ભારતીયકથાવિશ્વ-૩/વસુદેવહિંડીની કથાઓ/ધમ્મિલ્લનું ચંપામાં આગમન અને મત્ત હાથીનો નિગ્રહ
એક વાર સુદત્ત રાજાએ કહ્યું, ‘મારા ભાઈ (ચંપાનગરીના રાજા)ની સાથે સંધિ કોણ કરાવી આપશે?’ ધમ્મિલ્લે કહ્યું, ‘સ્વામી! સામ, ભેદ અને દામના પ્રયોગથી હું કરાવી આપીશ, માટે નિશ્ચંતિ થાઓ. પછી રાજાએ તેનું માથું સૂંઘીને રજા આપી, એટલે પ્રિયજનોના દર્શન માટે ઉત્સુક ધમ્મિલ્લ ત્યાંથી નીકળ્યો. જુદાં જુદાં ગામોમાં મુકામ કરતો તે ચંપાનગરી પહોંચ્યો. ત્યાં સારા શુકનથી પ્રસન્ન થયેલા હૃદયવાળો તે નગરીમાં પ્રવેશ્યો, અને રાજમાર્ગ ઉપર ચાલવા લાગ્યો.
એવામાં લોકોના કોલાહલરૂપી મોટો સિંહનાદ તેણે સાંભળ્યો. એક નગર-યુવાનને તેણે પૂછ્યું, ‘મિત્ર! આ શેનો શબ્દ છે?’ તેણે જવાબ આપ્યો, ‘રાજાનો મત્ત હાથી જે થાંભલે તેને બાંધેલો તે ભાંગીને નાસી છૂટ્યો છે.’ આ સાંભળીને તે નિશ્ચિન્તપણે આગળ ચાલ્યો, તો જોયું કે નગરના એક યુવાન ઇભ્યપુત્રને, આઠ ઇભ્યપુત્રીઓ સાથેના તેના વિવાહ નિમિત્તે, અનેક કૌતુકપૂર્વક મંગલસ્નાન કરાવવામાં આવતું હતું. ધમ્મિલ્લે પૂછ્યું, ‘આ કોનો વિવાહ છે?’ એટલે એક જાણકારે કહ્યું, ‘ઇન્દ્રદમ સાર્થવાહના પુત્ર સાગરદત્તનું પિતાના મનોરથોથી ઇભ્યકન્યાઓ સાથે લગ્ન થાય છે. દેવકી, ધનશ્રી, કુમુદા, કુમુદાનંદા, કમલશ્રી, પદ્મશ્રી, વિમલ, અને વસુમતી એ પ્રમાણે તે આઠ ઇભ્યકન્યાઓનાં નામ છે.’ પેલો માણસ આમ કહેતો હતો ત્યાં તો પ્રલયકાળના કૃતાન્ત જેવો તે મત્ત હાથી વાજિંત્રોના અવાજ અને કોલાહલને કારણે તે સ્થળે આવ્યો. લગ્નમાં આવેલા લોકો ચારે બાજુ નાસી ગયા. પેલો વર પણ એ કન્યાઓને મૂકીને નાસી ગયો; અને જાળમાં ફસાયેલી હરિણીઓની જેમ અત્યંત ઉદ્વિગ્ન માનસવાળી, જીવનની આશા છોડી દઈને ચારે તરફ જોતી, ભયથી પીડાતા હૃદયવાળી અને ત્યાંથી જવાને અસમર્થ તે રૂપાળી કન્યાઓ ત્યાં જ બેસી રહી. મત્ત હાથી તેમની પાસે આવ્યો; એટલે ધમ્મિલ્લે તેમને કહ્યું, ‘ડરશો નહીં.’ હાથ પકડીને ધમ્મિલ્લ તે સર્વેને ઘરમાં લઈ ગયો. કન્યાઓને ઘરમાં મૂકીને તે બહાર આવ્યો. હાથીને તેણે જોયો અને હસ્તીશિક્ષામાં કુશળ ધમ્મિલ્લ તેને ખેલાવવાને માટે તેના ઉપર ચઢી ગયો, તથા સ્કન્ધપ્રદેશ ઉપર બેઠો. પછી હાથી માથું ધુણાવવા લાગ્યો, પણ સ્થિરતાપૂર્વક ધમ્મિલ્લે તેના ગળામાં દોરડું નાખ્યું, હાથમાં અંકુશ લીધો, અને તેને વશમાં આણ્યો. પછી હાથીને પકડવાને માટે મહાવતો આવ્યા. વાજિંત્રોના નાદથી અને હાથણીના શરીરની વાસથી હાથી સ્થિર થઈ ગયો, એટલે મહાવત તેના ઉપર ચઢ્યો અને ધમ્મિલ્લ ઊતર્યો. રાજાને ખબર આપવામાં આવી કે, ‘સ્વામી! અકાળ મૃત્યુ સમાન મત્ત હાથીને ધમ્મિલ્લે પકડ્યો.’ એટલે વિસ્મય પામેલો રાજા અને નાગરિકો ‘અહો! આશ્ચર્ય!’ એમ બોલતા તેને ફરી ફરી અભિનંદન આપવા લાગ્યા. રાજાએ તેનું પૂજન-સત્કાર કરીને રજા આપી, એટલે વિમલા અને કમલાને મળવા માટે ઉત્સુક ધમ્મિલ્લ પોતાને ઘેર ગયો. તેના સમાગમથી ઘરનાં માણસોને આનંદ થયો.
પછી ધમ્મિલ્લે સંવાહપતિ સુદત્તની સાથે ચંપાનગરીના રાજાની સંધિ કરાવી. સુદત્તે પદ્માવતીને મોકલી; તેની સાથે ધમ્મિલ્લનો સમાગમ થયો. વિમલસેનાએ પોતાને લાત મારતાં પોતે કેવી રીતે ઘર છોડીને નીકળ્યો ત્યાંથી માંડીને પોતાના પુનરાગમન સુધીનો સર્વ વૃત્તાન્ત ધમ્મિલ્લે મિત્રોને કહ્યો. ચંપાપુરીના રાજા કપિલનો કૃપાપાત્ર બનેલો તે સુખપૂર્વક ભોગ ભોગવતો રહેવા લાગ્યો.