ભારતીયકથાવિશ્વ-૩/કથાસરિત્સાગરની કથાઓ/આલજાલની કથા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


આલજાલની કથા

ચિત્રકૂટ નામના મોટા નગરમાં રત્નવર્મા નામનો એક મોટો ધનાઢ્ય વેપારી રહેતો હતો. તેણે ઈશ્વરની આરાધના કરી એટલે તેને ત્યાં એક પુત્ર જન્મ્યો. ઈશ્વરના પ્રસાદથી તે જન્મ્યો એટલે પિતાએ તેનું નામ ઈશ્વરવર્મા પાડ્યું. તે પુત્ર ભણીગણીને તરુણ થયો એટલે તેના પિતાએ વિચાર કર્યો, ‘બ્રહ્માએ તરુણાવસ્થામાં અંધ બનેલા ધનાઢ્ય પુરુષોના ધન અને પ્રાણ હરનારી વેશ્યા સર્જી છે. એ એક મૂતિર્માન દુરાચરણનો નઠારો માર્ગ બનાવ્યો છે. તેમાં મોહ પામી તરુણો પોતાના ધનનો અને પ્રાણનો નાશ કરે છે. માટે વેશ્યાની કપટકળાનો અભ્યાસ કરવા માટે, આ પુત્રને કોઈ કુટ્ટણીને સોંપું તે ઠીક, જેથી વેશ્યાઓ કે કોઈ દુષ્ટ આ બાળકને છેતરી ન શકે.’ આમ વિચારી એક દિવસ પોતાના પુત્ર ઈશ્વરવર્માને સાથે લઈ તે શાહુકાર યમજિહ્વા નામની કુટ્ટણીને ત્યાં ગયો. ત્યાં તેને તે કુટ્ટણી મળી. તેના હોઠ ઘણા જાડા હતા, દાંત લાંબા હતા, નાક વાંકું હતું ને તે પોતાની પુત્રીને આ રીતે શિક્ષણ આપતી હતી, ‘દીકરી, આખી દુનિયા ધનને લીધે પ્રતિષ્ઠા પામે છે. ખાસ કરીને વેશ્યાને તો ધનનો વધારે ખપ છે. પરંતુ જે વેશ્યા અનુરાગવતી હોય છે તે પ્રેમમાં ફસાય છે. તેની પાસે પૈસાનું નામ રહેતું નથી. માટે વેશ્યાઓએ પ્રેમવિકાર રાખવો નહીં. રાગ એ એક વેશ્યા અને પશ્ચિમ દિશામાં આવેલી સંધ્યાનો દોષાગ્ર દૂત છે; પરંતુ કામશાસ્ત્ર શીખેલી વેશ્યા નટીની માફક સામા મનુષ્યને મિથ્યા રાગ-પ્રેમ બતાવે છે, પણ અંત:કરણથી બતાવતી નથી. વેશ્યા કૃત્રિમ રાગ વડે પ્રથમ કામીજનનું રંજન કરે છે અને અનુરક્ત બનેલા કામી પાસેથી ધન લૂંટે છે. અને જ્યારે તે ખાખાવિહી થઈ જાય છે ત્યારે તે તેનો એકદમ ત્યાગ કરે છે. પણ તે પાછો દ્રવ્યવાન થાય તો તેના પર પોતાની પ્રીતિ પાછી બતાવે એમાં તેની ચતુરાઈ છે; અને વેશ્યા તેને તનમન ગણી પુન: પુન: લૂંટે છે. વેશ્યા સંતપુરુષ જેવી છે. જેમ સંતપુરુષ તરુણ, બાળક કે વૃદ્ધ, સૌંદર્યવાન કે કુરૂપ સાથે સમાન ભાવે વર્તે છે, તેમ વેશ્યાએ પોતાને ત્યાં આવનાર સર્વ પર સમાન ભાવ રાખવો ને તેવી જ વેશ્યા અખૂટ દોલત મેળવે છે.’

આ પ્રમાણે યમજિહ્વા પોતાની પુત્રીને શિક્ષા આપતી હતી ત્યાં રત્નવર્મા જઈ ઊભો. તે વૃદ્ધ કુટ્ટણીએ શેઠને જોઈ તેનો અતિથિસત્કાર કરી આસન પર બેસાડ્યો, પછી તે વણિક બોલ્યો, ‘ભગવતી, મારા દીકરાને વેશ્યાની એવી કળા શીખવો કે જેથી તે કળામાં ચતુરાઈ મેળવે. તેને શીખવવાના બદલામાં હું તમને એક હજાર સોનામહોર આપીશ.’

