતી આંસુઓથી ગદ્ગદ્ વાણી વડે રાજા નલને ધીરેથી કહેવા લાગી, ‘હે નરેશ્વર, મેં એક આપત્તિરહિત એક ઉપાય વિચાર્યો છે, એનાથી તમને કોઈ દોષ નહીં લાગે. હે નરશ્રેષ્ઠ, જ્યાં મારો સ્વયંવર થવાનો છે ત્યાં અગ્નિ વગેરે દેવતાઓ આવે અને તમે પણ આવો. હે નરવ્યાઘ્ર, નરશ્રેષ્ઠ, એ બધા લોકપાલોની સમક્ષ હું તમને જ વરીશ, એમ કરવાથી તમારો કોઈ દોષ નહીં ગણાય.’

વૈદર્ભીએ આ પ્રકારે નલ રાજાને કહ્યું એટલે રાજા દેવતાઓ જ્યાં હતા ત્યાં ગયા. ઈશ્વર સમેત લોકપાલોએ નલ રાજાને આવતો જોયા અને તેમને બધો વૃત્તાંત પૂછવા લાગ્યા, ‘હે રાજન, તમે શુચિસ્મિતા દમયંતીને જોઈ છે? તેણે અમારા વિશે શું કહ્યું?’

નલ રાજાએ કહ્યું, ‘તમારી આજ્ઞા પ્રમાણે હું દમયંતીના નિવાસે પહોંચ્યો, તે સ્થાન ચારે બાજુ દંડધારી વૃદ્ધોથી ઘેરાયેલું હતું. તમારા પ્રતાપે એ મહેલમાં પ્રવેશ કરતી વખતે વિદર્ભરાજની કન્યા સિવાય કોઈએ મને જોયો નહીં. પછી મેં તેની સખીઓને જોઈ, તેમણે મને ઓળખ્યો. હે દેવગણો, તે બધી મને જોઈને અચરજ પામી, મેં સુંદર મુખવાળી દમયંતી આગળ તમારી વાત કરી, તો પણ તે મને જ વરવા માગે છે. તેણે મને કહ્યું, બધા દેવ તમારી સાથે મારા સ્વયંવર સ્થળે આવે, હું તેમની સામે તમને જ વરીશ. એમ કરવાથી તમને કોઈ દોષ નહીં લાગે. હે લોકપાલો, જે વાત થઈ તે મેં પૂરેપરી તમને કહી સંભળાવી, હવે જેવી તમારી ઇચ્છા.’

ત્યાર પછી રાજા ભીમે શુભ મુહૂર્ત, શુભ કાળ અને તિથિ જોઈને બધા રાજાઓને સ્વયંવરની સભામાં બોલાવ્યા. એટલે બધા રાજા કામપીડિત બનીને દમયંતીને પામવાની ઇચ્છાથી સત્વરે સ્વયંવર સભામાં આવ્યા. જેવી રીતે સિંહોનું ટોળું પર્વતમાં જાય છે તેવી રીતે રાજાઓ સુવર્ણસ્તંભ અને તોરણોવાળા રંગમંડપમાં પ્રવેશ્યા. ઉત્તમ મણિજડિત કંુડળો ધારણ કરી, સુગંધિત માળાઓ પહેરીને અનેક પ્રકારનાં આસનો પર રાજાઓ બેઠા. નાગોથી ભરેલી ભોગવતી પુરીની જેમ અથવા સિંહોથી છવાયેલી પહાડની ગુફા સમાન એ પુરુષોમાં સિંહ રૂપ રાજાઓથી ભરેલી સભા શોભવા લાગી. ત્યાં ભૂમિપાલોના પરિઘ જેવી મોટી મોટી ભુજાઓ આકાર પ્રકારમાં અને રંગમાં અત્યંત સુંદર તથા પાંચ ફણાળા સાપ જેવી દેખાતી હતી. જેવી રીતે આકાશમાં તારા પ્રકાશિત થાય છે તેવી રીતે સુકેશથી વિભૂતિ સુંદર નાક, નેત્ર, ભ્રમરવાળા, રાજાઓનાં મોં શોભતાં હતાં.

ત્યાર પછી સુંદર મુખ ધરાવતી દમયંતી પોતાના રૂપ અને લાવણ્યથી રાજાઓનાં નેત્ર અને મનને લોભાવતી રાજસભામાં પ્રવેશી, તે વેળા તે મહાત્મા રાજાઓની દૃષ્ટિ દમયંતીના જે જે અંગ પર પડી ત્યાં ત્યાં તે આસક્ત થઈ ગઈ, ત્યાંથી વિચલિત થઈ ન શકી. ત્યાર પછી સભામાં બેઠેલા રાજાઓના નામ અને કુલોનાં વર્ણન જાહેર થયાં, દમયંતીએ ત્યાં એક જ આકૃતિવાળા પાંચ પુરુષોને જોયા. ત્યારે વૈદર્ભી તે સર્વને એક જ દેહાકૃતિવાળા જોઈને સંદેહમાં પડી ગઈ, નલ રાજાને તે ઓળખી ન શકી, તે જેની જેની સામે જોતી હતી તેમને નલ જ માનતી હતી. તે ભામિની બુદ્ધિપૂર્વક વિચારવા લાગી. હું કેવી રીતે દેવતાઓને ઓળખું અને કેવી રીતે નલ રાજાને પારખું. વૈદર્ભી આવો વિચાર કરતાં ખૂબ જ દુઃખી થઈ, તેણે અગાઉ દેવતાઓનાં લક્ષણો સાંભળ્યાં હતાં, તેને યાદ કરીને મનોમન કહેવા લાગી, વૃદ્ધો પાસેથી દેવતાઓની જે નિશાનીઓ મેં સાંભળી છે તેમાંની એક પણ ભૂમિ પર બેઠેલા આ દેવોમાં નથી દેખાતી. આમ વારંવાર વિચારીને તેણે મનોમન નિશ્ચય કરી લીધો કે અત્યારે દેવતાઓની શરણાગતિ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. તે હાથ જોડીને વાણી અને મનથી દેવતાઓને નમસ્કાર કરીને કાંપતાં કાંપતાં કહેવા લાગી, ‘મેં જે દિવસથી હંસોની વાત સાંભળી હતી તે દિવસથી નિષધરાજાને પતિ તરીકે સ્વીકારી લીધા હતા. મારા આ સત્યના પ્રભાવથી સાચા નલરાજા દેખાડો, મેં જો મન અને વાણીથી ક્યારેય વ્યભિચારની ઇચ્છા કરી ન હોય તો મારા સત્યના પ્રભાવથી સાચા નલરાજા દેખાડો. જે દેવતાઓએ નૈષધ રાજા નલને મારા પતિ બનાવ્યા છે તે દેવતાઓ સત્યની રક્ષા કરવા સાચા નલરાજા દેખાડો. દેવરાજ ઇન્દ્રની સાથે લોકપાલ પોત પોતાના રૂપને ધારણ કરે. જેથી હું પુણ્યશ્લોક નલરાજાને ઓળખી શકું.’ વિદર્ભકન્યાના શોક અને વિલાપથી ભરેલાં વાક્યો સાંભળીને તથા નલ રાજામાં તેની પ્રીતિ, શુદ્ધ પ્રેમ, મનશુદ્ધિ, બુદ્ધિ, ભક્તિ અને અનુરાગ જોઈને તે દેવતાઓએ દમયંતીને દેવતાઓની ઓળખ થઈ શકે એવી શક્તિ દમયંતીને આપી. દમયંતીએ દેવતાઓની છાયારહિત, પ્રસ્વેદરહિત આકૃતિ જોઈ, તેમનાં નેત્ર પલકારા મારતાં ન હતાં, તેમની માળા ન કરમાય એવી હતી. અને તેઓને ભૂમિનો સ્પર્શ થતો ન હતો. રાજા નલની છાયા પડતી હતી, તેમની માળા કરમાય એવી હતી, તેમને પ્રસ્વેદ થતો હતો, અને તેમની આંખો પલકારા મારતી હતી, તેમનો સ્પર્શ ભૂમિને થતો હતો.

ત્યારે દેવતાઓને અને પુણ્યશ્લોક નલરાજાને પારખીને દમયંતીએ ધર્મપૂર્વક નલ રાજાને પતિ તરીકે પસંદ કર્યા, લજ્જિત થતી થતી દીર્ઘ લોચનવાળી દમયંતીએ વસ્ત્રમાં સાચવેલી માળા કાઢી અને એ અતિ સુંદર માળા નલના ગળામાં આરોપી, આ રીતે તે સુંદર વર્ણવાળી દમયંતીએ નલ રાજાને પતિ તરીકે સ્વીકાર્યા. અન્ય રાજાઓ અચાનક હા હા કરીને કોલાહલ કરવા લાગ્યા. મહર્ષિઓ અને દેવો ‘બહુ સરસ, બહુ સરસ’ કહેતા કહેતા નલની પ્રશંસા કરતી વાણી ઉચ્ચારવા લાગ્યા. ભીમ પુત્રીએ નલની વરણી કર્યા પછી પ્રતાપી લોકપાલોએ રાજા નલને આઠ વર આપ્યા. શચીપતિ(ઇન્દ્ર)એ પ્રસન્ન થઈને યજ્ઞમાં પ્રત્યક્ષ દર્શન આપવાનું અને શુભ ગતિ પ્રાપ્ત કરવાનું વરદાન આપ્યું. હવિષ્ય ખાનારા અગ્નિદેવે વરદાન આપ્યું કે જ્યાં ઇચ્છા કરશો ત્યાં અગ્નિ પ્રગટશે અને પોતાના જેવો તેજસ્વી લોક આપ્યો. યમે વરદાન આપ્યું કે અન્નના ઉત્તમ રસને પારખી શકશો અને ધર્મમાં મતિ રહેશે. વરુણે કહ્યું કે જ્યાં ઇચ્છા થશે ત્યાં જળ પ્રાપ્ત થશે, સુગંધિત માળા આપી. આ પ્રકારે લોકપાલોએ બબ્બે વરદાન આપ્યા. આમ વર આપીને દેવતાઓ સ્વર્ગમાં જતા રહ્યા, બીજા રાજાઓ પણ નલ દમયંતીના વિવાહનો આનંદાનુભવ લઈને વિસ્મય અને પ્રસન્નતાપૂર્વક પોતપોતાના સ્થાને જતા રહ્યા. જેવી રીતે વલાસુર અને વૃત્રાસુરના નાશ કરનારા ઇન્દ્ર શચી સાથે રમણ કરે છે તેવી રીતે પુણ્યશ્લોક મહારાજ નલે પણ આવા નારીરત્ન સાથે વિહાર કર્યો. સૂર્ય સમાન તેજસ્વી નલ રાજા અત્યંત પ્રસન્ન થઈને પ્રજાનું પાલન ધર્મપૂર્વક કરતા રહ્યા. આ ધીમાન્ રાજાએ નહુષપુત્ર યયાતિની જેમ અશ્વમેધ યજ્ઞ અને બીજા દક્ષિણાવાળા યજ્ઞ કરાવ્યા. ત્યાર પછી નલ રાજાએ રમણીય વન તથા ઉપવનોમાં દમયંતી સાથે વિહાર કર્યો. મનુષ્યો તથા વસુધાના સ્વામી નલ રાજા અવારનવાર યજ્ઞ અને વિહાર કરતા વસુથી ભરેલી પૃથ્વીનું પાલન કરવા લાગ્યા.

ભીમપુત્રીનું લગ્ન નલ રાજા સાથે થયા પછી મહાતેજસ્વી લોકપાલ જ્યારે સ્વર્ગમાં જઈ રહ્યા હતા ત્યારે માર્ગમાં તેમણે દ્વાપરની સાથે કલિને આવતો જોયો. વલ અને વૃત્રાસુરનો વધ કરનારા ઇન્દ્રે તેને જોઈને કહ્યું, ‘હે કલિયુગ, તું દ્વાપરની સાથે ક્યાં જાય છે?’ ત્યારે કલિયુગે કહ્યું, ‘મારું મન દમયંતીમાં આસક્ત થયું છે એટલે હું સ્વયંવરમાં જઈને તેને વરીશ.’ એટલે ઇન્દ્રે હસીને કહ્યું, ‘એ સ્વયંવર તો પૂરો થઈ ગયો. અમારા દેખતાં તેણે નલ રાજાને પોતાનો પતિ બનાવ્યો છે.’

ઇન્દ્રનું આવું વચન સાંભળીને ક્રોધે ભરાયેલા કલિએ દેવતાઓને કહ્યું, ‘દેવતાઓની વચ્ચે આ દમયંતીએ એક મનુષ્યને પતિ બનાવ્યો છે, એટલે તેને કઠોર દંડ આપવો રહ્યો.’

કલિયુગની આ વાત સાંભળીને તે દેવોએ ઉત્તર આપ્યો, ‘દમયંતીએ અમારી આજ્ઞાથી નલ સાથે લગ્ન કર્યું છે. સર્વગુણસંપન્ન નલનો આશ્રય લેવાનું પસંદ ન કરે તેવું કોણ? જેણે બધાં વ્રત લીધા છે, જે બધા ધર્મને જાણે છે, જે લોકપાલ સરખા છે, જે નરવ્યાઘ્ર રાજામાં સત્ય, ધૃતિ, જ્ઞાન, તપસ્યા, શુભ વગેરેમાં સ્થિર રહે છે એવા રાજાને હે મૂઢ કલિ, જે શાપ આપવા માગે છે, તે અગાધ નરકમાં ડૂબવાના.’ દેવતાઓ કલિયુગને અને દ્વાપરને આમ કહી સ્વર્ગમાં ચાલ્યા ગયા, દેવતાઓના ગયા પછી કલિયુગે દ્વાપરને કહ્યું, ‘નલ ઉપર મને જે ક્રોધ વ્યાપો છે તેને હું શમાવી શકતો નથી. હું નલમાં રહીશ. હું તેનું રાજ્ય છિનવી લઈશ, દમયંતીની સાથે તે વિહાર કરી નહીં શકે, તું પાસામાં પ્રવેશીને મને સહાય કર.’

પછીથી કલિયુગ દ્વાપરને આમ કહીને નૈષધરાજા હતા ત્યાં આવ્યો. નલ રાજાનું છિદ્ર જોવાની ઈચ્છાથી તે કલિ બહુ દિવસો સુધી ત્યાં રહ્યો, છેવટે બાર વર્ષ પછી કલિયુગે નલ રાજાનું એક છિદ્ર જોયું. એક વેળા નલ રાજાએ મૂત્રત્યાગ કર્યા પછી પગ ધોયા વિના સંધ્યા ઉપાસના કરી; કલિ આ જોઈને તેના શરીરમાં પ્રવેશ્યો.

નલમાં પ્રવેશેલો કલિ બીજું રૂપ લઈને રાજાના ભાઈ પુષ્કર પાસે ગયો અને બોલ્યો, ‘હે પુષ્કર, તું નલની સાથે દ્યૂત રમ, મારી સહાયથી તું પાસાના જુગારમાં નલને જીતી શકીશ. તેને જીતીને નિષધ દેશનું રાજ્ય ભોગવજે.’ કલિયુગે આમ કહ્યું એટલે પુષ્કર નલ પાસે ગયો અને કલિયુગ ગાયોમાં વૃષભ થઈને પુષ્કર સાથે ગયો. શત્રુઓનો સંહાર કરનાર પુષ્કર નલ રાજાની પાસે જઈને વારંવાર કહેવા લાગ્યો, ‘ચાલો ભાઈ, આપણે બંને આ પાસા વડે જુગાર રમીએ.’ મહામના નલ રાજા વૈદર્ભીની આગળ પુષ્કરના આમંત્રણને ખાળી ન શક્યા, તે સમયને જુગાર રમવાનો યોગ્ય અવસર માન્યો. કલિયુગના પ્રતાપે નલ રાજા જુગારમાં સોનું, ચાંદી, વાહનો, વસ્ત્રો દાવ પર લગાવતા રહ્યા. નલ રાજા જુગારમાં એવા ખોવાઈ ગયા કે કોઈ પણ મિત્ર તેમને જુગાર રમતાં અટકાવી ન શક્યા. ત્યારે બધા મંત્રીઓની સાથે નગરજનો રાજાને જોવા અને તેને જુગાર રમતો અટકાવવા આવ્યા. સારથિએ દમયંતીની પાસે જઈને વિનંતી કરી, ‘કોઈ કારણથી બધા નગરવાસીઓ દ્વાર પર ઊભા છે. તમે જઈને મહારાજને કહો, ધર્મ અને અર્થને જાણનારા મહારાજના આ વ્યસનને પ્રજા સાંખી શકતી નથી, એટલે તે દ્વાર આગળ ઊભી છે.’ ત્યારે તે ભીમપુત્રી શોકગ્રસ્ત થઈને આંખોમાં આંસુ આણી ચેતનારહિત થઈને બોલી. ‘હે મહારાજ, મંત્રીઓની સાથે નગરજનો રાજભક્તિથી પ્રેરાઈને તમારું દર્શન કરવા રાજભવનના દ્વારે ઊભા છે, તમે એમને દર્શન આપો.’ આમ તે વાંરવાર બોલી. સુંદર અંગવાળી, આવો વિલાપ કરનારી દમયંતીને નલ રાજાએ કલિયુગના પ્રભાવે કશો ઉત્તર આપ્યો નહીં, ‘આ રાજા નલ નથી રહ્યા’ એમ કહેતા મંત્રી અને નગરજનો દુઃખી અને લજ્જિત થઈને પોતપોતાને સ્થાને જતા રહ્યા. નલ અને પુષ્કરનો આ જુગાર કેટલાય મહિનાઓ ચાલ્યો, પુણ્યશ્લોક નલ રાજા એમાં સતત હારતા રહ્યા. ત્યારે દમયંતીએ પુણ્યશ્લોક નલ રાજાને ઉન્મત્તની જેમ જુગારમાં અત્યંત આસક્ત જોયા. ભીમપુત્રી ભય અને શોકથી સંતપ્ત થઈને રાજાના કલ્યાણની ચિંતા કરવા લાગી. દમયંતીને શંકા થવા લાગી કે રાજા ઉપર ઘોર આપત્તિ આવવાની છે, તેમનું પ્રિય કરવાની ઇચ્છાથી સર્વસ્વ હારી રહેલા નલ પાસે જઈને તેણે પોતાની ધાવને કહ્યું, ‘હે બૃહત્સેના, તું જા અને નલ રાજાની આજ્ઞાથી બધા અમાત્યોને બોલાવ અને પૂછ કે જુગારમાં કેટલું દ્રવ્ય ગયું અને કેટલું બાકી રહ્યું છે.’ ત્યાર પછી નલની આજ્ઞા સાંભળીને ‘અમારું અહોભાગ્ય છે’ એમ કહેતાં મંત્રીઓ પાછા આવ્યા. ત્યારે ભીમસૂતાએ નલને કહ્યું, ‘તમારી બધી પ્રજા બીજી વાર આવી છે.’ પરંતુ નલ રાજાએ તેની વાત સાંભળી નહીં. તે પોતાના વચનની, ઉપેક્ષા કરનારા પતિની એ અવસ્થા જોઈને લજ્જિત થઈને પોતાના આવાસમાં ચાલી ગઈ. ત્યાં જઈને સાંભળ્યું કે પાસાં પુણ્યશ્લોક નલ રાજાથી વિમુખ થઈ ગયા છે અને રાજા સર્વસ્વ હારી ગયા છે, ત્યારે તેણે ધાત્રીને ફરી કહ્યું, ‘હે બૃહત્સેના, તું જા અને નલની આજ્ઞાથી સારથિ વાર્ષ્ણેયને બોલાવી લાવ. હે કલ્યાણી, બહુ વિનાશક સમય આવી પહોંચ્યો છે.’ બૃહત્સેના દમયંતીની વાત સાંભળીને બીજા પુરુષોની સાથે વાર્ષ્ણેયને બોલાવી લાવી. વાર્ષ્ણેયને આવેલો જોઈ દેશકાળને જાણનારી અનિંદિતા દમયંતી મીઠાં વચને સમયોચિત બોલી, ‘તું તો જાણે છે કે રાજા તારી સાથે નિત્ય યોગ્ય વર્તાવ કરતા હતા, અત્યારે વિષમ સ્થિતિમાં આવી પડેલા રાજાને સહાય કરો. પુષ્કરની સાથે જુગાર રમતા રાજા જેમ જેમ હારતા જાય છે તેમ તેમ તેમનો દ્યૂતરાગ વધુ ને વધુ ગાઢ થાય છે, જેમ જેમ પુષ્કરનાં પાસાં તેને વશ વર્તે છે તેમ તેમ નલનાં પાસાં અવળાં પડે છે. રાજા મોહવશ થઈને પોતાના સુહૃદ્ જનોની વાત પણ કાને ધરતા નથી. મને લાગે છે કે મહાત્મા નૈષધનું કશું જ બચશે નહીં. મોહવશ થયેલા રાજા મારી વાત સાંભળતા નથી. હે સારથિ, હું તારા શરણે છું. સાંભળ, મને જાણ નથી કે ક્યારે અમારો વિનાશ થશે, તું નલના પ્રિય મહા વેગવાળા અશ્વોને જોડીને આ દીકરા દીકરીને કંુડિનનગર લઈ જા. આ બાળકો, રથ અને અશ્વોને મારા પિતાને ત્યાં મૂકીને તું ત્યાં જ રહેજે, અથવા જ્યાં જવું હોય ત્યાં જજે.’ નલના સારથિ વાર્ષ્ણેયે દમયંતીનું એ વચન સાંભળીને નલ રાજાના અમાત્યોને એ વાતો કહી. તેમણે એકી અવાજે તેને એવી જ આજ્ઞા આપી. એટલે સારથિ પુત્રપુત્રીને રથમાં બેસાડી વિદર્ભનગર જતો રહ્યો.

