ભારતીયકથાવિશ્વ-૩/વસુદેવહિંડીની કથાઓ/ચારુદત્તનું ગૃહાગમન
એક વાર મેં વિદ્યાધરરાજાને કહ્યું, ‘મને મારી માતા યાદ આવે છે, માટે હું જઈશ.’ એટલે તે બન્ને જણા મને કહેવા લાગ્યા, ‘તાત! તમારી જો જવાની ઇચ્છા હોય તો તમને રોકવા એ અમારે માટે યોગ્ય નથી. જે રીતે તમને સુખ થતું હોય તેમ ભલે થાઓ. પણ એક વાત સાંભળો — અમારા પિતા અમિતગતિ જ્યારે અહીં હતા ત્યારે તેમણે વિજયસેના દેવીની કુખે જન્મેલી પોતાની પુત્રી (ગન્ધર્વદત્તા) માટે નૈમિત્તિકને પૂછ્યું હતું. નૈમિત્તિકે આદેશ કાર્યે હતો કે, ‘આ ગન્ધર્વદત્તા ઉત્તમ પુરુષની ભાર્યા થશે, અને તે પુરુષ વિદ્યાધરો સહિત દક્ષિણ ભરતને ભોગવશે. ચંપાનગરીમાં ચારુદત્તને ઘેર રહેલી આ કન્યાને તે પુરુષ સંગીતવિદ્યામાં પરાજિત કરશે. ભાનુશ્રેષ્ઠીનો પુત્ર ચારુદત્ત કોઈ કારણસર અહીં આવશે, તેને સોંપવામાં આવતાં એ કન્યા તે પુરુષને પામશે. એ પુરુષ કેવી રીતે ઓળખાશે? ચિત્રકામમાં આલેખેલા હસ્તી-મિથુનનું તે આયુષ્ય જાણશે, પછી કેશયુક્ત તંત્રીવાળી, બળેલા અને પાણીમાં બૂડેલા લાકડામાંથી બનાવેલી વીણાઓનો તે દોષ કાઢશે અને સપ્ત સ્વરની તંત્રીવાળી વીણા તે માગશે. આ રીતે તેને જાણવો.’ માટે આ કન્યાને તમે લઈ જાઓ.’ મેં પણ એ વસ્તુ સ્વીકારી. પછી મનુષ્યોને દુર્લભ એવો રત્ન અને સુવર્ણનો સમૂહ તે વિદ્યાધરોએ મને આપ્યો. પ્રસ્થાન સમયે વિજયસેના દેવીએ પરિવાર સહિત તથા દાસ અને સેવકો સહિત પુત્રી ગન્ધર્વદત્તા મને સોંપી અને કહ્યું કે, ‘દીક્ષા લેતી વખતે રાજાએ કરેલી સૂચના પ્રમાણે આ કન્યાને સોંપી છે. તમારી પાસે તે ધર્મપૂર્વક ધર્મનિક્ષેપ (પવિત્ર થાપણ) બનો.’
પછી મેં દેવનું ચિન્તન કર્યું. એટલે તે પોતાની પ્રતિજ્ઞા પ્રમાણે આવ્યો. વૈભવ સહિત અને પરિચારિકાઓ સહિત ગન્ધર્વદત્તાની સાથે તે મને અર્ધ રાત્રે ચંપાનગરીમાં લાવ્યો. તેણે મને વિપુલ ધન આપ્યું, તે નગરની બહાર ઉપવનમાં મેં દાટી દીધું. દાસદાસીઓ પટમંડપ — કનાતોમાં સૂઈ ગયાં. ‘તમારે માટે રાજાને સૂચના કરું છું. જ્યારે કામ પડે ત્યારે મારું સ્મરણ કરજો.’ એમ કહીને દેવ ગયો. વિદ્યાધર અને દેવે આપેલા ખચ્ચર, ગધેડા અને ઊંટ ત્યાં ઊભા રહેલા હતા તથા વિવિધ માલસામાન ભરેલાં ગાડાં પણ છોડેલાં હતાં. દેવની આજ્ઞા અનુસાર પરોઢિયે મશાલો સહિત તથા અલ્પ પરિજન સહિત રાજા ત્યાં આવ્યો. મને ખબર આપવામાં આવી. મેં રાજાનો અર્ઘ્યથી સત્કાર કર્યો. સૂર્યોદય થતાં મારો વૃત્તાન્ત સાંભળીને મારા મામા આવ્યા. તેમણે મને આલિંગન આપ્યું અને કહ્યું, ‘અહો! તેં કુળને ઉજ્જ્વળ કર્યું છે, તેં પુરુષાર્થ કર્યો છે.’ મેં પૂછ્યું, ‘માતાના શા સમાચાર છે?’ તેમણે કહ્યું, ‘સાંભળો — તમે પ્રવાસે ગયા ત્યારે તમને ઘરમાં નહીં જોતી વસન્તતિલકા અશોકવનિકામાં ફરી આવીને દાસીઓને પૂછવા લાગી, ‘ચારુસ્વામી ક્યાં ગયા?’ વસન્તતિલકાએ ઘણો આગ્રહ કરતાં દાસીઓએ કહ્યું, ‘આ તો ધનહીન છે એમ વિચારીને જ્યારે તેમણે માદક પીણું પીધું હતું ત્યારે માતાએ તેમને ભૂતગૃહમાં ફેંકાવી દીધા હતા.’ આ સમાચાર જાણીને વસન્તતિલકા ગૃહિણી (મિત્રવતી) પાસે ગઈ. ત્યાં પણ તમને નહીં જોતાં તેણે વેણીબંધ બાંધ્યો, રાજાને નિષ્ક્રય (રાજાની સેવામાંથી મુક્તિ મેળવવા માટેનો લાગો) આપ્યો અને ગૃહિણીની સેવા કરવા લાગી. મિત્રવતી પણ પોતાના પાતિવ્રત્યની રક્ષા કરતી રહે છે.’ પછી હર્ષ પામેલો અને વેપારીઓનો સત્કાર પામતો હું મારા ઘરમાં પ્રવેશ્યો, માતાને વંદન કર્યું, મિત્રવતીને આલિંગન આપ્યું, વસન્તતિલકાનો વેણીબંધ છોડ્યો અને રત્નો ભંડારમાં મૂક્યાં.
અનુક્રમે ગન્ધર્વદત્તા પૂર્ણ યુવાવસ્થામાં આવી. પછી મેં સભામંડપ કરાવ્યો, તમારી શોધ માટે પુત્રીની સંગીતને લગતી પ્રતિજ્ઞા જાહેર કરી તથા હાથીનું યુગલ ચિતરાવ્યું, કારીગર પાસે આલેખન કરાવ્યું. હવે હું કુળધર્મને વિઘ્ન ન થાય તેવી રીતે ભોગ ભોગવતો રહું છું અને મારા મિત્રના પુત્ર વિદ્યાધરોને માસેમાસે સમાચાર મોકલું છું. મેં તે દિવસે (લગ્ન સમયે) તમને અગ્નિહોત્રને માટે પૂછ્યું હતું તથા કહ્યું હતું કે ‘આ પુત્રી કુળમાં તમારા સરખી અથવા કદાચ તમારાથી વિશેષ પણ હોય,’ તેનું રહસ્ય આ છે.
આ પ્રમાણે ચારુદત્ત શ્રેષ્ઠીની આત્મકથા સાંભળીને મેં તેમનો સત્કાર કર્યો તથા તેમને રજા આપી. ગન્ધર્વદત્તાને લાડ કરતો હું ભોગ ભોગવતો હતો. શાન્તિવાળી તથા મિત અને મધુર ભાષણ કરનારી શ્યામા અને વિજયા પણ તેને અનુમત થઈ હતી. આ પ્રમાણે ચારુદત્ત શ્રેષ્ઠીના ભવનમાં નિર્વિઘ્ને મારો કાળ જતો હતો.
એમ કરતાં ઋતુઓમાં પ્રધાન વસન્ત ઋતુ આવી, શિશિર ઋતુ વીતી ગઈ, કુસુમનો સુગંધી પરાગ ઊડવા લાગ્યો, શ્રવણને સુખ આપનાર કોકિલ-કૂજન સંભળાવા લાગ્યું, જળ સુખપૂર્વક ઉપભોગ કરી શકાય તેવું બન્યું, તરુણોનો સમૂહ મદનવશ થયો અને સુરવનમાં યાત્રા જાહેર કરવામાં આવી. (પૂર્વકાળમાં) ચંપાનગરીના પૂર્વક રાજાની દેવીને સમુદ્રસ્નાન કરવાનો દોહદ થયો હતો, તે પૂરો કરવા માટે ગતિમાન જળવિસ્તારવાળું સરોવર તેને યુક્તિપૂર્વક સમુદ્ર તરીકે બતાવવામાં આવ્યું હતું. જેનો દોહદ સંપૂર્ણ થયો છે તથા પુત્રજન્મના લાભથી જેનું મુખ સંતોષપૂર્ણ બનેલું છે એવી તે રાણીના વિનોદને માટે એક વર્ષના થયેલા તે પુત્રને લઈને નગરજનો સહિતની આ યાત્રા પ્રવર્તાવવામાં આવી હતી. એ વાતને ઘણો સમય વીતી ગયો હતો.
