ભારતીયકથાવિશ્વ-૩/જાતકની કથાઓ/વિષનું મારણ


વિષનું મારણ

આજે ભાદરવી પૂનમ. ઉત્તરાને પરણીને આવ્યાને આજે બે માસ પણ થઈ ગયા.

આજથી બે માસ પહેલાં આષાઢી પૂર્ણિમાને દિને ઉત્તરાએ રાજગૃહના કોટિપતિ સુમનશ્રેષ્ઠીના મહાલયમાં તેની પુત્રવધૂ તરીકે પગ મૂક્યો હતો.

એ પ્રથમ પ્રવેશ વેળા કેટલા ઉમંગથી, કેટલા કેટલા કોડથી તેનું હૃદય થનગનતું હતું!

અને અત્યારે?

અત્યારે ઉત્તરાના મનમાં એક જ વિચાર વારંવાર સ્ફુર્યા કરતો હતો, ‘મારા જેવી હતભાગિની કોઈ હશે ખરી?’

એકાદ માસથી તો તેની પથારીને તેનાં ઊનાં ઊનાં આંસુથી નિયમિત ભીંજાવાની ટેવ પડી ગઈ હતી.

તેના પિતા પૂર્ણશ્રેષ્ઠી કેટલી ઊંડી સમજવાળા, કેટલા દૂરદર્શી હતા તે ઉત્તરાએ પોતાને ભોગે હવે બરાબર જાણ્યું. કેમ કે પૂર્ણશ્રેષ્ઠી પહેલેથી જ ઉત્તરાને અહીં આપવાની વિરુદ્ધ હતા. જે દિવસે પહેલી વાર સુમનશ્રેષ્ઠીએ તેમની પાસે પોતાના પુત્ર માટે ઉત્તરાના હાથની માગણી કરી તે દિવસે જ તેમણે તેમને ના કહેવરાવી દીધેલી, ને પછી સુમનશ્રેષ્ઠીએ એ બાબતમાં વળીવળીને આગ્રહ કર્યો, તો પણ તેની સામે તેઓ ટકી રહેલા. કારણ ઉઘાડું હતું. પૂર્ણશ્રેષ્ઠીના કુટુંબનાં સૌ ભગવાન બુદ્ધનાં પૂર્ણ શ્રદ્ધાળુ ઉપાસક હતાં. જ્યારે સુમનશ્રેષ્ઠી હતા, વિધર્મી. એમની પાસે પૈસો ને પ્રતિષ્ઠા ગમે તેટલાં હોય તો ય શું? એમને ત્યાં આપતાં એમની લાડકી ધર્મિષ્ઠ ઉત્તરાનું ભાવિક મન ડગલે ને પગલે દુભાયા વિના ન રહે. આ વાત તેમની અનુભવી નજર આગળ દીવા જેવી દેખાતી હતી.

પણ તેમના સ્નેહીમંડળમાંના બીજા શ્રેષ્ઠીઓ, ભંડારીઓ ને ઇતર રાજપુરુષોએ સુમનશ્રેષ્ઠી સાથે સંબંધ ન બગાડવા તેમને ખૂબ સમજાવેલા. એટલે પછી જેમતેમ મન મનાવીને તેમણે સુમનશ્રેષ્ઠીનું માગું સ્વીકારેલું. ને તેમના પુત્ર સાથે ઉત્તરાનો વિવાહ કરી આપેલો.

પણ બે માસમાં જ પિતાની આશંકા કેટલી સાચી હતી તેનો ઉત્તરાને ગળા સુધી અનુભવ થઈ ગયો. આ સાઠ દિવસમાં એ એક વાર પણ નહોતી ભિક્ષુ કે ભિક્ષુણીનાં દર્શન પામી શકી, નહોતી કાંઈ દાનપુણ્ય કરી શકી કે નહોતી શ્રમણોની ધર્મદેશના સાંભળી શકી.

તેના સ્વામીની સેવાશુશ્રૂષામાં ને તેની સાથે ભોગોપભોગમાં જ દિવસરાત વીતી જતાં. ઘરનું વાતાવરણ જ વૈભવવિલાસનું હતું. દાન ને નાશ: સુમનશ્રેષ્ઠીને ત્યાં દ્રવ્યની એ બે ગતિથી જાણે કે બચવા માટે ત્રીજી ગતિ ભોગની પાછળ જ બધો વ્યય થતો. એટલે ધર્મકૃત્યની દિશામાં ઉત્તરાને ઘર તરફથી કોઈ અનુકૂળતા મળવાની આશા જ બંધાય તેમ ન હતું.

