ભારતીયકથાવિશ્વ-૩/કથાસરિત્સાગરની કથાઓ/હરિશર્મા બ્રાહ્મણની કથા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


હરિશર્મા બ્રાહ્મણની કથા

કોઈ એક ગામમાં એક હરિશર્મા નામનો બ્રાહ્મણ રહેતો હતો. તે દરિદ્રી અને મૂર્ખ હતો ને આજીવિકા ન હોવાથી ઘણી માઠી હાલતમાં રહેતો હતો. પૂર્વે કરેલાં પાપ ભોગવવા માટે તેને ઘણાં છોકરાં થયાં હતાં. તે કુટુંબ સહિત ભિક્ષા માગતો માગતો ક્રમે કરીને એક નગરમાં ગયો. ત્યાં તે કોઈ મહાધનાઢ્ય સ્થૂલદત્ત નામના ગૃહસ્થની ચાકરીમાં રહ્યો. તેણે પોતાના પુત્રોને ગાય ચરાવવા ઉપર રાખ્યા; પોતાની સ્ત્રીને ઘરમાં કામ કરનારી દાસી બનાવી અને પોતે તેના ઘરની સિપાઇગીરી કરીને રહેવા લાગ્યો. એક વખતે સ્થૂલદત્તની દીકરીનો વિવાહ હતો તે નિમિત્તે ઉત્સવમાં ઘણાં માણસો આવ્યાં હતાં. આ વિવાહના સમયમાં કુટુંબીજન સાથે હરિશર્માએ ઘી, માંસ વગેરે પેટ ભરીને ખાવાની આશા બાંધી હતી, અને તેની વાટ જોતો બેઠો હતો. પણ તે ઉત્સવમાં કોઈએ તેને સંભાર્યો સરખો પણ નહીં. તે ભૂખથી પીડાયલો અને કંટાળી ગયેલો, રાત્રિમાં પોતાની સ્ત્રીને કહેવા લાગ્યો, ‘હું દરિદ્ર છું અને મૂર્ખ છું, તેને લીધે મારું આવું અપમાન થયું, માટે આ વખતે હું યુક્તિથી મારા કૃત્રિમ જ્ઞાનની અજમાયશ કરું છું; જેથી સ્થૂલદત્ત તરફથી મારો સારો સત્કાર થશે; અને જ્યારે તને તક મળે ત્યારે તું જણાવજે કે ‘મારો પતિ ભવિષ્યવિદ્યા જાણે છે.’ આમ કહીને એ જ વિષયમાં વિચાર કરવા લાગ્યો. જ્યારે સર્વ માણસો નિદ્રાવશ થઈ ગયાં ત્યારે તે બ્રાહ્મણે સ્થૂલદત્તના ઘરમાંથી જમાઈને ચઢવાનો ઘોડો ચોર્યો અને તેને કોઈ જાણે નહીં તેમ છેટે છુપાવી રાખ્યો. સવાર થઈ એટલે રખેવાળો ઘોડાને આમતેમ ખોળવા લાગ્યા તો પણ ઘોડો જડ્યો નહીં. આ અરસામાં અપશુકનથી સ્થૂલદત્ત બીવા લાગ્યો અને ઘોડાના ચોરને શોધવા લાગ્યો. એ અરસામાં હરિશર્માની સ્ત્રીએ આવીને કહ્યું, ‘મારો વર જ્ઞાની અને જ્યોતિષની વિદ્યામાં કુશળ છે, તે તમને ઘોડો મેળવી આપશે, તેને શા માટે પૂછતા નથી?’ તે સાંભળી સ્થૂલદત્તે હરિશર્માને બોલાવ્યો, એટલે તેણે આવીને કહ્યું, ‘કાલે તો મને વિસરી ગયા હતા અને આજે ઘોડો ચોરાયા પછી મને સંભાર્યો છે!’ તુરત સ્થૂલદત્તે તે બ્રાહ્મણને વિનંતી કરી, ‘મારી ભૂલ થઈ ગઈ ને મને માફ કરો.’ અને પછી પૂછ્યું, ‘મારો ઘોડો કોણ ચોરી ગયું તે અમને કહો.’