ઇન્દ્રસેના, ઇન્દ્રસેન, ઘોડા તથા ઉત્તમ રથને ત્યાં જ મૂકીને સારથિ રાજા ભીમની આજ્ઞા લઈને રાજાના શોકે દુઃખી થઈને અયોધ્યા નગરીમાં આવ્યો. તે સારથિ દુઃખી થઈને ઋતુપર્ણ રાજા પાસે ગયો અને ત્યાં સારથિ તરીકે કામ કરવા લાગ્યો. વાર્ષ્ણેય સારથિના ગયા પછી પુષ્કરે આખું રાજ્ય, બચેલું ધન લઈ લીધું. રાજ્ય હારી બેઠેલા નલને પુષ્કરે હસતાં હસતાં કહ્યું, ‘ફરી જુગાર રમો, હવે તમે દાવમાં શું મૂકશો? તમારું બધું ધન મેં લઈ લીધું છે, એક દમયંતી બચી ગઈ છે, જો યોગ્ય લાગતું હોય તો દમયંતીને બાજી પર મૂકી જુઓ.’ પુષ્કરનું વચન સાંભળીને પુણ્યશ્લોક નલનું હૃદય ક્રોધથી ફાટવા લાગ્યું, પણ તેઓ કશું કહી ન શક્યા. મહાક્રોધી, મહાયશસ્વી નલ રાજાએ પોતાના શરીર પરથી બધાં આભૂષણો ઉતારી મૂક્યાં. માત્ર એક વસ્ત્ર પહેરીને, મિત્રોનો શોક વધારીને રાજા વિપુલ લક્ષ્મી ત્યજીને વનમાં ચાલી નીકળ્યા. દમયંતી પણ એકવસ્ત્રા બનીને તેમની પાછળ પાછળ ચાલી નીકળી. નલ દમયંતીને લઈને ત્રણ રાત્રિદિવસ નગર બહાર રહ્યા. ત્યારે પુષ્કરે નગરમાં ઘોષણા કરી કે જે નલની સાથે સારો વર્તાવ કરશે તેનો હું વધ કરીશ. પુષ્કરનું એવું વચન સાંંભળીને તથા નલ પરનો દ્વેષભાવ જોઈને કોઈ નગરજને નલરાજાનો સત્કાર ન કર્યો. સત્કારપાત્ર હોવા છતાં સત્કાર ન મેળવીને નલ રાજા ત્રણ દિવસ માત્ર પાણી પીને નગરની પાસે રહ્યા.

બહુ દિવસો વીત્યા પછી એક દિવસ નલ રાજા ભૂખે વ્યાકુળ થઈ ગયા, ત્યારે તેમણે સુવર્ણ જેવી પાંખવાળા પક્ષીઓને જોયાં. ત્યારે નિષધપતિએ વિચાર્યું, આજે આ પક્ષી મારું ભક્ષ્ય બનશે અને ધન આપનાર પણ થશે. ત્યારે નલે પહેરેલું વસ્ત્ર ઉતારીને પક્ષીઓ પર નાખી દીધું. પણ એ પક્ષીઓ નલનું વસ્ત્ર લઈને આકાશમાં ઊડી ગયાં. આકાશમાં ઊડી ગયેલાં એ પક્ષીઓ નગ્ન, દીન, નીચું મોં કરીને બેઠેલા નલ રાજાને કહેવા લાગ્યા, ‘હે દુર્બુદ્ધિ, તારું વસ્ત્ર હરી જનારાં અમે પાસાં છીએ, તું વસ્ત્ર પહેરીને ગયો તે અમને ગમ્યું ન હતું.’

તે પાસાંને અદૃશ્ય થતાં જોઈને અને પોતાને વસ્ત્રહીન જોઈને પુણ્યશ્લોક નલ રાજા દમયંતીને કહેવા લાગ્યા, ‘હે અનિંદિતા, જે પાસાંના પ્રકોપથી હું ઐશ્વર્યથી ભ્રષ્ટ થયો, હું અત્યારે ભૂખે વ્યાકુળ છું, પ્રાણ બચાવવા માટે મને કશું જ પ્રાપ્ત થતું નથી. જેને કારણે કોઈ નૈષધવાસીએ મારો સત્કાર નથી કર્યો તે જ પાસાં આજે પક્ષીઓ બનીને મારું વસ્ત્ર પણ છિનવી ગયાં. અત્યંત કઠોર આપત્તિમાં મુકાયો છું. અને મૂચ્છિર્ત થઇ રહ્યો છું, હું તારો પતિ છું, તો મારાં હિતકારી વચન સાંભળ, અહીંથી અનેક માર્ગ ઋક્ષવાન પર્વત અને અવન્તીને વટાવીને દક્ષિણાપથ તરફ જાય છે. અહીં જ સમુદ્રને મળનારી પયોષ્ણી નદી છે અને મહા પર્વત વિન્ધ્ય છે. ફૂળફૂલથી સમૃદ્ધ ઋષિઓના આશ્રમો છે. આ માર્ગ વિદર્ભ તરફ જાય છે અને આ માર્ગ કોસલ તરફ જાય છે. એની આગળ દક્ષિણ દેશ છે, આ દક્ષિણનો માર્ગ છે.’

ત્યારે દમયંતી અશ્રુ સારતી દુઃખે વ્યાકુળ બનીને નિષધનરેશને કરુણ વચન કહેવા લાગી, ‘હે મહારાજ, તમારા સંકલ્પનો વારે વારે વિચાર કરીને મારું હૃદય છળી મરે છે, બધાં અંગ શિથિલ થઈ જાય છે, રાજ્યહીન, વસ્ત્રહીન, ધનહીન, ક્ષુધાપીડિત એવા તમને આ વિજન વનમાં એકલા મૂકીને હું કેવી રીતે જઉં? આ ઘોર વનમાં ચાલતાં ચાલતાં જ્યારે થાકી જશો, ભૂખતરસ અને ચિંતાથી વ્યાકુળ થશો ત્યારે તમારા સુખ નિમિત્તે હું તમારો થાક દૂર કરીશ, હું તમને સત્ય કહું છું કે વૈદ્યોના અભિપ્રાય પ્રમાણે બધાં જ દુઃખોમાં સ્ત્રી સમાન કોઈ ઔષધ નથી.’

નલ રાજાએ કહ્યું, ‘હે સુમધ્યમા દમયંતી, તું જે કહે છે તે સત્ય છે, દુઃખી પુરુષ માટે સ્ત્રીના જેવી કોઈ ઔષધિ નથી. હે અનિંદિતા, હું તારો ત્યાગ કરવા માગતો નથી, પ્રાણત્યાગ કરી શકું છું પરંતુ તારો ત્યાગ નહીં, હે ભીરુ, શંકા ન કર.’

દમયંતીએ કહ્યું, ‘હે મહારાજ, જો તમે મારો ત્યાગ કરવા માગતા નથી તો વિદર્ભ દેશનો માર્ગ કેમ બતાવી રહ્યા છો? હે ભૂપતિ, હું જાણું છું કે તમે મારો ત્યાગ કરવાના નથી પરંતુ તમારું ચિત્ત આ ઘોર આપત્તિએ અસ્વસ્થ કરી મૂક્યું છે, એટલે તમે મારો ત્યાગ કરો પણ ખરા. હે નરોત્તમ, તમે મને વારે વારે વિદર્ભ દેશનો માર્ગ બતાવી રહ્યા છો, એટલે મારો શોક તમે વધારી રહ્યા છો. હે રાજન, જો તમારી એવી ઇચ્છા હોય કે હું મારા પિતાને ત્યાં જતી રહું તો આપણે બંને સાથે વિદર્ભ દેશ જઈએ. હે માનવંતા, વિદર્ભરાજ ત્યાં તમારો ખૂબ જ સત્કાર કરશે અને તમારું સમ્માન કરશે, તમે અમારા ઘરમાં સુખેથી રહી શકશો.’

આ સાંભળી નલે કહ્યું, ‘વિદર્ભનું રાજ્ય જેવી રીતે તારા પિતાનું છે તેવી રીતે તે મારું પણ છે, પણ વિષમ પરિસ્થિતિમાં હું ત્યાં ન જઉં. હું અત્યંત સમૃદ્ધ અવસ્થામાં ત્યાં જઈને તારા આનંદની વૃદ્ધિ કરતો હતો, હવે રાજ્ય જતું રહેવાથી દુઃખી થઈને તારો શોક કેવી રીતે વધારું?’ નલ રાજા એમ કહીને અડધા વસ્ત્રથી પોતાના શરીરને ઢાંકીને કલ્યાણી દમયંતીને વારે વારે શાંત કરવા લાગ્યા. તે બંને ભૂખતરસ થાકથી વ્યાકુળ થઈને એક જ વસ્ત્ર ઓઢીને આમતેમ રખડતા કો એક સ્થળે આવ્યા અને ત્યાં જ થાકીને રોકાઈ ગયા. નિષધરાજ એ સ્થળે પહોંચીને વૈદર્ભી સાથે જમીન પર બેસી ગયા. વસ્ત્ર વગરના, ધૂળથી ખરડાયેલા, છૂટા કેશવાળા મહારાજ નલ દમયંતીની સાથે જ ધરણી પર સૂઈ ગયા. ત્યાર પછી કલ્યાણી, તપસ્વિની, સુકુમારી દમયંતી દુઃખથી વ્યાકુળ બનીને ગાઢ નિદ્રામાં સરી પડી. દમયંતી સૂઈ ગઈ પરંતુ શોકસંતપ્ત આત્માવાળા નલ રાજાને પહેલાંની જેમ નિદ્રા ન આવી, રાજ્યનું અપહરણ, સુહૃદ મિત્રોનો ત્યાગ અને વનમાં નિવાસ જેવી આપત્તિઓથી ચિંતાતુર થઈ ગયા. તે વિચારે ચઢ્યા, ‘હું આમ કરીશ તો શું થશે? ન કરું તો શું થશે? હું મૃત્યુ પામું તે ઉત્તમ કે સ્વજનનો ત્યાગ કરવો ઉત્તમ? આ ઉત્તમ પત્ની મારા કારણે દુઃખી થઈ રહી છે એમાં તો સંશય નથી. આ મારામાં અનુરક્ત બનીને મારા માટે જ દુઃખ ઉઠાવી રહી છે, જો એ મારીથી વિખૂટી પડે તો કદાચ સ્વજનોને ત્યાં જઈ શકે. મારી સાથે રહીને તો આ દુઃખી જ થવાની. એને ત્યાગવાથી એ દુઃખી તો થશે, કદાચ તે સુખી પણ થાય.’ નલ રાજાએ વારંવાર વિચાર કરી નિશ્ચય કર્યો, દમયંતીનો ત્યાગ કરવામાં તેમણે કલ્યાણ જોયું. રાજાએ પોતાને વસ્ત્રહીન જોયો અને તેને વસ્ત્ર ઓઢેલી જોઈ, તેનું અડધું વસ્ત્ર ફાડવાનો વિચાર કર્યો. વસ્ત્ર ફાડતી વેળાએ રાજાએ વિચાર કર્યો કે હું મારી પ્રિયાનું અડધું વસ્ત્ર ફાડું કેવી રીતે? તે જાગી જવી ન જોઈએ, એમ વિચારીને તે ત્યાં આમતેમ ફરવા લાગ્યા. વનમાં આમતેમ ઘૂમતાં ઘૂમતાં નલ રાજાએ એક ઉત્તમ ઉઘાડી તલવાર જોઈ, તે પરંતપ (શત્રુનાશક) રાજાએ તલવાર વડે વૈદર્ભીનું અડધું વસ્ત્ર ફાડી કાઢ્યું અને તેને સૂતેલી જ મૂકીને તેઓ ચાલી નીકળ્યા. થોડે દૂર જઈને પત્નીમાં નિબદ્ધ હૃદયવાળા રાજા ફરી ત્યાં પાછા આવ્યા અને દમયંતીને જોઈને ખૂબ જ રડ્યા. તેઓ વિચારવા લાગ્યા, મારી આ પ્રિયાને સૂર્ય અને વાયુ પણ જોઈ શકતા ન હતા તે આજે અનાથ બનીને ભૂમિ પર સૂઈ ગઈ છે. આ ચારુહાસિની, સુંદર મુખવાળી પોતાનું અડધું વસ્ત્ર પહેરીને સૂઈ રહી છે. તે જ્યારે જાગશે ત્યારે કેવી ઉન્મત્ત બની જશે? આ સતી ભીમસૂતા મારો વિરહ વેઠતા આ હિંસક પશુઓ અને સાપોથી ભરેલા ઘોર વનમાં કેવી રીતે ઘૂમશે? નલ રાજા પહેલાં કલિથી ખેંચાઈને દૂર દૂર જતા રહેતા હતા અને પછી પ્રેમથી ખેંચાઈને વારે વારે ત્યાં પાછા આવતા હતા. તે વેળા નલ રાજાનું હૃદય ફાટીને બે ટુકડાઓમાં વહેંચાઈ જતું હતું, જેવી રીતે કોઈ ઝૂલો આમ જાય, તેમ જાય, તેવી જ રીતે રાજા ક્યારેક દૂર જતા રહેતા હતા, ક્યારેક નજીક આવી જતા હતા. છેવટે કલિથી મોહ પામીને, ખેંચાઈને પોતાની પ્રિય ભાર્યાને વનમાં સૂતેલી મૂકીને કરુણાપૂર્વક વિલાપ કરતાં કરતાં ચાલ્યા ગયા. નષ્ટ આભાવાળા, કલિ દ્વારા વશીભૂત નલ રાજા મનમાં ઊઠતા વિચારોને ગણકાર્યા વિના નિર્જન વનમાં ભાર્યાને ત્યજીને જતા રહ્યા.

નલ રાજાના ગયા પછી થાક ઊતર્યો એટલે ઉત્તમ મુખવાળી દમયંતી જાગી અને નિર્જન વનમાં પોતાને એકલી જોઈને તે છળી મરી. વનમાં પોતાના ભર્તાને ન જોયા એટલે શોક અને દુઃખથી વ્યાકુળ બનીને ‘હે મહારાજ, હે નૈષધરાજ’ કહેતી આક્રોશપૂર્વક ચીસો પાડવા લાગી. ‘હા નાથ, હા મહારાજ, હા સ્વામી, શું તમે મને ત્યજી દીધી? અરે હું મરી ગઈ, નષ્ટ થઈ ગઈ, આ નિર્જન વનમાં મને બહુ બીક લાગે છે, હે મહારાજ, તમે ધર્મજ્ઞ છો, સત્યવાદી છો, તો પછી અસત્ય વચન બોલીને મને સૂતેલી મૂકી ક્યાં જતા રહ્યા? આ શૂન્ય વનમાં તમારા વશમાં રહેનારી, પતિવ્રતા ભાર્યાને ત્યજીને કેવી રીતે જતા રહ્યા? હે મહારાજ, મેં તમારા પર કોઈ અપકાર કર્યો ન હતો, બીજાઓએ જ તમારા પર અપકાર કર્યો છે. હે નરેશ્વર, પૂર્વે તમે લોકપાલો સમક્ષ મારા વિશે જે કહ્યું હતું તે વચનોને સત્ય કરો. હે પુરુષસિંહ, હે દુર્ઘષ આ પરિહાસ બસ થયો. હું આ વનમાં ખૂબ જ ભયભીત છું, તમે શીઘ્ર દર્શન આપો. હે નૈષધરાજ, આ તમે રહ્યા, આ તમે રહ્યા, ક્યાંક સંતાઈને બેઠા છો, લતાઓથી જાતને સંતાડીને મારી સાથે વાતો કેમ કરતા નથી? હે રાજેન્દ્ર, તમે નિર્દય છો, અહીં આ પ્રકારે આવેલીને, વિલાપ કરતીને આલિંગન આપીને ધૈર્ય કેમ નથી બંધાવતા? હે રાજા, મને મારી કશી ચિંતા નથી, બીજા કશાનો શોક નથી, તમે આ એકાંત દશામાં શું કરતા હશો તેની ચિંતા છે. ભૂખતરસ ને થાકથી વ્યાકુળ થઈને સાંજે વૃક્ષના મૂળિયા આગળ બેઠા હશો ત્યારે મને ન જોઈને તમારી કેવી દશા થતી હશે?’

ત્યાર પછી દમયંતી તીવ્ર શોકથી વ્યાકુળ થઈને ક્રોધથી પ્રદીપ્ત થઈ ઊઠી, દુઃખી થઈને આમતેમ દોડવા લાગી. તે ક્યારેક ઊભી થતી તો ક્યારેક પડી જતી, ક્યારેક ભયથી છુપાઈ જતી, ક્યારેક રડતી તો ક્યારેક આક્રોશ વ્યક્ત કરતી હતી. આ પ્રકારે તીવ્ર શોકથી ત્રસ્ત થઈને પતિવ્રતા ભીમસૂતા વારેવારે વિહ્વળ થઈને નિ:શ્વાસ નાખતી વનમાંથી નીકળીને કહેવા લાગી, ‘જેના અભિશાપથી નૈષધ રાજાને આટલું બધું દુઃખ ભોગવવું પડે છે તેને નલ રાજાથી પણ વધારે દુઃખ પડશે. જે પાપીએ નિષ્પાપ નલને આટલું બધું દુઃખ આપ્યું છે તે મારા શાપથી આનાથી પણ વધારે દુઃખી થઈને જીવન વીતાવે.’

આ પ્રકારે મહાત્મા નલની ભાર્યા વિલાપ કરતી સિંહ જેવાં પ્રાણીઓથી ભરેલા વનમાં પોતાના પતિને શોધવા લાગી. તે વેળા ભીમસૂતા ઉન્મત્ત બનીને હા રાજન, હા રાજન, એમ કહેતી તે વનમાં આમતેમ ભમવા લાગી. ટિટોડીની જેમ રડતી, અતિ અધિક શોક કરતી, ઘૂમતી અને વારંવાર કરુણાથી વિલાપ કરતી, જંગલમાં જઈ ચઢી અને તે ભીમસૂતાને ભૂખે વ્યાકુળ એક મોટા અજગરે પકડી લીધી. અજગર તેનો ગ્રાસ કરવા જતો હતો ત્યાં શોકથી વ્યાકુળ થયેલી તે પોતાના માટે જેટલો શોક કરતી હતી તેનાથી વધુ નૈષધ માટે કરતી હતી, ‘હે નાથ, આ વનમાં અજગર મને અનાથને ગ્રસી રહયો છે ત્યારે મારી રક્ષા માટે તે કેમ આવતા નથી? હે રાજન, જ્યારે તમે આ પાપમાંથી મુક્ત થશો ત્યારે ધન, રાજ્ય અને બુદ્ધિને પ્રાપ્ત કરશો ત્યારે તમે જીવિત કેવી રીતે રહેશો? હે સમ્માનનીય રાજશાદૂર્લ, તમે થાકેલા હશો, ભૂખે પીડાતા હશો અને ગ્લાનિમય હશો ત્યારે તમારો શ્રમ કોણ દૂર કરશે?’

આ પ્રકારે રડતીકકળતી દમયંતીના વચન સાંભળીને તે ગહન વનમાં ઘૂમતો કોઈ વ્યાધ તેની તરફ દોડ્યો. તે વિશાળ નેત્રોવાળીને અજગર પોતાનો ગ્રાસ બનાવી રહ્યો છે તે જોઈને પેલો વ્યાધ વધુ ત્વરાથી દોડ્યો, તેણે પોતાના તીક્ષ્ણ શસ્ત્રથી અજગરનું માથું વાઢી નાખ્યું. ત્યાર પછી મૃગોને મારીને જીવન ગુજારનાર તે શિકારીએ નિર્જીવ અજગરને કાપી નાખ્યો. દમયંતીને અજગરના મોઢામાંથી છોડાવીને સ્નાન કરાવ્યું. થોડું ખવડાવ્યું અને આશ્વસ્ત કરીને પૂછ્યું, ‘મૃગશાવકના જેવી આંખોવાળી, તું કોણ છે? આ ઘોર વનમાં તું કેવી રીતે આવી પહોંચી છે? હે ભામિની, તું આ મહા આપત્તિમાં કેવી રીતે મુકાઈ?’

તેણે આમ પૂછ્યું એટલે દમયંતીએ તેને પોતાની આખી કથા કહી સંભળાવી. ત્યાર પછી તે અર્ધવસ્ત્રા, ઉન્નત સ્તનવાળી, સુંદર નિતંબોવાળી, કોમલાગી, અનિંદિત અંગોવાળી, પૂર્ણચંદ્ર જેવા મુખવાળી, બંકિમ ભ્રમરવાળી, તથા મધુર ભાષિણીને જોઈને વ્યાધ કામવશ બની ગયો.

ત્યાર પછી કામાંધ વ્યાધ ભામિનીને મૃદુ અને લુબ્ધ વાણી વડે સાંત્વન આપવા લાગ્યો. દમયંતી તે વ્યાધની ઇચ્છા પામી ગઈ. દુષ્ટને કામાંધ બનેલો જોઈ પતિવ્રતા દમયંતીમાં તીવ્ર ક્રોધ વ્યાપ્યો અને ક્રોધથી જાણે સળગી ગઈ. તે પાપિષ્ઠ, ક્ષુદ્ર શિકારી તેના પર બળાત્કાર કરવા વ્યાકુળ બન્યો, પણ તેને દમયંતી પ્રદીપ્ત અગ્નિશિખા જેવી દુર્ઘષ લાગવા માંડી. દુઃખી, પતિ, રાજ્ય વિનાની દમયંતીએ તે દુષ્ટને વાણી દ્વારા રોકી નહીં શકાય એમ માનીને ક્રોધે ભરાઈને શાપ આપ્યો, ‘જો મેં નિષધરાજ સિવાય મનથી પણ કોઈનો વિચાર ન કર્યો હોય તો આ ક્ષુદ્ર શિકારી અત્યારે જ પ્રાણ ગુમાવીને પૃથ્વી પર પડી જાય.’

