ભારતીયકથાવિશ્વ-૨/રામાયણની કથાઓ/દંડ રાજાની કથા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


દંડ રાજાની કથા

(શ્વેત રાજાએ જે વનમાં તપ કર્યું હતું તે નિર્જન કેમ બન્યું તે વિશે રામચંદ્રને જાણવાની ઇચ્છા થઈ એટલે અગસ્ત્ય ઋષિએ એક કથા કહેવા માંડી.)

મનુના પુત્ર ઇક્ષ્વાકુને ત્યાં સો પુત્ર જન્મ્યા. તેમાં સૌથી નાનો પુત્ર મૂઢ હતો, તેનું નામ દંડ પાડવામાં આવ્યું. તે પુત્રને શૈવલ અને વિંધ્ય વચ્ચેનું રાજ્ય આપ્યું. ત્યાં તેને એક નગર વસાવી તેનું નામ મધુમન્ત પાડ્યું, પોતાના પુરોહિત ઉશનસ્ અર્થાત્ શુક્રાચાર્યને નીમ્યા. દેવરાજ્યની જેમ તેનું રાજ્ય બન્યું.

એક વેળા તે દંડ રાજા ભાર્ગવના આશ્રમમાં પ્રવેશ્યો. ચૈત્ર માસ હતો. ત્યાં તેણે શુક્રાચાર્યની અતિ રૂપવાન કન્યાને વિહાર કરતી જોઈ. તેને જોઈને રાજા કામવશ બન્યો, તેની પાસે જઈને તે બોલ્યો, ‘તું કોણ છે? કોની પુત્રી છે? કામવશ થયેલો હું તને ચાહું છું.’

આ સાંભળી વિનયપૂર્વક તે કન્યાએ ઉત્તર આપ્યો, ‘હું શુક્રાચાર્યની પુત્રી અરજા છું. આ આશ્રમમાં રહું છું. મારા પિતા તમારા ગુરુ છે. મારા પિતા મહાક્રોધી છે, મને વરવી હોય તો ધર્મમાર્ગ ગ્રહણ કરો. નહીંતર તમે ભારે દુઃખ ભોગવશો. મારા પિતા જો ક્રોધે ભરાશે તો ત્રણે લોકને ભસ્મ કરી નાખશે.’

આ સાંભળીને કામવશ થયેલો રાજા બોલ્યો, ‘તું મારા પર કૃપા કર. વિલંબ ન કર. મારા પ્રાણ જતા રહે, ભલે મારો વધ થાય, હું પાપી ગણાઉં.’

આમ કહીને રાજાએ તે કન્યાને જુલમ કરીને ઝાલી લીધી અને તેના પર બળાત્કાર કર્યો. પછી તો તે રાજા નગરમાં જતો રહ્યો. અરજા આશ્રમમાં રડતી કકળતી બેસીને પિતાની રાહ જોવા લાગી. શિષ્યોના મોઢે આખી વાત સાંભળીને ભૂખ્યાતરસ્યા તે આશ્રમમાં આવી ચઢ્યા, ત્યાં તેમણે ગ્રસેલી જ્યોત્સ્ના જેવી, મલિન અરજાને જોઈ. તેમણે પોતાના શિષ્યોને કહ્યું, ‘હવે તમે જોજો. દંડ રાજા પર મારા ક્રોધને કારણે આફત આવી પડશે. તે દુરાત્માનો વિનાશકાળ આવી પહોંચ્યો છે. તેણે અગ્નિશિખાનો સ્પર્શ કર્યો છે. સાત રાત્રિમાં તે રાજા સેવકો, વાહનો સહિત નાશ પામશે. આ રાજ્યના સો યોજન વિસ્તારમાં ઇન્દ્ર ધૂળનો વરસાદ વરસાવશે, તેમાં જે કોઈ હશે તે બધા નાશ પામશે.’

આમ ક્રોધે ભરાયેલા શુક્રાચાર્યે પોતાના આશ્રમવાસીઓને પણ ત્યાંથી જતા રહેવા કહ્યું. બધા ત્યાંથી જતા રહ્યા. પછી તે મુનિએ અરજાને કહ્યું, ‘હે દુષ્ટ બુદ્ધિશાળી, તું આશ્રમમાં જ રહેજે, આ એક યોજનના વિસ્તારવાળા સરોવરના કાંઠે રહેજે. જે જીવો તારી નિકટ હશે તેમનો નાશ નહીં થાય.’

અરજાએ તેમની વાત સ્વીકારી.

પછી શુક્રાચાર્ય પણ બીજે વસવા જતા રહ્યા. બ્રહ્મર્ષિના શાપથી સાત દિવસમાં દંડનું રાજ્ય પૂરેપૂરું નાશ પામ્યું. અને આ પ્રદેશ ત્યારથી દંડકારણ્ય તરીકે ઓળખાય છે.

(ઉત્તરકાંડ, ૭૧,૭૨)—સમીક્ષિત વાચના