ભારતીયકથાવિશ્વ-૫/ત્રિપુરાની પ્રદેશની લોકકથાઓ/તેન્તેન્યાની કથા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


તેન્તેન્યાની કથા

તેન્તેન્યા નામનો એક ગરીબ પણ બહાદુર અને બુદ્ધિશાળી યુવાન તેની મા સાથે અને પત્ની સાથે રહેતો હતો. પડોશમાં જ જલ જસલાગ અને તેના ચાર ભાઈઓ તેમની મા સાથે અને પત્નીઓ સાથે રહેતા હતા. તેઓ લોભિયા હતા અને મૂરખ પણ કશાય કારણ વિના આ બંને પડોશીઓ વચ્ચે સંબંધો સારા ન હતા. એક દિવસ નાની સરખી વાતમાં આ ભાઈઓએ એનું અપમાન કર્યું, એટલે તેન્તેન્યાએ એ અપમાનનો બદલો લેવાનું નક્કી કર્યું પણ કેવી રીતે બદલો લેવો તે જાણતો ન હતો. એક દિવસ એક તક ઊભી થઈ.

તે દિવસે તળાવ પાસે આવેલા બજારમાં તે ગયો અને ત્યાં તેણે કેટલાક દેડકા ડ્રાઉં ડ્રાઉં કરતા જોયા. તેણે ધારી લીધું કે હવે વરસાદ આવશે, અને જોગાનુજોગ આકાશના છેડે કાળાં વાદળ ઊમટ્યાં. તેન્તેન્યાને નવાઈ લાગી કે હવે વરસાદ પડશે તેની જાણ અગાઉથી દેડકાઓને કેવી રીતે થતી હશે? તેમનામાં કોઈ અસામાન્ય શક્તિ હોવી જોઈએ. ‘જો હું તેમને રાંધીને ખાઉં’ તો મારામાં પણ એવી શક્તિ આવે. એટલે તેણે પોતાની થેલીમાં થોડા દેડકા મૂક્યા અને તે ઘેર ગયો. ઘેર તેની પત્ની ન હતી, જ્યારે તક મળે ત્યારે પિયર જવાની તેને આદત હતી. તેણે માને કહ્યું, ‘મા-મા, મને આ દેડકા રાંધી આપ.’ તેની મા તો આભી જ બની ગઈ, ‘અરે, હજુ સુધી તો કોઈએ દેડકા રાંધ્યા નથી.’

‘તને ખબર નથી. પણ બુદ્ધિશાળીઓ દેડકા ખાય છે, એ ખાવાથી તેમની સૂઝસમજ વધે છે. તું તારે રાંધ અને હું ખાઈશ.’

માએ તો જમીન પર થેલી ઊંધી વાળી અને દેડકા આમતેમ કૂદવા લાગ્યા. તેમની સાથે આ ડોશી કામ પાડે કેવી રીતે. એટલે તેન્તેન્યા ડોશીને મદદ કરવા ગયો. લાકડી વડે તે દેડકાઓને મારવા લાગ્યો. હવે થયું એવું કે મરેલા દેડકા આગળ માથું નમાવીને તેની મા બેઠી હતી. તે જ વખતે લાકડી તેના માથા પર પડી, અને તે તો તરત જ મરી ગઈ. મા મરી ગઈ એટલે પેલો તો રડવા લાગ્યો. હવે કરવું શું? તે તો ડરી ગયો. તેણે પોતાની માને મારી નાખી હતી- ભલે અજાણતાં તો અજાણતાં. હવે વાત વાએ જાશે અને સિપાઈઓ આવીને તેને પકડી જશે. જે થઈ ગયું તે થઈ ગયું. હવે આ મુશ્કેલીમાંથી કોઈક રસ્તો તો કાઢવો પડશે. અચાનક તેના મનમાં વિચાર ઝબક્યો, તેના ધનવાન પડોશીનું ખેતર હતું, અત્યારે તેણે શેરડીનું વાવેતર કર્યું હતું. આ પડોશી પાસેથી જ પૈસા કઢાવ્યા હોય તો કેવું?’

