ભારતીયકથાવિશ્વ-૩/જાતકની કથાઓ/વૈદ્યરાજ જીવક કૌમારભૃત્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વૈદ્યરાજ જીવક કૌમારભૃત્ય

કિશોર જીવકને જ્યારે ખબર પડી કે તેનાં માતાપિતા કોણ હતાં તે અંગે કોઈ કશું જાણતું નથી, ને રાજકુમાર અભય તો માત્ર તેનો પાલક પિતા છે, ત્યારે તેનાં દુઃખ અને મૂંઝવણનો પાર ન રહ્યો. વાત સાચી કે લોકોની દૃષ્ટિએ પોતે મહારાજા શ્રેણિક બિંબિસારના અસામાન્ય બુદ્ધિચાતુુુર્ય માટે પંકાયેલા કુમાર અભયનો પ્રીતિપાત્ર હતો. પણ જ્યારથી જીવકે જાણ્યું કે પોતે કોઈ અધિકારથી નહીં, પણ એક આશ્રિત તરીકે અભયકુમાર સાથે રહેતો હતો, ત્યારથી તેના મનમાં સ્પષ્ટ થઈ ગયું કે પોતે અભયકુમારની પ્રીતિનું નહીં, પણ દયાનું જ પાત્ર હતો. તે સાથે તેની તીક્ષ્ણ બુદ્ધિએ તેને એ સમજ પણ આપી કે રાજકુળમાં સ્વમાન સાથે રહેવું હોય તો કોઈની માત્ર કૃપાના બળે ન રહેવાય, તે માટે માણસમાં પોતાનામાં પણ કોઈ આગવી શક્તિ, કાંઈક વિશિષ્ટ કલાકૌશલ્ય હોવું જોઈએ.

જીવક કૌમારભૃત્યે એવી કોઈ વિદ્યા, કોઈક કૌશલ પ્રાપ્ત કરવાનો નિર્ણય કરી લીધો, અને અભયકુમારને જણાવ્યા વિના જ તેણે તક્ષશિલાનો માર્ગ લીધો.

તક્ષશિલામાં તે વેળા એક વિશ્વવિખ્યાત આયુર્વેદાચાર્ય હતા. જીવકે તેમની પાસે જઈ વિદ્યા શીખવવા વિનંતી કરી, આચાર્યે હા કહી.

અને થોડા જ સમયમાં આચાર્યને લાગ્યું કે જે ઘડીએ તેમણે જીવકને શિષ્ય લેખે સ્વીકાર્યો તે ઘડી તેમના જીવનની એક ધન્યમાં ધન્ય ઘડી બનવાને સર્જાઈ હતી. જીવકની એકાગ્રતા અને નિષ્ઠાએ, તેની ગ્રહણ, ધારણ ને નિરીક્ષણની શક્તિએ આચાર્યને ચકિત કરી દીધા. ઝીણીઝીણી વિગતો હોય કે મૂળગામી સિદ્ધાંતો હોય — બધુંય જીવકની બુદ્ધિ ને સ્મૃતિમાં અણિશુદ્ધ રૂપે સંગ્રહાયે જતું, આચાર્ય પણ આવા સુયોગ્ય શિષ્ય આગળ પોતાનાં જ્ઞાન અને અનુભવનો નિધિ ઠાલવતા ગયા.

આવી રીતે વિદ્યાપ્રાપ્તિમાં સાત વરસ તો વીતી પણ ગયાં. જીવકને થયું: સાત સાત વરસથી અખંડ સાધના કરું છું. પણ વિદ્યાનો હજી ક્યાંયે અંત દેખાતો નથી. ક્યારે આચાર્ય મને નિષ્ણાત ગણીને મુક્ત કરશે?

ને એક દિવસ મન દૃઢ ક્રી આચાર્યને તેણે પૂછ્યું પણ ખરું.

પણ જીવકના પ્રશ્નનો ઉત્તર આપવાને બદલે આચાર્યે એક કોદાળો તેના હાથમાં આપતાં કહ્યું:

‘વત્સ, જા. એક કામ કર. આ તક્ષશિલાની આસપાસ એક યોજનમાં ઘૂમી વળ. ને એટલા વિસ્તારમાંથી જેટલી એવી વનસ્પતિ તને મળે કે જે ઔષધ તરીકે સાવ નિરુપયોગી હોય, તે બધાના નમૂના લાવીને મને આપ.’

