ભારતીયકથાવિશ્વ-૩/જાતકની કથાઓ/મહાવેસ્સંતર જાતક: કથાસાર


મહાવેસ્સંતર જાતક: કથાસાર

પ્રાચીન કાળમાં શિવિ દેશના જેતુત્તર નગરમાં રાજાને ત્યાં સંજય નામનો પુત્ર જન્મ્યો. યુવાન વયે મદ્રરાજની કન્યા ફુસતી સાથે તેનું લગ્ન કર્યું, સંજયને રાજ્ય સોંપી ફુસતીને પટરાણી બનાવી.

આ ફુસતી પૂર્વજન્મમાં ઇન્દ્રનાં વરદાન મેળવીને શિવિરાજને ત્યાં પટરાણી થઈ, તેણે ઇન્દ્ર પાસે દાનેશ્વરી પુત્રની માગણી પણ કરી હતી. ઇન્દ્રે તે વરદાન સફળ કરવા બોધિસત્ત્વને ફુસતીના પેટે જન્મ લેવા કહ્યું. બોધિસત્ત્વ ફુસતીના ઉદરમાં પ્રવેશ્યા. તેને દાનશાલા સ્થાપવાનો દોહદ થયો. આ દોહદ એટલા માટે થયો કે તેના ઉદરમાં દાનેશ્વરીનો પ્રવેશ થયો હતો. રાજાએ દાનશાલાની સઘળી વ્યવસ્થા કરી. સાથે સાથે જંબુદ્વીપના બધા રાજાઓ સંજય રાજાને ભેટસોગાદો મોકલવા લાગ્યા. ફુસતીને છેલ્લા દિવસોમાં નગર જોવાની ઇચ્છા થઈ. રાજાએ દેવનગરીની જેમ સજાવેલા નગરની પ્રદક્ષિણા કરાવી. તે વૈશ્યોની શેરીમાં પ્રવેશી ત્યારે પુત્રજન્મ થયો અને ત્યાં જન્મ થયો એટલે તેનું નામ વેસ્સન્તર પડ્યું. તે પુત્રે આંખો ખુલ્લી રાખીને માતાને ‘દાન આપવું છે’ કહ્યું. માએ તેને ઇચ્છે તેટલું દાન આપવા અઢળક ધન આપ્યું.

તેના જન્મદિવસે જ આકાશમાં વિહાર કરનારી એક હાથણી સંપૂર્ણ શ્વેત મદનિયાને લઈને આવી અને મંગલહસ્તીના સ્થાને તેને મૂકીને ચાલી ગઈ. રાજાએ મધુર દૂધ આપનારી ચોસઠ ધાત્રીઓની વ્યવસ્થા બોધિસત્ત્વ માટે કરી. તેની સાથે જ જન્મેલાં સાઠ હજાર બાળકો માટે પણ ધાત્રીઓની વ્યવસ્થા કરી. રાજાએ તેને માટે બનાવડાવેલાં આભૂષણો બોધિસત્ત્વે પાંચ વરસની વયે ધાત્રીઓને આપી દીધાં. આમ આઠ વરસની વય સુધીમાં તો નવ વખત આભૂષણો દાનમાં આપ્યાં. એટલી નાની ઉમરે તે સૂતાં સૂતાં વિચારતો હતો કે હું મારી જાતનું દાન આપવા માગું છું. કોઈ હૃદય માગે કે આંખો માગે તો પણ આપી દઉં. તેના આવા વિચારોથી ધરતી કાંપી ઊઠી. ચારે બાજુ આનંદ આનંદ થયો.

સોળ વરસ સુધીમાં તે બધી કળામાં નિષ્ણાત થયા. બોધિસત્ત્વનું લગ્ન માદ્રી નામની રાજકન્યા સાથે પિતાએ કરાવી આપ્યું. દરરોજ છ લાખનું દાન કરનાર બોધિસત્ત્વની પત્નીએ પુત્રને જન્મ આપ્યો. તેને કંચન જાળમાં ઝીલ્યો હતો એટલે તેનું નામ જાલિકુમાર પડ્યું. પછી તે ચાલતો થયો એટલે પુત્રી જન્મી. તેને કૃષ્ણાજિનમાં ઝીલી એટલે તેનું નામ કૃષ્ણાજિર્ના પડ્યું.