એમ ને એમ વળી પંદરેક દિવસ નીકળી ગયા. હવે તો ઉત્તરા પૂરેપૂરી અકળાઈ ગઈ હતી. આ ગૂંગળામણનો અંત કેમે કરી આવશે ખરો?

તેણે પરિચારિકાઓને પૂછ્યું, ‘ચાતુર્માસને કેટલા દિવસ હવે બાકી રહ્યા?’

‘પંદર દિવસ, આર્યા.’ ઉત્તર મળ્યો.

શું ત્યારે આખું ચાતુર્માસ પુણ્યકર્મ વિના કોરેકોરું જશે?

કાંઈ ઉપાય ન સૂઝતાં ઉત્તરાએ પિતાને સંદેશો મોકલી હૃદયવરાળ કાઢી, ‘તમે મને શા માટે આવા કારાગૃહમાં નાખી? આવા નાસ્તિકોના કુળમાં નાખવા કરતાં છાપ લગાવીને મને દાસી તરીકે જાહેર કરી હોત તો પણ વધારે સારું હતું. અહીં આવી ત્યારથી માંડીને આજ સુધીમાં નથી મેં કોઈ ભિક્ષુનાં દર્શન કર્યાં કે નથી મને એક પણ પુણ્યકર્મ કરવાની તક મળી.’

પુત્રીને દુઃખી જાણી પૂર્ણશ્રેષ્ઠી ઘણા ખિન્ન થયા. તેમને ભીતિ હતી તે સાચી ઠરી. પણ હવે થયું અણથયું થાય તેમ તો ન હતું. તો પછી શું કરવું?

તેમની વ્યવહારકુશળ બુદ્ધિએ માર્ગ ખોળી કાઢ્યો.

ઉત્તરાને પંદર હજાર કાર્ષાપણની એક થેલી મોકલી સાથે કહેવરાવ્યું, ‘આપણી નગરીમાં શ્રીમતી નામે એક ગણિકા છે, તે એક રાતના એક હજાર કાર્ષાપણ લે છે. તો આ દ્રવ્યથી તું તેને કામમાં લે. પંદર દિવસ તારા પતિની સેવામાં તારે સ્થાને તેને મૂકી એટલા દિવસ તું પુણ્યકાર્યમાં ગાળજે.’

પિતા તરફથી આવેલો સંદેશો ઉત્તરાએ ઉત્સાહથી વધાવી લીધો. તરત જ ગણિકા શ્રીમતીને બોલાવી મગાવી ને કહ્યું, ‘ભદ્રે! તું આ દ્રવ્ય લઈને બદલામાં એક પખવાડિયું મારા સ્વામીની પરિચર્યા કરવાનું સ્વીકાર. મારે માટે એટલું સખીકૃત્ય કર.’

‘સારું.’ કહી શ્રીમતીએ સાટું માન્ય રાખ્યું.

એટલે ઉત્તરા શ્રીમતીને સાથે લઈને સ્વામી પાસે ગઈ. તેના મનમાં થોડીક ભીતિ હતી. આ ગોઠવણ પાર ઊતરશે ખરી?

કોઈ અજાણી સુંદરી સાથે ઉત્તરાને આવેલી જોતાં સ્વામીની રસવૃત્તિ સળકી. તે બોલી ઊઠ્યો, ‘કેમ શું છે?’

‘સ્વામિન્’ ઉત્તરાના સ્વરમાં જેટલો સંકોચ હતો, તેટલી મીઠાશ હતી. ‘અનુજ્ઞા આપો તો આ પખવાડિયા પૂરતી આ મારી સહાયિકાને મારી બદલીમાં તમારી પરિચર્યામાં મૂકું. મારે આ પંદર દિવસ દાનપુણ્ય ને ધર્મધ્યાનમાં જ ગાળવાનું મન છે.’

વાત જરા વિચિત્ર હતી.

રંગીલા શ્રેષ્ઠીપુત્રે શ્રીમતી ઉપર નજર ઠેરવી.

