ભારતીયકથાવિશ્વ-૨/રામાયણની કથાઓ/કુશનાભ કન્યાઓની કથા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કુશનાભ કન્યાઓની કથા

પ્રાચીન કાળમાં કુશ નામનો એક રાજા થઈ ગયો. આ ધર્મભીરુ રાજાની પત્ની વૈદર્ભી પણ એવા જ સ્વભાવની. તેણે ચાર પુત્રોને જન્મ આપ્યો. કુશાંબ, કુશનાભ, આધૂર્તરજસ અને વસુ. પુત્રો મોટા થયા એટલે રાજાએ તેમને ધર્માચરણ કરી પ્રજાપાલન કરવાની સૂચના આપી. દરેક પુત્રે જુદી જુદી નગરી વસાવી, કુશાંબે કૌશાંબી નગરી, કુશનાભે મહોદય નગરી, આધૂર્તરજસે ધર્મારણ્ય અને વસુએ ગિરિવ્રજ વસાવી.

આ કથા પણ વિશ્વામિત્ર પાસેથી રામલક્ષ્મણને જાણવા મળે છે. ત્યાં મગધ દેશમાંથી વહી આવીને માગધી નામની નદી પાંચ પર્વતોની વચ્ચે સુંદર રીતે વહે છે. ઘૃતાચી નામની અપ્સરા પર કુશનાભ મોહી પડ્યો એટલે તેના દ્વારા સો કન્યાઓ જન્મી. સમય જતાં એ કન્યાઓ યુવાન થઈ, રૂપરૂપના અંબાર જેવી, અનેક અલંકારોથી શોભતી એ કન્યાઓમાં માત્ર આટલા જ ગુણ ન હતા, તે નૃત્ય-સંગીતમાં પણ બેનમૂન હતી. અને આવી કન્યાઓ તો દિવસે દીવો લઈને શોધવા જાઓ તો પણ આ ધરતી પર ભાગ્યે જ મળે.

એક દિવસ આ કન્યાઓ ક્રીડા કરવા ઉદ્યાનમાં ગઈ. ત્યારે સ્વર્ગના વાયુદેવે આ રૂપવાન, ગુણવાન કન્યાઓને જોઈ અને તેઓ તો એમના પર મોહી જ પડ્યા. સ્વર્ગના દેવોને ધરતી પરની યુવતીઓ ભારે રોમાંચક લાગે છે. વાયુદેવે આ કન્યાઓને કહ્યું, ‘તમારા રૂપગુણથી હું આકર્ષાયો છું, તમે મારી પત્નીઓ બની જાઓ. તમે મનુષ્ય મટીને દેવ થઈ જશો, લાંબું આયુષ્ય મળશે.’ હવે સ્વર્ગના દેવની આવી લાલચને કોણ જતી કરે? પણ આ તો કુશનાભ જેવા ધામિર્ક રાજાની પુત્રીઓ હતી. તે કંઈ વાયુદેવની વાતોમાં ઓછી આવી જાય? તેઓ આ સાંભળીને હસી પડી, વાયુદેવ તો ભોંઠા પડી ગયા, દેવતાઓની કૃપાનો આદર કરનાર આ કન્યાઓ કેવી અભિમાની!

આમ છતાં તે કન્યાઓ બોલી, ‘અમે તમારો પ્રભાવ ન જાણીએ એવું ઓછું છે? બધાં જ પ્રાણીઓ તમારા આશરે તો જીવે છે, તમે બધાનાં મનની વાત જાણો છો અને છતાં અમારાં મનની વાત ન જાણી? અને જાણવા છતાંય આવું દુસ્સાહસ કર્યું? અમે કોની પુત્રીઓ? અમે જો ધારીએ તો તમારાં પદપ્રતિષ્ઠા ધૂળમાં મળી જાય — પણ તેમ કરવા જઈએ તો અમારું તપ બળી જાય. અમે અમારા સત્યવાદી પિતાની આજ્ઞાંકિત પુત્રીઓ છીએ. અમે તેમની સંમતિ વિના સ્વયંવર કરી ન શકીએ. તેઓ જેની સાથે પરણાવશે તેમની સાથે અમે પરણીશું, બીજા કોઈને અમે પતિ નહીં બનાવીએ.’

