ભારતીયકથાવિશ્વ-૩/જાતકની કથાઓ/સામજાતક

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સામજાતક

પ્રાચીન કાળમાં વારાણસીથી થોડે દૂર કોઈ નદીને કિનારે એક નિષાદગામ હતું અને બીજા કિનારે બીજું. દરેક ગામમાં પાંચસો કુુટુંબો હતાં. બંને ગામના મુખી મિત્રો હતા. યુવાનીના આરંભે જ તેમણે ઠરાવ્યું હતું કે જો બેમાંથી એકને ત્યાં પુત્ર અને બીજાને ત્યાં પુત્રી જન્મે તો બંનેનાં લગ્ન કરવાં. એક કિનારા પર રહેતા નિષાદમુખીને ત્યાં પુત્ર જન્મ્યો. જન્મ વેળા જ બંને કુુટુંબોએ સ્વીકાર્યો હતો એટલે એનું નામ દુકુલ પાડ્યું. બીજાને ત્યાં પુત્રી જન્મી, તેનું નામ પાડ્યું પારિકા.

બંને રૂપવાન હતાં, કાંચનવર્ણા હતાં. નિષાદ કુટુંબમાં જન્મ્યા હોવા છતાં તે કોઈનો જીવ લેતા ન હતા. પુત્ર સોળ વરસનો થયો ત્યારે તેના માતાપિતાએ કહ્યું, ‘પુત્ર, તારા માટે કન્યા લાવીએ છીએ.’ બ્રહ્મલોકથી આવેલો આ શુદ્ધ જીવ હોવાને કારણે તેણે બંને હાથ કાને મૂકી દીધા, ‘મારે ગૃહસ્થ નથી થવું.’ ત્રણેક વેળા પૂછ્યું તો પણ તેણે ના પાડી. પારિકાને કહેવામાં આવ્યું, ‘અમારો મિત્રપુત્ર સુંદર છે, કાંચનવર્ણ છે. તારું લગ્ન તેની સાથે કરીશું.’ તો તેણે પણ કાને હાથ દઈ દીધા. તે પણ બ્રહ્મલોકથી આવી હતી. દુકૂલકુમારે છાનોમાનો સંદેશ તેને મોકલ્યો, ‘જો સંસારસુખની ઇચ્છા હોય તો બીજું ઘર શોધજે. મારી જરાય ઇચ્છા નથી.’ પારિકાએ પણ એવો જ સંદેશ મોક્લ્યો. તેમની ના હોવા છતાં તેમનું લગ્ન થઈ ગયું. તેઓ રંગરાગને બાજુએ મૂકીને બે બ્રહ્માની જેમ રહેવા લાગ્યા. દુકુલકુમાર માછલી કે માંસ ખાતો ન હતો, તે માંસ વેચતો પણ ન હતો.

તેના માતાપિતાએ કહ્યું, ‘ભાઈ, નિષાદકુળમાં જન્મ્યા છતાં પણ તું નથી ગૃહસ્થ બનવા માગતો, નથી પ્રાણીવધ કરતો! તું કરીશ શું?’

‘મા, પિતા, જો તમારી આજ્ઞા હોય તો આજે જ પ્રવજિત થઈ જઉં.’

‘જાઓ ત્યારે.’ એમ કહી બંનેને વિદાય આપી. માતાપિતાને પ્રણામ કરી ગંગાકાંઠે હિમાલયમાં પ્રવેશ્યા. જે સ્થળે મિગ નામની નદી હિમાલયમાંથી નીકળીને ગંગાને મળે છે ત્યાં ગંગા નદીને બાજુએ મૂકીને મિગ નદીના ઉપરવાસમાં ચાલી નીકળ્યા. તે વેળા શક્રભવન તપી ઊઠ્યું.

શક્રને આ વાતની જાણ થઈ એટલે તેમણે વિશ્વકર્માને બોલાવીને કહ્યું, ‘વિશ્વકર્મા, બે મહાન વ્યક્તિઓ ગૃહત્યાગ કરીને હિમાલયમાં આવી રહી છે. તેમને નિવાસની સગવડ મળવી જોઈએ. મિગ નદીના અડધા યોજનની અંદર આમને માટે પર્ણશય્યા તૈયાર કરો, પ્રવજિર્તોને જોઈતી બધી જ વસ્તુઓ ત્યાં મૂકો.’ વિશ્વકર્માએ તેમની વાત સ્વીકારી, બધું તૈયાર કરી દીધું. કર્કશ અવાજ કરતાં પ્રાણીઓને ભગાડી મૂકી પોતાના સ્થાને પાછા આવ્યા. બંને પતિપત્ની એ રસ્તે ચાલતાં આશ્રમમાં આવી પહોંચ્યાં. દુકુલ પંડિતે પૂર્ણશાલામાં પ્રવેશી બધા જ પ્રવજિર્તોની આવશ્યકતાઓ જોઈ સમજી લીધું કે આ બધું શક્રને આભારી છે. તેણે વસ્ત્ર બદલી લાલ રંગનું વલ્કલ પહેર્યું, અજિનચર્મ ખભે મૂક્યું, જટા બાંધી ઋષિવેશ ધારણ કર્યો, પારિકાને પણ પ્રવજ્યા આપી. બંને મૈત્રીભાવે રહેતાં થયાં.

તેમની મૈત્રીને કારણે બધાં પશુપક્ષી મિત્ર થઈ ગયાં. કોઈ કોઈને દુઃખ આપતું ન હતું. પારિકા પાણી લાવતી, આશ્રમમાં ઝાડુ કાઢતી, બીજાં બધાં કામ કરતી, બંને ફળફળાદિ લાવી, ખાઈ પોતપોતાની કુટીરમાં જતા અને શ્રમણધર્મ પાળતા. શક્ર વચ્ચે વચ્ચે તેમની પાસે આવતા. એક દિવસ તેમને જોઈને વિચાર્યું — આ બંનેની આંખો જતી રહેશે. એટલે તે દુકુલ પંડિત પાસે જઈને પ્રણામ કરી બોલ્યા.