નખશિખ સુંદરતાની મૂર્તિ સમી શ્રીમતીને જોઈને તે પાણી પાણી થઈ ગયો. વિના પ્રયાસે, વિના ઉપાધિએ દૈવે આ અમૃતફળ તેના મુખ આગળ ધર્યું, પછી શા માટે જતું કરવું?

કાંઈક અણગમાના દેખાવ સાથે તે બોલ્યો, ‘તનેયે સુખે રહેતાં આવડતું નથી લાગતું. એ ધરમના ઢોંગ — ધુતારાને રવાડે ક્યાં ચડી? પણ તારી એટલી બધી હોંશ હોય તો પછી તું જાણે. મારે શું કામ આડે આવવું જોઈએ. તેં આટલી ગોઠવણ કરી છે, તો પછી તેમાં હા-ના કરી તારું મન દુભાવવું ઠીક નહીં.’

થયું. આટલી સરળતાથી બધું પતી ગયું, તેથી ઉત્તરા તો રાજી રાજી થઈ ગઈ.

તે ઘડીએ જ તે ઊપડી અને એક પખવાડિયા સુધી બીજે ક્યાંય ન જતાં પોતાને ત્યાં જ ભિક્ષા ગ્રહણ કરવાનું ભગવાન બુદ્ધ તથા ભિક્ષુસંઘને નિમંત્રણ આપ્યું. ભગવાને એ નિમંત્રણનો સ્વીકાર કર્યો એટલે તો ઉત્તરાનું હૃદય આનંદથી ઊછળી રહ્યું. આજથી માંડીને પક્ષના અંતિમ મહોત્સવ સુધી ભગવાનની પરિચર્યા કરવાનો અને ધર્મનું શ્રવણ કરવાનો લહાવો લેવાનું સૌભાગ્ય એને મળ્યું છે એ વિચારે ઉત્તરા થોડીથોડી થઈ જતી.

ઘરે આવી ભિક્ષામાં આપવાના ભોજનની તૈયારી માટે તે રસોડામાં આમતેમ ઘૂમવા લાગી. બધી સામગ્રી સારામાં સારી રીતે તૈયાર થાય તે માટે યવાગૂને બરાબર આમ રાંધો; આ અપૂપ તળવામાં ખૂબ સંભાળ રાખજો. હો, જરા પણ કચાશ ન રહે. એમ સૂપકારોને વારંવાર સાવધાન કરવા લાગી. દોડાદોડ કરીને દાસદાસીઓ પાસેથી કામ લેવા લાગી.

આમ ભગવાન બુદ્ધને તથા સંઘને ભિક્ષા આપવામાં, ને ધર્મશ્રવણમાં ઉત્તરાના તેર દિવસ તો ઘડીકમાં વીતી ગયા. તેર દિવસથી એ પોતાના જીવતરની ધન્યતા અનુભવી રહી હતી.

ચૌદમા દિવસની સાંજ હતી. ઉત્તરાનો સ્વામી ઉપર બારીમાં ઊભો ઊભો નીચે રસોડામાં શું ચાલે છે તે તરફ નજર નાખી રહ્યો હતો. કાલે પુણ્યપક્ષની પૂર્ણાહુતિનો દિવસ હતો. વર્ષાન્ત મહોત્સવ ઊજવવાનો હતો. તે માટેના ભોજનસમારંભની વ્યવસ્થામાં ઉત્તરા નિરાંતે શ્વાસ પણ ખાતી ન હતી. ઘડીક અહીં તો ઘડીક તહીં ઘૂમાઘૂમ કરતી તેની મૂર્તિ નજરે પડતી હતી. પરસેવાથી તેનો દેહ રેબઝેબ હતો. વાળ અસ્તવ્યસ્ત હતા. રાખ, કોલસા ને મેશથી તેનાં હાથપગ ને વસ્ત્રો ખરડાયેલાં હતાં. વેશભૂષાનું કશું ઠેકાણું ન હતું. બીજી દાસીઓ સાથે એક દાસી જેવી તે અત્યારે લાગતી હતી.

