ભારતીયકથાવિશ્વ-૩/વસુદેવહિંડીની કથાઓ/સ્વચ્છંદબુદ્ધિ રાજા રિપુદમનનું કથાનક

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સ્વચ્છંદબુદ્ધિ રાજા રિપુદમનનું કથાનક

તામ્રલિપ્તિ નામે નગરી છે. ત્યાં રિપુદમન રાજા હતો. તેની રાણી પ્રિયમતી નામે હતી. એ રાજાનો બાલમિત્ર ધનપતિ નામે મહાધનિક સાર્થવાહ ત્યાં રહેતો હતો. એ નગરમાં ધનદ નામે સુથાર રહેતો હતો. તેને એક પુત્ર થયો. ધનદ દરિદ્ર હતો, તેની પત્નીનો વૈભવ પણ ક્ષીણ થઈ ગયો હતો. ચિન્તા કરતાં એ બન્ને પતિપત્ની મરણ પામ્યાં તેમનો પુત્ર ધનપતિ સાર્થવાહના ઘેર ઊછરતો હતો. ખાંડણિયા પાસે બેસતો તે ડાંગરની કુશકી (કુક્કુસે) ખાતો હતો, આથી તેનું નામ ‘કોક્કાસ’ પાડવામાં આવ્યું. આ પ્રમાણે તે મોટો થયો.

ધનપતિ સાર્થવાહનો પુત્ર ધનવસુ નામે હતો. એક વાર યવન દેશમાં જવાને માટે તેનું વહાણ સજ્જ કરવામાં આવ્યું. તેણે પોતાના પિતાને વિનંતી કરી, ‘આ કોક્કાસ તમે મને આપો; મારી સાથે યવન દેશમાં એ ભલે આવે.’ પિતાએ તેને મોકલ્યો. પછી વહાણ ઊપડ્યું અને અનુકૂળ પવન હોવાથી ધારેલા બંદરે પહોંચી ગયું. ત્યાં લંગર નાખ્યાં અને સઢ ઉતારી નાખવામાં આવ્યા, એટલે મુસાફર વાણિયાઓ વહાણમાંથી ઊતર્યા. તેમણે સાથે લાવેલો માલ પણ ખાલી કરવામાં આવ્યો, રાજ્યનું દાણ અપાયું અને ત્યાં મુસાફર વાણિયાઓ વેપાર કરવા લાગ્યા.

હવે પેલો કોક્કાસ યવન દેશના સાર્થવાહો અને વહાણવટીઓનો એક સુથાર જે પડોશમાં જ રહેતો હતો તેને ઘેર બેસીને દિવસ ગાળતો હતો. એ સુથારના પુત્રોને અનેક પ્રકારનાં કામ શીખવવા પિતા મહેનત કરતો, છતાં તેઓ ગ્રહણ કરતા નહોતા. તેમને કોક્કાસે ‘આમ કરો, આમ થાય’ વગેરે કહ્યું. આથી વિસ્મય પામેલા આચાર્યે (શીખવનાર સુતારે) તેને કહ્યું, ‘પુત્ર! મારી વિદ્યા તું શીખ. હું તને ઉપદેશ આપીશ.’ એટલે કોક્કાસે કહ્યું, ‘સ્વામી! તમે આજ્ઞા આપશો તેમ હું કરીશ.’ પછી તે શીખવા લાગ્યો, અને આચાર્યના શિક્ષણની વિશેષતાથી દરેક પ્રકારનું સુથારી કામ શીખી ગયો; અને એ કામમાં નિપુણ થતાં ગુરુની રજા માગી વહાણમાં બેસીને તામ્રલિપ્તિ ગયો.