તે સાંભળી પેલી કુટ્ટણીએ તરત જ શીખવવાનું કબૂલ કર્યું. રત્નવર્માએ એક હજાર સોનામહોર પ્રથમથી જ તે વેશ્યાને આપી. પોતાના પુત્ર ઈશ્વરશર્માને તેને સોંપી પોતે ઘેર ગયો.

ઈશ્વરવર્મા યમજિહ્વાને ઘેર એક વર્ષ રહ્યો અને સર્વ કળા શીખી પોતાના પિતાને ઘેર આવ્યો. જ્યારે તે બરાબર સોળ વર્ષનો થયો ત્યારે તેણે પોતાના પિતાને કહ્યું, ‘પિતાજી, ધર્મ અને કામ અર્થથી પૂર્ણ રીતે સાધી શકાય છે; અર્થથી વિચારશક્તિ-પરીક્ષાશક્તિ ને કીર્તિ પણ મળે છે.’ આ પ્રમાણે પુત્રે કહ્યું એટલે તેના પિતાએ ‘ઠીક છે’ એમ કહી તેની વાત સ્વીકારી અને ખુશ થઈને પાંચ કરોડ રૂપિયાની સંપત્તિ તેને સોંપી. ઈશ્વરવર્માએ તે થાપણ લઈ શુભ દિવસે સંઘની સાથે સ્વર્ણદ્વીપ તરફ મન હોવાથી તે તરફ પ્રયાણ કર્યું. જતાં જતાં માર્ગમાં કાંચનપુર નામનું એક નગર આવ્યું. આ નગરની બહાર એક ઉદ્યાન હતો, તેમાં તે ઊતર્યો. ત્યાં સ્નાનસંધ્યા કરી, અંગે કેસરઅર્ચા કરી ભોજન કરી તરુણ ઈશ્વરવર્મા નગર જોવા નીકળ્યો. જતાં જતાં માર્ગમાં એક મંદિરમાં તમાશો થતો હતો તે જોવા માટે તે અંદર પેઠો. ત્યાં તેણે જોયું તો તરુણાવસ્થાનો વાયુ સૌંદર્યસાગરનાં મોજાં ઉછાળે તેવી અનુપમ સૌંદર્યવાન સુંદરી નામની એક નાયિકા નૃત્ય કરતી હતી. તેને જોઈને જ ઈશ્વરવર્મા તે વખતે તદાકાર થઈ ગયો. કુટ્ટણીની શિક્ષા જાણે ગુસ્સો કરી નાસી ગઈ હોય તેને ચિત્તભ્રમ થઈ ગયો. કામના વિકારમાં પોતાની આચાર્યા કુટ્ટણીએ જે સદ્બોધ આપ્યો હતો તે સર્વ વિસરી ગયો. તે વણિકપુત્રે નૃત્ય થઈ રહ્યા પછી પોતાના એક મિત્રને મોકલી તે પાતરના પ્રેમની માગણી કરી. તે ગણિકાએ સરળતાથી કબૂલ કરી તેના તરફ દૃષ્ટિપાત કરી જણાવ્યું, ‘હું તો આપની દાસી છું.’ અને વધુ બોલી, ‘હું નસીબદાર છું કે તમારા જેવા મારી ઇચ્છા કરે છે!’

ઈશ્વરવર્મા પોતાના ઉતારા ઉપર આવી દ્રવ્ય સાચવવા ઉપર ડાહ્યા માણસોને મૂકી પોતે તે રામજણી સુંદરીને ઘેર ગયો. મકરકટી નામની સુંદરીની માતા ઘરમાં હતી. તેણે ઈશ્વરવર્માનો સમય પ્રમાણે જુદી જુદી વસ્તુઓથી સારી રીતે સત્કાર કરી એક સુંદર મંચ ઉપર બેસાડ્યો. રાત પડી એટલે મકરકટી કુટ્ટણીએ તે વણિકને સુંદર રતિમંદિરમાં મોકલ્યો. આ ભવ્ય ભવનમાં રત્નદીપ વડે ઝળહળાટ દેખાતો ચંદરવો બાંધ્યો હતો. એક તરફ સૂવાને માટે સુવર્ણનો પલંગ ઢાળ્યો હતો, એક તરફ દાસદાસી વાયુ ઢોળતાં હતાં; ચોમેર અરીસા ઝગારા કરી રહ્યા હતા. મંદ મંદ સુવાસિત પવન વાતો હતો. એવા નૌતમ ભવનમાં તે વણિકભાઈ કામકળામાં ચતુર સુંદરી સાથે જુદી જુદી જાતનાં નૃત્ય તથા સુરતખેલ ખેલવા લાગ્યો. તે ગણિકાએ સુરત સમયે એવો ગાઢ પ્રેમ બતાવ્યો કે તે વણિક તો તેને જ અષ્ટમા સિદ્ધિ અને નવનિધિ જોયા કરવા લાગ્યો. જેમ ચંદ્રને જોતાં ચકોર તૃપ્ત ન થાય તેમ તે પ્રેમઘેલો વણિક ગાંડો બની ગયો. સુંદરીએ તેને એવો તો નેત્રના કટાક્ષમાં, હલનચલનમાં, પગના ઠમકામાં, અંગના લહેકામાં કદબદ કર્યો કે ન પૂછો વાત! પ્રેમ દાખવતી તે તેની પાસે જ બેસી રહી. તેને રાત્રિએ કે દિવસે જરાય વીલો મૂક્યો નહીં. ઈશ્વરવર્મા બીજા દિવસે પણ ત્યાં જ રહ્યો. તે સુંદરીને છોડીને ત્યાંથી બહાર જઈ શક્યો નહીં. તે તરુણ વણિકપુત્રે બીજે દિવસે સોનું રત્ન વગેરે મળી પચીસ લાખ સોનામહોર સુંદરીને ભેટ આપવા માંડી. પણ સુંદરીએ કૃત્રિમ પ્રેમ-નિસ્વાર્થ પ્રીતિ દર્શાવી તે લેવાની ના પાડી. તે બોલી, ‘પ્યારા, નેત્રમણિ, છેલછબીલા નાગર! હું શું પૈસાને મારો પ્રેમ વેચું છું? મને નાણાં તો ઘણાં મળ્યાં છે પણ તમારા જેવો છોગાળો પુરુષ મળ્યો નથી. આજે તમે પોતે એવા મળ્યા. ત્યાં હવે હું ધનને શું કરું?’