નમસ્કાર કરીને, ને કોદાળો તથા ભાતું લઈને જીવક નીકળી પડ્યો. આચાર્યે કહેલું એટલા પ્રદેશમાં સર્વત્ર ચોક્કસાઈથી તપાસ કરી કેટલાક દિવસે ખાલી હાથે તે પાછો આવ્યો ને આચાર્યને જણાવ્યું:

‘આચાર્યદેવ, આપની આજ્ઞા પ્રમાણે હું તપાસ કરી આવ્યો. એક પણ વનસ્પતિ મેં એવી ન જોઈ, જે ઔષધ તરીકે સાવ નકામી હોય. દરેક વનસ્પતિ કોઈ નહીં ને કોઈ ઉપચારમાં તો વાપરી જ શકાય.’

પ્રસન્ન થઈ આચાર્યે કહ્યું, ‘તારું વિદ્યાગ્રહણ હવે પૂરું થયું, જીવક જા. તારી આજીવિકા માટે હવે તારે ચિંતા કરવાની નહીં રહે.’

આશીર્વાદ અને માર્ગ માટે થોડુંક ભાતું આપી આચાર્યે જીવકને વિદાય કર્યો.

જીવક રાજગૃહ આવવા નીકળ્યો. સાકેત પહોંચ્યો, ત્યાં તો આચાર્યને ત્યાંથી મળેલું ભાતું ખૂટી ગયું. હવે? રાજગૃહ તો હજી દૂર હતું. વચ્ચે એક અરણ્ય આવતું હતું, ને તેમાં અન્નજળના સાંસા હતા, ઠીકઠીક પ્રમાણમાં ભાતું સાથે હોય તો જ તે ઓળંગી શકાય તેમ હતું. એટલે જીવકે સાકેતમાંથી થોડુંક પ્રાપ્ત કરવાનું નક્કી કર્યું.

ધનિક વર્ગના જ્યાં આવાસ હતા તે લત્તામાં જઈને તેણે પૂછપરછ કરી કે કોઈ એવો રોગી છે, જેને સાજો કરવાના ઉપચાર કરી કરીને વૈદ્યો થાકી ગયા હોય?

તેને કહેવામાં આવ્યું કે એટલામાં રહેતા એક શ્રેષ્ઠીની પત્નીને સાત વરસથી શિરોવેદના છે. કૈંક વૈદ્યોએ આવીને જાત જાતના ઉપચાર કર્યા હતા, ને અંતે બાઈને એવી ને એવી મૂકીને અને સોનૈયાની કોથળીઓ લઈલઈને તેઓ ચાલતા થયા હતા.

જીવક કુમારભૃત્ય તે શ્રેષ્ઠીના આવાસે પહોંચ્યો. દ્વારપાળ સાથે અંદર કહેરાવ્યું કે એક વૈદ્ય આવ્યો છે.

ગૃહિણીએ દ્વારપાળને પૂછ્યું:

‘કેવો છે વૈદ્ય, દૌવારિક?’

‘આર્યા, આમ તો છોકરા જેવો લાગે છે.’

‘અરે, એવો છોકરો અહીં શું કરવાનો છે? કેટલાયે મોટા ધન્વન્તરિ જેવા આવીને અહીં માથું ફોડી ગયા — ને આપણા ભંડારને ખાલી કરી ગયા, ત્યાં વળી આ છોકરો શું ઉકાળવાનો હતો? હું તો ધરાઈ ગઈ છું વૈદ્યોથી હવે. કહી દે એને કે અમારે કશું કામ નથી.’

દ્વારપાળે જઈ જીવકને સ્વામિનીના શબ્દો કહ્યા. જીવકે પાછું કહેરાવ્યું કે મને પહેલેથી કોઈ પારિશ્રમિક આપવાની જરૂર નથી. પહેલાં તમે ઉપચાર કરવા દો. સારું થાય તો યોગ્ય લાગે તે આપજો.

શ્રેષ્ઠીની પત્નીને આ વાત રુચી, દ્વારપાળ જીવકને અંદર લઈ આવ્યો.

જીવકે બાઈને તપાસી, રોગ પારખ્યો. કહ્યું, ‘એક ચાપા જેટલું ઘી જોઈએ.’

ઘી આપવામાં આવ્યું. જીવકે પોતાની થેલીમાંથી જોઈતાં ઓસડિયાંં કાઢી એ ઘીમાં નાખ્યાં. ઘીને પકાવ્યું. પછી બાઈને મંચક પર ચત્તી સુવાડી એ ઔષધિવાળું ઘી તેના નાકમાં નાખ્યું.