એટલે જ્યારે કોઈ કરતાં કોઈ ન હતું ત્યારે તે માના શબને શેરડીના ખેતરે લઈ આવ્યો. ધારિયા વડે ઘણી બધી શેરડી વાઢી, થોડી ચૂસી, અને એનો ઢગલો કર્યો. પછી તેના ઉપર માના શબને બેસાડ્યું, પછી તે સંતાઈ ગયો.

થોડી વારે માલિક ત્યાં આવ્યો, અને જોયું કે તેના ખેતરમાં કોઈએ ભેલાણ કર્યું છે. પછી તેની નજર ઢગલા પર બેઠેલી ડોસી પર પડી, રાતાપીળા થઈને પાસે પડેલી લાકડી ઉગામી અને ડોસીને ફટકારી. તરત જ ડોસીનું શબ નીચે ઢગલો થઈ ગયું અને ત્યાં તરત જ તેન્તેન્યા આવી ગયો, ‘હું હવે સિપાઈ બોલાવું છું. તેં મારી માને મારી નાખી.’ ખેતરનો માલિક તો શિયાવિયા થઈ ગયો. ગુસ્સામાં મેં ડોસીને મારી તો નાખી, હવે? એટલે તે કરગર્યો, ‘મહેરબાની કરીને સિપાઈને બોલાવીશ નહીં, તારે જે જોઈતું હશે તે આપીશ.’

આ સાંભળીને તેન્તેન્યાને રાતોરાત પૈસાદાર થવાનો અવસર મળી ગયો. ‘મારી માના વજન બરાબર સિક્કા મને આપ. કોઈ જોઈ જાય તે પહેલાં શબ દાટી દે.’ પેલો બિચારો કરે શું? તેણે જે કહ્યું તે કર્યું.

રાજીનો રેડ થઈને તે ઘેર આવ્યો. તેની વહુ પિયરથી આવી ગઈ હતી. પછી તેણે વહુને પેલા પાંચ ભાઈને ત્યાં ત્રાજવાં લેવા મોકલી. ‘અરે તમારે ત્રાજવાંની શી જરૂર પડી?’ એટલે તેણે તો કહ્યું-અમારે સિક્કા તોલવા છે. આ સાંભળીને પેલા ભાઈઓ તો આભા જ બની ગયા. આને આટલા બધા સિક્કા ક્યાંથી મળ્યા કે તોલવાની જરૂર પડી.’

‘મને ખબર નથી કે મારા વરને આ સિક્કાઓ કેવી રીતે મળ્યા? તમે મને ત્રાજવાં આપો. મારો વર રાહ જોઈને બેઠો છે.’

તેમણે ત્રાજવાં તો આપી દીધાં પણ આટલા બધા સિક્કા ક્યાંથી લાવ્યો એ જાણવા તેઓ તલપાપડ થઈ ગયા; તેઓ પાછળ પાછળ ગયા. તરત જ જસલાગે પૂછ્યું, ‘અલા આટલા બધા સિક્કા લાવ્યો ક્યાંથી?’

‘મારી માને મારી નાખી અને તેનું શબ વેચી આવ્યો.’

‘શબ તે વેચાતું હશે?’ પેલા ભાઈઓ તો ગૂંચવાઈ ગયા.

‘કેમ નહીં?’

તેન્તેન્યાને ખ્યાલ આવી ગયો કે આ મૂરખ ભાઈઓ લલચાઈ ગયા છે.

‘મારી મા તો સૂકલકડી હતી. એટલે તેના શબના ઝાઝા પૈસા ન ઉપજ્યા. પણ તમારી મા તો બહુ તંદુરસ્ત છે એટલે બહુ પૈસા મળશે. તમે તમારી માને મારી નાખો, બહુ બધા પૈસા મળશે.’

‘અમે ક્યાં જઈને શબ વેચીએ?’

‘બજારમાં, વળી. અને જેવી રીતે ફેરિયાઓ બૂમ પાડે તેવી રીતે તમે બૂમ પાડજો.’