પણ તેની માતા મકરકટીને તો સુંદરી જ એકની એક પુત્રી હતી. તે કહેવા લાગી, ‘બેટા, દીકરી, હવે આપણી પાસે જે ધન છે તે સર્વ એમનું જ છે ને તો તેને મધ્યસ્થ કરી તેઓ આપે છે તે લે. લેવામાં શી હાનિ છે?’ જ્યારે તે વૃદ્ધ કુટ્ટણીએ એમ કહ્યું ત્યારે સુંદરીએ દિલગીરી બતાવી, ચાળાચસકા કરી તે નાણું લીધું અને મૂર્ખ ઈશ્વરવર્મા તે વેશ્યાનો પ્રેમ ખરો છે એમ માનવા લાગ્યો. આ પ્રમાણે તેનાં નૃત્ય, તેનાં ગીત અને તેના રૂપમાં લંપટ બનીને વણિકપુત્ર તેને ત્યાં બે માસ પર્યંત રહ્યો. એટલા વખતમાં તેણે ક્રમે ક્રમે સુંદરીને બે કરોડ સોનામહોર આપી દીધી.

આ જોઈ તેનો પ્રિય મિત્ર અર્થદત્ત રોષે ભરાયો. તેણે સ્વેચ્છાથી વેશ્યાને ઘેર આવી, ઈશ્વરવર્માને કહ્યું, ‘હે મિત્ર, યમજિહ્વા કુટ્ટણી પાસેથી તું મહામહેનતે જે વિદ્યા ભણ્યો તે જેમ કાયર પુરુષને સમય પર અસ્ત્રવિદ્યા નિરુપયોગી થઈ પડે છે તેમ, હમણાંના તારા વર્તન પરથી જણાય છે કે વ્યર્થ ગઈ છે. આ વેશ્યાની પ્રીતિ સત્ય માનીને શું તારું ભણતર વ્યર્થ નથી કીધું? શું કોઈ દિવસ મારવાડનાં અને ઝાંઝવાનાં જળ ખરાં હોય છે? માટે, જ્યાં સુધી આપણું સર્વ દ્રવ્ય ખૂટી જાય નહીં ત્યાં સુધીમાં અહીંયાથી નાસ. તારા પિતા જો આ વાત જાણશે તો તે મહા ક્રોધે ભરાશે.’

આ પ્રમાણે અર્થદત્તે કહ્યું ત્યારે ઈશ્વરશર્મા બોલ્યો, ‘તારું કહેવું સત્ય છે. એક નિયમ પ્રમાણે વેશ્યાનો વિશ્વાસ કરવો નહીં, પરંતુ મિત્ર, આ સુંદરી તેવી નથી. મિત્ર, હું તને શું કહું? મને તે આંખની કીકી ગણે છે. એક ક્ષણ મને જો તે જોશે નહીં તો ખચિત મરી જશે માટે તારે જો જવું જ હોય તો તું જઈને સમજાવ.’ આ પ્રમાણે ઈશ્વરશર્માએ અર્થદત્તને જવાબ આપ્યો એટલે તેણે મકરકટી માતાની સમક્ષ સુંદરીને કહ્યું, ‘હે સખી, હે સલુણી, હે મોહિની, ઈશ્વરશર્મા પર તારી અસામાન્ય પ્રીતિ છે તેમાં યત્કીન્ચિત પણ શંકા જેવું નથી. પણ હવે એને વેપાર માટે સ્વર્ણદ્વીપ અવશ્ય જવું જોઈએ. તે વેપારમાં ત્યાં એટલી બધી લક્ષ્મી મેળવશે કે અહીં પાછો આવી લક્ષ્મી સહિત તારી સાથે જીવનપર્યંત સુખમાં રહેશે. માટે મારું કહ્યું માની તું હવે તેને રજા આપ.’

