ભારતીયકથાવિશ્વ-૫/વનકન્યા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વનકન્યા

એક પ્રદેશમાં ડોસો અને ડોસી રહેતાં હતાં. તેમને સાત દીકરીઓ હતી. સાતેય બહેનોને કોઈ પણ વસ્તુ સરખા ભાગે મળતી ન હતી. એટલે તેઓ અંદર અંદર ઝઘડતી રહેતી. આને કારણે માબાપ દુ:ખી રહેતાં હતાં. તેમને પણ ખાવાનું પેટ ભરીને મળતું ન હતું. એક દિવસ ડોસાએ ડોસીને કહ્યું, ‘આજે તું ચુપચાપ અડદની દાળ બનાવજે. રાતે છોકરીઓ સૂઈ જશે એટલે આપણે ખાઈશું.’

તેમની આ વાતચીત સૌથી નાની છોકરીએ સાંભળી. તેણે મોટી બહેનોને કહ્યું, ‘આજે હું તમને એક વાત કહું.’ એમ કહીને બધી વાત કહી દીધી. પછી બધી કન્યાઓએ અંદર અંદર ચર્ચા કરીને એક યોજના બનાવી, તેઓ પોતપોતાના ઓશીકે કઢાઈ, સાણસી વગેરે લઈને સૂઈ ગઈ. છોકરીઓ સૂઈ ગઈ છે એમ માનીને ડોસી દાળ કાઢીને વાટવા બેઠી પણ એને સાધન મળ્યું નહીં. ડોસાને પૂછ્યું તો તેને કશી ખબર ન હતી. પછી સૌથી નાની અને સૌથી મોટી છોકરી સાધનો લઈને બેઠી થઈ. આ જોઈને ડોસાએ તેમને ચૂપ રહેવા કહ્યું, આપણે ચાર મળીને ખાઈશું. પછી તેઓ કઢાઈ શોધવા લાગ્યા. પછી એક છોકરી કઢાઈ લઈને બેઠી થઈ. આમ વારાફરતી બધી છોકરીઓ ઊભી થઈ. પછી બધાને માટે વડાં બનાવ્યાં અને સૌએ ખાધાં.

સવાર પડી એટલે ડોસાએ ડોસીને કહ્યું, ‘તું મને કશુંક આપ, હું આ છોકરીઓને કશુંક ખવડાવવાના બહાને લઈ જઈશ અને પછી તેમને ભુલાવામાં નાખીને આવતો રહીશ. પછી આપણે બે નિરાંતે રહીશું.’

પછી ડોસીએ થોડું રાંધી આપ્યું એટલે ડોસો એ લઈને છોકરીઓને ઘનઘોર જંગલમાં લઈ ગયો. સાતે બહેનો ખાવામાં લીન થઈ ગઈ, ડોસાએ પછી વાસણ એક ઝાડ પર લટકાવી દીધું અને પોતે ઘેર જતો રહ્યો. સાતે છોકરીઓ પોતાના પિતાને શોધવા લાગી, ખાલી વાસણમાંથી હવાની લહરોને કારણે જે અવાજ આવતો હતો તેના પરથી છોકરીઓએ માની લીધું કે આ તેમના પિતાનો અવાજ છે. એટલે ફરી ખાવામાં લીન થઈ ગઈ. એમાંથી પાંચ બહેનો જુદી જુદી દિશાઓમાં જતી રહી અને સૌથી મોટી અને સૌથી નાની એક જગાએ રહી ગઈ. હવે નાની બહેનને બહુ તરસ લાગી એટલે મોટી બહેન પાસે પાણી માગવા લાગી. ‘આ ઘોર જંગલમાં તારા માટે પાણી ક્યાંથી લાવું?’ આમ કહીને તે એક ઝાડ પર ચઢી ગઈ. પાણીની શોધ માટે દૂર દૂર સુધી નજર નાખી તો એક સૂકું તળાવ નજરે પડ્યું. બંને બહેનો તે તળાવે ગઈ. મોટીએ નાનીને કહ્યું, ‘તું તારી વીંટી મને આપ. એ ફેંકવાથી તળાવમાં પાણી આવશે. એટલે તું પાણી પી લેજે.’

નાની તરસી તો હતી જ. તેણે તરત જ વીંટી કાઢીને આપી અને મોટી બહેને એ વીંટી તળાવમાં ફ્ેંકી દીધી. તરત જ સૂકા તળાવમાં પાણી ઊભરાઈ ગયું. નાનીએ પેટ ભરીને પાણી પીધું. પછી તે પોતાની વીંટી વારે વારે માગવા લાગી. ત્રાસી જઈને મોટીએ કહ્યું, ‘તારે બહેન જોઈએ છે કે વીંટી?’