ઘેર પહોંચીને પેલા ભાઈઓએ તો માને મારી નાખી અને બજારમાં જઈ ફેરિયાની જેમ બૂમો પાડવા માંડી. થોડી વારે ત્યાં સિપાઈઓ આવ્યા અને માનું ખૂન કરવા માટે બધાની ધરપકડ કરી. પછી તેમણે બધી વાત કરી, તેન્તેન્યાએ તેમને કેવી રીતે છેતર્યા તે પણ કહ્યું, સિપાઈઓએ આ ભાઈઓને સાવ મૂરખ માનીને છોડી દીધા. હવે તેમણે તેન્તેન્યાને દેખાડી આપવાનું નક્કી કર્યું.

તેન્તેન્યાને તો આવું કંઈક બનશે એવો અંદાજ હતો એટલે તે વહુને લઈને સાસરે જતો રહ્યો. પેલા ભાઈઓ તેની રાહ જોવા લાગ્યા, આખરે ઘેર તો આવવું જ પડશે ને. હા, તે પાછો ઘેર આવ્યો. સાસરામાં તો કેટલું રહેવાય. જસલાગ અને તેના ભાઈઓએ નક્કી કર્યું કે તે જ્યારે સૂઈ ગયો હોય ત્યારે તેનું ઘર સળગાવી મૂક્યું. તેન્તેન્યાને જાણ તો થઈ કે આવું બનશે એટલે તે રાત્રે ઘરમાં ન રહ્યો. ઘરમાં એક કૂતરો ગોઠવી દીધો. મધરાતે તે ભાઈઓએ તેને ઘેર આવ્યા. કૂતરાની હિલચાલ સાંભળીને માની લીધું કે તે તેન્તેન્યા જ છે. એટલે તેનું ઘર સળગાવીને પોતાને ઘેર જતા રહ્યા. તેન્તેન્યાએ સંતાઈને આખી ઘટના જોઈ.

સવારે તેન્તેન્યા સંતાવાની જગ્યાએથી બહાર આવ્યો. ઘર બળીને રાખ થઈ ગયું હતું. તેણે તો એ રાખ કોથળામાં ભરી. આ વાત ભાઈઓએ જાણી અને તેને ત્યાં ખોટાં ખોટાં આંસુ સાર્યાં. ‘તું આ રાખ શા માટે કોથળામાં ભરે છે?’

‘અરે એ તો આ ગામની બહાર જઈને વેચીશ એટલે સારા પૈસા મળશે. જેમણે મારું ઘર સળગાવી દીધું તેમનું ભલું થજો.’ એ ભાઈઓએ એકબીજા સામે જોયું. પછી તેઓ ઘેર ગયા, શું કામ આપણે તેનું ઘર સળગાવી દીધું? તેની વાત સાચી હશે? છતાં તેઓએ તેન્તેન્યા રાખ વેચીને પાછો આવે તેની રાહ જોવાનું નક્કી કર્યું. જો રાખ ખરેખર વેચાશે તો આપણે પણ આપણાં ઘર સળગાવીને તેની રાખ બહાર જઈને વેચીશું.

તેન્તેન્યા તો રાખનો કોથળો લઈને નીકળી પડ્યો. તેને હતું કે કોઈક મૂરખાઓ તો ભટકાશે. થોડું ચાલ્યા પછી માથા પર સામાન લાદીને જતા કેટલાક માણસો જોયા. તે ઝટ ઝટ ચાલીને તેમની પાસે પહોંચી ગયો અને તેઓ ક્યાં જાય છે તે પૂછ્યું. ‘અમે રાજાના નવા બંધાઈ રહેલા મહેલે જઈએ છીએ. તેના જૂના મહેલનો બધો સરસામાન નવા મહેલમાં પહોંચાડવાનો છે.’ તેન્તેન્યાને પોતાનું નસીબ અજમાવવાનો વિચાર આવ્યો. ‘હું પણ રાજાના મહેલે આ કિંમતી સામાન લઈને જઈ રહ્યો છું.’ એ બધાને નવાઈ લાગી, શું છે એ પૂછ્યું પણ પેલાએ કંઈ જવાબ આપ્યો નહીં. વારંવાર પૂછ્યું એટલે તે બોલ્યો, ‘તે દેખાય છે તો રાખ જેવું. પણ એ બહુ કિંમતી છે. એ વેચવાથી તમે પુષ્કળ પૈસા મેળવી શકો.’

