ભારતીયકથાવિશ્વ-૩/વસુદેવહિંડીની કથાઓ/ધમ્મિલચરિત

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ધમ્મિલચરિત

ઘણા દિવસે જેનું વર્ણન થઈ શકે એવું કુશાગ્રપુર નામે નગર છે. ત્યાં જિતશત્રુ રાજા અને તેની ધારિણી નામે રાણી. એ નગરમાં અન્ય કુટુંબીજનો પોતાના મનોરથ વડે જેની સ્પૃહા કરતા હતા એવા વિપુલ વૈભવવાળો, ધન, શીલ, ગુણ અને જ્ઞાન વડે કરીને જેણે પોતાનાં કાર્યોની કીર્તિ વિસ્તારી છે એવો તથા ઇન્દ્રના જેવા શ્રેષ્ઠ રૂપ અને વૈભવવાળો સુરેન્દ્રદત્ત નામે સાર્થવાહ રહેતો હતો. કુળને યોગ્ય તથા ધર્મ અને શીલથી સંપન્ન એવી તેની સુભદ્રા નામે પત્ની હતી. તે ઋતુકાળે સગર્ભા થઈ. અનુક્રમે તે ગર્ભ વધતાં તેને સર્વ પ્રાણીઓને અભયદાન આપવાનો, ધામિર્ક જનોનું વાત્સલ્ય કરવાનો અને દીનજનો પ્રત્યેની અનુકંપાથી પુષ્કળ દાન કરવાનો દોહદ પેદા થયો.

પછી નવ માસ અને અને સાડા સાત રાત્રિદિવસ પૂર્ણ થતાં તે સુભદ્રાને પુત્ર જન્મ્યો. માતાને ધર્મ કરવાનો દોહદ થયો હતો, આથી તે પુત્રનું નામ ‘ધમ્મિલ્લ’ રાખવામાં આવ્યું. પછી પાંચ ધાત્રીઓ વડે પાલન કરાતો તે સુખપૂર્વક સંવર્ધન પામ્યો. જેના આરંભે લેખનકળા છે, ગણિતકળા જેમાં પ્રધાન છે અને શકુનરુત(પક્ષીઓની વાણી જાણવાની કળા જેના અંતમાં છે જેવી બોંતેર કળાઓમાં કાળે કરીને તેણે પ્રવેશ કર્યો.

જ્યારે ધમ્મિલ્લ અભિનવ યૌવનમાં આવ્યો ત્યારે એ જ નગરમાં રહેતા કુલ અને શીલમાં પોતાનાં માતાપિતાને અનુરૂપ એવા ધનવસુ સાર્થવાહની ધનદત્તા નામે પત્નીની પુત્રી અને પોતાના (ધમ્મિલના) મામાની દીકરી યશોમતી પદ્મરહિત લક્ષ્મી જેવી અને લક્ષ્મી સમાન રૂપવાળી હતી. તેની સાથે તેનું લગ્ન કરવામાં આવ્યું. પણ વિષયભોગોથી પરાઙ્મુખ અને શાસ્ત્રાભ્યાસમાં જ આસક્ત હૃદયવાળો ધમ્મિલ્લ પત્નીની દરકાર કરતો નહોતો.

એક વાર ધમ્મિલ્લની સાસુ પોતાની પુત્રીને મળવા માટે તેને ઘેર આવી. ધમ્મિલ્લના પિતાએ પોતાના વૈભવને અનુરૂપ અને સંબંધને યોગ્ય એવી રીતે તેનું સન્માન કર્યું. પછી તે પોતાની પુત્રી પાસે ગઈ અને પુત્રીના શરીરાદિનું કુશળ તેણે પૂછ્યું. ત્યારે સ્વભાવથી વિનીત અને લજ્જાથી નમેલા મુખવાળી પુત્રીએ લોકધર્મના ઉપભોગ સિવાય બાકીનું બધું નીચે પ્રમાણે કહ્યું,

‘હે માતા! તમારો જમાઈ પોતાની પાસે રેવાના પાણીથી પવિત્ર એવી પાટી મૂકીને તથા ચંદ્રનાં કિરણો જેવી ઉજ્જ્વળ ખડી લઈને, મને એકલીને શયનમાં સૂતેલી જોવા છતાં, આખી રાત ‘સમાન’ અને ‘સવર્ણ’ એવો વ્યાકરણભાગ (અથવા પોતાના મનની માનીતીને) ગોખ્યા કરે છે.’

આ સાંભળીને એકદમ કોપાયમાન થયેલી તથા રોષથી કાંપતી ધમ્મિલ્લની સાસુ સ્ત્રીસ્વભાવની વત્સલતાથી તથા પુત્રી પ્રત્યેના સ્નેહથી ધમ્મિલ્લની માતા પાસે જઈને બધું કહેવા લાગી. તેની બધી વાત સાંભળીને જેનું શરીર તથા હૃદય કંપી ઊઠ્યું છે તથા આંસુથી જેની આંખો ઊભરાઈ ગઈ છે એવી ધમ્મિલ્લની માતા નિરુત્તર અને ચૂપ થઈ ગઈ. પછી તેણે સોગનપૂર્વક પોતાની વેવાણને સમજાવી, એટલે ધમ્મિલ્લની સાસુ પુત્રીને આશ્વાસન આપીને પોતાને ઘેર ગઈ.

ધમ્મિલ્લની માતાએ પોતાના પતિ પાસે જઈને બધી હકીકત કહી ત્યારે સુરેન્દ્રદત્તે કહ્યું, ‘હે અજ્ઞાની સ્ત્રી! આપણો બાળક વિદ્યામાં આસક્ત છે એ જાણીને તો તારે હર્ષ પામવો જોઈએ; એમાં વિષાદ શા માટે કરે છે? નવી શીખેલી વિદ્યા, જો તેનો અભ્યાસ ચાલુ રાખવામાં ન આવે તો, તેલ વગરના દીવાની જેમ નાશ પામે છે. માટે અજ્ઞાની ન બન. જ્યાં સુધી પુત્ર બાળક છે ત્યાં સુધી ભલે વિદ્યાઓ ભણે.’

આ સાંભળીને સુરેન્દ્રદત્તની પત્નીએ પુત્ર પ્રત્યેના વાત્સલ્યથી કહ્યું, ‘બહુ ભણીને શું કામ છે? એને મનુષ્યભોગ ભોગવવા દો.’ પછી પુત્રને કામકળામાં નિપુણ બનાવવા ઇચ્છતી તે સ્ત્રીએ, પતિએ ના કહેવા છતાં, ધમ્મિલ્લને લલિત ગોષ્ઠીશોખીન વિદગ્ધ નાગરિકોની મંડળીમાં પ્રવેશ કરાવ્યો. માતાપિતાનો આ સર્વ સંવાદ ધાત્રીએ ધમ્મિલ્લને કહ્યો. પછી ધમ્મિલ્લ ગોષ્ઠિકો-ગોઠિયાઓની સાથે ઉદ્યાન, કાનન, સભા, અને ઉપવનોમાં ફરતો તથા જ્ઞાન અને વિજ્ઞાનમાં બીજાઓની સરસાઈ કરતો ઘણો કાળ ગાળવા લાગ્યો.