ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ/સુંદ-ઉપસુંદકથા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સુંદ-ઉપસુંદકથા

પૂર્વ કાળમાં હિરણ્યકશિપુના વંશમાં નિકુંભ નામના બળવાન, તેજસ્વી દૈત્યનો જન્મ થયો. તેના બે પુત્રો પરાક્રમી, વીર્યવાન હતા. તે બંને વચ્ચે એવો પ્રેમ હતો કે તેઓ સાથે બેસીને જ ભોજન કરતા, એક બીજા વિના ક્યાંય બહાર જતા ન હતા. બંને એકબીજા સાથે મીઠી વાણી બોલતા, એકબીજાનું પ્રિય કાર્ય કરતા, તે બંને ભાઈઓના સ્વભાવમાં અને વ્યવહારમાં ભેદ જ ન હતો. એટલે જાણે એક જ માનવી બે ભાગમાં વહેંચાઈ ગયો ન હોય એમ લાગતું હતું. પ્રત્યેક કાર્યમાં એક સરખી બુદ્ધિ રાખનારા તે બે પરાક્રમી ભાઈઓ મોટા થયા અને ત્રણે લોક જીતવાનો નિશ્ચય કરીને વંધ્યિ પર્વત પર જઈને દીક્ષિત તથા સમાહિત થઈને કઠોર તપ કરવા લાગ્યા અને દીર્ઘ કાળ પછી તપોયુક્ત થયા. તેમણે જટા વલ્કલ ધારણ કર્યા, ભૂખતરસથી થાકી જઈને, આખા શરીરે ભસ્મ લગાડી તેઓ માત્ર વાયુભક્ષી બનીને રહેવા લાગ્યા, તે બંને અંગૂઠા પર ઊભા રહ્યા, હાથ ઊંચા કરી, અપલક નેત્રે, વ્રત ધારણ કરી ઘણા સમય સુધી પોતાના માંસની આહુતિ આપતા રહ્યા. ત્યારે એક અદ્રભુત ઘટના બની. વિંધ્ય પર્વતે તેમની દીર્ઘકાલીન તપસ્યાના પ્રભાવથી તપી જઈને ધુમાડા કાઢવા માંડ્યા. દેવગણ તેમની કઠોર તપસ્યા જોઈને ભયભીત થઈ ગયા, તેઓ તેની તપસ્યા નષ્ટ કરવા વિઘ્નો નાખવા માંડ્યા. તેમણે લોભામણાં રત્નો અને નારીઓથી બંનેને કેટલીય વાર લોભાવ્યા પરંતુ વ્રતધારી તેં બંને ભાઈઓએ કોઈ રીતે વ્રત પડતું ન મૂકયું. દેવતાઓએ એ બંને ભાઈઓ સમક્ષ ભારે માયા ફેલાવી. તે બંને અસુરોની માતા, બહેન, સ્ત્રી તથા તેમની અન્ય સ્વજન ઢીલા ઢીલા અલંકાર અને કેશવાળી તથા વસ્ત્ર વિનાની ત્યાં હતી, શૂલવાળા એક રાક્ષસે તેમને પાડી નાખી હતી અને તે સ્ત્રીઓ બંને ભાઈઓ આગળ ‘બચાઓ બચાઓ’ કરતી ચીસો પાડતી હતી. આ જોઈને પણ મહાવ્રતધારી સુંદે અને ઉપસુંદે વ્રત છોડ્યું નહી;

જ્યારે બંનેમાંથી કોઈ પણ ક્ષુબ્ધ ન થયું ત્યારે તે સ્ત્રીઓ અને રાક્ષસ અદૃશ્ય થઈ ગયા. ત્યાર પછી પિતામહે તે બંને મહાઅસુરો સમક્ષ આવીને તેમને વરદાન માગવા કહ્યું. દૃઢ પરાક્રમી સુંદે અને ઉપસુંદે પિતામહને જોઈને બંને હાથ જોડી પ્રણામ કર્યા. બંને એક સાથે ભગવાનને કહેવા લાગ્યા, ‘પિતામહ, અમારી તપસ્યાથી જો તમે પ્રસન્ન થયા હો અને આનંદ પામ્યા હો તો અમે બંને માયાના જાણકાર થઈએ, બળવાન થઈએ, ઇચ્છાનુસાર રૂપ બદલી શકીએ અને અમર થઈએ એવું વરદાન આપો.’