નાનીએ કહ્યું, ‘મારે વીંટી જોઈએ છે.’

પછી મોટી બહેન ઘૂંટણ સુધીનાં પાણીમાં ઊતરી, ફરી પૂછ્યું એટલે નાનીએ એ જ જવાબ આપ્યો. એમ કરતાં કરતાં મોટી પાણીમાં આગળ વધતી રહી અને હવે તેના ગળા સુધી પાણી આવી ગયું, તો પણ નાનીએ પોતાની જિદ ન છોડી. એટલે મોટીએ ડૂબકી મારીને વીંટી કાઢી અને બહાર ફેંકી દીધી. હવે વીંટી નાનીના હાથમાં હતી, તે મોટી બહેનને બૂમો પાડવા લાગી પણ તે હવે ક્યાંથી આવવાની હતી? પછી તે ખાસ્સા સમય સુધી બહેનને બોલાવતી રહી અને રડતી રહી. રડતાં રડતાં તે એક ઝાડ પર ચઢી ગઈ.

એવામાં તે રાજ્યનો રાજા શિકાર કરવા પોતાના સૈનિકો સાથે એ જ રસ્તે થઈને નીકળ્યો હતો. તેને સાત રાણીઓ હતી. થોડો આરામ કરવા તે અને તેના સૈનિકોએ ઝાડ નીચે અડ્ડો જમાવ્યો. રાજા આરામ કરતો હતો તે વખતે તેના ઉપર પેલી બહેનનાં આંસુ ટપક્યાં. રાજા તો ગભરાઈ ગયો અને સૈનિકોને તપાસ કરવા કહ્યું, ઘણા બધા સૈનિકોએ ઉપર જોયું પણ તેમને કશું નજરે ન પડ્યું. પછી તેમની સાથે ચાલતા એક કાણિયાની નજર તે છોકરી ઉપર પડી. તેણે બધાને કહ્યું કે ઉપર એક છોકરી બેઠી છે. બધા તેની મજાક ઉડાડવા લાગ્યા.

પણ એની વાત સાચી હતી, રાજાએ તેને નીચે ઊતરી આવવા કહ્યું. તે ડરતાં ડરતાં નીચે ઊતરી, બધા વનકન્યા મળી એટલે બહુ રાજી થયા.

રાજા શિકાર કરવા આગળ જવાને બદલે પોતાના મહેલની દિશામાં ગયો. લગ્નની તૈયારીઓ થઈ. ગામમાં બધાંને સ્વચ્છ વસ્ત્ર પહેરીને આવવા જણાવ્યું, બધાં આવ્યાં અને લગ્ન થયું. થોડા સમય પછી રાજા ફરી શિકારે નીકળ્યો. આ બાજુ તે કન્યા સગર્ભા થઈ. નવ મહિના પૂરા થયા એટલે તેને પ્રસવપીડા થઈ, પછી સાતે રાણીઓએ લુચ્ચાઈપૂર્વક વનકન્યાની આંખો પર પાટો બાંધી દીધો. કાનમાં પણ દાટા મારી દીધા અને પ્રસવ કરાવ્યો. સુંદર રાજકુમારનો જન્મ થયો પણ રાણીઓએ અદેખાઈથી તેને એક નાળામાં નખાવી દીધો. વનકન્યાની આગળ ઈંટ અને પથ્થર મૂકી દીધા. પછી તેમણે વનકન્યાને કહ્યું, ‘નવ મહિના પેટમાં રાખીને આખરે તેં ઈંટ અને પથ્થરને જનમ આપ્યો.’

વનકન્યા પછી તો રડવા લાગી. આ બાજુ એક ઘોડાએ તે બાળકને ઊંચકીને તળાવમાં ફેંકી દીધો. તળાવમાં વનકન્યાની મોટી બહેન મૃત્યુ પછી તે જલકન્યા બનીને રહેતી હતી, તેણે બાળકને લઈ લીધો અને તેને મોટો કરવા લાગી.

આ બાજુ રાજા શિકારેથી પાછો આવ્યો તો સાતે રાણીઓએ ઈર્ષ્યાથી કહ્યું, ‘તમારી વનરાણીએ તો નવ મહિના ગર્ભ પેટમાં રાખી ઈંટ અને પથ્થરને જનમ આપ્યો.’

આ સાંભળી રાજાએ કહ્યું, ‘સાત ગાંઠવાળી સાડી પહેરાવીને બગીચામાં મોકલી દો. ત્યાં રહીને તે કાગડા ઉડાડવાનું કામ કરશે.’ રાજાના આદેશનું પાલન થયું. વનકન્યા રાણીમાંથી દાસી બની ગઈ. એક દિવસ સાતે રાણીઓ તળાવમાં સ્નાન કરવા ગઈ, ત્યાં ખીલેલાં કમળ હતાં. એક સુંદર બાળક નૌકામાં રમતો હતો. આ જોઈને રાણીઓએ તેને બોલાવી ફૂલ માગ્યાં. આ એ જ બાળક જેને જનમ થતાંવેત રાણીઓએ નાળામાં ફેંકી દીધો હતો અને પછી ઘોડાએ તેને આ તળાવમાં ફેંક્યો હતો.