‘ભગવન્, ભવિષ્યમાં તમારાં જીવનમાં વિઘ્ન છે. સેવાચાકરી કરનાર પુત્ર જોઈએ, સંસારધર્મ આચરો.’

‘શક્ર, આ શું કહો છો તમે. અમે એક જ ઘરમાં રહેતા હોવા છતાં લોકધર્મ ત્યજી દીધો છે, અમે એને તિરસ્કારીએ છીએ. હવે વનપ્રવેશ કરી, ઋષિપ્રવજ્યા લઈને એમ કેવી રીતે થાય?’

‘તમે જો એવું ન કરી શકતા હો તો પારિકા જ્યારે રજસ્વલા થાય ત્યારે તેની નાભિને હાથ વડે સ્પર્શ કરજો.’

તેણે કહ્યું, ‘હા, એ તો થઈ શકે.’ શક્ર તેમને પ્રણામ કરી પોતાને ભવન ચાલ્યા ગયા. દુકુલે એ વાત પારિકાને કરી ને તે રજસ્વલા થઈ ત્યારે તેની નાભિનો સ્પર્શ કર્યો.

બોધિસત્ત્વે દેવલોકમાંથી પારિકાના ઉદરમાં જન્મ લીધો. દસ માસ વીત્યા એટલે પારિકાએ કાંચનવર્ણ પુત્રને જન્મ આપ્યો. તેનું નામ પાડ્યું સ્વર્ણસામ. પારિકા માટે પર્વતમાં રહેતી કિન્નરીઓએ દાયણનું કામ કર્યું. તે બંને બોધિસત્ત્વને પર્ણશાલામાં સૂવડાવી ફળફળાદિ લાવતાં. ત્યારે કિન્નરો કુમારને કંદરામાં લઈ જઈ નવડાવતા, પર્વતશિખરે જઈને વિવિધ ફૂલોથી તેને શણગારતા, લીલી-પીળી અર્ચા કરીને પર્ણશાળામાં સૂવડાવતા. પારિકા પછી તેને સ્તનપાન કરાવતી. ત્યાર પછી સોળ વર્ષની વય થઈ તો પણ માતાપિતા સુરક્ષાનો વિચાર કરી તેને પર્ણશાળામાં સૂવડાવી જાતે ફળ લેવા વનમાં જતા. જે રસ્તે તેઓ જતા ત્યાં બોધિસત્ત્વ મીટ માંડીને બેસે કે કોઈ આફત ન આવે.

એક દિવસ સાંજના સમયે પતિપત્ની ફળ લઈને આવી રહ્યાં હતાં ત્યારે આશ્રમની પાસે જ ઘનઘોર વાદળ ઊમટી આવ્યાં. તેઓ એક વૃક્ષ નીચે ઊભા રહી ગયાં. ત્યાં એક ઝેરી સાપ હતો. તેમના શરીરના પરસેવાની દુર્ગંધવાળું પાણી સાપની આંખો પર પડ્યું, તેણે ક્રોધે ભરાઈને ફુત્કાર કર્યો. બંને આંધળાં થઈ ગયાં, એકબીજાને જોઈ ન શક્યાં. દુકુલ પંડિતે પારિકાને કહ્યું, ‘પારી, મારી આંખે દેખાતું નથી. હું તને જોઈ શકતો નથી.’ તેણે પણ એવું જ કહ્યું, ‘હવે આપણે જીવી નહીં શકીએ.’ રસ્તો દેખાતો ન હતો એટલે રડતા કકળતા ભટકવા લાગ્યા.

તેમનું પૂર્વકર્મ કેવું હતું? તેઓ આગલા જન્મમાં વૈદ્ય હતા. વૈદ્ય તરીકે એક ધનવાનની આંખોની સારવાર કરી હતી. ધનવાને તેમને કશું ન આપ્યું. વૈદ્યે ક્રોધે ભરાઈને પત્નીને પૂછ્યું, ‘શું કરું?’ તેણે પણ ક્રોધે ભરાઈને કહ્યું, ‘આપણે તેના પૈસા નથી જોઈતા. દવાનું બહાનું કરીને તેની આંખો આંધળી કરી નાખો.’ વૈદ્યે એ વાત માની લીધી અને એવું કર્યું. આ પૂર્વજન્મના કર્મને લીધે તેઓ આંધળા થઈ ગયા.

બોધિસત્ત્વ વિચારવા લાગ્યો, ‘મારા માતાપિતા દરરોજ તો આ સમયે આવી જતા હતા. અત્યારે એમનું કશું ઠેકાણું નથી. હું તપાસ કરું.’ તેણે આગળ ચાલીને બૂમ પાડી. માબાપે તેનો અવાજ પારખી લીધો, અને સામો ઉત્તર વાળ્યો, ‘સામ દીકરા, અહીં આવીશ નહીં. અહીં જોખમ છે.’ ત્યારે તેણે તેમને એક લાંબી લાકડી આપી. ‘એ લઈને આવો.’ બંને લાકડીના ટેકે ટેકે આવ્યા. ‘આંખો કેવી રીતે જતી રહી?’

‘વરસાદ પડતો હતો ત્યારે અમે એક ઝાડ નીચે ઊભા હતાં.’