અચાનક તેની નજર એક માણસ પર પડી. તેની પાસે સિક્કાઓનો કોથળો હતો. પૂછ્યું ત્યારે જાણ થઈ. ‘હું સોનાના સિક્કા લઈને જઈ રહ્યો છું.’

‘તારી પાસે જેટલા સિક્કા છે તેનાથી મારો અડધો સામાન પણ તું ખરીદી ન શકે. પણ મારા કોથળામાં વજન ઓછું છે.’

બંને સાથે સાથે ચાલવા લાગ્યા. પેલો તો વજનદાર સામાન ઊંચકીને પરસેવે રેબઝેબ થઈ ગયો હતો. તેના પર દયા ખાઈને તેન્તેન્યા બોલ્યો, ‘આ કોથળો ઊંચકીને તું બહુ થાકી ગયો છે, આપણે બધા રાજાના નવા મહેલે જઈ રહ્યા છીએ. આપણે કોથળાઓની અદલાબદલી કરીએ.’ પેલો તો તૈયાર થઈ ગયો; અને બંનેએ કોથળાની અદલાબદલી કરી લીધી. પછી તેન્તેન્યાએ ચાલવાની ઝડપ ઘટાડી નાખી. બંને વચ્ચે અંતર વધવા લાગ્યું. એટલે તેન્તેન્યાએ પાછા વળીને હડી કાઢી અને સાસરે પહોંચી ગયો, વહુને લઈને પોતાને ઘેર આવ્યો.

ફરી તેન્તેન્યાની વહુએ એ ભાઈઓને ઘેર જઈને ત્રાજવા માગ્યા. એટલે તે ભાઈઓએ તેને ઘેર જઈને બધી વાત પૂછી. ‘રાજા નવો મહેલ બંધાવી રહ્યા છે. તેમણે ઢંઢેરો પીટાવ્યો છે કે બધા પ્રજાજનોને એક મહિનો મિજબાની મળશે. તેમાં સરસ સરસ વાનગીઓ હશે.’ એમ કહીને તેણે થોડા સિક્કા બતાવ્યા પણ ખરા. ‘શું મહેલમાં હજુ રાખની ખરીદી ચાલે છે?’ ‘હા-હા. મહેલને તો રાખ જોઈએ જ છે. રાજના બધા લોકોને બોલાવ્યા છે. પાછો આવતો હતો ત્યારે મેં ઘણા લોકોને તેમનાં ઘર સળગાવી દેતા જોયા. તમારું ઘર તો બહુ મોટું છે. તમને તો પાંચ કોથળા ભરીને સિક્કા મળી શકે.’

ઘેર પહોંચીને એ ભાઈઓએ તો પોતાનું ઘર માલસામાન સાથે સળગાવી દીધું. પછી પહેરવાનાં કપડાં સિવાય કશું ન રહ્યું. પછી તેઓ ઘરની રાખ પાંચ કોથળામાં ભરીને નવા મહેલમાં પહોંચી ગયા અને સંત્રીઓને રાખ વેચવાની વાત કરી. સંત્રીઓએ તેમને પાગલ માનીને ખાસ્સા ધીબ્યા અને પછી કાઢી મૂક્યા.

આમ બીજી વાર છેતરાયા એટલે હવે તો તેન્તેન્યાને મારી નાખવાનું જ નક્કી કર્યું. એક દિવસ લાગ જોઈને તેન્તેન્યાને બાંધી દીધો, ખાટલામાં નાખ્યો અને નદીકાંઠે પહોંચી ગયા. ‘નદીમાં તેન્તેન્યાને નાખતાં પહેલાં થોડી વાર ખાટલો નદીકાંઠે રહેવા દઈએ, છો એ બેટમજીને બધો ખ્યાલ આવે. આપણે ખાઈ કરીને આવીએ.’ અને તેઓ ઘેર ખાવા ગયા.

