ભારતીયકથાવિશ્વ-૫/અરવલ્લી લોકની વહી-વાતો/ધરણી અને મનુષ્ય અવતારની વહી
પથ્થર ન હતા, પર્વત ન હતા, ધરતી ન હતી. જે વેળા આકાશ ન હતું, ચાંદ ન હતો, સૂરજ ન હતો, નવલખ તારા ન હતા. જે દિવસે જળુકાર હતો. જળ ભરેલું હતું. જળમાં ભગવાન કીડાના અવતારે હતા. ભગવાન સાત પાતાળ ઊંડા વસતા હતા. ભગવાને જળ બહાર આવવાનો મનમાં વિચાર કર્યો. મનસાદેવી પેદા થઈ. ભગવાન મનસાદેવીને બોલ્યા, ‘મને જળ બહાર કાઢ.’
મનસાદેવીએ માછલીનો વેશ લીધો. માછલીની દૂંટીમાંથી સેર છૂટી. સેર જળ બહાર આવી. કમળનો ડોડો થયો. કમળનું ફૂલ પેદા થયું. સેરે સેરે ભગવાન ઉપર ચડ્યા. કમળના ફૂલમાં આવ્યા. ફૂલમાં વસવા લાગ્યા ભગવાન. ભગવાન કમળના ફૂલ પર પોઢ્યા. ભગવાન મનમાં વિચાર કરે, ‘ધરતીમાતા પેદા કરવી છે. ધરતીમાતા સાત પાતાળ ઊંડી છે.’
વિચાર કરીને પછી ભગવાન પાતાળમાં ડૂબ્યા. જળમાં અધવચ્ચે જતાંમાં જ કાંપવા લાગ્યા. ભગવાન ધ્રૂજવા લાગ્યા. ભગવાન પાતાળમાં જઈ શક્યા નહીં. જળ બહાર આવ્યા. થાક્યાપાક્યા કમળના ફૂલમાં પોઢવા લાગ્યા. ભગવાન સૂઈ ગયા.
ભગવાનના મુખમાંથી અમી છૂટ્યું. અમી પાતાળમાં ગયું. અમીની ઉમિયાદેવી થઈ. ઉમિયાદેવી ભગવાનની પગદાબણી કરવા લાગી. ભગવાનની નિદ્રા ખૂલી. ધ્રૂજવા લાગ્યા. ભગવાન બોલ્યા, ‘તું કોણ છે? ડાકણ છે? જોગણ છે?’
ઉમિયા બોલી, ‘ભગવાન, આપની બેટી છું! આપ તો નિદ્રા લઈને સૂઈ ગયા. આપના મુખમાંથી અમી છૂટ્યું. અમીમાંથી હું, ઉમિયા પેદા થઈ.’ ભગવાન બોલ્યા, ‘હવે તું શું કામ કરે?’ ઉમિયા બોલી, ‘બાપુજી, તું મોકલે ત્યાં હું જાઉં!’ ભગવાન બોલ્યા, ‘બેટા, જવું છે પાતાળમાં, ધરતીનાં બીજ લેવા.’
ઉમિયાએ કાચબીનો વેશ લીધો. ઉમિયા સાત પાતાળ જળમાં ગઈ. જળુકારમાં ધરતીનું દીંટ હતું ત્યાં ઊભી રહી. ધરતીનાં બીજ પર વાસુકિ નાગ સાત ફણો સમી કરીને સૂતો છે. કાચબી ધરતીનાં બીજ લેવા ગઈ. તેણીએ ધરતીનું બીજ, અડધું ઘાલ્યું મુખમાં અને અડધું ઘાલ્યું નખમાં. વાસુકિએ કાચબી પર મુખ નાખ્યું. કાચબી ઊંધી થઈ ગઈ. પછી જળ ઉપર ભગવાન કને આવી. ઉમિયા બોલી, ‘સત્યની સોનાની સળીઓ પેદા કર.’ ઉમિયાદેવીએ સત્યની સોનાની સળીઓ વડે કાચબીના ઠીબમાં ધરતીનાં બીજ મુખમાંથી અને નખમાંથી બહાર કાઢ્યાં.
