ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ/રુરુ અને પ્રમદ્વરાની કથા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રુરુ અને પ્રમદ્વરાની કથા

એક જમાનામાં તપસ્વી અને વિદ્યાવાન તથા બધાં પ્રાણીઓના હિતચિંતક એવા સ્થૂલકેશ નામે વિખ્યાત ઋષિ થઈ ગયા. તે જ અરસામાં વિશ્વાવસુ નામના ગંધર્વે મેનકા સાથે સંબંધ બાંધીને એક કન્યાને જન્મ આપ્યો. યથાસમયે મેનકાએ તે કન્યાને સ્થૂળકેશ ઋષિના આશ્રમ પાસે ત્યજી દીધી અને નદીકિનારે તેને મૂકીને તે ચાલી ગઈ. ત્યાર પછી અમર દેવકન્યા જેવી તેજસ્વી અને તેજથી પ્રજ્વલિત, નિર્જન નદીકિનારે ત્યજાયેલી તથા બાંધવજનો વિનાની તે કન્યાને તેજસ્વી મહાન ઋષિ સ્થૂળકેશે જોઈ. બ્રાહ્મણશ્રેષ્ઠ અને મુનિશ્રેષ્ઠ એવા સ્થૂળકેશને તે કન્યા જોઈને દયા આવી અને તેઓ તેને લઈ આવ્યા, તેનું પાલન કરવા લાગ્યા. ઋષિના આશ્રમમાં તે કમળ સમાન સુંદર અને શુભા કન્યા મોટી થવા લાગી. રૂપ, ગુણ અને સત્ત્વમાં તે કન્યા બધી પ્રમદાઓમાં ઉત્તમ હતી એટલે મહર્ષિએ તેનું નામ પ્રમદ્વરા રાખ્યું. ધર્માત્મા, આત્મશક્તિવાળા રુરુ તે આશ્રમમાં પ્રમદ્વરાને જોઈને કામવશ થયા. ભૃગુવંશી રુરુએ પોતાના મિત્રો દ્વારા પિતા પાસે પોતાની ઇચ્છા જણાવી રુરુના પિતા પ્રમતિ (ચ્યવન અને સુકન્યાપુત્ર) યશસ્વી સ્થૂળકેશ પાસે ગયા. પ્રમદ્વરાના પિતા સ્થૂળકેશે તે કન્યા રુરુને આપી દીધી. ઉત્તર ફાલ્ગુની નક્ષત્રમાં તેમની વિવાહતિથિ પણ નક્કી કરી દીધી. વિવાહના થોડા દિવસ અગાઉ અલૌકિક રૂપવતી એવી તે કન્યા સખીઓ સાથે રમતી હતી ત્યારે ત્રાંસા સૂતેલા લાંબા સાપને ન જોયો અને મૃત્યુની ઇચ્છાવાળી પ્રમદ્વરાએ કાળ પ્રેરિત થઈને તે સાપ પર પગ મૂકી દીધો. સર્પદંશથી પ્રમદ્વરા નિષ્પ્રાણ થઈને જમીન પર પડી ગઈ અને જે દર્શનીય (જોવાલાયક) હતી તે અદર્શનીય બની ગઈ. સર્પવિષથી પ્રજ્વલિત ધરતી પર સૂઈ રહી ન હોય એવું લાગ્યું, તેના શરીરનો રંગ ઊડી ગયો હતો. અને છતાં મૃત્યુ પામેલી, પાતળી કમરવાળી પ્રમદ્વરા વધુ સુંદર દેખાવા લાગી.