સ્વર્ગના દેવો અભિમાની- આવો અનાદર તેઓ કેમ કરી વેઠી લે? એટલે કુશનાભ કન્યાઓની વાત સાંભળીને વાયુદેવના ક્રોધનો તો પાર ન રહ્યો. તેઓ એ કન્યાઓના એકેએક અંગમાં પ્રવેશ્યા અને બધાં અંગ ભાંગી નાખ્યાં. કુરૂપ થયેલી આવી કન્યાઓ રાજમહેલમાં ગઈ અને તેમને જોઈને રાજા તો દુઃખી દુઃખી થઈ ગયા. ‘અરે આ શું થઈ ગયું? આવો અધર્મ કોણે કર્યો? કોણે તમને કુબ્જા બનાવી દીધી?’

કુશનાભ રાજાની વાત સાંભળીને કન્યાઓએ પિતાને પ્રણામ કરી કહ્યું, ‘વાયુદેવે અમારી આવી સ્થિતિ કરી છે. ધર્મથી વિરુદ્ધ થઈને તે અમને વરવા માગતા હતા. અમે તો તેમને કહ્યું — અમે સ્વચ્છંદી નથી, અમારી સાથે લગ્ન કરવું હોય તો અમારા પિતા પાસે જઈને માગું કરો. જો તેઓ હા પાડશે તો અમારી હા.’

તેમની વાત સાંભળીને રાજા આનંદ પામ્યા, ‘તમે બહુ સારું કર્યું, તમે કુળની આબરુ સાચવી લીધી. તમે તેને ક્ષમા આપી એ જ મોટી વાત છે. ક્ષમા એ ગુણ તો સ્ત્રી અને પુરુષ બંનેમાં હોવો જોઈએ. ક્ષમાનો બહુ મોટો મહિમા છે.’

પછી કન્યાઓ પોતાના નિવાસમાં ગઈ અને રાજાએ મંત્રીઓ સાથે વિચારોની આપલે કરી. આ કન્યાઓના લગ્ન કોની સાથે કરવા જોઈએ એ વિશે પૂછ્યું?

હવે એ સમયે ચૂલી નામના ઋષિ થઈ ગયા, તપસ્વી હતા, બ્રહ્મચારી હતા, ઊમિર્લા નામની એક ગંધર્વી, તેની પુત્રી સોમદા. આ પુત્રીએ ચૂલીની સેવા કરવા માંડી. તેની સેવાચાકરીથી ઋષિ પ્રસન્ન થયા અને બોલ્યા, ‘બોલ, તેં મને ખૂબ જ સંતુષ્ટ કર્યો છે, હવે હું તને શું આપું?’ તેમને પ્રસન્ન થયેલા જોઈ તેણે મધુર સ્વરે કહ્યું, ‘હું તમારા જેવો પુત્ર ઇચ્છું છું. મારું લગ્ન થયું નથી, અને હું લગ્ન કરવાની પણ નથી. તો તમે મારા પર કૃપા કરો.’

એટલે પ્રસન્ન થયેલા ઋષિએ તેને માનસપુત્ર આપ્યો, તેનું નામ બ્રહ્મદત્ત. કાંપિલી નગરીમાં તે સ્વર્ગના ઇન્દ્રની જેમ રાજ કરવા લાગ્યો. કુશનાભે તે જ વખતે નક્કી કરી લીધું કે મારી આ સો કન્યાનાં લગ્ન બ્રહ્મદત્ત સાથે જ કરીશ. એટલે બ્રહ્મદત્તને તેડાવીને પોતાની પુત્રીઓ તેની સાથે પરણાવી. બ્રહ્મદત્તના હાથનો સ્પર્શ થતાંવેંત તે કન્યાઓનો રોગ મટી ગયો. પછી પિતાએ પુત્રીઓને વળાવી. બ્રહ્મદત્તની માતા સોમદા પણ આ લગ્નથી બહુ રાજી થઈ.

(બાલકાંડ, ૩૧-૩૨)