ઘી નાકવાટે થઈને બાઈના મોઢામાં આવ્યું, એટલે તેણે પીકદાનીમાં તે થૂંકી દાસીને કહ્યું, ‘અરે એ, આ પીકદાનીમાંના ઘીને રૂના પૂમડામાં ચૂસી લઈ, જાળવીને રાખી મૂક.’

સાંભળીને જીવક તો ડઘાઈ જ ગયો! અરે મેં તો આટલાં મોંઘાં ઓસડિયાં આને માટે વાપર્યાં છે, ને આ બાઈ થૂંકી કાઢેલા નજીવા ઘીને પણ રાખી મૂકવા જેટલી લોભણી છે, તો મારા કામના બદલામાં મને શું ધૂળ આપશે આ?

વૈદ્યનું મોઢું એકાએક પડી ગયેલું જોઈ શ્રેષ્ઠીની પત્ની સમજી ગઈ કે આના મનમાં કાંઈક ખટકી ગયું. તેણે પૂછયું, એટલે જીવકે પણ પોતાના મનની વાત કહી દીધી.

હસીને તે બાઈ બોલી:

‘આચાર્ય, ગૃહિણીની કરકસરથી તું અજાણ્યો લાગે છે. આ ઘી દાસો ને કામવાળાઓને પગે ઘસવા, અથવા દીવો બાળવા કામ લાગશે, સમજ્યો? તારા વેતન બાબત ચિંતા ન કરીશ.’

જીવકે એક જ નસ્યકર્મથી બાઈનો વ્યાધિ કાઢ્યો. બદલામાં તેને તેના તરફથી ચાર હજાર સોનૈયા ને તેના પુત્ર ને પુત્રવધૂ તરફથી કેટલીક ભેટ મળી. શ્રેષ્ઠી પોતે પણ આવા અસાધ્ય રોગને મટાડ્યો તે માટે જીવક ઉપર ઘણો પ્રસન્ન થયો, ને તેને પોતા તરફથી ચાર હજાર સોનૈયા, દાસદાસી ને અશ્વયુક્ત રથ આપ્યાં.

પહેલે જ પ્રયાસે આવો તડાકો પાડી જીવક ત્યાંથી નીકળ્યો ને રાજગૃહ આવી પહોંચ્યો. પહેલવહેલો અભયકુમાર પાસે જઈ, પોતે પ્રાપ્ત કરેલું તેને નિવેદિત કરીને બોલ્યો:

‘દેવ, આ મારી પહેલી કમાણી, તમે મને પાળ્યોપોષ્યો તે ઋણના યત્કીન્ચિત બદલારૂપે આ સ્વીકારો.’

અભયકુમારે જીવકને પોતે જ રાખવાનું, અને તેના અંત:પુરમાં જ આવાસ બાંધીને રહેવાનું કહ્યું, જીવકે તેનું કહેણ માન્ય રાખ્યું. એક વાર મહારાજા શ્રેણિકને ભગંદરનો વ્યાધિ થયો. તેથી તેનાં વસ્ત્ર લોહીથી ખરડાતાં, તે જોઈ કોઈક પ્રસંગે રાણીઓને તે વિશે સ્થૂળ વિનોદ કરવાનું સૂઝ્યું, એકે તો કહ્યું કે, ‘મહારાજને સમય જતાં બાળકનો પ્રસવ પણ થાય.’ એટલે મહારાજાની ચીડ ને રીસનું તો પૂછવું જ શું?

તેણે અભયકુમારને વાત કરી, ને કહ્યું કે શીઘ્ર કોઈ સારો વૈદ્ય બોલાવી લાવી, મને સત્વર સાજો કર.

અભયકુમારે વૈદ્ય જીવક કૌમારભૃત્ય તરુણ છતાં નિષ્ણાત હોવાની વાત કરી. શ્રેણિક તેની પાસે ચિકિત્સા કરાવવા સંમત થતાં, જીવકે નખ પર રહે એટલું જ ઔષધ વાપરી, એક જ લેપથી મહારાજાનો રોગ મટાડ્યો. મહારાજાએ પ્રસન્ન થઈ પાંચ સો અલંકૃત દાસીઓ ભેટ આપવા માંડી. પણ જીવકે તે ન લેતાં રાજવૈદ્યનું પદ માગ્યું. તે શ્રેણિકે આપ્યું ને શરત કરી કે પોતે, અંત:પુરના માણસો, બુદ્ધપ્રમુખ સંઘ — એટલાં સિવાય બીજા કોઈની ચિકિત્સા જીવકે ન કરવી.