પિતામહે કહ્યું, ‘અમરત્વ સિવાયની તમારી બધી ઇચ્છાઓ પૂરી થશે. અમરતા સિવાયની કોઈ એવી પ્રાર્થના કરો જે અમરતા બરાબર હોય. ત્રણે લોકના સ્વામી બનવા તમે આવું તપ કયું છે એટલે અમરતા તો પ્રાપ્ત નહીં થાય. હે દૈત્યવરો, ત્રણે લોક પર વિજય મેળવવા તમે તપ કર્યું છે એટલે તમારી અમર બનવાની ઇચ્છા હું પૂરી કરી નહી શકું.’

સુંદે અને ઉપસુંદે કહ્યું, ‘હે પિતામહ, અમને બંનેને એકબીજા સિવાય આ ત્રિલોકમાં ઉત્પન્ન થયેલા કશા સ્થાવર જંગમનો ભય ન હો.’

પિતામહે ઉત્તર આપ્યો, ‘તમે જે પ્રાર્થના કરી, જે કહ્યું તે પ્રમાણે હું વરદાન આપું છું. તમારા કહેવા પ્રમાણે મૃત્યુનો નિયમ નિશ્ચિત થશે.’

ત્યાર પછી પિતામહે સુંદ અને ઉપસુંદને આ વરદાન આપ્યું. બંનેને તપમાંથી મુક્ત કર્યા અને તે પોતે બ્રહ્મલોકમાં ગયા. તે બંને દૈત્યરાજ બધાં વરદાન મેળવીને, બીજાઓ દ્વારા વધ નહીં થાય એવું વરદાન મેળવી પોતાને ઘેર ગયા. આ બંને મહા અસુરોએ વરદાન મેળવ્યાં એટલે તેમના સ્વજન આનંદ પામ્યા અને તેમનો મનોરથ પાર પડ્યો એટલે ખૂબ જ પ્રસન્ન થયા. તે બે ભાઈઓએ જટા વિખેરી નાખી, મુગટ વગેરે અતિ મૂલ્યવાન આભૂષણો પહેર્યાં અને સ્વચ્છ વસ્ત્ર ધારણ કર્યાં. ત્યાર પછી એ બંને અત્યંત પ્રસન્ન થયેલા દૈત્યોએ અને તેમના સ્વજનોએ બધી કામનાઓને પૂર્ણ કરનારો કૌમુદી મહોત્સવ અકાળે જ ઉજવવા માંડ્યો. ઘર ઘરમાં ખાઓ, ભોજન કરો, રમો, ગાઓ, આપો, પીઓ એવા અવાજો થવા લાગ્યા. સ્થળે સ્થળે જોર જોરથી તાળીઓ પડવાના ઊંચા અવાજો આવવા લાગ્યા, દૈત્યોનું આખું નગર હર્ષ અને આનંદથી ઊછળી રહ્યું હતું. ઇચ્છાનુસાર રૂપ બદલી શકનારા દૈત્યો ખૂબ આનંદથી અનેક પ્રકારે વિહાર કરતા હતા, તેને કારણે એક વર્ષ એક દિવસ જેવું લાગવા માંડ્યું.

