ભારતીયકથાવિશ્વ-૫/બાની વાતું/બાડી બાડી દીવો ઠાર્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


બાડી બાડી દીવો ઠાર્ય

એક હતા નગરશેઠ. પૈસાનો કોય પાર નંઈ. એક જ દીકરો…રૂડો-રૂપાળો પણ જરીક અક્કલનો સાંટો રઈ ગ્યો’તો. જરાક મોટો થ્યો ને મૂશે વળ દેવા જેટલા મોંવાળા થ્યા તોય કાંય ડાપણની ડાઢ તો આવી નંય… ઘરમાં એક કોળણ્ય કામ કરે… એણ્યે સોકરાને બરાબર્યનો હાથમાં લઈ લીધો. ઈ દેખાડે એટલું જ ઈ ભાળે એવો આંધળો થઈ ગ્યો કોળણ્યના લટકા વાંહે… શેઠ-શેઠાણી હંધુંય ભાળે-દેખે પણ નિહાહા નાખીને રય જાય… કોળણ્યને તગેડી મેલવામાં અક્કલમઠો દીકરો આડો આવતો’તો… પણ વાણિયાની જાત્ય કોઠાડાય હોય… ઘરની વાત ઘરમાં દાટી રાખવામાં એને કોય નો પૂગે…

શેઠ-શેઠાણીએ ભેળા થયને નક્કી કર્યું કે હવે જો આ આખલાને નાથવો હોય તો એક જ રસ્તો હતો… બોવ રૂપાળી સોકરી ગોતી એને પરણાવી દેવો… ઈ તો ભાય વાણિયાની નાત્ય ને વળી નગરશેઠનું ખોયડું પશી સોકરી જડતા વાર કેટલી? …શેઠાણીએ તો ભાય ઓલ્યા અક્કલમઠા આંધળાને દેખાય એટલા હાટુ વઉનો ફોટો બરાબર્ય બારહાકમાં જડ્યો. હવે પેલી કોળણ્યે જેવો ફોટો ભાળ્યો કે એને મરસાં લાગ્યાં… આવી રૂપાળી બાય ઘરમાં આવશે પશી આ અક્કલનો ઓથમીર મારા હાથમાં ર્યે ઈ વાતમાં માલ નંય… ને તો તો પશી બધા તનકારા પૂરા… આ ઘરનું ફળિયુંય છોડી જાવું પડે…કોળણ્યે તો બધી પા નજરનાખી પશી જરાક ઊંચી થયને ઓલી બાયની આંખ્યમાં ડોળાની વશોવશ મશનું ટીલકું કરી દીધું… ને પશી જયને વધામણી ખાધી… લ્યો, તમારી માં તમારું વેહવાળતો કરીયાવયા… પણ આંખ્યમાં તો ફુલું સે.. ફુલાળીને પયણીને મને ભૂલી તો નંય જાવને?ને મંડી કાલાં કાઢવાં.. ઓલ્યો તો આમેય ગાલાવેલો હતો જ… એમાં માબાપ બાડીને પયણાવવા બેઠા.. ઈ તો હઠ્યો…‘નો પયણું.’ માબાપે ફોહલાવ્યો તો માનીય ગ્યો પાસો…

હવે ભાય જાન ઊઘલીને ઘર્યે આવી…મેમાન હંધાય થાક્યાપાક્યા જંપી ગ્યા, વઉ બશારી મેડે બેઠી બેઠી વાટ જોવે… દીવા હામું નજર નાખીને ‘હમણાં આવશે હમણાં આવશે’ એમ મન મનાવે. ઓલ્યો તો કોળણ્યના ખોળામાંથી ઊઠીને મેડે ગ્યો. બાયણામાં રોકાણો ને ‘બાડી બાડી દીવો ઠાર્ય’ કયને હાલતો થઈ ગ્યો. બાઈ વિશારમાં પડી… હતી કોઠાડાય.. પણ તોય કાંય હમજાણું નંય.. ઈ તો આંખ્યમાં પાણી ભરતીક લાંબી થય.. બીજો દિ’. ત્રીજો દિ’. રોજ્યનું થ્યું… ઓલ્યો રોજ્ય મોડી રાત્યે ડોકાય ને ‘બાડી બાડી દીવો ઠાર્ય’ કઈને હાલતો થય જાય. બાઈ તો મઈનો થ્યો ન્યાં હુકાઈને કાંટા જેવી થઈ ગઈ.