રાજગૃહના એક કોટિપતિ શ્રેષ્ઠીને વરસોની શિરોવેદના હતી. અનેક વૈદ્યો આવી ગયા. ને તેને સાજો કર્યા વિના તેનું ધન ઓછું કરતા ગયા. કેટલાક વૈદ્ય એમ કહીને ગયા કે શ્રેષ્ઠીનો દેહ સાતમે દિવસે પડશે, તો કેટલાક વળી પાંચમે દિવસે દેહ પડવાની વાત કરી ગયા.

રાજગૃહના વ્યાપારીસમાજને ચિંતા થઈ કે અરે, આ શ્રેષ્ઠી મહારાજાને તથા આપણને ઘણી રીતે ઉપકારક છે, ને વૈદ્યો તો પાંચસાત દિવસથી એ વધારે નહીં કાઢે એવું કહી ગયા છે. આપણે એ બચે તે માટે બને તેટલા ઉપાય કરવા ઘટે, તો મહારાજાને કહીને આપણે જીવક કૌમારભૃત્યને ચિકિત્સા કરવા વીનવીએ.

એ પ્રમાણે ગોઠવણ થતાં, જીવકે આવીને શ્રેષ્ઠીને તપાસ્યો, અને પછી ગંભીર સ્વરે કહ્યું:

‘જો, શ્રેષ્ઠી! તને સારો કરી દઉં તો બદલામાં મને શું આપીશ?’

‘અરે, ભદ્ર! મારી પાસે જે કાંઈ છે તે બધું — મારું સર્વસ્વ તને સોંપી દઉં, ને હું તારો દાસ બનીને રહું. આ પીડામાંથી મારો ઉદ્ધાર કર, તો જેટલું તને આપું તેટલું ઓછું ગણાય.’

‘સારું, પણ તેમાં એક આકરી શરત છે. તારાથી તે બરાબર પાળી શકાય, તો જ ચિકિત્સા કરવાનું હું માથે લઉં, નહીં તો નહીં.’

‘શું છે આચાર્ય તારી શરત? હું બધી શરત સ્વીકારી લઉં છું. જા, પછી શું છે?’

‘એમ નહીં, જો સાંભળ. મારો ઉપચાર એકવીસ માસ ચાલશે, તેમાં સાત માસ તારે એક પડખાભર સૂઈ રહેવું પડશે, સાત માસ બીજા પડખાભર, ને બાકીના સાત માસ ચત્તા. આમ એકવીસ માસ કાઢવાના રહેશે. એવી રીતે એકવીસ માસ કાઢે, તો તને સાવ નીરોગી કરવો તે મારે માથે. થઈ શકશે તારાથી આ? ચોખ્ખેચોખ્ખું બોલી દે.’

‘અરે, આચાર્ય, આ યાતનામાંથી છૂટવા આથી પણ કાંઈ આકરું હોય તો તેયે કરવા હું તૈયાર છું.’

એટલે જીવકે શ્રેષ્ઠીને એક મંચક પર સુવાડી, તેની સાથે તેને બાંધી લીધો. પછી તેણે તેની ખોપરીના ઉપરના ભાગની ચામડી ઉઘાડી કરી, ચીપિયો નાંખી અંદરથી બે જીવડાં બહાર કાઢ્યાં, ને લોકો સમક્ષ તે બતાવતાં બોલ્યો:

‘જુઓ, આ બે જીવડાં ખોપરીમાંથી નીકળ્યાં તે. આ એક નાનો, ને આ મોટો. જે વૈદ્યો સાતમે દિવસે શ્રેષ્ઠી મરી જશે એમ કહી ગયેલા, તેમણે માથામાં આ નાનો જીવડો રહેલો હોવાનું કહેલું. એ જીવડો સાત દિવસમાં શ્રેષ્ઠીનું મસ્તિષ્ક કરડી ખાત અને પરિણામે શ્રેષ્ઠીનું મૃત્યુ થાત. એ વૈદ્યોનું નિદાન એટલા પૂરતું સાચું, તેમની દૃષ્ટિ પ્રમાણમાં ઠીક પહોંચેલી કહેવાય. તે જ પ્રમાણે જેમણે પાંચમે દિવસે મૃત્યુ થવાની વાત કરેલી, તેમણે આ મોટા જીવડાને, તેની શક્તિને અનુલક્ષીને ભવિષ્ય ભાખેલું — તેમનું પણ કહેવું એક રીતે સાચું હતું ’

આમ લોકોને પોતાના જ્ઞાનથી ચકિત કરી દેતા જીવકે મસ્તકની શિરાઓને પાછી સરખી કરી, ચામડીને સીવી લઈ ઉપર લેપ લગાડયો, ને સાત માસ સુધી માત્ર જમણે પડખે સૂઈ રહેવાનું શ્રેષ્ઠીને કહ્યું.

