ભારતીયકથાવિશ્વ-૩/કથાસરિત્સાગરની કથાઓ/વિક્રમાદિત્યની અને મદનમાલા નામની વેશ્યાની કથા
પાટલીપુત્ર નામના નગરમાં વિક્રમાદિત્ય નામનો એક રાજા રાજ્ય કરતો હતો. તેના હયપતિ અને ગજપતિ નામના બે મિત્ર હતા. આ બન્નેમાં પહેલા પાસે ઘણા મોટા ઘોડા હતા અને બીજા પાસે ઘણા હાથીઓ હતા. મિત્રની સહાયથી અભિમાની રાજા વિક્રમાદિત્યને પ્રતિષ્ઠાનપુરના રાજા નૃસિંહ સાથે શત્રુવટ હતી. રાજા નૃસિંહ ઘણો બળવાન અને ઘણા પાયદળવાળો હતો. એક વખતે રાજા વિક્રમાદિત્યે મિત્રના બળથી ગવિર્ષ્ટ બની શત્રુ નૃસિંહ ઉપર ક્રોધ કરી, એકદમ પ્રતિજ્ઞા કરી; ‘મારે રાજા નૃસિંહનો એવી રીતે પરાજય કરવો કે ભાટ અને ચારણો તેને મારી દેવડીના એક નોકર તરીકે ગણે.’ આવી પ્રતિજ્ઞા કરી, હયપતિ અને ગજપતિ બન્ને મિત્રોને તેડાવી તે બન્નેને સાથે લઈ બલાત્કારથી નૃસિંહ રાજા સામે લડાઈ કરવા માટે ચઢ્યો. સાથે સમગ્ર સેના હતી. સેનાના હાથી અને ઘોડાના ભારથી પૃથ્વી હાલકડોલક થવા લાગી. જ્યારે પાથિર્વ પ્રતિષ્ઠાનપુર પાસે પહોંચ્યો. ત્યારે ચઢાઈની વાર્તા જાણવાથી રાજા નૃસિંહ પણ તૈયાર થઈ તેના આવવાની આગમચ નગરની બહાર નીકળ્યો. બન્ને રાજાનું દારુણ યુદ્ધ ચાલવા માંડ્યું. એ યુદ્ધમાં હાથી ઉપર બેસનારા સાથે અને ઘોડેસ્વાર સાથે પાળાઓ યુદ્ધ કરતા હતા, તેથી આશ્ચર્ય લાગતું હતું. હળવે હળવે નૃસિંહ રાજાની સેનાનાં એક કરોડ માણસોએ રાજા વિક્રમાદિત્યની સેનાને પાયમાલ કરી નાખી. છેવટે રાજા વિક્રમ રણમાં હાર્યો અને નાસીને પાટલીપુત્રમાં પેસી ગયો તથા તેના બે મિત્રો ભાગીને પોતપોતાના પુર તરફ પલાયન કરી ગયા. રાજા નૃસિંહ, વિક્રમાદિત્ય રાજાને હરાવી પ્રતિષ્ઠાન નગરમાં આવ્યો; અને ભાટચારણો તેનાં પરાક્રમનાં વખાણ કરવા લાગ્યા. પછી વિક્રમાદિત્ય પોતાની પ્રતિજ્ઞા ખોટી પડી જોઈ વિચાર કરવા લાગ્યો, ‘કેટલાએક મારી અવગણના કરે તો ભલે કરે, પરંતુ મારી પ્રતિજ્ઞા ખોટી પડવી જોઈએ નહીં. આ મોટો શત્રુ હથીઆરથી જીતી શકાય તેવો નથી તો તેને મારે બુદ્ધિથી હરાવવો.’ આમ વિચાર કરી, યોગ્ય કાર્યભારીઓને રાજ્ય સોંપી, બુદ્ધિવર નામના મુખ્ય મંત્રીને, સો રાજકુમારને અને પાંચ કુલવાન શૂરાને સાથે લઈ, કોઈ જાણે નહીં તેમ તે છાનોમાનો નગરની બહાર નીકળ્યો. અને કાપડીનો વેશ ધારણ કરી નૃસિંહ રાજાના પ્રતિષ્ઠાન નગરમાં ગયો.