તે સાંભળી સુંદરી ઈશ્વરશર્માના મુખ સામે જોઈ અફસોસ કરતી અને અશ્રુ ઢાળતી બોલી, ‘હું શું કહું? તમો મહાત્મા, એ પ્રેમની પીડા સારી રીતે જાણો છો. એમના ગયા પછી તમે ધારો છો કે મારા પ્રાણ સાથે આ શરીર ટકી રહેશે? કયો માણસ પરિણામ જાણ્યા વગર ખાતરી કરી શકે છે કે આમ જ થશે? પણ કંઈ નહીં; મારા નસીબમાં જે લખ્યું હશે તે પ્રમાણે થવા દ્યો. ભલે એ જાય.’

તે સાંભળી તેની મા મકરકટી બોલી, ‘બેટા, દિલગીર મા થા, તારો પ્રિયતમ ધન કમાશે કે તુરત જ પાછો આવશે; અને એ તારો ત્યાગ કદી પણ કરશે નહીં.’ આ પ્રમાણે તે વેશ્યાને તેની માતાએ દિલાસો આપીને સમજાવી. પછી પુત્રી સાથે સંકેત કરીને, તે વણિકપુત્રને જે માર્ગે જવાનું હતું તે માર્ગના એક ભાગમાં કૂવો હતો, તેની અંદર ગુપ્ત રીતે એક જાળ બંધાવી પોતાની સર્વ કપટરચના કરાવી દીધી! આ વખતે ઈશ્વરશર્માનું મન હીંચોળા ઉપર ચઢ્યું. તે વિરહવેદનાથી આંદોલન કરવા લાગ્યું. શું કરવું તે તેને સૂઝ્યું નહીં. બીજી બાજુએ સુંદરી દિલગીરીમાં હોય તેમ થોડો થોડો આહાર લેવા લાગી; તેણે ગીત, વાદ્ય અને નૃત્યમાં કંઈ ઇચ્છા કરી નહીં. જ્યારે ઈશ્વરશર્માએ નૂતન પ્રણયપ્રેમ વચનોથી સમજાવી ત્યારે તેણે કંઈક ધૈર્ય ધર્યાનું ડોળ ઘાલ્યું.

મિત્રે જણાવેલો પ્રયાણસમય આવ્યો, એટલે પેલી કુટ્ટણીએ મંગળાચાર કર્યું. ઈશ્વરવર્મા સુંદરીના ઘરમાંથી બહાર નીકલ્યો. તેને વળાવવા માટે રુદન કરતી સુંદરી, તેની મા, નગરની બહાર ઉપર જણાવેલા જાળવાળા કૂવા લગણ તેની સાથે ગયા. ત્યાં સર્વ ઊભા રહ્યા. તે વણિકપુત્ર સુંદરીને ધીરજ આપવા માટે તેની પાસે ગયો. તેને ધૈર્ય આપી વણિકપુત્રે અને તેના મિત્રે ચાલવા માંડ્યું. ચાર ડગલાં આવ્યાં કે જાણે વિરહવેદના નહીં ખમી શકાત, તેથી મરવું ભલું, એમ બતાવવા સુંદરી પેલા કૂવામાં જાળની ઉપર પડી. તેની મા, તેની દાસીઓ, અને બીજા નોકરો ‘હાય હાય! રે બાપલીઆ! હાય બાઈસાહેબ, અરેરે પુત્રી!’ આમ મોટો કોલાહલ કરવા લાગ્યાં. તે સાંભળી તે વણિકપુત્ર પોતાના મિત્ર સહિત પાછો ફરીને ત્યાં આવ્યો, અને વહાલીના કૂવામાં પડ્યાના સમાચાર સાંભળી, તે એક ક્ષણ મૂછિર્ત થઈ ગયો. મકરકટી મોટેથી આક્રંદ કરીને અફસોસ કરવા લાગી. અને આમતેમ દોડતાં તેણે પોતાના સાંકેતિક અને અંતરંગ કૂવામાં ઉતાર્યા. તેઓ દોરડાં વતી કૂવામાં ઊતરીને બોલ્યા, ‘પ્રભુનો પાડ માનો, હજી બાઈ જીવે છે, જીવે છે!’ આમ જણાવી તેઓએ સુંદરીને કૂવાની બહાર કાઢી. જ્યારે તેને બહાર કાઢી ત્યારે તે પોતાનું શરીર મુડદાની માફક કરી પડી જ રહી. જ્યારે તેને જણાવવામાં આવ્યું કે વણિકપુત્ર પાછો આવ્યો છે ત્યારે જ તે ધીરે ધીરે જવાબ દેવા લાગી. તે જોઈ ઈશ્વરવર્મા ખુશ થયો અને શુદ્ધિમાં આવેલી પોતાની પ્રાણપ્રિયાને લઈ નોકર સહિત પાછો ફર્યો: અને સુંદરી વેશ્યાને ઘેર જઈ રહ્યો. આમ સુંદરીના પ્રેમની ખાતરી થવાથી આવી અલભ્ય સુંદરી મને મળી એ પૂર્વજન્મનું જ ફળ છે એમ માની, તેણે પુન: વેપાર માટે જવાનો વિચાર માંડી વાળ્યો અને ત્યાં જ રહેવાનો વિચાર કર્યો. પુન: તેના મિત્ર અર્થદત્તે તેને કહ્યું, ‘અરે તું મૂર્ખાઈથી તારું ભૂંડું કાં કરે છે? સુંદરી કૂવામાં પડી તેથી તેના પ્રેમની ખાતરી તારે માનવી નહીં. વેશ્યાના કપટની રચનાને સાક્ષાત્ બ્રહ્મા પણ જાણી શકતા નથી, તો તું કોણ માત્ર? નાણું ગુમાવ્યા પછી તું તારા પિતાને શો જવાબ આપીશ? ક્યાં જઈશ? તારે તારું ભલું કરવાની ઇચ્છા હોય તો હમણાં ને હમણાં અહીંથી ચાલ.’

