ભારતીયકથાવિશ્વ-૩/કથાસરિત્સાગરની કથાઓ/ત્રિવિક્રમસેન રાજાની કથા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ત્રિવિક્રમસેન રાજાની કથા

પૂર્વે ગોદાવરી નદીના કિનારે પ્રતિષ્ઠાન નામનો એક દેશ. ત્યાં વિક્રમસેન રાજાનો પુત્ર ત્રિવિક્રમસેન નામનો એક રાજા થઈ ગયો. આ રાજા ઇંદ્ર જેવો પરાક્રમી અને કીર્તિવાન હતો.

તે રાજા જ્યારે સભામાં બિરાજતો હતો ત્યારે તેની પાસે ક્ષાંતિશીલ નામનો એક સાધુ હંમેશાં આવતો હતો અને રાજાને ભેટ તરીકે નિત્ય એક ફળ અર્પણ કરતો હતો. રાજા તત્ક્ષણ તે ફળ ઉપાડી પોતાની પાસે બેઠેલા કોશાધ્યક્ષના હાથમાં આપતો. પણ તેમાં શું છે, મને તે શા માટે આપે છે તે વિશે કંઈ પણ પૂછતાછ કરતો નહીં. આ પ્રમાણે દસ વર્ષ સુધી તે જતિએ રાજાને નિત્ય એક ફળની ભેટ આપ્યા જ કરી.

એક દિવસ તે જતિ ત્રિવિક્રમસેન રાજાના સભામંડપમાં ગયો અને રાજા આગળ ફળ મૂકીને વિદાય થયો. દૈવયોગે એક પાળેલું વાનરું પોતાના રખેવાળોથી છૂટીને આ સભામાં દોડી આવ્યું. રાજાએ તેને તે ફળ ખાવા આપ્યું. જ્યારે તે વાનરે ફળ લઈને ખાવા માટે તેના બે કટકા કર્યા ત્યારે તેમાંથી એક રત્ન નીકળ્યું. આ રત્ન ઊંચી જાતનું અને અણમોલ હતું. રાજાએ રત્ન જોઈ તે ઉપાડી લીધું અને કોશાધ્યક્ષને પૂછ્યું, ‘મને તે સાધુ જે જે ફળ ભેટ તરીકે આપતો હતો તે સઘળાં ફળ મેં તારા હાથમાં આપ્યાં છે, તે ફળ તેં ક્યાં મૂક્યાં છે તે કહે.’

જ્યારે રાજાએ કોશાધ્યક્ષને આ પ્રમાણે પૂછ્યું ત્યારે તે ગભરાયો અને વિનંતી કરવા લાગ્યો, ‘મહારાજ, મેં પણ તે ફળોને ભાંગ્યા વગર જ, બારીમાંથી ખજાનામાં નાખી દીધાં છે. જો આપની આજ્ઞા હોય તો હું ખજાનો ઉઘાડીને તેની તપાસ કરું.’ રાજાએ તેને એમ કરવાની આજ્ઞા આપી. કોશાધ્યક્ષ તરત ઊભો થયો અને તરત જ તેણે ભંડારમાં જઈને જોયું તો ફળ ફાટી ગયાં હતાં અને ચારે કોર વેરાઈને પડ્યાં હતાં. તેમાંથી બહાર પડેલાં રત્નો ઝળહળાટ કરતાં હતાં. તે જોઈ તરત રાજા પાસે આવીને તે બોલ્યો, ‘મહારાજ, ફળ તો ભાંગીને સુકાઈ ગયાં છે પણ રત્નો ઝગારા મારતાં ત્યાં પડ્યાં છે.’ રાજા તેની પ્રામાણિકતા પર પ્રસન્ન થયો અને બધાં રત્ન તેને ભેટ આપી દીધાં, તરત જ તેણે સભા વિસજિર્ત કરી.

