ભારતીયકથાવિશ્વ-૩/જાતકની કથાઓ/કુસ જાતક

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કુસ જાતક

પ્રાચીન કાળમાં મલ્લ રાષ્ટ્ર્રના કુસાવતી પાટનગરમાં ઓક્કાક નામનો રાજા ધર્માનુસાર રાજ્ય કરતો હતો. તેની સોળ હજાર સ્ત્રીઓમાં શીલવતી નામની રાણી પટરાણી હતી. રાજાને ન પુત્ર ન પુત્રી. નગરના તથા રાજ્યના પ્રજાજનો રાજમહેલના દ્વારે જઈને બૂમો મારવા લાગ્યા. ‘રાજ્યનો વિનાશ થશે, વિનાશ થશે.’ રાજાએ અટારીએ આવીને પૂછ્યું, ‘મારા રાજ્યમાં અધર્મ નથી, પછી બૂમો શા માટે પાડો છો?’

‘મહારાજ,અધર્મ નથી પરંતુ વંશની રક્ષા કરવાવાળો પુત્ર પણ નથી. કોઈ બીજો રાજા આપણા રાજ્ય પર હુમલો કરીને રાજ્યનો સર્વનાશ કરી દેશે. એટલે ધર્મને અનુસરી રાજ કરવામાં સમર્થ પુત્રની ઇચ્છા કરો.’

‘પુત્ર માટે શું કરું?’

‘પહેલા સપ્તાહે નાની નટીને ધર્મનટી બનાવીને મોકલો. પુત્ર થાય તો સારી વાત છે. નહીંતર મધ્યમ નટીને ધર્મનટી બનાવીને મોકલો. ત્યાર પછી જ્યેષ્ઠ નટીને વિદાય કરો. આટલી સ્ત્રીઓમાં કોઈ ને કોઈ પુણ્યવાન સ્ત્રીને ચોક્કસ પુત્રલાભ થશે.’

રાજાએ તેમના કહ્યા પ્રમાણે દરેક સપ્તાહે સુખપૂર્વક ક્રીડા કરીને આવેલી સ્ત્રીઓને પૂછ્યું, ‘શું પુત્રલાભ થયો?’ બધીએ ના પાડી.

રાજા નિરાશ થઈ ગયો કે હવે મને પુત્રલાભ નહીં થાય. પ્રજાજનોએ ફરી ભેગા થઈ બૂમો પાડી, રાજાએ પૂછ્યું, ‘શા માટે બૂમો પાડો છો? તમારા કહેવા પ્રમાણે મેં નટીઓને મોકલી. એકેને પુત્રલાભ ન થયો. હવે શું કરું?’

‘દેવ, તેઓ ખરાબ શીલની હશે, અપુણ્યશાળી. પુત્રલાભ થાય એવું પુણ્ય તેમનું નહીં હોય. પટરાણી શીલસમૃદ્ધ છે. તેમને મોકલો. પુત્રલાભ તેમને થશે.’

રાજાએ તેમની વાત માની લીધી. અને ઢંઢેરો પીટાવ્યો કે આજથી સાતમા દિવસે રાજા પટરાણીને ધર્મનટી બનાવીને વિદાય કરશે. લોકોએ ભેગા થવું.’

સાતમા દિવસે દેવીને શણગારીને મહેલમાંથી વિદાય આપી. તેના શીલતેજથી શક્રભવન ધ્રૂજી ઊઠ્યું. શક્રે વિચાર્યું, ‘આવું કેમ થયું?’

તેમને જાણ થઈ કે દેવીને પુત્રકામના છે. મારે પુત્ર આપવો જોઈએ, એવું તેમણે નક્કી કર્યું. તેનો પુત્ર થાય એવું દેવલોકમાં કે બીજે ક્યાંય છે એની શોધ ચલાવી. તેમની નજર બોધિસત્ત્વ ઉપર પડી. બોધિસત્ત્વ તે વેળા તેત્રીસ દેવતાઓના લોકમાં આયુષ્ય પૂરું કરીને તેનાથીય ઉપર દેવલોકમાં જન્મવાની ઇચ્છા કરી રહ્યા હતા. શક્રે તેમના વિમાનદ્વારે પહોંચીને તેને કહ્યું, ‘મિત્ર, તારે મર્ત્યલોકમાં જવું પડશે, ઓક્કાક રાજાની પટરાણીના પેટે જન્મ લેવાનો છે. તેની સંમતિ મેળવીને એક બીજા દેવપુત્રને પણ કહ્યું, ‘તારે પણ તેના જ પુત્ર તરીકે જન્મ લેવાનો છે. પછી તે દેવીના શીલની રક્ષા કરવા માટે વૃદ્ધ બ્રાહ્મણના વેશે રાજાના બારણે જઈ પહોંચ્યો. પ્રજાજનો પણ નાહીધોઈ, અલંકૃત થઈ દેવીને ગ્રહણ કરવા રાજમહેલ પાસે એકઠા થયા. શક્રને જોઈને બધા હસવા લાગ્યા. ‘તું કેમ અહી આવ્યો છે?’ શક્રે કહ્યું, ‘નિન્દા કેમ કરો છો? શરીરે વૃદ્ધ છું. પણ રાગ શમ્યો નથી. જો શીલવતી મળશે તો તેને લઈ જવા આવ્યો છું.’ તે પોતાના પ્રતાપે બધાથી આગળ ઊભા રહી ગયા. તેના તેજને કારણે કોઈ તેનાથી આગળ જઇ ન શક્યું. અલંકારો ધારણ કરીને જેવી શીલવતી નીકળી કે તરત જ શક્ર તેનો હાથ પકડીને લઈ ગયો. ‘અરે ઊભો રહે, ઊભો રહે.’ કહીને લોકો તેને રોકવા લાગ્યા. ‘અરે જુઓ તો ખરા, આ વૃદ્ધ બ્રાહ્મણ આવી રૂપવાન દેવીને લઈ જાય છે. યોગ્ય — અયોગ્ય કશું જાણતો નથી. દેવી પણ દુઃખી થઈ, લજ્જિત થઈ, આ ડોસો મને લઈ જાય છે એમ વિચારી તેને તિરસ્કાર કરવા લાગી. દેવીને કોણ લઈ જાય છે તે જોવા રાજા પણ અટારીએ ઊભા હતા, તેમને અસંતોષ થયો.

શક્રે નગરદ્વારથી નીકળીને એક ઘર બનાવ્યું, ઉઘાડા બારણાવાળું અને લાકડાની ફરસવાળું. દેવીએ પૂછ્યું, ‘આ ઘર છે?’ તેણે કહ્યંુ, ‘હા, પહેલાં હું એકલો હતો. હવે આપણે બે છીએ. હું ભિક્ષામાં ચોખા જેવું લઈ આવું છું. તું આ લાકડાની પથારી પર આરામ કર.’ કહી કોમલ હાથે તેને સ્પર્શ કર્યો. દિવ્ય સ્પર્શથી તેને ઊંઘાડી દીધી. પછી તે પોતાના પ્રભાવથી શક્રભવન લઈ ગયા. શીલવતીને અલંકૃત વિમાનમાં દિવ્ય પથારી પર સૂવડાવી. સાતમા દિવસે જ્યારે દેવી ભાનમાં આવી તો તે સમૃદ્ધિ જોઈને દેવીએ માન્યું કે આ બ્રાહ્મણ કોઈ માનવી નથી પણ શક્ર છે. શક્ર પણ દિવ્ય અપ્સરાઓથી ઘેરાઈને તે પોતાના આસન પરથી ઊઠીને દેવી પાસે ગયા, તેને પ્રણામ કરી એક બાજુ ઊભા રહ્યા, પછી બોલ્યા, ‘દેવી, તમને વરદાન આપું છું. બોલો.’

‘દેવ, મને પુત્ર આપો.’

’દેવી, એક નહીં બે પુત્ર. એમાંથી એક પ્રજ્ઞાવાન થશે. પણ રૂપવાન નહીં હોય. બીજો પુત્ર રૂપવાન હશે, પ્રજ્ઞાવાન નહીં હોય. પહેલાં કેવો પુત્ર જોઈએ?’

‘પ્રજ્ઞાવાન.’

ઇન્દ્રે હા પાડી અને તેને કુશતૃણ, દિવ્ય વસ્ત્ર, દિવ્ય ચંદન, પારિજાત પુષ્પ, કોકનદ વીણા આપી રાજાના શયનખંડમાં પહોંચાડી દીધી, રાજાની સાથે એક જ શય્યા પર સૂવડાવી. અંગૂઠા વડે તેની નાભિનો સ્પર્શ કર્યો. તે જ વખતે બોધિસત્ત્વ તેના ઉદરમાં પ્રવેશ્યા. ઇન્દ્ર સ્વર્ગમાં જતા રહ્યા. દેવીને ખ્યાલ આવી ગયો કે તે સગર્ભા થઈ છે.

રાજાએ પૂછયું, ‘તને કોણ લઈ ગયું હતું?’

‘મહારાજ, શક્ર.’

‘મેં મારી આંખે જોયું કે એક ઘરડો બ્રાહ્મણ તને લઈ ગયો. મારી આગળ જૂઠું કેમ બોલે છે?’

‘વિશ્વાસ કરો. મને શક્ર જ દેવલોક લઈ ગયા હતા.’

‘દેવી, વાત માની શકતો નથી.’

દેવીએ શક્રે આપેલ કુશતૃણ બતાવ્યું ને કહ્યું, ‘મારી વાત માનો.’

રાજાએ કહ્યું,‘મને વિશ્વાસ નથી આવતો. કુશતૃણ તો ગમે ત્યાંથી મળે.’ દેવીએ પછી દિવ્ય વસ્ત્ર બતાવ્યાં. રાજાએ કહ્યું, ‘તને શક્ર જ લઈ ગયો હતો. શું પુત્રપ્રાપ્તિ થઈ?’ ‘મહારાજ, હું સગર્ભા છું.’ રાજાએ સંતોષ પામીને સગર્ભા સ્ત્રીઓની બધી જરૂરિયાતો પૂરી પાડી. દસ મહિને તેણે પુત્રને જન્મ આપ્યો. તેનું બીજું કશું નામ ન રાખતા કુશતૃણ નામ પાડ્યું.

