ભારતીયકથાવિશ્વ-૫/હેંડો વાત મોડીએ/વેંતિયો
સાત ભાઈ હતા. એમાં સૌથી નાનો વેંતિયો. એમના બાપાએ મોટા છયે ભાઈઓને એક-એક ભેંસ અને વેંતિયાને પાડો આપ્યો. છયે ભાઈઓએ વિચાર કર્યો કે ‘આપણે તો ખેતી કરીએ છીએ. નાનાથી ખેતી થાય એમ નથી. તો એને ભેેંસો ચારવા મોકલીએ.’ નાનાને કીધું, ‘તું અમારી ભેંસો ચારવા લઈ જા અને અમે તારી જમીન વાવીશું.’ વેંતિયાએ આ વાત કબૂલ રાખી. પછી તે છયે ભેંસો અને પાડાને રોજ ચરાવવા જાય. થોડા દિવસ પછી એ કંટાળ્યો. એટલે એણે એક ઉપાય કર્યો. નાની-પાતળી સળીઓનો ટોપલો બનાવી તે ભેંસોને પહેરાવી દીધો. પછી ભેંસો આખો દિ પાણીમાં તર્યા કરે ને પાડો છે તે કાંઠે-કાંઠે ચર્યા કરે.
પેલા છયે ભાઈઓ વિચારે કે આપણી ભેંસો રોજ ચરવા જાય છે, ઘરે ખાણ ખાય છે તોય દૂબળી કેમ પડતી જાય છે? આથી તેમણે વેંતિયાની પાછળ-પાછળ નદી પર જઈને તે શું કરે છે તે જોવાનું નક્કી કર્યું. ત્યાં જોયું તો છયે ભેંસોને ટોપલા પહેરાવીને પાણીમાં નાખી દીધેલી છે ને પાડો તો કાંઠે-કાંઠે ચરીને અલમસ્તાન બન્યો છે. પછી ઘેર આવીને છયે જણા વેંતિયાને કહે, ‘અલ્યા, તેં આ શું કર્યું? વેંતિયો કહે, ‘જુઓ ભાઈ, આ ભેંસો ઘેર ખાણ ખાય, ચાર ખાય, વગડામાં જે મળે તે ખાય, પછી સાંજ પડે ત્યાં મરી ન જાય! એટલે મેં એને ટોપલા પહેરાવી દીધા!’ પછી છયે ભાઈઓએ મળીને વેંતિયાના પાડાને મારી નાખ્યો ને ભેંસોને લઈ જતા રહ્યા.
હવે વેંતિયાએ ચમારને બોલાવીને પાડાનું ચામડું ઉતરાવ્યું ને તે લઈને વેચવા નીકળ્યો. રસ્તામાં ખાખરાનું ઝાડ આવ્યું. તેના પર ચડી ગયો. એ જ વખતે કેટલાક ભીલ ચોરી કરીને આવતા હતા. ને માલનો ભાગ પાડવા ત્યાં બેઠા. એક ભીલ કહે કે ‘જો વેચણીમાં દગો કરવો નહીં. જે દગો કરશે તેના પર કડકડતી વીજળી પડશે.’ એ સાંભળીને વેંતિયાએ કડકડતી વીજળી એટલે કે ચામડું નીચે નાખ્યું. ખડખડ અવાજ આવ્યો, એથી પેલા ભીલ ડરના માર્યા માલ-મિલકત મૂકીને ભાગ્યા. વેંતિયો બધો માલ લઈને ઘેર આવ્યો.
ઘેર આવીને કહે, ‘જા છોકરા, મોટા બાપાને કહે કે’ ત્રાજવું ને વજનિયાં આપો. મારા બાપા ચામડાના પૈસા લાવ્યા છે તે જોખવા છે.’ છોકરાએ જઈને વાત કરી તો તેને પૂછ્યું કે ‘કેટલા પૈસા ઊપજ્યા છે તે ત્રાજવે જોખવા છે?’ છોકરાએ ફરી ત્રાજવાં માગ્યાં. હવે મોટા ભાઈએ ત્રાજવાં આપ્યાં ને જોવા આવ્યા. કહે કે, ‘આ પૈસા ચામડાના છે?’ વેંતિયો કહે, ‘ભાઈ, ત્યાં તો તાપના લીધે ઉનાળામાં લોકોના પગ બળે છે. ચામડું ત્યાં મળતું નથી. ભેંસનું ચામડું હોય તો તો શી વાત કરવી?’
