ભારતીયકથાવિશ્વ-૩/વસુદેવહિંડીની કથાઓ/વસન્તતિલકાને વસન્તસેનાની સમજાવટ
પછી કોઈ એક વાર ગણિકામાતાએ વસન્તતિલકાને કહ્યું, ‘ફળ વગરના વૃક્ષનો પક્ષીઓ પણ ત્યાગ કરે છે; સુકાઈ ગયેલ નદી, દ્રહ, તળાવ વગેરેને હંસ, ચક્રવાક આદિ પક્ષીઓ પણ છોડી દે છે; તો આપણે ગણિકાઓને નિર્ધન પુરુષનું શું કામ? આ ધમ્મિલ્લનો વૈભવ ક્ષીણ થઈ ગયો છે, માટે એનો ત્યાગ કર.’
વસન્તતિલકાએ કહ્યું, ‘માતા! મારે ધનનું કંઈ કામ નથી. ધમ્મિલ્લના ગુણોને લીધે એનામાં મારો અત્યંત સ્નેહ થયો છે. શૈલ, કાનન અને વનખંડોથી સુશોભિત આ પૃથ્વીમાં એના સમાન અન્ય કોઈ પુરુષને હું જોતી નથી. મેલ જેવા ધનની શી જરૂર છે? મારું જીવિત ઇચ્છતી હોય તો આર્યપુત્ર સિવાય બીજા કોઈની વાત પણ મારી આગળ કરીશ નહીં. એનાથી મારો વિયોગ થશે તો એનાં હાસ્ય, રમણ અને ગમનનું સ્મરણ કરતી એવી હું જીવીશ નહીં. એનાથી મારો વિયોગ પડાવતાં પહેલાં મને જિવાડવાનો ઉપાય તું શોધી રાખજે.’ વસન્તસેનાએ કહ્યું, ‘ભલે પુત્રિ! બસ કર. મારો પણ એ જ મનોરથ છે. જે તને પ્રિય તે મને પણ વહાલો છે.’ આ પ્રમાણે વાણી બોલવા છતાં હૃદયથી છળ-કપટ અને માયામાં કુશળ એવી લુચ્ચી ગણિકામાતા ધમ્મિલ્લનાં છિદ્રો જોતી રહેવા લાગી.
કેટલોક કાળ ગયા પછી એક વાર વસન્તતિલકા સ્નાન કરી, સ્વચ્છ થઈ, દર્પણ હાથમાં લઈને પ્રસાધન-શૃંગાર કરતી હતી. માતાને તેણે કહ્યું, ‘માતા! અળતો લાવ.’ માતાએ કૂચારૂપ અળતો લાવીને મૂક્યો. ગણિકાએ પૂછ્યું, ‘માતા! આ અળતો રસ વગરનો કેમ છે?’ ત્યારે માતાએ કહ્યું, ‘શું એનાથી કામ નહીં ચાલે?’ વસન્તતિલકાએ કહ્યું, ‘માતા! ચાલશે!’ પછી માતાએ વળતો જવાબ આપ્યો, ‘પુત્રી! જેવી રીતે આ અળતો નીરસ છે, તેમ ધમ્મિલ્લ પણ નીરસ છે, માટે તેનું આપણે કંઈ કામ નથી.’ ત્યારે વસન્તતિલકાએ કહ્યું, ‘માતા! આ નીરસ અળતાથી પણ કામ થાય છે, તે શું તું નથી જાણતી?’ માતાએ જવાબ આપ્યો, ‘ના, હું તો નથી જાણતી.’ વસન્તતિલકાએ કહ્યું, ‘અરે મૂર્ખ! એનાથી તો વાટ વળે, તેથી દીવો સળગાવાય; માટે અજાણી ન થા. કામ કેમ નથી?’ આ પ્રમાણે જવાબ મળતાં તે ગણિકામાતા નિરુત્તર અને ચૂપ થઈ ગઈ.