તેને ખ્યાલ આવી ગયો હતો કે ત્યાં કોઈ ઝેરી સાપ હશે. તેણે જ ફુત્કાર કર્યો હશે. માતાપિતાને જોઈને પહેલાં રડ્યો અને પછી હસ્યો. તેમણે પૂછયું, ‘દીકરા, રડ્યો કેમ, હસ્યો કેમ?’

‘માતા અને પિતા, તમારી આંખો નાની ઉંમરે જતી રહી એમ વિચારી રડ્યો. અને હવે તમારી સેવા કરવાની મને તક મળશે એમ વિચારી હસ્યો. ચિંતા ન કરતા, હું સેવા કરીશ.’

તે માતાપિતાને આશ્રમે લઈ આવ્યો. તેણે તેમને રાત્રિનું સ્થળ, દિવસનું સ્થળ, હરવાફરવાની જગ્યા, પર્ણશાળા, શૌચનું સ્થળ, પેશાબ કરવાનું સ્થળ — આ બધાં સ્થળે દોરડાં બાંધી દીધાં. પછી તે આશ્રમમાં તેમને મૂકીને વનમાં ફળફળાદિ લાવતો. સવારે તેમના રહેવાની જગા સાફ કરતો, મિગ નદી પર જઈને પાણી લાવતો, પીવાનું પાણી ભરતો. દાતણ, મોં ધોવાનાં પાણી આપી ખાવા મીઠાં ફળ આપતો. તેઓ મોં ધોઈ લે ત્યારે માતાપિતાને પ્રણામ કરી, મૃગોથી વીંટળાયેલો ફળ લેવા વનમાં જતો, સાંજે પાછો ફરતો, પછી ઘડામાં પાણી લાવી, તે ગરમ કરતો — તેમની જેવી ઇચ્છા હોય તે પ્રમાણે નવડાવી ધોવડાવી, શરીર કોરું થાય પછી ફળ આપતો. પછી પોતે ખાતો, જે બચે તે રાખી મૂકતો. આમ તે માતાપિતાની સેવા કરતો હતો.

તે સમયે વારાણસીમાં પિલીયક્ખ નામનો રાજા રાજ કરતો હતો. મૃગમાંસના લોભે તે માતાને રાજવહીવટ સોંપી પાંચ આયુધ લઈને હિમાલયમાં પ્રવેશ્યો. ત્યાં મૃગોને મારીને, તેમનું માંસ ખાતો મિગ નદીએ જ્યાંથી સામ ફળ લાવતો હતો તે જગ્યાએ તે આવી પહોંચ્યો. રાજાએ તેને મૃગની નિશાની માની. તે મણિવર્ણ શાખાઓની આડશે ઝેર પાયેલું તીર ચઢાવીને છુપાઈ રહ્યો. બોધિસત્ત્વ સાંજે ફળફળાદિ લાવીને માતાપિતાને પ્રણામ કરી ‘નાહીને પાણી લઈ આવું છું.’ કહી ઘડો લઈને નીકળ્યો. હરણાંની આસપાસ ચાલતાં ચાલતાં તેણે બે હરણને સાથે રાખી તેમની પીઠ પર ઘડો મૂક્યો, તેમને હાથેથી ઝાલી તે નદીએ પહોંચ્યો.

આડશે છુપાયેલા રાજાએ તેને આવતો જોઈ વિચાર્યું , આટલા બધા દિવસોમાં આવી રીતે ભમતો મનુષ્ય મેં જોયો નથી. આ દેવ હશે કે નાગ? જો તેની પાસે જઈને પૂછીશ અને તે દેવ નીકળશે તો આકાશમાં ચાલ્યો જશે, અને નાગ હશે તો ભૂમિમાં પેસી જશે. હું કંઈ હમેશાં હિમાલયમાં રહેવાનો નથી. વારાણસી જઈશ, ત્યાં મને પૂછવામાં આવશે, ‘મહારાજ, હિમાલયમાં કોઈ અદ્ભુત ઘટના જોઈ ખરી?’ હું જો કહીશ, ‘મેં આવું પ્રાણી જોયું.’ તેઓ મને તેનું નામ પૂછશે. જો કહીશ કે હું જાણતો નથી, તો તેઓ મારી ટીકા કરશે, એટલે આને વીંધી, નિર્બળ બનાવીને પૂછું.

હરણાં પાણી પીને ઉપર આવી ગયાં હતાં ત્યાં મહાસ્થવિરની જેમ બોધિસત્ત્વ ધીમે ધીમે પાણીમાં ઊતર્યા, ગરમી ઓછી થઈ એટલે વલ્કલ પહેર્યું, ખભે જિનચર્મ નાખ્યું, પાણી લૂંછીને ઘડો ખભે મૂક્યો. તે સમય તીર ચલાવવાનો યોગ્ય સમય છે એમ માનીને રાજાએ ઝેર પાયેલું તીર માર્યું. તે તીર જમણા પડખેથી ડાબી બાજુ પડખામાંથી આરપાર નીકળી ગયું. હરણાંને જ્યારે ખ્યાલ આવ્યો કે બોધિસત્ત્વ વીંધાયા છે ત્યારે ગભરાઈને ભાગી ગયાં.