પછી ચારુદત્ત શ્રેષ્ઠીની અનુમતિ લઈને મેં ઋતુને અનુકૂળ એવા વસ્ત્રાલંકાર ધારણ કર્યા. મહામૂલ્યવાન આભરણ અને વસ્ત્ર જેણે ધારણ કર્યાં છે એવી ગન્ધર્વદત્તા પરિજનો સહિત આવી અને વંદન કરીને મારી બાજુમાં બેઠી. શ્રેષ્ઠીની સૂચનાથી અમારો રથ આવ્યો, હું ભવનની બહાર નીકળ્યો અને ગન્ધર્વદત્તાની સાથે રથમાં બેઠો. હાંકનાર વૃદ્ધે લગામો હાથમાં લીધી, હું રાજમાર્ગ ઉપર થઈને નીકળ્યો અને વાહનો તથા માણસોની ગિરદીને કારણે મુશ્કેલીએ નગરની બહાર નીકળ્યો. મારા રથની પાછળ પરિજનો આવતા હતા, અને કીર્તનો-વૃન્દગાનનાં દૃશ્ય જોતાં અમે ધીરે ધીરે ચાલતા હતા. પોતાનો વૈભવ દર્શાવતા નાગરિકો ત્યાં ઊભેલા હતા. ઉપવનોની પરંપરાનું દર્શન કરવાની ઇચ્છાવાળા લોકો અનુક્રમે મહાસર આગળ આવી પહોંચ્યા. ત્યાં ભગવાન વાસુપૂજ્યનું મંદિર હતું. ત્યાં પ્રણામ કરીને મોટા મોટા માણસો તે પ્રદેશમાં સરોવરની નજદીક કુસુમિત વૃક્ષોના વનમાં બેઠા હતા. હું પણ શ્રેષ્ઠીથી થોડેક દૂર ગન્ધર્વદત્તાની સાથે રથમાંથી ઊતર્યો અને અગાઉથી તૈયાર કરવામાં આવેલા આસન ઉપર બેઠો. વિશ્રામ લીધા પછી અમને અન્નપાન આપવામાં આવ્યું. પરિજનો સહિત અમે વિધિપૂર્વક જમવા લાગ્યા. ભોજન કર્યા પછી, વસન્ત ઋતુએ સુશોભિત બનાવેલાં આંબા, તિલક, કુરબક અને ચંપાનાં વૃક્ષો હું પ્રિયાની સાથે જોતો હતો તથા ગન્ધર્વદત્તાને તે બતાવતો હતો.