તે કુમાર ચાલતો થયો એટલે બીજા દેવપુત્રે પણ દેવીના પેટે જન્મ લીધો. તેનું નામ પાડયું. જયમ્પતિ. તે બંને રંગેચંગે મોટા થવા લાગ્યા. બોધિસત્ત્વ પ્રજ્ઞાવાન હતા. આચાર્ય પાસેથી કશું ન શીખતાં પોતાની પ્રજ્ઞા વડે જ બધી વિદ્યાઓ શીખી લીધી. તેમની વય સોળ વરસની થઈ ત્યારે તેને રાજ્ય આપવાની ઇચ્છાથી રાજાએ દેવીને કહ્યું, ‘તારા પુત્રને ગાદી આપીને નૃત્યોત્સવ કરીશું. આપણા જીવતાં તેને રાજગાદી પર બેઠેલો જોઈશું. આખા જંંબુદ્વીપમાં જે રાજકન્યાની ઇચ્છા કરશે તેને લાવીને પટરાણી બનાવીશું. તું જરા તેના મનનો તાગ મેળવ. તેને કઈ કન્યા પસંદ છે?’

દેવીએ હા પાડીને પુત્રને વાત પહોંચાડવા એક પરિચારિકા મોકલી. આ સાંભળીને બોધિસત્ત્વે વિચાર્યું, ‘હું રૂપસમૃદ્ધ નથી. રૂપવાન રાજકન્યા આવી જશે તો ‘આ કદરૂપાને શું કરું?’ એમ કહી ભાગી જશે. મને સંકોચ થશે. મારે સંસાર શું કરવો છે?’ માતાપિતા જીવતા હોય ત્યાં સુધી તેમની સેવા કરીશ. પછી પ્રવજ્યા લઈશ.’ તેણે કહ્યું, ‘મારે નથી રાજ્ય જોઈતું, નથી નર્તકીઓ જોઈતી. હું માતાપિતાના અંતકાળ પછી પ્રવજ્યા લઈશ.’ પરિચારિકાએ જઈને આ વાત દેવીને કરી. રાજા ઉદાસ થયો. થોડા દિવસ પછી ફરી સંદેશ મોકલ્યો. ત્યારે પણ ના પાડી. ત્રણ વાર મના કરવા છતાં ચોથી વાર વિચાર્યું, ‘માતાપિતાનો આવો વિરોધ યોગ્ય નથી. કોઈ ઉપાય કરવો પડશે.’

તેણે સોનીઓના અગ્રણીને બોલાવી બહુ સોનું આપ્યું, પછી કહ્યું ,‘સ્ત્રીની મૂર્તિ બનાવો.’ તેના ચાલ્યા ગયા પછી તેણે પોતે પણ સ્ત્રીની મૂર્તિ બનાવી. બોધિસત્ત્વની ઇચ્છાઓ પૂરી થાય છે. તે એટલી સુંદર બની કે ના પૂછો વાત. બોધિસત્ત્વે તેને સુંદર વસ્ત્રો પહેરાવી પોતાના શયનખંડમાં મુકાવી. જ્યારે સુવર્ણકાર પોતાની મૂર્તિ લઈ આવ્યો ત્યારે તેની નિન્દા કરી કહ્યું, ‘જા, મારા શયનખંડમાંથી મૂર્તિ લાવ. તેણે કુમારના શયનખંડમાં જઈને જોયું તો એવું લાગ્યું કે કુમાર સાથે ક્રીડા કરવા કોઈ અપ્સરા આવી છે. તે હાથ લંબાવી ન શક્યો. તેણે બહાર આવીને કહ્યું, ‘હું અંદર જઈ શકતો નથી.’

‘અરે જા. એ સુવર્ણપ્રતિમા છે. લઈ આવ.’

બીજી વાર મોકલ્યો ત્યારે તે જઈ શક્યો. કુમારે સોનીએ બનાવેલી મૂર્તિ શયનખંડમાં ખડકી, અને પોતાની બનાવેલી મૂર્તિ સજાવીને રથમાં મૂકી. માતાને સંદેશો મોકલ્યો. ‘આવી કન્યા મળશે તો પરણીશ.’

તેણે મંત્રીઓને બોલાવીને કહ્યું, ‘મારો પુત્ર ખૂબ જ પુણ્યશાળી છે. ઇન્દ્રે આપ્યો છે. તે પોતાની ગમતી રાજકન્યા મેળવશે. તમે આ પ્રતિમાને ઢાંકેલા રથમાં લઈને આખા જંબુદ્વીપમાં ભમો. જે રાજકન્યા આવી દેખાય તેના રાજાને કહો કે ઓક્કાક રાજા તમારા વેવાઈ બનવા માગે છે. અને આ સંબંધ નક્કી કરીને આવો.’ દેવીને હા પાડીને તેઓ ધામધૂમથી નીકળી પડ્યા. તેઓ જે જે પાટનગરમાં જતા ત્યાં સાંજે લોકોના આવવાજવાના રસ્તે આ મૂર્તિ તંબૂમાં રાખતા, તેને વસ્ત્ર અલંકાર, પુષ્પોથી શણગારતા. પછી ત્યાંના મુલાકાતીઓની વાતો એક સ્થળે ઊભા રહીને સાંભળતા. લોકોને ખબર પડતી નહીં કે આ સુવર્ણપ્રતિમા છે, તેઓ કહેતા, ‘આ દેવઅપ્સરા, મનુષ્યલોકની સ્ત્રી જેવી જ સુંદર છે — અહીં કેવી ઊભી છે? તે ક્યાંથી આવી છે? આપણા નગરમાં તો આવી એકે નથી.’ આમ તેની પ્રશંસા કરીને લોકો વિખેરાઈ જતા. આવી વાતો સાંભળીને મંત્રીઓ વિચારતા, અહીં જો આવી કન્યા હોત તો લોકો કહેત કે તે આ રાજકન્યા જેવી છે, મંત્રીકન્યા જેવી જ છે. એટલે અહીં તો આવી નથી જ. તેઓ મૂર્તિ લઈને બીજે ચાલ્યા જતા. આમ ભમતા ભમતા તેઓ મહારાષ્ટ્રના સાગલ નગરમાં આવી પહોંચ્યા. અહીંના મહારાજાની સાત કન્યાઓ હતી. દેવલોકની અપ્સરાઓ જ જોઈ લો. તેમાં સૌથી મોટી હતી પ્રભાવતી. તેની કાયામાંથી ઊગતા સૂર્યની કાંતિ પ્રગટતી હતી. ગાઢો અંધકાર છવાઈ જાય તો પણ ચાર હાથના ઓરડાને દીવાની જરૂર પડતી નહીં. આખો ઓરડો ઝગમગી ઊઠતો. તેની દાસી કૂબડી હતી. તે પ્રભાવતીને ખવડાવવા પીવડાવવા, તેનું માથું ધોવા આઠ પ્રકારની દાસીઓ પાસે આઠ ઘડા ઊંચકાવીને સાંજે તે પાણી લેવા નીકળી હતી. પનઘટના રસ્તે આ પ્રતિમાને જોઈ તેણે માની લીધું કે આ જ પ્રભાવતી છે. તેણે વિચાર્યું, કેવી અવિનયી છે, અમને નહાવા માટેનું પાણી લેવા મોકલીને જાતે પહેલેથી કૂવાના રસ્તે આવીને ઊભી રહી ગઈ છે. તે ક્રોધે ભરાઈને બોલી, ‘અરે કુલકલંકિની, પહેલેથી અહીં આવીને ઊભી રહી ગઈ છે? રાજાને ખબર પડશે તો અમારું આવી બનશે.’ આમ કહી તેના કાને એક થપ્પડ મારી. હાથ તૂટવા જેવો થઈ ગયો. ‘અરે આ તો સુવર્ણપ્રતિમા છે’ એમ જાણી હસતી હસતી તે દાસીઓ પાસે જઈને કહેવા લાગી. ‘મારું કામ જુઓ. પોતાની દીકરી માનીને એક થપ્પડ મારી. આનો મારી દીકરી સાથે વળી કેવો મુકાબલો થાય. મારો તો હાથ જ ભાંગી ગયો.’ તેને ઘેરીને મંત્રીઓએ પૂછ્યું, ‘તું કોની વાત કરે છે? મારી દીકરી આનાથી પણ સુંદર છે તે કોણ?’

‘હું મહારાજની પુત્રી પ્રભાવતીની વાત કરું છું. આ રૂપ તો એના સોળમા ભાગ જેટલુંય નથી.’

તેઓ રાજી થઈને રાજમહેલ ગયા. સંદેશો મોકલ્યો કે ઓક્કાક રાજાના દૂત બારણે ઊભા છે. રાજા આસન પર ઊભા થઈને બોલ્યા, ‘તેમને આવવા દો.’ મંત્રીઓએ અંદર પ્રવેશીને રાજાને પ્રણામ કરી કહ્યું, ‘મહારાજ, અમારા રાજાએ તમારા ખબરઅંતર પુછાવ્યા છે.’ મંત્રીઓનું સ્વાગત કરવામાં આવ્યું. તેમને આગમનનું કારણ પૂછ્યું, તેમણે કહ્યું, ‘અમારા રાજાના સિંહસ્વર પુત્રનું નામ કુસકુમાર છે. રાજા પોતાનું રાજ્ય તેમને આપવા માગે છે. તમે તમારી કન્યા પ્રભાવતી તે કુમારને આપો અને સુવર્ણપ્રતિમા ભેટ તરીકે સ્વીકારો.’ એમ કહી તે મૂર્તિ આપી. રાજાએ પણ વિચાર્યું, આવા રાજા સાથે સંબંધ બંધાશે. તેણે આનંદ પામીને મંત્રીઓની વાત સ્વીકારી.