સ્વર્ણસામ તીરથી વીંધાઈ ગયો હોવા છતાં તેણે પાણીનો ઘડો પડવા ન દીધો, ઘડો ધીરેથી ઉતારી રેતી પર મૂક્યો. પછી કઈ દિશા છે એનો વિચાર કરી માતાપિતાના રહેવાની દિશામાં માથું મૂકી રજતવસ્ત્ર જેવી રેતીમાં પડી રહ્યો. પછી સ્વસ્થતા મેળવીને વિચાર્યું, ‘આ હિમાચલ પ્રદેશમાં મારો કોઈ દુશ્મન નથી, મારા મનમાં કોઈને માટે વેરભાવના નથી.’ પછી તેના મોંમાંથી લોહી નીકળ્યું, રાજાને જોયા વિના જ તે બોલ્યો,

‘પાણી લેવા નીકળેલાને કોણે વીંધ્યો છે? મને વીંધીને છુપાઈ ગયેલો ક્ષત્રિય, બ્રાહ્મણ, વૈશ્ય કોણ છે? મારા શરીરનું માંસ અખાદ્ય છે, તે નિષ્પ્રયોજન છે. શા માટે મને વીંધવામાં આવ્યો છે. તું કોણ છે, કોનો પુત્ર છે? અમને કેવી રીતે જાણ થશે? હે મિત્ર, કહે તો, મને તીરથી વીંધીને તું શા માટે છુપાઈ ગયો છે?’

આ સાંભળી રાજાએ વિચાર્યું, ઝેર પાયેલા તીરથી આ વીંધાયો હોવા છતાં, નથી મને ગાળ આપતો, નથી મારી નિંદા કરતો. હૃદયદ્રાવક શબ્દોથી તે સંબોધન કરે છે. હું તેની પાસે જઉં, તે ત્યાં જઈને બોલ્યો,

‘હું કાશીરાજ છું. મારું નામ પિલિયક્ખ છે. હું કુશળ તીરંદાજ છું. એ વાત બધા જાણે છે. મારા તીરથી હાથી પણ બચી ન શકે.’ આમ પોતાના શૌર્યની પ્રશંસા કરતા તે બોલ્યો, ‘તું કોનો પુત્ર છે? તારું તારા પિતાનું નામ ગોત્ર કહે.’

બોધિસત્ત્વે વિચાર્યું, ‘આને હું દેવ, નાગ, કિન્નર કે ક્ષત્રિય તરીકે મારી જાતને ઓળખાવીશ તો પણ તે માની લેશે પરંતુ મારે સાચું જ બોલવું જોઈએ. ‘હું નિષાદપુત્ર છું. તારું કલ્યાણ થાવ, મને બધા સામ કહીને બોલાવે છે. આજે કે કાલે મારું મૃત્યુ થશે. હે રાજન, કોઈ મૃગને વીંધે તેવી રીતે ઝેર પાયેલા તીરથી મને વીંધ્યો છે: જો, હું અહીં લોહીના ખાબોચિયામાં પડ્યો છું. તીર શરીરને વીંધી ગયું છે. જો, મારા મોંમાંથી લોહી પડે છે. આવી ઘવાયેલી હાલતમાં તને પૂછું છું કે તું શા માટે છુપાઈ ગયો છે. વાઘને તેના ચામડા માટે મારી નાખવામાં આવે છે, હાથીને તેના દાંત માટે, તો મને શા માટે વીંધ્યો છે?’

રાજા સાચી વાત છુપાવીને બોલ્યો, ‘મારા તીરની સામે મૃગ આવી ગયો, તે તને જોઈને ડરી ગયો. એટલે મને ગુસ્સો આવ્યો.’

આ સાંભળી બોધિસત્ત્વે કહ્યું, ‘મહારાજ, શું કહો છો? આ હિમાલય વિસ્તારમાં મને જોઈને ભાગી જનાર મૃગ છે જ નહીં. મને યાદ છે, ત્યાં સુધી, હું સમજણો થયો ત્યારથી મારાથી કોઈ મૃગ ડરતો નથી, શિકાર થનારા પણ. મેં જ્યારથી વલ્કલ પહેર્યું છે, હું યુવાન થયો ત્યારથી કોઈ મૃગ મારાથી ડર્યો નથી. રાજા, ગંધમાદન પર્વત પર કિન્નરો રહે છે. તેઓ તો ખૂબ બીકણ છે. તેમની સાથે પર્વતોમાં અમે આનંદથી વિહાર કરીએ છીએ. તો પછી તે મૃગ મારાથી ડરી જ શકે કેવી રીતે?’

આ નિરપરાધનો વધ કરીને હું જૂઠું બોલ્યો, હવે સાચી વાત કહું, એમ વિચારી રાજા બોલ્યો, ‘સામ, મેં મૃગ જોયો ન હતો. હું જૂઠું બોલ્યો. મેં ક્રોધ અને લોભથી, પ્રેરાઈને તારા પર તીર છોડ્યું.’ આ સ્વર્ણસામ વનમાં એકલો નહીં રહેતો હોય, તેના સ્વજનો હશે. એમ વિચારી તેણે પૂછયું, ‘મિત્ર, તું ક્યાંનો છે? પાણી લેવા આ મિગ નદી પર તને કોણે મોકલ્યો છે?’

આ સાંભળીને દારુણ વેદના સહન કરીને, મોંમાંથી લોહી વહેતું હતું તે છતાં તે બોલ્યો, ‘મારા માતાપિતા અંધ છે. હું તેમને માટે ફળફળાદિ લાવીને આ ભયાનક વનમાં તેમની સંભાળ લઉં છું. તેમના માટે જ પાણી લાવવા હું અહીં આવ્યો હતો. તેમની પાસે માત્ર સાત દિવસ ચાલે એટલું જ ભોજન છે. પણ તે પાણી ન મળવાથી મૃત્યુ પામશે. હું માતાને જોઈ નહીં શકું. આવું દુઃખ તો દરેક માનવીને અનુભવવાનું આવે છે. હું પિતાને જોઈ નહીં શકું એનું દુઃખ મને નથી. મારી મા મોડે સુધી આંસુ સારતી રહેશે. પછી અડધી રાતે કે રાત પૂરી થાય ત્યારે નદીની જેમ સુકાઈ જશે. મારા પિતા મોડે સુધી રડતા રહેશે. હું આળસ ત્યજીને તેમની સેવા કરતો હતો. તેમના પગ દબાવતો હતો. મારાં માતાપિતા ‘સામ, સામ’ કરતાં ભયાનક વનમાં ભટકશે. હું મારા આંધળાં માતાપિતાને જોઈ નહીં શકું અને મૃત્યુ પામીશ, એ વાત મારા હૃદયને કંપાવે છે.’