એ વખતે ત્યાં દુષ્કાળ પડ્યો હતો. આથી કોક્કાસે પોતાના ગુજરાન માટે તેમ જ રાજાને પોતાની કલાની જાણ કરાવવા માટે લાકડાનાં બે પારેવાં બનાવ્યાં. તે પારેવાં દરરોજ ઊડીને અગાશીમાં સૂકવેલી રાજાની ડાંગર લઈને પાછાં આવતાં હતાં. આ પ્રમાણે ધાન્ય હરાતું જોઈને રખેવાળોએ રાજા શત્રુદમનને ખબર આપી. તેણે અમાત્યોને આજ્ઞા આપી કે, ‘તપાસ કરો.’ રાજનીતિમાં કુશળ અમાત્યોએ બધી હકીકત જાણી અને રાજાને ખબર આપી કે, ‘કોક્કાસનાં બે યાંત્રિક પારેવાં ડાંગર લઈ જાય છે.’ રાજાએ કહ્યું, ‘કોક્કાસને બોલાવો.’ બોલાવીને તેને પૂછ્યું, એટલે તેણે સર્વ હકીકત રાજાને જણાવી. આ સાંભળી પ્રસન્ન થયેલા રાજાએ કોક્કાસનો સત્કાર કર્યો અને કહ્યું કે, ‘આકાશગામી યંત્ર તૈયાર કર. તે વડે આપણે બે જણા ઇચ્છિત દેશમાં જઈશું.’ રાજાની આજ્ઞાથી કોક્કાસે યંત્ર તૈયાર કર્યું. તેના ઉપર બેસીને તે તથા રાજા ઇચ્છિત દેશમાં જઈ આવતા હતા. આ પ્રમાણે તેમનો સમય વીતતો હતો.

એ જોઈને રાજાની પટ્ટરાણીએ એક વાર તેને વિનંતી કરી, ‘હું પણ તમારી સાથે દેશાન્તર આવવા ઇચ્છું છું.’ એટલે રાજાએ કોક્કાસને બોલાવીને કહ્યું, ‘મહાદેવી પણ આપણી સાથે આવશે.’ કોક્કાસે કહ્યું, ‘સ્વામી! આમાં ત્રીજા માણસને બેસાડવું યોગ્ય નથી, કારણ કે આ વાહન બેનો જ ભાર વહી શકે એમ છે.’ પણ તે સ્વચ્છંદ બુદ્ધિવાળી રાણીને વારવા છતાં તેણે ખૂબ આગ્રહ કર્યો, એટલે એ અબુધ રાજા તેની સાથે યંત્ર ઉપર બેઠો. એટલે કોક્કાસે કહ્યું, ‘તમને પશ્ચાત્તાપ થશે; તમે જરૂર પડી જશો.’ આમ કહીને તે પણ યંત્ર ઉપર બેઠો. દોરીઓ ખેંચી, જેનાથી આકાશગમન થતું હતું તે યંત્રકીલિકા (યાંત્રિક ખીલી-કળ) દાબી. એટલે તેઓ બધાં આકાશમાં ઊડ્યાં. આ પ્રમાણે ઊડતાં ઘણાં યોજનો તેઓ વટાવી ગયાં, એટલે અત્યંત ભારને કારણે દોરીઓ તૂટી ગઈ, યંત્ર બગડી ગયું, કીલિકા પડી ગઈ અને ધીરે ધીરે તે વાહન ભૂમિ ઉપર આવ્યું. એટલે કોક્કાસે રાજાને કહ્યું, ‘તમે થોડીક વાર અહીં બેસો, એટલામાં હું તોસલિનગરમાં જઈને યંત્ર સાંધવાનાં સાધનો લઈ આવું.’ એમ કહીને કોક્કાસ ગયો, એટલે મહાદેવી સાથે રાજા ત્યાં બેઠો.

પછી કોક્કાસે (નગરમાં) સુથારના ઘેર જઈને વાંસી માગી. સુથારે જાણ્યું કે, ‘આ કોઈ શિલ્પીનો પુત્ર છે.’ પણ તેણે કહ્યું, ‘મારે રાજાનો રથ જલદી તૈયાર કરવાનો છે, એટલે વાંસી આપી શકું એમ નથી.’ કોક્કાસે કહ્યું, ‘લાવો, રથ હું તૈયાર કરી આપું.’ એટલે તેણે વાંસી આપી, અને કોક્કાસે તે લીધી. સુતારનું ધ્યાન સહેજ બીજી તરફ હતું, એટલામાં તો ઘડીક વારમાં કોક્કાસે રથનાં બે પૈડાં જોડી દીધાં. આ જોઈને સુથાર વિસ્મય પામ્યો, અને તેણે ધાર્યું કે ‘આ કોક્કાસ જ હોવો જોઈએ.’ એટલે તેણે કહ્યું, ‘ઘડી વાર ઊભા રહો, ઘરમાંથી બીજી વાંસી હું લઈ આવું. તે લઈને તમે જજો.’