બોધિસત્ત્વ દર મહિને છ વાર શણગારેલા હાથી પર બેસીને દાનશાલાઓ જોવા જતા હતા. તે વખતે પાસેના કલંગિ રાજ્યમાં દુકાળ પડ્યો. ત્યાંના રાજાએ બહુ પ્રયત્નો કર્યા પણ વરસાદ ન જ પડ્યો. લોકો હેરાન હેરાન થઈ ગયા. છેવટે કેટલાક લોકોએ જેતુત્તર નગરના વેસ્સન્તર પાસે જઈ આખો શ્વેત હાથી મંગાવવાની સલાહ આપી. તે હાથી જ્યાં જાય ત્યાં વરસાદ પડે, એટલે બ્રાહ્મણોને મોકલી હાથી મંગાવવા કહ્યું.

કલંગિના બ્રાહ્મણોએ દાનશાલાઓ સામે બેસીને બોધિસત્ત્વને મળવાના બહુ પ્રયત્ન કર્યા. બેએક પ્રયત્ન પછી વેસ્સન્તરે બ્રાહ્મણોને પૂછ્યું, ‘તમારે શું જોઈએ છે?’ ત્યારે તેમણે શ્રેષ્ઠ હાથી માગ્યો, બોધિસત્ત્વે હાથી તરત જ આપી દીધો. તેના શરીરે લાખોનાં આભૂષણો હતાં તે પણ આપી દીધાં. આ દાનથી પૃથ્વી તો કાંપી પણ નગરલોકો ક્રોધે ભરાયા. તે બધાએ રાજા પાસે આવીને ફરિયાદ કરી. ‘જો દાન આપવું જ હતું તો અન્ન, વસ્ત્ર, પલંગનું દાન કરવું હતું. તમે જો અમારી વાત નહીં માનો તો અમે તમને અને તમારા પુત્રને કેદ કરીશુું.’

લોકો વેસ્સન્તરને મારી નાખે એ વાત તો રાજાને કોઈ કાળે સ્વીકાર્ય ન હતી. લોકોએ વેસ્સન્તરને દેશવટો આપવા કહ્યું. રાજાએ તેમની વાત માનીને બીજે દિવસે દેશવટો આપવાની તૈયારી બતાવી. લોકોએ રાજાની વાત માની લીધી. પછી પુત્રને દેશવટાની આજ્ઞા સંભળાવવા દૂત મોકલ્યો. તેણે ક્ષમા માગીને વેસ્સન્તરને દેશવટાની વાત કરી. રાજકુમારે દેશવટાનું કારણ પૂછ્યું. એટલે તેણે કારણ કહ્યું.

વેસ્સન્તર આ સાંભળીને આનંદ પામ્યા. અલંકારો તો ઠીક, હું તો મારું શરીર સુધ્ધાં આપી દઉં. તેણે માદ્રીને પણ દાન આપવા કહ્યું. પુત્રો અને સાસુસસરાની કાળજી લેવા કહ્યું. બીજો પતિ શોધે તો તેની સેવા કરવા પણ કહ્યું. પતિની વાતમાં સમજ ન પડી એટલે માદ્રીને વેસ્સન્તરે દેશવટાની વાત કરી. તે માદ્રીને પોતાની સાથે લઈ જવા માગતો ન હતો. પણ માદ્રીએ તો સાથે જવાની જિદ પકડી, પતિ વિના જીવવાની મારી કોઈ ઇચ્છા નથી, હું તો બાળકો સમેત તમારી સાથે આવીશ. વળી વનમાં પ્રકૃતિના સાન્નિધ્યે રાજ્યની સ્મૃતિ જરાય નહીં આવે એમ કહ્યું. ફુસતી દેવીને પણ પુત્રને અપાયેલા દેશવટાથી બહુ દુઃખ થયું. ફરી ફરી તેને પ્રશ્ન થયો કે મારા નિર્દોષ પુત્રને શા માટે દેશવટો અપાયો છે, તે કોનો હિતચંતિક નથી?

ફુસતી આટલો જ વિલાપ કરીને અટકતી નથી, તે પોતાના પતિ પાસે જઈને શાપવાણી ઉચ્ચારે છે, ‘તમારું રાજ્ય મધમાખો વિનાના મધપૂડાની જેમ પડી જશે, નિર્જળ સરોવરમાં પાંખ વિનાના હંસ જેવી તમારી ગતિ થશે.’ ‘હું ધર્મરક્ષા કરવા પુત્રને દંડી રહ્યો છું’ એવો રાજાનો બચાવ ફુસતીને સ્વીકાર્ય નથી. તેને તો હવે વેસ્સન્તર સાવ એકલો પડી જશે તેની ચંતાિ છે. ‘એક સમયે સમૃદ્ધિમાં આળોટનારો પુત્ર સાવ એકલો થઈ જશે. ઉત્તમ શૃંગાર કરનાર પુત્ર વલ્કલધારી કેવી રીતે બનશે? ઉત્તમ, અમૂલ્ય વસ્ત્ર પહેરનારી માદ્રી, રથ-પાલખીમાં બેસનારી માદ્રી વનમાં કેવી રીતે રહેશે?