આ પ્રમાણે મિત્રે ઘણો ઘણો સમજાવ્યો, છતાં તેના વચનનો અનાદર કરીને તે તરુણ વણિકપુત્રે એક માસ રહી બીજા ત્રણ કરોડ ખર્ચી નાખ્યા. જ્યારે સર્વ ધન હરી તેને બાવો કરી મૂક્યો ત્યારે મકરકટી કુટ્ટણીએ, ઈશ્વરવર્માને ગર્દન પકડી ધક્કો મારી સુંદરીના ઘરમાંથી હડસેલી મૂક્યો.

અર્થદત્ત વગેરે તેના મિત્રો જ્યારે ઈશ્વરવર્મા સમજ્યો નહીં ત્યારે સત્વર પોતાના નગરમાં ગયા અને બન્યા પ્રમાણે સર્વ વૃત્તાંત તેના પિતા રત્નવર્માને કહ્યું. તેના પિતા શાહુકાર રત્નવર્મા તે સાંભળી ઘણો ખેદ પામ્યા. અને યમજિહ્વા કુટ્ટણી પાસે જઈ કહ્યું, ‘તેં મારી પાસેથી મોટી રકમ લઈ મારા દીકરાને એવી કામકળા ભણાવી કે મકરકટી કુટ્ટણીએ રમતમાત્રમાં તેનું સર્વ ધન હરી લીધું!’ આ પ્રમાણે કહી પુત્રનું સર્વવૃત્તાંત તેની આગળ વર્ણવી બતાવ્યું. તે વૃદ્ધ કુટ્ટણી યમજિહ્વાએ તે શાહુકારને કહ્યું, ‘મારા શેઠ, જરાએ ફિકર કરો નહીં. તમારા પુત્રને અહીં બોલાવો. હું તેને એવો તો નિપુણ બનાવીશ કે જેથી તે મકરકટીનું સર્વ ધન ફરી હરણ કરી લાવશે.’

આ પ્રમાણે યમજિહ્વા કુટ્ટણીએ પ્રતિજ્ઞા કરી, એટલે રત્નવર્માએ તે જ વખતે પુત્રને તેડી લાવવા માટે તેના મિત્ર અર્થદત્તને કહ્યું, ‘તું જા અને તારા મિત્રને સમજાવ કે તારા પિતા તારી આજીવિકા માટે પૈસા આપશે, આમ સમજાવી તેડી લાવ.’ આ પ્રમાણે સંદેશો આપીને તેનું હિત ઇચ્છનારા તેના મિત્ર અર્થદત્તને રત્નવર્માએ વિદાય કર્યો.

