ભારતીયકથાવિશ્વ-૩/જાતકની કથાઓ/ભદ્રસાલ જાતક

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ભદ્રસાલ જાતક

પ્રાચીન કાળમાં વારાણસીમાં રાજા બ્રહ્મદત્ત દસ રાજધર્મની વિરુદ્ધ ન જઈને ધર્માનુસાર રાજ્ય કરતા હતા. એક દિવસ તેમને વિચાર આવ્યો. ‘જંબુદ્વીપના રાજાઓ અનેક થાંભલાઓવાળા મહેલોમાં રહે છે, અનેક થાંભલાવાળા મહેલ બનાવવામાં કશી વિશેષતા નથી. હું એક થાંભલાવાળો મહેલ બનાવડાવું. એ રીતે બધા રાજાઓમાં મારી વાહવાહ થાય.’ તેણે સુથારોને બોલાવીને કહ્યું,‘મારા માટે એક અતિ સુંદર, એક થાંભલાવાળો મહેલ બનાવો.’ તેમણે રાજાને હા પાડી અને જંગલમાં જઈ જેમાંથી એક થાંભલાવાળો મહેલ બનાવી શકાય એવાં સીધા, વિશાળ બહુ વૃક્ષો જોયાં. તેમણે વિચાર્યું, ‘આ વૃક્ષો તો છે પણ રસ્તો બહુ વાંકાચૂકો છે. આપણે તેમને નીચે લાવી નહીં શકીએ. રાજાને જણાવીએ.’ રાજાને કહ્યું ત્યારે રાજાએ કહ્યું, ‘કોઈ પણ રીતે ધીરે ધીરે નીચે લાવો.’

‘મહારાજ, કોઈ પણ રીતે નીચે નહીં લવાય.’

‘તો પછી મારા ઉદ્યાનમાંથી એક વૃક્ષ પસંદ કરો.’

સુથારોએ ઉદ્યાનમાં જઇ એક વૃક્ષ જોયું. બહુ સારી રીતે ઊગેલું, સીધું, ગ્રામનિગમ દ્વારા પૂજાતું, રાજકુટુંબ દ્વારા બલિ ચઢાવાતું મંગલ શાલવૃક્ષ. તેમણે રાજાને વાત કરી. રાજાએ કહ્યું, ‘ઉદ્યાન મારું છે. જાઓ કાપો.’ એ વાત માનીને હાથમાં ગંધમાલા લઈને ઉદ્યાનમાં ગયા. વૃક્ષો પર સુગંધિત પંચગુણ ચિહ્નો કર્યાં, દોરા વીંટ્યા, ફૂલહાર ચઢાવ્યા, ઘીનો દીવો પ્રગટાવ્યો, બલિકર્મ કર્યું. પછી જાહેર કર્યું કે ‘આજથી સાતમા દિવસે આવીને વૃક્ષ કાપીશું. રાજા વૃક્ષ કપાવે છે. આ વૃક્ષ પર રહેતા દેવતાઓ બીજે ક્યાંક ચાલ્યા જાઓ. આમાં અમારો કોઈ વાંક નથી.’

ત્યારે ત્યાં રહેતા દેવપુત્રે આ વાત સાંભળી વિચાર્યું , ‘આ સુથારો ચોક્કસ વૃક્ષ કાપવાના. મારા નિવાસસ્થાનનો નાશ કરશે. મારું નિવાસસ્થાન હોય ત્યાં સુધી જ મારું જીવન. આ વૃક્ષની આસપાસ બહુ નાનાં શાલ વૃક્ષ છે, તેમના પર વસતા મારી જાતિના દેવતાઓનાં નિવાસસ્થાન પણ નાશ પામવાનાં. મારા સ્વજનોનો વિનાશ મને મારા વિનાશ કરતાંય વધુ દુઃખદાયક છે. મારે તેમના જીવનની રક્ષા કરવી જોઈએ.’