એ પુરમાં એક મદનમાલા નામની પ્રસિદ્ધ વેશ્યા રહેતી હતી તેને ઘેર તે ગયો. તેનું ઘર ઇંદ્રના મંદિર જેવું ઉત્તમ શોભતું હતું. મંદિરને ફરતા આવેલા કિલ્લાના શિખર ઉપર ઊંચી ચઢાવેલી ધ્વજાનાં વસ્ત્રો, મંદ મંદ પવન વડે ઊંચાંનીચાં ઊડવાથી જાણે આવકાર આપતાં હોય તેવું તે જણાતું હતું. આ ઘરને ચાર દિશામાં ચાર દરવાજા હતા, તેમાં મુખ્ય દરવાજો પૂર્વ દિશાનો હતો. તે ઉપર વીસ હજાર રક્ષકો જુદી જદી જાતનાં આયુધો ધારણ કરી રાત્રિ દિવસ ચોકી કરતા હતા. બાકીના ત્રણ દરવાજા ઉપર દશ હજાર ઉદ્ધત શૂરાઓ હંમેશાં ચોકી કરતા હતા. વિક્રમાદિત્ય રાજા કાપડીના વેશમાં તે દરવાજા આગળ જઈ ઊભો રહ્યો, એટલે પ્રતિહારે અંદર ખબર કરી ત્યારે વેશ્યાએ કહ્યું, ‘અંદર આવવા દ્યો.’ એટલે તે રાજા દરવાજાની અંદર ગયો. આ ઘરની અંદર સાત દોઢી હતી. તેમાં કોઈ દોઢીમાં કદાવર શરીરના ઘણા ઉમદા અસંખ્ય ઘોડા દીપી રહ્યા હતા; કોઈ દોઢીમાં ઘણા હાથીઓનાં ટોળાં બાંધવામાં આવ્યાં હતાં તેને લીધે સંકડાઈને ચાલવું પડતું હતું; કોઈ દોઢીમાં આયુધોની બનાવટથી ઘણો જ ગંભીર દેખાવ હતો; કોઈ દોઢીમાં તેજસ્વી રત્નના ભંડારો હોવાથી ઝળઝળાં થઈ રહ્યું હતું; કોઈ દોઢીમાં ચાકરવર્ગ ટોળું વળી બેઠા હતા; કોઈ દોઢીમાં ઊંચે સ્વરે યશોગાન કરતા ભાટચારણોનો હોકારો મચી રહ્યો હતો ને કોઈ દોઢીમાં આરંભેલા સંગીતનો અને મૃદંગનો ધ્વનિ ગાજી રહ્યો હતો. આવી રીતે સાત દોઢીઓ જોતો જોતો રાજા અંદરના ભાગમાં આવ્યો. ત્યાં મદનમાલાનો રહેવાનો ખાસ એક બંગલો નિહાળ્યો. રાજા વિક્રમાદિત્ય પોતાના મનુષ્યો સહિત દરેક દોઢીમાં, લક્ષપૂર્વક ઘોડા વગેરે જોતો આવ્યો છે, એ મદનમાલાએ પોતાના પાસવાનો પાસેથી જાણ્યું હતું; તેથી આ કોઈ પણ મોટો પુરુષ, પોતાની મોટાઈ ગુપ્ત રાખી મારે ત્યાં આવ્યો છે, આમ ધારી તે વેશ્યા ઘણો આનંદ પામી ને આશ્ચર્ય સહિત તેની સામે જઈ પ્રણામ કર્યાં; અને તેને તેડી લાવી, રાજાને બેસવા લાયક ઉત્તમ આસન ઉપર બેસાર્યો. આ વેશ્યાનું લાવણ્ય અને વિનય જોઈ રાજા વિક્રમાદિત્યનું પણ મન મોહિત બની ગયું અને તેણે પોતાને ખુલ્લો ન જ પાડતાં તે સ્ત્રીને ઘણું માન આપ્યું. આદરાતિથ્ય કરવા માટે મદનમાલાએ તે વખતે ઊનું પાણી મૂકાવ્યું; પછી રાજાને નવરાવ્યો, પુષ્પના હારો પહેરાવ્યા, શરીરે ચંદન અગરના લેપ કર્યા અને ઘણાં ઉમદાં વસ્ત્ર અને આભૂષણો અર્પણ કરી તેને ઘણું માન