અર્થદત્તે કાંચનપુરમાં જઈ ઈશ્વરવર્માને સર્વ સંદેશો કહ્યો અને પછી કહ્યું, ‘હે મિત્ર, તેં મારું કહ્યું માન્યું નહીં, તો આજ તે વેશ્યાના પ્રેમની સત્યતા તેં પ્રત્યક્ષ દીઠી. પાંચ કરોડ સોનામહોર આપીને કમજાત વેશ્યાનો ધક્કો ખાધો. કિયો ડાહ્યો મનુષ્ય વેશ્યાના પ્રેમની અને રેતીમાંથી તેલની વાંછના કરે છે? પણ ના, ના, એ વસ્તુનો જ એવો ધર્મ છે તો હવે હું તને શું ઠપકો આપું. જ્યાં સુધી પુરુષ, સ્ત્રીના નેત્રકટાક્ષમાં ફસાયો નથી ત્યાં સુધી જ તે ડહાપણવાળો, શૂરવીર અને શુભ ભોક્તા રહે છે. પણ જે થયું તે થયું. હવે તું તારા પિતાની પાસે ચાલ ને તેમના ગુસ્સાને શાંત કર.’

આ પ્રમાણે કહી અર્થદત્ત ઈશ્વરવર્માને સમજાવી, ઝટપટ તેને તેના પિતા પાસે લઈ આવ્યો. તેના પિતાને તે એક જ પુત્ર હતો, માટે તેણે પણ તેને ધીરજ આપી અને યમજિહ્વા કુટ્ટણી પાસે લઈ ગયો. ત્યાં યમજિહ્વાએ તે વણિકને બધી વાત પૂછી. તેણે પોતાના મિત્ર અર્થદત્તને મુખે સુંદરીના કૂવામાં પડવાની તથા પોતાના ધનના નાશનું સર્વ વૃત્તાંત જણાવ્યું. તે સાંભળી યમજિહ્વા બોલી, ‘બેશક, આમાં મારો પોતાનો જ વાંક છે. કારણ કે મેં પોતે તને કામશાસ્ત્રના અધ્યયન વેળાએ તે કપટકળા ભણાવી નહીં. મકરકટીએ કૂવામાં જાળ બંધાવી રાખી હતી, તેથી સુંદરી કૂવામાં પડ્યા છતાં મરણ પામી નહીં. પણ ફિકર નહીં, આ બાબતમાં હજી એક ઉપાય છે, તે તું કરશે એટલે તું નિત્ય જય મેળવશે.’ આટલું કહી કુટ્ટણીએ પોતાની દાસી દ્વારા આલ નામના એક વાંદરાને ઘરમાંથી બોલાવી મંગાવ્યો. અને પોતાની હજાર સોનામહોર તે વાંદરાની આગળ મૂકીને બોલી, ‘બચ્ચા, આ ગળી જા તો!’ તે વાંદરો પોતાના અભ્યાસ પ્રમાણે માલિકનો હુકમ સાંભળી, તે સઘળી સોનામહોર ગળી ગયો. પછી યમજિહ્વાએ વાંદરાને કહ્યું, ‘બેટા આલ, આને વીસ સોનામહોર આપ, આને પચીસ આપ, આને સાઠ આપ, આને સો આપ!’ આ પ્રમાણે જેમ જેમ જુદી જુદી રીતે આલ પાસે જુદા જુદા લોકોને સોનામહોરો આપવાનું કહ્યું, તેમ જ આલે સોનામહોરો બહાર કાઢી કાઢીને તે તે લોકોને આપી. આવી રીતે આલ વાંદરાની યુક્તિ બતાવી, ફરીથી કુટ્ટણીએ ઈશ્વરવર્માને કહ્યું, ‘આ વાનરનું બચ્ચું તું લઈ જા અને પ્રથમની માફક તે સુંદરીને ઘેર જઈને રહે. આગમચથી છાની રીતે આ વાનરને મહોરો ગળાવી રાખજે. જ્યારે ખર્ચ કરવો હોય ત્યારે જોઈતી સોનામહોરો વાનરની પાસે માગી લેજે. સુંદરી આ પ્રમાણેના વાનરને જોઈ તેને ચંતાિમણિ જેવો માનશે; અને તને સમજાવી પોતાનું સર્વસ્વ આપીને, આ એક વાનરને લેશે. જ્યારે એ વાંદરાને તું આપે ત્યારે તારે અગાઉથી બે દિવસના ખર્ચ જેટલી સોનામહોરો ગળાવી રાખવી. આ વાનર તેને આપી, તેની પાસેથી તેનું સઘળું ધન લઈ એકદમ ત્યાંથી દૂર નીકળી જજે.’