પણ હજી માત્ર સાત દિવસ થયા, ત્યાં તો શ્રેષ્ઠી થાકી ગયો, જીવકને બોલાવી કહ્યું, ‘આચાર્ય, સાત માસ તો શું હવે તો એક પણ દિવસ મારાથી આ પડખે નહીં સુવાય.’

‘પણ તેં તો કહ્યું હતું ને કે સૂઈ શકીશ?’ જીવક જરા ઉગ્ર થઈને બોલ્યો.

‘કહ્યું તો હતું, ભદ્ર! પણ મારામાં હવે શક્તિ નથી. ભલે હું મરી જાઉં.’

‘ઠીક, તો બીજે પડખે તો સાત માસ સૂઈ રહીશ ને?’

‘જોઉં, ભદ્ર.’

બીજે પડખે પણ સાત દિવસ કાઢ્યા, ત્યાં શ્રેષ્ઠી ત્રાસી ગયો. છેવટે જીવકે તેને ચત્તા સૂઈ સાત માસ કાઢવાનું કહ્યું, તેમાં પણ સાત દિવસમાં તે ગળે આવી ગયો.

જીવકને બોલાવ્યો એટલે તેણે આવીને કહ્યું, ‘શ્રેષ્ઠી, તારે હવે વધારે સૂવાની જરૂર પણ નથી. એકવીસ દિવસમાં જ તું સાજો થાય તેમ હતો. એકએક સ્થિતિમાં સાતસાત દિવસ જ રહેવાની જરૂર હતી. પણ મેં પહેલેથી સાત દિવસનું નામ પાડ્યું હોત, તો તું સાત શું એક દિવસ પણ ન સૂઈ શકત. એટલે જ મારે સાત માસ કહેવા પડ્યા. ઊઠ, હવે સારો થઈ ગયો છે. બોલ, શું આપે છે મને હવે?’

આનંદાશ્રુ વરસાવતો શ્રેષ્ઠી બોલ્યો:

‘મેં તને કહ્યું તેમ, મારું આ સર્વસ્વ હવેથી તારું જ છે, અને હું આજથી તારો દાસ.’

‘તેં આપ્યું, એટલે મને પહોંચી જ ગયું, ભદ્ર,’ જીવકે કહ્યું, ‘મારે વિશેષ ન ખપે. માત્ર એક લાખ મહારાજાને આપ, અને એક લાખ મને.’

શ્રેષ્ઠીને રાજીરાજી થઈને બે લાખ ત્યાં ને ત્યાં આપી દીધા.

બીજા વૈદ્યોએ હાથ ધોઈ નાખ્યા હોય તેવા રોગીઓને સાજાસારા કરી દીધાના કેટલાક અદ્ભુત બનાવોએ જીવક કૌમારભૃત્યની કીર્તિ સમગ્ર ભરતખંડમાં ફેલાવી. ને તેથી જ એક દિવસ ઉજ્જયિનીના મહારાજા ચંડપ્રદ્યોતની મગધરાજ શ્રેણિક પર વિજ્ઞપ્તિ આવી કે મારો પાંડુરોગ ભલભલા વૈદ્યોથી પણ અસાધ્ય રહ્યો છે, તો થોડોક સમય તમારા રાજવૈદ્ય જીવકને મારી ચિકિત્સા માટે મોકલો.

શ્રેણિકે જીવકને ઉજ્જૈયિની મોકલી આપ્યો. તેણે આવીને પ્રદ્યોતને તપાસ્યો, એ રોગનું નિદાન કરી કહ્યું:

‘દેવ, વિશિષ્ટ ઔષધવાળા ઘીનું આપને સેવન કરાવીશ એટલે પછી ટૂંક સમયમાં જ રોગ ગયો સમજો.’

સાંભળીને પ્રદ્યોત ભડકી ઊઠ્યો. તેને જગતમાં કોઈ વસ્તુ પ્રત્યે વધુમાં વધુ જુગુપ્સા હોય તો તે એક ઘી પ્રત્યે. તે બોલી ઊઠ્યો:

‘જીવક, એક ઘી સિવાય ગમે તેવું ઔષધ તું મને આપજે, પણ ઘીનું તો મારી પાસે નામ પણ ન લઈશ. એ મારી પ્રકૃતિને અત્યંત પ્રતિકૂળ છે. એને જોતાં વેંત જ મને સૂગ ચડે છે.’