દૂતોએ કહ્યું,‘ મહારાજ, અમે મોડું નહીં કરીએ. અમે જઈને રાજાને આ કન્યાની પ્રાપ્તિના સમાચાર આપીશું. તેઓ આવીને કન્યાને લઈ જશે.’ રાજાએ ‘ભલે’ કહી તેમને આદરસત્કાર સાથે વિદાય કર્યા. દૂતોએ જઈને રાજાને તથા રાણીને સમાચાર આપ્યા. રાજા ધામધૂમથી કુસાવતીમાંથી નીકળ્યો અને સાગલ નગરમાં આવી પહોંચ્યો. તેમને નગરમાં લાવી સત્કાર્યા. શીલવતી તો વિદુષી હતી, ‘કોણ જાણે શું થશે?’ તેણે એક બે દિવસ પછી મહારાજાને કહ્યું, ‘મહારાજ, હું પુત્રવધૂને જોવા માગું છું.’

રાજાએ તેની વાત માનીને સંદેશો કહેવડાવ્યો. અલંકારવતી, દાસીઓથી ઘેરાયેલી પ્રભાવતીએ આવીને સાસુને પ્રણામ કર્યાં. તેણે પ્રભાવતીને જોઈને વિચાર્યું, ‘આ કન્યા રૂપવાન છે, મારો પુત્ર કુરૂપ છે. જો તેને જોઈ લેશે તો પહેલે જ દિવસે ભાગી જશે. મારે કોઈ ઉપાય કરવો પડશે.’ તેણે પ્રભાવતીના પિતાને કહ્યું, ‘મહારાજ, મારા દીકરાને માટે આ કન્યા યોગ્ય છે. પરંતુ અમારા કુટુંબની એક રૂઢિ છે. જો એ રૂઢિનું પાલન કરી શકે તો અમે એને લઈ જઈએ.’

‘તે રૂઢિ કઈ છે?’

‘અમારા કુટુંબમાં એવો રિવાજ છે કે જ્યાં સુધી તે સગર્ભા ન થાય ત્યાં સુધી દિવસે પતિનું મોં જોઈ ન શકે.’

રાજાએ પુત્રીને પૂછયું, ‘શું તું આ કરી શકીશ?’

કન્યાએ હા પાડી. પછી ઓક્કાક રાજાએ મદ્ર રાજાને બહુ સંપત્તિ આપી અને પુત્રવધૂને લઈ ગયા. મદ્રરાજે પણ ખૂબ જ ધામધૂમથી કન્યાને વિદાય કરી. ઓક્કાક રાજાએ કુસવતી પહોંચીને નગરને શણગાર્યું, બધા અપરાધીઓને કારાવાસમાંથી છોડી મૂક્યા. પુત્રનો રાજ્યાભિષેક કર્યો, પ્રભાવતીને પટરાણી બનાવી. તેમણે ઢંઢેરો પીટાવ્યો કે હવે પછી કુસરાજની આજ્ઞાનું પાલન થશે. જંબુદ્વીપમાં બધા રાજાઓએ પોતપોતાની કન્યાઓ કુસરાજાને ત્યાં મોકલી, જેમને પુત્ર હતા તેમણે પુત્રોને મૈત્રીસંંબંધ કેળવવા સેવક તરીકે મોકલ્યા. બોધિસત્ત્વને ત્યાં ખૂબ જ નર્તકીઓ ભેગી થઈ ગઈ, તે ખૂબ જ ઠાઠમાઠથી રાજ કરવા લાગ્યો. પરંતુ તે દિવસે પ્રભાવતીને જોઈ શકતો નહીં, પ્રભાવતી તેને જોઈ ન શકતી. તેઓ એકબીજાને રાતે જ મળતા હતા. તે વેળા પ્રભાવતીની શરીરપ્રભા ઝાંખી થઈ જતી. કેટલાય દિવસથી તે પ્રભાવતીને જોવા માગતો હતો. તેણે માને વાત કરી. તેણે ના પાડી, ‘તું એ વાત ન કરીશ. જ્યાં સુધી એક પુત્ર ન થાય ત્યાં સુધી રાહ જો.’ પુત્રે વારંવાર આગ્રહ કર્યો. ‘તો હાથીશાળામાં જા, મહાવતના વેશે રહે. હું તેને ત્યાં લઈ આવીશ. ધરાઈને તેને જોઈ લેજે. પણ તારી જાતને ઉઘાડી ના પાડીશ.’ તેણે માની વાત માની લીધી.

રાજમાતાએ હસ્તિ મંગલ કરાવી પ્રભાવતીને કહ્યું, ‘ચાલ, તારા પતિના હાથીઓને જોવા.’ પછી ત્યાં જઈને હાથી દેખાડ્યા. ‘આનું નામ આ, આનું નામ આ.’ તે વેળા માતાની પાછળ પાછળ ચાલતી પ્રભાવતી ઉપર રાજાએ હાથીની લાદ ફેંકી. પ્રભાવતી ક્રોધે ભરાઈને બોલી, ‘રાજા પાસે તારા હાથ કપાવીશ.’ રાજમાતાએ ઇશારો કરીને તેની પીઠ પંપાળી. રાજાએ તેને જોવાની ઇચ્છાથી અશ્વશાળામાં જઈ અશ્વપાલના વેશે તેના પર ઘોડાની લાદ ફેંકી, તે દિવસે પણ સાસુએ પુત્રવધૂના ક્રોધને શાંત કર્યો.

પછી એક દિવસે બોધિસત્ત્વને જોવાની ઇચ્છા પ્રભાવતીને થઈ. તેણે સાસુને કહ્યું, ‘સાસુએ ના પાડી. ‘એવી માગણી ના કર.’ તેણે વારેવારે આગ્રહ કર્યો. ત્યારે તેણે કહ્યું, ‘કાલે મારો પુત્ર પ્રદક્ષિણા કરવા નીકળશે. ત્યારે તું ઝરૂખામાંથી તેને જોઈ લેજે.’ બીજે દિવસે શીલવતીએ નગર શણગાર્યું અને જયમ્પતિને રાજપોશાક પહેરાવી હાથી પર બેસાડી નગરમાં ફેરવ્યો. પછી પ્રભાવતીને ઝરુખામાં ઊભી રાખી કહ્યું, ‘હવે તારા પતિની શરીર શોભા જો.’ મને મારે જોઈએ એવો પતિ મળ્યો એ જાણીને તેને આનંદ થયો.

પરંતુ તે દિવસે બોધિસત્ત્વ મહાવતના વેશે જયમ્પતિની પાછળ બેસી મન થાય ત્યારે પ્રભાવતીને જોતો. હાથીક્રીડાને બહાને તે પોતાને મનગમતી ક્રીડા બતાવવા લાગ્યો. હાથી જતો રહ્યો એટલે રાજમાતાએ પ્રભાવતીને પૂછયું, ‘તેં તારો પતિ જોયો?’

‘હા, પરંતુ તેમની પાછળ બેઠેલો મહાવત બહુ અવિનયી હતો. તે મને હસ્તિક્રીડા દેખાડતો હતો. આવા માણસને રાજાની પાછળ કેમ બેસાડ્યો?’

‘પાછલી બાજુથી રાજાની રક્ષા કરવી જરૂરી હોય છે.’

તે વિચારવા લાગી, ‘આ મહાવત બહુ નિર્ભય છે. તે રાજાને પણ રાજા નથી માનતો. આ કુસરાજા તો નહીં હોય! ચોક્કસ તે કદરૂપો હશે, એટલે જ મને દેખાડતા ન હતા.’

તેણે કૂબડીના કાનમાં કહ્યું, ‘જરા જો તો આગળ બેઠેલો રાજા છે કે પાછળ બેઠેલો રાજા છે?’

‘હું કેવી રીતે જાણીશ?’

‘જે રાજા હશે તે હાથી પરથી પહેલો ઊતરશે. આના પરથી સમજી જજે.’

દાસી એક બાજુ જઈને ઊભી રહી ગઈ. તેણે બોધિસત્ત્વને પહેલાં ઊતરતાં જોયો, તેની પાછળ જયમ્પતિ ઊતર્યો.’ બોધિસત્ત્વે પણ આમતેમ જોયું તો કૂબડી ત્યાં દેખાઈ. તેમણે માની લીધું કે તે શા કારણે આવી છે?’ કૂબડીને બોલાવીને કહ્યું, ‘આ રહસ્ય પ્રગટ ન કરીશ.’ તેણે જઈને પ્રભાવતીને કહ્યું, ‘આગળ બેઠેલો પહેલાં ઊતર્યો.’ તેણે કૂબડીની વાત માની લીધી.

રાજાને ફરી પ્રભાવતીને જોવાનું મન થયું. શીલવતી તેને રોકી ન શકી એટલે તેણે કહ્યું, ‘સારું, વેશપલટો કરીને ઉદ્યાનમાં જજે. તે ઉદ્યાનમાં ગયો. પુષ્કરિણીમાં ગળાડૂબ પાણીમાં ઊતર્યો, કમળપત્રોથી માથું ઢાંક્યું, ખીલેલા કમળથી મોં ઢાંકી ઊભો રહી ગયો. તેની માતા પ્રભાવતીને ઉદ્યાનમાં લઈ ગઈ. ‘આ વૃક્ષ જો, આ પંખી જો, આ મૃગ જો.’ એમ લોભાવીને તેને પુષ્ક્રિણી તટે મોકલી. તેણે પાંચ પ્રકારના પદ્મથી ભરચક પુષ્કરિણી જોઈ તો સ્નાન કરવાની ઇચ્છા તેને થઈ. તે પરિચારિકાઓની સાથે તેમાં ઊતરી, અને રમતાં રમતાં પેલા પદ્મને જોવાની ઇચ્છાથી હાથ લંબાવ્યો. તે વખતે રાજાએ પદ્મપત્રને દૂર કરી ’હું કુસરાજા છું.’ કહી તેનો હાથ પકડી લીધો. પ્રભાવતીએ તેનું મોં જોઈને ચીસ પાડી, ‘આ યક્ષ મને પકડે છે.’ અને તે બેહોશ થઈ ગઈ. જ્યારે ભાનમાં આવી ત્યારે તેણે વિચાર્યું, ‘મારો હાથ કુસરાજાએ પકડ્યો હતો. તેણે જ હસ્તિશાળામાં અને અશ્વશાળામાં મારા પર લાદ ફેંકી હતી. તેણે જ હાથી પાછળ બેસીને મારી મજાક ઊડાવી હતી. આવો કદરૂપો પતિ ન જોઈએ. હું બીજો પતિ કરીશ.’ એમ વિચારી પોતાની સાથે આવેલા મંત્રીઓને બોલાવીને કહ્યું ‘મારો રથ તૈયાર કરાવો. હું આજે જ જતી રહીશ.’ તેમણે રાજાને વાત કરી. રાજાએ વિચાર્યું, ‘જો તે નહીં જાય તો તેનું હૃદય ફાટી પડશે. ભલે તે જાય. પછી ફરી તેને મારી રીતે પાછી લાવીશ.’ તેણે પ્રભાવતીને જવાની સંમતિ આપી. તે પિતાને નગર જતી રહી. બોધિસત્ત્વ ઉદ્યાનમાંથી નગરમાં જઈ સુશોભિત મહેલ પર ચઢ્યા. બોધિસત્ત્વના પૂર્વજન્મની પ્રાર્થનાને કારણે કામના ન કરી, બોધિસત્ત્વને પણ પૂર્વજન્મના ફળસ્વરૂપે કુરૂપતા સાંપડી હતી.’