અકાળે ઉજવાયેલા મહોત્સવને અંતે ત્રણે લોક ઉપર આધિપત્ય પ્રાપ્ત કરવાની અભિલાષા ધરાવતા બંને ભાઈઓેએ મંત્રણા કરીને સેનાઓને તૈયાર થવાની આજ્ઞા આપી. તેમણે સ્વજન અને વૃદ્ધ દૈત્યોની આજ્ઞાથી યાત્રા કરવાની તૈયારી પૂરી કરીને રાત્રે મઘા નક્ષત્રમાં યાત્રા આરંભી. ભારે ગદા, પટ્ટિશ, શૂલ, મુદ્રગર વગેરે શસ્ત્રો લઈને ચાલતી વિશાળ દૈત્ય સેનાની સાથે બંને ચાલી નીકળ્યા. બંને દૈત્યો ચારણોના વિજયસૂચક માંગલિક સ્તુતિપાઠથી પ્રશંસિત થતા થતા પરમ હર્ષપૂર્વક જવા લાગ્યા. યુદ્ધમાં કઠોર, પોતાની ઇચ્છાનુસાર ચાલનારા બંને દૈત્યો આકાશ માર્ગે દેવલોક ગયા. દેવગણે તેમના આગમનના સમાચાર સાંભળ્યા, પિતામહે આપેલા વરદાનનું સ્મરણ કરીને દેવો સ્વર્ગ ત્યજીને બ્રહ્મલોકમાં જતા રહ્યા. બંને પરાક્રમી દૈત્યોએ ઇન્દ્રલોક જીતીને યક્ષ, રાક્ષસ તથા બીજા ખેચરી પ્રાણીઓને જીતી લીધા. બંને મહા અસુરોએ પાતાળમાં રહેતા સાપોને પરાજિત કરી સમુદ્રદ્વીપમાં રહેનારી બધી મલેચ્છ જાતિઓને હરાવી. ત્યાર પછી કઠોર શાસન કરવાવાળા બંને મહાબલી ભાઈઓએ સમગ્ર ભૂમંડળને પરાજિત કરવા તત્પર થઈને સૈનિકોને મોટેથી મોટેથી સુતીક્ષ્ણ વચન કહ્યાં, ‘રાજર્ષિઓ મહાયજ્ઞો વડે અને બ્રાહ્મણો હવ્યકવ્યથી દેવોના તેજ, બળ અને શ્રીને સમૃદ્ધ કરે છે. આ પ્રકારનાં કાર્યોમાં પરોવાયેલા તે સર્વ અસુરદ્વેષી જનોનો આપણે ભેગા મળીને વધ કરવો જોઈએ.’ આ પ્રકારે બધાને આજ્ઞા આપીને તેઓ મહાસમુદ્રના પૂર્વ કિનારે આવો નિષ્ઠુર વિચાર કરીને ચારે દિશામાં દોડ્યા. તે બંને બળવાન ભાઈઓ યજ્ઞ કરાવી રહેલા બ્રાહ્મણોને જોતાંવેંત બળજબરીથી મારી નાખતા હતા. તેમની સેના નિ:શંક ચિત્તે આત્મશક્તિવાળા ઋષિઓના આશ્રમમાં જઈને તેમના અગ્નિહોત્ર પાણીમાં વહેવડાવી દેતી હતી. મહાત્મા તપોધનો ક્રોધે ભરાઈને શાપ દેવા માંડ્યા પણ બ્રહ્માના વરદાનને કારણે ઉપદ્રવ મચાવતા દૈત્યો પર તેની કશી અસર ન પડી. શિલા પર છોડેલા બાણની જેમ તે દ્વિજોનો શાપ વ્યર્થ પુરવાર થયો એટલે તે બ્રાહ્મણો પોતાના વ્રત, નિયમો ત્યજીને ભાગી ગયા. જેવી રીતે ગરુડની બીકે સાપ ભાગી જાય તેવી રીતે પૃથ્વી પર જેટલા શમશીલ, તપસિદ્ધ હતા તે બધા ભાગી ગયા.

આ પ્રકારે છિન્નભિન્ન થયેલા આશ્રમોથી તથા તૂટેલાફૂટેલા, વેરવિખેર કળશ અને સરવાથી આ સંસાર જાણે પ્રલય વેળા કાળ દ્વારા બધું નષ્ટ થઈ ગયું હોય તેમ, શૂન્ય થઈ ગયો. ત્યાર પછી મુનિઓ તથા રાજર્ષિઓ આમતેમ સંતાઈને આંખો આગળથી દૂર થયા એટલે બંને મહા અસુરો તેમનો વધ કરવા વિધવિધ રૂપ ધારણ કરવા લાગ્યા. ક્યારેક તેઓ મત્ત હાથીનું રૂપ લઈને દુર્ગમાં જઈ પહોંચેલા તપસ્વીઓના હત્યા કરવા લાગ્યા. ક્યારેક તે બંને ક્રૂર અસુર સિંહનું, ક્યારેક વાઘનું રૂપ ધારણ કરતા હતા, ક્યારેક અદૃશ્ય થઈ જતા હતા. આમ તેમણે વિવિધ ઉપાયો કરીને ઋષિઓને જોતાંવેંત તેમને મારતા હતા. ત્યારે પૃથ્વી યજ્ઞ અને સ્વાધ્યાયરહિત થઈ ગઈ, બ્રાહ્મણો-રાજાઓ વિનાની થઈ ગઈ, યજ્ઞોત્સવો બંધ થઈ ગયા. બધા લોકો ભયભીત થઈને હાહાકાર મચાવવા લાગ્યા. ક્રયવિક્રય જેવા બજારના કામકાજ, દૈવી કાર્યો, પુણ્યકાર્યો, વિવાહકર્મ પણ બંધ થઈ ગયાં. ખેતી, ગોપાલન જેવાં કામકાજ અટકી ગયાં. નગર અને આશ્રમો ધ્વસ્ત થઈ ગયા, પૃથ્વી હાડપિંજરો અને કંકાલોથી ભરેલી ખૂબ ભયાનક દેખાવા લાગી. દેશોમાં પિતૃતર્પણ, વષટકાર જેવી માંગલિક ક્રિયાઓનો નાશ થયો, એને કારણે જગત ભયાનક બની ગયું અને જોવાલાયક ન રહ્યું. ચંદ્ર, સૂર્ય, ગ્રહ, તારા અને આકાશસ્થિત અશ્વિની વગેરે નક્ષત્ર સુંદ-ઉપસુંદનું આ કર્મ જોઈને દુઃખી થઈ ગયા. દૈત્યો આવા કુટિલ કર્મથી બધી દિશાઓ જીતીને છેવટે શત્રુરહિત થઈને કુરુક્ષેત્રમાં નિવાસ કરવા લાગ્યા.

