ભારતીયકથાવિશ્વ-૫/બુંદેલખંડની લોકકથાઓ/ચાર ચતુર સ્ત્રીઓ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ચાર ચતુર સ્ત્રીઓ

એક હતો રાજા. તેના રાજ્યના પ્રજાજનો સુખશાંતિથી રહેતા હતા. રાજા પણ પોતાની પ્રજાનાં સુખદુ:ખનું સારી રીતે ધ્યાન રાખતો હતો. તેના રાજ્યમાં ચોરી, લૂંટફાટ, ખૂનામરકી, ધાડ જેવા અપરાધો થતા ન હતા.

એક દિવસ ન બનવાનું બની ગયું. રાજમહેલ પાસેના બાગમાં એક સ્ત્રીનું શબ મળ્યું. આખા નગરમાં હાહાકાર મચી ગયો. જોતજોતાંમાં લોકોનાં ટોળાં ઊભરાયાં. લોકોએ જોયું તો તે સ્ત્રીનું માથું કાપી નાખેલું હતું એટલે એની ઓળખ કરવી અઘરું હતું. સિપાઈઓએ તેની ઓળખ માટે પ્રયત્નો કર્યા પણ તેમને સફળતા ન મળી. અમે આ સ્ત્રીનો પત્તો મેળવી શકતા નથી એવું તેમણે રાજાને કહ્યું. રાજાને સમજાઈ ગયું કે મારા રાજ્યમાં અપરાધો થતા નથી એટલે સિપાઈઓને અપરાધીઓનાં સગડ મેળવવાની આદત નથી. રાજાએ પોતે અપરાધીને શોધી કાઢવાનો નિશ્ચય કર્યો. તે વેશપલટો કરીને ખૂનીનો પત્તો મેળવવા નીકળી પડ્યો.

કેટલાય દિવસો આમતેમ રખડ્યા પછી પણ ખૂનીની કોઈ નિશાની હાથ ન લાગી. થાકી હારીને રાજા એક કૂવે જઈ પહોંચ્યો. તેને બહુ તરસ લાગી હતી. કૂવા પર ચાર સ્ત્રીઓ પાણી ભરી રહી હતી. રાજાએ વિચાર્યું, પાણી પણ પીશ અને આ સ્ત્રીઓની વાતચીતમાંથી કોઈ નિશાની મળે છે કે નહીં તે પણ જોઉં. બની શકે કે આ ચારમાંથી એકાદ પાસેથી કશું જાણવા મળે.

રાજાએ એ સ્ત્રીઓ પાસે પાણી માગ્યું. એક સ્ત્રીએ રાજાને પાણી પીવડાવ્યું. બીજી સ્ત્રીએ રાજાને પૂછ્યું, ‘તમે તો અજાણ્યા લાગો છો. ક્યાંથી આવ્યા છો અને ક્યાં જઈ રહ્યા છો?’

‘હા, હું અહીંનો ભોમિયો નથી, આવ્યો હતો વેપાર કરવા, પણ હવે વિચારું છું કે અહીં વેપાર નથી કરવો.’

‘કેમ? અહીં વેપાર કરવાનો વિચાર માંડી વાળ્યો? અમારા રાજ્યમાં તો સુખશાંતિ છે. અમારા રાજા પણ બહુ ભલા છે.’ ત્રીજી સ્ત્રીએ કહ્યું.

‘અરે, હવે ક્યાં છે સુખશાંતિ? રાજમહેલની પાછળના ભાગમાં કોઈ સ્ત્રીનું માથું કપાયેલું ધડ મળ્યું છે. તમારો રાજા તો એ સ્ત્રીનો પત્તો પણ મેળવી શક્યો નથી. આવા રાજ્યમાં કોણ વેપાર કરે?’ રાજા અકળાઈને બોલ્યો.