પછી કેટલાક દિવસ બાદ સુખાસન ઉપર બેઠેલી વસન્તતિલકાને તેની માતાએ ધોળી શેરડીના ટુકડાઓ પીલીને આપ્યા. તે લઈને ખાવા લાગી, પણ એમાં કંઈ રસ નહોતો. આથી તેણે કહ્યું, ‘માતા! આ તો નીરસ છે.’ ત્યારે માતા બોલી, ‘જેમ આ નીરસ છે તેમ ધમ્મિલ્લ પણ નીરસ છે.’ વસન્તતિલકાએ કહ્યું, ‘આ નીરસ પણ કંઈક કામમાં આવે છે.’ માતાએ પૂછ્યું, ‘શા કામમાં આવે છે?’ વસન્તતિલકાએ જવાબ આપ્યો, ‘દેવકુલ, ઘર વગેરેમાં લીંપણ માટે ગાર કરવામાં આવે છે, ત્યાં તેનો ઉપયોગ થાય છે.’ આ જવાબ મળતાં તે ગણિકામાતા નિરુત્તર અને ચૂપ થઈ ગઈ.
કેટલાક વખત પછી ગણિકામાતા તલની એક પૂળીને બરાબર ઝાડીખંખેરીને વસન્તતિલકા પાસે લાવી. વસન્તતિલકાએ તે લઈને પોતાના ખોળામાં ખંખેરી, પણ એમાં તો તલનો એક પણ કણ નહોતો. આથી તેણે માતાને પૂછ્યું, ‘માતા! આમાં તો તલ નથી; તું આ અહીં શા માટે લાવી?’ તેણે જવાબ આપ્યો, ‘જેવો આ પૂળો ઝાડી-ખંખેરી નાખેલો છે, તેવો જ ધમ્મિલ્લ પણ છે; માટે બસ કર, આપણે એનું કંઈ કામ નથી.’ ત્યારે વસન્તતિલકાએ કહ્યું, ‘એમ ન બોલ, એનું પણ કામ પડે છે.’ માતાએ કહ્યું, ‘કેવી રીતે?’ તેણે જવાબ આપ્યો, ‘અગ્નિમાં બાળીને એનો ખાર બનાવાય છે. વસ્ત્રો વગેરે સાફ કરવામાં તેનો ઉપયોગ થાય છે.’
આવો જવાબ મળતાં તે ગણિકામાતા વસન્તતિલકાને સામું પૂછવા લાગી કે, ‘શું તને બીજા પુરુષો નહીં મળે?’ ત્યારે વસન્તતિલકાએ કહ્યું, ‘અહો! તું કાગડાઓ જેવી કૃતઘ્ન છે.’
પછી તે ધૂર્ત વસન્તસેનાએ વસન્તતિલકાને અત્યન્ત રાગાસક્ત જાણીને તથા ‘ધમ્મિલને એ છોડી શકવાની નથી’ એમ સમજીને કર્બટદેવતા(એક પ્રકારના ગ્રામદેવતા)ના નિમિત્તે ઘરમાં આનંદઉત્સવ કરાવ્યો. વસન્તતિલકાની સર્વે સખીઓ તથા ગણિકાપુત્રીઓને નિમંત્રણ આપવામાં આવ્યું. ગણિકાઓને પણ આમંત્રવામાં આવી. પછી ગંધ, ધૂપ, પુષ્પ અને નૈવેદ્યથી ગૃહદેવતાઓની પૂજા કરવામાં આવ્યા બાદ ધમ્મિલ જતનથી નાહ્યો, સ્વચ્છ થયો તથા સર્વે અલંકારો પહેરીને જેમાં સર્વ પ્રકારનાં ખાદ્ય, પેય અને ભોજન સજ્જ કરવામાં આવ્યાં હતાં એવા સુંદર ભોજનખંડમાં સખીસમુદાય અને વસન્તતિલકાની સાથે પાનવિલાસ અનુભવવા લાગ્યો.