પણ જીવકે જોયું કે પ્રદ્યોતના એ રોગની ચિકિત્સામાં ઘીનો ઉપયોગ અનિવાર્ય હતો. પણ તેણે પ્રદ્યોતને ‘સમજ્યો’ એટલું જ માત્ર કહ્યું.

પછી જીવકે અનેક ઘટતાં ઓસડિયાં ભેળવી ઘીને પકાવ્યું, તેનો રંગ કાષાય બનાવ્યો, સ્વાદ તૂરો કર્યો ને ગંધ પણ સાવ ફેરવી નાખી, એટલે સેવન કરતાં, પહેલાં તો ખબર જ ન પડે કે આ ઔષધમાં ઘી જેવું કશું છે.

પણ આ ઘી ચંડપ્રદ્યોતને પાવું એટલે જીવસટોસટનો ખેલ. મહારાજાનું મૂળ નામ પ્રદ્યોત, પણ ઘડીઘડીમાં તપી ઊઠે તેવા ઉગ્ર સ્વભાવને કારણે જ તે ચંડપ્રદ્યોત નામે જાણીતો હતો. એટલે જેવી તેને શંકા જાય કે જીવકે તેને તેની સ્પષ્ટ આજ્ઞા વિરુદ્ધ ઔષધમાં ઘી આપ્યું છે, તે ઘડીએ જ તે જીવકને હતો ન હતો કરી નાખે.

પણ કપરામાં કપરી પરિસ્થિતિમાંથી માર્ગ ન કાઢે તો તે જીવક શાનો? તેણે મનમાં યોજના ઘડી કાઢી. પ્રદ્યોતને કહ્યું:

‘દેવ, એક વિનંતી. અમે વૈદ્યો ઓસડિયાં ને મૂળિયાં લેવા જવું હોય એ બધામાં ખાસ મુહૂર્ત જોઈને જઈએ. યોગ્ય મુહૂર્ત વિના અમારું કામ અમે કદી ન કરીએ. એટલે મારે સમયે-કસમયે રાજપ્રાસાદમાં આવવા જવાનું થાય, ને તમારી વાહનશાળામાંથી કોઈ પણ વાહનની ગમે ત્યારે જરૂર પડે, તો તે અંગે મને ઘટતો પ્રબંધ કરી આપો.’

તરત જ પ્રદ્યોતે જીવકને ગમે ત્યારે ગમે તે દ્વારમાંથી રાજપ્રાસાદમાં આવવાજવા દેવાની, અને રાજકીય વાહનશાળામાંથી કોઈ પણ વાહનનો ગમે ત્યારે ઉપયોગ કરવા દેવાની સેવકો ને રક્ષકોને આજ્ઞા આપી દીધી.

પછી જીવક ઔષધિથી ભરેલું ઘી લઈને પ્રદ્યોત પાસે ગયો ને બોલ્યો:

‘લ્યો, દેવ, આ ઉકાળો પી જાઓ.’

પ્રદ્યોતે ઔષધ પીધું, એટલે ત્યાંથી નીકળીને જીવક સીધો જ વાહનશાળામાં પહોંચ્યો, ને દિવસના પચાસ યોજનના વેગવાળી પ્રદ્યોતની ભદ્રવતિકા હાથણીને સજ્જ ક્રી તેના પર બેસીને રાજગૃહ તરફ ભાગી નીકળ્યો.

આ તરફ ઉકાળો પીધો ને થોડુંક થયું એટલામાં તો પ્રદ્યોતને ઘણો જ ઉગ્ર વિકાર વરતાવા લાગ્યો. તરત જ તે જીવકની યુક્તિ પામી ગયો. લાલચોળ થઈને તેણે ત્રાડ નાંખી:

‘અરે, કોણ મર્યા છે અહીં? જાઓ, જલદી દોડો. પેલા વૈદડા જીવકને પકડીને અહીં લઈ આવો. દુષ્ટે મને ઘી પાઈ દીધું!’

સેવકોએ તપાસ કરી ને ધૂ્રજતાં ધૂ્રજતાં જાણ કરી કે જીવક તો ભદ્રવતિકા પર બેસીને ક્યાંક ગયો છે.