જેવી રીતે પંખી પોતાના ખાલી માળાને જોઈ દુઃખી થાય તેવી રીતે હું પુત્રહીન નગરને જોઈ દુઃખી થઈશ. પુત્રને જોયા વિના આમતેમ હું ભટકતી ફરીશ, મારી આવી હાલત જોવા છતાં પણ જો તેને દેશવટો આપશો તો હું આત્મહત્યા કરીશ.’ એમ કહીને તે રડવા લાગી. દેવી ફુસતીનું રુદન સાંભળીને બધો સ્ત્રીવર્ગ ભેગો થઈને કકળાટ કરવા લાગ્યો. કોઈ કોઈને આશ્વાસન આપી શકે તેમ ન હતું. પવન વાવાથી જેવી રીતે શાલ વૃક્ષો જમીનદોસ્ત થઈ જાય તેવી રીતે બધાં સુધબુધ ખોઈ બેઠાં. વેસ્સન્તરના ભવનમાં પણ બધાં સ્ત્રીપુરુષો કલ્પાંત કરવાં લાગ્યાં.

સવાર પડી એટલે વેસ્સન્તર દાન કરવા લાગ્યો. જેને જે જોઈએ તે આપવા આજ્ઞા કરી. યાચકો દુઃખી થઈને બોલતા હતા કે હવે અમને દાન કોણ આપશે? પુષ્કળ ફળ લાગેલા વૃક્ષને કોઈ શા માટે કાપી નાખે છે? કલ્પવૃક્ષને શા માટે ઉખાડી નાખવાનું? બધા જ પ્રકારનાં લોકો રુદન કરવાં લાગ્યાં. સ્ત્રીઓ, બ્રાહ્મણો, શ્રમણો, ભિક્ષુકો અધર્મ થઈ રહ્યો છે એમ માનીને રુદન કરવાં લાગ્યાં.

‘કેટલું બધું દાન કરનાર વેસ્સન્તરને દેશવટો અપાઈ રહ્યો છે.’ દાન લેનારા માત્ર ભિક્ષુકો ન હતા, રાજામહારાજા પણ દાન લેવા આવ્યા હતા. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર લોકોએ દાન લીધું અને એમ કરતાં કરતાં સાંજ પડી ગઈ. વેસ્સન્તર અને માદ્રી માતાપિતાની વિદાય લેવા ગયા ત્યારે પુત્રે પિતાને કહ્યું,

‘તમે મને દેશનિકાલ કરી રહ્યા છો, હવે હું વંક પર્વત પર જઈશ. મેં નગરમાં દાન આપીને મારા જ સ્વજનોને દુઃખી કર્યા છે. હું જંગલી પ્રાણીઓથી ઊભરાતા વનમાં દુઃખ ભોગવતો રહીશ. એવા વનમાં પણ હું પુણ્ય કરીશ. તમે કાદવમાં રગદોળાશો.’

ફુસતીએ માદ્રી શા માટે વનમાં જાય એમ કહ્યું ત્યારે વેસ્સન્તરે કહ્યું, ‘હું તો કોઈ દાસીને પણ તેની ઇચ્છા વિરુદ્ધ લઈ જવા માગતો નથી. એને આવવું હોય તો આવે, ન આવવું હોય તો ન આવે.’

સંજય રાજાએ માદ્રીને સમજાવવાનો પ્રયત્ન કર્યો, રક્તચંદનની અર્ચા કરનારી ધૂળથી મલિન થશે? કાશીનાં વસ્ત્ર પહેરનારી આજે કુશનાં વસ્ત્ર પહેરશે? પરંતુ વેસ્સન્તર વિનાના કોઈ સુખભોગ મને ન ખપે એવું કહેતી માદ્રીને રાજાએ વનવાસનાં દુઃખ વર્ણવી બતાવ્યાં. અનેક જીવજંતુ, સાપ, અજગર, રીંછ, ભયાનક પાડા, વૃક્ષો પર કૂદાકૂદ કરતા વાનર, શિયાળ — આ બધાંનો ત્રાસ કેવી રીતે વેઠાશે?