હવે જોગાનુજોગ એવું થયું કે મંત્રીનો પુત્ર ઘોડા પર બેસીને ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. તેને જોઈને તેન્તેન્યા બરાડવા લાગ્યો, ‘ના-ના. મારે રાજકુમારી સાથે નથી પરણવું.’ આ સાંભળીને મંત્રીપુત્ર ઘોડા પરથી ઊતરીને તેની પાસે આવ્યો અને બધી વાત પૂછી ત્યારે પેલાએ કહ્યું, ‘જસલાગ અને તેના ભાઈઓએ રાજાને મળીને કાવતરું કર્યું છે. તેઓ બધા મને રાજકુમારી સાથે પરણાવવા માગે છે. એટલે તેમણે મારા હાથપગ બાંધીને ખાટલા પર સૂવડાવ્યો છે. તેઓ મને અહીં મૂકીને ઘેર જમવા ગયા છે.’ મંત્રીપુત્રે રાજકુમારીને પરણવાનો વિચાર કર્યો. તે રાજકુમારીને સામે ચાલીને તો કશું કહી શકતો ન હતો. આ મહામૂરખ છે, રાજકુમારીને પરણવાનો લહાવો ગુમાવી રહ્યો છે. ‘તું પરણવા નથી માગતો, કંઈ નહીં, હું પરણવા માગું છું. તું મને મદદ કર.’

‘તો મારા હાથપગ છોડો અને મારા બદલે તમે બંધાઈ જાઓ.’ એટલે મંત્રીપુત્રે ખાટલા પરથી તેના હાથપગ છોડીને ઊભો કર્યો અને પોતે બંધાઈને સૂઈ ગયો.

થોડી વારે પાંચ ભાઈઓ પાછા આવ્યા અને તેન્તેન્યા તો ખાટલા પર જ છે એમ માનીને ખાટલો નદીમાં પધરાવી દીધો.

થોડા દિવસ પછી તેન્તેન્યા ઘોડા પર બેસીને ગામમાં આવ્યો. તેના આવવાના સમાચાર સાંભળીને પેલાઓ તો થાંભલા જેવા થઈ ગયા. આપણે તો આને હાથપગ બાંધીને નદીમાં પધરાવી આવ્યા હતા. આ જીવતો થયો કેવી રીતે? તેમણે પૂછ્યું એટલે તેન્તેન્યાએ કહ્યું, ‘તમે મને નદીમાં પધરાવી દીધો એટલે તો હું યમલોકમાં પહોંચી ગયો. ત્યાં મારાં અને તમારાં માબાપને મળ્યો. મારાં માબાપ તો ગરીબ છે એ તમે જાણો છો. તેમણે મને ઘોડો આપો. તમારાં માબાપ તો બહુ પૈસાવાળાં છે, તેમની પાસે તો બહુ હાથીઘોડા છે. તેમણે મને વિનંતી કરી કે મારા પુત્રોને પણ તું કહેજે. જેટલા હાથીઘોડા જોઈએ તેટલા લઈ જાય. હું તમને કહેવા આવતો જ હતો ત્યાં તમે આવી ચઢ્યા.’

પાંચેય ભાઈઓ તો મૂરખ હતા જ, તેમણે એ વાત માની લીધી અને હાથીઘોડા માટે મન લલચાઈ ગયું, ‘અમે ત્યાં કેવી રીતે જઈએ?’

‘હું તમારા હાથપગ બાંધીને નદીમાં પધરાવી દઈશ, મને બાંધ્યો હતો તેવી રીતે.’

બીજે દિવસે તેન્તેન્યાએ પાંચેય ભાઈઓને હાથપગ બાંધીને નદીમાં પધરાવી દીધા.