દમયંતી આટલું બોલી ત્યાં તો પશુઓ પર જીવન ટકાવતો તે વ્યાધ અગ્નિથી સળગી ઊઠેલા વૃક્ષની જેમ નીચે પડી ગયો. કમલ જેવી આંખોવાળી ભામિની વ્યાધને માર્યા પછી ભયથી વ્યાકુળ બનીને નિર્જન અને ઝિલ્લીધ્વનિથી ભરચક વનમાં ઘૂમવા લાગી. તે વન સિંહ, વાઘ, વરાહ, રીંછ જેવાં પ્રાણીઓથી ભરચક તથા અનેક પ્રકારનાં પક્ષીઓવાળું, મલેચ્છ તથા ચોરોથી ભરેલું હતું. સાલ, વાંસ, ધવ, પીપળો, તિન્દુુક, ઈંગુદી, કેસૂડો, અર્જુન, અરિષ્ટ, ચંદન, શીમળો, જાંબુ, આંબા, લોધ્ર, ખેર, નેતર, કાશ્મીરી આંબળા, બીલી, વડ, પ્રિયાલ, તાડ, ખજૂરી, હરડે, બહેડા જેવાં વૃક્ષોવાળું; અનેક પ્રકારની ધાતુઓથી ચિતરેલા વિવિધ પર્વત, પક્ષીઓનાં કૂજનવાળા ગાઢ કુંજ, તથા અદ્ભુત કંદરાઓ, નદીઓ, સરોવરો, વાવ, વિવિધ પ્રાણીઓ પક્ષીઓથી તે વન ભરચક હતું. આવાં વન તથા ઘોર, પિશાચ, સાપ, રાક્ષસો, થોડા જળવાળા તથા ભરચક જળવાંળા સરોવરો, પર્વતસમૂહો તથા નદીઓ, ઝરણાં તેણે જોયાં. વિદર્ભરાજની પુત્રીએ અહીં પાડા, વરાહ, રીંછ, વાનર અને સાપનાં ઝુંડ જોયાં, તેજ, યશ, સૌંદર્ય અને પરમ ધૈર્યવાળી વૈદર્ભી નલ રાજાને શોધતી વનમાં એકલી ભમવા લાગી. તે ભીમસૂતા આ પ્રકારે ઘોર વનમાં ઘૂમતી હોવા છતાં કોઈનાથી ભય ન પામી. એક દિવસ શોકથી અત્યંત વ્યાકુળ શરીરવાળી પતિના વિરહમાં શિલા પર બેસીને વિલાપ કરવા લાગી.

‘હે નિષધરાજ, સિંહ જેવા ઊંચા ખભાવાળા મહાબાહુ, મને આ નિર્જન વનમાં એકલી મૂકીને ક્યાં ચાલ્યા ગયા? હે નરવ્યાઘ્ર, પુષ્કળ દાનદક્ષિણાવાળા અશ્વમેધ જેવા યજ્ઞ કરીને મારી સાથે મિથ્યા વ્યવહાર કેમ કરો છો? હે નરવ્યાઘ્ર, બધાનું કલ્યાણ કરવાવાળા રાજાઓમાં અને મનુષ્યોમાં શ્રેષ્ઠ, તેજસ્વી નલ, મારી સામે જે બોલ્યા હતા તે પાળી બતાવો. જે કંઈ હંસોએ કહ્યું હતું અને તેમણે મારી આગળ જે કહ્યું હતું તે યાદ કરો, હે માનવશ્રેષ્ઠ, એ તો નિશ્ચિત છે કે અંગ, ઉપાંગ અને વિસ્તારપૂર્વક ચાર વેદોનું અધ્યયન એક બાજુ, અને બીજી બાજુ સત્યવચન — તો સત્ય જ ચઢી જાય. એટલે હે નરેશ્વર, તમે મારી સામે જે વચન કહ્યાં હતાં તે સાચાં પાડી બતાવો. હા વીર નલ રાજા, હું તમારી અત્યંત પ્રિય હતી. આ ઘોર અટવીમાં, તમે મારી સાથે બોલતા કેમ નથી? ભયાનક આકૃતિવાળો આ સિંહ ભૂખે વ્યાકુળ થઈને મને બીવડાવી રહ્યો છે, તમે મારી રક્ષા કેમ કરતા નથી? હે કલ્યાણકારી, તમે મને કહ્યા કરતા હતા કે સુભગા, તારા સિવાય મને કોઈ બીજું પ્રિય નથી. હવે એ પેલાં વચનોને સાચાં પાડો. હે નરાધિપ, હું તમારી પ્રિય ભાર્યા ઉન્મત્ત બનીને વિલાપ કરી રહી છું, તમે તો સદા મને ચાહતા હતા તો હવે મારી સાથે કેમ બોલતા નથી? હે પૃથ્વીપતિ, આજે અડધું વસ્ત્ર પહેરેલી, કૃશ, દીન, ફિક્કી, મલિન અનાથ એવી હું વિલાપ કરી રહી છું, હે મોટી આંખોવાળા રાજન, ઝુંડથી છૂટી પડેલી હરિણીની જેમ રડી રહી છું. મારી સહાય કેમ નથી કરતા? મહારાજ, આ મહા અરણ્યમાં હું એકલી, તમારી પતિવ્રતા પત્નીને તમે ઉત્તર કેમ આપતા નથી? હે નરોત્તમ, ઉત્તમ કુળમાં જન્મેલા, શીલયુક્ત, ઉત્તમ અંગોવાળા તમને આજે હું આ પર્વતમાં, સિંહ-વાઘથી ભરેલા ઘોર વનમાં જોતી નથી. મારા શોકમાં વૃદ્ધિ કરનારા નરશ્રેષ્ઠ, તમે ક્યાં સૂતા છો? ક્યાં બેઠા છો? ક્યાં ઊભા છો? ક્યાં ચાલ્યા ગયા છો? આ વાત દુઃખથી વ્યાકુળ, તમારા શોકમાં કંતાઈ ગયેલી હું કોને પૂછું કે તમે નલ રાજાને ક્યાંક જોયા છે ખરા?

‘કોણ મને કહેશે કે હા, મેં આ વનમાં ક્યાંક સુંદર, મહાત્મા, શત્રુઓના વ્યૂહનો નાશ કરનારા રાજા નલને જોયા છે. કમલ સમાન નેત્રવાળા જે નલરાજાને તું શોધે છે તે નલ તો આ રહ્યા, આવી મધુર વાણી કોની પાસેથી સાંભળીશ? આ ચાર દાઢવાળો અને મોટી હડપચીવાળો વનરાજ મારી સામે જ આવી રહ્યો છે, હું શંકા વિનાની થઈને તેને પૂછીશ, ‘હે મૃગરાજ, તમે વનના સ્વામી છો, હું વિદર્ભરાજની કન્યા દમયંતી છું, હું શત્રુનાશક, નિષધરાજ નલની સ્ત્રી છું, પતિને શોધવા નીકળેલી, શોકથી પિડાતી એવીને આગળ આવીને સાંત્વન આપો કે મેં નલને જોયા છે. હે વનરાજ, જો તમે નલ રાજાના સમાચાર આપી ન શકો તો મને જ ખાઈ જાઓ, મારા જેવી દુઃખીને શોકમુક્ત કરો. આ વનમાં મને રડતીકકળતી સાંભળીને આ મૃગરાજ સાગરની દિશામાં જનારી, મીઠા જળથી ભરેલી નદી બાજુ જઈ રહ્યો છે. બહુ ઊંચા હોવાને કારણે આકાશને અડકનારા, અનેક વર્ણોથી યુક્ત એવા મનોરમ પર્વતને પૂછું છું. અનેક ધાતુઓથી ભરેલા, અનેક પથ્થરોથી સુશોભિત આ પર્વત આ મહાન વનની ઊડતી ધ્વજા જેવો લાગે છે. આ વન સિંહ, શાર્દૂલ, માતંગ (હાથી), વરાહ, રીંછ, હરણોથી ભરચક તથા અનેક પ્રકારનાં પંખીઓનાં કૂજનવાળું છે. કેસૂડો, અશોક, બકુલ, પુન્નાગ વગેરે વૃક્ષોથી શોભતું, પક્ષીઓ સાથે નદીઓ અને પર્વતશિખરોથી શોભતા આ ગિરિરાજને જ રાજાના સમાચાર પૂછું. હે ભગવન્, દિવ્ય દર્શનવાળા, શરણદાતા કલ્યાણ રૂપ પર્વતરાજ, તમને મારા નમસ્કાર, હું રાજપુત્રી, રાજવધૂ, નલરાજાની પત્ની દમયંતી છું, તમને મારા પ્રણામ, ચારે વર્ણને રક્ષનારા વિદર્ભનરેશ, ભીમ રાજા મારા પિતા છે. દક્ષિણાવાળા અશ્વમેધ, રાજસૂય યજ્ઞ કરનારા, રાજાઓમાં શ્રેષ્ઠ, વિશાળ શરીર અને સુંદર નેત્રવાળા, બ્રાહ્મણભક્ત, ઉત્તમ ચરિત્ર, સત્યવાદી, બધાનું કલ્યાણ ઇચ્છનાર, શીલવાન, લક્ષ્મીવાન, ધર્મજ્ઞ, પવિત્ર, વિદર્ભ દેશના રક્ષક તથા બધા શત્રુઓને જીતનારા સામર્થ્યવાન રાજા ભીમ, હું તમારી પાસે ઊભી છું, હું તેમની પુત્રી છું. હે મહાશૈલ, નિષધ દેશના રાજા પોતાના નામ જેવા ગુણ ધરાવતા વીરસેન મારા સસરા છે. એ રાજાના પુત્ર, વીર, શ્રીમાન, સત્ય પરાક્રમી, પિતાનું રાજ્ય પાળે છે; જે શત્રુનાશક છે, પુણ્યશ્લોક છે, બ્રાહ્મણભક્ત છે, વેદપારંગત છે, પંડિત છે, ધર્મકર્તા છે, સોમપાન કરનારા છે, અગ્નિહોત્રી છે, તે નલ નામથી જાણીતા છે. તેઓ યજ્ઞકર્તા, દાતા, યોદ્ધા, પૃથ્વીપાલક છે, હે પર્વતરાજ, હું તેમની પત્ની તમારે ત્યાં આવી છું. લક્ષ્મીથી ભ્રષ્ટ પતિથી ત્યજાયેલી, અનાથ, દુઃખે વ્યાકુળ, હું મનુષ્યશ્રેષ્ઠ પતિને શોધતી અહીં આવી છું. હે પર્વતશ્રેષ્ઠ, આ આકાશને સ્પર્શનારાં ઊંચાં ઊંચાં શિખરોથી ઘેરાયેલા આ ઘોર વનમાં તમે નલરાજાને જોયા છે? મારા પતિ ગજેન્દ્ર સરખા પરાક્રમી, બુદ્ધિમાન, દીર્ઘબાહુ, ક્ષમાવાન, સત્યપાલક, ધૈર્યવાન, યશસ્વી નિષધરાજ મહાત્મા નલને તમે જોયા છે? હે પર્વતશ્રેષ્ઠ, તમારી પુત્રી જેવી દુઃખી અને એકલી વિલાપ કરતી મને તમે વાણી વડે ધીરજ કેમ નથી આપતા? હે વીર, હે તેજસ્વી, હે ધર્મજ્ઞ, આ વનમાં જો તમે સંતાયા હો તો મને દર્શન આપો. હું નલ રાજાની સ્નિગ્ધ, ગંભીર, અમૃત સમાન વાણી ક્યારે સાંભળીશ? હું નલ રાજાની શુભ, વેદમય, સત્યયુક્ત, મારા શોકનો નાશ કરનારી ‘વૈદર્ભી’ કહીને બોલાવતી વાણી ક્યારે સાંભળીશ?’ દમયંતી તે પર્વતરાજને આવાં વચન કહીને ઉત્તર દિશામાં ચાલી નીકળી. તે પરમ અંગના ત્રણ દિવસ અને ત્રણ રાત્રિ ચાલતી જ રહી ત્યારે તેણે સુંદર ઉપવનોથી શોભતા અનેક ઋષિઓના આશ્રમો જોયા. તે ઉપવન વસિષ્ઠ , ભૃગુ, અત્રિ જેવા પવિત્ર, સંયતાહારી, ઇન્દ્રિયજિત એવા ઋષિઓથી સુશોભિત હતું. એ આશ્રમ જલભક્ષી, વાયુભક્ષી, પત્રભક્ષી, જિતેન્દ્રિય, મહાભાગ, સ્વર્ગમાર્ગ જોવાની ઇચ્છાવાળા, વલ્કલ-મૃગચર્મધારી મુનિઓથી સુશોભિત હતો. તપસ્વીઓના નિવાસને કારણે તે આશ્રમ મનોહર હતો. અનેક હરણો, વાનર અને તપસ્વીઓથી ભરેલા આશ્રમને જોઈને સુંદર ભ્રૂકુટિવાળી, સુકેશિની, સુંદર નિતંબો, પુષ્ટ સ્તનવાળી, સુંદર દાંત અને મોંવાળી, તેજસ્વિની, ઉત્તમ ચરણોવાળી, વીરસેનના પુત્રની પ્રિયા, સ્ત્રીઓમાં રત્ન જેવી મનસ્વિની, ભાગ્યશાળી દમયંતી તે આશ્રમમાં પ્રવેશી.

તપસ્વીઓને પ્રણામ કરીને વિનય વડે નીચું મોં કરીને તે ઊભી રહી ગઈ. બધા તાપસોએ ‘તારું સ્વાગત છે’ એમ કહ્યું, તેનો યથાયોગ્ય આદર-સત્કાર કરીને તેને બેસવા કહ્યું અને પછી પૂછ્યું, ‘અમે તારા માટે શું કરીએ? એ સાંભળીને ઉત્તમ મુખવાળી તે બોલી, ‘હે તપસ્વીઓ, પાપરહિતો, કહો તમારાં મૃગ અને પક્ષીઓ કુશળ છે ને? તમારા અગ્નિહોમ, કર્મ અને તમારાં ધર્મકાર્યો તો કુશળતાથી થાય છે ને?’

તેમણે કહ્યું, ‘યશસ્વિની, અમે બધી રીતે કુશળ છીએ, અનવદ્ય અંગોવાળી કહે, તું કોણ છે અને શું ક્રવા ધારે છે? અમે બધા તારાં રૂપ અને દ્યુતિથી પરમ આશ્ચર્ય અનુભવીએ છીએ, ધીરજ રાખ, બીશ નહીં; તું આ વનની, પર્વતની કે આ નદીની દેવી છે? કોણ છે તું? સત્ય કહે જોઈએ.’

તે ઋષિઓને કહેવા લાગી, ‘હે બ્રાહ્મણો, હું આ વનની દેવતા નથી, ન પર્વતની, નદીની પણ દેવી નથી. હે તપોધનો, હું મનુષ્ય જ છું, હું મારી વાત વિસ્તારથી કહું છું તે સાંભળો. વિદર્ભ દેશમાં ભીમ નામે તેજસ્વી રાજા છે. હું તેમની પુત્રી છું. નિષધ દેશના રાજા નલ અત્યંત યશસ્વી છે, પ્રજાઓના સ્વામી છે, વીર છે, સંગ્રામોમાં વિજયી થાય છે, તે રાજા નલ મારા પતિ છે. દેવતાઓની પૂજામાં રત, બ્રાહ્મણવત્સલ, નિષધવંશના રક્ષક, મહાતેજસ્વી, મહાદ્યુતિ, સત્યવાદી, ધર્મજ્ઞ, પંડિત, સત્યપ્રતિજ્ઞ, શત્રુનાશક, બ્રાહ્મણભક્ત, દેવભક્ત, લક્ષ્મીવાન, શત્રુઓનાં નગરોને જીતનાર, રાજાઓમાં શ્રેષ્ઠ, દેવરાજ સમાન દીપ્તિમય, વિશાલ નેત્રવાળા, પૂર્ણચંદ્ર જેવા શત્રુનાશક નલ રાજા મારા પતિ છે. તેઓ મોટા મોટા યજ્ઞો કરનાર, વેદવેદાંગના અભ્યાસી, યુદ્ધમાં શત્રુઓને હરાવનાર, સૂર્ય અને ચંદ્ર જેવા તેજસ્વી છે. આવા સત્યવાદી, ધર્મપરાયણ મહારાજને કોઈ ધુતારા, અકલ્યાણકારી, નરાધમો તથા જુગારમાં નિપુણ લોકોએ તેમનું રાજ્ય તથા સઘળું ધન જુગારમાં જીતી લીધું. પતિનું દર્શન કરવા ઉત્સુક, દમયંતી નામે વિખ્યાત હું નલની પત્ની છું. હું પર્વત, સરોવર, નદી, ખાડા, વગેરેમાં યુદ્ધવિદ્યામાં નિપુણ, શસ્ત્રના જાણકાર મારા પતિને શોધવા વ્યાકુળ થઈને આ વનમાં ભટકું છું, કહો, તમારા આ તપોવનમાં નલ નામના નિષધ દેશની પ્રજાના રાજા આવ્યા તો નથી ને?

હે બ્રાહ્મણો, હું તેમના કારણે ઘોર આપત્તિમાં મુકાઈને શાર્દૂલો, પ્રાણીઓથી ભરેલા આ ભયંકર, ભય પમાડતા, ખૂબ જ ગાઢ વનમાં ઘૂમી રહી છું. જો હું થોડા દિવસોમાં નલ રાજાને નહીં જોઉં તો શરીર ત્યજીને હું પરમ કલ્યાણ સાથે મારા આત્માને જોડીશ. એ પુરુષશ્રેષ્ઠ ન હોય તો મારા જીવનનો અર્થ કયો? ભર્તાના શોકથી પીડાતી હું કેવી રીતે જીવતી રહીશ?’

ત્યારે ભીમપુત્રીને વનમાં આમ એકલી વિલાપ કરતી જોઈને તે સત્યવાદી બ્રાહ્મણો બોલ્યા, ‘હે કલ્યાણી, હવે તારો સૂર્ય ઉદય પામશે, તારું કલ્યાણ થશે. અમે તપના પ્રભાવે જોઈ રહ્યા છીએ કે તું નૈષધરાયને વિના વિલંબે જોઈશ. હે ભીમપુત્રી, નિષધ દેશના રાજા, શત્રુનાશી, ધર્મપાલક, નલ રાજાને શીઘ્ર જોઈ શકીશ. બધાં પાપમાંથી મુક્ત થયેલા, બધાં રત્નોથી યુક્ત, નિષધ નગરના શાસક, શત્રુનાશક નલને હવે તું જોઈશ. શત્રુઓને ભય આપનારા, મિત્રોના શોકનાશક, કલ્યાણકારી, નલ રાજાને હે કલ્યાણી, તું જોઈશ.’

નલની પ્રિય રાણી રાજપુત્રીને આવું કહીને તે તપસ્વીઓ આશ્રમ અને અગ્નિહોત્ર આશ્રમ સમેત અદૃશ્ય થઈ ગયા. ત્યારે વીરસેન રાજાની પુત્રવધૂ, અનિંદિતા દમયંતી મહા અચરજ પામી, ‘શું મેં આ સ્વપ્ન જોયું હતું? કેવું આશ્ચર્ય! તે તાપસો ક્યાં ગયા? તેમનો આશ્રમ ક્યાં ગયો? વિવિધ પક્ષીઓથી શોભિત પુણ્યજલા નદી ક્યાં ગઈ? ઉત્તમ ફૂલોવાળા, હૃદયને આનંદ આપનારા પર્વત ક્યાં જતા રહ્યા?’

શુચિસ્મિતા, ભીમપુત્રી, દમયંતીએ થોડો સમય વિચાર કર્યો, પતિના શોકથી વ્યાકુળ દમયંતી દીન અને ફિક્કી થઈ ગઈ. અશ્રુપૂર્ણ નેત્રવાળી તેણે બીજા સ્થળે જઈને અશોક વૃક્ષ જોયું અને ગદ્ર ગદ્ર કંઠે તે વિલાપ કરવા લાગી; પુષ્પિત, પલ્લવઘન, પક્ષીઓનાં કૂજનથી યુક્ત, આહ્લાદકારક અશોક વૃક્ષની પાસે જઈને વિલાપ કરવા લાગી. ‘અરે, આ વનમાં આ વૃક્ષ શોભાયુક્ત, ફૂલફૂલથી ભરચક અને પર્વત જેવું દેખાય છે. હે અશોક, હે પ્રિયદર્શન, મને તું શીઘ્ર શોકરહિત કર. તેં શોક અને ભય વિનાના નલ રાજાને જોયા છે? નલ રાજા શત્રુનાશક્ છે, મારા પ્રિય નિષધરાજાને તેં જોયા છે? અડધા વસ્ત્રથી ઢંકાયેલા, કોમલ ત્વચાવાળા, દુઃખે રીબાતા વીર નલ રાજા આ વનમાં આવ્યા હતા. હે અશોક, હું શોકરહિત થઈ જઉં એવો પ્રયત્ન તું કર. તારું નામ અશોક છે. મારા શોકને દૂર કરીને તું તારું નામ સાર્થક કર.’