તેના પિતા સ્થૂળકેશે અને બીજા તપસ્વીઓએ પદ્મ જેવી અને ભૂમિ પર પડેલી નિર્જીવ કન્યાને જોઈ. બધા જ દ્વિજશ્રેષ્ઠ ત્યાં દયા આણીને ભેગા થયા, સ્વસ્ત્યાત્રેય, મહાજાનુ, કુશિક, શંખમેખલ ભરદ્વાજ, કૌણકુત્સ, આર્ષ્ટિણકોણ, ગૌતમ, પ્રમતિ, તેમના પુત્ર રુરુ અને બીજા વનવાસીઓ સર્પવિષથી બળેલી અને પ્રાણહીન જોઈને રડવા લાગ્યા. રુરુ તો શોકાકુળ થઈને કરુણાસભર થઈ બહાર જતો રહ્યો. બ્રાહ્મણો ચારે બાજુ ત્યાં બેઠેલા હતા એટલે રુરુ દુઃખી થઈને ગાઢ વનમાં જઈ રડવા લાગ્યો. અતિ શોકથી વિહ્વળ થયેલો રુરુ કરુણ વિલાપ કરતો પોતાની પ્રિયા પ્રમદ્વરાની ચિંતા કરતો શોકાતુર થઈને બોલ્યો, ‘મારો શોક વધારનારી તે તન્વાંગી પ્રમદ્વરા ધરતી પર સૂતી છે, મારા માટે અને મારા બાંધવો માટે આથી વધારે શોકની ઘટના કઈ? જો મેં દાન આપ્યું હોય, તપ કર્યું હોય, ગુરુજનોની સારી સેવા કરી હોય તો મારી પ્રિયા સજીવન થઈ ઊઠે. જો હું જન્મથી વ્રતશીલ રહ્યો હોઉં, જિતેન્દ્રિય રહ્યો હોઉં તો આજે જ ભામિની પ્રમદ્વરા જીવતી થઈ ઊઠે.’

દેવદૂતે કહ્યું, ‘હે રુરુ , તું દુઃખી થઈને જે કંઈ કહી રહ્યો છે તે બધું અર્થહીન છે. હે ધર્માત્મન, જેનું આયુષ્ય પૂરું થઈ ગયું હોય તેને પુનર્જીવન નથી મળી શકતું. આ દીન, અપ્સરા અને ગંધર્વની કન્યાની આયુમર્યાદા પૂરી થઈ ગઈ છે. એટલે હે તાત, તું શોકવિહ્વળ થઈને ચિત્તને વ્યાકુળ ન કર. પરંતુ મહાત્મા દેવતાઓએ આ માટે ભૂતકાળમાં એક ઉપાય બતાવ્યો છે, જો તું એ કરવા ઇચ્છે તો પ્રમદ્વરાને પામી શકીશ.’

રુરુએ કહ્યું, ‘હે આકાશગામી દેવદૂત, દેવતાઓએ શો ઉપાય બતાવ્યો છે તે મને સારી રીતે બતાવો, એ સાંભળીને હું એ પ્રમાણે કરીશ. મને તમે ઉગારો.’

દેવદૂતે કહ્યું, ‘હે ભૃગુનંદન, રુરુ, જો તું આ કન્યાને તારા આયુષ્યનો અડધો ભાગ આપી દે તો આમ કરવાથી તારી ભાર્યા પ્રમદ્વરા જીવતી થાય.’

રુરુએ આ સાંભળી કહ્યું, ‘આકાશગામી ઉત્તમ દેવદૂત, હું આ કન્યાને મારા આયુષ્યનો અડધો ભાગ આપું છું. શૃંગાર, રૂપ અને આભરણોવાળી મારી પ્રિયા ફરી જીવતી થાય.’

ત્યાર પછી ઉત્તમ દેવદૂત અને ગંધર્વરાજ બંને ધર્મરાજ પાસે જઈને કહેવા લાગ્યા, ‘હે ધર્મરાજ, જો તમે સંમત થાઓ તો રુરુની મૃત પત્ની પ્રમદ્વરા રુરુના અડધા આયુષ્ય વડે જીવતી થાય.’

ધર્મરાજે કહ્યું, ‘હે દેવદૂત, તમે જો એવું ઇચ્છતા હો તો ભલે રુરુની પત્ની પ્રમદ્વરા રુરુના અડધા આયુષ્ય વડે ફરી જીવતી થાય.’

ધર્મરાજે એવું કહ્યું, એટલે વરર્વિણની (સુંદરી) પ્રમદ્વરા તે રુરુનું અડધું આયુષ્ય મેળવીને જાણે ઊંઘમાંથી ઊઠી હોય તેમ બેઠી થઈ. ભવિષ્યમાં લોકો જોઈ શકશે કે ઉત્તમ તેજસ્વી રુરુના દીર્ઘ આયુષ્યનો અડધો હિસ્સો ભાર્યાના નિમિત્તે ખરચાઈ ગયો હતો.

