ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ/વ્યુષિતાશ્વ રાજાની કથા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વ્યુષિતાશ્વ રાજાની કથા

એક સમયે પૂરુવંશની વૃદ્ધિ કરનારા ધર્મનિષ્ઠ રાજા વ્યુષિતાશ્વ થઈ ગયા. તે ધર્માત્માએ યજ્ઞયાગ કર્યો હતો, અને તે સમયે ઇન્દ્ર સહિત દેવો અને મહર્ષિઓ આવ્યા હતા. તે પ્રસંગે ઇન્દ્ર સોમ વડે અને બ્રાહ્મણો દક્ષિણા વડે પ્રસન્ન થયા. જેવી રીતે શિશિરના અન્તે સૂર્ય બધાને પાછળ પાડીને પ્રકાશે છે તેવી રીતે વ્યુષિતાષ્વ રાજા બધા મર્ત્ય લોકોને પાછળ પાડીને આગળ પ્રકાશવા લાગ્યા. પૂર્વ, મધ્ય ઉત્તર અને દક્ષિણના બધા નૃપતિઓને હરાવી, બંદી બનાવીને દસ હાથીઓ જેટલા બળવાળા તે રાજા અશ્વમેધ મહાયજ્ઞ કરીને પ્રતાપી થયા. પુરાણીઓ આ રાજાની કથા કહ્યા કરે છે કે તેમણે સમુદ્ર સુધીની વસુંધરા જીતીને જેવી રીતે પિતા ઔરસ (લગ્નવિધિથી થયેલા પુત્રો) પુત્રોનું પાલન કરે છે તેવી રીતે આ રાજાએ બધા વર્ણોનું પાલન કર્યું, તેમણે અનેક યજ્ઞો કરીને અગણિત સોમલતાઓ નીચોવી, બ્રાહ્મણોને ખૂબ ધન આપ્યું. રાજા કાક્ષીવાનની કન્યા ભદ્રા તેમની અતિ પ્રિય પત્ની હતી. આ પૃથ્વી પર તેના જેવી સ્વરૂપવાન સ્ત્રી બીજી ન હતી. આ બંને પતિપત્ની પરસ્પર કામના કરતા હતા. નિરંતર કામરત રહેતા હોવાને કારણે વ્યુષિતાશ્વને ક્ષય રોગ થયો. તે અંશુમાન (સૂર્ય)ની જેમ થોડા સમયમાં જ અસ્ત થઈ ગયા. રાજા પરલોક સિધાવ્યા એટલે તેમની ભાર્યા અતિ દુઃખી થઈ ગઈ. તે પુત્રહીન ભદ્રાએ બહુ કલ્પાંત કર્યું.

‘હે પરમ ધર્મજ્ઞ, પુત્ર વિનાની નારી અકૃતા (નિષ્ફળ) હોય છે, પતિ વિના જીવતી સ્ત્રી દુઃખી થઈને મૃત જેવી બને છે. હે ક્ષત્રિયશ્રેષ્ઠ, પતિ વિનાનીને તો મૃત્યુ જ મંગલદાયી નીવડે છે, એટલે હું તમારી સાથે આવવા માગું છું, પ્રસન્ન ચિત્તે મને લઈ જાવ. તમારા વિના ક્ષણ પણ હું જીવવા માગતી નથી, એટલે પ્રસન્ન થાઓ, અને મને સાથે લઈ જાઓ.

હે નરશાર્દૂલ, સુખ હોય કે દુઃખ, હું તમારી પાછળ પાછળ આવીશ, હું પાછી નહીં ફરંુ. હે રાજા, હું તમારી છાયાની જેમ પાછળ આવીશ, હું તમારું પ્રિય અને હિત કરનારી છું, તમારી આજ્ઞા માનતી રહીશ, આજથી તમારા વિના કષ્ટદાયી હૃદયહારી માનસિક પીડા મને જકડી કેશે. હું ભાગ્યહીના છું, મેં ગયા જન્મમાં એક સાથે રહેતા દંપતીને છૂટા પાડ્યા હતા. પૂર્વજન્મના એ પાપને કારણે આ જન્મમાં મને તમારો વિપ્રયોગ (વિરહ) પ્રાપ્ત થયો છે. આજથી હું કુશની સાદડી પર સૂઈશ. કોઈ સુખ મને સુખ નહીં આપે. હે નરવ્યાઘ્ર, મને દર્શન આપો, દુઃખી, અનાથ અને દીનને, આ વિલાપ કરનારીને સુખ આપો.’ આ પ્રકારે તે શબને આલિંગીને વારંવાર બહુવિધ વિલાપ કરવા લાગી. ત્યારે આકાશવાણી થઈ, ‘હે ભદ્રે, ઊભી થા, જા, હે ચારુહાસિની, હું તને વરદાન આપું છું. હું તને સંતાન આપીશ. હે સુંદર નેત્રોવાળી, ઋતુસ્નાતા થઈને આઠમ કે ચૌદશે મારી સાથે શયન કરજે.’

આમ સાંભળીને પુત્ર ઇચ્છતી તે દેવી પતિવ્રતાએ એમ જ કર્યું. તે દેવીને તે શબ દ્વારા ત્રણ શાલ્વ અને ચાર મદ્ર એમ સાત સંતાનો પ્રાપ્ત થયાં.

(આદિ પર્વ, ૧૧૨)