આ પ્રમાણે કહી યમજિહ્વાએ તે વાનર તેને સ્વાધીન કર્યો અને તેના પિતાએ બે કરોડ સોનામહોરથી ભરેલો એક ચરુ પાછો તેને આપ્યો. તે વાનર અને દ્રવ્ય લઈને ઈશ્વરવર્મા પુન: કાંચનપુર ગયો અને આગળથી સુંદરી પાસે એક દૂત મોકલી તેને જાણ કરી કે ‘હું પુષ્કળ ધન કમાઈને આવ્યો છું.’ લુચ્ચી સુંદરી ને તેની મા બંનેએ તે સાંભળી પુન: પૂર્ણ પ્રેમભાવથી તેને પોતાના ઘરમાં ઉતાર્યો. સુંદરી સાક્ષાત આગ્રહરૂપ ને કાર્યના રહસ્ય જાણનાર ઈશ્વરવર્માને અને તેના મિત્રને કોટે વળગી પડી. જુદા જુદા અભિનય બતાવીને ઘણો પ્રસન્ન કર્યો. ઈશ્વરવર્માએ પણ તે વેશ્યાને પ્રેમ બતાવીને પોતાના પ્રેમની ખાતરી આપી. ક્ષણેક ગયા કેડે સુંદરીની સમક્ષ અર્થદત્તને વણિકે કહ્યું, ‘જાને ભાઈ, જરા પેલા આલ વાંદરાને લઈ આવ તો.’ અર્થદત્તે કહ્યું, ‘જેવી મરજી.’ એમ કહી તે ગયો અને પેલા વાંદરાને લઈ આવ્યો. આ વાંદરો અગાડીથી એક હજાર સોનામહોરો ગળી ગયો હતો. એટલે ઈશ્વરવર્માએ તેને કહ્યું, ‘બેટા આલ, આજ ભોજનપાણીનો ખર્ચ કરવા ત્રણસો સોનામહોર આપો તો; અને પાનસોપારી વગેરેના ખર્ચ માટે સો સોનામહોર આપો; અને સો સોનામહોર માજી મકરકટીને આપો, અને બ્રાહ્મણોને સો સોનામહોરોનું દાન કરો. અને ચારસો સોનામહોર મારી આ પ્યારી સુંદરીને આપો.’ આ પ્રમાણે ઈશ્વરવર્માએ કહ્યું એટલે તે વાનરે કહેવા મુજબ ઝટઝટ સોનામહોરો બહાર કાઢી કાઢીને ખરચ માટે આપી, તે અગાઉથી હજાર સોનામહોર ગળી ગયો હતો.

આ પ્રમાણે યુક્તિથી ઈશ્વરવર્મા ખરચ પેટે હંમેશાં સોનામહોરો વાંદરા મારફતે અપાવતો હતો. આમ એક પખવાડિયા પર્યંત થતું જોઈ મકરકટી અને સુંદરી વિચારવા લાગ્યાં; ‘અરે, આ તો વાનરનું રૂપ ધારણ કરનાર સાક્ષાત્ કોઈ સિદ્ધ છે કે સાક્ષાત્ ચંતાિમણિ છે! એ હંમેશાં હજાર સોનામહોર આપે છે. જો આ વાનર એ આપણને આપે તો આપણા સર્વ મનોરથ સિદ્ધ થાય.’

આમ વિચારી ઈશ્વરવર્મા ભોજન કર્યા બાદ જ્યારે મોજમઝામાં બેઠો હતો ત્યારે એકાંતમાં સુંદરીએ પોતાની માતા મકરકટી સમક્ષ ઈશ્વરવર્મા આગળ માગણી કરી, ‘દિલોજાન, હૃદયરંજક, જો તમે મારા પ્રસન્ન થયા હો તો આ આલ મને આપો.’ તે સાંભળી ઈશ્વરવર્મા હસતે મુખે બોલ્યો, ‘હેં હેં હેં, એ શું બોલી પ્યારી, આ વાનર તો મારા પિતાનું જીવન છે, માટે તે મારાથી આપી શકાય નહીં.’ આવો જવાબ મળ્યાથી સુંદરી પુન: બોલી, ‘પ્રિયતમ, પ્રાણેશ, ફાંકડા! એમ શું કરો છો? લ્યો, હું તમને પાંચ કરોડ સોનામહોર આપું છું ને તમે મને આ વાનર આપો.’ પછી ઈશ્વરવર્માએ નિશ્ચય કરીને કહ્યું, ‘પ્રિયે, વલ્લભે, હૃદયરમણી, તું કહે તે તારા પર વારી જઉં, પણ એ વાત તો તું જવા જ દે. મારાથી એ વાનર અપાય તેમ છે જ નહીં. પાંચ કરોડ તો શું, પણ પચીસ કરોડ આપતાં પણ એનું નામ નહીં લેવાય! જોઈએ તો તું મને તારું સર્વસ્વ આપે અથવા તો આ નગર પણ આપે, તો પણ મારાથી એ આપી શકાય એમ નથી. ત્યારે કરોડની તો વાર્તા જ શી કરે છે?’