પરંતુ માદ્રીએ બધાં દુઃખ વેઠવાની તૈયારી બતાવી. તીક્ષ્ણ ઘાસ વડે ભલે શરીરે ઉઝરડા પડે, હું તો જઈશ. વૈધવ્યનાં કેટલાં બધાં દુઃખ હોય છે. લોકો, સગાંવહાલાં વિધવાઓને કેટલો બધો ત્રાસ આપે છે, પતિ ધનવાન હોય કે નિર્ધન — સ્ત્રી પતિ સાથે જ સુખેથી રહી શકે છે. આ સમગ્ર દિવ્ય વસુંધરા મને મળે તો પણ વેસ્સન્તર વિના હું અહીં રહી ન શકું. માદ્રી જ્યારે કોઈ રીતે ન માની ત્યારે રાજાએ બાળકોને મૂકીને જવાની વાત કરી. પણ માદ્રી વનનાં દુઃખ વેઠવામાં રાહતરૂપ થનારાં બાળકો વિના જવા માગતી ન હતી. ફરી રાજાએ તેને અનેક રીતે સમજાવી, શાલીધાન ચોખાનો ભાત ખાનારાં બાળકો વૃક્ષોનાં ફળ કેવી રીતે ખાશે? સુવર્ણથાળમાં ભોજન કરનારાં બાળકો વૃક્ષોનાં પાંદડાંમાં ખાશે? કંમિતી વસ્ત્ર પહેરનારાં, રથપાલખીમાં ફરનારાં, પલંગમાં સૂઈ જનારાં બાળકો, ચમરી- મોરપીંછાની હવા ખાનારાં બાળકો...

અને આમ જ સવાર પડી. માદ્રી બાળકોને લઈને વેસ્સન્તરની પહેલાં રથ પાસે પહોંચી ગઈ. વેસ્સન્તર વંક પર્વતની દિશામાં જવા લાગ્યો. ફુસતીએ રત્નો ભરેલી ગાડીઓ પુત્ર પાસે મોકલાવી, જેથી તે દાન આપી શકે. વેસ્સન્તરને પાછું વળીને નગર જોવાની ઇચ્છા થઈ એટલે પૃથ્વી ફાટીને અવળી થઈ ગઈ.

હવે કેટલાક બ્રાહ્મણો દાન લેવામાં બાકી રહી ગયા હતા. તેમણે નગરમાં આવીને તપાસ કરી તો જાણવા મળ્યું કે રાજા તો રથમાં બેસીને ગયા છે. એટલે ઘોડાનું દાન લેવા તેઓ વેસ્સન્તર પાસે ગયા અને રાજાએ ચારેચાર ઘોડા આપી દીધા. હવે દેવતાઓ રાતા હરણના વેશે આવીને રથ ખેંચવા લાગ્યા. ફરી એક બ્રાહ્મણે આવીને રથ માગ્યો એટલે રાજાએ રથ આપી દીધો. પછી પતિપત્ની બાળકોને ઊંચકીને ચાલવા લાગ્યાં. વંક પર્વતના રસ્તે ફળવાળાં વૃક્ષોને જોઈને બાળકો રડતાં હતાં ત્યારે બોધિસત્ત્વના પ્રભાવથી ડાળીઓ નમીને હાથ પાસે આવી જતી હતી.

જેતુત્તર નગરથી માતુલ નગરનો રસ્તો ત્રીસ યોજનનો હતો, દેવતાઓએ એ માર્ગ ટૂંકો કરી દીધો એટલે તેઓ એક જ દિવસમાં પહોંચી ગયા. ત્યાં બધા લોકોને વેસ્સન્તરના આગમનની જાણ થઈ એટલે બધા મળવા આવ્યા. તેમણે આગમનનું કારણ પૂછ્યું ત્યારે વેસ્સન્તરે વિગતે વાત કરી, ત્યાંના લોકો તો વેસ્સન્તરને રોકાઈ જવાનું કહેતા હતા પણ વેસ્સન્તરે વંક પર્વતનો જ આગ્રહ રાખ્યો. વળી લોકોને એમ પણ કહ્યું કે તમે મારી કશી ભલામણ રાજાને કરતા નહીં. પછી તેમણે વંક પર્વતનો રસ્તો બતાવ્યો. રસ્તે આવતાં નદીનાળાં, સરોવરો, પશુપક્ષીઓનો પરિચય આપ્યો. વનના પ્રવેશસ્થાને એક જાણકારને બેસાડી દીધો જેથી જતાઆવતા લોકો પર નજર રાખી શકાય.

દેવરાજ ઇંદ્રે ધ્યાન ધરીને જોયું તો વેસ્સન્તર હવે હિમાલયમાં પ્રવેશી ગયો હતો એટલે વિશ્વકર્માને બોલાવી વેસ્સન્તર માટે નિવાસસ્થાન બનાવવાની સૂચના આપી. પર્ણશાલામાં આવીને બધાએ તાપસવેશ ધારણ કર્યા. માદ્રીએ વનમાંથી ફળફૂલ લાવવાની જવાબદારી સ્વીકારી. વેસ્સન્તરે માદ્રીને હવે આપણે બ્રહ્મચર્યવ્રત પાળીશું એમ કહ્યું. આમ કરતાં કરતાં સાત મહિના વીતી ગયા.