પછી ભગવાને પોતાનો પગ ભાંગી નાખ્યો. ભાંગીને નળીમાંથી માટી કાઢી. ઉમિયાએ ધરતીનાં બીજ, માટી અને કમળનું ફૂલ મસળીને ભેગાં કર્યાં. તેની રોટલી બનાવી. ભગવાને રોટલી જળ ઉપર મૂકી, પછી ભગવાને રોટલી ઉપર હાથ નાખ્યો. ધરતી વીંઝણા જેવડી મોટી થઈ. ચોથા હાથે ખાટલા જેવડી મોટી થઈ, પાંચમા હાથે તો ગાઉના માથે ગઈ. સાતમા હાથે તો છવીસ ગાઉ ગઈ. ભગવાને ચાર ખંડમાં નજર નાખી, દૂધ પર તર આવે એવી રીતે ધરતી જળ ઉપર બાઝી છે. પછી ભગવાન પવનદેવને બોલ્યા, ‘ધરતી ઠરે એમ વાજે.’ પવનદેવ વાવા લાગ્યો. પણ ધરતી ઠરી નહીં. ભગવાને ધરતી પર પગ મૂક્યો. ધરતી ડોલવા લાગી. પછી ભગવાન વિચાર કરે, ‘ધરતી પાકે શાથી?’ ભગવાને મનમાં વિચાર કરીને ઉમિયા પર નજર નાખી. ઉમિયામાંથી ટપ્ ટપ્ ટીપાં પડે.. ઉમિયામાંથી અગનદેવ પેદા થયો. ભગવાને જળાકાર પર અગન મૂકી. ચાર ખંડોમાં અગ્નિ ઊઠવા લાગ્યો. ધરતી પાકી એ પથ્થર થયા. કાચી રહી એ માટી થઈ. પર્વતથી ધરતીને ટેકો મળ્યો.
પછી ઉમિયા બોલી, ‘હથેળીમાં થૂંક.’ ભગવાન ઉમિયાની હથેળીમાં થૂંક્યા. ઉમિયાના હાથમાં ફૂલ આવ્યું. ફૂલનો ડોડો થયો. ડોડો પાક્યો, રૂ નીકળ્યું. કપાસ પેદા થયો. ઉમિયાએ આ રૂનું કપડું બનાવ્યું.
ભગવાન બોલ્યા, ‘ઉમિયા, ડાબા હાથનો મેલ ઉતાર.’ ઉમિયાએ ડાબા અંગનો મેલ ઉતાર્યો. ભગવાને મેલના ચાર પગ, એક માથું, અને એક પૂંછ બનાવ્યું. પછી જીવ ઘાલ્યો. ગાય બનાવી. ભગવાને તેના પર કપડું નાખ્યું. ઉમિયા ગાયના મુખમાં સમાવા લાગી. થર્ થર્ કપડું ધ્રૂજવા લાગ્યું. ગાય મોંઢે બોલી, ‘કેટલા કામે પેદા કરી?’ ભગવાન બોલ્યા, ‘દેખ ગાય, તારાં દૂધ કાઢવાં છે. કાઢીને ધરતીનો થંભ નાખવો છે. ધોળો મૃત્યુલોક પેદા કરવો છે.’
ભગવાને ધરતીનો થંભ નાખવા ગાયનું દૂધ કાઢ્યું. સત્યનો થંભ પેદા કર્યો. થંભની ચાર બાજુએ કમળના દીંટ પર ચાર પુરુષ બેઠા. ચાર પરમેશ્વર બન્યા છે. પછી ઉમિયાએ ભગવાનને કહ્યું, ‘સાત વાર નોંધ.’ ભગવાને સાત વાર નોંધ્યા. શનિવાર, રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર એમ સાત વાર નોંધ્યા. ધરતી પર બુધવારનું નામ લઈને છાંટા નાખ્યા. ગાયનું દૂધ ઠર્યું, પછી પાતાળો થંભ ઉપર આવ્યો અને ધરતીનો થંભ પાતાળમાં ગયો. તેના પર ધરણી રચાઈ છે, ધરણી પાકી રચાઈ છે. પછી ભગવાને જમણી આંખ કાઢીને સૂરજ બનાવ્યો. ડાબી આંખ કાઢીને ચંદ્ર બનાવ્યો. ધરણીના બે દીવા મૂક્યા. એક ચાંદ — બીજો સૂરજ.