રાજાએ તેનો વિલાપ સાંભળી વિચાર્યું, ‘આ એકનિષ્ઠ બ્રહ્મચારી છે. ધર્મપાલન કરે છે, માબાપનું ભરણપોષણ કરે છે. આવા દુઃખમાં પણ તેમને યાદ કરીને વિલાપ કરે છે. આ ગુણવાનનો મેં અપરાધ કર્યો. હવે તેને આશ્વાસન કેવી રીતે આપું? મારા નરકમાં જવાના સમયે રાજ્યનું શું? જેવી રીતે તે માતાપિતાની સેવા કરે છે તેવી રીતે હું તેમની સેવા કરું. આનાથી તેનું મૃત્યુ સુધરી જશે.’

‘હે કલ્યાણકારી સામ, વધુ રુદન ન કર. હું સેવક બનીને આ ભયાનક વનમાં તેમની સેવા કરીશ. હું કુશળ તીરંદાજ છું. એ વાત જગસિદ્ધ છે. હું સેવક બનીને તેમની સેવાચાકરી કરીશ. મૃગોનો આહાર શોધતો, વનનાં ફળફૂલ શોધતો રહીશ. તારા માતાપિતા આ વનમાં ક્યાં છે? જેવી રીતે તું તેમનું ભરણપોષણ કરતો હતો તેવી રીતે હું કરીશ.’

ત્યારે બોધિસત્ત્વે કહ્યું, ‘ભલે મહારાજ, તમે માતાપિતાની ચાકરી કરજો. મારા માથાની દિશામાં જે પગદંડી છે ત્યાંથી અડધા કોસ જેટલા અંતરે તેઓ રહે છે. ત્યાં મારા માતાપિતા છે. અહીંથી નીકળી તેમનું ભરણપોષણ કરજો.’

આમ તેને રસ્તો બતાવ્યો, માતાપિતા પ્રત્યે પુષ્કળ સ્નેહ હોવાને કારણે પોતાની વેદના સહન કરીને પણ તેમની સેવાચાકરી કરવા બે હાથ જોડીને પ્રાર્થના કરી. ‘હે કાશીરાજ, તમને વંદન. ભયાનક વનમાં તેમની સેવાચાકરી કરો. હું હાથ જોડું છું. મારા માતાપિતાને પ્રણામ કહેજો.’

રાજાએ તેની વાત સ્વીકારી. બોધિસત્ત્વ માતાપિતાને પ્રણામ કરી બેસુધ થઈ ગયો.

બોધિસત્ત્વે આ બધી વાત હાંફતાં હાંફતાં કરી. પરંતુ હવે ઝેરના પ્રભાવે તેનું મન શાંત થવા માંડ્યું. મોં બંધ થઈ ગયું, હાથપગ જડ થઈ ગયા. આખું શરીર લોહીથી ખરડાઈ ગયું. રાજાને થયું, ‘આ હમણાં તો વાતચીત કરતો હતો. શું થઈ ગયું.’ તેણે તેનો શ્વાસ જોયો. શ્વાસ બંધ થઈ ગયેલો લાગ્યું. શરીર જડ થઈ ગયું હતું. તેણે માની લીધું કે તે મૃત્યુ પામ્યો છે. તેના મૃત્યુનું દુઃખ વેઠાયું નહીં, બંને હાથ માથે મૂકીને તે રડવા લાગ્યો.

‘હું મારી જાતને અજરઅમર માનતો હતો. આજે સામના મૃત્યુથી સમજાઈ ગયું છે કે મૃત્યુ નિશ્ચિત છે. આ વાત પહેલાં સમજાઈ નહોતી. ઝેર પાયેલા બાણથી વીંધાયો હોવા છતાં તે મારી સાથે વાતો કરતો હતો. હવે સમય વીતી ગયો એટલે એકે શબ્દ બોલતો નથી. ચોક્કસ હું નરકગામી થઈશ. આ પાપ મને લાંબા સમય સુધી પીડ્યા કરશે. મને લોકો ‘ઘોર કર્મ કરનારો’ કહીને નિંદશે. આ જનશૂન્ય વનમાં મને કોણ કહેશે? વસતીમાં લોકો એકઠા થઈને મને મારું પાપ યાદ કરાવશે. જનશૂન્ય વનમાં મને કોણ યાદ કરાવશે?’