પ્રાચીન કાળમાં વારાણસી નગરીમાં ઉપરની શેરીમાં અને નીચેની શેરીમાં બે કુટુંબો રહેતાં હતાં. એક કુટુંબમાં બે પુત્ર હતા પણ બીજા પરિવારમાં એક જ પુત્રી હતી. બંને પુત્રોમાં બોધિસત્ત્વ નાના હતા. નાનો ભાઈ બાળકની જેમ મોટા ભાઈની સાથે રહેતો હતો. એક દિવસ તેમના ઘરમાં બહુ સ્વાદિષ્ટ પૂડા બન્યા. બોધિસત્ત્વ જંગલમાં ગયા હતા. તેના ભાગના પૂડા રાખીને બાકીના બધા વહેંચીને ખાઈ ગયા. તે જ વખતે પ્રત્યેક બુદ્ધ ભિક્ષા માટે ઘેર આવ્યા. ‘દિયર માટે બીજા બનાવીશ’ એમ વિચારીને ભાભીએ વધેલા પૂડા ભિક્ષામાં આપી દીધા. નાનો ભાઈ, તે જ વેળા જંગલમાંથી પાછો આવ્યો. ભાભીએ કહ્યું, ‘આનંદમાં રહો, તમારો ભાગ પ્રત્યેક બુદ્ધને આપ્યો છે.’ તેણે કહ્યું,‘પોતાના ભાગનો ખાઈને મારો ભાગ આપી દે છે?’ ક્રોધે ભરાઈને તેણે ભિક્ષાપાત્રમાંથી પૂડો લઈ લીધો.

તેણે માના ઘેરથી નવો પૂડો લાવીને તાજા ચંપક પુષ્પ જેવા ઘીથી પાત્ર ભરી દીધું. એમાંથી પ્રકાશ પ્રગટ્યો. તે જોઈને તેણે પ્રાર્થના કરી, ‘જ્યાં જ્યાં મારો જન્મ થાય, ત્યાં ત્યાં મારું શરીર પ્રકાશિત રહે. હું શ્રેષ્ઠ રૂપવાન થઉં. આ અસત્પુરુષની સાથે એક જગ્યાએ હું ના રહું.’ પોતાની પૂર્વપ્રાર્થનાને કારણે તેણે એને ન ચાહ્યો. બોધિસત્ત્વે પણ એ પૂડો પાત્રમાં નાખી પ્રાર્થના કરી, ‘તે ભલે ને સો યોજન દૂર હોય તો એને લાવીને હું મારી ચરણસેવિકા બનાવી શકું .’ તે સમયે ક્રોધે ભરાઈને જે પાત્રમાંથી પૂડો લઈ લીધો હતો તે પૂર્વકર્મને કારણે તે કુરૂપ થયો.

પ્રભાવતીના ચાલ્યા જવાથી તે શોકાકુળ થયો, વિવિધ પ્રકારની પરિચર્યા કરવા છતાં બીજી સ્ત્રીઓ તેને કોઈ રીતે પ્રસન્ન કરી ન શકી. પ્રભાવતી વિનાનું ઘર સૂનું સૂનું લાગવા માંડ્યું. હવે તે સાગલ નગર પહોંચી ગઈ હશે એમ માનીને તે સવારે માની પાસે જઈ પહોંચ્યો, ‘મા, હું પ્રભાવતીને લઈ આવીશ. તમે રાજ્ય સંભાળો. આ તારા હસ્તિયોગ સહિત, પાંચ રાજચિહ્નો સહિત બધી જ સુંદર વસ્તુઓથી સંપન્ન રાજ્યને તું સંભાળ. હું જ્યાં પ્રભાવતી છે ત્યાં જઉં છું.’

તેની વાત સાંભળીને માએ કહ્યું, ‘દીકરા, સાવધ રહેજે. સ્ત્રીઓ બહુ અશુદ્ધ આશયોવાળી હોય છે.’ પછી તેણે સુવર્ણથેલીમાં વિવિધ પ્રકારની ખાણીપીણી આપી. ‘રસ્તામાં ખાજે’ કહીને તેને વિદાય કર્યો, તેણે માતાની ત્રણ વાર પ્રદક્ષિણા કરી. ‘જીવતો રહીશ તો મળીશ’ કહીને શયનખંડમાં ગયો. પાંચ શસ્ત્રો લીધાં. ભોજનની થેલી સાથે બીજા હજાર કાષાર્પણ અને કોકનદ વીણા લઈ નગરમાંથી નીકળ્યો. તે મહા બળવાન, મહાશક્તિશાળીએ બપોર સુધીમાં પચાસ યોજન કાપીને ભોજન કર્યું, દિવસના બાકીના ભાગમાં બીજા પચાસ યોજન કાપ્યા અને એક જ દિવસમાં આમ સો યોજન જેટલો રસ્તો કાપી નાખ્યો. સાંજે સ્નાન કરીને તે સાગલ નગરમાં પ્રવેશ્યો. તેના પ્રવેશને કારણે પ્રગટેલા તેજે પ્રભાવતી પલંગ પર સૂઈ ન શકી અને ભોંય પર સૂઈ ગઈ. પુષ્કળ થાકેલા બોધિસત્ત્વને શેરીમાં જતો જોઈ એક સ્ત્રીએ બોલાવ્યો. પગ ધોઈ પથારીમાં સૂવડાવી દીધો. તેણે પ્રસન્ન થઈ તે સ્ત્રીને થેલી સમેત હજાર કાષાર્પણ આપી દીધા. પછી પાંચ શસ્ત્ર ત્યાં રાખી ‘મારે અમુક જગ્યાએ જવું છે,’ એમ કહી વીણા લઈને તે હસ્તિશાળાએ પહોંચ્યો. ‘આજે મને અહીં રહેવા દો. હું સંગીત વગાડીશ.’ રક્ષકોની સંમતિ લઈ તે એક બાજુ પડી રહ્યો અને થાક ઊતર્યો ત્યારે વીણા વગાડવા માંડી, ‘બધા નગરજનો સાંભળો,’ કહી વીણા વગાડતાં વગાડતાં ગાવા માંડ્યું. પ્રભાવતીએ ભોંય પર સૂતાં સૂતાં તે અવાજ સાંભળ્યો, તે જાણી ગઈ કે આ બીજા કોઈની વીણાનો સ્વર નથી, કુસરાજા મારે કારણે આવ્યા છે. મહારાજાએ પણ આ સ્વર સાંભળીને વિચાર્યું, ‘બહુ મધુર સ્વર છે. કાલે એને બોલાવીને ગાયન સાંભળીશ.’

બોધિસત્ત્વે વિચાર્યું, અહીં રહ્યે રહ્યે પ્રભાવતીને મળી નહીં શકાય. આ જગ્યા બરાબર નથી, તે સવારે ત્યાંથી ઊઠ્યો, સાંજે જ્યાં ભોજન કર્યું હતું ત્યાં થોડું ખાધું, વીણા ત્યાં મૂકી અને રાજાના કુંભારને ત્યાં ગયો. તેનો શિષ્ય બની ગયો. એક જ દિવસમાં ઘર આખું માટીથી ભરી દીધું. પછી તે બોલ્યો, ‘આચાર્ય, વાસણ બનાવું?’

‘બનાવ.’

માટીનો પિંડ લઈ ચાકડા પર મૂકી ઘુમાવ્યો. એક વાર ઘુમાવેલો ચાકડો બપોર સુધી ફરતો જ રહ્યો.

તેણે નાનાં મોટાં વાસણ બનાવ્યાં, પ્રભાવતીને માટે બનાવેલાં વાસણ પર વિવિધ ચિત્ર દોર્યાં. બોધિસત્ત્વની ઇચ્છાઓ ફળે છે. તેણે સંકલ્પ કર્યો કે આ ચિત્રો માત્ર પ્રભાવતી જ જોઈ શકે. બધાં વાસણ સૂકવ્યાં, પકવ્યાં અને ઘર ભરી દીધું. કુંભાર વિવિધ પ્રકારનાં વાસણ લઈ રાજમહેલ પહોંચ્યો. રાજાએ તે જોઈને પૂછ્યું, ‘આ કોણે બનાવ્યાં?’

‘મહારાજ, મેં બનાવ્યાં.’

‘મને ખબર છે. આ તેં બનાવ્યાં નથી. બોલ કોણે બનાવ્યાં?’

‘મહારાજ, મારા શિષ્યે.’

‘આ તારો શિષ્ય નથી, તારો આચાર્ય છે. તેની પાસેથી આ કસબ શીખ. હવે મારી દીકરીઓ માટે તે વાસણ બનાવે. તેને આ હજાર આપજે.’

આમ રાજાએ હજાર અપાવ્યાં અને કહ્યું, ‘આ નાનાં નાનાં વાસણ મારી દીકરીઓને આપજે.’