એટલે હરિશર્મા ખોટી ખોટી લીટીઓ કાઢીને બોલ્યો, ‘અહીંથી દક્ષિણ દિશાના સીમાડાના ચોરોએ તેને સંતાડેલો છે. માટે તે ઘોડો જ્યાં સુધી છેટે જાય નહીં તેટલામાં ઝટ જઈને તે ઘોડાને લઈ આવો.’

તે સાંભળી હરિશર્માના જ્ઞાનનાં વખાણ કરતાં ઘણા માણસો દોડ્યા અને ક્ષણવારમાં ત્યાં ઘોડો લાવ્યા. પછી તે દિવસથી સઘળાં મનુષ્યો હરિશર્મા જ્ઞાની છે એમ કહી માન આપવા લાગ્યાં. અને સ્થૂલદત્તે પણ હરિશર્માને માન આપ્યું. પછી તે બ્રાહ્મણ આનંદપૂર્વક તે ગામમાં રહેવા લાગ્યો.

પછી કેટલાક દિવસો વીત્યા બાદ તે ગામમાં રાજભુવનમાંથી કોઈ એક ચોર ઘણાં સુવર્ણ, રત્ન વગેરે ચોરી ગયો. ચોરની શોધ કરવા છતાં ચોર મળ્યો નહીં ત્યારે રાજાએ ભવિષ્યજ્ઞાન કહેવાની પ્રખ્યાતિને લીધે હરિશર્માને તેડાવી મંગાવ્યો. તે બ્રાહ્મણ ત્યાં આવ્યો પણ વખત કાઢવા માટે બોલ્યો, ‘આ પ્રશ્નનો ઉત્તર હું તમને સવારે કહીશ.’ એટલે રાજાએ તેને રાજમહેલની અંદર સારી રીતના ચોકીપહેરા વચ્ચે રાખ્યો. ત્યાં રહી તે પોતાના કૃત્રિમ જ્ઞાનમાંથી છૂટવાનો વિચાર કરવા લાગ્યો.

તે રાજમહેલમાં એક જિહ્વા નામની દાસી રહેતી હતી; તેણે અને તેના ભાઈએ રાજભુવનની અંદરથી તે ધન ચોર્યું હતું. તે દાસી હરિશર્માના જ્ઞાનથી ડરીને તે રાતે હરિશર્માના ઓરડા આગળ ગઈ અને તે શું કરે છે તે જાણવા માટે બારણામાં કાન દઈને ઊભી રહી. આ વખતે હરિશર્મા ઓરડામાં એકલો બેઠો હતો. તે વૃથા વિદ્વત્તા બતાવનારી પોતાની જિહ્વાને આ પ્રમાણે નંદિવા લાગ્યો, ‘અરે જિહ્વા, તેં ભોગમાં લંપટ બની આ શું કર્યું? અરે દુરાચારિણી, હવે તું અહીં દંડ સહન કર.’ જ્યારે જિહ્વાએ એ રીતે તેને બોલતાં સાંભળ્યો, ત્યારે તે ભયથી ધ્રૂજીને વિચારવા લાગી કે આ જ્ઞાની મહારાજે મને ઓળખી છે. પછી દાસી ડરને લીધે યુક્તિ કરીને જ્ઞાનીના ઓરડામાં પેઠી અને તે ધૂર્ત જ્ઞાનીનાં ચરણમાં પડીને બોલી, ‘મહારાજ, તમે જે ધન ચોરનારી જિહ્વાને ઓળખી છે તે હું જિહ્વા નામની દાસી છું. મેં તે ધન ચોરીને આ જ રાજભુવનની પછવાડેના બાગમાં દાડમના ઝાડની નીચે પૃથ્વીમાં દાટેલું છે. મહારાજ, હવે મને બચાવો. હું મરી જઈશ. મારું રક્ષણ કરો ને મારા હાથમાં જે થોડું સોનું છે તે ગ્રહણ કરો.’