ત્યાર પછી રુરુ અને પ્રમદ્વરાના પિતાઓએ ખૂબ જ આનંદિત થઈને શુભ દિવસે તેમનો વિવાહ કરી દીધો. તે બંને પરસ્પરના હિતની ઇચ્છા કરતા ક્રીડા કરવા લાગ્યા. કમળતંતુ જેવી રૂપવતી દુર્લભા ભાર્યા પામીને તે વ્રતધારી રુરુએ તે સર્પજાતિના વિનાશની પ્રતિજ્ઞા લીધી. સાપને જોતાં વેંત તે ક્રોધે ભરાતો હતો અને લાકડી વડે, પોતાની શક્તિ વડે તેને મારી નાખતો હતો. એક દિવસ તે વિદ્વાન રુરુ ગાઢ વનમાં ગયો અને ત્યાં તેણે એક ઘરડા ડુંડુભને જોયો. ક્રોધે ભરાયેલો રુરુ કાલદંડ જેવી લાકડી ઉગામીને એને મારી નાખવા ગયો ત્યાં ડુડુએ કહ્યું, ‘હે તપોધન, મેં તારો કોઈ અપરાધ આજે કર્યો નથી, તો તું ક્રોધે ભરાઈને મને શા માટે મારે છે?’

રુરુએ કહ્યું, ‘એક સાપે મારી પ્રાણસમાન ભાર્યાને ડસી હતી, એટલે મેં આવો ભયાનક નિર્ણય કર્યો છે કે હું જ્યારે જ્યારે કોઈ સાપને જોઈશ ત્યારે ત્યારે તેને મારી નાખીશ. એટલે જ તમને મારી નાખવા માગું છું. આજે તમે જીવનથી મુક્ત થઈ જશો.’

તે સાપ બોલ્યો, ‘હે વિપ્ર, જે સાપ માનવીઓને ડસે છે તે બીજા પ્રકારના હોય છે, એટલે સાપની ગંધ આવતા વેંત ડુંડુભની હિંસા કરવી યોગ્ય નથી. ડુંડુભ જાતિના સાપ અનર્થ ભોગવવામાં તો બીજા સાપ જેવા જ છે. પણ બંનેના સ્વભાવ જુદા છે. અમંગલ અને દુઃખ ભોગવવામાં બંને સરખા છે, પણ બંનેનાં સુખ જુદાં જુદાં છે. તું ધર્મવિદ છે તો પછી તારે ડુંડુભ જાતિના સાપની હિંસા કરવી ન જોઈએ.’

ત્યારે ભયથી વ્યાપ્ત રુરુએ તે સાપની એવી વાત સાંભળીને તે ડુંડુભને ઋષિ માનીને તેની હત્યા ન કરી. રુરુએ તેને ધીરજ બંધાવીને કહ્યું, ‘હે ભગવન્ તમે કહો જોઈએ, આવી દશા કેવી રીતે તમને પ્રાપ્ત થઈ?’

ડુંડુભે કહ્યું, ‘હે રુરુ, હું ભૂતકાળમાં સહપાત નામનો ઋષિ હતો, પછી એક બ્રાહ્મણના શાપથી હું સાપ થયો. ખગમ નામનો એક સત્યવાદી, તપોબળયુક્ત બ્રાહ્મણ મારો મિત્ર હતો. એક દિવસ શિશુચેષ્ટા કરીને મેં અગ્નિહોત્ર કરી રહેલા મેં મિત્રને ઘાસનો સાપ બનાવીને તેને બીવડાવ્યો, એટલે તે મૂચ્છિર્ત થઈ ગયો.

પછી જ્યારે તે વ્રતધારી, સત્યવાદી તપોધન ભાનમાં આવ્યો ત્યારે જાણે મને કોપાગ્નિથી દઝાડતો હોય તેમ બોલ્યો,

‘તેં જેવી રીતે મને ભયભીત કરવા માટે આ નિર્જીવ ઘાસનો આ સાપ બનાવ્યો છે એ જ રીતે મારા કોપથી તું પણ નિ:સત્ત્વ સાપ થઈશ.’