તે વરાંગના ભીમસૂતાએ આર્ત બનીને અશોક વૃક્ષની ત્રણ વાર પ્રદક્ષિણા કરી અને તેનાથી પણ ભયાનક સ્થળે તે જઈ પહોંચી. તેણે એ વનમાં જઈને અનેક સુંદર પર્વત, અનેક વૃક્ષ, નદી, મૃગ, પક્ષીઓ જોયાં. નલ રાજાને શોધતી ભીમસૂતાએ કંદરાઓ, અદ્ભુત નદીઓ, પર્વતોના મધ્ય ભાગ જોયા. શુચિસ્મિતા દમયંતીએ આગળ ચાલીને હાથી, ઘોડા અને રથવાળો એક મોટો સાર્થવાહ જોયો. તે શીતલ જળવાળી, સુંદર, બંને બાજુ નેતરવાળી, ઉત્તમ જળથી વિસ્તીર્ણ નદી ઓળંગી રહ્યો હતો. તે નદી સારસ, ટિટોડી, ચક્રવાકના શબ્દોથી શોભતી હતી, કાચબા, મગર અને માછલીઓથી ભરેલી હતી, અને દ્વીપોથી શોભતી હતી. નલરાજાની યશસ્વિતી પત્ની તે મહા સાર્થવાહને જોઈને એની વચ્ચે પ્રવેશી. ઉન્મત્ત, શોકવિહ્વળ, અર્ધા વસ્ત્રવાળી, કૃશ, ફિક્કી, મલિન, ધૂળે ભરેલી કેશવાળી તે જનસમુદાયની વચ્ચે તે જઈ પહોંચી. તેને જોઈને કેટલાક પુરુષ ભયભીત થઈને ભાગવા લાગ્યા, કેટલાક ચિંતાતુર થયા, કેટલાક ચીસો પાડવા લાગ્યા. કોઈ હસવા લાગ્યા, કેટલાક નિંદા કરવા લાગ્યા, કેટલાકે દયા દાખવી, કોઈએ તેના સમાચાર પૂછ્યા. ‘હે કલ્યાણી, તું કોણ છે? કોની છે? આ વનમાં શું શોધે છે? તને જોઈને અમે ભયવિહ્વળ થયા છીએ? શું તું માનુષી છે? હે કલ્યાણી, અમે તારી શરણે છીએ, તું સાચું કહે, શું તું આ વન, પર્વત કે દિશાઓની દેવી છે? હે વરાંગના, તું પક્ષી છે? રાક્ષસી છે? તું અમારું કલ્યાણ કર, અમારી રક્ષા કર. હે કલ્યાણી, તું એવું કર જેથી આ પોઠ બધી રીતે કુશળ રહીને અહીંથી શીઘ્ર જાય. અમે તારા શરણે છીએ.’

આવાં વચન સાંભળીને પતિશોકથી દુઃખી સાધ્વી દમયંતી તે સાર્થ પાસે અને બીજા લોકો પાસે જઈને કહેવા લાગી, ‘હે યુવાનો, વૃદ્ધો, બાળકો અને સાર્થના નેતાગણો, હું મનુષ્ય છું, એક રાજાની પત્ની છું, હું મારા પતિને જોવા માગું છું, વિદર્ભ દેશના રાજા ભીમ મારા પિતા થાય છે, પ્રસિદ્ધ નિષધ દેશના મહાભાગ્યશાળી નલ રાજા મારા પતિ છે, હું તે અપરાજિત રાજાને શોધી રહી છું. જો તમે નરશાર્દૂલ, શત્રુનાશી મારા પ્રિય નલ રાજાને જોયા હોય તો સત્વરે મને કહો.’

તે સુંદર અંગોવાળીનું આવું વચન સાંભળીને મહાન સાર્થનો શુચિ નામનો સમૂહપતિ બોલ્યો, ‘હે કલ્યાણી, મારી વાત સાંભળ. હે શુચિસ્મિતા, હું સાર્થનો નેતા છું, હે યશસ્વિની, મેં નલ નામના કોઈ પુરુષને જોયો નથી. આ નિર્જન વનમાં હાથી, પાડા, શાર્દૂલ, રીંછ, હરણોને તો જોયા છે, આજે યજ્ઞોના રાજા મણિભદ્ર અમારા પર પ્રસન્ન થાઓ.’

ત્યારે તે વણિકો અને સાર્થવાહોને દમયંતીએ કહ્યું, ‘આ પુરુષોનો સમૂહ ક્યાં જાય છે તે મને કહો.’

સાર્થવાહે કહ્યું, ‘હે રાજપુત્રી, આ સાર્થસમૂહ લાભ માટે સત્યવાદી ચેદી દેશના રાજા સુબાહુના રાજ્યમાં જઈ રહ્યો છે.’

અનવદ્ય અંગોવાળી વૈદર્ભી સાર્થવાહનું વચન સાંભળીને પતિના દર્શનની લાલસાથી તેમની સાથે ચાલી નીકળી. ત્યાર પછી ખાસ્સા એવા સમય પછી તે દારુણ વનમાં તે વણિકોએ સુંદર, પુષ્કળ જળવાળું, ઇંધણથી ભરચક, કંદમૂલ, ફળ, વિવિધ પક્ષીઓથી ઘેરાયેલું, બધી રીતે કલ્યાણકારી ‘પદ્મસૌગન્ધિક’ નામનું એક મોટું તળાવ જોયું. આવા મીઠા, મનોહર, સુખદ જળથી ભરેલું તળાવ જોઈને વાહનોનો થાક દૂર કરવા બધાએ ત્યાં રોકાવાની ઇચ્છા વ્યક્ત કરી. ત્યાર પછી તેઓ સાર્થવાહની સંમતિ લઈને તે ઉત્તમ વનમાં પ્રવેશ્યા અને તળાવના કિનારે પશ્ચિમ બાજુએ પડાવ નાખ્યો. ત્યાર પછી મધરાતે જ્યારે બધું નિ:શબ્દ થઈ ગયું, થાકેલા લોકો સૂઈ ગયા ત્યારે મદ રૂપી ઝરણાંથી વ્યાકુળ ગિરિનદીમાં જળ પીવા માટે એક હાથીઓનું ઝુંડ ત્યાં આવ્યું, ત્યારે તળાવની દિશામાં જનારા રસ્તા પર સૂઈ ગયેલા અને સહસા હાલી ઊઠેલા માણસોને હાથી કચડવા લાગ્યા.

શરણાર્થી લોકો હાહાકાર કરવા લાગ્યા, નિદ્રાને કારણે આંધળાભીંત બની ગયેલા લોકો ભયથી પીડાઈને વનકુંજોમાં આમતેમ દોડવા લાગ્યા, કેટલાક હાથીદાંતથી, કેટલાક સૂંઢથી, કેટલાક પગ નીચે કચડાઈને મરવા લાગ્યા. અનેક ઊંટ, અશ્વ અને જનસંકુલવાળા એ ઝુંડના પુરુષ રાત્રે આમતેમ દોડવાને કારણે એકબીજાને મારવા લાગ્યા. તેઓ ચીસરાણ કરતા ધરણી પર પડવા લાગ્યા. કેટલાક વૃક્ષો સાથે અથડાઈને મરી ગયા. કેટલાક ખાડામાં પડીને મરી ગયા. આમ તે સમૃદ્ધ પોઠ આખી નાશ પામી. ત્યાર પછી બીજા દિવસે બચી ગયેલા લોકો આ ઘોર કાંડ વિશે વિચારતા, પોતાના ભાઈ, પિતા, પુત્ર તથા મિત્રો માટે શોક કરવા લાગ્યા. વૈદર્ભી ત્યાં શોક કરવા લાગી કે ‘મેં એવું તે શું દુષ્કૃત્ય કર્યું છે? આ નિર્જન અરણ્યમાં આ માનવીઓનો સમૂહ મને મળ્યો પણ મારા મંદ ભાગ્યે તેને પણ હાથીઓના જૂથે મારી નાખ્યા. નિશ્ચિત મારે હજુ દુઃખ ભોગવવાનું બાકી છે. મેં વૃદ્ધોના મોઢે સાંભળ્યું છે કે જ્યાં સુધી કાળ ખૂટે નહીં ત્યાં સુધી મૃત્યુ આવતું નથી. આ હાથીઓએ મારા જેવી દુઃખીને કચડી ન નાખી, કારણ કે મનુષ્યોનું પ્રત્યેક કાર્ય ભાગ્ય દ્વારા નિર્માણ પામે છે. મને લાગે છે કે સ્વયંવરમાં જે લોકપાલ આવ્યા હતા, તેમનો મેં નલને કારણે અસ્વીકાર કર્યો હતો. તેમના જ પ્રભાવથી મને આ વિયોગ પ્રાપ્ત થયો છે.’

આમ દુઃખ વિશે વિલાપ કરતી, દુઃખ-શોકથી ઘેરાયેલી તે વરાંગના મૃત્યુમાંથી બચી ગયેલા વેદપારંગત બ્રાહ્મણોની સાથે આગળ જવા માંડી, ત્યાર પછી તે બહુ સમય સુધી ચાલીને એક દિવસે સાયંકાળે ચેદી દેશના રાજા સત્યવાદી સુબાહુના મહાન નગર પાસે પહોંચી અને અર્ધવસ્ત્ર પહેરેલી અવસ્થામાં જ તે નગરમાં પ્રવેશી. તે વિવર્ણ, દુર્બલ, દીન, છુટ્ટા કેશવાળી, મલિન, ઉન્મત અવસ્થામાં આવેલી વૈદર્ભીને નગરવાસીઓએ જોઈ. ચેદી રાજની નગરીમાં પ્રવેશ કરતી દમયંતીને જોઈને રમતા છોકરાઓ કુતૂહલથી તેની પાછળ પડ્યા. તેમનાથી ઘેરાયેલી તે રાજમહેલ પાસે પહોંચી. ત્યારે રાજમાતાએ તેને લોકોથી ઘેરાયેલી જોઈ. તે છોકરાઓને હાંકી કાઢીને વૈદર્ભીને ઉત્તમ મહેલમાં લઈ ગઈ અને વિસ્મિત થઈને તેણે દમયંતીને પૂછ્યું,

‘તું આવી આપત્તિમાં ઘેરાયેલી છે અને છતાં વાદળોમાં વીજળી ચમકે તેમ તું ચમકી રહી છે. કહે તું કોણ છે અને કોની છે. અલંકારો ન હોવા છતાં તારો દેખાવ કોઈ મનુષ્યનો નથી લાગતો. દેવી સરખી કાંતિ ધરાવતી, તું અસહાય છે તો પણ પુરુષોથી ગભરાતી નથી.’

રાજમાતાની વાત સાંભળી ભીમસૂતાએ કહ્યું, ‘પતિની પાછળ પાછળ ચાલનારી માનુષી જ મને માની લો ને! હું અંત:પુરમાં રહેનારી છું, મારી ઇચ્છા પ્રમાણે નિવાસ કરનારી છું, ઉત્તમ કુળમાં જન્મેલી સૈરંધ્રી(દાસી) છું, ફળમૂલ ખાઈને જ્યારે સંધ્યા થાય ત્યાં રોકાઈ જઉં છું. મારા પતિ અસંખ્ય ગુણોવાળા અને મને અનુકૂળ વ્યવહાર કરનારા છે, હું પણ એ વીરની પાછળ છાયાની જેમ રહું છું. પ્રારબ્ધથી તેઓ જુગારમાં આસક્ત થઈ ગયા અને તેમાં સઘળું ગુમાવી બેઠા, વનમાં ચાલ્યા ગયા. હું પણ એકવસ્ત્રા બનીને વિહ્વળ, ઉન્મત્ત બનેલા વીર પતિને આશ્વાસન આપતી એમની પાછળ ચાલી નીકળી. એક દિવસ તે વીર ભૂખ કે બીજા કોઈ કારણે ખૂબ જ વ્યાકુળ થયા અને તે એક માત્ર વસ્ત્રને પણ ખોઈ બેઠા. ત્યાર પછી હું ઉન્મત્ત, નગ્ન અને ચેતનાહીન પતિની સાથે એક વસ્ત્ર પહેરેલી વનમાં ઘૂમવા લાગી, કેટલીય રાતો ઊંઘી ન શકી. ઘણા દિવસો પછી એક વેળા મારું અર્ધુંં વસ્ત્ર ફાડીને તેઓ ક્યાંક ચાલ્યા ગયા અને તેમણે મને ત્યજી દીધી. હવે હું વિરહાગ્નિમાં દાઝતી, રાતદિવસ પતિને શોધ્યા કરું છું, તે દેવસમાન પતિ ક્યાંય જડતા નથી.’ આ પ્રમાણે અશ્રુપૂર્ણ આંખોવાળી, બહુ વિલાપ કરતી, અત્યંત દુઃખી ભીમસૂતાને રાજમાતા પોતે દુઃખી થઈને કહેવા લાગી, ‘હે કલ્યાણી, હે ભદ્રા, તું અહીં મારી પાસે જ રહે, તારા પર મારી પ્રીતિ જન્મી છે, તારા પતિને મારા માણસો શોધશે. આમ તેમ રખડતા રખડતા તે જાતે જ અહીં આવી જશે. તું અહીં રહીને તારા પતિને મેળવી શકીશ.’

રાજમાતાનું વચન સાંભળીને દમયંતીએ કહ્યું, ‘હે વીરજનની, જો તમે મને અમુક વચન આપો તો હું અહીં રહું. હું કોઈનંુ એંઠું નહીં ખાઉં, કોઈના પગ નહીં ધોઉં, કોઈ બીજા પુરુષ સાથે બોલીશ નહીં, કોઈ મારી ઇચ્છા કરે તો તમારે તેને પ્રાણદંડ આપવો. મારા પતિને શોધવા હું માત્ર બ્રાહ્મણોને જ મળીશ, તેમની સાથે જ વાત કરીશ. આ બધું જો તમે સ્વીકારો તો હું નિ:સંશય અહીં રહીશ. અન્યથા અહીં રહેવાની મારી ઇચ્છા નથી.’

આ વાત સાંભળીને રાજમાતા પ્રસન્ન ચિત્તે બોલી, ‘તારું આ ઉત્તમ વ્રત છે, અને એ બધું હું પાર પાડીશ.’ રાજમાતાએ ભીમસૂતાને આમ કહી પોતાની પુત્રી સુનંદાને કહ્યું, ‘સુનંદા, આ સૈરન્ધ્રીને દેવરૂપિણી જ જાણજે, તું પ્રસન્ન ચિત્તે તેની સાથે આનંદ મનાવ.’

આ બાજુ નલ રાજા દમયંતીને ત્યજીને ગાઢ વનમાં ઘૂમવા લાગ્યા. ત્યાં તેમણે એક સ્થળે પ્રચંડ દાવાનળ જોયો. તે અગ્નિની વચ્ચે કોઈ પ્રાણીનો ધ્વનિ વારે વારે સાંભળ્્યો. ‘હે પુણ્યશ્લોક નલ, જલદી આવો. દોડો.’ એ સાંભળીને ‘બીશ નહીં’ એમ કહીને નલ રાજા એ આગમાં પ્રવેશ્યા, જોયું તો એક નાગરાજ કૂંડાળું કરીને બેઠો હતો. નલ રાજાને જોઈને તે નાગ હાથ જોડીને કાંપતા કાંપતા કહેવા લાગ્યો, ‘હે રાજન, હું કર્કોટક છું. મેં એક નિરપરાધ મહાતપસ્વી બ્રહ્મર્ષિને છેતર્યા હતા, હે મનુષ્યોના રાજા, તેણે ક્રોધે ભરાઈને મને શાપ આપ્યો. તેમના શાપને કારણે હું એક ડગ પણ માંડી શકતો નથી. મારી રક્ષા કરો. હું તમને કલ્યાણકારી ઉપદેશ આપીશ. મારા જેવો બીજો કોઈ નાગ નથી, હું તમારો સખા થઈશ, હું તમારા માટે હળવો થઈ જઉં છું. તમે મને ઉઠાવીને લઈ જાઓ.’ એમ કહીને તે નાગરાજ અંગૂઠા જેવા શરીરવાળા થઈ ગયા. નલ રાજા તેને ઊંચકીને આગ વગરની જગ્યાએ લઈ ગયા. જ્યારે આગમાંથી સાપ મુક્ત થઈ ગયો ત્યારે નલ રાજાને તેને છોડી મૂકવાનો વિચાર આવ્યો. ત્યારે આકાશમાં જઈને કર્કોટકે ફરી રાજાને કહ્યું, ‘હે નલ રાજા, તમે તમારાં પગલાં ગણી ગણીને ચાલો, ત્યારે હું તમારું કલ્યાણ થાય એવું કરીશ.’ જ્યારે નલ રાજા પગલાં ગણવા લાગ્યા ત્યારે તે નાગે દસમા પગલે રાજાને દંશ દીધો. તેની સાથે જ નલરાજાનું રૂપ અદૃશ્ય થઈ ગયું. નલ રાજાએ પોતાના શરીરને વિકૃત જોઈને અચરજ અનુભવ્યું. અને ત્યાર પછી પોતાનું રૂપ ધરી બેઠેલા નાગને જોયો. ત્યારે કર્કોટક નાગે રાજાને ધીરજ બંધાવતાં કહ્યું, ‘આને કારણે લોકો તમને ઓળખી નહીં શકે, એટલે જ મેં તમારું રૂપ નષ્ટ કરી દીધું છે. જેના કારણે તમે છેતરાઈને બહુ દુઃખ ભોગવી રહ્યા છો, તે કલિ મારા વિષને કારણે તમારી અંદર બહુ દુઃખ ભોગવશે. હે મહારાજ, મારા વિષવાળા તમારા શરીરને જ્યાં સુધી કલિ છોડશે નહીં ત્યાં સુધી તે મહાદુઃખ ભોગવતો તમારા શરીરમાં રહેશે. તમે દુઃખને પાત્ર ન હતા, હવે તે પોતે દુઃખ પામશે, તમે મારું રક્ષણ કર્યું છે, તમે ક્રોધથી તેનું કશું અહિત કર્યુ નથી.

હે નરવ્યાઘ્ર નલ, હવે તમને તીક્ષ્ણ દાઢવાળાં પ્રાણીઓ તથા અન્ય શત્રુઓથી ડરવાનું નહીં રહે. મારી કૃપાથી વેદ જાણનારાઓથી પણ ભય પામવાનો નહીં રહે. હે રાજન્, વિષને કારણે થતી પીડા તમને નહીં થાય. હે રાજન્, તમે યુદ્ધમાં સદા વિજયી નીવડશો. હે રાજા નલ, ‘હું બાહુક નામનો સૂત છું’ એમ કહેતાં કહેતાં આજે જ રમ્ય અયોધ્યા નગરીમાં ઋતુપર્ણ રાજા પાસે જાઓ, ત્યાં તે જુગારમાં નિપુણ છે. તે રાજા તમારી પાસેથી અશ્વવિદ્યા શીખીને તમને જુગાર શીખવશે. ઈક્ષ્વાકુ કુળમાં ઉત્પન્ન થયેલા રાજા ઋતુપર્ણ તમારા મિત્ર થઈ જશે. જ્યારે તમે પાસાંની વિદ્યા જાણી જશો ત્યારે તમારું પરમ કલ્યાણ થશે. ત્યારે તમને પુત્ર, પત્ની અને રાજ્યની પ્રાપ્તિ થશે. હું તમને સત્ય કહું છું, મનમાં શોક ન કરતા. હે રાજન્, જ્યારે તમે તમારા મૂળ સ્વરૂપને પામવા માગો ત્યારે મારું સ્મરણ કરજો અને આ વસ્ત્રને ઓઢજો. આ વસ્ત્ર ઓઢતાંવેંત તમે તમારું રૂપ પાછું મેળવશો.’ એવું કહીને તેણે નલ રાજાને બે દિવ્ય વસ્ત્ર આપ્યાં. આમ કહીને અને વસ્ત્ર આપીને નાગરાજ ત્યાંથી અંતર્ધાન થઈ ગયા. નાગના અંતર્ધાન થયા પછી નલ રાજા ત્યાંથી ચાલી નીકળ્યા અને દસમા દિવસે તેઓ ઋતુપર્ણ રાજાના નગરમાં પહોંચ્યા. રાજા પાસે જઈને બોલ્યા, ‘મારું નામ બાહુક છે, અશ્વવિદ્યામાં મારા જેવો નિપુણ સંસારભરમાં કોઈ નથી. બહુ મોટા ધનક્ષયના સમયે ઉપદેશ આપી શકું છું અને બીજાઓ કરતાં વધુ સ્વાદિષ્ટ ભોજન બનાવી શકું છું. આ જગતમાં જેટલી શિલ્પવિદ્યા છે તે સર્વ સારી રીતે જાણું છું અને દુષ્કર કર્મો કરવાનો પ્રયત્ન કરીશ. હે ઋતુપર્ણ, તમે મને નોકરીમાં રાખો.’

ઋતુપર્ણે કહ્યું, ‘હે બાહુક, તારું કલ્યાણ થાઓ, તું અહીં રહે અને બધું કામ કર. મને એ વિચાર આવ્યા કરે કે હું સર્વત્ર શીઘ્ર પહોંચી જઉં. તું એવો ઉપાય કર કે મારા રથના અશ્વ જલદી દોડતા થાય, તું આજથી મારી અશ્વશાળાનો ઉપરી, આજથી તને દસ હજાર સુવર્ણમુદ્રા મળશે. આ વાર્ષ્ણેય અને જીવલ બંને તારી હાથ નીચે રહેશે. આ બંનેની સાથે રહીને આનંદ મનાવતો તું અહીં રહે.’

રાજાના આવાં વચન સાંભળીને સત્કાર પામેલા રાજા નલ વાર્ષ્ણેય અને જીવલની સાથે ઋતુપર્ણના નગરમાં નિવાસ કરવા લાગ્યા. ત્યાં રહેતા હતા તે સમયે સદા વૈદર્ભીની ચિંતા કર્યા કરતા હતા, રોજ સંધ્યા સમયે તેઓ આ શ્લોક બોલતા,

‘તે તપસ્વિની, ભૂખતરસ અને થાકની મારી ક્યાં સૂતી હશે? પોતાના મંદ ભાગ્યને સ્મરતી તે ક્યાં રહેતી હશે?’