તે સમયે ગંધમાદનમાં બહુસાદેરી નામની દેવકન્યા હતી. તે બોધિસત્ત્વના સાતમા જન્મે તેની મા હતી. જૂના સ્નેહને કારણે તે હમેશાં બોધિસત્ત્વનો વિચાર કરતી હતી. તે દિવસે દિવ્ય ઐશ્વર્યમાં આસક્ત રહેવાને કારણે તેની સ્મૃતિ ન રહી. દેવસમ્મેલનમાં ગઈ હોવાને કારણે પણ આમ મનાય છે. તે બેસુધ થઈ ગયા પછી તેને થયું — મારો પુત્ર શું કરે છે. તેણે જોયું — ‘પિલિયક્ખ રાજાએ મારા પુત્રને ઝેર પાયેલા બાણથી વીંધી નાખ્યો છે. હવે તે મિગ નદીની રેતીમાં સૂવડાવી મોટે મોટેથી રુદન કરી રહ્યો છે. જો હું અત્યારે નહીં જઉં તો મારો પુત્ર સ્વર્ણસામ મૃત્યુ પામશે. રાજાનું હૃદય પણ ફાટી જશે. સામના માતાપિતા પણ નિરાહાર રહેશે, પાણી વિના તેઓ મૃૃત્યુ પામશે. હું જઈશ એટલે રાજા પાણીનો ઘડો લઈને પુત્ર પાસે જશે. તેમની વાત સાંભળીને રાજા પુત્ર પાસે લઈ જશે. ત્યારે તેઓ અને હું મળીને સત્યક્રિયા કરીશું. પછી સામનું ઝેર ઊતરી જશે. આમ મારો પુત્ર પુનર્જીવન મેળવશે. માતાપિતાની આંખો સારી થઈ જશે. રાજા સામનો ધર્મોપદેશ સાંભળી મહાદાન આપીને સ્વર્ગે જશે. એટલે હું ત્યાં જઉં.’ અને તે ત્યાં પહોંચી, મિગ નદીના કિનારે અદૃશ્ય રહીને આકાશમાં સ્થિર થઈ. તેણે રાજા ઉપર અનુકંપા કરવા કહ્યું, ‘મહારાજ, તમે બહુ મોટું પાપ કર્યું છે. તમારું આ દુષ્કૃત્ય છે. તમે નિર્દોષ સામને, તેના માતાપિતાને એક જ બાણથી મારી નાખ્યા. ચાલો તમને ઉપદેશ આપું, જેથી તમને સુગતિ મળે. ધર્માનુસાર વનમાં અંધ માતાપિતાની સેવા કરો. આનાથી તમારી સુગતિ થશે એમ માનું છું.’

દેવીની વાત સાંભળીને રાજાએ વિચાર્યું, ‘હું આના માતાપિતાની સેવા કરીને સ્વર્ગે જઈશ. મારે રાજ્ય સાથે શી લેવા દેવા? હું તેમની સેવા કરીશ.’ આવો નિશ્ચય કરીને રડી કકળીને થોડો શોક ઓછો કર્યો. હવે સ્વર્ણસામ મૃત્યુ પામ્યો હશે એમ માનીને વિવિધ પુષ્પો તેના શરીર પર મૂક્યાં, પછી પાણી છાંટીને ત્રણ વાર તેના શરીરની પ્રદક્ષિણા કરી. પછી પાણી ભરેલો ઘડો લઈને વનમાંથી દક્ષિણે ચાલી નીકળ્યો.

રડી કકળીને રાજા બહુ દુઃખી હાલતમાં પાણીનો ઘડો લઈને ચાલ્યો. રાજા પ્રકૃતિથી બળવાન હતો. પાણીનો ઘડો લઈ આશ્રમભૂમિ પર ચાલીને તે પંડિતની કુટીરે જઈ પહોંચ્યો. પંડિતે અંદર બેઠા બેઠા જ રાજાનાં પગલાંનો અવાજ સાંભળી જાણી લીધું કે આ સામનાં પગલાં નથી. આ કોણ આવી રહ્યું છે? આ સામ નથી, આ કોઈ બીજું છે. ‘મિત્ર, કોણ છો તમે?’

આ સાંભળી રાજાએ વિચાર્યું , ‘હું રાજા છું એમ કહ્યા વિના કહીશ કે મેં તમારા પુત્રને મારી નાખ્યો છે તો તેઓ ક્રોધે ભરાઈને મને કઠોર વચન કહેશે. મારા મનમાં પણ તેમના પર ગુસ્સો આવશે. ત્યારે હું તેમને દુઃખ પહોંચાડી શકું. મારે માટે આ અયોગ્ય હશે. રાજા શબ્દ સાંભળીને બધા ડરે છે. એટલે હમણાં રાજાની વાત કહીશ.’ એમ વિચારી પાણી રાખવાની જગાએ ઘડો મૂકી દીધો, પર્ણશાલાના બારણે ઊભા રહીને તેણે કહ્યું, ‘હું કાશીનો રાજા છું. મારું નામ પિલિયક્ખ. હું કુશળ તીરંદાજ છું. આ વાત બધા જાણે છે. મારા તીરના માર્ગમાં આવેલો હાથી પણ બચી ન શકે.’

પંડિતે પણ રાજાના ખબરઅંતર પૂછ્યા, પછી રાજાએ વિચાર્યું, મેં તમારા પુત્રને મારી નાખ્યો છે એ વાત શરૂઆતમાં જ કહેવી યોગ્ય નથી. અજાણ્યાની જેમ જ તેણે વાતચીત શરૂ કરી.

‘આંધળી વ્યક્તિ તો વનમાં કશું જોઈ ન શકે. આ ફળ કોણ લાવે છે? આ બધી સામગ્રી આંખોવાળી વ્યક્તિએ જ ભેગી કરી છે.’

આ સાંભળી પંડિતે કહ્યું, ‘મહારાજ, અમે આ ફળફૂલ લાવતાં નથી, અમારો પુત્ર લાવે છે. તે યુવાન છે. બહુ ઊંચો નથી. બહુ નીચો નથી. તેનું નામ સામ છે. તે કલ્યાણદર્શી છે. તેના વાળ લાંબા, કાળા છે. તે કમંડળ લઈ પાણી લાવવા નદીએ ગયો છે. હવે એ દૂર નહીં જાય, આવતો જ હશે.’

રાજાએ કહ્યું, ‘જે તમારી સેવા કરતો હતો, જે કલ્યાણદર્શી હતો તેને તો મેં મારી નાખ્યો. તેના વાળ લાંબા અને કાળા છે. લોહીથી ખરડાયેલા વાળવાળો તે મારા દ્વારા ઘવાઈને પડ્યો છે.’

