ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ/પાંડવો અને દ્રૌપદીના પૂર્વજન્મની કથા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પાંડવો અને દ્રૌપદીના પૂર્વજન્મની કથા

નૈમિષારણ્યમાં દેવોએ એક મહાયજ્ઞ આરંભ્યો, તે યજ્ઞમાં યમ પશુમેધ કરતા હતા એટલે નરસંહાર થતો ન હતો. આને કારણે માનવીઓની સંખ્યા દિવસે દિવસે વધવા લાગી. હવે બધા ગભરાયા. ઇન્દ્ર, વરુણ, કુબેર, અશ્વિનીકુમારો, રુદ્રગણો અને બીજા દેવતાઓ દર વખતની જેમ જઈ પહોંચ્યા બ્રહ્મા પાસે. ‘ભગવાન, માનવીઓની સંખ્યા આટલી બધી વધી ગઈ છે. એટલે અમારી ચિંતાનો તો પાર નથી. તમારી પાસે આ મુશ્કેલીમાંથી રસ્તો કાઢવા આવ્યા છીએ.’

આ સાંભળી બ્રહ્મા બોલ્યા, ‘અરે, તમે બધા તો અમર છો, પછી માનવીઓથી ડરો છો શા માટે? તમારે બીવાનું નહીં.’

‘અરે, પિતામહ, આ માનવીઓ મૃત્યુ પામતા નથી. અમારામાં અને તેમનામાં કયો ભેદ? અમારે એમનાથી જુદા પડવું જ છે, એટલે તમારી પાસે આવ્યા છીએ.

બ્રહ્માએ કહ્યું, ‘સૂર્યપુત્ર યમ અત્યારે યજ્ઞ કરી રહ્યા છે, એટલે માનવીઓનું મૃત્યુ થતું નથી. યજ્ઞ પૂરો થાય એટલે માનવીઓનો અંત આવી જશે. તમારા પ્રભાવને કારણે જ યમરાજનું શરીર પણ જીવનાશી બની જશે. મનુષ્યો નિર્બળ થઈ જશે એટલે તેમનો અંત આવશે.’

બ્રહ્માની વાત સાંભળીને દેવતાઓ નૈમિષારણ્યમાં જઈ પહોંચ્યા. એક દિવસ કિનારા પર બેઠેલા દેવતાઓએ ભાગીરથીના પ્રવાહમાં વહેતું કમળ જોયું. તેમને આ જોઈને નવાઈ લાગી. આ કમળ આવ્યું ક્યાંથી? એટલે તેની તપાસ કરવા ગંગા જ્યાંથી નીકળતી હતી ત્યાં ઇન્દ્ર જઈ પહોંચ્યા અને તેમણે જોયું તો અગ્નિ જેવી એક કન્યા ત્યાં હતી. પાણીની ઇચ્છાથી તે ગંગામાં ડૂબકાં ખાતી હતી અને તેની આંખોમાંથી ટપકતાં આંસુ કમળ બની જતાં હતાં. આ અદ્ભુત ઘટના જોઈ એટલે ઇન્દ્રે તેની પાસે જઈને પૂછ્યું, ‘તું કોણ છે? રડે છે કેમ?’

કન્યાએ કહ્યું, ‘હું દુર્ભાગી છું. મારી સાથે આવો તો તમને હું કોણ છું અને શા માટે રડી રહી છું, એનો પરિચય થશે. તમે મારી પાછળ પાછળ આવો.’

એની વાત સાંભળીને ઇન્દ્ર પાછળ પાછળ ચાલવા લાગ્યા. થોડે દૂર જઈને જોયું તો હિમાલયના એક શિખર પર પરમ સુંદર પુરુષ કોઈ સ્ત્રીની સાથે ચોપાટ રમી રહ્યો હતો.

પેલા બંને તો રમવામાં મશગૂલ હતા એટલે ઇન્દ્રે કહ્યું, ‘આ ત્રણે લોક પર મારું રાજ ચાલે છે.’ તો પણ કશો ઉત્તર ન મળ્યો એટલે ઇન્દ્રે ક્રોધે ભરાઈને ફરી કહ્યું, ‘આ આખા ભૂમંડળનો સ્વામી હું છું.’

પેલા ચોપાટ રમતો પુરુષ ક્રોધે ભરાયેલા ઇન્દ્રને જોઈને હસ્યો, એક વાર ઇન્દ્ર પર નજર કરી. ઇન્દ્ર જેવા ઇન્દ્રનું શરીર તો પેલાની દૃષ્ટિ પડતાંવેંત જડ થઈ ગયું. હવે ચોપાટની રમત પૂરી થઈ એટલે તે પુરુષે રડતી કન્યાને કહ્યું, ‘તું આ ઇન્દ્રને મારી પાસે લઈ આવ. મારે તેને શિક્ષા કરવી પડશે. ભવિષ્યમાં મારી આગળ અભિમાન ન કરે.’

તે કન્યાનો સ્પર્શ થતાં વેંત ઇન્દ્રનું શરીર ઢીલું થઈ ગયું, અને ધરતી પર તે પડી ગયા, મહાદેવે કહ્યું, ‘ઇન્દ્ર, હવે પછી આમ ન કરીશ. તારામાં જોર બહુ છે ને, આ મોટા પર્વતનું દ્વાર ઉઘાડ અને અંદર જા. અંદર તારા જેવા ઘણા તેજસ્વી ઇન્દ્ર છે.’