બીજે દિવસે વળી સભા ભરાઈ. મોટા મોટા સામંતો, સુભટ્ટો અને મંત્રીઓ આવ્યા. નિયમ પ્રમાણે જતિ પણ આવ્યો. તેણે આવી રાજાને ફળ ભેટમાં આપ્યું. પછી પોતાની જગ્યા પર જઈને બેઠો. રાજાએ તેને પૂછ્યું, ‘ જતિ મહારાજ, તમે દરરોજ મને અણમોલ ભેટ શા માટે આપો છો તેનો ખુલાસો જ્યાં સુધી નહીં કરો ત્યાં સુધી હવે હું તમારી ભેટ સ્વીકારીશ નહીં.’

આ પ્રમાણે રાજાએ કહ્યું એટલે તે જતિએ રાજાને એકાંતમાં તેડી જઈ તેનું કારણ આ પ્રમાણે કહ્યું, ‘મહારાજ, મારી પાસે વીર વેતાલને સાધવાનો મંત્ર છે, પરંતુ તેમાં સહાય કરવા એક શૂરવીર પુરુષની જરૂર પડે છે. હે વીરેંદ્ર, હું આ કાર્યમાં તમારી સહાય માગું છું.’ રાજાએ તેનું કહેવું સાંભળી તરત જ તે કાર્યમાં સહાય કરવાનું વચન આપ્યું. તે સાંભળી જતિ ઘણો પ્રસન્ન થયો અને ફરી તેણે રાજાને કહ્યું, ‘જો તમે મને સહાય કરવાની પૂરેપૂરી ઇચ્છા ધરાવો છો તો હું કહું તેમ કરજો. આવતી કાળી ચૌદશની રાતે આપણા નગરના મહાસ્મશાનમાં એક વડ છે તેની નીચે હું તમારી વાટ જોઈને બેસીશ, તમે ત્યાં આવજો.’

ત્રિવિક્રમે કહ્યું, ‘બહુ સારું, હું ચોક્કસ ત્યાં આવીશ.’

તે સાંભળી ક્ષાંતિશીલ ગોરજી ખુશ થતો થતો પોતાને અપાસરે આવ્યો.

મહાપરાક્રમી ત્રિવિક્રમ રાજાને કાળી ચૌદશને દિવસે તે જતિને આપેલું વચન યાદ આવ્યું.રાત પડી. રાજાએ કાળાં વસ્ત્ર પહેર્યાં, માથે તમામ પુષ્પનો મુગટ ધારણ કર્યો અને હાથમાં તરવાર લીધી અને કોઈ જાણે નહીં તેમ મહેલમાંથી ગૂપચૂપ બહાર નીકળીને સ્મશાન તરફ ચાલ્યો. થોડી વારમાં તે સ્મશાનભૂમિમાં આવી પહોંચ્યો. આ વખતે ભયંકર તથા ઘોર અંધારી રાત ઝમઝમ કરી રહી હતી. આખું સ્મશાન શ્યામ રંગનુું દેખાતું હતું. કોઈ કોઈ ઠેકાણે ચિતાઓ બળતી હતી. તેની અગ્નિજ્વાળાઓ ભયંકર નેત્ર જેવી દારુણ દેખાતી હતી. ચારે તરફ માણસોનાં હાડકાં ને ખોપરીઓ ઠેર ઠેર પડ્યાં હતાં. તેથી ભય લાગતો હતો. વેતાલ અને ભૂત માંસનું ભોજન મળવાથી રાજી રાજી થઈ તાળીઓ પાડી નાચીકૂદી રહ્યા હતા. કોઈ કોઈ સ્થળે હવામાં ભૂતના ભડકા થઈ રહ્યા હતા. ને આ રીતે સ્મશાન કાળભૈરવના બીજ જેવું ગંભીર અને ભયંકર દેખાતું હતું. શિયાળવાના અવાજો ચોમેર ગાજી રહ્યા હતા. આ બધું જોવા છતાં રાજા ત્રિવિક્રમ જરા પણ ગભરાયો નહીં, પણ તેને વધારે હંમિત આવી. આગળ જઈને સિદ્ધવડને શોધી કાઢ્યો. પેલો ગોરજી વડ નીચે એક મંડળના ન્યાસ ધ્યાનમાં રોકાયો હતો, તેની પાસે જઈને રાજા બોલ્યો, ‘ગોરજી, હું તમારી પાસે આવી ગયો છું. બોલો, હવે મારે શું કરવાનું છે તે કહો.’