પંડિતની કુટીરની પાસે જ પારિકાની કુટીર હતી. ત્યાં બેઠી બેઠી રાજાની વાત સાંભળતી હતી. વધુ જાણવા માટે તે બહાર નીકળી અને દોરડું પકડીને દુકુલની પાસે જઈને તે બોલી, ‘સામ મરી ગયો એવું બોલનાર કોણ છે? સામ મૃત્યુ પામ્યો. એ સાંભળીને મારું હૃદય કંપી ઊઠ્યું છે. જેવી રીતે પીપળાની કૂંપળ હવામાં થરથરે તેવી રીતે ‘સામ મરી ગયો’ સાંભળીને મારું હૃદય કંપે છે.’

પંડિતે આ સાંભળી કહ્યું, ‘પારિકા, આ કાશીરાજ છે. ક્રોધે ભરાઈને મિગ નદીના કાંઠે આ રાજાએ સામને વીંધી નાખ્યો છે. તેનું ખરાબ ન ઇચ્છીશ.’

પારિકાએ કહ્યું, ‘બહુ મુશ્કેલીથી વહાલો દીકરો મળ્યો. તે વનમાં અંધ માતાપિતાની સેવા કરતો હતો. પુત્રનો વધ કરનાર પ્રત્યે ક્રોધ કેમ ન જાગે?’

પંડિતે કહ્યું, ‘બહુ મુશ્કેલીથી વહાલો દીકરો મળ્યો, તે અંધ માતાપિતાની સેવા કરતો હતો. પંડિતો કહે છે, આવા એક પુત્રના હત્યારા પ્રત્યે પણ ક્રોધ ન કરવો જોઈએ.’

એમ કહી બંને છાતી કૂટતા, બોધિસત્ત્વના ગુણોને યાદ કરી બહુ રડ્યાં.

રાજાએ આશ્વાસન આપતાં કહ્યું, ‘સામ મૃત્યુ પામ્યો.’ એમ કરી કરીને બહુ રુદન ન કરતા. હું તમારો સેવક બનીને તમારું પાલનપોષણ કરીશ. હું કુશળ તીરંદાજ છું. એ વાત જાણીતી છે. મૃગોનું માંસ અને વનમાં ફળફૂલ શોધતો તમારો સેવક થઈને તમારું પાલનપોષણ કરીશ.’

પંડિતે એ સાંભળી કહ્યું, ‘મહારાજ, અમારી સેવા કરવાની તમારે જરૂર નથી. અમને દોરડું પકડાવીને સામ પાસે લઈ જાઓ. એના પગ અને સુંદર મોં લૂછીશું, પાછા આવીને મૃત્યુની પ્રતીક્ષા કરીશું.’

તેઓ આમ કહેતા હતા ત્યાં તો સૂર્યાસ્ત થઈ ગયો. ‘જો હું એમને અત્યારે લઈ જઈશ તો તેને જોઈને તેમનું હૃદય ફાટી જશે. આ ત્રણે મૃત્યુ પામશે તો હું ચોક્કસ નરકગામી થઈશ. એટલે તેમને જવા નહીં દઉં.’

‘જે વનમાં સામ ઘવાઈને પડ્યો છે તે જાણે પૃથ્વી પર ચન્દ્ર પડ્યો ન હોય. તે મૃગોથી ઘેરાયેલા મહાવન આકાશના છેડે દેખાય છે. જે વનમાં સામ રેતીથી ઢંકાયેલો ઘવાઈને પડ્યો છે તે મૃગોથી ઘેરાયેલા મહાવન આકાશના છેડે દેખાય છે.’

‘ત્યાં સો, હજાર, અગણિત મૃગ હોય તો પણ અમને વનમાં તેમના તરફથી કોઈ ભય નથી.’

રાજાએ જ્યારે જોયું કે તે તેમને રોકી નથી શકતો ત્યારે તેમને ઝાલીને ત્યાં લઈ ગયો.

તેમણે ત્યાં જઈને કહ્યું, ‘આ રહ્યો પુત્ર.’

તેના પિતાએ પુત્રના માથે અને માએ તેના પગ પોતાની સાથળે રાખીને વિલાપ કર્યો.

ધૂળથી ખરડાયેલા, પૃથ્વી પર પડેલા ચન્દ્રમા જેવો વનમાં પડેલો જોઈ, પૃથ્વી પર પડેલા સૂર્ય જેવો જોઈ તેઓ ગદ્ગદ થઈ ગયા. પુત્રને ધૂળમાં ખરડાયેલો જોઈ તેઓ રડવા લાગ્યા.

‘હે કલ્યાણદર્શન સામ, તું તો બહુ સૂતો. આટલો બધો સમય વીતી ગયો તો પણ તો પણ તું બોલતો નથી. હે સામ, તું બહુ મત્ત બની ગયો છે. આટલો બધો સમય વીતી ગયો તો પણ તું બોલતો નથી. હે સામ, તું બહુ પ્રમત્ત થઈ ગયો છે. તું બહુ ક્રોધે ભરાયો નથી. હે સામ, તું બહુ પ્રમત્ત થઈ ગયો છે. તું બહુ રિસાઈ ગયો છે; એટલે તો આટલો બધો સમય થઈ ગયો તો પણ તું બોલતો નથી. અમારી જટા ગૂંચવાઈ ગઈ છે. કીચડથી લથબથ થઈ ગઈ છે. હવે કોણ સરખી કરશે? આંધળાઓની સેવા કરનાર સામ હવે નથી. કોણ હવે ઝાડુ લઈને આશ્રમ સાફ કરશે? કોણ હવે ઠંડા અને ગરમ પાણીથી અમને સ્નાન કરાવશે? આંધળાઓની સેવા કરનાર સામ હવે નથી. કોણ હવે અમને વનનાં ફળફળાદિ ખવડાવશે? આંધળાઓની સેવા કરનાર સામ હવે નથી.’