‘અમારા રાજાની નિંદા ન કરો. એ તો રાજાનું ધ્યાન ન ગયું, નહીં તો તરત જ એ સ્ત્રી કોણ હતી, કેવી હતી તેનો ખ્યાલ આવી જાત.’ ચોથી સ્ત્રી બોલી.

‘એ સ્ત્રીનું શબ જોઈને રાજાને સમજ પડી જાત એવું તમે કેવી રીતે કહી શકો?’ રાજાએ ઉત્સુકતાથી પૂછ્યું.

‘અરે, એમાં વળી શી ધાડ મારવાની હતી? તે સ્ત્રી પોતાના વાળ ખુલ્લા રાખતી હતી, ચોટલો વાળતી ન હતી.’ એક સ્ત્રી બોલી.

‘હા, તેનું લગ્ન થયું ન હતું પણ આંખોમાં કાજળ આંજવાનો શોખ તો હતો જ.’ બીજી સ્ત્રી બોલી.

‘ઘરમાં કોઈને કહ્યા કર્યા વિના પાલવથી પોતાનું મોં છુપાવીને કોઈને મળવા નીકળી હતી.’

‘કોને મળવા?’ રાજાએ ચકિત થઈને પૂછ્યું.

‘અરે, પેલા…’ ચોથી સ્ત્રી બોલવા જતી હતી ત્યાં બાકીની ત્રણ સ્ત્રીઓએ તેને અટકાવી. ‘હવે જવું નથી? આપણને મોડું થાય છે.’

‘ચાલો ત્યારે…’ ચોથી સ્ત્રી કશો ઉત્તર આપ્યા વિના જ સખીઓ સાથે ચાલી નીકળી.

સ્ત્રીઓ જઈ રહી હતી ત્યારે રાજાએ એ ચારે સ્ત્રીઓની વાતો પર વિચાર કર્યો. આ સ્ત્રીઓ મરનાર સ્ત્રી વિશે ચોક્કસ જાણે છે. રાજાએ એ ચારે સ્ત્રીઓનો પીછો કર્યો અને તેમનાં ઘરનો પત્તો મેળવી તે રાજમહેલમાં જતો રહ્યો.

બીજે દિવસે રાજાએ ચારે સ્ત્રીઓને દરબારમાં બોલાવી, ‘કહી દો, નહીંતર તમને દંડ કરીશ.’

રાજાની વાત સાંભળીને ચારે સ્ત્રીઓ હસી પડી. કૂવા કાંઠે જે ત્રણ સ્ત્રીઓએ રાજાને બધી વાતો કરી હતી તે ફરી કહી સંભળાવી. ચોથી સ્ત્રીનો વારો આવ્યો ત્યારે તેણે હસીને કહ્યું. ‘મહારાજ, મને જેટલી જાણ છે તે તો હું તમને કહીશ, પણ પહેલાં તમે એ કહો કે રાતે તમને બરાબર ઊંઘ આવી હતી ખરી?’

‘તમે કેમ જાણવા માગો છો?’ રાજાએ ઉત્તર આપવાને બદલે તેને સામો પ્રશ્ન કર્યો.

‘મહારાજ, સાંભળ્યું છે કે કોઈ પ્રશ્નનો ઉત્તર મળતાં મળતાં ના મળે તો રાત્રે ઊંઘ નથી આવતી.’

ચોથી સ્ત્રીની વાત સાંભળીને રાજા ચોંકી ગયો. કૂવા પર જ તે સ્ત્રીઓએ મને ઓળખી લીધો હશે?

‘તમે મને કેવી રીતે ઓળખી કાઢ્યો, મારા સેનાપતિ અને મંત્રી પણ ઓળખી ન શકે એવી રીતે મેં વેશપલટો કર્યો હતો.’ રાજાએ પૂછ્યું.

‘મહારાજ, એ તો બહુ સહેલું હતું. કોઈ જીવતા માણસને તેની વાતચીત, ચાલવાની ઢબ પરથી જ ખ્યાલ આવી જાય.’ એક સ્ત્રી બોલી.