એવામાં અશોક વૃક્ષની નીચે બેઠેલું, જાણે નાગનું કુટુંબ હોય તેવું, ચાંડાલ-કુટુંબ મારી નજરે પડ્યું. પુષ્પમાલાઓથી અલંકૃત, ચંદનના વિલેપનવાળા, ચૂર્ણની આડને લીધે ભૂખરા બાહુ અને કપાળવાળા, નીલ કમળ અને મોગરાનાં જેમણે કર્ણાભરણ કર્યાં હતાં એવા ચાંડાલોને મેં ત્યાં જોયા. તેમની વચમાં કાળી, સ્નિગ્ધ કાન્તિવાળી, સન્માનિત, પ્રશસ્તગંભીર, જેણે દસિયા (છેડા)ના સમૂહ વડે કરીને સુકુમાર વસ્ત્રો પહેર્યાં હતાં એવી, પીઠિકા ઉપર બેઠેલી તથા રાજ્યલક્ષ્મી વડે વિભૂષિત એવી વૃદ્ધાને મેં જોઈ. તેની સાથે પણ બહુ નજદીક નહીં એવા સ્થળે કાળી, વર્ષાના આરંભકાળે ઘેરાયેલી મેઘરાશિ જાણે હોય તેવી, આભૂષણોની પ્રભાથી રંગાયેલા શરીરવાળી હોવાને કારણે જાણે નક્ષત્રો સહિત રાત્રિ હોય તેવી દેખાતી, તથા સૌમ્ય રૂપવાળી ચાંડાલોની કન્યાઓ વડે વીંટાયેલી એવી એક ચાંડાલકન્યાને મેં જોઈ. મારા તરફ તાકી રહેલી તે કન્યા ઊભી રહી, એટલે સખીઓએ તેને કહ્યું, ‘સ્વામિનિ! નાટ્યોપહાર વડે મહાસરની સેવા કરો.’ પછી ધવલ દાંતની પ્રભા વડે જાણે જ્યોત્સ્ના પેદા કરતી હોય એવી તેણે કહ્યું, ‘તમને રુચતું હોય તો તેમ કરીએ.’ કુસુમિત અશોક વૃક્ષના આધારે રહેલી અને મંદમંદ વાતા પવનથી કંપતી જાણે લતા હોય તેમ તેણે નૃત્ય કર્યું. તેની સખીઓ પણ ત્યાં બેસીને મધુકરીઓની જેમ કર્ણમધુર ગાવા લાગી. પછી ચાંડાલ-કન્યા ધવલ નયનયુગલના સંચાર વડે દિશાઓના સમૂહને કુમુદમય કરતી, હસ્તકમલના સંચાલનથી કમલપુષ્પના સૌન્દર્યને ધારણ કરતી તથા અનુક્રમે ઊપડતા પગ વડે ઉત્તમ સારસની શોભા ધારતી નાચી.
તેને જોઈને મને વિચાર થયો, ‘અહો! આ ચાંડાલ-કન્યા શાસ્ત્રને બરાબર અનુસરીને પોતાના શિક્ષાગુણો દર્શાવે છે. તે રૂપાળી અને વિચક્ષણ હોવા છતાં કેવળ તેની જાતિ દૂષિત છે. કર્મની ગતિ કુટિલ છે, જેથી કરીને તેણે આ રત્ન આ સ્થાને નાખ્યું છે.’ તેનામાં રક્ત હૃદયવાળો હું જોતો હતો. ગન્દર્વદત્તાએ મને કંઈક પૂછ્યું, પણ નાટ્યગુણ અને ગીતના શબ્દમાં મશગૂલ હોવાને કારણે મેં તે સાંભળ્યું નહીં, આથી કરીને રિસાઈને તે ‘મદવશ થઈને ચાંડાલિનીને જોતા મને ઉત્તર પણ આપતા નથી’ એમ બોલતી પડાવ ઉપર ચાલી ગઈ. હું પણ લજ્જા પામીને, ચાંડાલ કન્યાઓ ઉપરથી જેમ તેમ કરી મારી દૃષ્ટિ ખેંચી લઈને પડાવ ઉપર ગયો. મને જોતી તે કન્યા પણ સખીઓ સહિત પોતાને સ્થાને ગઈ. ચાંડાલવૃદ્ધા પ્રણામ કરી ઊભી રહી.
પછી સૂર્ય પશ્ચિમ દિશાએ ગયો — અસ્ત પામ્યો, એટલે પરિજનોએ ગન્ધર્વદત્તાને રથમાં બેસાડી અને રથ દક્ષિણ તરફ ચાલ્યો. હું પણ અનુક્રમે શ્રેષ્ઠીની સાથે નગરમાંં ગયો. ત્યાં પણ પરિજનો સામે આવ્યા હતા તેમણે ગન્ધર્વદત્તાને રથમાંથી ઉતારી, પછી ગન્ધર્વદત્તા વાસગૃહમાં ગઈ અને શય્યામાં બેઠી. મને ગન્ધર્વદત્તા કહેવા લાગી, ‘તમે ચાંડાલી જોઈ? અને તે વૃદ્ધાને પણ જોઈ? હંસ શું કમલવનમાં આનંદ ન પામે?’ પણ મેં તેને સોગન ખાઈને પ્રસન્ન કરી કે, ‘સુન્દરિ! મેં વિશેષ તો નાટ્ય જોયું હતું અને ગીત સાંભળ્યું હતું. ચાંડાલીને મેં જોઈ નથી.’ આ પ્રમાણે મારી રાત્રિ વીતી ગઈ.