તે વાસણ લઈને તેમની પાસે ગયો. ‘રમવા માટેનાં આ વાસણ છે.’ તે બધી ત્યાં આવી પહોંચી. કુંભારે પ્રભાવતી માટે બનાવેલાં વાસણ તેને આપ્યાં. તેણે વાસણ લીધાં, પોતાનું અને કૂબડીનું ચિત્ર જોઈને તે જાણી ગઈ કે આ વાસણ બીજા કોઈએ નહીં પણ કુસરાજાએ જ બનાવ્યાં છે. તે ક્રોધે ભરાઈને બોલી, ‘મારે નથી જોઈતાં, જેને જોઈતાં હોય તેને આપી દો.’ તેની બહેનોએ મજાક કરી, ‘તું એવું માને છે કે આ કુસરાજાએ બનાવ્યાં છે. આ તેમણે નહીં આ તો કુંભારે બનાવ્યાં છે. લઈ લે.’ તેણે તેના દ્વારા બનાવેલાં વાસણની વાત, તે આવ્યો છે એ વાત તેમને ન કરી. કુંભારે બોધિસત્ત્વને હજાર આપ્યા અને કહ્યું, ‘રાજા તારા પર પ્રસન્ન છે. હવેથી તું રાજકન્યાઓ માટે વાસણ બનાવતો રહેજે અને હું એ લઈ જઈશ.’

તેણે માની લીધું કે અહીં રહીનેય પ્રભાવતીને જોઈ નહીં શકાય. તે હજાર કુંભારને જ આપી દીધા અને રાજાના વાંસફોડિયા પાસે ગયો. અને તેનો શિષ્ય બન્યો. પ્રભાવતી માટે તેણે પંખો બનાવ્યો. તેના પર શ્વેત છત્ર મૂક્યાં, ત્યાં ઊભેલી પ્રભાવતીના ચિત્ર સાથે બીજાં વિવિધ રૂપ સર્જ્યાં. વાંસફોડિયો તે પંખો અને બીજી ચીજવસ્તુઓ લઈને રાજમહેલ ગયો, રાજાએ જોઈને પૂછ્યું, ‘આ કોણે બનાવ્યાં?’

પછી પહેલાંની જેમ તેણે કહ્યું, ‘આ બધું મારી પુત્રીઓને આપી આવ.’

તેણે પણ પ્રભાવતી માટે બનાવેલો પંખો તેને આપી દીધો. તેના પરનાં ચિત્રોને પણ બીજું કોઈ જોઈ શકતું ન હતું. પ્રભાવતીને ખ્યાલ આવી ગયો કે આ ચિત્રો રાજાએ બનાવ્યાં છે. ક્રોધે ભરાઈને એ બધું જમીન પર ફંગોળી દીધું. ‘જેને જોઈએ તે લઈ જાય.’ બહેનોએ ફરી મજાક ઉઠાવી. વાંસફોડિયાએ હજાર બોધિસત્ત્વને આપ્યાં.

આ સ્થળ પણ મારે માટે યોગ્ય નથી એમ જાણી હજાર તેને આપીને તે ચાલી નીકળ્યો. રાજાના માળી પાસે તે ગયો. તેનો શિષ્ય બનીને વિવિધ પ્રકારના ગજરા બનાવ્યા. પ્રભાવતી માટે ચિત્રો સમેત એક ગજરો બનાવ્યો. માળી આ સઘળું લઈને રાજમહેલે ગયો. રાજાએ પૂછ્યું,

‘આ ફૂલ કોણે ગૂંથ્યાં?’

‘મહારાજ, મેં.’

‘મને ખબર છે કે આ તેં નથી ગૂંથ્યાં. બોલ, કોણે ગૂંથ્યાં?’

‘મહારાજ, મારા શિષ્યે.’

‘એ તારો શિષ્ય નથી. એ તારો આચાર્ય છે. તું એની પાસેથી આ કળા શીખ. તેને કહે, હવે મારી દીકરીઓ માટે ફૂલ ગૂંથે. આ હજાર તેને આપજે. આ ફૂલ મારી દીકરીઓને આપીને આવ.’

બોધિસત્ત્વે પ્રભાવતી માટે બનાવેલો ગજરો તેને જ આપ્યો. પ્રભાવતીએ પોતાના અને રાજાના રૂપનાં તથા બીજાં વિવિધ ચિત્ર જોઈને જાણી લીધું કે આ બધું સર્જન કુસરાજાનું છે, ક્રોધે ભરાઈને તે બધું જમીન પર પટકી દીધું. બહેનોએ ફરી તેની મજાક ઉડાવી. માળીએ બોધિસત્ત્વને હજાર આપી બધી વાત કરી.

આ સ્થળ પણ મારે માટે યોગ્ય નથી. એમ સમજી તેણે હજાર માળીને આપી દીધા અને રાજાના રસૌયા પાસે જઈને તેનો શિષ્ય બન્યો. એક દિવસ રસૌયાએ રાજા માટે ભોજનસામગ્રી લઈ જતી વેળાએ બોધિસત્ત્વને પોતાને માટે ભોજન બનાવવા માંસ આપ્યું. તેણે એવી રીતે રાંધ્યું કે તેની સોડમ આખા નગરમાં પ્રસરી ગઈ. રાજાને પણ તેની સોડમ આવી અને તેણે પૂછ્યું, ‘શું રસોડામાં બીજું માંસ પણ રંધાય છે?’

‘ના મહારાજ. મેં મારા શિષ્યને માંસ રાંધવા આપ્યું છે, આ એની જ ગંધ છે.’

રાજાએ એ મંગાવી જરાક પોતાની જીભ પર મૂક્યું. તે વેળા જીભને હજાર ગણો રસ આવ્યો. રાજાએ રસતૃષ્ણાથી લલચાઈને હજાર આપ્યા. અને આજ્ઞા કરી, ‘હવે મારા માટે અને મારી દીકરીઓ માટે ભોજન બનાવડાવી મારા માટે લાવતો રહેજે. મારી દીકરીઓને આપી આવજે.’

રસૌયાએ આ સમાચાર તેને આપ્યા. સાંભળીને તે પ્રસન્ન થયો. હવે મારી ઇચ્છા ફળી. હવે હું પ્રભાવતીને જોઈ શકીશ. તેણે સંતોષ પામીને હજાર તેને જ આપી દીધા. બીજે દિવસે રસોઈ બનાવીને રાજાને ભોજન મોકલાવ્યું, રાજકન્યાઓનો ભોજનથાળ લઈ પ્રભાવતીના નિવાસસ્થાને જઈ પહોંચ્યો. પ્રભાવતીએ તેને મહેલ પર આવતો જોયો, તેણે વિચાર્યું, ‘આ પોતાને ન છાજે એવાં નોકરો દ્વારા થતાં કામ કરે છે. જો હું ચૂપ રહીશ તો એમ માનશે કે હું તેને ચાહું છું. અને પછી બીજે નહીં જતાં અહીં મને જોતો રહેશે. એટલે તેને ગાળો આપી. ગમે તેમ સંભળાવી ઘડીભર તેને અહી ઊભો રહેવા દઉં.’

‘મહારાજ, ભ્રમિત ચિત્તે તમે આ ભારે થેલી લઈને બહુ કષ્ટ ભોગવો છો, તમે જલદી કુસાવતી જતા રહો. તમારા જેવો કદરૂપો અહીં રહે તે મને પસંદ નથી.’

પ્રભાવતીની વાણી તો સાંભળવા મળી એમ માની તે પ્રસન્ન થયો. તે બોલ્યો, ‘હું અહીંથી કુસવતી નથી જવાનો. હું તારા રંગરૂપ પર મુગ્ધ છું. તને જોવાની ઇચ્છાથી મારો દેશ ત્યજીને આ રમણીય દેશમાં રહીશ. પ્રભાવતી, હું તારા રૂપ પર લુબ્ધ થઈને પૃથ્વી પર ભટકી રહ્યો છું. હું ક્યાંથી આવ્યો છું તેની જાણ નથી. હું મૃગનયની, તેં મને ગાંડો કરી મૂક્યો છે. હે સુવર્ણપત્ર વસ્ત્ર ધારણ કરનારી, સોનેરી મેખલાવાળી, તારી કામનાને કારણે મારે રાજ્ય પણ નથી જોઈતું.’

આ સાંભળીને પ્રભાવતીએ વિચાર્યું, ‘હું એને ગમે તેમ બોલું છું. મને એમ કે તે પસ્તાવો કરશે. પણ આ તો પ્રેમની ભાષા બોલે છે. ‘હું કુસરાજા છું.’ એમ કહી તે મારો હાથ પકડી લે તો આને કોણ રોકશે?’ કોઈ આ વાતચીત સાંભળે નહીં, એમ માની તેણે બારણું બંધ કર્યું અને કડી વાસીને અંદર ઊભી રહી ગઈ. તેણે ભોજનથાળ લઈને રાજકન્યાઓને ખવડાવ્યું, પ્રભાવતીએ કૂબડીને મોકલી, ‘જા કુસરાજે રાંધેલો ભાત લાવ.’ તે લઈ આવી અને બોલી, ‘લે ખા.’ તેણે કહ્યું, ‘તેણે રાંધેલું હું નહીં ખાઉં. તું ખાઈને આપણને મળેલી સામગ્રીમાંથી ભાત રાંધીને લઈ આવ. કુસરાજના આગમનની વાત કોઈને કહીશ નહીં.’ પછી કૂબડીએ તેના ભાગનું પોતે ખાધું અને પોતાના ભાગનું તેને આપ્યું. કુસરાજાએ ત્યાર પછી પ્રભાવતીને જોઈ નહીં. તેણે વિચાર્યું, ‘પ્રભાવતીના મનમાં મારા માટે સ્નેહ છે કે નહીં તેની હું પરીક્ષા કરીશ.’ તેણે રાજકન્યાઓને ભોજન કરાવ્યું, ભોજનનો થાળ લઈ જતી વખતે મહેલની ફરસ પર પગ પટક્યા, વાસણ ફંગોળ્યાં, અને ઓહ કરીને નીચે પડી ગયો. પ્રભાવતીએ તેના કણસવાનો અવાજ સાંભળીને બારણું ખોલ્યું, તેનો ભોજનથાળ આવી રીતે વેરાયેલો જોઈ તેણે વિચાર્યું, ‘આ જંબુદ્વીપનો શ્રેષ્ઠ રાજા. મારે કારણે દુઃખ ભોગવે છે. સુકુમાર હોવાને કારણે ભોજનથાળ ઊંચકી ન શક્યો અને પડી ગયો. તે જીવે છે કે નહીં?’ તેણે ઓરડામાંથી બહાર નીકળીને તેનો શ્વાસ ચાલે છે કે નહીં તે જોવા તેનું મોં જોયું. રાજાએ પોતાના મોંનું થૂંક તેના શરીર પર ફેંક્યું. પ્રભાવતી તેને ગમે તેમ સંભળાવી પોતાના ઓરડામાં ભરાઈ ગઈ, અડધું બારણું બંધ કરી તે બોલી,

‘હે મહારાજ, જે ન ચાહનારને ચાહે છે તેની માનહાનિ થાય છે. તું કામનાને કારણે કદરૂપો હોવા છતાં તારી કામના ન કરતી સુંદરીને ચાહે છે.’