એ બાળકે પોતાની મોટી માને પૂછવા ગયો, ‘મા, મા, આ પાપી રાણીઓ ફૂલ માગે છે.’ એટલે મોટી માએ કહ્યું, ‘અરે હીરા બેટા, તું તો ઈંટ અને પથ્થર છે, તેમને ફૂલ ના આપીશ.’

આમ તેણે કોઈને ફૂલ ન આપ્યાં, રાણીઓ માગી માગીને થાકી ગઈ. એટલે તે રિસાઈ ગઈ. રાજાએ ત્યાં આવીને તેમના રિસાવાનું કારણ પૂછ્યું ત્યારે તેમણે કહ્યું, ‘તમારા તળાવમાં એક સુંદર કમળફૂલ છે. એક સુંદર બાળક પણ છે. અમે તેની પાસે ફૂલ માગીમાગીને થાકી ગઈ પણ તે બાળક ફૂલ આપતો જ નથી.’

આ સાંભળીને રાજાએ કહ્યું, ‘બસ, આટલી વાતમાં તમે રિસાઈ ગઈ! હું જઈને માગું છું, તમે ત્યાં સુધી ભોજન કરો.’

એમ કહી રાજાએ બાળક પાસે ફૂલ માગ્યું, ફરી બાળકે મોટી માને પૂછ્યું, ‘મા, મા, પિતાજી ફૂલ માગે છે.’

એટલે મોટી માએ કહ્યું, ‘હીરા બેટા, તું તો ખાતર અને કચરો છે, તું તેમને ફૂલ ન આપતો.’

રાજાએ વારંવાર ફૂલ માગ્યું અને બાળક વારંવાર ના પાડતો રહ્યો. ઘણો સમય થઈ ગયો અને ફૂલ પણ દૂર સરી ગયું. આ જોઈને રાજા હતાશ થઈ ગયો. પછી ગામના બધા લોકોને બોલાવી તેમની પાસે ફૂલ મંગાવ્યું, રાજાના કહેવાથી બધાએ બાળક પાસે ફૂલ માગ્યું પણ બાળકે કોઈને ફૂલ ન આપ્યું. એટલામાં રાજાને પેલી કાગડા ઉડાડતી યાદ આવી, પણ તેણે કહેવડાવ્યું કે ‘મારી પાસે નથી સારું વસ્ત્ર નથી તેલ, હું રાજા આગળ આવું કેવી રીતે? હું નહીં આવું. રાજા મારા પર નારાજ થશે.’

આ સાંભળી રાજાના માણસોએ રાજા પાસે જઈને આ વાત કહી. રાજાએ તેને કપડાંલત્તાં મોકલી આપ્યાં અને તે સજ્જ થઈને આવી. રડતાં રડતાં બાળક પાસે ફૂલ માગ્યું. બાળકે મોટી માને પૂછ્યું, ‘મોટી મા, મા ફૂલ માગે છે.’

એટલે મોટી માએ કહ્યું, ‘હીરાબેટા, તું તો તેનો પુત્ર છે, જા અને દૂધ પી.’

આ સાંભળીને બાળક નૌકામાંથી ઊતરીને દોડતો દોડતો કાગડા ઉડાડનારી પાસે ગયો અને તેના ખોળામાં બેસીને દૂધ પીવા લાગ્યો.

આ બધી ઘટનાઓ પરથી રાજાએ વનકન્યા અને બાળકને ઓળખી કાઢ્યાં, બધી વાત તેને સમજાઈ ગઈ. પછી રાજાએ સાતે રાણીઓને શિક્ષા કરવા એક મોટો ખાડો ખોદાવ્યો. ધૂપ ગરમ કરીને તે ખાડામાં નખાવી દીધું. સાતે રાણીઓને કહ્યું, ‘એક વાવ ખોદાવી છે, ચાલો જોવા જઈએ.’

આ સાંભળી સાતે રાણીઓ ત્યાં ગઈ. પછી રાજા અને તેના સેવકોએ રાણીઓને ધક્કા મારીને ખાડામાં ધકેલી દીધી. ત્યાં નાખેલા ધૂપને કારણે તે બધી મરી ગઈ. પછી રાજા વનકન્યાને અને બાળકને લઈને મહેલમાં આવ્યો. તેમના દિવસો સુખચેનમાં વીતવા લાગ્યા.