ત્યારે બધા દેવર્ષિ, પરમ ઋષિ, સિદ્ધગણ ભયાનક હત્યાકાંડ જોઈને બહુ દુઃખી થયા. ક્રોધ જીતનારા, આત્માવાન, ઇન્દ્રિયો જીતનારા જગત ઉપર કૃપા કરવાની ઇચ્છાથી પિતામહના ભવનમાં જઈ પહોંચ્યા. ત્યાં સિદ્ધ અને બ્રહ્મર્ષિઓથી વીંટળાઈને બેઠેલા પિતામહને જોયા. મહાદેવ, અગ્નિ, વાયુ, ચંદ્ર, આદિત્ય, ધર્મ, પરમેષ્ઠી, બુધ, વૈખાનસ, વાલખિલ્ય, વાનપ્રસ્થ, મરીચિ, અજ, અવિમુગ્ધ, તેજોગર્ભ જેવા વિવિધ તપસ્વીઓ, ઋષિઓ પિતામહ પાસે હતા. તે સમગ્ર મહર્ષિગણે પિતામહને સુંદ-ઉપસુંદનાં કાર્યોનો વૃત્તાંત કહી સંભળાવ્યો. તે દેવગણે તથા પરમ ઋષિઓએ એ વિશે પિતામહને પ્રેરિત કર્યા. તેમની વાત સાંભળીને ઘડી વાર પિતામહે વિચાર કર્યો,

આ દુરાચારી દૈત્યોના વધ માટે વિશ્વકર્માને બોલાવ્યા. તે આવ્યા એટલે મહાનુભાવ પિતામહે આદેશ આપ્યો, ‘બધાનાં મન હરી લે એવી સ્ત્રીનું સર્જન કરો.’

વિશ્વકર્માએ તેમને પ્રણામ કરી આદરપૂર્વક તેમની આજ્ઞા માનીને વિચારવિમર્શ કર્યો અને એક દિવ્ય સુંદરીનું નિમાર્ણ કર્યું. ત્રણે લોકમાં જે જે દર્શનીય સ્થાવર જંગમ પદાર્થ હતા તે બધા વિશ્વકર્મા લઈ આવ્યા, તેના શરીરમાં કરોડો રત્ન જડી દીધાં અને તે સ્ત્રીને રત્નસમૂહો વડે દેવરૂપિણી બનાવી. વિશ્વકર્માએ ભારે પુરુષાર્થથી નિર્મેલી તે રૂપવતી કન્યા જેવી ત્રણે ભુવનમાં કોઈ સ્ત્રી ન હતી. તેના શરીરના એક એક સૂક્ષ્મ સ્થાને જોનારની દૃષ્ટિ અપૂર્વ રૂપની શોભાથી લુબ્ધ થઈ જતી હતી. સાક્ષાત્ લક્ષ્મી જેવી તે સુંદર રૂપ અને શરીરવાળી સ્ત્રી દરેક પ્રાણીનાં મન અને નેત્ર લોભાવવા લાગી. વિશ્વકર્માએ તલ તલની જેમ રત્નો પસંદ કરીને તે કન્યાનું નિર્માણ કર્યું હતું. એટલે પિતામહે તેનું નામ તિલોત્તમા રાખ્યું. તેમણે કહ્યું, ‘હે ભદ્રા, સુંદ અને ઉપસુંદ અસુરો પાસે તું જા અને તારા સુંદર રૂપ વડે તું તેમને મોહિત કર. તારી રૂપસંપદા જોઈને તને પ્રાપ્ત કરવા તે બંનેમાં સંઘર્ષ ઊભો થાય તેવો પ્રયત્ન કર.’