તે સમયે કલંગિ રાષ્ટ્રમાં પૂજક નામના બ્રાહ્મણે ભીખ માગી માગીને સો કાષાર્પણ ભેગા કર્યા હતા. એક બ્રાહ્મણ પરિવારને ત્યાં પોતાની થાપણ મૂકીને ધન કમાવા બીજે ચાલ્યો ગયો. પણ પેલો પરિવાર થાપણ પાછી આપી ન શક્યો. થાપણના બદલામાં અમિત્રતાપન નામની પોતાની કન્યા આપી. પણ ગામની સ્ત્રીઓ આ કન્યાની મજાક ઉડાવ્યા કરતી હતી. વૃદ્ધ પતિ અને યુવાન પત્ની તેમની મજાકનો વિષય હતો. આનાથી ત્રાસીને પેલી સ્ત્રીએ પાણી ભરવા જવાની ના પાડી. કોઈ દાસદાસી નહીં આવે તો ઘરમાં નહીં રહું એવી ધમકી પણ આપી. બ્રાહ્મણે પોતાની લાચારી જણાવી ત્યારે તેની પત્નીએ વંક પર્વતમાં રહેતા વેસ્સન્તર રાજા પાસે જઈને દાસ-દાસીનું દાન માગી લાવવા કહ્યું. છેવટે બ્રાહ્મણ તૈયાર થયો એટલે તેની પત્નીએ તેને ભાથું બાંધી આપ્યું અને પૂજક નીકળી પડ્યો વેસ્સન્તરની શોધમાં. અનેક દુઃખ અનુભવતો, રાજાની ભાળ કાઢતો તે વંક પર્વત આગળ આવી પહોંચ્યો. ત્યાં અગાઉથી બેસાડેલા પેલા જાણકારને આ પૂજકની જાણ થઈ એટલે તેને લાગ્યું કે આ બ્રાહ્મણ માદ્રીની કે બાળકોની યાચના કરશે એટલે તેને ડરાવ્યો, મારી નાખવાની ધમકી આપી. એટલે પૂજક જૂઠું બોલ્યો: મને શિવિરાજાએ મોકલ્યો છે. એટલે તે જાણકારે તેને ખોરાકપાણી આપી વેસ્સન્તરના નિવાસસ્થાનની બધી માહિતી આપી, તેની દિનચર્યા પણ જણાવી. ત્યાં કયાં ફળાઉ વૃક્ષો છે, પુષ્પો કયાં છે, પંખીઓ કેવાં છે તેનું વિગતે વર્ણન કર્યું.

આમ પૂજક નીકળી પડ્યો અને રસ્તામાં મળેલા એક ઋષિના ખબરઅંતર પૂછ્યાં. ઋષિને પણ પૂજકના મેલા વિચારની ગંધ આવી. પણ ફરી પૂજકે બનાવટ કરી અને વેસ્સન્તરની માહિતી માગી. ઋષિએ પણ ત્યાં થતાં ફૂલોની, વૃક્ષોની માહિતી આપી. આ ઉપરાંત પશુપક્ષીઓનાં વિગતે વર્ણન કર્યાં.

આ રીતે પૂજક વેસ્સન્તરના નિવાસસ્થાને સાંજે જઈ પહોંચ્યો પણ તેણે વિચાર્યું, રાજાની પત્ની અત્યારે તો તેના આશ્રમમાં આવી ગઈ હશે, સ્ત્રીઓ દાનમાં અંતરાયરૂપ બનતી હોય છે એટલે કાલે સવારે જઈને રાજા પાસે દાન માગીશ.

બીજે દિવસે પરોઢિયે માદ્રીને સ્વપ્ન આવ્યું. કાષાય વસ્ત્ર પહેરેલો કોઈ કાળા રંગનો માણસ કાને લાલ માળા રાખીને, હાથમાં શસ્ત્ર લઈને બીવડાવતો આવે છે, માદ્રીના વાળ પકડીને તેને ભોંય ભેગી કરે છે, તેની આંખો, તેના હાથ કાપીને અને તેનું હૃદય કાઢીને લઈ જાય છે. બોધિસત્ત્વ પાસે જઈને તે આ સ્વપ્નની વાત કરવા માગે છે અને કશા શૃંગારની અપેક્ષા લઈને નથી આવી તેની ચોખવટ કરે છે. બોધિસત્ત્વે સ્વપ્ન સમજી લીધું કે આવતી કાલે કોઈ યાચક આવીને બાળકોની માગણી કરશે. પણ આવી કશી વાત કરવાને બદલે તેને ધીરજ બંધાવી. પછી માદ્રી ફળફૂલ લાવવા વનમાં ગઈ.