પછી દેવરાજે પોતાના જેવા જ ચાર ઇન્દ્ર જોયા. તેમને જોઈને વિચારમાં પડ્યા, ‘અરે ભગવાન, મારી આવી હાલત ન થાય.’

પછી શંકર ભગવાને ક્રોધે ભરાઈને વજ્રપાણિ ઇન્દ્રને કહ્યું, ‘ઇન્દ્ર, તું આ ગુફામાં પેસી જા. અજ્ઞાનને કારણે તેં મારો અનાદર કર્યો છે.’

આ સાંભળીને ઇન્દ્ર તો પીપળાના પાનની જેમ ધૂ્રજવા લાગ્યા. પછી બે હાથ જોડીને માથું ઝુકાવ્યું, અને કહેવા લાગ્યા, ‘અરે ભગવાન, તમે તો ચરાચર જગતનો પાર પામી ગયા છો, આખું જગત તમારી આંખો આગળ છે.’

મહાદેવ આ સાંભળીને હસી પડ્યા અને બોલ્યા, ‘અભિમાની લોકો ક્યારેય ભગવાનને પામી શકતા નથી. તમારી જેમ જ અભિમાન કરનારા ચાર ઇન્દ્ર અંદર છે, હવે તમે પણ જતા રહો અંદર, હવે તમારે પાંચેય ઇન્દ્રે પૃથ્વી પર માનવી તરીકે જનમવું પડશે. કઠોર કાર્યો કરવાં પડશે. કેટલાય જીવોનો વધ કરવો પડશે, પછી જ તમે ઇન્દ્રલોકમાં આવી શકશો. તમારા માટે મેં આ બધું નક્કી કર્યું છે.’

આ સાંભળી ત્યાં જઈ પહોંચેલા પહેલા ઇન્દ્રે કહ્યું, ‘અમે પાંચેય સ્વર્ગમાંથી પૃથ્વી પર તો જઈશું. ત્યાં મોક્ષ મેળવવો અઘરો તો છે. અમારી એક પ્રાર્થના છે. જે સ્ત્રી અમારી માતા બને, ધર્મ-વાયુ-ઇન્દ્ર, અને બંને અશ્વિનીકુમારો અમારા માટે તે સ્ત્રીમાં ગર્ભાધાન કરે.’

આ સાંભળી વજ્રધારી ઇન્દ્રે કહ્યું, ‘હું જાતે નહીં જઉં, પણ આ કાર્ય પૂરું કરવા મારા સત્ત્વમાંથી એક પુરુષ પેદા કરીશ.’

ભોળાનાથ તો ભારે દયાળુ, તેમણે પાંચેય ઇન્દ્રની વાત માની લીધી. લોકોના મનને લોભાવનારી તે કન્યા પૃથ્વી પર આ પાંચેની પત્ની બનશે એવું પણ કહ્યું. પછી ભગવાન બધાને લઈને નારાયણ પાસે ગયા, નારાયણે પણ એ વાત સ્વીકારી. આમ બધા પૃથ્વી પર પહોંચ્યા.

ભગવાન હરિએ પોતાની શક્તિ રૂપી કૃષ્ણ-શુકલ-બે રંગના વાળ તોડ્યા અને તે રોહિણી તથા દેવકીના ગર્ભમાં પ્રવેશ્યા. એક બળદેવ અને બીજા કૃષ્ણ. ઇન્દ્રની પહેલાં ગુફામાં બંધ થયેલા ઇન્દ્ર પાંડવો તરીકે જન્મ્યા. અર્જુન એટલે ઇન્દ્રપુત્ર. પેલી દિવ્ય સુંદરી તે દ્રૌપદી. આમ તે પાંચેની પત્ની થશે એ વાત તો પહેલેથી નક્કી જ હતી. જેનું રૂપ સૂર્ય અને ચન્દ્ર જેવું હોય, જેના શરીરની સુગંધ એક યોજન સુધી પહોંચે તે દેવતાઓની સહાય વિના યજ્ઞની વેદીમાંથી પ્રગટે કેવી રીતે?

આમ વ્યાસ ભગવાને દ્રુપદ રાજાને દિવ્ય દૃષ્ટિ આપી એટલે કુન્તીપુત્રોને દેવરૂપે જોયા. દ્રુપદ આ જોઈ ભગવાન વ્યાસને પગે લાગ્યા.

ફરી વ્યાસ ભગવાન બોલ્યા, ‘કોઈ તપોવનમાં એક મહાત્મા ઋષિ હતા, તેમની કન્યા રૂપવાન અને પવિત્ર, તો પણ તેનું લગ્ન થતું ન હતું. પછી તે કન્યાએ ભારે તપ કરીને શંકર ભગવાનને પ્રસન્ન કર્યા, તે કન્યા વારંવાર બોલી, ‘સર્વગુણવાન પતિ મારે જોઈએ છે.’

શંકર ભગવાને કહ્યું, ‘તું પાંચ પતિવાળી થઈશ. તેં પાંચ વખત પતિ માગ્યા એટલે હવે તને પાંચ પતિ મળશે.’

(ગીતાપ્રેસ, આદિ પર્વ, ૧૯૫-૧૯૬)