ભારતીયકથાવિશ્વ-૩/વસુદેવહિંડીની કથાઓ/અગડદત્તે ચોરને માર્યો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અગડદત્તે ચોરને માર્યો

આ પછી હર્ષ પામેલો હું રાજાના ચરણમાં પ્રણામ કરીને રાજકુલમાંથી નીકળ્યો. શાસ્ત્રોમાં મળતા નિર્દેશો ઉપરથી મેં જાણ્યું હતું કે દુષ્ટ પુરુષો અને ચોરો ઘણું કરીને પાનાગાર (મદ્યની દુકાન), દ્યૂતશાલા, કંદોઈની દુકાન, પાંડુ વસ્ત્ર પહેરનાર પરિવ્રાજકોના મઠ (અથવા નપુંસકોનાં નિવાસસ્થાનો તથા પરિવ્રાજકોના મઠો), રક્તાંબર ભિક્ષુઓના કોઠાઓ, દાસીગૃહો, આરામ, ઉદ્યાન, સભા અને પ્રપાઓમાં તથા શૂન્ય દેવકુલો અને વિહારોમાં આશ્રય કરીને રહે છે. વિવિધ કલાઓમાં કુશળ એવા તે ચોરો ત્યાં ઉન્મત્ત પરિવ્રાજકોનાં વિવિધ પ્રકારનાં લિંગ(ચિહ્ન) અને વેશ ધારણ કરીને અથવા બ્રાહ્મણનું રૂપ લઈને વિકૃત અને બેડોળ આકૃતિ ધરી ભમે છે. એટલે એવાં સ્થાનોની હું મારા ચાર પુરુષો — જાસૂસો દ્વારા તપાસ રખાવવા માંડ્યો. એક વાર ઉપાય કરવામાં કુશળ એવો હું તપાસ કરાવીને નીકળ્યો. જેણે જીર્ણ અને મેલાં વસ્ત્રો પહેર્યાં છે એવો હું એકલો જ દોડીને નવાં હરિયાળાં પલ્લવવાળા તથા ઘણી શાખાઓ વડે શીતલ એક આંબાના ઝાડ નીચે બેઠો અને ચોરને પકડવાનો ઉપાય વિચારવા માંડ્યો. તે જ વખતે ગેરુ વડે રાતાં રંગેલાં વસ્ત્ર ધારણ કરેલો, એક કપડાનું જેણે ઉત્તરાસંગ કરેલ છે એવો, સાંખ્યવાદીઓની જેમ કપડાના ટુકડાથી જેણે કેડ બાંધી છે એવો, જેણે ડાબા ખભા આગળ ત્રિદંડ તથા કમંડળ રાખેલ છે એવો, માળાના મણકા ગણવામાં વ્યાપૃત હાથવાળો, તાજાં ઓળેલાં વાળ અને દાઢીવાળો અને મોઢેથી કંઈક ગણગણાટ કરતો એક પરિવ્રાજક તે જ આંબાની છાયામાં આવ્યો. એકાન્ત જગાએ ત્રિદંડને રાખીને એક પલ્લવશાખા પકડીને તે બેઠો. દીર્ઘ અને ઊંચા નાકવાળા, જાડી નસો વડે વીંટાયેલા પગવાળા અને સ્નાયુબદ્ધ પિંડીઓ અને લાંબી જંઘાઓવાળા તેને મેં જોયો અને જોઈને મારા હૃદયમાં શંકા થઈ કે, ‘નક્કી ચોરનું પાપકર્મ સૂચવનારાં આ ચિહ્નો જણાય છે, તો નક્કી આ પાપકારી ચોર હશે.’ તેણે મને કહ્યું, ‘વત્સ! અધૈર્ય વડે સંતપ્ત એવો તું કોણ છે? શા માટે ફરે છે? ક્યાંનો રહેવાસી છે અને ક્યાં જાય છે?’ પછી તેના હૃદયનું હરણ કરવામાં ચતુર એવા મેં કહ્યું, ‘ભગવાન્! હું ઉજ્જયિનીનો વતની છું, અને વૈભવ ક્ષીણ થતાં આમતેમ રખડું છું.’ બીજાઓને ભોળવનારા તેણે કહ્યું, ‘પુત્ર! તું ડરીશ નહીં. હું તને વિપુલ ધન અપાવીશ.’ મેં કહ્યું, ‘ભગવન્! મારા પિતા સમાન આપે મારા ઉપર અનુગ્રહ કર્યો.’ આમ અમારો પરસ્પર વાર્તાલાપ થતો હતો ત્યાં લોકસાક્ષી સૂર્ય અસ્ત પામ્યો, સંધ્યા પણ વીતી ગઈ. પછી તે પરિવ્રાજકે ત્રિદંડમાંથી શસ્ત્ર કાઢીને કેડ બાંધી. ઊઠીને મને તે કહેવા લાગ્યો, ‘અરે! ચાલ, નગરમાં જઈએ.’ એટલે શંકાયુક્ત એવો હું પણ યુક્તિપૂર્વક તેની પાછળ પાછળ જવા લાગ્યો. મેં ધાર્યું કે, ‘નગરમાં ખાતર પાડનાર ચોર તે નક્કી આ જ હશે.’ પછી અમે નગરમાં પેઠા. ત્યાં ઊંચી નજર કરીએ ત્યારે જોઈ શકાય એવું તથા પુણ્યવિશેષની શ્રીને સૂચવનારું કોઈનું ભવન હતું. જેના મુખમાં આરા છે એવા હથિયાર વડે એ મકાનમાં સહેલાઈથી ખોદી શકાય એવા ભાગમાં તેણે ખોદવા માંડ્યું. શ્રીવત્સના આકારનું ખાતર પાડીને જેણે મારી શંકાને પ્રબળ કરી છે એવો તે અંદર પેઠો. અનેક પ્રકારનો માલ ભરેલી પેટીઓ તેણે અંદરથી આણી; અને મને તે સોંપીને ત્યાંથી ગયો. એટલે મેં વિચાર્યું કે ‘રખે ને આ મારો જ વિનાશ કરે, માટે આનો ઠેઠ સુધી પીછો પકડવો જોઈએ.’ એટલામાં તે યક્ષના દેવળમાંથી પોતાના સાથીદાર દરિદ્ર પુરુષોને લઈને આવ્યો. પેલી પેટીઓ એ પુરુષો પાસે તેણે ઉપડાવી, અને અમે નગરની બહાર નીકળ્યા. પછી એ ચોરે મને કહ્યું, ‘પુત્ર! આ જીર્ણોદ્યાનમાં થોડીવાર ઊંઘી લઈએ; જ્યારે રાત ગળશે ત્યારે અહીંથી જઈશું.’ મેં કહ્યું, ‘ભલે એમ કરીએ.’ પછી અમે જીર્ણોદ્યાનમાં એક બાજુએ ગયા. ત્યાં પેલા પુરુષોએ પેટીઓ મૂકી અને તેઓ ઊંઘી ગયા. પણ પેલો ચોર અને હું તો પથારી પાથરીને ખોટું ખોટું ઊંઘવાનો ડોળ કરતા જાગતા જ રહ્યા.