રાજા તેને ચાહતો હતો, એટલે તે ગમે તેમ બોલી, તેણે મશ્કરી કરી તેમ છતાં પસ્તાવો ન કરીને તે બોલ્યો, ‘કામના કરનાર હોય કે ન હોય, જે માનવીને પોતાનું પ્રિય જે લાગે તે તેને માટે તો પ્રશંસનીય છે. અપ્રાપ્તિ ખરાબ છે.’

તે આમ બોલ્યો એટલે પાછળ હટ્યા વિના પ્રભાવતી તેને ભગાડી મૂકવા કઠોર વચન બોલી. ‘જે ન ચાહનારને ચાહે છે તે સળેકડી વડે પથ્થર ખોદવા જાય છે કે જાળ વડે હવાને બાંધવા જાય છે.’

આ સાંભળી રાજાએ કહ્યું, ‘હે મૃદુલક્ષણવાળી, ખરેખર તારું હૃદય પથ્થરનું છે. એટલે તો આટલે દૂર આવ્યા પછી પણ મને આનંદ નથી થતો. હે રાજપુત્રી, ભવાં ચઢાવીને તું જ્યારે મને જુએ છે ત્યારે મદ્ર રાજના અંત:પુરનો રસૌયો થઈ જઉં છું. તું જ્યારે મને પ્રસન્ન વદન જુએ છે ત્યારે હું રસૌયો નથી રહેતો. ત્યારે હું કુસરાજ થઈ જઉં છું.’

પ્રભાવતીએ આ સાંભળી વિચાર્યું, ‘આ મારામાં અનુરાગ રાખે છે. એને જૂઠું બોલીને ભગાડું. ‘જો જ્યોતિષીઓની વાત સાચી હોય તો તું મારો પતિ કદી હોઈ ન શકે, ભલેને મારા સાત ટુકડા થઈ જાય.’

રાજાએ તેની વાત સાંભળીને કહ્યું, ‘મેં પણ મારા દેશના જ્યોતિષીઓને પૂછ્યું છે. તેમના કહેવા પ્રમાણે સિંહસ્વર કુસરાજ સિવાય પ્રભાવતીનો બીજો કોઈ પતિ હોય જ નહીં; હું પણ મારા જ્ઞાનબળથી આ જ વાત કહું છું. જો બીજાઓની અને મારી વાત સત્ય હોય તો સિંહસ્વર કુસરાજ સિવાય તારો બીજો કોઈ પતિ ન હોઈ શકે.’

આ સાંભળી પ્રભાવતીએ વિચાર્યું, ‘હું આને શરમમાં નાખી શકતી નથી. તેને રહેવું હોય તો રહે, જવું હોય તો જાય.’ બારણું બંધ કરીને તે સંતાઈ ગઈ. તે પણ થાળ લઈને નીચે ઊતર્યો. ત્યાર પછી પ્રભાવતી તેને નજરે પણ પડતી ન હતી. રસૌયાનું કામ કરીને તે થાકી ગયો. સવારે થોડું ખાઈને તે લાકડાં ફાડતો, વાસણ માંજતો, પાણી લાવતો, સૂઈ જવું હોય તો ગુણપાટ પર સૂઈ જતો. સવારે ઊઠીને કશુંક રાંધીને લઈ જતો. ખવડાવતો. કામરાગને કારણે આ બધાં ભારે કષ્ટ પણ તેણે વેઠ્યાં. એક દિવસ ભોજનશાળાના બારણા આગળથી પસાર થતી કૂબડીને જોઈ બોલાવી. તે પ્રભાવતીના ડરને કારણે તેની પાસે જવાનું સાહસ ન કરી શકી, તે જલદી જલદી પસાર થઈ ગઈ. તે જલદી જલદી આગળ વધ્યો અને બોલ્યો, ‘કૂબડી!’ તેણે ઊભા રહીને પૂછ્યું, ‘કોણ?’ પછી બોલી, ‘તમારો અવાજ સંભળાયો નહીં.’ રાજાએ કહ્યું, ‘તું અને તારી સ્વામિની બહુ કઠોર છો. આટલા બધા સમયથી અહીં રહું છું. તું મારાં ખબરઅંતર પણ પૂછતી નથી. તું મને શું આપવાની? અરે છોડ એ વાત. શું તું પ્રભાવતીનું મન કોમળ કરી શકીશ?’ તેણે ‘ભલે’ કહ્યું. તે બોલ્યો, ‘જો તું એમ કરી શકીશ તો તારું આ કૂબડાપણું દૂર કરી આપીશ, તને હાર આપીશ. હે કૂબડી, જો હાથીની સૂંઢ જેવી સાથળોવાળી પ્રભાવતીને મારી સામે જોતી કરીશ તો કુસાવલિ પહોંચીને તને સોનાનો હાર આપીશ. જો તે વાત કરશે, હસશે, ખડખડાટ હસશે, જો હાથ વડે મારો સ્પર્શ કરશે...’

તેની વાત સાંભળીને તે બોલી, ‘દેવ, તમે જાઓ, હું થોડા જ દિવસોમાં તેને લોભાવી શકીશ. મારું પરાક્રમ જોજો.’ એમ કહી તેણે દૃઢ નિર્ધાર કર્યો. પ્રભાવતી પાસે જઈને તે તેનો ઓરડો સાફ કરવા લાગી. મારવા માટેની માટી પણ રહેવા ન દીધી. એટલી હદે કે પગની પાવડી પણ દૂર કરી દીધી. પછી આખો ઓરડો સાફ કર્યો. ઓરડાના બારણા આગળ ઉમરા પર ઊંચું આસન કર્યું અને પ્રભાવતી માટે નીચી જગ્યા તૈયાર કરી બોલી,‘ લાવ, તારા માથાની જૂઓ વીણું.’ તેણે પ્રભાવતીનું માથું પોતાની સાથળો વચ્ચે ગોઠવ્યું. માથું થોડું ખંજવાળીને બોલી, ‘બાપ રે — કેટલી બધી જૂઓ છે.’ પછી પોતાના માથામાંથી જૂ કાઢીને તેના હાથ પર મૂકી. ’જો તારા માથામાં કેટલી બધી જૂઓ છે.’ આમ કહી તેણે બોધિસત્ત્વની પ્રશંસા કરતાં કહ્યું,

‘ખરે જ આ રાજપુત્રી વેતન ન ઇચ્છનારા રસૌયા કુસરાજ પર પ્રસન્ન નથી.’

તે કૂબડી પર ગુસ્સે થઈ. કુબડીએ તેની ગરદન પકડીને અંદર ધકેલી બહારનો દરવાજો બંધ કર્યો. અને લટકતા દોરડાને પકડીને ઊભી થઈ. પ્રભાવતી તેને પકડી ન શકી. તે દરવાજા પાછળ ઊભી રહી તેને ગાળો દેવા લાગી. ‘આ પ્રકારની વાણી બોલનારી જ કૂબડીની જીભ તેજ શસ્ત્રથી કેમ કાપવી ન જોઈએ?’

કૂબડીએ દોરડું પકડી રાખીને કહ્યું, ‘અરે પુણ્યવાન, દુવિર્નીત, તારું રૂપ કોને કામ આવશે? શું અમે તારું રૂપ ખાઈને જીવીશું?’ પછી બોધિસત્ત્વનાં ગુણગાન વર્ણવતી કૂબડીએ ગર્જના કરી.

‘હે પ્રભાવતી, તેને રૂપથી મૂલ્ય નહીં; મહાયશસ્વી જાણીને તેને પ્રેમ કર. મહા બલવાન, મહાન રાજા, મહાન રાષ્ટ્રવાળો, સિંહસ્વરવાળો, લીલાયુક્ત સ્વરવાળો, સુંદર સ્વરવાળો, મધુર સ્વરવાળો, સો વિદ્યાઓમાં કુશળતાવાળો, ક્ષત્રિય જાણીને, કુસરાજા જાણીને તેને પ્રેમ કર.’

પ્રભાવતીએ કૂબડીને ધમકાવી, ‘કૂબડી, તું બહુ બોલ બોલ કરે છે. હાથમાં આવી જાય તો સ્વામીની વાત તને કરું.’

કૂબડીએ તેને બીવડાવી, ‘મેં તને બચાવવા માટે તારા પિતાને કુસરાજના આગમનની વાત નથી કરી. હવે આજે કહી દઇશ.’

તેણે કૂબડીને ઇશારો કર્યો, ‘કોઈ સાંભળી ન જાય.’

બોધિસત્ત્વને તે દેખાઈ નહીં તો સાત મહિના સુધી ભોજનનું અને સૂવાનું દુઃખ વેઠી, તે વિચારવા લાગ્યો. ‘હવે મારે એની સાથે શી લેવાદેવા? સાત મહિના અહીં રહ્યો તો પણ જે દેખાઈ નહીં, તે અત્યંત કઠોર છે, દુસ્સાહસિક છે. હવે હું અહીંથી જઈને માતાપિતાને મળીશ.’

