ભારતીયકથાવિશ્વ-૩/વસુદેવહિંડીની કથાઓ/લોકધર્મની અસંગતિ વિશે મહેશ્વરદત્તની કથા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


લોકધર્મની અસંગતિ વિશે મહેશ્વરદત્તની કથા

તામ્રલિપ્તિ નગરીમાં મહેશ્વરદત્ત નામે સાર્થવાહ હતો. તેનો સમુદ્ર નામે પિતા ધનના સંચય, સંરક્ષણ અને પરિવર્ધનના લોભમાં ગ્રસ્ત એવો મરણ પામ્યો, અને અતિશય માયાને કારણે એ જ પ્રદેશમાં પાડો થયો. માયા અને કપટમાં કુશળ એવી તેની બહુલા નામની શૌચવાદી માતા પણ પતિશોકથી મરણ પામીને એ જ નગરમાં કૂતરી થઈ. મહેશ્વરદત્તની પત્ની ગાંગિલા વડીલોથી સૂના તે ઘરમાં રહેતી, સ્વચ્છંદી બની ગઈ. એક વાર ઇચ્છિત પુરુષ સાથે સંકેત કરીને સાંજે તેની રાહ જોતી તે ઊભી હતી. આયુધ સાથે તે સ્થળે આવેલો એ પુરુષ મહેશ્વરદત્તની નજરે પડ્યો. તે પુરુષે પોતાની જાતના રક્ષણ માટે મહેશ્વરદત્તને મારી નાખવાનો વિચાર કર્યો, પણ મહેશ્વરદત્તે લઘુહસ્તપણે તેને ગાઢ પ્રહાર કરતાં થોડેક દૂર જઈને તે પડ્યો. ‘અહો! મને મંદભાગ્યને અનાચારનું આ ફળ મળ્યું,’ એ પ્રમાણે વૈરાગ્યપૂર્વક પોતાની નિંદા કરતો તે મરણ પામ્યો, અને ગાંગિલાના ઉદરે પુત્ર તરીકે જન્મ્યો અને એક વર્ષનો થતાં મહેશ્વરદત્તનો પ્રિય પુત્ર થયો.

એક વાર પિતાનું શ્રાદ્ધ આવતાં મહેશ્વરદત્તે પેલા પાડાને ખરીદીને મારી નાખ્યો. આ પ્રમાણે પિતાના માંસની વાનગીઓ બની, અને તે લોકોને પીરસવામાં આવી. બીજા દિવસે તે માંસ તથા મદ્યનો સ્વાદ લેતો મહેશ્વરદત્ત પુત્રને ખોળામાં લઈને પોતાની માતા જે કૂતરી થયેલી હતી તેને માંસના ટુકડાઓ નાખવા માંડ્યો. કૂતરી પણ તે સંતોષપૂર્વક ખાવા માંડી.

એ વખતે કોઈ સાધુ માસક્ષપણના પારણા નિમિત્તે તે ઘરમાં પ્રવેશ્યા, અને અત્યંત પ્રસન્ન મહેશ્વરદત્તને તેમણે જોયો. એવી અવસ્થાવાળા તેને અવધિજ્ઞાનથી જાણીને તે વિચારવા લાગ્યા, ‘અહો! અજ્ઞાનને કારણે આ માણસ શત્રુને ખોળામાં લઈને બેઠો છે, પિતાનું માંસ ખાય છે અને કૂતરી (પોતાની માતા)ને તે ખવરાવે છે.’ ‘અકાર્ય’ એમ બોલીને સાધુ ત્યાંથી ચાલ્યા ગયા.

મહેશ્વરદત્તે વિચાર્યું, ‘ભિક્ષા લીધા વગર જ, ‘અકાર્ય’ એમ બોલી સાધુ કેમ ચાલ્યા ગયા?’ પછી શોધતો શોધતો તે સાધુ પાસે આવ્યો અને એકાંત પ્રદેશે તેમને જોઈને પૂછવા લાગ્યો, ‘ભગવન્! મારા ઘેર આપે ભિક્ષા કેમ ન લીધી? જે કારણ હોય તે કહો.’ સાધુએ કહ્યું, ‘શ્રાવક! તારે ક્રોધ ન કરવો.’ પછી તેમણે તેના પિતાનું રહસ્ય, પત્નીનું રહસ્ય અને શત્રુનું રહસ્ય યથાસ્થિત અભિજ્ઞાનપૂર્વક કહ્યું. તે સાંભળીને જેને સંસાર ઉપર નિર્વેદ થયો છે એવો તે મહેશ્વરદત્ત ગૃહવાસનો ત્યાગ કરીને એ જ સાધુની પાસે પ્રવજિત થયો.