હવે માદ્રી આશ્રમમાં નહીં હોય એમ માનીને પૂજક બ્રાહ્મણ પર્ણશાળામાં પ્રવેશ્યો. જાલિયકુમાર બ્રાહ્મણને આવકારવા ગયો પણ બ્રાહ્મણે તેને ધૂત્કારી કાઢ્યો. વેસ્સન્તરે વિલંબ કર્યા વગર તેના આગમનનું કારણ પૂછ્યું. પૂજકે બાળકો માગ્યાં. અને રાજાએ તેને એક રાત રોકાઈ જવા કહ્યું. પણ પૂજક માન્યો નહીં, સ્ત્રીઓ દાનેશ્વરી નથી હોતી એમ પણ કહ્યું.

વેસ્સન્તરે પૂજકને કહ્યું, ‘તું મારા પિતા પાસે આ બાળકોને લઈને જજે. તે તને ધન આપશે.’ પણ તે તો બ્રાહ્મણીની સેવા માટે જ બાળકોને લઈ જવા માગતો હતો એટલે તે ન માન્યો. બંને બાળકો પૂજકથી ડરી જઈને સંતાઈ ગયાં, એટલે પૂજકે રાજા ઉપર આરોપ મૂક્યો, તેં જ બાળકોને ભગાડી દીધાં છે.

છેવટે પાણીમાં સંતાઈ ગયેલાં બાળકોને વેસ્સન્તરે બોલાવ્યાં. પોતાની દાનપારમિતામાં મદદરૂપ થવા બાળકોને વિનંતી કરી. પછી તેણે પુત્રને કહ્યું, ‘જો તું દાસત્વમાંથી મુક્ત થવા માગતો હોય તો આ બ્રાહ્મણને એક હજાર નિકષ અપાવજે, બહેનને છોડાવવા સો દાસ-દાસી, સો હાથી, સો ઘોડા, સો નિકષ અપાવજે.‘ એમ કહી બાળકો પૂજકને સોંપી દીધાં. અને પૂજક બાળકોને મારતો મારતો લઈ ગયો. લાગ જોઈને બાળકો ભાગીને પિતા પાસે ગયાં. અને મા આવે પછી જ અમને સોંપજો એવી વિનંતી કરી. તેમને પૂજક બ્રાહ્મણ નહીં પણ કોઈ યક્ષ લાગ્યો. બાળકોને થયું કે હવે આપણને આ આશ્રમ જોવા નહીં મળે. હવે માતાપિતા જોવા નહીં મળે, એટલે અમારી માનાં ખબરઅંતર પૂછજો એમ કહીને ચાલી નીકળ્યાં.

પછી તો વેસ્સન્તર પણ બાળકોને પડનારાં દુઃખની કલ્પના કરીને વિલાપ કરવા લાગ્યો. પોતાની આંખો સામે જ પૂજક બાળકોને મારતો હતો તેનાથી તેને બહુ ક્લેશ થયો. પણ પછી બોધિસત્ત્વની બધી પરંપરાઓનું સ્મરણ કરીને સ્વસ્થ થયો. કૃષ્ણાજિર્ના પણ બ્રાહ્મણની દુષ્ટતાથી ગભરાઈ જઈને આક્રંદ કરવા લાગી. માને વિનંતી કરી, જો તારે અમને મળવું હોય તો જલદી આવ.

બાળકોના આ દાનથી દેવતાઓ પણ ધ્રૂજી ઊઠ્યા. તેમણે વિચાર્યું, જો માદ્રી સાંજે આશ્રમમાં આવીને બાળકોને નહીં જુએ તો ક્લેશ કરશે અને બ્રાહ્મણની પાછળ દોડશે. એટલે દેવતાઓએ દેવપુત્રોને વાઘ-સંહિ-ચિત્તાનાં રૂપ લઈ માદ્રીનો રસ્તો રોકી રાખવા જણાવ્યું. દેવપુત્રો માદ્રીના આવવાના રસ્તા પર આડા પડ્યા. માદ્રી પણ સવારના દુ:સ્વપ્નથી કંટાળી ગયેલી. તેને હવે બધી ભ્રમણા થવા લાગી. પણ રસ્તે જંગલી પ્રાણીઓ જોયાં. તેમને કહેવા લાગી, ‘તમે મારા ભાઈ છો. મને જવા દો. બાળકો મારી રાહ જોતાં હશે.’ પછી દેવપુત્રો અદૃશ્ય થઈ ગયા.