તે સમયે શક્રે ધ્યાન ધરીને જોયું તો તેમને તેના ઉદ્વેગનો ખ્યાલ આવ્યો. તેમણે વિચાર્યું, ‘સાત મહિના સુધી રાજા પ્રભાવતીને જોઈ પણ નથી શક્યો. હવે એવું કરું કે જેથી તે તેને જોઈ શકે. તેમણે મદ્રરાજના દૂતોના જેવા દેખાતા દૂત સાત રાજાઓને ત્યાં અલગ અલગ મોકલ્યા. અને તેમને કહેવડાવ્યું, ‘પ્રભાવતી કુસરાજને ત્યજીને આવતી રહી છે. આવીને તેને લઈ જાઓ.’ તેઓ બધા ધામધૂમથી નગરમાં આવી પહોંચ્યા. તેઓ એકબીજાના આગમનની વાત જાણતા ન હતા. તેમણે એકબીજાને પૂછ્યું, ‘તમે કેમ આવ્યા છો?’ જ્યારે બધાને ખબર પડી ત્યારે તેઓ ક્રોધે ભરાયા. ‘એક કન્યા સાત જણને? આની દુષ્ટતા તો જુઓ. આપણને ઠગે છે. એને પકડો.’ તેમણે નગરને ઘેરી લીધું અને સંદેશ મોકલાવ્યો. ‘કાં તો અમને બધાને પ્રભાવતી આપો કાં તો યુદ્ધ કરો.’

મદ્રરાજ આ સંદેશો જાણીને ગભરાયા, મંત્રીઓને બોલાવ્યા, ‘શું કરીશું?’

‘મહારાજ, આ સાતેસાત પ્રભાવતી માટે આવ્યા છે. તેઓ કહે છે — જો નહીં આપો તો નગરદ્વાર તોડી નગરમાં પ્રવેશી, મારીને રાજ્ય લઈશું.’ કિલ્લાની દીવાલો તૂટે નહીં એમ તેમની પાસે પ્રભાવતી મોકલી દો. આ યોદ્ધાઓ ભયંકર છે. બધા કવચ પહેરીને ઊભા છે. તેઓ નગરદ્વાર તોડે તે પહેલાં પ્રભાવતી સોંપી દો.’

રાજાએ આ વાત સાંભળી, ‘જો હું પ્રભાવતી એકને આપીશ તો બાકીના રાજા યુદ્ધ કરશે. હું કોઈ એકને આપી નહીં શકું. સમગ્ર જંબુદ્વીપના ચક્રવર્તી રાજાને ત્યજીને આવવાનું પરિણામ ભલે પુત્રી ભોગવે. પ્રભાવતીને મારીને તેના સાત ટુકડા કરીને સાતેય રાજાને આપીશ. તેઓ મને મારવા આવ્યા છે.’

તેની આ વાત આખા મહેલમાં પ્રસરી ગઈ. દાસીઓએ જઈને પ્રભાવતીને કહ્યું, ‘રાજા તમારા સાત ટુકડા કરીને સાતેય રાજાઓને આપશે.’ તે મૃત્યુથી ડરી જઈને બહેનોને સાથે લઈને મા પાસે ગઈ.

કોષેય વસ્ત્ર પહેરેલી, કાંચનવર્ણી, અશ્રુપૂર્ણ નેત્ર ધરાવતી રાજપુત્રી મા પાસે ગઈ. માતાને વંદન કરીને રડતીકકળતી બોલી, ‘આ મારું મોં હાથીદાંતવાળા દર્પણમાં જોઈ જોઈને શણગાર્યું છે. જે શુભ છે, જે સુંદર આંખોવાળું છે, જે અમલિન છે, જે દોષમુક્ત છે, તેને ક્ષત્રિયો વનમાં ફંગોળી દેશે. મારા કાળા, વાંકડિયા, કોમળ, ચંદનમિશ્રિત કેશ સ્મશાનભૂમિમાં ગીધના પગ સાથે અથડાશે. હવે તામ્રવર્ણ નખોવાળી, રોમવાળી, ચંદન અર્ચિત બાહુને ક્ષત્રિયો વનમાં ફેંકી દેશે. અને વરુઓ તે લઈ જશે. મારાં તાડફળ જેવાં કાશીના ચંદનલિપ્ત સ્તનને જેવી રીતે બાળક માતાના સ્તનને વળગે તેમ શિયાળવાં વળગશે. હવે મારા સુવર્ણમેખલાથી શણગારેલા નિતંબને ક્ષત્રિયો છિન્નભિન્ન કરી નાખશે ને પછી તેમને વરુઓ લઈને ભટકશે. કૂતરા, વરુ, શિયાળવાં અને બીજાં જંગલી પ્રાણીઓ પ્રભાવતીને ખાઈને જરાહીન થઈ જશે. જો કોઈ દૂરનો ક્ષત્રિય મારું માંસ લઈ જાય તો તેમની પાસે મારાં હાડકાં માંગી ચૌટે ફેંકજે. પછી એ જ જગ્યા ખેડીને ત્યાં કર્ણિકાર ફૂલનો છોડ વાવજે. શરદ ઋતુ પછી હેમંત આવશે ત્યારે તેને ફૂલો આવશે, ત્યારે મા તું યાદ કરજે કે પ્રભાવતી આવા રંગની હતી.’

આ પ્રકારે મૃત્યુના ડરથી માતા આગળ વિલાપ કર્યો. મદ્ર રાજાએ આજ્ઞા આપી કે કુહાડી જેવાં શસ્ત્ર લઈને મારાઓ અહીં આવે. તેમના આવવાની વાત સાંભળીને પ્રભાવતી શોકવિહ્વળ થઈ રાજા પાસે ગઈ.

દેવવર્ણવાળી પ્રભાવતીની ક્ષત્રિયમાતા રાજા મદ્રના અંત:પુરમાં તલવાર અને હત્યારાને જોઈને ઊભી હતી. તેણે રુદન કરતાં કહ્યું, ‘આ કુહાડી વડે મદ્ર રાજા પોતાની પુત્રીને બરાબર વચ્ચેથી કપાવીને રાજાઓને સોંપશે.’

રાજાએ તેને સમજાવતાં કહ્યું, ‘દેવી, શું બોલે છે? તારી દીકરીએ આખા જંબુદ્વીપના રાજાને ‘કુરૂપ’ માનીને ત્યજી દીધો. ચાલવાનાં ચરણચિહ્ન નાબૂદ થાય તે પહેલાં માથે મૃત્યુને લઈને આવી. હવે પોતાના રૂપને કારણે તેનો વધ થશે.’

આ સાંભળી મા દીકરી પાસે જઈને વિલાપ કરવા લાગી, ‘દીકરી, તેં મારા જેવી હિંતચિંતકનું કહ્યું ન માન્યું. એટલે આજે લોહીલુહાણ થઈ યમ પાસે જઈશ. જે વ્યક્તિ સમજુ હિતેચ્છુઓનું કહ્યું નથી કરતી તે આમ જ દુઃખ ભોગવે છે. જો તેં સુંદર સુવર્ણમેખલાવાળા ક્ષત્રિય કુસરાજને પસંદ કર્યા હોત તો આજે સ્વજનો દ્વારા માન પામત, તારો વિનાશ ન થાત. જ્યાં ક્ષત્રિયોના કુળમાં ભેરીનાદ થાય, જ્યાં હાથીના અવાજ આવે તેનાથી વધુ સુખકર શું? જે ક્ષત્રિયના દ્વારે ઘોડા હણહણે, જ્યાં સંગીતકુશળ કુમાર વાદન કરે તેનાથી વધુ સુખકર શું? જ્યાં મોર ગહેકતા હોય, કોયલ ટહુકતી હોય તેનાથી વધુ સુખકર શું?’

આમ વિલાપ કરીને તે બોલી, ‘જો આજે કુસરાજ અહીં હોત તો આ સાતેય રાજાઓને ભગાડીને મારી દીકરીને છોડાવી લઈ જાત. શત્રુદમન, પરરાજ્યવિજેતા, વિશાલજ્ઞાની, કુસરાજ ક્યાં છે? તે જો હોત તો અમને દુઃખમાંથી છોડાવત.’

પ્રભાવતીએ જોયું કે મારી મા કુસરાજની પ્રશંસા કરવામાંથી ઊંચી આવતી નથી. હવે એને કહી દઉં કે રસૌયાની નોકરી કરતો તે અહીં જ છે.

‘તે શત્રુદમન અહીં છે, તે બીજા રાજ્યનો વિજેતા અહીં જ છે, તે વિશાલજ્ઞાની અહીં છે, તે આપણા બધાનો વધ કરશે.’

આ તો મૃત્યુભયથી આમ બોલે છે એમ માની તેની મા બોલી, ‘શું તું પાગલ થઈ ગઈ છે? મૂૂરખની જેમ શું બોલે છે? કુસરાજ અહીં હોત તો આપણે તેને ઓળખી ન કાઢત?’

તેણે આ સાંભળીને વિચાર્યું, ‘મારી માને મારી વાતનો વિશ્વાસ નથી. કુસરાજ, અહીં સાત મહિનાથી છે એ વાત તે જાણતી નથી. હું એને કુસરાજ દેખાડું.’ તેણે માનો હાથ પકડીને બારી ખોલી હાથ લંબાવીને બોલી, ‘આ કુમારીઓને રહેવાની જગાએ જે રસૌયો કચ્છ વાળીને વાસણ માંજે છે તે કુસરાજ છે.’

રાજાએ એ સાંભળીને વિચાર્યું, ‘આજે મારો ઉદ્દેશ પૂરો થશે. મૃત્યુભયને કારણે પ્રભાવતી મારા આગમનની વાત કહેશે. હું વાસણ ધોઈને ગોઠવી દઉં.’ તેણે પાણી આણીને વાસણો ધોવા માંડ્યાં. તેની માતાએ પ્રભાવતીની નિન્દા કરતાં કહ્યું, ‘તું વંશઘાતક, ચાંડાલિની છે, કુલઘાતિની છે. તેં મદ્રકુળમાં જન્મીને આને દાસ બનાવ્યો.’

પ્રભાવતીએ વિચાર્યું, ‘આ મારી મા રાજા મારે કારણે અહીં રહે છે તે જાણતી નથી.’ તે બોલી, ‘ના હું વંશઘાતક છું, ના ચાંડાલિની છું, ના કુલઘાતિની છું. તું ઓક્કાક પુત્રને દાસ સમજી બેઠી છે. જે નિત્ય વીસ હજાર બ્રાહ્મણોને જમાડે છે તેને તું દાસ સમજે છે, જેને ત્યાં નિત્ય વીસ હજાર હાથીઓ ઝૂલે છે તે ઓક્કાકપુત્રને તું દાસ સમજે છે. જેને ત્યાં નિત્ય વીસ હજાર ઘોડા, વીસ હજાર રથ, વીસ હજાર બળદ છે, જેને ત્યાં નિત્ય વીસ હજાર ગાયો દોહવાય છે, તે ઓક્કાકપુત્રને તું દાસ સમજે છે.’