આમ કહીને તે સુથાર તોસલિનગરના કાકજંઘ રાજા પાસે ગયો અને બધી હકીકત કહી. રાજાએ કોક્કાસને બોલાવી મંગાવ્યો, અને તેનો સત્કાર કર્યો. રાજાએ તેને પૂછ્યું, ‘તમે ક્યાંથી આવો છો?’ એટલે તેણે બધું કહ્યું. રાજા અમિત્રદમનને પણ દેવી સાથે તેડી લાવવામાં આવ્યો. રાજાને કેદ કરીને દેવીને અંત:પુરમાં દાખલ કરવામાં આવી. કાકજંઘે કોક્કાસને આજ્ઞા આપી, ‘હવે તું કુમારોને શીખવ.’ કોક્કાસે કહ્યું, ‘કુમારોને આ વિદ્યાનું શું કામ છે?’ આમ વારવા છતાં રાજાએ તેના ઉપર બળજબરી કરતાં તે શીખવવા લાગ્યો. પછી તેણે બે ઘોટક-યંત્રો (ઊડતા ઘોડા) બનાવ્યાં, અને આકાશગમનને માટે સજ્જ કર્યાં. પણ કાકજંઘ રાજાના બે પુત્રો પોતાના ગુરુ ઊંઘી ગયા તે વખતે એ યંત્ર-ઘોટક ઉપર બેઠા અને તે યંત્રોને દબાવતાં તેઓ આકાશમાં ઊડ્યા. કોક્કાસ જાગ્યો, એટલે તેણે પૂછ્યું, ‘કુમારો ક્યાં ગયા?’ માણસોએ કહ્યું કે, ‘તેઓ યંત્રો ઉપર બેસીને ગયા.’ એટલે કોક્કાસ બોલ્યો, ‘અહો! અકાર્ય થયું. જરૂર તેઓ નાશ પામશે; કારણ કે પાછા વળવાની કળ તેઓ જાણતા નથી.’ રાજાએ આ સાંભળ્યું અને પૂછ્યું કે, ‘કુમારો ક્યાં ગયા?’ કોક્કાસે જવાબ આપ્યો, ‘તેઓ ઘોડા લઈને ગયા છે.’ આથી રોષ પામેલા રાજાએ કોક્કાસનો વધ કરવાની આજ્ઞા આપી. એક કુમારે કોક્કાસને આ ખબર આપી.

આ વચન સાંભળીને કોક્કાસે ચક્રયંત્ર સજ્જ કર્યું. તેણે કુમારોને કહ્યું કે, ‘તમે બધા આની ઉપર બેસો. જ્યારે હું શંખશબ્દ કરું ત્યારે તમે બધા એકી સાથે વચ્ચેની કળ ઉપર પ્રહાર કરજો. એટલે વાહન આકાશમાં ઊડશે.’ કુમારો પણ ‘ભલે’ એમ કહી ચક્રયંત્ર ઉપર બેઠા. કોક્કાસને વધ માટે લઈ જવામાં આવ્યો. મરતી વખતે તેણે શંખ વગાડ્યો. એ શંખ શબ્દ સાંભળીને કુમારોએ યંત્રની વચલી કળ ઉપર પ્રહાર કર્યો; એટલે તેમાંથી શૂળો નીકળતાં તેઓ બધા વીંધાઈ ગયા. આ બાજુ કોક્કાસનો પણ વધ થયો. પછી રાજાએ પૂછ્યું કે, ‘કુમારો ક્યાં ગયા?’ સેવકોએ તેને કહ્યું કે, ‘તેએ બધા ચક્રયંત્રમાં શૂળીઓથી વીંધાઈ ગયા છે.’ આ સાંભળીને રાજા નિસ્તેજ અને શૂન્ય થઈ ગયો અને ‘અરેરે! અકાર્ય થયું !’ એમ બોલતો શોકસંતપ્ત હૃદયવાળો તે વિલાપ કરતો મરણ પામ્યો.

તે શત્રુદમન રાજા તેમ જ કુમારો સ્વચ્છંદ બુદ્ધિને કારણે નાશ પામ્યા, માટે હે વિમલા! તું સ્વચ્છંદ બુદ્ધિવાળી ન થઈશ, નહીં તો તું પણ દુઃખ પામીશ. આ ધમ્મિલ્લ સર્વ કલાઓમાં ચતુર, નવયુવાન અને તરુણ છે. એનાથી સુંદર બીજો કોણ છે?

હે આર્યપુત્ર! મેં આમ કહેતાં વિમલસેનાએ મારી બધી વાત માની.’