તે સાંભળી સુંદરી વિનવતી બોલી, ‘હું તમને મારું સર્વસ્વ આપી દઉં તો પણ તમે મને આ વાનર નહીં આપો? જુઓ પ્યારા, વ્હાલા! મારું આટલું નહીં માનો? મારી મા તેમ કરવાથી ગુસ્સે થશે તો છો થતી. પણ મ્હને એ ઘણો ગમે છે માટે એ આપો.’ આટલું કહી સુંદરીએ ઈશ્વરવર્માને પગે પડીને તેના બે પગ પકડ્યા, ત્યારે અર્થદત્ત વગેરે બોલ્યા, ‘ભાઈ, જ્યારે તમારી પ્યારીનો બહુ આગ્રહ છે ત્યારે ભલે આપો. જે થવાનું હશે તે થશે.’ પછી ઈશ્વરવર્માએ તે વાનર આપવાનું કબૂલ કર્યું અને તે સમય સુંદરી સંગાથે આનંદવિનોદમાં ગુજાર્યો. બીજે દિવસે પ્રભાતમાં જેણે અગાડીથી બે હજાર સોનામહોર ગળી હતી તે વાનર સુંદરીને અર્પણ કર્યો અને તે જ વખતે તેની કંમિતમાં તેની સર્વ સંપત્તિ લઈ તે વણિકભાઈ ત્યાંથી નીકળી પડ્યા ને વેપાર કરવા સ્વર્ણદ્વીપ ચાલ્યા ગયા.

પેલી સુંદરી અને તેની મા ચંતાિમણિ વાનર લઈ ઘણી જ પ્રસન્ન થઈ. વાનરે પણ માગવા પ્રમાણે બે દિવસ સુધી બરાબર હજાર હજાર સોનામહોર કાઢી આપી. ત્રીજે દિવસે સુંદરીએ વાનર પાસે સોનામહોર માગી. ઘણા પ્રકારે વહાલ બતાવ્યુ તો પણ વાનરે તેને કંઈ આપ્યું નહીં. એ જોઈ સુંદરી તેને મુક્કીથી મારવા લાગી. વાનર તેના મારથી ઘણો ગુસ્સે થયો અને કૂદકો મારી મા અને દીકરી બંનેના મુખને દાંત તથા નખથી વઝોરી નાખ્યું. કુટ્ટણીના મુખમાંથી લોહીની ધારાઓ પડવા લાગી. પછી તેણે ક્રોધ કરી વાનરને લાકડીથી એવો માર્યો કે તે તરત મરી ગયો. વાનરને મરી ગયેલો જોઈ મા અને દીકરી બંને જણીએ જાણ્યું કે હવે આપણું સર્વસ્વ નાશ પામ્યું. તે બંને જણી આપઘાત કરવા તૈયાર થઈ. નગરનાં સર્વે મનુષ્યે આ વાર્તા જાણી, ત્યારે તે સઘળાં હસીને કહેવા લાગ્યાં, ‘ઠીક થયું, ઠીક થયું! એ તો કરણી તેવી પાર ઉતરણી! જે ખાડો ખોદે તે પડે! જ્યારે મકરકટીએ જાળનું કપટ કરીને તેનું બધું ધન હરણ કર્યું હતું ત્યારે તે ફાંકડેલાલે આલની સહાયતાથી અને બુદ્ધિથી તેનું સર્વ ધન હરી લીધું. તે વેશ્યાએ પોતાની જાળ જાણી, પણ બીજાના આલ(વાનર)ને ઓળખ્યો નહીં. એને કરણી પ્રમાણે ફળ મળ્યું છે. ધન નાશ થયું. બંને જણીનાં મુખ વાનરે વિરૂપ કીધાં.’ તે મરવા માટે તૈયાર થઈ, પણ પરિવારજને ઘણા કાલાવાલા કરીને તેમને અટકાવ્યાં.

આ બાજુ ઈશ્વરવર્મા સ્વર્ણદ્વીપમાં જઈ ત્યાંથી અખૂટ દ્રવ્ય સંપાદન કરી થોડા વખતમાં ચિત્રકૂટમાં પોતાના પિતાને ઘેર આવ્યો. તેના પિતા રત્નવર્મા પુત્ર ઘણું ધન કમાઈને આવ્યો જોઈ યમજિહ્વા કુટ્ટણીને બીજું ધન આપી તેનો બહુ આદર અને મહોત્સવ કર્યો. ઈશ્વરવર્મા પણ તે દિવસથી સર્વ કપટકળામાં પ્રવીણ બન્યો અને વેશ્યાની સંગતમાં ઉદાસ બન્યો, પોતાનાં લગ્ન કરી સ્વભૂમિમાં રહી સ્વપત્ની સંગે રમણ કરવા લાગ્યો.