પછી ભગવાને મેલ ઉતાર્યો. ચાર પગ કર્યા, બે કાન કર્યા, એક મુખ કર્યું અને એક પૂંછ કર્યું. લીલાં-પીળાં પલાણ કર્યાં. એમાં જીવ ઘાલ્યો. વાઘ પેદા થયો. ઉમિયા વાઘ પર ચડી. ઊગમણો વાઘ હાંક્યો. જતાં જતાં જીભ કાઢીને ઊભો રહ્યો. પાછી આવીને વાઘ કાઢી નાખ્યો. પછી ઉમિયાએ ભગવાનને કહ્યું, ‘જળપગી ઘોડો કરવો છે.’ ભગવાને ડાબા અંગનો મેલ ઉતારી ચાર પગ, બે કાન, એક મુખ કરી જળપગી ઘોડો કર્યો. લીલાં-પીળાં પલાણ માંડ્યાં. સોના સોરમાના તંગ ભીડ્યા. ઉમિયાએ સંદુિરિયો ભાલો હાથમાં લીધો, પુરુષનો વેશ લીધો. ઊડીને સવાર થઈ. ઊગમણો હાંક્યો. ચાર ખંડમાં ફરી. ધરણી રચાઈ છે કે નથી રચાઈ, બધું જોઈને પાછી આવી. ધખ્ લઈને પડી. ભગવાનને કહ્યું, ‘ધરણી ચાર ખંડમાં રચાઈ છે.’
ભગવાને ભરી નજર નાખી, વૈકુંઠપુરી પેદા થઈ. ભરી નજરે કેતકી, કેવડા, રાય, ટુડણિયા પેદા કર્યાં. ભરી નજરે આંબાવાડી પેદા કરી. ભરી નજરે કૈલાસપુરી પેદા કરી. અગનકોટ પેદા કર્યો. કેતકી, કેવડા, રાય, ટુડણિયા કૈલાસપુરીમાં રચાવા વનરાજિ પેદા કરી. મનુષ્ય અવતાર પેદા કર્યો.
ઉમિયા મોઢે બોલી, ‘ભગવાન, બધું રચાવી રહ્યા?’ ભગવાન બોલ્યા, ‘શું છે?’ ઉમિયા બોલી, ‘મારો વર શોધી કાઢ.’ ભગવાન કમળના ફૂલ પર પોઢવા લાગ્યા. દૂંટીમાંથી સેર છૂટી. શિવ પેદા થયો. ભગવાને સત્યનો આંબો પેદા કર્યો. આંબાનાં પાન તોડ્યાં. પાનને શિવ અને ઉમિયાના ડાબા-જમણા અંગે બાંધ્યાં, પછી અવળા-સવળાં ફેરવ્યાં. પાછાં સીધાં કર્યાં. ભગવાન બોલ્યા, ‘કોણ છો તમે?’
શિવ બોલ્યો, ‘ભાઈ-ભાંડિયાં છીએ.’ શિવે ઉમિયા પર ભરી નજર નાખી. ઉમિયામાંથી ટપ્ ટપ્ અગ્નિનાં ટીપાં પડવાં લાગ્યાં. શિવ બોલ્યો, ‘હું તને નહીં પરણું.’
ઉમિયા બોલી, ‘કેમ નહીં પરણે?’
શિવ બોલ્યો, ‘ઉમિયા, તું નવ ફેરા માથું ઉતારીને મારી સોડમાં નાખ અને નવ ફેરા બળે તો હું તને પરણું.’
ઉમિયા નવ વખત શિવના ખોળામાં માથું નાખીને બળી. ઉમિયા જોરથી હસી. શિવ અને ઉમિયા પતિ-પત્ની થયાં. શિવે ઉમિયાનાં નવ માથાં લઈને ભસ્મકાંકણ બનાવ્યું. પછી ભસ્મકાંકણ શિવે હાથે બાંધ્યું. પછી શિવે નવ માથાંની નવ દેવીઓ પેદા કરી. અગનની કુંવારકા પેદા કરી. છાતીમાંથી ચામુંડા પેદા કરી. માથામાંથી કાળકા પેદા કરી.
વચમાં ભગવાન અને શિવ બેઠા છે અને પાછળ દેવીઓ બેઠી છે. ભગવાન બોલ્યા, ‘ધરણી પર મનુષ્ય અવતાર વધી ગયો છે. ધરણી ડોલવા લાગી છે. અંગ રોગ પેદા કરવો છે. અંગ રોગ શિવ પેદા કરે. ઉમિયા દેવી પેદા કરે. દેવીઓ પેદા કરે.’ શિવ બાર મેઘના રાજા ઇન્દ્ર પાસે જવા લાગ્યો છે. શિવ ઇન્દ્ર રાજાને કહેવા લાગ્યો કે ‘અંગ રોગ પેદા કરવો છે. ધરણી પર મનુષ્ય અવતાર ઘણો જ વધી ગયો છે. ધરણી ધ્રૂજવા લાગી છે.’ ઇન્દ્ર બોલ્યો, ‘અરે ભાઈ, હું વરસું ને નાનાં છોકરાંમાં અંગ રોગ પેદા થાય. આટલું હું માથે લઉં.’ પછી શિવ દેવીઓ પાસે જવા લાગ્યો છે. જઈને દેવીઓને કહેવા લાગ્યો છે, ‘અરે દેવીઓ, મનુષ્ય અવતારમાં અંગ રોગ પેદા કરવો છે.’ દેવીઓ બોલી, ‘અંધારામાં અમે અંગ રોગ પેદા કરીશું.’ શિવ અહીંથી જવા લાગ્યો છે.