તે સાંભળી હરિશર્મા ગર્વ કરીને તેને કહેવા લાગ્યો, ‘મને ભૂત, ભવિષ્ય અને વર્તમાન સર્વનું મને જ્ઞાન છે. તું દુર્બળ છે અને શરણે આવી છે માટે તને જાહેર કરીશ નહીં. તારા હાથમાં જે છે તે તું મને પછી આપજે. હમણાં ચાલી જા.’

પછી તે હરિશર્મા આશ્ચર્ય પામીને વિચારવા લાગ્યો કે ‘અનુકૂળ થયેલું નસીબ, અસાધ્ય વિષયને પણ રમતમાત્રમાં સાંધી આપે છે. કારણ અહીં મારું ભૂંડું થવાની વાર હતી નહીં, છતાં મારું કાર્ય ફતેહ થયું. હું મારી પોતાની જિહ્વાની નંદાિ કરતો હતો એવામાં ચોર દાસી જિહ્વા મારી આગળ આવી પડી. અફસોસ છે કે ગુપ્ત પાપીઓ ભયથી જ ઉઘાડા પડે છે.’ આવો વિચાર કરતાં જ તેણે રાત્રિ ગાળી કાઢી. સવાર થઈ એટલે હરિશર્મા રાજાને બાગમાં લઈ ગયો અને મિથ્યા જ્ઞાનની યુક્તિથી દાવપેચ રમીને રાજાને દાટેલું ધન બતાવ્યું અને કહ્યું કે ‘ચોર ધનનો થોડો ભાગ લઈને નાસી ગયો છે.’

રાજા ગયેલું ધન મેળવ્યા પછી પ્રસન્ન થયો અને તે બ્રાહ્મણને ગામ આપવા લાગ્યો. તે જોઈ કારભારીએ રાજાને કહ્યું, ‘મહારાજ, શાસ્ત્ર ભણ્યા વિના મનુષ્યથી જાણી ન શકાય એવું જ્ઞાન આ બ્રાહ્મણમાં કેમ આવ્યું હશે? ખરેખર ચોર લોકો સાથે સંકેત કરનારા ધૂર્ત લોકોની આ યુક્તિ વડે પ્રાપ્ય આજીવિકા છે; માટે એક વાર બીજી યુક્તિથી તેની પરીક્ષા કરો.’

પછી રાજા પોતે એક નવા ઘડામાં મંડૂક પૂરી તેને ઢાંકીને આવ્યો અને હરિશર્માને કહ્યું, ‘મહારાજ, આ ઘડાની અંદર જે વસ્તુ છે તે વસ્તુને જો તમે જાણશો તો આજ હું તમારો મોટો સત્કાર કરીશ.’

તે સાંભળી હરિશર્મા તે મૃત્યુનો વખત જાણી બાલ્યાવસ્થામાં પિતાએ રમત માટે પોતાનું મંડૂક એવું નામ પાડ્યું હતું તે નામનું સ્મરણ કરતો ને ખેદ ધરતો વિધાતાની પ્રેરણાથી બોલ્યો, ‘હે મંડૂક, આ ઘટ, એકદમ બલાત્કારથી જ તારા નાશનો હેતુ થયો છે.’ આ બોલવું, ચાલતી બાબતમાં અનુસરતું હતું તેથી આ વાક્ય સાંભળતાં જ ત્યાં મળેલા લોકો બોલ્યા, ‘આણે મંડૂકને-દેડકાને ઓળખ્યો છે માટે તે મહાજ્ઞાની છે.’ અને બધા હર્ષ પામ્યા. પછી પ્રસન્ન થયેલા રાજાએ હરિશર્મા પ્રતિભાશક્તિ ધરાવતો પુરુષ છે એમ કબૂલ કરી સુવર્ણના દંડવાળું છત્ર, સુવર્ણના સામાનવાળાં વાહન અને ગામ બક્ષિસ આપ્યાં. હરિશર્મા ક્ષણ એકમાં સામંત જેવો બની ગયો.