ગોરજીએ આ સાંભળીને ઘણો આનંદ થયો. તેણે રાજાને કહ્યું, ‘હે રાજન્, તમે જો મારા ઉપર કૃપા કરવા માગતા હો અને મારું કાર્ય પાર પાડવાની ઇચ્છા રાખતા હો તો અહીંથી થોડે દૂર એક અશોક વૃક્ષ છે ત્યાં જાઓ. તે વૃક્ષ પર એક મડદું ઊંધે મસ્તકે લટકે છે તે તમે જોજો. તે મડદાને તમે અહીં લઈ આવો અને મારા કામમાં મદદ કરો.’

રાજા ત્રિવિક્રમ પોતે શૂરવીર હતો, સત્ય પ્રતિજ્ઞાવાળો હતો. ગોરજીની વાત સાંભળીને તરત તેણે કહ્યું, ‘હું તે કરીશ.’ અને તે ચાલી નીકળ્યો. માર્ગમાં એક ચિતા બળતી હતી તેમાંથી તેણે સળગતું ઉંબાડિયું ઉપાડી લીધું અને તેના અજવાળેઅજવાળે રસ્તો કાપતો કાપતો તે મહા કષ્ટે અશોક વૃક્ષ પાસે જઈ પહોંચ્યો. તે વૃક્ષ ચિતાના ધુમાડાથી કાળું પડી ગયું હતું, તેમાંથી બળતા માંસની ગંધ આવતી હતી. અને તે વૃક્ષ જાણે સાક્ષાત્ ભૂતાવળનું ઘર હોય તેવું જણાતું હતું. તે શબ જાણે કોઈ રાક્ષસના ખભા પર બેઠું હોય તેમ લાગતું હતું.

ત્રિવિક્રમસેન ઝડપથી તે વૃક્ષ પર ચઢી ગયો અને જે દોરીથી મડદાંને લટકાવવામાં આવ્યું હતું તે દોરી કાપી નાખી. તે શબને જમીન પર પાડ્યું. પડતાંની સાથે તે શબ જાણે તેને મહા પીડા થઈ હોય તેમ મોટી ચીસ પાડી ઊઠ્યું. ભયંકર બરાડા પાડવાથી રાજાના મનમાં શંકા જાગી કે આ સાવ મરી ગયું નથી, હજુ તેનામાં જીવ છે. તેથી પોતે વૃક્ષ ઉપરથી નીચે ઊતરી તેના શરીરને પંપાળવા લાગ્યો કે જેથી તેને શાંતિ વળે! પરંતુ તે જોઈને તો ઊલટું તે મડદું ખડખડાટ હસવા લાગ્યું. ત્યારે રાજાએ જાણ્યું કે આ મડદામાં વેતાલે વાસ કર્યો છે! માટે તેણે જરા પણ ભય વગર દૃઢતાથી તે મડદાને પૂછ્યું, ‘તું કેમ હસ્યું? ચાલ આપણે બંને અહીંથી બીજે ઠેકાણે જઈએ.’ પણ આમ જ્યાં ત્રિવિક્રમસેન કહે છે એવામાં તો તે વેતાલવાળું મડદું એકદમ જમીન પરથી ઊડીને તે ઝાડની શાખામાં લટકી ગયું. પુન: તે રાજા વૃક્ષ પર ચઢ્યો અને તે મડદાને પુન: જમીન પર ફેંક્યું. વીર પુરુષોનું હૃદયરત્ન વજ્રથી પણ ભેદાતું નથી. ત્યારે આવી સાધારણ બાબતમાં તે શા માટે ડરે? પછી રાજા નીચે ઊતર્યો અને તે મડદાને પોતાના ખભા પર લઈ મૂંગો મૂંગો ચાલવા લાગ્યો. આમ રાજા ચાલતો હતો ત્યારે તેના ખભા પરના શબમાં ભરાયેલા વેતાલે તેને કહ્યું, ‘હું તને રસ્તામાં આનંદ થાય તે માટે એક વાર્તા કહું છું તે તું સાંભળ.’