આમ તેણે બોધિસત્ત્વની પ્રશંસા કરી. ત્યારે તેની માતાને ખ્યાલ આવ્યો કે તે નિર્ભય થઈને બોલી રહી છે. કદાચ આમ જ હશે. તેણે રાજાને આ વાત કરી. ઉતાવળે પ્રભાવતી પાસે જઈને તેણે પૂછયું, ‘શું સાચેસાચ યુવરાજ અહીં આવ્યા છે?’

‘હા, કન્યાઓના રસોડામાં તે સાત મહિનાથી છે.’

તેને વિશ્વાસ ન આવ્યો. પછી કૂબડીને પૂછ્યું અને સાચી બીના જાણીને પુત્રીને ઠપકો આપ્યો.,

‘અરે મૂરખ, મહા શક્તિશાળી ક્ષત્રિય હાથી અહીં દેડકાના વેશે આવ્યો છે એ વાત તેં કરી જ નહીં.’

આમ દીકરીને ઠપકો આપી જલદી જલદી રાજા કુસરાજ પાસે પહોંચ્યો, તેનું અભિવાદન કર્યું અને હાથ જોડી પોતાના દોષ કહ્યા, ‘હે મહારાજ, અમારી ભૂલ માફ કરજો. તમે છૂપા વેશે આવ્યા એટલે અમે જાણી ન શક્યા.’

આ સાંભળી બોધિસત્ત્વે વિચાર્યું, ‘જો હું કડવું બોલીશ તો આનું હૃદય ફાટી જશે. એને હિંમત આપું.’ વાસણોની વચ્ચે જ ઊભા રહીને તેણે કહ્યું, ‘હું રસૌયો બનું એ મારા જેવાને શોભતું નથી. પરંતુ તમે આનંદમાં રહો. તમારો કોઈ દોષ નથી.’

રાજાએ મહેલમાં જઈ પ્રભાવતીને બોલાવી ક્ષમા માગવા ક્હ્યું, ‘મૂર્ખ, મહાબલવાન કુસરાજની માફી માગ. તે ક્ષમા કરશે અને તને જીવનદાન મળશે.’

પિતાની વાત સાંભળી તે બહેનો અને દાસીઓને લઈને કુસરાજ પાસે ગઈ. દાસના વેશે ઊભેલા કુસરાજને જાણ થઈ કે પ્રભાવતી આવી રહી છે. ત્યારે તેણે નિર્ધાર કર્યો કે આજે પ્રભાવતીનું અભિમાન ઓગાળી નાખીને તેને કીચડમાં પગે પડાવીશ. તે જેટલું પાણી લાવ્યા હતા તે બધું ત્યાં ઢોળીને કીચડ કીચડ કરી નાખ્યો. તે કુસરાજ પાસે પહોંચી અને કીચડમાં તેના પગે પડીને તેની ક્ષમા માગી, દેવવર્ણી પ્રભાવતીએ આમ પિતાની વાત માનીને મહાબળવાન કુસરાજના પગમાં માથું મૂકી દીધું.

‘મહારાજ, તમારા વિના આટલી રાતો વીતી, હું તમારા પગમાં માથું ટેકવું છું. તમે મારા પર ગુસ્સે ન થતા. હે મહારાજ, હું તમને વચન આપું છું, મારી વાત સાંભળો. હું કદી હવે તમને અપ્રિય નહીં કહું. જો અત્યારે આમ પ્રાર્થના કરી રહેલીને જો મારું કહ્યું નહીં કરો તો મારો વધ કરીને રાજાઓને સોંપી દેવામાં આવશે.’

આ સાંભળીને રાજાએ વિચાર્યું , ‘તું જાણે અને તારી વાત જાણે. જો આમ કહીશ તો તેનું હૃદય ફાટી જશે. હું એને હિંમત આપું.’

‘આવી રીતે તું યાચના કરે અને હું તારું કહેવું ન કરું? હે કલ્યાણી, મારા મનમાં તારા માટે ક્રોધ નથી. બીશ નહીં. હે રાજપુત્રી, મારી વાત સાંભળ, હું તને વચન આપું છું કે હવે કદી તને અપ્રિય નહીં કહું. હે સુશ્રોણી, તારી કામનાને લીધે જ મદ્રકુળને મારીને તને લઈ જવામાં સમર્થ હોવા છતાં મેં બહુ દુઃખ વેઠ્યું.’

દેવરાજ શક્રના પરિવારની જેમ પોતાનો પરિવાર જોઈ, ક્ષત્રિય અભિમાનથી પ્રેરાઈને રાજમહેલના આંગણામાં સિંહની જેમ ગર્જના કરી, ‘મારા જીવતે જીવ બીજાઓ શું મારી પત્નીને લઈ જશે? બધા પ્રજાજનો જાણી લે કે હું આવી ગયો છું.’ આમ મોટેથી બોલી બોલીને ઘોષણા કરી, ‘હવે હું તેમને જીવતાં પકડીશ. રથ તૈયાર કરો.’

‘વિવિધ પ્રકારના સુશોભિત, કેળવાયેલા અશ્વોને રથમાં જોડો. શત્રુઓને પરાજિત કરવામાં મારો વેગ જોજો.’

કુસરાજે પ્રભાવતીને વિદાય કરી, ‘શત્રુઓને કેદ કરવા એ મારું કામ છે. તું સ્નાન કરીને અલંકાર પહેરી, મહેલની અટારીએ જા.’ મદ્રરાજાએ પણ કુસરાજને ઠીકઠાક કરવા મંત્રીઓને મોકલ્યા. તેમણે રસોડા આગળ જ કનાત મૂકાવી વાળંદોની વ્યવસ્થા કરી. ક્ષૌરકર્મ પછી તેને સ્નાન કરાવ્યું, અલંકારો પહેરાવ્યા. મંત્રીઓને સાથે લઈને મહેલમાં ચઢીશ એમ કહી ચારે બાજુ જોઈ તાલી પાડી. જ્યાં જ્યાં તેની નજર પડી ત્યાં ત્યાં બધા કંપી ઊઠ્યા. તેણે કહ્યું, ‘હવે મારું પરાક્રમ જોજો.’

મદ્ર રાજાના અંત:પુરની સ્ત્રીઓએ તેને સિંહની જેમ ગરજતો અને બંને બાહુઓ ઠોકતો જોયો. મદ્ર રાજાએ તેની પાસે અલંકૃત હાથી મોકલ્યો. તેણે શ્વેત છત્રવાળા હાથીની પીઠ પર ચઢીને પ્રભાવતીને પાછળ બેસાડી, ચારે પ્રકારની સેના લઈને પૂર્વ દ્વારેથી નીકળ્યા, શત્રુ સેનાને જોઈ ‘હું કુસરાજ છું, જેઓ જીવ બચાવવા માગતા હોય તે પેટે સૂઈ જાઓ.’ ત્રણ ચાર સિંહનાદ કર્યા. પ્રભાવતીની સાથે હાથી પર બેસીને કુસરાજાએ યુદ્ધભૂમિમાં આવીને સિંહનાદ કર્યો. જેવી રીતે સિંહની ગર્જના સાંભળીને બીજાં પ્રાણીઓ ભાગી જાય તેવી રીતે કુસરાજનો અવાજ સાંભળી બધા ભયભીત ક્ષત્રિયો ભાગી ગયા. કુસરાજના શબ્દથી ડરીને હાથી પર, અશ્વો પર, સવાર થયેલા, રથમાં બેઠેલા તથા પગપાળા આવેલા બધા સૈનિકો એકબીજા સાથે ટકરાયા. એ યુદ્ધભૂમિમાં સંતુષ્ટ થઈને દેવેન્દ્રે તેને વૈરોચન મણિ આપ્યો. યુદ્ધમાં વિજય મેળવીને વૈરોચન મણિ પ્રાપ્ત કરી હાથી પર બેસીને રાજાએ નગરપ્રવેશ કર્યો. શત્રુરાજાઓને જીવતા પકડીને તે સસરાની પાસે લઈ આવ્યા. ‘મહારાજ, આ તમારા શત્રુ છે. તે બધા શરણે આવ્યા છે. હવે તમારી ઇચ્છામાં આવે તે કરો, મારી નાખો, છોડી મૂકો.’

રાજાએ કહ્યું, ‘આ તમારા શત્રુ છે, આ મારા શત્રુ નથી. તમે અમારા રાજા છો, તમે તેમને મારી નાખો કે છોડી મૂકો.’

આવું સાંભળીને બોધિસત્ત્વે વિચાર્યું, આમને મારીને શો લાભ? તેમનું આગમન સાર્થક થવું જોઈએ. મદ્રરાજને પ્રભાવતીથી નાની સાત કન્યાઓ છે. આ રાજાઓને તે કન્યાઓ અપાવું. ‘મહારાજ, દેવકન્યાઓ જેવી તમારી આ સાત કન્યાઓ છે, દરેકને એક એક આપો, આ તમારા જમાઈ થશે.’

રાજાએ કહ્યું, ‘અમારા અને આ બધાના ભગવાન તમે છો. તમે જ અમારા મહારાજ, જે આપવું હોય તે આપો.’ કુસરાજે એ બધી કન્યાઓને અલંકૃત કરીને દરેક રાજાને એકએક અપાવી, એ લાભથી પ્રસન્ન થઈ સિંહસ્વરવાળા કુસરાજ પ્રત્યે પ્રસન્ન મનવાળા થઈ તેઓ પોતપોતાના રાજ્યમાં ગયા. તે મહાબળવાન કુસરાજ પ્રભાવતી અને વૈરોચન મણિ લઈને કુસાવતી પહોંચ્યા. તેઓ એક રથમાં બેઠા હતા, નગરીમાં પ્રવેશ કર્યો, તે વર્ણ અને રૂપમાં સમાન થયા. પરસ્પર એકબીજા જેવા જ ચમકવા લાગ્યા. માતા પુત્રને મળી, ત્યાર પછી બંને પતિપત્ની મળીને રહ્યાં. પૃથ્વી ધનધાન્યથી ભરેલી રહી.