તે પૂનમની રાત હતી. દર વખતે તો બાળકો માદ્રીની રાહ જોતાં ઊભાં જ હોય પણ આજે તેમને ન જોઈ તે ચંતાિ કરવા લાગી. તેમના આકસ્મિક મૃત્યુનો વિચાર પણ આવ્યો અને તે સીધી બોધિસત્ત્વ પાસે જઈ પહોંચી. જાતજાતની આશંકા કરીને તે પૂછવા લાગી. પણ તે તો મૂગા જ રહ્યા. પછી પૂછ્યું, ‘આટલી મોડી કેમ આવી?’ ત્યારે માદ્રીએ રસ્તામાં આવી ચઢેલાં પ્રાણીઓની વાત કરી. સવાર સુધી બોધિસત્ત્વ મૂગા જ રહ્યા.

માદ્રી વિલાપ કરવા લાગી, પોતાની સ્થિતિને સીતા સાથે સરખાવી. બાળકો માટે તે જાતજાતનાં ફળ લઈ આવી હતી. બાળકો દરરોજ જ્યાં રમતાં હતાં ત્યાં પણ તે જઈ આવી. પણ બાળકો ક્યાંય ન હતાં. અશ્રુપાત કરતી તે જમીન પર ફસડાઈ પડી. બોધિસત્ત્વે માની લીધું કે તે મૃત્યુ પામી છે. થોડી વાર પછી હોશમાં આવેલી માદ્રીને બાળકોના દાનની વાત કરી. માદ્રીએ એ દાન બદલ વેસ્સન્તરને ધન્યવાદ આપ્યા.

આ બધું બન્યા પછી ઇંદ્રે વિચાર્યું, કાલે ઊઠીને કોઈ નીચ પુરુષ માદ્રીનું જ દાન માગી લેશે તો, એટલે તે પોતે જ બ્રાહ્મણનો વેશ લઈ માદ્રીનું દાન લેવા નીકળ્યા, ‘મહારાજ, હું વૃદ્ધ થઈ ગયો છું, તમારી પત્ની મને આપો.’ વેસ્સન્તર આ સાંભળીને થોડા અસ્વસ્થ તો થયા પણ તેમણે માદ્રીનું દાન કરી દીધું, માદ્રી જરાય ડરી નહીં, રડી નહીં.

શક્રે છેવટે પ્રગટ થઈ વેસ્સન્તરની બહુ સ્તુતિ કરી. ઇંદ્રે જ્યારે તેને આઠ વરદાન માગવા કહ્યું ત્યારે વરદાન માગ્યા: પિતા દ્વારા સ્વાગત, અપરાધી પિતાનો વધ કરવાની અનિચ્છા, બધી જ અવસ્થાના સ્ત્રીપુરુષોને આશ્રય, પત્નીવ્રતાપણું, દીર્ઘાયુ પુત્ર, સૂર્યોદયે દિવ્ય ભોજન, દાન આપવા છતાં અક્ષુણ્ણ રહે એવો દાનભંડાર, મૃત્યુ પછી સ્વર્ગપ્રાપ્તિ.

વેસ્સન્તરને આ બધાં વરદાન આપી શક્ર સ્વર્ગે સિધાવ્યા.

પૂજક બાળકોને રસ્તામાં સૂવડાવી દેતો હતો. ત્યારે એક દેવપુત્ર વેસ્સન્તરનું અને એક દેવકન્યા માદ્રીનું રૂપ લઈને આવતાં અને બાળકોની આસનાવાસના કરી તેમને સૂવડાવી દેતા અને પછી બંને અંતર્ધાન થઈ હતાં. પૂજક ઉપર દેવતાનું શાસન ચાલ્યું એટલે તે વતન જવાને બદલે જેતુત્તર નગરમાં જઈ પહોંચ્યો. રાજાએ પણ સ્વપ્નમાં બે કમળ લઈને આવેલા કોઈ માણસને જોયો. બ્રાહ્મણોએ સ્વપ્નનો મર્મ કહ્યો, ‘બહુ દિવસ પછી વિખૂટા પડેલાં સ્વજનો મળશે.’