‘હા, મહારાજ! વેપારીને તો કામધંધા નિમિત્તે દેશપરદેશ ભટકવું પડે છે, અને જુદી જુદી પરિસ્થિતિઓમાં ખોરાકપાણી લેવાં પડે છે. એટલે તેમને ખોબા વડે પાણી પીવાની આદત હોય છે. પરંતુ રાજા જ્યારે બહાર જાય ત્યારે તેને રાજદરબારી માનસન્માન મળે છે. તેને ખોબા વડે પાણી પીવાની આદત નથી હોતી.’ બીજી સ્ત્રી બોલી.

‘હા, મહારાજ, કોઈ પણ અજાણી વ્યકિત બીજા રાજ્યના પ્રજાજનો આગળ તેના રાજાની નિંદા કરવાનું સાહસ ન કરે. જે રાજા કોઈ મૂંઝવણનો ઉકેલ શોધવા વેશપલટો કરીને નીકળ્યો હોય તે પોતાની નિંદા સહેલાઈથી કરી શકે.’

‘સરસ-સરસ.’ રાજા તે સ્ત્રીઓની ચતુરાઈ પર ખૂબ ખૂબ વારી ગયો. પછી તેણે ચારે સ્ત્રીઓને કહ્યું, ‘તમે ગુનેગાર નથી, એ હું સમજી ગયો છું. હવે હું જે પૂછું તેનો વારાફરતી ઉત્તર આપો.’

ચારે સ્ત્રીઓએ કહ્યું, ‘પૂછો મહારાજ!’

‘તમે કેવી રીતે જાણ્યું કે મરનાર સ્ત્રી વાળ છૂટા રાખે છે, ચોટલો નથી વાળતી. તે સ્ત્રીનું માથું તો મળ્યું નથી.’ રાજાએ પહેલી સ્ત્રીને પૂછ્યું.

‘મહારાજ, તમારા સિપાઈઓમાં જો કોઈ મહિલા હોત તો તો તેને આ વાત સમજાઈ જાત. જે સ્ત્રીઓ ચોટલા વાળે તેમની ગરદન નીચેનાં હાડકાં આગળ કાળાશ હોય, એટલે સમજાઈ ગયું કે આ સ્ત્રીને વાળ છુટ્ટા રાખવાની આદત હશે.’

‘તે સ્ત્રીનું લગ્ન થયું ન હતું તે વાત કેવી રીતે જાણી? પાછું, તેને આંખોમાં કાજળ લગાવવાનો શોખ હતો તેની ખબર કેવી રીતે પડી?’ રાજાએ પૂછ્યું.

‘મહારાજ, એ વાત પણ સાવ સીધી છે, મેં તે સ્ત્રીઓની આંગળીઓ ધ્યાનથી જોઈ હતી, તેની આંગળીઓના નખમાં સહેજેય કંકુની રતાશ ન હતી. પણ જમણા હાથની મધ્યમા આંગળી પર કાજળની કાલિમા સ્પષ્ટ દેખાતી હતી. એટલે મને ખ્યાલ આવી ગયો કે આ સ્ત્રીનું લગ્ન થયું ન હતું.’

રાજા આ સાંભળીને ચકિત થઈ ગયો. પછી ત્રીજી સ્ત્રીને પૂછ્યું, ‘તે સ્ત્રી ઘેર કોઈને કહ્યા વિના, પાલવથી મોં ઢાંકીને નીકળી પડી હતી એ વાત તમે કેવી રીતે જાણી?’

‘મહારાજ, આ પણ દીવા જેવી સાફ વાત છે. મેં તેની સાડીનો છેડો જોયો. મોં ઢાંકેલું હોય તો છેડો દાંતમાં પકડી રાખવો પડે, એની નિશાનીઓ છેડા પર દેખાયા વિના ના રહે. એટલે મને સમજાઈ ગયું કે ઘેરથી કહ્યા વિના કોઈ નીકળે તો જ મોં સંતાડવું પડે, અને એટલે જ પાલવ સરકી ન જાય એટલા માટે દાંત નીચે છેડો દબાવી રાખવો પડે.’ ત્રીજી સ્ત્રીએ કહ્યું.