આપ્યું. ત્યાર પછી રાજાને તેના કાર્યભારીને અને તેના માણસોને જુદી જુદી જાતનાં ભોજન જમાડી પરોણાચાકરી કરી. રાજાની ખૂબસુરતી ઉપર આશક બનેલી મદનમાલાએ તે દિવસ રાજા સાથે મદિરાપાન વગેરે કરી આનંદમાં કાઢી નાખ્યો. રાત્રિ પડી એટલે પોતાનું શરીર રાજાને અર્પણ કર્યું. આવી રીતે વેશ્યા, રાજા વિક્રમાદિત્યને હંમેશાં એકાંતમાં રતિસમાગમ વગેરેથી સુખ આપવા લાગી. રાજા પોતે પણ ચક્રવર્તીને યોગ્ય રીતિએ જેટલું ધન હંમેશાં આપવું જોઈએ તેટલું ધન માંગણોને આપતો હતો. આ સર્વ ધન મદનમાલા પોતે પ્રસન્ન થઈને વિક્રમાદિત્યને આપતી હતી અને પોતે બીજા પુરુષના ધનની દરકાર મૂકી વિક્રમાદિત્યના ઉપભોગમાં આવવાથી પોતાનું ધન અને પોતાની કાયાને સફળ માનવા લાગી. આટલાથી તે વેશ્યા અટકી નહીં, પણ તે રાજા સાથેના પ્રેમને લીધે, તે ગામનો રાજા નૃસિંહ, વેશ્યા ઉપર આશક બની આવતો હતો, તેને પણ યુક્તિથી આવતો બંધ કર્યો. આવી રીતે એકાગ્ર મનથી તે વેશ્યા રાજાની સેવા કરવા લાગી.
એક વખતે રાજાએ પોતાની સાથે આવેલા બુદ્ધિવર નામના કાર્યભારીને એકાંતમાં બોલાવીને કહ્યું, ‘મંત્રી! વેશ્યાઓ હંમેશ પૈસાની લાલચુ હોય છે; તે કામાતુર છતાં પણ કેવળ પૈસાથી જ તૃપ્ત થાય છે: વિલાસથી તૃપ્ત થતી નથી. બ્રહ્માએ યાચકોને ઉત્પન્ન કીધા પછી તેની પાસેથી લોભ લઈ વેશ્યાઓને ઉત્પન્ન કીધી છે. હું આ મદનમાલાનું ધન વાપરુંં છું; તો પણ તે મારા ઉપર અતિશય પ્રેમને લીધે ઉદાસ થતી નથી, ઊલટી પ્રસન્ન થાય છે, માટે આ વેશ્યા સ્ત્રીનો કેવી રીતે બદલો વાળવો કે જે કરવાથી મારી પ્રતિજ્ઞા પણ ક્રમવાર સિદ્ધ થાય?’ તે સાંભળી બુદ્ધિવર મંત્રી રાજાને કહેવા લાગ્યો: ‘મહારાજ! જો આપનો વિચાર આ વેશ્યાને બદલો આપવાનો હોય તો, પ્રપંચબુદ્ધિ નામના ગોરજીએ આપને જે અમૂલ્ય રત્નો આપ્યાં છે, તેમાંથી થોડાં રત્નો આ વેશ્યાને અર્પણ કરો.’ કાર્યભારીનું આવું બોલવું સાંભળી, રાજાએ પ્રત્યુત્તર આપ્યો: ‘આ વેશ્યાને તે ભિક્ષુકે આપેલાં સઘળાં રત્નો આપી દઉં, તો પણ મેં તેનો કંઈ પણ ઉપકાર કર્યો કહેવાય નહીં; પરંતુ મારી પ્રતિજ્ઞા સિદ્ધ થાય એવી કોઈ બીજી રીતે આનો બદલો વાળવો જોઈએ. તે સાંભળીને મંત્રી બોલ્યો: ‘મહારાજ! તે ભિક્ષુક આપની સેવા શા માટે કરતો હતો તે વૃત્તાંત મને કહી સંભળાવો.’ આ રીતે કાર્યભારી બુદ્ધિવરે પૂછ્યું એટલે રાજા બોલ્યો: ‘સાંભળ તેની કથા તને સંભળાવું છું.