નલ આ પ્રમાણે દરરોજ બોલતા હતા ત્યારે એક દિવસ જીવલે તેમને પૂછ્યું, ‘હે બાહુક, તું દરરોજ રાતે કોને યાદ કરે છે? મારે એ સાંભળવું છે.’ એ સાંભળીને નલ રાજાએ કહ્યું, ‘કોઈ મંદ બુદ્ધિવાળા પુરુષની એક વહાલી સ્ત્રી હતી, તે પણ એ સ્ત્રીનો પ્રિય હતો. એ મૂર્ખ પુરુષ કોઈ કારણથી તે સ્ત્રીથી વિખૂટો પડી ગયો, અને પછી તે મંદાત્મા દુઃખે રીબાતો બધે ભમવા લાગ્યો. શોકથી પ્રજળતો તે રાતદિવસ અનિદ્રિત અવસ્થામાં ઘૂમ્યા કરતો હતો અને રાતે તેનું સ્મરણ કરીને એક શ્લોક ગાયા કરતો હતો. તે આખી પૃથ્વી ઘૂમતાં ઘૂમતાં થોડી આજીવિકા મેળવીને તેનું સ્મરણ કર્યા કરતો હતો, દુઃખી ન થવો જોઈએ એવો તે એને યાદ કરી કરીને દુઃખી થયા કરતો હતો. તે સ્ત્રી પણ દુઃખના દિવસોમાં પતિની સાથે વનમાં ગઈ, તે પાપીએ તેને વનમાં ત્યજી દીધી. જો પ્રારબ્ધવશ તે જીવતી હશે તો એ દુષ્કર ઘટના હશે. તે એકલી, રસ્તાઓથી અજાણી, ભૂખતરસે વ્યાકુળ બનેલી જીવતી હશે તો તે દુષ્કર જ જીવન હશે. કારણ કે તે થોડા પુણ્યવાળા, મંદબુદ્ધિના પુરુષે હિંસક પશુઓવાળા ભયાનક વનમાં ત્યજી દીધી હતી.’

આ પ્રકારે નિષધ દેશના રાજા નલ દમયંતીનું સ્મરણ કરી કરીને તે રાજાને ત્યાં અજ્ઞાતવાસમાં રહેવા લાગ્યા.

રાજ્ય ગુમાવી ચૂકેલા નલ રાજા જ્યારે પત્ની સાથે વનમાં જતા રહ્યા ત્યારે રાજા ભીમે નલના દર્શનની ઇચ્છાથી બ્રાહ્મણોને મોકલ્યા. પુષ્કળ ધન આપીને રાજા ભીમે તેમને કહ્યું, ‘તમે નલ તથા મારી પુત્રીને શોધી લાવો. આ કાર્ય પાર પડે અને નલ રાજાનો પત્તો પડે અને તમારામાં જે એ બંનેને અહીં લઈ આવશે તેને હજાર ગાય આપીશ અને અગ્રહાર(કરમુક્ત જમીન) તથા નગર જેવાં ગામ આપીશ. જો કોઈ નલ કે દમયંતીને અહીં લાવી ન શકે અને માત્ર એમનું ઠેકાણું બતાવશે તો પણ તેને એક હજાર ગાય આપીશ.’

આવાં વચન સાંભળીને પ્રસન્ન થયેલા તે બ્રાહ્મણો બધી દિશાઓમાં જઈ નગરે નગરે, રાજ્યે રાજ્યે ઘૂમવા લાગ્યા. તેમાં સુદેવ નામનો એક બ્રાહ્મણ શોધતાં શોધતાં રમ્ય ચેદી નગરીમાં આવી ચઢ્યો. ત્યાં તેણે રાજમહેલમાં વૈદર્ભીને જોઈ, તે રાજાના પુણ્યાહવાચન (દાનકર્મ પ્રસંગે) સમયે સુનંદા સાથે બેઠી હતી. પરંતુ તેનું અસાધારણ રૂપ ઝાંખું થઈ ગયું હોવાને કારણે દમયંતી એવી દેખાતી હતી જાણે ધુમ્મસમાંથી પ્રગટતાં સૂર્યકિરણ. તે વિશાળ નેત્રોવાળીને અધિક મલિન અને કૃશ જોઈને સુદેવ બરહ્મણે અનેક કારણો પર વિચાર કરીને નિશ્ચય કર્યો કે આ દમયંતી જ છે. સુદેવે વિચાર્યું, ‘આ સુંદર સ્ત્રીનું રૂપ પહેલાં મેં જોયું હતું તેવું આજે પણ છે. લોકસુંદરી લક્ષ્મી જેવીને જોઈને હું કૃતાર્થ થઈ ગયો છું. તે પૂર્ણચંદ્ર સમાન મુખવાળી, સુંદર, ઉન્નત પયોધરવાળી, બધી દિશાઓને પોતાના તેજથી અંધકારમુક્ત કરવાવાળી, કમળ જેવા સુંદર નેત્રવાળી સાક્ષાત્ મન્મથની રતિ જેવી છે. પૂર્ણચંદ્રની પ્રભા જેવી આખા જગતને પ્રિય છે. તે વિદર્ભ રૂપી તળાવમાંથી દૈવયોગે ઊખડી ગયેલી કાદવથી ખરડાયેલી મૃણાલિની જેવી છે. પતિવિરહથી વ્યાકુળ અને દીન હોવાને કારણે રાહુએ ગ્રસેલી પૂર્ણિમાની રાત જેવી કે સુકાઈ ગયેલી નદી જેવી લાગે છે. આનું રૂપ ખરી ગયેલા કમલપત્રોથી ભરેલું, ત્રસ્ત પંખીઓથી ઊભરાતું, હાથીની સૂંઢથી મથેલા તળાવ જેવું લાગે છે. રત્નજડિત આવાસોમાં રહેવાને પાત્ર આ સુકુમારી, કોમલાંગી આ સમયે સૂર્યકિરણોથી દાઝતી મૃણાલિની જેવી લાગે છે. રૂપ અને ઉદારતા જેવા ગુણોવાળી; ભૂષણયોગ્ય અત્યારે વગર આભૂષણે આકાશમાં ભૂરાં વાદળોથી છવાયેલી ચંદ્રમાનાં કિરણો જેવી શોભે છે. આ વૈદર્ભી પ્રિયંકર સર્વ કાર્ય અને ભોગથી વંચિત બાંધવહીન બનીને માત્ર પતિદર્શનની ઇચ્છાથી દેહ ધારણ કરી રહી છે. ભૂષણ વિનાની સ્ત્રી માટે પતિ આભૂષણ છે, પતિવિરહે સુંદરી હોવા છતાં તે શોભતી નથી. જો આનાથી વિખૂટા પડીને પણ નલ રાજા શરીર ધારણ કરી રહ્યા હોય અને આના શોકમાં વ્યાકુળ ન હોય તો જાણવાનું કે તેઓ કોઈ દુષ્કર કર્મ કરી રહ્યા હશે. આ કાળા કેશવાળી, સો પાંખડીવાળા કમળ જેવા વિશાલ નેત્રોવાળી, સુખયોગ્ય દમયંતીને દુઃખી જોઈને મારું મન પણ વ્યથિત થયું છે. આ શુભરૂપા પોતાના પતિને મળીને ક્યારે દુઃખમાંથી મુક્ત થશે? જેવી રીતે રોહિણી શશિને મળીને સુખી થાય છે તેવી રીતે આ સુખી ક્યારે થશે? જેવી રીતે કોઈ રાજા રાજ્યભ્રષ્ટ થઈને પૃથ્વીનું રાજ્ય ફરી મેળવીને પ્રસન્ન થાય તેવી રીતે નિષધરાજા પણ દમયંતીને મળીને પ્રસન્ન થશે. નલ રાજા પોતા સરખા શીલ, વયવાળી, પોતાના જેવા જ ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલી વૈદર્ભીને યોગ્ય છે અને કાળી આંખોવાળી દમયંતી પણ નળને યોગ્ય છે. અપ્રમેય બળવાન રાજા નલની પત્નીને ધીરજ બંધાવું, કારણ કે તે પતિદર્શનની ઇચ્છા ધરાવે છે. આ પૂર્ણચંદ્ર જેવા મુખવાળી, કદી દુઃખનો અનુભવ પૂર્વે ન કર્યો હોય તેવી, દુઃખવિહ્વળ તથા નલનું ધ્યાન ધરનારી આ દમયંતીને આશ્વાસન આપીશ.’

સુદેવ બ્રાહ્મણ અનેક કારણો તથા લક્ષણો વડે પોતાના મનમાં આ દમયંતી જ છે એવો નિશ્ચય કરીને તેની પાસે જઈને કહેવા લાગ્યો,

‘હે વૈદર્ભી, હું તારા ભાઈનો પ્રિય સખા સુદેવ છું, રાજા ભીમની આજ્ઞાથી હું તને શોધવા માટે આવ્યો છું. હે રાણી, તારા માતાપિતા, ભાઈ બધા જ કુશળ છે. તારા બંને સંતાનો કુશળ છે, માત્ર તારા કારણે જ તારો બાંધવવર્ગ નિર્બલ જેવો થઈ ગયો છે.’

દમયંતીએ સુદેવને ઓળખીને વારાફરતી બાંધવોના સમાચાર પૂછ્યા, ત્યાર પછી પોતાના ભાઈના મિત્ર, બ્રાહ્મણશ્રેષ્ઠ સુદેવને અચાનક જોઈને શોકગ્રસ્ત વૈદર્ભી બહુ રડી પડી. શોકથી વ્યાકુળ બનીને રડતી અને સુદેવ સાથે એકાંતમાં વાતો કરતી સૈરન્ધ્રીને જોઈને સુનંદાએ પોતાની માતાને કહેવડાવ્યું કે આજે એક બ્રાહ્મણની સાથે વાતો કરતાં કરતાં સૈરન્ધ્રી બહુ રડી રહી છે. જો એના વિશે કશું જાણવું હોય તો પ્રયત્ન કરવો પડે.

આ સાંભળીને ચેદિરાજની માતા અંત:પુરમાંથી નીકળીને જ્યાં દમયંતી બ્રાહ્મણ સાથે વાત કરતી હતી ત્યાં જઈ પહોંચી, રાજમાતાએ સુદેવને બોલાવીને પૂછ્યું, ‘આ ભામિની કોની પુત્રી છે? કોની પત્ની છે? આ સુંદર લોચનોવાળી સ્ત્રી ભાઈઓથી અને પતિથી વિખૂટી કેવી રીતે પડી ગઈ? હે બ્રાહ્મણ, આ સતી સ્ત્રી આ અવસ્થાએ કેવી રીતે પહોંચી? તું જો જાણતો હોય તો મને કહે, આ બધી વાત હું પૂરેપૂરી તારી પાસેથી સાંભળવા માગું છું. આ દેવરૂપિણીની બધી વાત મને કહે.’

રાજમાતાનું આ વચન સાંભળીને સુદેવ નિરાંતે દમયંતીનો સમગ્ર વૃત્તાંત કહેવા માંડ્યો.

‘અત્યંત પરાક્રમી ભીમ વિદર્ભનરેશ છે, તેમની આ કલ્યાણી પુત્રી દમયંતી છે. વીરસેનના પુત્ર અને નિષધ દેશના રાજા નલ, આ કલ્યાણી એ પુણ્યશ્લોક રાજાની પત્ની છે. એ રાજાને તેમના ભાઈએ જુગારમાં હરાવ્યા, રાજ્યભ્રષ્ટ થઈને દમયંતીની સાથે ક્યાંક જતા રહ્યા, અત્યારે ક્યાં છે તેની કશી જાણ નથી. અમે બધા આ દમયંતીને કારણે પૃથ્વી પર ભમી રહ્યા છીએ. આજે મેં તેને તમારા પુત્રના નિવાસે જોઈ. મનુષ્યલોકમાં આના જેવી રૂપવતી બીજી કોઈ નથી. તેની ભ્રમરોની વચ્ચે ઉત્તમ તલ છે, તે જન્મથી છે, મેં આ સુંદરીના પદ્મ જેવા મુખ પર આ છુપાયેલો તલ જોઈ લીધો. જેવી રીતે વાદળોથી ચંદ્ર ઢંકાય તેમ આનું ચિહ્ન મલિનતાથી ઢંકાયેલું છે. પ્રતિપદાની ઝાંખી કાંતિવાળી ચંદ્રની કળા એટલી બધી શોભિત થતી નથી. શરીરના મેલને કારણે તેનું રૂપ નષ્ટ થયું નથી, સુશોભિત ન હોવા છતાં સુવર્ણ સરખું તેનું રૂપ પ્રકાશે છે. આ શરીરથી અને આ તલ વડે મેં આ દેવીને ઓળખી કાઢી છે, જેવી રીતે કોઈ વસ્તુથી ઢંકાયેલી આગ ઉષ્ણતાથી ઓળખી શકાય છે.’

સુદેવનું આવું વચન સાંભળીને સુનંદાએ દમયંતીના મુખ પરનો મેલ હટાવી તે તલને જોયો. મેલ દૂર થવાથી દમયંતીનો તલ મેઘ વિનાના આકાશમાં ચંદ્ર શોભે તેમ શોભાયમાન લાગ્યો. રાજમાતા અને સુનંદા આ તલ જોઈને દમયંતીને વળગીને રડતી રડતી થોડી વાર ઊભી રહી. પછી આંસુ લૂછીને રાજમાતા ધીરેથી બોલી,

‘આ તલથી મેં તને ઓળખી કાઢી, તું મારી બહેનની દીકરી છે, હું અને તારી મા દશાર્ણ દેશના રાજા સુદામાની પુત્રી છીએ. તેમણે મારું લગ્ન વીર સુબાહુ સાથે અને તારી માતાનું લગ્ન રાજા ભીમ સાથે કર્યું હતું. તું જ્યારે દશાર્ણ રાજ્યમાં મારા પિતાને ઘેર જન્મી ત્યારે મેં તને જોઈ હતી. હે ભામિની, જેવી રીતે તારા પિતાનું ઘર એવી જ રીતે આ મારું ઘર, તારું જ માનજે. જેવું ઐશ્વર્ય મારું છે તે પણ તારું જ સમજજે.’

આ સાંભળીને પ્રસન્ન ચિત્તે દમયંતી માસીને પ્રણામ કરીને બોલી, ‘હે અજ્ઞાત અવસ્થામાં પણ તમારે ત્યાં સુખે રહી; તમે મારી બધી ઇચ્છાઓ પૂરી કરી, મારી સદા રક્ષા કરી, માતા, મને આનાથી વધારે સુખનું સ્થાન બીજું નહીં મળે એમાં શંકા નથી, હું ઘણા સમયથી બહાર રહી છું, હવે માતા, મને આજ્ઞા આપો. મારાં બંને બાળકો ત્યાં છે, માતાપિતા વિના, શોકગ્રસ્ત બનીને તે શું કરતાં હશે? જો તમે મારું કશું પ્રિય કરવા માગતી હો તો મને વિદર્ભ જવાની ઇચ્છા છે, મારે માટે વાહનની શીઘ્ર વ્યવસ્થા કરી આપો.’

માસીને પ્રસન્ન થઈને ‘ભલે’ કહી પુત્રને સૂચના આપી. ભારે સેના સાથે, મનુષ્યો દ્વારા ઊંચકાતી પાલખીમાં દમયંતીને બેસાડી વિદર્ભ રાજ્યમાં મોકલી. તેની સાથે ખાવાપીવાની, પહેરવા ઓઢવાની વસ્તુઓ પણ મોકલી. ત્યાર પછી દમયંતી ત્યાંથી નીકળીને થોડા દિવસમાં વિદર્ભ પહોંચી ગઈ. બધા બાંધવો તેને જોઈને ખૂબ પ્રસન્ન થયા અને તેનું સમ્માન કરવા લાગ્યા. બંધુજનો, બંને બાળકો, માતાપિતા અને સખીઓને સુખી જોઈને કલ્યાણી, યશસ્વિની દમયંતીએ ઉત્તમ વિધિ વડે દેવતાઓ અને બ્રાહ્મણોની પૂજા કરી. પોતાની પુત્રીને જોતાંવેંત પ્રસન્ન થઈને રાજા ભીમે સુદેવ બ્રાહ્મણને હજાર ગાય, ગામ અને પુષ્કળ દ્રવ્ય આપ્યાં. થાકેલી વૈદર્ભીએ રાત્રિ પિતાને ઘેર જ વીતાવી. પછી તેણે માને આમ કહ્યું,

‘હે માતા, તને હું સત્ય કહું છું. જો તું મને જીવતી જોવા માગતી હોય તો પુરુષોમાં વીર એવા નલ રાજાને અહીં બોલાવવાનો પ્રયત્ન કર.’ દમયંતીની આવી વાત સાંભળીને તેની માતા ખૂબ દુઃખી થઈ, આંસુઓથી ગળું રૂંધાઈ ગયું એટલે કશું બોલી ન શકી. તેની આવી અવસ્થા જોઈને અંત:પુરમાં હાહાકાર મચી ઊઠ્યો. બધા રુદન કરવા લાગ્યા, રાણીએ ભીમને કહ્યું, ‘તમારી પુત્રી દમયંતી પોતાના પતિ માટે શોક કરે છે, લજ્જા ત્યજીને તેણે મને આ વાત કરી છે, તમારા દૂત પુણ્યશ્લોક રાજા નલને શોધવાનો પ્રયત્ન કરે.’ આમ રાણીના કહેવાથી ભીમ રાજાએ પોતાના આજ્ઞાકારી બ્રાહ્મણોને બધી દિશામાં મોકલ્યા અને કહ્યું, ‘તમે રાજા નલને શોધવાનો પ્રયત્ન કરો.’ વિદર્ભ રાજાની આજ્ઞાથી શ્રેષ્ઠ બ્રાહ્મણો દમયંતીને જોઈને કહેવા લાગ્યા, ‘અમે નલ રાજાને શોધવા જઈ રહ્યા છીએ.’ ત્યારે દમયંતીએ એમને કહ્યું, ‘તમે બધાં રાજ્યોમાં જઈને મનુષ્યોની વચ્ચે આવું બોલજો. હે પ્રિય, તમે મારું અડધું વસ્ત્ર ફાડીને, તમારામાં રાગ ધરાવતીને, વનમાં સૂતેલી મૂકીને ક્યાં ચાલ્યા ગયા? તમે તેને જેવી આજ્ઞા આપી હતી તે પ્રમાણે અર્ધું વસ્ત્ર પહેરીને અત્યંત દુઃખે બળતીકકળતી અત્યારે પણ તમારી પ્રતીક્ષા કરી રહી છે. આ શોકને કારણે હંમેશા રુદન કરતી આ સ્ત્રી પર કૃપા કરો અને એની વાતનો ઉત્તર આપો. આવાં બીજાં વચન પણ કહેજો, જેથી તે મારા ઉપર કૃપા કરે. જેવી રીતે વાયુથી પ્રેરાઈને અગ્નિ વનને સળગાવી મૂકે છે તેવી રીતે મારું શરીર પણ વિરહથી પ્રજળી રહ્યું છે. એમ પણ કહેજો કે પોતાની પત્નીની રક્ષા કરવી અને તેનું પાલનપોષણ કરવું એ તો પતિનું કર્તવ્ય છે. હે ધર્મજ્ઞ નલ, આ બંને વાતો કેમ તે વિસારે પાડો છો? તમે તો પંડિત, કુલીન અને દયાવાનના રૂપમાં સદા પ્રસિદ્ધ છો, મને એવું લાગે છે કે મારા જ દુર્ભાગ્યને કારણે તમે નિર્દય થઈ ગયા છો. હે પુરુષશ્રેષ્ઠ, મારા પર કૃપા કરો, મેં તમારા જ મોઢે સાંભળ્યું છે કે દયા કરવી એ પરમ ધર્મ છે. તમે આવું કહો અને ત્યારે જો કોઈ ઉત્તર આપે તો તે પુરુષનો પૂરેપૂરો પત્તો મેળવજો — તે કોણ છે, ક્યાં રહે છે? હે બ્રાહ્મણશ્રેષ્ઠો, જો તમારી વાત સાંભળીને કોઈ કશો ઉત્તર આપે તો એની વાત બરાબર યાદ રાખીને મને તરત જ જણાવજો. તમે આળસ ત્યજીને એવો ઉપાય કરજો કે જેથી તે પુરુષને રાજા ભીમની આજ્ઞાથી તમે બોલો છો, એવો વહેમ ન આવે, આવો પત્તો મેળવીને તરત જ પાછા આવજો. તે ધનવાન હોય કે નિર્ધન, ધન પામવાની ઇચ્છાવાળો કેમ ન હોય, તે શું કરવા માગે છે તેની જાણકારી મેળવીને તમે આવજો.’