‘તમે સાચું કહો છો. પાલવ સરકી જાય તો તે સ્ત્રીનું રહસ્ય ખુલ્લું થઈ જાય.’

ચોથી સ્ત્રીને હવે પૂછવામાં આવ્યું, ‘તો તમે કહો, તે કોને મળવા ગઈ હતી?’

‘મહારાજ, એ દુર્ભાગી સ્ત્રી ગોળના વેપારીને મળવા નીકળી હતી અને તેને મળી હતી. તે ગોળના ગોદામમાં તેને મળી હતી. પછી ગોળના વેપારીએ તેની હત્યા કરી કે કરાવી.’ ચોથી સ્ત્રી બોલી.

‘તમને કેવી રીતે ખબર પડી કે તે ગોળના વેપારીને મળવા આવી હતી? આટલી બધી ખાત્રીથી કેવી રીતે કહી શકાય?’

‘મહારાજ, ગોળના થેલાઓ ઉપર જે માખો સામાન્ય રીતે જોવા મળે છે તે મને સ્ત્રીની પાસે જોવા મળી હતી. એ જોઈને હું સમજી ગઈ કે તે સ્ત્રી ગોળના ગોદામમાં વેપારીને મળી હતી. ગોદામમાં ગોળ જથ્થાબંધ હોય છે એટલે જો તે ગોદામમાં ગઈ હોય તો જ તેના કપડાં પર ગોળ ચોંટ્યો હોય. ગોળ કપડાં પર લાગ્યો હતો એટલે માખો પણ ત્યાંથી જ આવી હોવી જોઈએ.’

રાજાએ શંકા વ્યક્ત કરતાં પૂછ્યું, ‘તે સ્ત્રી ગોળ ખરીદવા શા માટે જાય? જો ગોળ ખરીદવો જ હોય તો દુકાને જ જાય — ગોદામમાં શું કામ જાય?’

‘ગોદામમાં મળવા માટે જ તે ગઈ હોવી જોઈએ.’

‘તમારી વાત સાચી છે.’ રાજાને ચોથી સ્ત્રીનો તર્ક સમજાઈ ગયો, તરત જ ગોળના વેપારીને પકડી લાવવા સિપાઈઓને હુકમ કર્યો.

થોડા જ સમયમાં સિપાઈઓ ગોળના વેપારીને પકડીને લઈ આવ્યા. રાજાએ વેપારીને ધમકાવ્યો. ‘સાચેસાચું કહી દે, નહીંતર મૃત્યુદંડ મળશે.’

ગોળનો વેપારી ભયથી થર થર ધૂ્રજવા લાગ્યો અને તેણે પોતાનો ગુનો કબૂલી લીધો. ‘વચન આપ્યું તો હતું, પણ હું તેની સાથે વિવાહ કરી શકતો ન હતો. મેં તેને ના પાડી તો તે રડતાં રડતાં જવા માંડી. મને બીક લાગી કે મારું આ રહસ્ય બધાને કહી દેશે, એટલે મેં તેને મારી નાખી, તેને કોઈ ઓળખી કાઢે એટલે એનું માથું કાપીને નદીમાં વહેવડાવી દીધું.’

રાજાએ તેને સખત કેદની સજા કરી અને પેલી ચારે ચતુર સ્ત્રીઓને ઇનામ આપી તેમનું સન્માન કર્યું. રાજાએ એ સ્ત્રીઓના કહેવાથી મહિલા સિપાઈઓની વ્યવસ્થા કરી, આને કારણે રાજ્યમાં સ્ત્રીઓની સુરક્ષા વધી ગઈ. રાજ્યમાં ફરી એક વાર સુખ-શાંતિ સ્થપાઈ ગયાં.