શેઠાણી મનમાં બળે, દુ:ખી થાય, દીકરો ડાયો નો થ્યો ઈ વાતે ને પારકા ઘરની દીકરી પોતાના ઘરમાં આમ બળીજળી જીવે ઈ વાતે એનો જીવ કોચવાય.. પણ થાય હું? એણ્યે તો પાડોહમાં રેતી બાયને હારી-થાકીને વાત કરી. પશી કીધું કે હું પૂસું તો ભૂંડી લાગું ને વઉ કાં તો મને નોય કયે… પણ તમે તો ઘરના જેવા સો… તમે પૂશી જુવોને?

પાડોશણ તો બીજે દા’ડે તેલનો વાટક્યો લયને આવી. શેઠાણીને કયે: ‘માડી, તમારી વઉ ક્યાં? એને ક્યોને કે મને જરાક માથામાં તેલ ઘંહી દ્યે..’

પાડોશીએ ધીરેકનારાનું પૂછ્યું, ‘વઉ બેટા, એક વાત કઉં? ખોટું નો લગાડતા… તમે મારી દીકરી જેવાં સો પણ તમે આમ ડીલે લેવાતાં કાં જાવ? આવ્યાં ત્યારે મજાનાં પદમણી જેવાં હતાં… ને અટાણે આમ કાંટા જેવા કાં થઈ ગ્યાં? કાંય તાવતરીઓ આવે સે? કાંય દુ:ખ સે?’

ને ભાય વઉની આંખ્યમાંથી ડળક ડળક મંડ્યાં પાણી પડવા… પાડોશણે વઉને માથે હાથ મેલ્યો…‘જો વઉદીકરા, હું કોયને કાને વાત નંઈ નાખું. .. જેવું હોય એવું મને કઈ દે…’ વઉ બસારી આમેય મૂંજાણી’તી… એમાંય કોય વાંહો પંપાળનારું જડ્યું અટલે એનાથી રેવાણું નંય.. અટલે કય દીધું, ‘એમ જુવોને માડી તો મારે કાંય દુ:ખ નથી.. પણ તમારા દીકરા આ ચાર મઈનામાં કોઈ દિ’ મારી હાર્યે બોલ્યા નથી. બોલવાની વાત તો આઘી રય પણ કોઈ દા’ડો ઓયડાનો ઉંબરોય વળોટ્યા નથી. રોજ્ય બાયણામાં ડોકાય ને ‘બાડી બાડી દીવો ઠાર્ય’ કયને હાલતા થય જાય…’

પાડોશણ તો ભાય વાત જાણીને ઊભી થય… વઉ આઘીપાશી હતી ત્યારે શેઠાણીએ હળવેકથી એને પૂશી લીધું… વાત જાણીને ઈય ઘડીક વિશારમાં પડી… ઓલી કોળણ્યના જ કામા હશે ઈ તો હમજી ગઈ પણ આનું કરવું હું? દીકરામાં તો એટલી હતી નંય કે કાંય કેવાય… ને વઉના બળતા જીવને વળી કયાં વધારે બાળવો?

શેઠાણી હતી કોઠાડાય.. એને જરાક ગંધ્ય તો આવી ગઈ..અટલે બીજે દિ’એ એણ્યે દીકરો જ્યારે ઘોડા પાવા જાય એની પેલાસ વઉને કીધું, ‘વઉબેટા, તૈયાર થઈ જાવ. . ભાર્યેમાં ભાર્યે લૂગડાં પેરો, હોળે શણગાર સજો ને પશી ગામકૂવેથી બે હેલ્ય લઈ આવો. જોજ્યો બેટા, લાજ નો કાઢતા. આપડું ખોયડું આમેય ગામમાં મોટું સે… અટલે લાજબાજ કાઢવાની કાંય જરૂર નથી. હેલ્યને જરાક ઊટકી-વીસળીને પશી ભરજ્યો… વાર લાગે તોય વાંધો નથી.’

વઉએ તો ભાય અસલનાં લૂગડાં પેર્યાં, ઘરેણાં પેર્યાં ને મોતીની ઈંઢોણી માથે હેલ્યને મેલીને રૂમઝૂમ કરતી ઉઘાડા માથે ગામકૂવે ગઈ. કૂવે કાળું કૂતર્યુંય નો હોય એવા ટાણે શેઠાણીએ એને કેમ મોકલી હશે એમ વિશારતી’તી ન્યાં આઘેથી એના ધણીને ઘોડો લઈને આવતો ભાળ્યો. બાય મનમાં હમજી ગઈ ખેલ.. ઈ તો મંડી હેલ્ય ઊટકવા. ઓલ્યા સોકરાએ કોઈ દિ’ મોઢું ભાળ્યું હોય વઉનું તો ઓળખે ને? ઈ તો ઘોડો પાતો જાય ને ટીકી ટીકીને ઓલીને જોતો જાય…‘માળી કોકની બાયડી સે ને કાંય… ભાર્યે રૂપાડી, આપડેય આવી બાયડી હોય તો કેવું હાડું… માડે જ કાં બાડુડી બાયડી… આવી જડી હોટ ટો?’ બાય તો રોજ્ય શણગાર સજીને પાણી ભરવા જાય ને ઓલ્યો રોજ્ય એને જોયા કરે..