ત્યારે તે બ્રાહ્મણો આવાં વચન સાંભળીને દુઃખમાં આવી પડેલા નલ રાજાને શોધવા બધી દિશાઓમાં નીકળી પડ્યા. તે બ્રાહ્મણો નગર, રાજ્ય, ગામડાં, ઝૂંપડીઓમાં, આશ્રમોમાં નલ રાજાને શોધવા લાગ્યા પણ નલનો પત્તો ન પડ્યો. દમયંતીએ જે વાક્યો કહ્યાં હતાં તેને બ્રાહ્મણો જ્યાં ત્યાં સંભળાવતા હતા, ખાસ્સા એવા સમય પછી પર્ણાદ નામનો બ્રાહ્મણ વિદર્ભ નગરમાં આવીને દમયંતીને મળ્યો. ‘હે દમયંતી, દિવસરાત નલની શોધમાં હું અયોધ્યા નગરીમાં બાંગસ્વના પુત્ર ઋતુપર્ણને ત્યાં ગયો. હે મહાભાગ સુંદરી, મહાજનોની વચ્ચે મેં તમે કહેલાં વચન ઋતુપર્ણને સંભળાવ્યા. તે સાંભળીને ઋતુપર્ણ કશું ન બોલ્યા, હું વારંવાર બોલતો રહ્યો પણ કોઈ સભાસદે કશું કહ્યું નહી. રાજાની આજ્ઞા લઈને હું ત્યાંથી નીકળી પડ્યો એટલે બાહુક નામનો ઋતુપર્ણ રાજાનો નોકર એકાંતમાં મને કહેવા લાગ્યો. તે રાજાનો સારથિ છે, તેના હાથ ટૂંકા છે, તે વિરૂપ છે પરંતુ ભોજન બનાવતાં બહુ સારું આવડે છે, રથ હાંકવામાં નિપુણ છે. તે બહુ રડતાં રડતાં અને લાંબા નિ:શ્વાસ નાખતાં તેણે મારા કુશલ સમાચાર પૂછ્યા અને કહ્યું,

‘ઉત્તમ કુલમાં ઉત્ત્પન્ન થયેલી સ્ત્રીઓ વિષમ દુઃખમાં પણ પોતાની રક્ષા જાતે કરે છે. પતિથી વિખૂટી પડીને પણ ક્રોધે ભરાતી નથી, તેઓ જ સ્વર્ગને પામે છે એમાં શંકા નથી. તે મૂર્ખ પતિએ સુખથી ભ્રષ્ટ થઈને અને સંકટમાં પડવાને કારણે તેને ત્યજી દીધી, આ કારણે ક્રોધ કરવો અયોગ્ય છે. ભોજનની ઇચ્છાથી તેણે પક્ષીઓ ઉપર વસ્ત્ર નાખ્યું અને તે વસ્ત્ર લઈને પક્ષી ઊડી ગયાં. તે માનસિક ચિંતાઓથી બળતો રહ્યો, એટલે તે નિર્દોષ પર ક્રોધ કરવો ઉચિત નથી. તે સત્કાર પ્રાપ્ત કરે છે કે નથી કરતી, તો પણ રાજ્યભ્રષ્ટ, લક્ષ્મીહીન પોતાના પતિને આવતો જોઈને તેના પર ક્રોધ કરવો અનુચિત છે.’ તેનાં આવાં વચન સાંભળીને હું તરત જ અહીં આવ્યો. આ સાંભળીને હવે તમારી જે ઇચ્છા હોય તે કરો અને રાજાને પણ નિવેદન કરો.’

પર્ણાદની વાત સાંભળીને આંખોમાં આંસુ લાવીને દમયંતી માતાની પાસે એકાંતમાં કહેવા લાગી, ‘હે માતા, આ વાત તું રાજા ભીમને ના ક્હીશ. હું તારા દેખતાં બ્રાહ્મણશ્રેષ્ઠ સુદેવને આજ્ઞા આપીશ. જો તું મારું પ્રિય કરવા માગે છે તો આ વાત રાજા સુધી ન પહોંચે એ તો પ્રયત્ન કરજે. જેવી રીતે સુદેવે મારો ભેટો બાંધવજનો સાથે કરાવ્યો, એવી જ રીતે સુદેવ નલ રાજાને લાવવા માટે અહીંથી અયોધ્યા જાય, વિલંબ ન કરે.’ ત્યાર પછી આરામ કરીને બ્રાહ્મણ પર્ણાદને વૈદર્ભીએ પુષ્કળ ધન આપી પ્રસન્ન કર્યો, પછી તે બોલી, ‘હે બ્રાહ્મણ, નલ રાજા અહીં આવશે ત્યારે બીજું ધન પણ આપીશ. તેં મારા ઉપર મોટો ઉપકાર કર્યો છે, કોઈ બીજું એમ કરી ન શકત. હે બ્રાહ્મણશ્રેષ્ઠ, તારા આ કાર્યથી હું બહુ જલદી મારા પતિને મળીશ.’

તે બ્રાહ્મણે તેની વાત સાંભળીને દમયંતીને આશીર્વાદ આપ્યા, મંગલ શબ્દો કહ્યા, અને તે મહાત્મના બ્રાહ્મણ ધનથી કૃતાર્થ થઈને ઘેર ગયો.

ત્યાર પછી દુઃખ અને શોકથી ઘેરાયેલી દમયંતીએ પોતાની માતા પાસે તે બ્રાહ્મણને બોલાવ્યો અને કહ્યું, ‘હે સુદેવ, તું અયોધ્યા જઈને રાજા ઋતુપર્ણને એમ કહેજે કે ભીમસૂતા દમયંતી પોતાના માટે બીજો પતિ શોધવા માગે છે એટલે તે ફરી સ્વયંવર રચાવશે. ત્યાં બધા રાજા તથા રાજપુત્રો આવશે, મેં દિવસો ગણ્યા છે, આ સ્વયંવર કાલે જ થશે. હે શત્રુનાશક, જો તમારા માટે સંભવ હોય તો શીઘ્ર પથપ્રયાણ કરો, કારણ કે બીજા દિવસનો સૂર્ય ઊગે એટલે તે પતિ પસંદ કરશે. વીર નલ રાજા અત્યારે જીવે છે કે મરી ગયા તેના કોઈ સમાચાર નથી.’

દમયંતીએ આમ કહ્યું એટલે બ્રાહ્મણ સુદેવ અયોધ્યા પહોંચ્યો અને ઋતુપર્ણ રાજાને બધી વાત કરી, સુદેવની વાત સાંભળીને રાજા ઋતુપર્ણ બાહુકને મીઠી વાણીંમાં શાંતિથી કહેવા લાગ્યા, ‘હે અશ્વવિદ્યા જાણનારા બાહુક, દમયંતીનો સ્વયંવર છે, હું એક જ દિવસમાં વિદર્ભ પહોંચવા માગું છું, શું આ બની શકશે?’

રાજાનાં આ વચન સાંભળીને નલનું હૃદય ફાટવા લાગ્યું, પરંતુ મહામના નલ ધીરજ રાખીને સ્વસ્થ રહ્યા. અને વિચારવા લાગ્યા. ‘શું દમયંતી આવું કરી શકે? અથવા દુઃખે પીડાઈને તે આવું કરી રહી છે? કે પછી મને શોધી કાઢવા આ ઉપાય અજમાવ્યો છે? અરે બહુ દુઃખની વાત છે કે આ તપસ્વિની વૈદર્ભી મારા જેવા ક્ષુદ્ર પાપી અને દુષ્ટ બુદ્ધિએ તેને ત્યજી દીધી એટલે બીજો પતિ કરવા માગે છે? સ્ત્રીઓનો સ્વભાવ ચંચલ હોય છે અને મારા દોષ પણ બહુ દારુણ છે. અથવા આટલો સમય જુદા રહ્યા એટલે દમયંતીનો મારા પર પ્રેમ ન રહ્યો હોય, અને વિવશ બનીને તે આમ કરી રહી છે. તે તનુમધ્યમા (પાતળી કમરવાળી) મારા શોકથી ઉદ્વિગ્ન થઈ, નિરાશાને કારણે ગભરાઈ ગઈ છે. પરંતુ તે આવું કરી ન શકે, તેને સંતાનો પણ છે. જે સત્ય અને હિતકારક છે તે ત્યાં જઈને નિશ્ચય જાણી લઈશ, મારા કાર્યની સિદ્ધિ માટે ઋતુપર્ણની ઇચ્છા પૂરી કરીશ. મનમાં એમ વિચારીને દીન મનવાળા રાજાએ ઋતુપર્ણને કહ્યું, ’હે મહારાજ, તમારી વાત મને મંજુૂર છે. હું પ્રતિજ્ઞા કરું છું કે તમે એક જ દિવસમાં વિદર્ભ પહોંચી જશો.’

ત્યાર પછી ભંગસ્વરના પુત્ર ઋતુપર્ણની આજ્ઞાથી બાહુકે અશ્વશાળામાં જઈ ઘોડાઓની પરીક્ષા કરી. રાજી ઋતુપર્ણે ઉતાવળ કરવા કહ્યું, તેમની આજ્ઞા સાંભળીને નલ રાજાએ દૂબળા પણ સમર્થ ચાલવાળા ઘોડા બહાર કાઢ્યા. તે ઘોડા તેજ, બલ અને શીલયુક્ત હતા, ઉત્તમ ઓલાદના હતા, ખરાબ લક્ષણો વગરના, મોટાં નસકોરાં, ભરાવદાર હોઠ, સિંધુ દેશમાં ઉત્પન્ન થયેલા, દસ આવર્તોવાળા, વાયુવેગી હતા. એમને જોઈને રાજાએ ક્રોધે ભરાઈને કહ્યું, ‘તું શું કરવા માગે છે? શું મારી સાથે દગો રમવો છે? આ દુર્બળ ઘોડા મને કેવી રીતે લઈ જશે? અને આવા ઘોડાથી આપણે આટલે દૂર પહોંચીશું કેવી રીતે?’

બાહુકે કહ્યું, ‘આ ઘોડા એક જ દિવસમાં વિદર્ભ પહોંચાડશે, એમાં જરાય શંકા નથી, અથવા બીજા ઘોડાઓ જોડવાની આજ્ઞા આપો, હું ક્યા ઘોડા જોડું?’

ઋતુપર્ણે કહ્યું, ‘હે બાહુક, તું અશ્વવિદ્યામાં, નિપુણ છે, કુશળ છે, જેને તું ઉત્તમ ઘોડા માને છે તેને જલદી જોડ.’

ત્યાર પછી રથવિદ્યામાં નિપુણ નલે કુલ અને શીલવાળા તથા વેગવાન ચાર ઘોડા રથમાં જોડ્યા. રાજી ઋતુપર્ણ શીઘ્રતાથી એ અશ્વોવાળા રથ પર આરૂઢ થયા. તે ઉપર ચઢ્યા અને તરત ચારે ઉત્તમ ઘોડા ઘૂંટણ પર જમીન પર બેસી ગયા. ત્યારે શ્રીમાન પુરુષોમાં શ્રેષ્ઠ નલ રાજાએ તે તેજસ્વી અને બલશાળી અશ્વોને સાંત્વન આપ્યું. તેમની લગામો ઝાલીને નલ રાજાએ સારથિ વાર્ષ્ણેયને રથ પર બેસાડ્યો અને અતિભારી વેગનો આશ્રય લઈને ચાલવા તૈયાર થયા. વિધિપૂર્વક બાહુકથી પ્રેરાઈને તે ઉત્તમ અશ્વો ઋતુપર્ણને આશ્ચર્યચકિત કરતા જાણે આકાશમાં ઊડવા લાગ્યા. વાયુવેગી એ અશ્વ રથને લઈ જતા જોઈને બુદ્ધિમાન અયોધ્યારાજવી ઋતુપર્ણ આશ્ચર્ય પામ્યા. બાહુક દ્વારા ચલાવાતા રથનો અવાજ સાંભળીને, લગામ પકડવાની ગતિ જોઈને અને બાહુકની અશ્વવિદ્યા જોઈને વાર્ષ્ણેય વિચારમાં પડ્યો. શું આ દેવરાજ ઇન્દ્રનો સારથિ માતલિ તો નથી ને? કારણ કે વીર બાહુકમાં પણ મહાન લક્ષણ દેખાય છે. કે પછી અશ્વોના કુળતત્ત્વને જાણનારા શાલિહોત્ર તો નથી ને? તેમણે તો આ ઉત્તમ પુરુષનું શરીર ધારણ નથી કર્યું ને? કે પછી શત્રુઓના નગરને જીતનારા આ નલ રાજા તો નથી ને? તે જ આવી ગયા હોય એમ લાગે છે કે મહારાજે જ આ રૂપ ધારણ કર્યું છે? એવો વિચાર તે કરવા લાગ્યો, અથવા સંભવ છે કે જે વિદ્યા નલ રાજા જાણતા હતા તે આ બાહુક પણ જાણે છે. કારણ કે નલ રાજા અને બાહુકનું જ્ઞાન સરખું જણાય છે, રાજા અને આ બાહુકની ઉંમર પણ સરખી લાગે છે, જો આ મહાપરાક્રમી નલ નથી તો તેમની જ વિદ્યાને જાણનારી કોઈ બીજી વ્યક્તિ હશે. અનેક મહાત્મા આ પૃથ્વી પર પોતાનું રૂપ છુપાવીને દેવવિધાન ગ્રહણ કરીને શાસ્ત્રવિધિ પ્રમાણે ફરતા હોય છે. આમના કુરૂપ શરીરને જોઈને મારો મતિભેદ થાય તે શક્ય છે, વળી નલ રાજા કરતાં આ શરીરે ઠીંગણા છે એટલે પણ મારી મતિ મુંઝાય છે. પરંતુ આની વય નલ રાજા જેવી જ છે, પણ રૂપ જુદું છે, હું ખાત્રીપૂર્વક કહું છું કે સર્વગુણસંપન્ન નલ રાજાએ જ પોતાનું નામ બાહુક રાખ્યું છે.

પુણ્યશ્લોક રાજા નલના સારથિ વાર્ષ્ણેયે આમ વિચારીને પોતાના મનમાં નિશ્ચય કરી લીધો કે આ નલ રાજા જ છે. ઋતુપર્ણ પણ બાહુકની અશ્વવિદ્યાની કુશળતા વિશે વિચાર કરીને વાર્ષ્ણેય સારથિની સાથે પ્રસન્ન થયા. બાહુકના બલ, પરાક્રમ, ઉત્સાહ તથા ઘોડા પકડી રાખવાની રીત તથા પરમ યત્ન જોઈને રાજા ખૂબ જ પ્રસન્ન થયા.

ત્યાર પછી તે રથ પક્ષીની જેમ આકાશમાં ઊડતો નદી, પર્વત, વન અને સરોવરોને વટાવી ગયો. આમ ચાલતા રથ પર બેઠેલા રાજા ઋતુપર્ણે પોતાના ઉત્તરીયને ભૂમિ પર પડી જતું જોયું. એ ઉત્તરીય પડી ગયું એટલે તરત જ મહામના રાજાએ નલને કહ્યું, ‘મારું ઉત્તરીય લેવા લાગું છું, તું આ ખૂબ જ ઉતાવળે ચાલતા અશ્વોને એટલો સમય રોકી રાખ, એ દરમિયાન વાર્ષ્ણેય મારું ઉત્તરીય લઈ આવે.’

નલ રાજાએ ઋતુપર્ણને કહ્યું, ‘તમારું ઉત્તરીય બહુ દૂર પડેલું છે, તમને એ મળી નહીં શકે,. એ ચાર યોજન પાછળ રહી ગયું છે.’ નલ રાજાએ એવું કહ્યું એટલે રાજા ઋતુપર્ણે તે વનમાં ફળથી લચી પડેલા બહેડાના વૃક્ષને જોયું. તેને જોઈને તરત જ બાહુકને કહ્યું, ‘હે સૂત, તું પણ મારી સંખ્યાકુશળતા જો. બધા બધી વિદ્યાઓને જાણતા નથી હોતા. કોઈ એક જ સર્વજ્ઞ ન હોઈ શકે. એક જ પુરુષમાં બધાં જ્ઞાન નથી હોતાં. હે બાહુક, આ વૃક્ષમાં જેટલાં ફળ અને પાંદડાં નીચે ખરી ગયાં છે, તે વૃક્ષ પરનાં ફળ અને ફૂલ કરતાં એક સો વધારે છે. આ પાંદડાંમાં એક અને ફળમાં પણ એક વધુ મૂળ છે, એટલે કે નીચે ખરેલાં ફળ ને પાંદડાં વૃક્ષનાં ફળ અને પાંદડાં કરતાં એકસો બે વધારે છે. હે બાહુક, આ વૃક્ષની બંને શાખા પર પાંચ કરોડ પાંદડાં છે, આ બંને શાખાઓમાંથી જે નાની નાની ડાળીઓ નીકળી છે એને કાપીને ગણવી હોય તો ગણી લો. આ બંને ડાળીઓમાં બે હજાર એક સો ઓગણપચાસ ફળ છે.’

ત્યારે બાહુકે રથમાંથી ઊતરીને રાજાને કહ્યું, ‘હે શત્રુનાશક રાજા, તમે પરોક્ષ વાત કરો છો, તમારી આ ગણિતવિદ્યામાં પરોક્ષવાદ નથી, હે મહારાજ, હું તમારી સામે જ બહેડાં ગણીશ. કારણ કે મને ખબર નથી કે તમારી વાત સાચી છે કે નહીં; હું તમારા દેખતાં આનાં ફળ ગણીશ, થોડો સમય વાર્ષ્ણેય ઘોડાની લગામ પકડી રાખે.’

રાજાએ સારથિને કહ્યું, ‘હે સૂત! અત્યારે વિલંભ થઈ રહ્યો છે.’ પરંતુ પરમ યત્ન કરવાવાળા બાહુકે કહ્યું, ‘તમે થોડી વાર રાહ જુઓ, અથવા તમને ઉતાવળ હોય તો આ જ તમારો શુભ માર્ગ છે. વાર્ષ્ણેયને સારથિ બનાવીને ઊપડો.’ બાહુકની વાત સાંભળીને રાજાએ તેને સાંત્વનાપૂર્વક કહ્યું, ‘હે બાહુક, પૃથ્વી પર તું જ એક સારથિ છે, બીજો છે જ નહીં; હે અશ્વજ્ઞ, તારા પ્રયાસથી જ હું વિદર્ભ જવા માગું છું. હું તારા શરણે છું, તું વિઘ્ન ઊભું નહીં કર. હે બાહુક, તું મને લઈ જા અને વિદર્ભ જઇને જો તું મને સૂર્યદર્શન કરાવીશ તો તું જે ઇચ્છીશ તે હું આપીશ.’

ત્યારે બાહુકે કહ્યું, ‘હું આ વૃક્ષનાં બહેડાં ગણીને જ વિદર્ભ જઈશ. તમે મારી આ વાત સ્વીકારો.’ રાજાએ અનિચ્છાએ કહ્યુ, ‘સારું ગણ.’ ત્યારે નલ રાજાએ રથમાંથી ઊતરીને તરત જ એ વૃક્ષને કાપી નાખ્યું. તેનાં ફળ ગણ્યાં, રાજાએ જેટલાં કહ્યાં હતાં તેટલાં જ નીકળ્યાં, ત્યારે આશ્ચર્યચક્તિ થઈને રાજાને તેમણે કહ્યું, ‘હે રાજન્, મેં તમારી આ અદ્ભુતવિદ્યા જોઈ. આ વિદ્યા હું યથાવત્ ગ્રહણ કરવા માગું છું.’

ઉતાવળે જવાની ઇચ્છાવાળા રાજાએ નલને કહ્યું, ‘તું મને પાસાંના હૃદયને જાણનારો માન, અંકવિદ્યામાં નિપુણ જાણ.’ ત્યારે બાહુકે કહ્યું, ‘હે નરશ્રેષ્ઠ, તમે મને આ વિદ્યા શીખવાડો અને મારી પાસેથી અશ્વવિદ્યા શીખી લો.’ ત્યારે રાજાએ કાર્યની ગુરુતા અને અશ્વવિદ્યાના લોભથી બાહુકની વાત સ્વીકારી લીધી. ત્યારે રાજાએ કહ્યું, ‘હે બાહુક, આ પાસાંની વિદ્યા યથાવત્ ગ્રહણ કર લે. અને અશ્વવિદ્યા મારા માટે તું જ હમણાં રાખી મૂક.’ એમ કહીને ઋતુપર્ણે પોતાની વિદ્યા આપી. દ્યૂતવિદ્યા જાણી લીધા પછી નલના શરીરમાંથી કલિયુગ નીકળ્યો. તે કર્કોટક નાગના દાહક વિષને મોંમાંથી વારેવારે બહાર કાઢી રહ્યો હતો. તે સમયે નલ રાજાના શરીરમાં રહેલા કલિયુગનો શાપાગ્નિ પણ દૂર થયો. તેણે નલ રાજાને ઘણા સમય સુધી દુઃખ આપ્યું હતું અને એને જ કારણે તેઓ કિંકર્તવ્યમૂઢ બની ગયા હતા. ત્યાર પછી વિષના પ્રભાવમાંથી મુક્ત થઈને કલિયુગે પોતાનું સ્વરૂપ પ્રગટ કર્યું, તે સમય નિષધનરેશ નલરાજાએ ક્રોધે ભરાઈને કલિયુગને શાપ આપવાનું મન થયું. ત્યારે ભયભીત થઈને કાંપતા કલિયુગે હાથ જોડીને કહ્યું, ‘હે મહારાજ, તમે તમારો ક્રોધ શમાવો, હું તમને બહુ યશ અપાવીશ. તમે જ્યારે દમયંતીનો ત્યાગ કર્યો હતો ત્યારે ઇન્દ્રસેનની માતા દમયંતીએ મને શાપ આપ્યો હતો, તેનાથી હું બહુ પીડાઉં છું. કોઈનાથી પરાજિત ન થનારા રાજેન્દ્ર, મેં તમારા શરીરમાં નાગરાજ કર્કોટકના વિષથી રાતદિવસ દાહ ભોગવતો મહા દુઃખે નિવાસ કર્યો હતો. જગતમાં જે માનવી આળસ મૂકીને તમારા ચરિત્રનું વર્ણન કરશે તે મારાથી જન્મેલું દુઃખ કદી નહીં અનુભવે.’

કલિએ આમ કહ્યું એટલે રાજાએ પોતાના ક્રોધ શમાવ્યો. ત્યારે કલિયુગ ભયભીત થઈને તે બહેડાના વૃક્ષમાં પેસી ગયો. કલિયુગ નલ રાજાની આ વાતો કોઈએ સાંભળી નહીં, કલિયુગને કોઈએ જોયો નહીં.