સ્વામીને સાવ ભોટ લાગતી ઉત્તરા આ જોતી વેળા તો સાવ મૂર્ખી હોવાની ખાતરી થઈ. જુઓ તો ખરા! આવા ભર્યા સુખવૈભવ ભોગવવા છોડી એ બુદ્ધિ વગરની મૂંડિયા સાધુડા પાછળ આંધળી ભીંત થઈને લોહીનું પાણી કરી રહી છે, ને એમાં પાછો બહુ આનંદ માની રહી છે! મૂર્ખાઓનો પણ જગતમાં ક્યાં તોટો છે?

ને આવી મૂર્ખાઈને કારણે તેને ઉત્તરા પર હસવું આવ્યું. હસતાં હસતાં તેણે બારીમાંથી પોતાનું મુખ અંદર ફેરવી લીધું.

ગણિકા શ્રીમતી પણ ત્યાં ઉત્તરાના સ્વામીની બાજુમાં જ ઊભી હતી. તેને હસતો જોઈ તેને થયું, ‘એવું તે શું જોયું હશે કે શ્રેષ્ઠીપુત્રને હસવું આવ્યું?’

કુતુહલ શમાવવા શ્રીમતીએ પણ બારીમાંથી નજર નાખી, તો નીચે રસોડામાં ઉત્તરાને જોઈ. એટલે તેને થયું, ‘જરૂર ઉત્તરા ને તેના સ્વામી વચ્ચે મારાથી છૂપો કશોક ગુપ્ત સંકેત થયો.’

ને એકદમ તેના હૃદયમાં ઉત્તરા પ્રત્યે તીવ ધિક્કારની લાગણી પ્રગટી. આ ચૌદ દિવસ શ્રેષ્ઠીપુત્રે તેને જાણે હથેળી પર રાખી હતી. પેટ ભરીને આવો વૈભવવિલાસ માણ્યો તેને પરિણામે શ્રીમતીને કાંઈક એવો ખ્યાલ આવી ગયેલો કે પોતાને ઉત્તરાનું — એ ઘરની સ્વામિનીનું જ સ્થાન મળી ગયું છે! પોતે અહીં એક રખાત તરીકે છે એ વાત એ લગભગ વીસરી ગઈ હતી!

એટલે આ મેલીઘેલી ને તેના પતિ વચ્ચે કશી નિકટતાનું ચિહ્ન તેની નજરે ચડતાં શ્રીમતીનું હૃદય અદેખાઈથી બળી ઊઠ્યું. ને ઉત્તરા પ્રત્યે ધિક્કારની આંધળી લાગણીના આવેશમાં તે ઝડપથી નીચે ઊતરી રસોડામાં પહોંચી. ત્યાં એક તરફ અપૂપ તળવા માટે તાવડામાં ઘી ઊકળતું હતું. તેમાંથી એક કડછી ભરી ઊકળતું ઘી લઈ શ્રીમતી ઉત્તરા ઊભી હતી તે તરફ ઉશ્કેરાટથી આગળ વધી.

શ્રીમતીના આ ચેનચાળા ને ઉગ્ર મુખભાવ જોઈને ઉત્તરાને ગંધ આવી ગઈ કે કોઈ કારણે તે ભુરાઈ થઈને તેના પર આક્રમણ કરવા આવી રહી છે— પણ તેણે શ્રીમતીનું શું બગાડ્યું હતું? ઊલટું સારી એવી કમાણી કરાવી આપી, ઉપરથી મનગમતી મોજ માણવાની તક આપી હતી. તો પછી તેનો આટલો રોષ, આટલો દ્વેષ કાં? તેને કશી સમજ ન પડી.

પણ ઉત્તરાને થયું, ગમે તે હોય. એણે મારા સ્વામીની પરિચર્યા કરવાનું સ્વીકારી મને જે આટલા દિવસ જીવતર સફળ કરવાની તક આપી છે, એનો મારા ઉપરનો ઉપકાર જગતમાં — બ્રહ્મલોકમાંયે ન સમાય એવડો મોટો છે. તો એના પ્રત્યે મને સહેજ પણ ક્રોધ ન થવો ઘટે. હું તો કહું છું કે મને અત્યારે જરાયે રોષ થાય તો ઊકળતું ઘી મને બાળજો, ન થાય, તો મને કશું ન થજો.

ને આમ તે વેળા શ્રીમતી પ્રત્યે મૈત્રીની ભાવનાથી ઉત્તરાનું હૃદય પ્લાવિત થયું.

