ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ/વસિષ્ઠ-વિશ્વામિત્રકથા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વસિષ્ઠ-વિશ્વામિત્રકથા

કાન્યકુબ્જ પ્રદેશમાં સત્ય ધર્મપરાયણ ગાધિ નામે એક પ્રખ્યાત રાજા થઈ ગયા, તે ધર્માત્માને ત્યાં વિશ્વામિત્ર નામે એક પ્રસિદ્ધ પુત્રનો જન્મ થયો. આ પુત્ર સેના, વાહનોથી સમૃદ્ધ અને શત્રુનાશક હતા. તેઓ એક સમયે ગાઢ વનમાં અને સુંદર રણપ્રદેશમાં મૃગ અને વરાહના શિકાર માટે ભ્રમણ કરી રહ્યા હતા. મૃગ માટેની ઇચ્છા ધરાવતા તે વિશ્વામિત્ર રખડપટ્ટીથી થાકીને અને તરસ્યા થઈને વસિષ્ઠના આશ્રમમાં જઈ પહોંચ્યા. ઋષિશ્રેષ્ઠ વસિષ્ઠે નરશ્રેષ્ઠ વિશ્વામિત્રને આવતા જોઈ પૂજા કરી સ્વાગત કર્યું, તે ઋષિએ પાદ્ય, અર્ઘ્ય, આચમન, સ્વાગત, વન્ય, હવિષ વગેરેથી સ્વાગત કર્યું તથા વનના ફળફૂલ વગેરેથી વિશ્વામિત્રનો સત્કાર કર્યો. મહાત્મા વસિષ્ઠની પાસે એક કામધેનુ હતી, ‘અમુક ઇચ્છા પૂરી કરો.’ એમ કહેવાથી તે નિત્ય એમની એ બધી ઇચ્છાઓ પૂરી કરતી હતી. વસિષ્ઠની ઇચ્છા પ્રમાણે કામધેનુને દોહવાથી ગ્રામ્યપ્રદેશની તથા વનની ઔષધિઓ, દૂધ, અમૃતસમાન ખટરસ, ઉત્તમ રસાયન, અમૃત સમાન બહુવિધ ભોજનની, પેય, ભક્ષ્ય, લેહ્ય, ચોષ્ય સામગ્રીઓ પ્રાપ્ત થઈ. મંત્રી તથા સેનાની સાથે મહીપતિએ (વિશ્વામિત્રે) આ સર્વ સંપૂર્ણ કામ્ય વસ્તુઓથી સત્કાર પામીને ખૂબ જ સંતોષ અનુભવ્યો. ત્યાં પુષ્ટ મસ્તક, ગરદન, જઘન, પિંડીઓ, પુચ્છ અને આંચળવાળી, ત્રણ વિશાળ અવયવો, તથા પાંચ પુષ્ટ અવયવો. દેડકાના જેવી આંખોવાળી, ઉત્તમ આકાર ધરાવતી પુષ્ટ આંચળવાળી, અનંદિત અંગોવાળી, સુંદર શિંગડાંવાળી, મનને આનંદ આપવાવાળી, પુષ્ટ — વિશાળ મસ્તક અને ગરદનવાળી ગાયને જોઈને વિશ્વામિત્ર આશ્ચર્યચક્તિ થઈ ગયા. વસિષ્ઠ ઋષિની પયસ્વિની નંદિની નામક એ કામધેનુને જોઈને વિશ્વામિત્રે તેની પ્રશંસા કરી અને અતિ સંતુષ્ટ ચિત્તે વસિષ્ઠને કહ્યું,

‘હે બ્રહ્મન્, તમે દસ કરોડ ગાય લઈને મને આ નંદિની આપી દો. હે મહામુનિ, તમે મને નંદિની આપીને મારા રાજ્યનો ઉપભોગ કરો.’

વસિષ્ઠે ઉત્તર આપ્યો, ‘આ પયસ્વિની નંદિની દેવતા, અતિથિ, પિતૃઓ અને યજ્ઞ માટે રાખી છે, તમારા રાજ્યના બદલામાં પણ હું તેને આપી ન શકું.’

વિશ્વામિત્રે કહ્યું, ‘હું ક્ષત્રિય છું અને તમે તપ કરનારા, સ્વાધ્યાયરત બ્રાહ્મણ છો. પ્રશાંત ચિત્ત તથા સંયમી આત્મા ધરાવતા બ્રાહ્મણમાં શક્તિ કયાંથી? જો તમે દસ કરોડ ગાયના બદલામાં મારે જોઈતી ગાય નહીં આપો તો હું મારો ધર્મ નહીં ત્યાગું. હું બળજબરીથી ગાય લઈ જઈશ.’

વસિષ્ઠે ઉત્તર આપ્યો, ‘તમે બલિષ્ઠ ક્ષત્રિય રાજા છો, પરાક્રમી છો, એટલે તમારી ઇચ્છામાં આવે તે કરો, વિશેષ વિચાર કરવાની જરૂર નથી.’

વસિષ્ઠ ઋષિએ આમ કહ્યું એટલે હંસ અને ચંદ્રના પ્રતીક જેવી નંદિનીનું વિશ્વામિત્રે બળપૂર્વક હરણ કર્યું. દંડના મારથી ત્રસ્ત, આમ તેમ બાંધેલી બળપૂર્વક લઈ જવાતી વસિષ્ઠની તે કલ્યાણી નંદિની હંભારવ કરતી ભગવાન વસિષ્ઠની આગળ આવીને ઊંચું મોં કરીને ઊભી રહી, બહુ માર ખાધા પછી પણ તે આશ્રમમાંથી ન ગઈ.