ત્યાર પછી શત્રુનાશક તેજસ્વી નલ રાજા કલિ નાશ પામ્યો. એટલે બધાં દુઃખોથી મુક્ત થઈ ગયા, ફળ ગણીને પરમ તેજ અને આનંદયુક્ત બનીને રથ પર ચઢ્યા અને તરત જ વેગવાન ઘોડાને લઈને નીકળી પડ્યા. કલિયુગ બહેડાના વૃક્ષમાં પ્રવેશ્યો તે દિવસથી તે વૃક્ષ અપ્રશંસનીય બની ગયું. ત્યાર પછી પક્ષીઓની જેમ ઊડનારા શ્રેષ્ઠ ઘોડાને નલરાજાએ પ્રસન્ન હૃદયે ચલાવ્યા. તે મહામના રાજા ઋતુપર્ણ વિદર્ભ દેશની દિશામાં ગયા અને નલ રાજાના ગયા પછી કલિયુગ તે વૃક્ષમાંથી નીકળીને પોતાના સ્થાને જતો રહ્યો, કલિયુગ નીકળી ગયો એટલે નલ રાજા પણ સુખી થઈ ગયા, પરંતુ માત્ર પોતાનું સુંદર રૂપ જ પ્રાપ્ત ન થયું.

ત્યાર પછી સત્યપરાક્રમી રાજા ઋતુપર્ણ સંધ્યાકાળે વિદર્ભનગર પહોંચ્યા, દ્વારપાલોએ ભીમ રાજાને સમાચાર આપ્યા. રાજા ઋતુપર્ણ રાજા ભીમના કહેવાથી પોતાના રથના ધ્વનિથી દસે દિશાઓ અને ઉપદિશાઓને ગજાવતા કુંડિનપુરમાં પ્રવેશ્યા. એ ધ્વનિ ત્યાં ઊભેલા નલ રાજાના અશ્વોએ સાંભળ્યો અને નલ રાજાને પહેલાં જોતા હતા તેમ પ્રસન્ન થયા. વર્ષાકાળે મેઘગર્જના જેવા રથના એ ધ્વનિને દમયંતીએ પણ સાંભળ્યો. ભૂતકાળમાં નલ રાજા જ્યારે પોતાના અશ્વોને દોડાવતા હતા ત્યારે જેવો ધ્વનિ થતો હતો તેવો જ ધ્વનિ અત્યારે રથ અને અશ્વોમાંથી નીકળતો ભીમસૂતાએ સાંભળ્યો. મહારાજના રથના ધ્વનિને મહેલો પર બેઠેલા મોર, પોતાના સ્થાને બાંધેલા હાથી અને અશ્વો — આ બધાએ સાંભળ્યો, તે રથના ધ્વનિને સાંભળીને મોર, હાથી, અશ્વ તેને મેઘગર્જના માનીને એ દિશામાં મોં ફેરવીને ધ્વનિ કરવા લાગ્યા.

દમયંતીએ કહ્યું, આ રથનો ધ્વનિ પૃથ્વીને પૂર્ણ કરતો મારા હૃદયને પ્રસન્ન કરી રહ્યો છે, ચોક્કસ આ રાજા નલ જ છે. હવે જો નલ રાજાના ચંદ્ર સમા મોંને નહીં જોઉં તો નિ:સંદેહ હું મૃત્યુ પામીશ. જો આજે એ વીરના કોમળ તથા સુખસ્પર્શ આપનારા બાહુઓને નહીં આલિંગું તો નિશ્ચિત હું મૃત્યુ પામીશ. જો આજે તેમને નહીં મળું તો મેઘ સમાન ગંભીર વાણીવાળા તથા સુવર્ણ જેવી કાંતિવાળી આગમાં પ્રવેશીને મૃત્યુ પામીશ. જો આજે સિંહ જેવા તેજસ્વી, મત્ત હાથી જેવા કાળવાન રાજા નલ મને નહીં મળે તો હું મૃત્યુ પામીશ. એ મહાત્મા અમસ્તા અમસ્તા પણ અસત્ય આચરણ કરતા ન હતા, તેમણે કદી કોઈના પર અપકાર કર્યો ન હતો — તેઓ કદી અસત્ય બોલ્યા ન હતા. નિષધરાજ નલ સમર્થ, ક્ષમાવાન, વીર, મૃદુ, ચતુર, જિતેન્દ્રિય છે, એકાંતમાં પણ નીચ આચરણ નથી કરતા, બીજી સ્ત્રીઓ માટે નપુંસક છે. હું રાતદિવસ તેમના ગુણોનું સ્મરણ કરતી, તેમનું જ ધ્યાન ધરું છું. મારા તે પ્રિયતમ વિના મારું હૃદય શોકથી ફાટી જાય છે.’

દમયંતી આ પ્રકારે રડતાં રડતાં બેસુધ થઈ ગઈ. થોડા સમય પછી તે પુણ્યશ્લોક નલને જોવા માટે ઊંચી અટારી પર ચઢી ગઈ. નગરની વચ્ચેના માર્ગ પર વાર્ષ્ણેય અને બાહુકની સાથે રથમાં બેઠેલા રાજા ઋતુપર્ણને જોયા. ત્યાર પછી બાહુક અને વાર્ષ્ણેય ઉત્તમ રથમાંથી નીચે ઊતર્યા અને અશ્વોને રથથી અલગ કર્યા અને રથને એક જગાએ ઊભો કરી દીધો. મહારાજ ઋતુપર્ણ રથના મધ્ય ભાગમાંથી ઊતરીને મહા પરાક્રમી ભીમને મળવા ગયા. રાજા ભીમે તેમનો ખૂબ જ આદર સત્કાર કર્યો, પરંતુ ઋતુપર્ણ રાજા અચાનક કેમ આવી ચઢ્યા તેનું કારણ તેઓ કળી ન શક્યા, કારણ કે દમયંતી અને તેની માતાની ગુપ્ત યોજનાથી તેઓ અજાણ હતા.

રાજા ભીમે ઋતુપર્ણને કહ્યું, ‘તમારું સ્વાગત છે મહારાજ, બોલો શા નિમિત્તે આવવાનું થયું?’ તેઓ પોતાની પુત્રીના નિમિત્તે આવ્યા છે તેની જાણ ભીમ રાજાને ન હતી. બુદ્ધિમાન, સત્યપરાક્રમી ઋતુપર્ણે પણ ત્યાં કોઈ રાજા કે રાજપુત્રને ન જોયા, સ્વયંવરની તૈયારી ન જોઈ, બ્રાહ્મણોની મંડળી ન જોઈ. ત્યારે કોશલ દેશના રાજા ઋતુપર્ણે મનમાં મનમાં કંઈક વિચારીને રાજાને કહ્યું, ‘હું માત્ર તમને પ્રણામ કરવા આવ્યો છું.’ રાજા ભીમ પણ હસતાં હસતાં વિચારવા લાગ્યા, ‘આ ઋતુપર્ણ રાજા સો યોજનથી પણ દૂર અનેક ગામ ઓળંગીને આવ્યા છે, પણ આવવાનું કારણ તો સાવ નાનકડું બતાવે છે. તેમના આવવાનું આ કારણ તો આવું ન હોઈ શકે.’ એમ વિચારીને ઋતુપર્ણને કહ્યું, ‘તમે બહુ થાકી ગયા છો તો હવે આરામ કરો.’ આમ વારેવારે કહીને તેમનો સત્કાર કરી વિદાય કર્યા. પ્રસન્ન ચિત્તવાળા રાજા ઋતુપર્ણ રાજા ભીમના આદરસત્કારથી હર્ષ પામ્યા અને વિશ્રામસ્થાન પર રાજસેવકોની સાથે ચાલી નીકળ્યા. રાજા ઋતુપર્ણે અને વાર્ષ્ણેયે વિદાય લીધી પછી બાહુક પણ રથમાં બેસીને રથશાલામાં આવ્યા. ત્યાં જઈને રથથી ઘોડાને છૂટા કર્યા અને શાસ્ત્ર પ્રમાણે અશ્વોની સેવા કરી અને તેમને પ્રસન્ન કરીને પોતે રથ પાસે બેઠા.

દમયંતી રથમાં રાજા ઋતુપર્ણ અને સૂતપુત્ર વાર્ષ્ણેયને તથા વિકૃત રૂપવાળા બાહુકને જોઈને શોકવિહ્વળ થઈ ગઈ. વૈદર્ભી વિચારવા લાગી, આ ક્યા સારથિના રથનો અવાજ હતો. એ અવાજ તો નલ રાજાના રથનો જ હતો પણ હું નિષધરાજને તો જોતી નથી. લાગે છે કે વાર્ષ્ણેયે પણ એ વિદ્યા શીખી લીધી છે, એટલે જ તેના રથનો ધ્વનિ નલ રાજાના રથના જેવો જ હતો. અથવા જેવા નલ રાજા હતા તેવા જ ઋતુપર્ણ પણ હતા. એટલે કદાચ આ રથનો ધ્વનિ નલ રાજાના રથ જેવો હતો. સુંદરી દમયંતીએ આમ અનેક તર્ક કરીને રાજા નલને શોધવા એક દૂતીને મોકલી.

‘કેશિની, તું જઈને તપાસ કર કે આ વિરૂપ અને ટૂંકા હાથવાળો સૂત કોણ છે? તે રથની પાસે બેઠો છે. હે ભદ્રે, હે અનિંદિતે, તું તે પુરુષની પાસે બેસીને સાવધાનીથી મીઠી વાણી વડે તેના કુશળ સમાચાર પૂછજે. મને ખૂબ જ શંકા છે કે આ જ મહારાજ નલ છે, તું એવી રીતે વાત કરજે જેથી મારું મન, મારું હૃદય સંતુષ્ટ થાય. છેલ્લે પર્ણાદવાળી વાત કરજે. હે સુશ્રોણી, હે અનિન્દિતે, તે જે ઉત્તર આપે તેનું પ્રત્યેક વાક્ય ધ્યાનપૂર્વક સાંભળજે.’

આ પ્રકારે સમજાવીને ગયેલી દૂતી બાહુક પાસે જઈને બોલી અને કલ્યાણી દમયંતી પણ અટારી પર ચઢીને જોવા લાગી.

કેશિનીએ કહ્યું, ‘હે મનુષ્યેન્દ્ર, તમારું સ્વાગત. હું તમારા કુશળ સમાચાર પૂછવા આવી છું, હે પુરુષશ્રેષ્ઠ, દમયંતીએ જે કહેવડાવ્યું છે તે ધ્યાનપૂર્વક સાંભળો, તમે તમારે ઘેરથી ક્યારે નીકળ્યા હતા? અહીં શા માટે આવ્યા છો? આ બધું સાચેસાચું કહો, વૈદર્ભી આ બધું સાંભળવા માગે છે.’

બાહુકે કહ્યું, ‘હે ભામિની, યશસ્વી કોશલરાજે સાંભળ્યું કે આવતી કાલે જ દમયંતીનો બીજો સ્વયંવર થશે, આ નિમિત્તે સો યોજન ચાલનારા વાયુ સમાન શીઘ્રગામી ઘોડાને રથમાં જોડીને મહારાજ અહીં આવ્યા છે અને હું તેમનો સારથિ છું.’

કેશિનીએ પૂછ્યું, ‘આ તમારી સાથે જે ત્રીજો પુરુષ છે તે કોણ છે, કોનો સારથિ છે? તમે કોણ છો? તમે કોના સારથિ છો? આ વિદ્યા તમે ક્યાંથી શીખ્યા હતા?’

બાહુકે કહ્યું, ‘તે પુણ્યશ્લોક નલ રાજાનો સારથિ છે, હે ભદ્રે, તેનું નામ વાર્ષ્ણેય છે. રાજા નલ જતા રહ્યા પછી તે ઋતુપર્ણને ત્યાં સેવક છે. હું પણ અશ્વવિદ્યામાં નિપુણ છું અને પાકશાસ્ત્રમાં પણ નિપુણ છું. ઋતુપર્ણ રાજાએ મને સારથિ તરીકે અને રસૌયા તરીકે કામ આપ્યું છે.’

કેશિનીએ પૂછ્યું, ‘હે બાહુક, નલ રાજા ક્યાં ચાલ્યા ગયા છે, તે વાર્ષ્ણેય જાણે છે? તેણે તમારી સાથે આવી વાતો કરી છે?’

બાહુકે ઉત્તર આપ્યો, ‘અશુભ કર્મ કરનારા નલ રાજાના સંતાનોને અહીં મૂકીને વાર્ષ્ણેય ઇચ્છાનુસાર જતો રહ્યો હતો, તેને નિષધરાજની કશી જાણ નથી. હે યશસ્વિની, તે રાજા પોતાના રૂપનો નાશ કરીને ગુપ્ત રૂપે વિચરે છે એટલે કોઈ બીજી વ્યક્તિ નલને ઓળખી શકતી નથી. નલ પોતાનાં ચિહ્નો પ્રગટ કરતા નથી, એ ચિહ્નો નલ જાણે છે અને તેમના સિવાય તેમની પત્ની જાણે છે.’

કેશિનીએ કહ્યું, ‘જે બ્રાહ્મણ પહેલાં અયોધ્યા ગયો હતો તેણે વૈદર્ભીનાં વચન વારંવાર સંભળાવ્યાં હતાં, ‘હે પ્રિય, હે ઠગ, તમે મને છેતરીને મારા અડધા વસ્ત્રને ફાડીને મને વનમાં સૂતેલી મૂકીને ક્યાં જતા રહ્યા? તમે તેને જેવી આજ્ઞા આપી હતી એ જ રીતે તે તમારી વાટ જોઈ રહી છે, તે વિરહથી દિવસરાત પ્રજળતી અડધું વસ્ત્ર પહેરીને ફરે છે, રાજન્, આ દુઃખે સતત રડતી તમારી પ્રિયતમા પર કૃપા કરો, હે વીર, તેની વાતનો ઉત્તર આપો. હે મહામતિશાળી, તેની પ્રિય વાર્તા તમારા મોઢે કહો. અનિન્દિતા વૈદર્ભી એ જ વાત સાંભળવા માગે છે. આ સાંભળીને પહેલાં તમે જે ઉત્તર આપ્યો હતો તેને રાજપુત્રી ફરી સાંભળવા માગે છે.’

કેશિનીનાં આ વચન સાંભળીને નલ રાજાનું હૃદય ખૂબ વ્યથિત થયું, આંખો આંસુથી ભરાઈ આવી. નલ રાજા પોતાના દુઃખનો નિગ્રહ કરીને, એ દુઃખે પ્રજ્વળવાથી આંસુથી ભીની ભીની વાણીથી બોલ્યા, ‘જે કુલીન સ્ત્રી દુઃખમાં પડીને પણ પોતાની રક્ષા જાતે કરે છે તે નિ:સંદેહ સ્વર્ગને જીતી લે છે. કુળવાન સ્ત્રીઓે પતિથી દૂર રહીને પણ ક્રોધ નથી કરતી. એવી શ્રેષ્ઠ સ્ત્રીઓ પોતાના ઉત્તમ ચરિત્ર રૂપી કવચ પહેરીને પ્રાણ ધારણ કરી રાખે છે. પ્રાણયાત્રા ચલાવવા માટે પક્ષીઓ તેનું વસ્ત્ર લઈ ગયા અને તે દુઃખે રિબાય છે, તેના પર તે શ્યામાએ ક્રોધે ન કરવો જોઈએ. રાજ્ય અને લક્ષ્મીથી જ નહીં પણ સુખથી ભ્રષ્ટ, ભૂખતરસથી વ્યાકુળ થઈને આવેલા પતિ ઉપર કોઈ સ્ત્રી ક્રોધ ન કરે, પછી ભલે તે પતિનો સત્કાર પામે કે ન પામે.’

આ પ્રકારે કેશિનીને કહીને અત્યંત દુઃખી નલ રાજા પોતાનાં આંસુ રોકી ન શક્યા અને મોટે મોટેથી રડવા લાગ્યા. કેશિનીએ દમયંતી પાસે જઈને આ બધી વાત કહી સંભળાવી, તેના વિકારની વાત પણ કરી.

નલ રાજાનાં એ વચન સાંભળીને દમયંતી ભારે શોકમાં ડૂબી ગઈ, તેના હૃદયમાં બાહુકના વેશે નલ જ છે, એવી ખાત્રી થઈ. ફરી તેણે કેશિનીને કહ્યું, ‘હે કેશિની, તું ફરી જા. બાહુકની પરીક્ષા કર. તેની સાથે કશી વાત ન કરતી, તેની પાસે બેસીને એનું ચરિત જોયા કર. હે ભામિની, તે જે કામ કરે તેના કારણનો ખૂબ વિચાર કરજે, તે જ્યારે કામ કરતા હોય ત્યારે તેના પ્રત્યેક કાર્યને સારી રીતે જોતી રહેજે. હે ભામિની, તે જો તારી પાસે જિદ કરીને પાણી અને દેવતા માગે તો પણ ન આપતી. તેની બધી કામગીરી જોયા કરજે. અને મને કહેજે. તેનામાં બીજા કોઈ ગુણ નજરે પડે તો તે પણ અહીં આવીને કહેજે.’

દમયંતીએ આમ કહ્યું એટલે કેશિની પાછી બાહુક પાસે ગઈ અને અશ્વવિદ્યામાં નિપુણ બાહુકનાં લક્ષણ જોઈ — સાંભળીને દમયંતી પાસે પાછી આવી. બાહુકનાં દૈવી અને માનવીય લક્ષણો જોયાં તે બધાં દમયંતીને નિરાંતે કહી સંભળાવ્યાં. ‘હે દમયંતી, મેં આવો પુરુષ જોયો ન હતો, એના વિશે સાંભળ્યું ન હતું. તે જળમાં અને સ્થળમાં અત્યંત પવિત્રતા જાળવીને રહે છે. નીચા બારણામાંથી પસાર થતી વખતે તે માથું નમાવતા નથી, પરંતુ એ જોઈને આખું શરીર નિરાંતે એમાં નાખે છે. બારણું બહુ નાનું હોય તો પણ તેમના માટે મોટું થઈ જાય છે. ભીમ રાજાએ ઋતુપર્ણને નિમિત્તે અનેક પ્રકારની ભોજનની સામગ્રી તથા અનેક પશુઓના માંસ મોકલ્યા હતા. તે ભોજન સામગ્રી ધોવા માટે ઘડો પણ મોકલ્યો હતો, બાહુકે દૃષ્ટિ વડે જ એ ઘડો પાણીથી ભરી લીધો. બાહુકે એ જળ વડે બધી વસ્તુઓને ધોઈને ચૂલા પર ચઢાવી. પછી થોડાં તણખલાં ભેગાં કર્યાં, એમાં અચાનક આગ પ્રજ્વળી ઊઠી, તેમનાં આવા અચરજભર્યાં કામ જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગઈ અને અહીં આવી પહોંચી. મેં આ ઉપરાંત એક મહાન આશ્ચર્ય જાયું. અગ્નિનો તે સ્પર્શ કરે તો પણ તેનાથી તે દાઝતા નથી, અને પાણી તેમની ઇચ્છાથી જ વહેવા માંડે છે, આનાથી પણ એક વધારે આશ્ચર્ય જોયું. તેમણે હાથમાં ફૂલ લઈને મસળ્યાં તો પણ તે ફૂલ એવાં ને એવાં જ રહ્યાં. ઊલટ જેમ જેમ તે મસળતા ગયા તેમ તેમ તેમની સુગંધ વધતી જ ચાલી, આ બધાં અદ્ભુત કર્મ જોઈને હું અહી તમારી પાસે દોડી આવી.’

દમયંતી પુણ્યશ્લોકનાં કર્મોને જાણીને, તેમની ચેષ્ટાઓને પામીને જાણી ગઈ કે નલ રાજા આવી પહોંચ્યા છે. બાહુકના વેશે નલ રાજાનો સંદેહ કરતી કરતી, રડતાં રડતાં તે મીઠી વાણીથી કેશિનીને ફરી કહ્યું, ‘હે ભામિની, તું ફરી જા અને પ્રમત્ત બાહુકે જે માંસ રાંધ્યું છે એમાંથી જે કંઈ બહાર પડ્યું હોય તે અહીં લઈ આવ.’

દમયંતીનું પ્રિય કરવાવાળી કેશિની ત્યાં ગઈ અને બાહુક કોઈ કામમાં વ્યસ્ત હતા ત્યારે ગરમ ગરમ માંસ તરત જ લઈ આવી. કેશિનીએ તે માંસ દમયંતીને આપ્યું, દમયંતીએ પહેલાં અનેક વાર નલ રાજાએ રાંધેલું માંસ ખાધું હતું, તેના સ્વાદને ઓળખતી હતી, એટલે તેને જાણ થઈ ગઈ કે આ સારથિ નથી પણ નલ રાજા પોતે જ છે. તે બહુ દુઃખી થઈને રડવા લાગી. બહુ રડી લીધા પછી પાણીથી મોં ધોઈને પોતાના પુત્ર તથા પુત્રીને કેશિનીની સાથે નલરાજા પાસે મોકલ્યા. બાહુકે ઇન્દ્રસેનાને પોતાના ભાઈની સાથે આવેલી જોઈ બંનેને ગળે વળગાડ્યા, રાજાએ બંનેને પોતાના ખોળામાં બેસાડ્યા. દેવપુત્રોના જેવા બંને બાળકોને પોતાના ખોળામાં બેસાડીને અત્યંત દુઃખી ચિત્તવાળા બાહુક મોટા સ્વરે રડવા લાગ્યા. આમ પોતાના વિકારને વારે વારે પ્રગટ કરીને નલ રાજાએ બાળકોને હેઠે ઉતાર્યાં અને કેશિનીને કહ્યું, ‘હે ભદ્રે, આ બંને બાળકો મારાં બાળકો જેવાં છે, એટલે જ એમને જોઈને હું સહસા રડવા લાગ્યો. હે ભદ્રે, તને અહીં વારે વારે આવતી જોઈને લોકો આપણા વિશે શંકા કરશે, કારણ કે હું તો પરદેશી અતિથિ છું. એટલે તું અહીથી જતી રહે, તને નમસ્કાર.’