અંધારું થવા લાગ્યું છે. સૂરજ આથમી ગયો છે. દેવીઓ વનખંડમાં જવા લાગી છે. કાળકા, ચામુંડા, હીરું, કુંવારકા બધી નવ લાખ દેવીઓ વનખંડમાં જવા લાગી છે. મોટા મોટા દાંત કરવા લાગી છે. મોટાં મોટાં મુખ કરવા લાગી છે. તેમના મોંઢે ખૂન આવવા લાગ્યું છે. હાથમાં ખપ્પર લેવા લાગી છે. મનખા અવતાર તેઓને જોઈને ડરવા લાગ્યો છે. કાચા માથાનાં માનવીઓ પર દેવીઓનું ચક્કર પડવા લાગ્યું છે. મનુષ્ય અવતારમાં જુદા જુદા રોગ પેદા થવા લાગ્યા છે.
પછી મનુષ્ય અવતારમાં શિવ અને ઉમિયા જવા લાગ્યાં છે, હવે કુંભારના ઘેરથી એક માટીનો ઘડો લાવ્યાં છે. દિવસ આથમે ઘડાને લઈને વનમાં ગયાં. પછી અધવચ્ચે દરિયામાં ગયાં. પછી સાત વીરડા ગોડ્યાં. પારસ પીપળાનાં પાન લાવ્યાં. સાત પડિયા બનાવ્યાં. પડિયામાં સાત વીરડાનાં જળ લીધાં. લઈને ઘડામાં મૂકવા લાગ્યાં. ઘડામાં જળનો રોગ પેદા કર્યો. પવનનો રોગ પેદા કર્યો. કરતરિયો કીધો. ભાટકિયો કીધો. ધૂજણિયો કીધો. શૂળિયો કર્યો. અગનિયો કર્યો.
પછી શિવ કરોડ લાખ બાણ પેદા કરીને ઘડામાં ભરવા લાગ્યો. શિવ અને ઉમિયાએ ભૂત, ડાકણ, વીર, વંતરી, ચૂડેલ, વીરના મંતર-તંતર બનાવીને ઘડામાં મૂક્યા. મસાણની રાખ લઈને ભૂતો અને વીરના મંતર-તંતર બનાવીને ઘડામાં ભર્યા. માટીનો ઘડો ભરાઈ ગયો. ઉપર કપડું મૂક્યું.
શિવે ઉમિયાને કહ્યું, ‘મને માથે દે.’ ઉમિયા બોલી, ‘ના ભાઈ, હું તારા માથે નહીં મૂકું. તું જાતે જ માથે મૂક.’
શિવ એકલો જ માથે મૂકવા લાગ્યો. જોર કર્યું. પગ પર ઘડો મૂક્યો. ઘૂંટણ પર મૂક્યો. છાતી સુધી લાવ્યો. ખભે લાવ્યો. પછી માથે મૂક્યો. પછી શિવ અને ઉમિયા દરિયામાંથી જવાં લાગ્યાં. વાટે પીપળો આવ્યો. શિવને ભાર લાગ્યો. શિવ પારસ પીપળાને કહેવા લાગ્યા, ‘ઘડી એક આવજે. મારે ઘડો ઉતારવો છે.’ પારસ પીપળો બોલ્યો, ‘હું તો તારા ઘડાને નહીં અડકું. આવ્યો તેની વાટે જજે.’ શિવ અને ઉમિયા વનમાં જવાં લાગ્યાં છે. વડલાની છાયા આવી. શિવ બોલ્યો, ‘ભાઈ, ઘડો મારો નીચે ઉતારજે. ઘડીક વેળા શાન્તિ કરી લઉં.’ વડલે અધ્ધર લીધો. પછી પાછો માથે મૂકવા લાગ્યો. ઘડો લઈને શિવ અને ઉમિયા જવા લાગ્યાં છે. રાત પડી ગઈ. અંધારું થવા લાગ્યું છે. શિવ અને ઉમિયા મસાણમાં આવ્યાં છે. ઘડો મસાણમાં મૂકીને પછી ભગવાન પાસે જવાં લાગ્યાં છે. ભગવાન બોલ્યા, ‘મનખા અવતારમાં રોગ પેદા કરીને આવ્યાં?’ શિવ અને ઉમિયા બોલ્યાં, ‘ધરણી પર રોગ પેદા કરીને આવ્યાં છીએ.’