કહે છે કે પ્રદ્યોત પાસે કાક નામે એક અદ્ભુત શક્તિ ધરાવતો દાસ હતો. તે દિવસના સાઠ યોજન પગે કાપી શકતો! તેને બોલાવીને પ્રદ્યોતે કહ્યું, ‘કાક, જા, મારા નામે આજ્ઞા આપી જીવક વૈદ્યને પાછો વાળ, તે રાજગૃહ તરફ ભદ્રવતિકા પર બેસીને ભાગ્યો છે. અને જો સંભાળજે બરોબર. વૈદ્યો બહુ માયાવી હોય છે. જીવક કાંઈ પણ તને આપે તો તે લેવાની ઘસીને ના પાડી દેજે, જા.’

કાક જીવકના પાછળ ઊપડ્યો કે ઊડ્યો? ને જીવક કૌશાંબી પહોંચી સવારે શિરોમણ કરતો બેઠો હતો, ત્યાં તો તેને આંબી લીધો.

તેણે જીવકને પ્રદ્યોતનો સંદેશો કહ્યો. જીવક મીઠાશથી બોલ્યો: ‘જરા બેસ તો ખરો, કાક. આમ દોડ્યોદોડ્યો એકશ્વાસે આવ્યો છે, તો ઘડીક થાક ઉતાર. આ શિરામણ કરવા જ બેસી જા. એક કરતાં બે ભલાં.’

‘ના, આર્ય. તમારો, વૈદ્યોનો જરાય વિશ્વાસ નહીં. મહારાજાએ મને ખાસ ચેતવ્યો છે.’ કાકે કહ્યું.

નખ પર અમુક ઔષધની માત્રા લઈ, તે એક આંબળામાં ભરી આંબળું મોઢામાં મૂકતાં જીવક બોલ્યો, ‘અરે ભલા માણસ, તારી આંખ સામે હુંયે ખાઉં છું. પછી શેનો અવિશ્વાસ? બીજું કાંઈ નહીં તો આ એક આંબળું લે: ઘણું જ પૌષ્ટિક ને શક્તિવર્ધક છે. એક ક્ષણમાં જ તું સ્ફુતિર્ અનુભવીશ. થાક તારો ક્યાં ચાલ્યો ગયો તેની તને ખબર નહીં પડે.’

કાકને થયું કે જીવક પોતે જે વસ્તુ તેની નજર સામે જ ખાય છે, ને તેને કાંઈ થતું નથી, તો પછી પોતાને લેવામાં શું વાંધો? આવડો પંથ કાપતાં થાકે પણ તેનું અંગેઅંગ અકડાવી નાંખ્યું હતું.

એટલે તેણે જીવકે આપેલું ઔષધવાળું અરધું આંબળું ખાધું, ને ઉપર પાણી પીધું. પણ થોડીક વાર માંડ થઈ હતી, ત્યાં તો કાકને મોટા પ્રમાણમાં વમન ને વિરેચન શરૂ થઈ ગયું! બિચારો કાક, ગભરાઈને તેણે પૂછ્યું, ‘અરે, જીવક તેં મને ખરો ફસાવ્યો. મને લાગે છે કે હવે હું જીવી રહ્યો.’

સહેજ હસી આશ્વાસન આપતાં જીવક બોલ્યો, ‘કાક, ગભરાઈશ નહીં, ચાર છ દિવસમાં જ તું સાજો થઈ જઈશ. શું કરું? મારી પાસે બીજો કોઈ ઉપાય ન હતો. તું જાણે છે ને પ્રદ્યોતનો સ્વભાવ? હું ઉજ્જયિની આવું તો મને તે જીવતો રહેવા દે ખરો?’

ને કાકને ભદ્રવતિકા હાથણી સોંપી, જીવક ત્યાંથી નીકળ્યો ને રાજગૃહ પહોંચી ગયો. શ્રેણિકને મળીને બનેલી વાત કરી. તેણે પણ કહ્યું,

‘જીવક, તું ઉજ્જયિની પાછો ન ગયો તે સારું કર્યું. પ્રદ્યોત તને પૂરો જ કરત.’

થોડાક દિવસોમાં પ્રદ્યોત રોગમુક્ત થઈ ગયો. ફરી તેણે જીવક પાસે એક દૂત મોકલીને કહેવરાવ્યું કે તું એક વાર આવી જા, તને કશું નહીં કરું. ઊલટું, તારી સેવા બદલ તારું સન્માન કરીશ.

પણ રાજસેવક તરીકે પોતે પરાધીન છે એમ જણાવી જીવક ન ગયો.