દેવતાઓની પ્રેરણાથી બ્રાહ્મણ રાજસભામાં જઈ પહોંચ્યો. રાજાના પૂછવાથી બ્રાહ્મણે વેસ્સન્તરે દાનમાં આપેલાં બાળકોની વાત કરી. આ સાંભળી અમાત્યોએ વેસ્સન્તરની નંદાિ કરી. તે બધાંનું દાન કરી શકે પણ બાળકોનું દાન કેવી રીતે તે કરી શકે, પણ રાજાએ પોતાના પુત્રનો બચાવ કર્યો, જેની પાસે કશું હોય જ નહીં તે શાનું દાન કરે? કૃષ્ણાજિર્નાએ પૂજક બ્રાહ્મણની ક્રૂરતાની વાત કરી. રાજાએ બાળકોને પોતાની પાસે બોલાવ્યાં પણ ‘અમે તો આના દાસ છીએ’ એમ કહી તેઓ દૂર જ રહ્યા.

રાજાએ બાળકોને તેમનું મૂલ્ય પૂછ્યું અને એ પ્રમાણે મૂલ્ય અપાવ્યું, પછી રાજાએ બાળકોને સ્નાન કરાવ્યું, અલંકૃત કર્યાં અને વેસ્સન્તર તથા માદ્રીનાં ખબરઅંતર પૂછ્યાં. જાલિકુમારે પોતાના માતાપિતાની દિનચર્યા વિગતે વર્ણવી બતાવી અને છેલ્લે સંજય રાજાનો વાંક પણ કાઢ્યો. કુમારે પછી કહ્યું, ‘તમે જાતે જઈને અમારા પિતાને તેડી લાવો.’

હવે રાજાએ સેનાપતિને સેના તૈયાર કરવાની આજ્ઞા આપી. સાઠ હજાર સૈનિકો, ચૌદ હજાર હાથી અને એટલા જ ઘોડા, રથ તૈયાર કરાવ્યા. વંક પર્વત સુધીનો માર્ગ સમતલ કરવાની આજ્ઞા આપી. રસ્તામાં ખાણીપીણીની વ્યવસ્થા કરવા કહ્યું. સંગીતકારો, નટ, નૃત્યકારો, જાદુગરોને તૈયાર થવાની સૂચના આપી. પૂજક વધારે પડતું ખાઈને મૃત્યુ પામ્યો. પછી સેના નીકળી પડી. હાથીઘોડાના અવાજ સાંભળીને વેસ્સન્તરને શંકા ગઈ કે કોઈ દુશ્મન રાજા મારા પિતાનો વધ કરીને મને મારી નાખવા તો નથી આવતો ને! ભયભીત થઈને માદ્રી આગળ પોતાની શંકા વ્યક્ત કરી પણ થોડી વારે તે સ્વસ્થ થયો. સંજય રાજાએ પુત્ર પાસે વારાફરતી જવા સૂચવ્યું. પોતે પુત્ર પાસે ગયો, વેસ્સન્તરે અને માદ્રીએ પિતાની વંદના કરી. જંગલમાં કાઢી મુકાયા પછી સુખ શું દુઃખ શું. વેસ્સન્તરે પુત્રોના સમાચાર પૂછ્યા એટલે રાજાએ તેમની કુશળતા જણાવી. પછી ફુસતી દેવી પણ ત્યાં જઈ ચઢી. બાળકો માદ્રી પાસે દોડી ગયાં.

સંજય રાજાએ વેસ્સન્તરની ક્ષમા માગી, અને રાજ્ય સોંપ્યું. વેસ્સન્તર પણ સ્નાનશુદ્ધિ કરીને પોતાના જન્મની સાથે જન્મેલા હાથી પર સવાર થયો. ફુસતીએ પુત્રવધૂ માદ્રી માટે આભૂષણો, વસ્ત્ર મોકલ્યાં; માદ્રી પણ હાથી પર સવાર થઈ. જંગલનાં બધાં પ્રાણીઓ અહંસિક બની ગયાં, બધાં પશુપક્ષી એકઠાં થયાં. આમ વેસ્સન્તરની યાત્રા આગળ ચાલી. સાઠ યોજનનો માર્ગ પસાર કરતાં તેમને બે મહિના લાગ્યા. વેસ્સન્તરે નગરપ્રવેશ વખતે વિચાર્યું, સવાર થશે એટલે યાચકો દાન લેવા આવશે, તેમને હું શું આપીશ?

આ જાણીને શક્રે રાજભવનની બધી દિશાએ રત્નવર્ષા કરી. જેમને ઘેર આ વર્ષા થઈ તેઓ એ રત્નો પોતાની પાસે જ રાખી લે એમ જાહેર કર્યું અને વધેલાં રત્નો રાજકોશમાં મુકાવી દીધાં.

(આદિ કથાઓના અનુવાદ: હરિવલ્લભ ભાયાણી, બાકીની જાતકકથાઓના અનુવાદ: ભદંત આનંદ કૌસલ્યાયન)