પછી મનુષ્ય અવતારે ઘડા પરથી કપડું લઈ લીધું છે. ઘડામાંથી કરોડ લાખ વંતરી, ભૂત, વીરનો વાયરો વાવા લાગ્યો છે. ધરણી પર જવા લાગ્યો છે. અંગ રોગ મનુષ્ય અવતારમાં જવા લાગ્યો છે. કોઈને તાવ ચડે, કોઈને માથું ચડે, કોઈ ઓકે તો કોઈના પેટમાં શૂળ નીકળે. કોઈને બળતરા થાય તો કોઈના પેટમાં અગન લાગે. કોઈ કાંપવા લાગ્યું તો કોઈ રોવા લાગ્યું.
પછી ભગવાન બોલ્યા, ‘હું વૈકુંઠપુરીમાં રાજ કરું. શિવ અને ઉમિયા તમે કૈલાસપુરીમાં રાજ કરો.’ શિવ અને ઉમિયા કૈલાસપુરીમાં જવા લાગ્યાં છે. આંબાવાડીમાં નવ દેવીઓ મૂકી. વાઘ ચામુંડાને આપ્યો.
પછી ત્રણ જણ વધ્યાં. ભગવાન બોલ્યા, ‘કોણ કોણ છો તમે?’ એક બોલી, ‘હું શીતળા છું.’ ભગવાન બોલ્યા, ‘તારે ક્યાં જવું છે?’ શીતળા બોલી, ‘મારે મનુષ્યઅવતારમાં જવું છે. મનખાઅવતાર મારી સેવા કરશે.’ ભગવાન બોલ્યા, ‘તારે ખાવું શું છે?’ શીતળા બોલી, ‘ચોખ્ખી પૂજા ખાવી છે.’ શીતળા મનખા અવતારમાં જવા લાગી. પછી ભગવાને બીજીને પૂછ્યું, ‘તું કોણ છે?’ બીજી બોલી, ‘હું ઓરી છું.’ ભગવાન બોલ્યા, ‘તારે ક્યાં જવું છે?’ ઓરી બોલી, ‘મારે મનખા અવતારમાં જવું છે. મનુષ્ય અવતાર મારી સેવા-ભગતી કરશે અને ચોખ્ખી પૂજા ખાઈને આવતી રહીશ.’ પછી ઓરી મનુષ્ય અવતારમાં જવા લાગી. પછી ભગવાન ત્રીજીને બોલ્યા, ‘તું કોણ છે?’ ત્રીજી બોલી, ‘હું કસુંબરા છું.’ ભગવાન બોલ્યા, ‘તું શું કરીશ?’ કસુંબરા બોલી, ‘આછા આછા ચાંલ્લા કરીશ. ખાવું પીવું કંઈ નથી. આવતી રહીશ.’
પછી ઘડામાંથી વાયરો વાવા લાગ્યો છે. વાયરામાંથી મસાણિયો ભૂત, દૂધિયો વીર, જોટેંગ વીર, ઝાંપા-ઝાંપડી, ભેરવ, ગોબરિયો વીર અને બધા ભૂત ધરણી પર થવા લાગ્યા છે. મનખા અવતારમાં જવા લાગ્યા છે. ભૂત અને વીર માણસોનાં રગત પીવા લાગ્યા છે. તેમને કોણ પાછાં વાળે? કાળી કારતકનો ભણેલો ભોપો તેમને પાછાં વાળે. પછી મનુષ્યો ભોપાને બોલાવવાં લાગ્યાં છે. ભોપો મનુષ્ય અવતાર મૂકી(કણ) વાળવા લાગ્યો છે. ખજૂરીનું ફણગું (ડાળું) લઈને ઝારો-ઝપટો કરવા લાગ્યો છે, વાધરિયા(પાડા) અને બકરાનો ભોગ આપવા લાગ્યો છે. ભૂતોને પાછા વાળવા લાગ્યો છે.