ત્યાર પછી તિલોત્તમાએ તેમને પ્રણામ કર્યા અને તેમની વાત સ્વીકારી, પછી જ્ઞાનીઓના મંડળની પ્રદક્ષિણા કરી તે સમયે ભગવાન પિતામહ પૂર્વ દિશામાં, મહેશ્વર (શંકર) દક્ષિણ દિશામાં, બીજા દેવગણો ઉત્તર દિશામાં અને ચારે બાજુ ઋષિવૃંદ હતું. તિલોત્તમા જ્યારે મંડળની પ્રદક્ષિણા કરી રહી હતી ત્યારે ઇન્દ્ર અને મહેશ્વર પુષ્કળ ધીરજ રાખીને પોતપોતાના સ્થાને બેસી રહ્યા. તેને જોવાની ઉત્કટ ઇચ્છા શંકરને થઈ આવી. એટલે જ્યારે તિલોત્તમા તેમની દક્ષિણે ગઈ ત્યારે કટાક્ષયુક્ત નેત્રોથી સુશોભિત એક દક્ષિણ મુખ પ્રગટ્યું. તિલોત્તમા જ્યારે તેમની પાછળ ગઈ ત્યારે એક પશ્ચિમ મુખ પ્રગટ્યું અને જ્યારે તે ઉત્તરમાં ગઈ ત્યારે તેમની ડાબી બાજુએ એક મુખ પ્રગટ્યું. તિલોત્તમા ઇન્દ્રને પણ જોવા માગતી હતી, એટલે તે ઇન્દ્રની પ્રદક્ષિણા કરવા લાગી ત્યારે ઇન્દ્રને આગળ પાછળ પીઠ પર મોટી મોટી હજાર લાલ આંખો પ્રગટી. આમ મહાદેવ ચતુર્મુખ થયા અને વલાસુરનો નાશ કરનારા ઇન્દ્ર સહાક્ષ બન્યા. પરિક્રમા કરતી વેળા તિલોત્તમા જ્યાં ગઈ ત્યાં દેવ અને મહર્ષિઓનાં મુખ એ જ દિશામાં ઘૂમી ગયાં. તે સમયે બ્રહ્મસભામાં જેટલા લોકો ઉપસ્થિત હતા તેમાં પિતામહ સિવાય બધા સભાસદોની દૃષ્ટિ તે નારીદેહ પર પડી. જ્યારે તિલોત્તમા જઈ રહી હતી ત્યારે બધા જ દેવ અને પરમ ઋષિઓએ તેની રૂપસંપદા જોઈને પોતાને અભીષ્ટ કામના સંતોષાશે એમ માન્યું. તિલોત્તમા દેવકાર્ય સિદ્ધ કરવા ચાલી ગઈ તે પછી લોકભાવન બ્રહ્માએ તે સંપૂર્ણ વેદ જાણનારને અને ઋષિઓને વિદાય આપી.