ક્ષણ-અર્ધક્ષણમાં તો આવા આવા વિચારો ઉત્તરાના મનમાં દોડાદોડ કરી ગયા.

ત્યાં તો શ્રીમતીએ આવીને કડછીમાંનું ઘી ઉત્તરાના માથા ઉપર ફેંક્યું. પણ ઉત્તરાએ ચપળતાથી એક કોર સરી જઈ પોતાની જાતને બચાવી લીધી. એટલે શ્રીમતી બીજી વાર કડછી ભરીને ધસી આવી. એટલામાં ઉત્તરાની દાસીઓને શું બની રહ્યું છે તેની સમજ પડી ગઈ. ચારે તરફથી દોડી આવીને બધી શ્રીમતીને ધમકાવતી બરાડી ઊઠી. ‘ચાલી જા, દુષ્ટ ! અમારી સ્વામિનીના માથા પર ઊકળતું ઘી નાખવાવાળી તું કોણ છે?’ ને એમ કહેતી એ દાસીઓ શ્રીમતી ઉપર તૂટી પડી, ને ગડદાપાટુથી ઢીબીને તેને ભોંય ભેગી કરી દીધી.

ઉત્તરાએ દાસીઓને રોકવા ખૂબ પ્રયાસ કર્યો, પણ કાંઈ વળ્યું નહીં. છેવટે તે શ્રીમતીની આડે પોતાનું શરીર ધરીને ઊભી રહી અને ધકેલીને દાસીઓને દૂર કાઢી મૂકી.

‘ભલી બહેન, આવું તે કરાય?’ એમ મીઠાશથી ઠપકો દઈ ઉત્તરાએ શ્રીમતીને બેઠી કરી, ને તેને સ્નાન કરાવી, શતપાક તેલ વડે તેના દુઃખતાં અંગોનું મર્દન કર્યું ને એમ તેની બનતી બધી સારવાર કરી.

શ્રીમતીનો આવેશ ક્યારનોયે ઊતરી ગયો હતો. થોડા દિવસ એક રખાત તરીકે તે રહેવા આવી. તેમાં ઉતરાનો સ્વાંમી એક વાર ઉત્તરા સાથે હસ્યો, ને એટલામાં તો પોતે તેના પર ઊકળતું ઘી નાખવા દોડી! કેટલું હલકું વર્તન! બદલામાં બીજી કોઈ હોત તો ક્યારનાંયે દાસીઓ પાસે તેનાં હાડકાં ખોખરાં કરાવી નાખ્યાં હોત. પણ ઉત્તરાએ કેટલી ઉદારતા બતાવી! કેટલા સદ્ભાવથી તેણે તેની સારવાર કરી!

શ્રીમતીનું હૃદય પશ્ચાત્તાપથી દ્રવી રહ્યું. પોતે જે કર્યું તે માટે ઉત્તરાની ક્ષમા ન માગે તો પછી તેના જેવી અધમ કોણ?

ને સીધી જ તે ઉત્તરાના પગમાં પડીને બોલી:

‘આર્યા, મને ક્ષમા કર.’

‘ભદ્રે,’ ઉત્તરાએ સ્નિગ્ધ સ્વરે કહ્યું. ‘પિતા વિદ્યમાન હોય ત્યારે પહેલાં તે ક્ષમા આપે. ને પછી પુત્રી આપે. મારા પિતા વિદ્યમાન છે. એ ક્ષમા આપે. એટલે પછી હું આપીશ.’

‘સારું, આર્યા! હું તારા પિતા પૂર્ણશ્રેષ્ઠીની પહેલાં ક્ષમા માગીશ, પછી તારી.’

‘પૂર્ણશ્રેષ્ઠી તો મારા સાંસારિક પિતા છે.’ ઉત્તરા કહેવા લાગી. ‘સંસારથી પર સ્થિતિમાં જે મારા પિતા છે, તે તને ક્ષમા આપશે તો હું પણ આપીશ.’

‘સંસારથી પર સ્થિતિમાં તારા પિતા તે કોણ વળી?’ શ્રીમતીને કશી સમજ ન પડી.

‘સંમ્માસંબુદ્ધ’ ઉત્તરાએ આદરથી કહ્યું.