કેશિનીએ બુદ્ધિમાન પુણ્યશ્લોક નલ રાજાની બધી ચેષ્ટાઓ જોઈને બધી વાતો દમયંતીને કરી. અત્યંત દુઃખી દમયંતીએ આ બધા સમાચાર સાંભળીને બાહુક નલ રાજા જ છે એમ માનીને કેશિનીને પોતાની પોતાની મા પાસે મોકલી, અને કહેવડાવ્યું, ‘મેં આ નલ રાજા છે એવી શંકા કરીને બાહુકની ઘણી પરીક્ષા કરી છે, હવે માત્ર રૂપની જ શંકા રહી ગઈ છે, તેની પરીક્ષા હું જાતે જઈને કરવા માગું છું, હે માતા, કાં તો તેમને અહીં બોલાવ કાં તો મને ત્યાં જવાની આજ્ઞા આપ. મારી આ વાત પિતા જાણે કે ન જાણે, મારું આટલું કામ કરી આપ,’

પુત્રીની આ વાત સાંભળીને રાણીએ ભીમ રાજાને કહ્યું, ત્યારે રાજાએ પુત્રીનો અભિપ્રાય જાણી લીધો. માતાપિતાની આજ્ઞા મેળવીને દમયંતી જ્યાં રહેતી હતી ત્યાં નલ રાજાને બોલાવ્યા. પછી કાષાય વસ્ત્ર પહેરેલી, જટાધારિણી, મલિન દમયંતી બાહુકને કહેવા લાગી, ‘હે બાહુક, જંગલમાં સૂતેલી કોઈ સ્ત્રીને ત્યજીને ચાલ્યો ગયો હોય એવો કોઈ ધર્મજ્ઞ પુરુષ જોયો છે ખરો? મેં એ રાજાનો એવો કેવો અપરાધ કર્યો હતો, જેને કારણે તેઓ વનમાં મને એકલીને મૂકીને જતા રહ્યા? સાક્ષાત્ દેવોને બાજુ પર મૂકીને મેં તેમની વરણી કરી હતી. મને એની જાણ ન હતી કે સંતાનોવાળી, પતિપરાયણ, ભક્તિમતીનો તેમણે કેવી રીતે ત્યાગ કર્યો, હંસોની વાત સાંભળીને અગ્નિની સાક્ષીએ તેમણે મારો હાથ પકડ્યો હતો અને કહ્યું હતું કે ‘હું તારો જ રહીશ’ પરંતુ એ પ્રતિજ્ઞાનું ન જાણે શું થયું?’

દમયંતીનાં આ વચન સંાભળીને બાહુકની આંખોમાંથી શોકને કારણે આંસુ વહેવા લાગ્યાં. અત્યંત કાળી પણ લાલ થઈ ગયેલી આંખોમાંથી આંસુ વહેવડાવતી દમયંતીને જોઈને શોકવિહ્વળ નલ રાજાએ કહ્યું,

‘હે ભીરુ, જેને કારણ મારું રાજ્ય ઝૂંટવાઈ ગયું તે કાર્ય મેં કર્યું ન હતું, જેને કારણે મેં તારો ત્યાગ કર્યો હતો તે પણ કલિયુગને કારણે જ. હે ધર્મ ધારણ કરનારી દમયંતી, તું પહેલાં વનવાસ દરમિયાન બહુ દુઃખી થઈ હતી અને ત્યારે તેં કલિને શાપ આપીને પીડ્યો હતો. તે કલિ શાપથી પ્રજળતો મારા શરીરમાં રહેતો હતો, તે તારા શાપના અગ્નિથી પ્રજ્વળવાને કારણે અગ્નિની અંદર રહેનારાની જેમ મારા શરીરમાં વાસ કરતો હતો. મારા પુરુષાર્થ અને તપથી તેનો પરાજય થયો, આપણા દુઃખના દિવસો પૂરા થયા. હે વિપુલશ્રોણી, તે પાપી મારા શરીરને ત્યજીને જતો રહ્યો એટલે તારે કારણે અહીં આવ્યો છું, અહીં આવવાનું બીજું કોઈ પ્રયોજન ન હતું. કોઈ સ્ત્રી અનુરક્ત અને વ્રતધારી પતિને મૂકીને બીજો પતિ કરી શકે કેવી રીતે? જેમ તું કરવા જઈ રહી છે? રાજાની આજ્ઞાથી પૃથ્વી પર દૂતો કહી રહ્યા છે કે ભીમસૂતા સ્વેચ્છાએ પોતાના માટે બીજો પતિ કરી રહી છે. આ વાત જાણીને રાજા ઋતુપર્ણ શીઘ્રતાથી અહીં આવી પહોંચ્યા.’

નલ રાજાની આ વાત સાંભળીને દમયંતી હાથ જોડીને ભયથી કાંપતી બોલવા લાગી, ‘હે નિષધરાજ, તમે આવી રીતે પાપની શંકા મારા પર ન કરો. મેં દેવોને ત્યજીને તમને પતિ તરીકે પસંદ કર્યા હતા. તમને મેળવવા માટે જ બ્રાહ્મણો બધી દિશામાં ગયા હતા. તેમણે મારા વચનની ગાથા બનાવીને બધે સંભળાવી હતી. એમાંથી એક વિદ્વાન પર્ણાદ બ્રાહ્મણે કોશલ દેશમાં ઋતુપર્ણ રાજાને ત્યાં તમને જોયા. તેણે તમને જે કહ્યું, તમે એને જે કહ્યું તેમાંથી તમને બોલાવવાનો મને આ ઉપાય મળ્યો. તમારા સિવાય આ પૃથ્વી પર કોણ છે જે એક દિવસમાં સો યોજન ઘોડા ચલાવીને આવી શકે? હે મહીપાલ, તમારા ચરણ સ્પર્શીને કહું છું કે મારા મનમાં કોઈ પાપ ન હતું. આ લોકમાં હમેશાં વહેનાર વાયુ પ્રાણીઓની સાક્ષી બનીને વહી રહ્યો છે, જો મેં ક્યારેય કોઈ પાપ કર્યું હોય તો આ વાયુ મારા પ્રાણ હરી લે. જો મેં પાપ કર્યું હોય તો જગતમાં ભ્રમણ કરતો આ સૂર્ય મારા પ્રાણ હરી લે. જો મેં કોઈ પાપ કર્યું હોય તો બધાના મનમાં સાક્ષીરૂપે વિચરનાર આ ચંદ્ર મારા પ્રાણ હરી લે. આ ત્રણે દેવતા ત્રિલોકને ધારણ કરે છે, તેઓ સત્ય કહે, અથવા જો મેં અસત્ય કહ્યું હોય તો આજે જ મારો ત્યાગ કરી દે.’

જ્યારે દમયંતીએ આવું કહ્યું ત્યારે અન્તરીક્ષના વાયુએ કહ્યું, ‘હે નલ, હું તને સત્ય કહું છું, આણે કોઈ પાપ કર્યું નથી. હે રાજન, દમયંતીનો સુંદર શીલસમુદ્ર રક્ષિત જ છે. હે નલ, તેણે કોઈ પાપ કર્યું નથી. આ ત્રણ વર્ષના અમે રક્ષક અને સાક્ષી છીએ. હે રાજન, તેણે આવો ઉપાય તમારે નિમિત્તે જ વિચાર્યો હતો, કારણ કે તમારા સિવાય કોઈ પણ એક દિવસમાં સો યોજન ચાલી ન શકે. હે પૃથ્વીનાથ, તમે દમયંતીને મળ્યા અને દમયંતી તમને મળી ગઈ. હવે તમારે કોઈ શંકા કરવી ન જોઈએ. હવે તમારી સ્ત્રી સાથે જાઓ.’

વાયુએ આવું કહ્યું એટલે આકાશમાંથી પુષ્પવર્ષા થઈ, દેવોએ દુંદુભિ વગાડ્યાં અને ઉત્તમ પવન વાવા લાગ્યો. શત્રુનાશક નલ રાજાએ આ અદ્ભુત ઘટના નિહાળીને દમયંતીના વિશે શંકાઓ કરવાનું છોડી દીધું, ત્યાર પછી નાગરાજનું સ્મરણ કરીને નલ રાજાએ વસ્ત્ર શરીરે ઓઢ્યું, એટલે તરત જ નલરાજાએ પોતાનું અગાઉનું રૂપ મેળવી લીધું, ત્યારે દમયંતી નલ રાજાને તેમના મૂળ સ્વરૂપમાં જોઈને રાજાને વળગીને મોટે અવાજે રડવા લાગી. નલ રાજાએ પણ ભીમસૂતાને આલિંગી, પોતાના જૂના રૂપથી શોભાયમાન થઈને પોતાનાં સંતાનોને ગળે વળગાડ્યાં. ત્યાર પછી સુંદર રૂપવાળી દમયંતી નલ રાજાના મસ્તકને પોતાના ઉર સાથે ચાંપીને દુઃખે વ્યાકુળ બનીને દીર્ધ નિ:શ્વાસ નાખવા લાગી. તે શુચિસ્મિતા, મલિન, અશ્રુપૂર્ણ દમયંતી પુરુષવ્યાઘ્ર નલ રાજાને ભેટીને બહુ સમય સુધી ઊભી રહી. ત્યારે દમયંતીની માતાએ પ્રસન્ન થઈને નલ દમયંતીનો આ વૃત્તાંત રાજા ભીમને સંભળાવ્યો. રાજા ભીમે કહ્યું કે હું કાલે સવારે શૌચકર્મથી પવિત્ર થઈને દમયંતીની સાથે સુખે બેઠેલા નલને જોઈશ. ત્યાર પછી નલ અને દમયંતીએ આનંદપૂર્વક વનની જૂની કથાઓ કહેતાં કહેતાં રાત વીતાવી દીધી. નલ રાજા ચોથા વર્ષે પોતાની ભાર્યાને પ્રાપ્ત કરી અને બધાં કામોને સિદ્ધ કરી પરમ આનંદ પામ્યા.

જેવી રીતે અર્ધો અંકુર ફૂટે ત્યારે પાણી મેળવીને પૃથ્વી આનંદિત થાય તેવી રીતે દમયંતી પણ પતિને પ્રાપ્ત કરીને આનંદમગ્ન બની. જેવી રીતે ચંદ્રના ઉદયથી રાત્રિ શોભે તેવી રીતે ભીમસૂતા પતિને મેળવીને બધા દુઃખ શમાવી, નિદ્રા ત્યજીને આનંદિત થઈને શોભવા લાગી. રાત્રિ વીતાવીને પ્રાત:કાળ થયો એટલે નલ રાજાએ ઉત્તમ વસ્ત્ર, અને આભૂષણ પહેરીને રાજા ભીમનાં દર્શન કર્યાં. નલ રાજાએ શ્વસુરને પ્રણામ કર્યા, ત્યારે શુભા દમયંતીએ પણ પિતાને પ્રણામ કર્યાં. ભીમ રાજા અત્યંત પ્રસન્ન થઈને નલને પુત્રવત્ ગણીને રાજાને ભેટ્યા અને નલ રાજાની સાથે દમયંતીનું યથાવિધિ પૂજન કર્યું અને તેમને ધીરજ બંધાવી. નલ રાજાએ તે પૂજનને વિધિપૂર્વક ગ્રહણ કર્યું અને રાજાની યોગ્ય પરિચર્યા કરી. તે દિવસે નગરમાં ચોતરફ મહા આનંદના ધ્વનિ થવા લાગ્યા. નલ રાજાને જોઈને બધા લોકોએ આનંદોત્સવ ઉજવ્યો. આખું નગર ધ્વજપતાકાઓથી શણગારાયું, રાજમાર્ગ પર અને બીજા માર્ગો પર પાણીની છંટકાવ થયો, બંને બાજુઓ ફૂલોથી શણગારાઈ. નગરવાસીઓએ પોતપોતાના દ્વારે પુષ્પમાળાઓ અને તોરણ લગાવ્યાં. દેવમંદિરોમાં બધે પૂજાપાઠ થવા લાગ્યા. રાજા ઋતુપર્ણે પણ જાણ્યું કે બાહુકના વેશે નલ રાજા હતા, દમયંતી સાથેનું તેમનું મિલન જોઈને ઋતુપર્ણને બહુ આનંદ થયો. ત્યાર પછી ઋતુપર્ણ રાજા નલને મળ્યા અને પોતાના અપરાધની ક્ષમા માગી, નલ રાજાએ કેટલાંય કારણો ધરીને રાજાનો અપરાધ ક્ષમા કર્યો, રાજા ઋતુપર્ણ નલ રાજાનો આદર પામીને આશ્ચર્ય પામીને એવું કહેવા લાગ્યા. ‘હે નિષધરાજ, પ્રારબ્ધથી કુટુંબ સાથે તમારો મેળાપ થયો છે. હે નિષધરાજ, તમે ગુપ્તવેશે મારે ત્યાં રહેતા હતા ત્યારે મેં તમારો કોઈ અપરાધ તો નથી કર્યો ને? અથવા જાણેઅજાણે પણ મારાથી અપરાધ થયો હોય તો મને ક્ષમા કરજો.’

નલ રાજાએ કહ્યું, ‘હે રાજન્, તમે મારો જરાય અપરાધ નથી કર્યો અને જો કર્યો હોય તો પણ હું ક્રોધે ભરાયો નથી. હું તમને ક્ષમા કરું છું. હે રાજન, તમે પહેલેથી મારા સંબંધી છો, મિત્ર છો, હવે તમે અમારા પર વધુ પ્રીતિ વરસાવો એ ઉચિત ગણાશે. બધી જ કામનાઓ પૂરી કરીને તમારે ત્યાં હું સુખે રહ્યો. તમારે ત્યાં જેવી રીતે રહ્યો તેવી રીતે હું મારા ઘરમાં પણ રહ્યો ન હતો. જે અશ્વવિદ્યા મારી પાસે છે તે તમારી જ છે, જો તમે ઇચ્છો તો હું તમને શીખવાડું.’ આમ કહીને નલ રાજાએ ઋતુપર્ણને અશ્વવિદ્યા શીખવાડી. ઋતુપર્ણે વિધિપૂર્વક તે વિદ્યા ગ્રહણ કરી. ભંગસ્વરના પુત્ર ઋતુપર્ણ અશ્વવિદ્યા પ્રાપ્ત કરીને બીજો સારથિ લઈને પોતાના નગરમાં ગયા. ઋતુપર્ણની વિદાય પછી નલ રાજા કુંડિનપુરમાં લાંબો સમય ન રહ્યા. નિષધ રાજ એક મહિનો ત્યાં રહ્યા પછી રાજા ભીમની અનુમતિ લઈને થોડા માણસો લઈને નિષધ દેશ જવા નીકળ્યા. તેમની સાથે એક સુંદર શ્વેત રથ, સોળ હાથી, પચાસ ઘોડા અને છસો પદાતિઓ હતા. મહામના નલ રાજા ખૂબ જ ઉતાવળે પોતાના વેગથી પૃથ્વીને કંપાવતા તરત જ સ્વદેશ પહોંચ્યા.

વીરસેનના પુત્ર નલ રાજા પુષ્કર પાસે જઈને કહેવા લાગ્યા, ‘હું બહુ ધન કમાયો છું, ચાલ ફરી જુગાર રમીએ. દમયંતી સમેત જે બધું ધન કમાયો છું તે સર્વ એક જ દાવમાં લગાવું છું, હે પુષ્કર, તું પણ એક જ દાવમાં બધું ધન લગાવ. હવે મારો વિચાર છે કે ફરી જુગાર શરૂ થાય, તારું કલ્યાણ થાય, ચાલ એક જ દાવ પ્રાણોની બાજી લગાવીને રમીશ. આ પરમ ધન છે. જુગારમાં બીજાનું ધન કે રાજ્ય જીત્યા પછી બીજા દાવમાં એને ફરી લગાવવું જોઈએ. જો તારી જુગાર રમવાની ઇચ્છા ન હોય તો યુદ્ધ કર. એક રથ પર તું ચઢ અને બીજા પર હું ચઢું કાં તો તું મને મારી નાખ કાં તો હું તને મારી નાખું. વૃદ્ધોની આજ્ઞા છે કે વંશપરંપરાગત રાજ્ય કોઈ પણ રીતે મેળવવું જોઈએ અથવા જે ઉપાયે પ્રાપ્ત થાય તે ઉપાયે મેળવવું જોઈએ. હું પુષ્કર, આ બેમાંથી એકનો નિર્ણય કરી લે, કાં પાસાં વડે જુગાર રમ કાં તો યુદ્ધમાં ધનુષ ખેંચ.’

નલ રાજાનું આવું વચન સાંભળીને પુષ્કર હસવા લાગ્યો, પોતાનો વિજય નિશ્ચિત છે એમ માનીને તેણે નલરાજાને કહ્યું, ‘હે નિષધરાજ, તમે ભાગ્યયશ જુગાર રમવા માટે ધન પ્રાપ્ત કર્યું છે, ભાગ્યવશ જ દમયંતીનું પૂર્વસંચિત દુષ્કર્મ સમાપ્ત થયું છે. હે શત્રુનાશક રાજન્, ભાગ્યવશ જ તમે ભાર્યા સાથે જીવતા આવ્યા છો. જેવી રીતે સ્વર્ગમાં ઇન્દ્રને અપ્સરા મળી હતી તેવી રીતે ધનની સાથે સાથે અલંકારમંડિત દમયંતી મને મળશે. હે રાજન, હું નિત્ય તમારું સ્મરણ કરતો હતો, તમારી પ્રતીક્ષા પણ કરતો હતો કારણ કે મને શત્રુઓની સાથે જુગાર રમવામાં મજા પડતી ન હતી. હવે હું સુંદર, અનિંદિતા દમયંતીને જુગારમાં જીતીને કૃતકૃત્ય થઈશ. કારણ કે તે સદા મારા હૈયે વસે છે.’

પુષ્કરનાં આવાં અસંબદ્ધ અને નિરર્થક વચન સાંભળીને ક્રોધે ભરાયેલા નલ રાજાને તલવાર કાઢીને તેનું મસ્તક કાપી નાખવાની ઇચ્છા થઈ, પણ બહારથી હસતું મોં રાખીને ક્રોધથી રાતીચોળ આંખે નલ રાજાએ કહ્યું, ‘જુગાર રમ્યા વગર આવો બકવાસ કેમ કરે છે? જુગાર રમ અને જીત્યા પછી બોલજે.’

ત્યારે નલ રાજા અને પુષ્કરનો જુગાર આરંભાયો. નલ રાજાએ એક જ દાવમાં પુષ્કરના રાજ્ય, ધન, પ્રાણ, રત્ન — બધું જ જીતી લીધું. પુષ્કરને જુગારમાં જીતીને નલ રાજા હસીને પુષ્કરને કહેવા લાગ્યા. ‘હવે આ બધું મારું રાજ્ય નિષ્કંટક અને શાંત થઈ ગયું છે. હવે તારી એ શક્તિ નથી કે તું દમયંતીને જોઈ શકે. હે મૂઢ, તું તારા કુટુંબસમેત એ જ દમયંતીનો દાસ બની ગયો છે. તેં પહેલાં મને જીત્યો હતો તેમાં તારું પરાક્રમ ન હતું, એ તો કલિયુગનો પ્રતાપ હતો. હે મૂર્ખ, તું એને ઓળખતો નથી. પણ હું બીજાનો દોષ તારા પર ઓઢાડવા માગતો નથી. હું તને જીવતો જવા દઉં છું, તું સુખે જીવ, હે વીર, હું પહેલાંની જેમ જ તારા પર પ્રીતિ રાખીશ, એમાં કોઈ સંશય નથી. તારા માટેનો બંધુભાવ મારા પક્ષે ઓછો નહીં થાય. હે પુષ્કર, તું મારો ભાઈ છે, સો વરસનો થજે.’

સત્ય પરાક્રમી નલ રાજાએ પોતાના ભાઈને ધીરજ બંધાવી અને વારે વારે ગળે લગાવ્યો. તેને પોતાના નગરમાં જવાની અનુમતિ આપી. નલ રાજાએ આવું સાંત્વન આપ્યું એટલે પુષ્કરે પુણ્યશ્લોક નલ રાજાને હાથ જોડીને કહ્યું,

‘હે રાજન્, તમે મને જીવિત રાખ્યો અને મારું રાજ્ય પાછું આપ્યું, તમારી કીર્તિ અખંડ રહેશે, હજાર વર્ષ સુખેથી જીવશો.’

એમ કહીને રાજાનો સત્કાર પામેલો પુષ્કર, ત્યાં એક મહિનો રહીને પ્રસન્ન થઈ સ્વજનોને લઈને પોતાને નગર ચાલ્યો ગયો.

નલ રાજાએ વિપુલ સેના અને ઉત્તમ સેવકો સાથે તેજસ્વી સૂર્યના જેવા પુષ્કરને વિદાય કર્યા પછી લક્ષ્મીપૂર્ણ અને શોભાપૂર્ણ પોતાના નગરમાં પ્રવેશ કર્યો, નિષધરાજે પોતાના નગરવાસીઓને પ્રસન્ન કર્યા. જ્યારે આખું નગર શાંત થઈ ગયું અને ઉત્સવ સમાપ્ત થયો ત્યારે રાજાએ મોટી સેના મોકલીને દમયંતીને બોલાવી લીધી. મહામના, મહામરાક્રમી ભીમ રાજાએ દમયંતીને ભારે સત્કારપૂર્વક વિદાય કરી. જેવી રીતે નંદનવનમાં ઇન્દ્ર વિહાર કરે તેમ સંતાનો સાથે આવેલી દમયંતી સાથે નલ રાજા આનંદપૂર્વક વિહાર કરવા લાગ્યા. મહા યશસ્વી રાજા જંબુદ્વીપના રાજાઓમાં પ્રસિદ્ધિ પામ્યા અને પહેલાંની જેમ પોતાના રાજ્યનું શાસન કરવા લાગ્યા. તેમણે દક્ષિણાઓવાળા અનેક યજ્ઞ વિધિવત્ કર્યા. (આરણ્યક પર્વ, ૪૯થી ૭૮)