હું તેની તપસ્યાના સામર્થ્યથી પરિચિત હતો એટલે અતિ ચિંતાતુર થઈને તે વનવાસી ઋષિને કહેવા લાગ્યો. ત્વરાથી સંભ્રમપૂર્વક તેના ચરણોમાં મેં પ્રણામ કર્યા અને હાથ જોડીને તેની સામે ઊભો અને હું બોલ્યો, ‘મેં તો હસતાં હસતાં મિત્ર માનીને આવું કર્યું છે. હે બ્રહ્મન્, આ શાપ પાછો ખેંચી લે.’

પછી મને અતિ ઉદાસ ચિત્તવાળો જોઈને તે તપોધને વ્યથિત થઈને વારે વારે ઉષ્ણ નિ:શ્વાસ નાખીને તે કહ્યું, ‘મેં જે કહ્યું છે તે મિથ્યા તો નહીં થાય. હે વ્રતધારી, હું જે કહું છું તે સાંભળ. મારી આ વાત નિત્ય હૃદયમાં રાખજે. પ્રમતિને રુરુ નામનો પુત્ર થશે અને તેને જોઈને તારો આ શાપ નિર્મૂળ થશે. તું જ પ્રમતિનો પુત્ર પવિત્ર, પ્રસિદ્ધ રુરુ છે. એટલે અત્યારે મારું સ્વરૂપ પામીને તને હિતકારક કહીશ.

અહિંસા પરમ ધર્મ છે, બધા જ જીવોનો એ ધર્મ છે, એટલે બ્રાહ્મણે બધાં પ્રાણીઓમાં કોઈની હિંસા ન કરવી. હે તાત્, એવું પહેલેથી મનાય છે કે બ્રાહ્મણો શાંત ચિત્તવાળા, વેદ-વેદાંગના જાણકાર અને બધાં પ્રાણીઓના અભયદાતા બનીને જ જન્મે છે. અહિંસા, સત્ય વચન અને ક્ષમા વેદાભ્યાસ કરતાં પણ વધુ પરમ ધર્મ બ્રાહ્મણો માટે મનાયા છે. દંડધારણ, ઉગ્રતા, પ્રજાપાલન ક્ષત્રિયોનો ધર્મ છે, તે તમારા માટે મંગલદાયક નથી. આ ક્ષત્રિયનાં જ કર્મ છે. હે ધર્માત્મા, ભૂતકાળમાં રાજા જનમેજયના સર્પયજ્ઞમાં સાપની હિંસા થઈ હતી, પણ તપોબળવાળા, બળવાન, વેદવેદાંગના જાણકાર આસ્તિક મુનિએ એ સર્પયજ્ઞમાં ભયભીત સર્પોની રક્ષા કરી હતી તે કથા સાંભળ.’

રુરુએ પૂછ્યું, ‘હે દ્વિજશ્રેષ્ઠ તાત, રાજા જનમેજયે કેવી રીતે સાપોનો વિનાશ કર્યો, તેનું શું કારણ હતું? આસ્તિક મુનિએ શા માટે તેમને હિંસામાંથી વાર્યા? હું આ બધું સાંભળવા માગું છું.’

ઋષિએ કહ્યું, ‘હે રુરુ, તું બ્રાહ્મણોના મોઢે એ આસ્તિકની દીર્ઘ કથા સાંભળીશ.’ એમ કહી તે ઋષિ અદૃશ્ય થઈ ગયા.

રુરુ એ ઋષિને જોવાની ઇચ્છાથી વનમાં ચારે બાજુ દોડ્યો, છેવટે થાકીને તે ભૂમિ પર પડી ગયો. પછી ભાનમાં આવીને પિતા પાસે જઈને તેણે બધી વાત કરી અને તેણે પૂછ્યું એટલે તેના પિતાએ એ આખી કથા પહેલેથી છેલ્લે સુધી કહી સંભળાવી.

(આદિ પર્વ, ૮થી ૧૨)