તેની માએ બહુ રુદન કર્યા પછી પુત્રની છાતી પર હાથ મૂક્યો, તેને શરીર ગરમ લાગ્યું. શરીર હજુ ગરમ હોય તો ઝેરને કારણે તે માત્ર બેસુધ થયો હશે. તેણે નક્કી કર્યું કે તેનું ઝેર ઉતારવા હું સત્યક્રિયા કરીશ.

‘જે સત્ય વડે આ સામ પહેલાં ધર્મચારી હતો, બ્રહ્મચારી હતો, સત્યવાદી હતો, માતાપિતાની સેવા કરનારો હતો, વડીલોનો આદર કરનારો હતો, મને જીવથીય વધુ વહાલો હતો, તે સત્યના પ્રભાવથી આનું ઝેર ઊતરી જાય. મેં અને આના પિતાએ જે કંઈ કર્યું છે તેના પ્રતાપે તેનું ઝેર ઊતરી જાય.’

આમ માએ સત્યક્રિયા કરી એટલે સામે પડખું બદલ્યું. ‘મારો પુત્ર જીવે છે.’ એમ કહી તેના પિતાએ સત્યક્રિયા એ જ રીતે કરી. તેમની સત્યક્રિયા પછી બોધિસત્ત્વે ફરી પડખું બદલ્યું. ત્યાર પછી દેવીએ ત્રીજી સત્યક્રિયા કરી.

‘હું લાંબા સમયથી ગંધમાદન પર્વત પર નિવાસ કરી રહી છું. સામથી વધુ પ્રિય મને કોઈ નથી. આ સત્યના પ્રતાપે સામનું ઝેર ઊતરી જાય. ગંધમાદન પર્વત પર બધાં વન સુવાસિત છે. આ સત્યના પ્રતાપે સામનું ઝેર ઊતરી જાય.’ તે ખૂબ જ કરુણાસભર સ્વરે બોલી અને કલ્યાણસ્પર્શી યુવાન સામ તરત જ બેઠો થઈ ગયો.

આમ બોધિસત્ત્વનું નીરોગી થવું, માતાપિતાની આંખો પાછી આવી તે, અરુણોદય, દેવીનો પ્રતાપ- આ ચારેયનું આશ્રમ પહોંચી જવું. — આ બધું એક જ ક્ષણમાં બની ગયું. માતાપિતા આંખો પાછી આવી તેનાથી અને સામ સાજો થયો તેનાથી બહુ પ્રસન્ન થયાં.

સામ બોલ્યો, ‘તમારું કલ્યાણ થાય. હું સામ છું. સાજોસમો ઊભો છું. હવે બહુ વિલાપ ન કરો. મને સુંદર શબ્દો સંભળાવો.’

બોધિસત્ત્વે રાજાને જોયો. રાજાએ આ અચરજ જોઈને કહ્યું, ‘મને મોહ થયો છે. બધી દિશાઓ જુદી લાગે છે. મેં તો તારું શબ જોયું હતું, તને કોણે જીવતો કર્યો!’ સામને લાગ્યું કે રાજા હજુ મને મરેલો માને છે, એટલે તેણે કહ્યું, ‘રાજન્, ખૂબ જ વેદનાગ્રસ્ત પ્રાણીને પણ જીવંત હોવા છતાં મૃત માની લેવામાં આવે છે. અત્યન્ત વેદનાગ્રસ્ત પ્રાણી પણ નિદ્રાવસ્થામાં જીવતો હોવા છતાં તેને મૃત માની લેવામાં આવે છે. આમ લોકો મને જીવતો હોવા છતાં મરેલો માનતા હતા.’ રાજાને સત્ધર્મની દિશામાં વાળવા તેણે કહ્યું, ‘જે માનવી માતા-પિતાની ધર્માનુસાર સેવા કરે છે, દેવતાઓ પણ માતાપિતાની સેવા કરનારની ચિકિત્સા કરે છે. જે માનવી માતાપિતાની ધર્માનુસાર સેવા કરે છે તેમની અહીં પ્રશંસા થાય છે અને પરલોકમાં ગયા પછી પણ આનંદ મનાવાય છે.’

આ સાંભળી રાજા વિચારવા લાગ્યો, ‘કેવું આશ્ચર્ય, માતાપિતાની સેવા કરનારના રોગની દેવતાઓ ચિકિત્સા કરે છે. આ સામ ખૂબ જ સુશોભિત છે. હું વધુ ને વધુ મોહ પામી રહ્યો છું. બધી દિશાઓ મને શૂન્ય લાગે છે. સામ, હું તારી શરણે છું. તું મારી પ્રતિષ્ઠા બન.’

ત્યારે બોધિસત્ત્વે કહ્યું, ‘હે મહારાજ, જો દેવલોક જવા માગો છો, મહાન દિવ્ય ઐશ્વર્ય પામવા માગો છો તો દસ ધર્મચર્યાઓનું પાલન કરો.’

આમ બોધિસત્ત્વે રાજધર્મ સમજાવ્યો, બીજો ઉપદેશ આપીને પાંચ શીલ આપ્યા. રાજાએ એ ઉપદેશને માથે ચઢાવ્યો, વારાણસી જઈને દાનપુણ્ય કરી સભા સહિત સ્વર્ગવાસી થયો. બોધિસત્ત્વ પણ માતાપિતાની સાથે અભિજ્ઞા અને સમાપત્તિઓ પ્રાપ્ત કરી બ્રહ્મલોક વાસી થયા.