છેવટે પ્રદ્યોતે તેની સેવાની કદર કરી. તેને શિવિદેશમાંથી આવેલું એક મહામૂલ્યવાન વસ્ત્રયુગલ ભેટ તરીકે મોકલ્યું.

વસ્ત્રો જોઈ જીવકને થયું કે આવા અતિમૂલ્યવાન વસ્ત્રને યોગ્ય તો બે જ વ્યક્તિ ગણાય — ભગવાન તથાગત કે મહારાજા શ્રેણિક.

કોઈ એક વાર ભદંત આનંદે આવીને જીવકને જણાવ્યું કે ભગવાન બુદ્ધનું શરીર અસ્વસ્થ રહે છે, એટલે એમને રેચ લેવાની ઇચ્છા છે.

જીવકે, થોડાક દિવસ ભગવાનને શરીરે તેલનો અભ્યંગ કરી પછી પોતાને કહેરાવવાની સૂચના આપી, એ પ્રમાણે કરી ફરી આવીને આનંદે જણાવ્યું, ત્યારે જીવકને થયું કે ભગવાનને રેચક ઔષધ પીવા આપવું એ અનુચિત ગણાય. એટલે તેણે ત્રણ કમળગુચ્છ ઘટતાં ઓસડિયાં નાખી તૈયાર કર્યાં, ને તેમને સાથે લઈ, ભગવાન પાસે જઈને કહ્યું:

‘ભદન્ત, આ પ્રત્યેક કમળગુચ્છ સૂંઘતાં દસ વાર વિરેચન થશે. એમ ત્રીશ રેચ લાગતાં આપનું શરીર સ્વસ્થ થઈ જશે. દોષનું બળ છે તેથી પહેલાં ઓગણત્રીસ રેચ લાગશે. પછી આપ ગરમ પાણીથી સ્નાન કરશો એટલે બાદમાં એક રેચ લાગશે. પૂરું સ્વાસ્થ્ય ન પ્રાપ્ત થાય ત્યાં સુધી આપ ભિક્ષામાં માત્ર રસ જ લેજો.’

ત્યારબાદ થોડા સમય પછી જીવક, ધાર્યા પ્રમાણે ઔષધનું પરિણામ આવ્યું છે તેની ખાતરી કરીને બુદ્ધ પાસેથી ફરતો હતો ત્યારે તેને પ્રદ્યોતે આપેલાં પેલા શિવિદેશનાં મૂલ્યવાન વસ્ત્રયુગલનું સ્મરણ થયું. એ વસ્ત્રો લઈ આવી, બુદ્ધ પાસે આવી, વંદના કરીને તે બેઠો ને બોલ્યો:

‘ભદંત, આપની પાસેથી એક વરદાન માંગું છું. ’

‘ભદ્રે, તથાગતો વરદાન આપવાની સ્થિતિથી પર છે.’

‘પણ ભદંત, આ તો આપને ખપે તેવી, દોષરહિત વાત છે.’

‘બોલ, જીવક.’

‘ભદંત, આ એક અતિશય મૂલ્યવાન શિવિદેશનું વસ્ત્રયુગલ છે. લાખોમાં એક આવું જોવા મળે છે. એ મને મહારાજા ચંડપ્રદ્યોતે મોકલેલું છે. મારી પ્રાર્થના છે કે આપ આ વસ્ત્રયુગલ સ્વીકારો. તેમ ભિક્ષુસંઘને માટે કચરામાં ફેંકી દીધેલાં ગાભાંચીથરાંમાંથી વસ્ત્ર બનાવીને પહેરવાનો નિયમ છે. તેને બદલે તેને પણ ગૃહસ્થ તરફથી અપાતું વસ્ત્ર સ્વીકારવાની અનુજ્ઞા આપો.’

ભગવાને જીવકની ભક્તિભાવે કરેલી પ્રાર્થના માન્ય રાખી તેનું વસ્ત્રયુગલ સ્વીકાર્યું ને ત્યારથી ભિક્ષુસંઘને પણ ગૃહસ્થનું વસ્ત્રદાન લેવાની છૂટ આપી. પછી તથાગતે જીવકને ધર્મદેશનાનું શ્રવણ કરાવ્યું.

ભગવાન પાસેથી પાછો ફરતો જીવક, તથાગતની અને સંઘની તે દિવસે પોતે વિશિષ્ટ સેવા કરવા શક્તિમાન થયો. તે બદલ વિરલ ધન્યતા અનુભવી રહ્યો હતો.