સુંદ અને ઉપસુંદ પૃથ્વીને પરાજિત કરી, ત્રણે ભુવનોને પોતાના હાથ નીચે આણીને દુઃખરહિત થયા અને હવે શત્રુ ન રહ્યા એટલે પોતાને સફળ માનવા લાગ્યા. દેવ, ગંધર્વ, યક્ષ, રાક્ષસ, સર્પ, ભૂપાલ વગેરેનાં સર્વ રત્નો લઈને પરમ સંતોષી થયા. જ્યારે જોયું કે આ ત્રિલોકમાં તેમને કોઈ રોકનાર નથી ત્યારે કામકાજ ત્યજી દઈને દેવોની જેમ સુખે વિહાર કરવા લાગ્યા. માલા, ચંદન, સ્ત્રી, સુંદર ખાદ્ય, ભક્ષ્ય, પાન — એમ અનેક પ્રકારની વસ્તુઓથી આનંદ પામવા લાગ્યા. દેવોની જેમ ક્યારેક અંત:પુરમાં, ક્યારેક વનમાં, ક્યારેક ઉદ્યાનમાં, ક્યારેક પર્વતો પર — એમ યથેચ્છ સ્થાનો પર વિહાર કરવા લાગ્યા. એક દિવસ પુષ્પાચ્છાદિત વૃક્ષોથી સુશોભિત વિન્ધ્યાચલના એક સપાટ શિલાતલ પર વિહાર કરવા ગયા. ત્યાં મનગમતી સંપૂર્ણ દિવ્ય કામ્ય વસ્તુઓ લઈને સ્ત્રીઓની સાથે આનંદિત થઈને સુંદર આસનો પર બેઠા. તેમના સંતોષ માટે સ્ત્રીઓ સુંદર નૃત્ય, ગીત અને સ્તુતિભરેલ સંગીતથી તેમને પ્રસન્ન કરવા લાગી. તે સમયે તિલોત્તમા એક જ લાલ વસ્ત્ર પહેરીને સજીધજીને વનમાં આવી ફૂલ વીણવા લાગી. નદી કિનારે ઊગેલા કર્ણિકારનાં ફૂલો ચૂંટતી જ્યાં બને દૈત્ય બેઠા હતા ત્યાં ગઈ. બંને પુષ્કળ મદ્ય પીને લાલચોળ આંખોવાળા તે બંને નશામાં ચકચૂર હતા, તે સુંદરીને જોતાં વેંત તેઓ કામવશ બની ગયા.

તિલોત્તમા જ્યાં ઊભી હતી ત્યાં તેઓ બંને આસન પરથી ઊભા થઈને ગયા, બંનેનાં મન તેના પર આસક્ત થઈ ગયાં અને બંને તેને પ્રાર્થવા લાગ્યા. તે સુંદર ભ્રમરવાળી તિલોત્તમાનો જમણો હાથ સુંદે ઝાલ્યો અને ઉપસુંદે ડાબો હાથ ઝાલ્યો. તેઓ બંને વરદાન પામીને અહંકારી થયા હતા, ઉપરાંત પોતાના બાહુબળનો અહંકાર, ધનરત્નોનો અહંકાર હતો. વળી સુરાપાનથી અત્યારે ઉન્મત્ત હતા. બંને મદ્યના અને કામના નશામાં ઉન્મત્ત હતા, એટલે એક બીજા સામે ભંવાં ચઢાવીને કહેવા લાગ્યા. સુંદે કહ્યું, ‘આ મારી ભાર્યા છે, તે તારાથી મોટી છે એટલે તું છોડી દે.’ ઉપસુંદે કહ્યું, ‘આ સ્ત્રી મારી છે, તારી પુત્રવધૂ છે, તું એને છોડી દે.’

‘આ મારી છે, તારી નથી ’ એમ અંદરોઅંદર કહેતાં કહેતાં બંનેનો ક્રોધ વકર્યો અને બંનેએ તેના માટે ભયંકર ગદા ઉઠાવી. તે નારીને માટે કામમોહિત થયેલા બંને ભાઈઓએ મોટી મોટી ગદા ઉઠાવીને ‘હું પહેલો, હું વહેલો’ કરી એકબીજાને મારવા લાગ્યા. તે ગદાના મારથી બંને ભયાનક દૈત્ય મૃત્યુ પામ્યા, રક્તથી નાહેલા આકાશમાંથી બંને સૂર્યની જેમ ધરતી પર પડી ગયા. ત્યારે વિષાદ અને ભયથી કાંપતા તેમના મિત્રો, દૈત્ય, દૈત્યસ્ત્રીઓ ભાગીને પાતાલમાં પ્રવેશી ગયાં. ત્યાર પછી વિશુદ્ધાત્મા ભગવાન પિતામહ તિલોત્તમાના સત્કાર માટે દેવો અને મહર્ષિઓની સાથે ત્યાં આવી પહોંચ્યા. ભગવાન પિતામહે ત્યાં આવીને તિલોત્તમાને વરદાન આપવા આતુર થયા. વરદાન આપવાની હા પાડીને તેઓ પ્રસન્ન થઈને બોલ્યા, ‘હે ભામિની, તું સૂર્યલોકમાં વિહાર કરી શકીશ. કોઈ પુરુષ તને જોઈ નહીં શકે એટલું બધું તારું તેજ હશે.’

બધા લોકના પિતામહ આવું વરદાન આપીને, ઇન્દ્રને ત્રણે લોક સોંપીને બ્રહ્મલોક ગયા.

(આદિ પર્વ, ૨૦૧થી ૨૦૪)