‘ઓહો! પણ મને તેમના પર આસ્થા નથી, તો કેમ કરવું?’ શ્રીમતીએ પોતાની મૂંઝવણ કહી.

‘હું તને આસ્થા ઉત્પન્ન કરાવી દઈશ. કાલે ભગવાન ભિક્ષુસંઘને સાથે લઈને અહીં પધારશે. તને મળે તે સત્કારસામગ્રી લઈને તું અહીં આવી પહોંચજે. ને તેમની ક્ષમા માગજે.’

‘સારું, આર્યા! કહી શ્રીમતી ત્યાંથી નીકળી ગઈ.

ઘરે જઈ તેણે ભાતભાતનાં ખાદ્ય ને ભોજન તૈયાર કરાવ્યાં. વળતે દિવસે બધી સત્કારસામગ્રી સાથે પોતાની સેંકડો દાસીઓથી વીંટળાઈને શ્રીમતી ઉત્તરાને ત્યાં સમયસર આવી પહોંચી.

ભગવાન તથાગત ભિક્ષુસંઘસહિત ત્યાં પધારેલા હતા.

સાધુઓના ભિક્ષાપાત્રમાં પોતે લઈ આવેલી ભોજનસામગ્રી પીરસતાં શ્રીમતીને સંકોચ થયો. અને તે એમ ને એમ ઊભી રહી એટલે ઉત્તરાએ તે પીરસી દીધી.

ભોજનવિધિ પૂરો થતાં. પોતાના પરિવાર સાથે શ્રીમતીએ ભગવાનના ચરણમાં પ્રણિપાત કર્યો.

ભગવાને પૂછયું, ‘તેં શો અપરાધ કર્યો છે, ભદ્રે?’

એટલે શ્રીમતીએ પોતાનું આગલા દિવસનું દુષ્કૃત્ય કહી બતાવ્યું, ને બદલામાં ઉત્તરાએ દર્શાવેલી સહિષ્ણુતા ને ઉદારતાની, પસ્તાવો થતાં પોતે ક્ષમા માગ્યાની, ને ભગવાન ક્ષમા આપે તો ઉત્તરા પણ આપશે, એ બધી વાત કરી.

ભગવાને ઉત્તરાને પૂછ્યું, ‘આ વાત સાચી છે, ભદ્રે?’

‘હા, ભદંત.’

‘શ્રીમતીએ ઊકળતું ઘી તારા મસ્તક પર ફેંક્યું, ત્યારે તારા મનમાં શો વિચાર આવેલો?’

‘મને તે વેળા એમ થયેલું, ભદંત, કે આ પખવાડિયામાં દાનપુણ્ય ને ધર્મશ્રવણનો જે અનુપમ લહાવો લઈ હું આ અવતારને ધન્ય કરી શકી છું, તે શ્રીમતીએ મારું સ્થાન લેવાની હા કહી તેને જ આભારી છે. આમ તેનો મારા પર બ્રહ્મલોકથીયે વધી જાય એવડો ઉપકાર હોય, ને મારાથી એના તરફ ક્રોધ કેમ કરાય? તો મારામાં ક્રોધ આવે તો ઊકળતું ઘી મને બાળજો, નહીં તો નહીં: આમ મૈત્રીની ભાવના મને થયેલી, ભદંત.’

‘ધન્ય છે,ધન્ય છે, ઉત્તરા! ક્રોધને એમ જ જીતવો જોઈએ.’ ને એમ કહીને ભગવાને ગાથા ઉચ્ચારી:

જીવવો ક્રોધી અક્રોધે
સૌજન્ય થકી દુર્જન
ઉદારતાથી કૃપણ
જૂઠાને સત્યવાદથી
શ્રીમતીને કશું પણ ન કહેતાં ભગવાને અને ઉત્તરાએ ક્ષમા આપી. બુદ્ધનાં ઉદારતા અને કરુણાભાવથી તેમ જ ઉત્તરાએ બતાવેલી ક્ષમાશીલતા અને સદ્ભાવથી શ્રીમતી ખૂબ પ્રભાવિત થઈને ત્યારથી તે શ્રાવિકા બની તથાગત, ધર્મ ને સંઘની શ્રદ્ધાપૂર્વક ઉપાસના કરવા લાગી.