તે મધરાતે દિવ્ય આભૂષણો પહેરીને રાજાના શયનખંડમાં જઈ પહોંચ્યા, આખા ખંડને પ્રકાશિત કરીને રાજાના માથા આગળ ઊભા રહીને રુદન કરવા લાગ્યા. રાજા તેમને જોઈને ડરી ગયો. તેમની સાથે વાત કરતાં રાજાએ કહ્યું, ‘હે આકાશચારી, શુદ્ધ વસ્ત્ર પહેરીને ઊભેલા, તમે કોણ છો? તમે શા માટે આંસુ સારો છો. તમારા ઉપર કયું દુઃખ આવી પડ્યું છે?’

એટલે દેવપુત્રે કહ્યું, ‘મહારાજ, તમારા રાજ્યમાં મને સાઠ હજાર વર્ષ થયાં. મને બધા ભદ્રશાલ કહે છે. નગરનિર્માણ થયું ત્યારે, આ ગૃહ બંધાવ્યું ત્યારે, નાનામોટા મહેલ બંધાવ્યા ત્યારે મને કોઈએ દુઃખ પહોંચાડ્યું ન હતું. તેમણે જેવી રીતે મારી પૂજા કરી તેવી રીતે તમે પણ પૂજા કરો.’

રાજાએ કહ્યું, ‘તમારા જેટલું મોટું વૃક્ષ મને ક્યાંય ન દેખાયું. તમારું વૃક્ષ લાંબું પહોળું છે, બહુ સુંદર છે. હું એક થાંભલાવાળો મહેલ બનાવવા માગું છું, હું તમને ત્યાં લઈ જઈશ. હે યક્ષ, તમે ત્યાં દીર્ઘજીવી રહેશો.’

આ સાંભળી દેવપુત્રે કહ્યું, ‘જો મને મારા શરીરથી અલગ કરવાનો વિચાર તમારો હોય તો મને કાપીને ટુકડે ટુકડા કરી નાખજો. પહેલાં આગલો ભાગ કાપજો, પછી વચલો અને છેલ્લે મૂળિયાં. આમ કરવાથી મારું મૃત્યુ દુઃખદ નહીં નીવડે.’

રાજાએ આ સાંભળી કહ્યું, ‘જીવતાં જીવત, હાથપગ કાપવાથી, કાનનાક કાપવાથી, પછી મસ્તક કાપવાથી થતું મૃત્યુ તો દુઃખદાયક હોય છે. હે ભદ્રશાલ, શું ટુકડેટુકડા કરીને કપાઈ જવાથી સુખ થાય છે? શા માટે તમે ટુકડેટુકડા થઈને કપાઈ જવા માગો છો?’

‘હે મહારાજ, હું શા માટે ટુકડેટુકડા થઈને કપાઈ જવા માગું છું તે સાંભળો. મારી આસપાસ તડકો પવનથી બચીને સુખેથી મોટાં થયેલાં વૃક્ષો છે. હું જો એક વાર સમૂળગું કપાઈ જઉં તો એમની હિંસા થાય, એમનું દુઃખ વધી જાય.’

આ સાંભળી રાજાએ વિચાર્યું, આ દેવપુત્ર ધાર્મિક વૃત્તિવાળા છે. પોતાનું નિવાસસ્થાન ભલે નષ્ટ થાય પણ તે સ્વજનોના નિવાસસ્થાનનો નાશ થાય એવું ઇચ્છતા નથી. તે સ્વજનો ઉપર ઉપકાર કરવા માગે છે. હું તેમને અભયદાન આપીશ. તેમણે સંતોષ પામી કહ્યું,

‘હે ભદ્રશાલ, જે વિચારવું યોગ્ય છે તે તમે વિચારો છો. તમે સ્વજનોના હિતેચ્છુ છો. હે મિત્ર, હું તમને અભયદાન આપું છું.’

દેવપુત્રે રાજાને ધર્મોપદેશ આપ્યો. રાજા તે ઉપદેશ પ્રમાણે દાનપુણ્ય કરતાં સ્વર્ગે સિધાવ્યા.