બાયને તો ખબર્ય હતી કે આ એનો ધણી સે… અટલે આઠ-નવ દા’ડા પશી એક દિ’ એણ્યે કાઢ્યા દાંત… ઓલ્યો તો પાણી પાણી થઈ ગ્યો…જરાક પાંહે આવ્યો…બીજે દિ’એ એનામાં વધારે હંમિત આવી… ઓલીની કોર્ય દાંત કાઢીને કયે, ‘હાલો હામા કાંઠે વાઢમાં શેયડી ખાવા જાયેં..’ બાય તો કયે, ‘હાલો’… ઈ તો ભાય ગયા… ઓલ્યો હાંઠો ભાંગતોક ફોલતો જા, કાતળી ભાંગી, માદળિયાં કરી ઓલીને દેતો જાય… ઘડીક પશી બાય કયે, ‘હવે હાઉં કરો, હવે હું દઉં ને તમે ખાવ..’ એણ્યે તો જેવો કાતળી કરવા ભાર દીધો કે આંગળીમાં વાગ્યું… લોય જાય ભાગ્યું… વાણિયો તો બીય ગ્યો… ‘અડેડે ભાર્યે કડી… કોકની સોડીનો હાથ કપાય ગ્યો. ભાર્યે કડી રે…હવે હું થાહે રે’… ખરતાકને એણ્યે તો જટજટ પાઘડીમાંથી લીરો ફાડ્યો, પાટો બાંધ્યો ને ઊભા થાતાંકને વેંતા મેલ્યાં. … આમેય વાણિયાની જાત્ય હોય લીંડકઢી.. આ ભાય તો આમેય ગાલાવેલા તો હતા જ.. ઈ તો ઘોડું લેતોકને ભાગ્યો.. હવે ભાય ઈ રાત્યે રોજની જેમ વાણિયો બાયણે ડોકાઈને ‘બાડી બાડી દીવો ઠાર્ય’ કેવા ગયો તંયે ઓલી બાય ઉંહકારા કરે. ઓય માડી.. ઓય વોય… હાંભળીને ઓલ્યાને થ્યું… આવડી આ રોજ્ય તો મૂંગીમંતર પડી ર્યે સે.. આજ આને વડી હું થ્યું? લાવ્ય પૂસવા તો દે.. એણ્યે તો ઉંબરામાં ઊભા ઊભા જ રાડ્ય પાડી… કાં એલી આમ ઉંહકારા કરે? રોજ્યની જેમ મૂંગી મરી રેને… ઓલી બાય પથારીમાંથી ઊભી થાતીકને ઓલ્યાની હામે જોયને બોલી: ‘પાઘડી ફાડી મારા બાપની, શેયડી ખાધી કો’કના બાપની. એમાં તમારું કાંય ગયું?’

ઓલ્યો માથે હાથ ફેરવતોક, હાહરે દીધેલી પાઘડીને અડતાવેંત ‘અડડડ… ઈ તું હતી? આવી રૂપાડી મારા ઘરમાં? મારી વઉ? એલી, ઈ તું જ હતી?’ ને તાડૂકતી બાય બોલી, ‘તંયે કોણ હતું? આંખ્યું વાળા હો તો ભાળો ને?’વાણિયો ભાય લટુડાપટુડા કરવા મંડ્યો… બાયનાં વખાણ કરતો જાય ને મનાવતો જાય… શેઠાણીએ પણ હવે લાગ આવ્યો જાણીને કોળણ્યને કતીકા મારીને કાઢી મૂકી.

કેટલાક શબ્દાર્થ:

૧. ધીરેકનારાનું : હળવેકથી, ધીમેથી

૨. માદળિયા : છોલેલી શેરડીના ટુકડા- ગંડેરી

૩. લીંડકઢી : બીકણ

૪. કતીકા : નાની અમસ્તી લાકડીથી મારવું તે