પછી હું ત્યાંથી સ્વૈરપણે ઊઠીને વૃક્ષોની પાછળ છુપાઈ ગયો. દયાહીન હૃદયવાળા અને છૂપો ઘા કરનારા પેલા ચોરે પેલા પુરુષોને ઊંઘી ગયેલા જાણીને તેમને મારી નાખ્યા. પછી તે મારી જગાએ આવ્યો પણ રક્તચ્છદ લતાઓની બનાવેલી મારી પથારીમાં મને નહીં જોતાં તે મારી શોધ કરવા માંડ્યો. એટલામાં વૃક્ષોની ઘટાથી જેનું શરીર ઢંકાયેલું છે એવા મેં દોડીને, તેની નજર ચુકાવીને, મારા ઉપર હુમલો કરવા આવતો હતો ત્યાં જ, તેના ખભા ઉપર તલવારનો પ્રહાર કર્યો. જબ્બર ઘાથી જેનું અર્ધું શરીર કપાઈ ગયું છે એવો તે જમીન ઉપર પડ્યો. મૂર્ચ્છા વળતાં તેણે મને કહ્યું, ‘વત્સ! આ મારી તલવાર છે, તે લઈને તું સ્મશાનના છેવાડાના ભાગમાં જા. ત્યાં જઈને શાન્તિગૃહ (શાન્તિકર્મ કરવાનું સ્થાન)ની ભીંત આગળ અવાજ કરજે. ત્યાં ભોંયરામાં મારી બહેન રહે છે, તેને આ તલવાર આપજે. તે તારી પત્ની થશે અને તું મારા સર્વ દ્રવ્યનો તથા તે ભોંયરાનો સ્વામી થઈશ. ગાઢ પ્રહારને લીધે મારા જીવનની તો હવે આશા નથી.’ પછી હું તલવાર લઈને સ્મશાનની નજદીક આવેલા શાન્તિગૃહ પાસે ગયો. ત્યાં મેં શબ્દ કર્યો, એટલે તે ભવનમાંથી વનદેવતા જેવા દર્શનીય રૂપવાલી ભવનવાસી સુંદરી નીકળી. તેણે મને પૂછ્યું, ‘તમે ક્યાંથી આવો છો?’ મેં તેને તલવાર આપી. વિષાદયુક્ત વચન અને હૃદયવાળી તથા પોતાનો શોક છુપાવતી તે મને સંભ્રમપૂર્વક શાન્તિગૃહમાં લઈ ગઈ અને આસન આપ્યું. ખૂબ વિશ્વાસ પડ્યો હોય એવું વર્તન બતાવવામાં કુશળ એવો હું શંકાપૂર્વક તેનું ચરિત્ર અવલોકવા માંડ્યો. ક્રૂર હૃદયવાળી તેણે મારા માટે શય્યા તૈયાર કરવા માંડી અને કહ્યું, ‘અહીં આરામ લ્યો.’ પછી નિદ્રા લેવાનો ઢોંગ કરીને હું ત્યાં ગયો. એનું ધ્યાન અન્યત્ર હતું એવે વખતે ત્યાંથી ઊઠી અન્ય સ્થળે જઈ છુપાઈને ઊભો રહ્યો. પછી તે શય્યા ઉપર પહેલાંથી જ તૈયાર કરી રાખેલા યંત્રમાંથી તેણે શિલા પાડી અને પલંગના ચૂરા થઈ ગયા. સંતુષ્ટ થયેલી તે પણ બોલી, ‘હાશ! મારા ભાઈના ઘાતકને મેં માર્યો!’ એટલે દોડીને તેનો ચોટલો પકડીને હું બોલ્યો, ‘દાસી! કહે, કોણ મને મારનાર છે?’ આમ કહેતાં ‘હું તમારી શરણાગત છું’ એમ કહીને તે મારા પગે પડી. સ્ત્રીઓને સ્વાભાવિક એવા ભયથી વિહ્વળ તેને મેં આશ્વાસન આપ્યું કે ‘ડરીશ નહીં.’ પછી તેને લઈને હું દરબારમાં ગયો અને ત્યાં રાજાને બનેલી બધી હકીકત કહી. તે ચોરના મૃત શરીરને પણ રાજાએ મોકલેલા નગરજનોએ જોયું. એની બહેનને રાજકુલમાં દાખલ કરવામાં આવી. લોકોનું ચોરાયેલું દ્રવ્ય તેમને પાછું અપાવવામાં આવ્યું. પછી રાજાએ અને પ્રજાએ મારો સત્કાર કર્યો. આ પ્રમાણે પૂજા-સત્કારથી જેને વૈભવ મળ્યો છે તથા જેને માટે જય શબ્દ થાય છે એવો હું એ નગરમાં રહેવા લાગ્યો.