નંદિની વિશ્વામિત્ર અને તેમની સેનાના જોરજુલમથી ભયત્રસ્ત બનીને વસિષ્ઠ પાસે જઈ પહોંચી.

તે ગાય બોલી, ‘હે ભગવન્, વિશ્વામિત્રની ભયાનક સેના મને પથ્થર અને દંડ વડે મારી રહી છે, હું અનાથની જેમ ચીસો પાડું છું, તમે મારી ઉપેક્ષા કેમ કરો છો?’

નંદિની ત્રસ્ત થઈને બહુ પીડા પામી રહી હતી, પણ વ્રતધારી વસિષ્ઠ ક્ષુબ્ધ ન થયા, અધીર ન થયા, તેમણે કહ્યું, ‘ક્ષત્રિયનું બળ તેજ છે, બ્રાહ્મણનું બળ ક્ષમા છે, જો તું ઇચ્છતી હોય તો જા.’

નંદિનીએ કહ્યું, ‘હે ભગવન્, શું તમે મારો ત્યાગ કર્યો છે? આવું કેમ બોલો છો? તમે મારો ત્યાગ કર્યો ન હોય તો કોઈ મને બળજબરીથી લઈ જઈ નહીં શકે.’

વસિષ્ઠ બોલ્યા, ‘હે કલ્યાણી, હું તારો ત્યાગ નથી કરતો. જો તારે ન જવું હોય તો રહી જા. આ તારા વાછરડાને કઠણ દોરડા વડે બળજબરીથી લઈ જઈ રહ્યા છે.’

પયસ્વિની નંદિની વસિષ્ઠે ‘રહી જા’ કહ્યું તે સાંભળીને મસ્તક અને ગરદન ઊંચી કરીને ભયાનક મૂર્તિ જેવી બની ગઈ, ક્રોધને કારણે લાલ નેત્રો કરીને વારેવારે હંભારવ કરતી તે વિશ્વામિત્રની સેનાને ચારે બાજુ ભગાડવા લાગી. સેનાઓના કોરડાના મારથી ઘાયલ થયેલી, ચારે બાજુથી બાંધેલી અતિ ક્રોધે ભરાઈને પ્રજ્વળતી આંખોવાળી તે વધુ ક્રોધે ભરાઈ. ક્રોધને કારણે તેની કાયા મધ્યાહ્નના સૂર્યના જેવી તેજસ્વી બની ગઈ અને પૂંછડા વડે વારે વારે મોટા મોટા અંગારા વરસાવવા લાગી. ત્યાર પછી ક્રોધાવેશમાં આવેલી તે ગાયે પૂંછડામાંથી પહ્લવોને, છાણમાંથી શબર અને શકોને, મૂત્રમાંથી યવનોને પેદા કર્યા, ફીણમાંથી પૌણ્ડ્ર, કિરાત, દ્રવિડ, સિંહલ, બર્બર, દરદ અને મલેચ્છોને જન્માવ્યા. વિવિધ વેશધારી તથા વિવિધ અસ્ત્રો ધારણ કરેલી મલેચ્છ સેનાએ તે જ ક્ષણે ઉત્સાહિત થઈને વિશ્વામિત્રના દેખતાં તેમના વિશાળ સૈન્યને આમતેમ ભગાડી દીધું. એમાંથી પાંચ પાંચ, સાત સાત યોદ્ધાઓ વિશ્વામિત્રના એક એક સૈનિકને ઘેરી વળ્યા. વિશ્વામિત્રના દેખતાં દેખતાં જ તેમની સેના ભયાનક અસ્ત્રવૃષ્ટિથી ઘાયલ થઈને, ભયભીત થઈને આમતેમ ભાગવા લાગી. વસિષ્ઠની સેનાએ યુદ્ધમાં પૂરેપૂરી ક્રોધે ભરાયેલી હોવા છતાં કોઈના પ્રાણ ન લીધા. તે સેનાને ત્રણ યોજન દૂર ભગાડી મૂકી, તે ભયભીત થઈને ચીસો પાડવા લાગી, તેમની રક્ષા કરે એવું કોઈ નજરે પડતું ન હતું.

વિશ્વામિત્ર બ્રહ્મતેજથી સર્જાયેલી તે આશ્ચર્યલીલા જોઈને ક્ષત્રિયધર્મથી વિરક્ત થઈ ગયા અને બોલ્યા, ‘ક્ષત્રિય બલને ધિક્કાર છે, બ્રહ્મતેજનું બળ જ સાચું બળ છે. બલાબલનો નિર્ણય કરવો હોય તો જ ઉત્કૃષ્ટ ગણાશે.’ ત્યાર પછી તેમણે વિશાળ રાજ્ય અને પ્રજ્વલિત રાજ્યલક્ષ્મીનો ત્યાગ કરીને, ભોગથી વિરક્ત થઈને તપ કરવા લાગ્યા. તપમાં સિદ્ધ અને પ્રદીપ્ત તેજસ્વી બનીને પોતાના તેજથી ત્રણે લોકને પ્રભાવિત કર્યા, બધા લોકને સંતાપ પમાડીને તેમણે બ્રાહ્મણત્વ મેળવ્યું. તે કૌશિકે (વિશ્વામિત્રે) ઇન્દ્રની સાથે સોમરસનું પાન પણ કર્યું.

(આદિ પર્વ, ૧૬૫)