ભાઈઓએ વિચાર કર્યો કે માળી વાત તો સાચી, એમણે પોતાની છયે છ ભેંસો મારી નાખી. તેનું ચામડું લઈને વેચવા નીકળ્યા. પણ ચામડું ખરીદે કોણ? કોઈને રૂપિયામાં વેચ્યું તો કોઈને બે રૂપિયામાં. એમ ચામડું વેચીને પાછા ફરતાં નક્કી કર્યું કે નાનો આપણને છેતરે છે એટલે આ વખતે એની ઝૂંપડી બાળી નાંખીએ.
આ બાજુ વેંતિયાને આ વાતની ખબર પડી ગઈ એટલે બધો માલ-સામાન લઈને એ ડુંગર પર ચડી ગયો. રાત્રે તેના ભાઈઓએ ઝૂંપડી બાળી નાંખી. આગ ઠંડી પડી એટલે વેંતિયાએ રાખ ભેગી કરીને તે પોઠ પર નાંખીને વેચવા નીકળ્યો. એ જ વખતે એક ડોસી પોઠિયા પર કસ્તૂરી નાખીને સામેથી આવી રહી હતી. તેનો પોઠિયો થાકી ગયો હતો એટલે તેણે પૂછ્યું, ‘તારા સામાનમાં શું છે?’ તો વેંતિયો કહે, ‘સાચી કસ્તૂરી ભરેલી છે.’ ડોસી કહે, ‘હું થાકી ગઈ છું તો મને તારા પોઠિયા પર બેસાડ.’ વેંતિયો કહે, ‘બેસાડું ખરો પણ એક શરત. જો તું રસ્તામાં પાદે ને કસ્તૂરી ઊડે તો તારો પોઠિયો લઈને હું જતો રહું.’ ડોસીએ મંજૂર રાખ્યું. ડોસી પોઠિયા પર બેઠી. ને ખરેખર એ રસ્તામાં પાદી એટલે રાખ ઊડી. તરત શરત પ્રમાણે વેંતિયો ડોસીનો પોઠિયો અને કસ્તૂરી લઈને રવાના થઈ ગયો.
ઘેર જઈને છોકરાને કહે, ‘મોટા બાપાને કે’ ત્રાજવાં ને વજનિયાં આપો. કસ્તૂરી જોખવી છે!’ ભાઈ વિચારે કે આ આટલી બધી કસ્તૂરી ક્યાંથી લાવ્યો! વેંતિયાને પૂછ્યું, ‘શું છે આ?’ વેંતિયો કહે, ‘દૂર દેશના લોકોની પાસે જે અનાજ છે તે સડી જાય છે. એને સાચવવા ક્યાંય રાખ મળતી નથી. આ તો મારું ઝૂંપડું બળી ગયું હતું તેેની રાખ મેં વેચી. તમારે તો બંગલા છે. તેની રાખ લઈને જાવ તો તો રૂપિયા જ રૂપિયા થાય એના.’
પછી છયે ભાઈઓએ પોતાના બંગલા બાળી નાખ્યા. તેમની સ્ત્રીઓએ ઘણી ના પાડી તો પણ.
હવે કેટલાક ઠગે વેંતિયાને ઠગવાનો વિચાર કર્યો. વેંતિયાને પણ લાગ્યું કે ઠગો મને ઠગ્યા વગર રહેવાના નથી. તેણે એક ઉપાય કર્યો. જંગલમાં જઈને બે સસલાં લઈ આવ્યો. એક સસલું ઘરમાં બાંધ્યું ને એક બહારના બારણે. ઠગ આવ્યા એટલે વેંતિયાએ એમને આવકાર્યા ને ‘આવો મામા!’ એમ કીધું. મામા કીધા એટલે ઠગાય નહીં. બીજે દિવસે વેંતિયો એની પત્નીને કહે: ‘એક સસલાને લઈને હું જાઉં છું. બીજું સસલું તું ઘરમાં રાખજે ને રાત પડે ખાટલા પાથરીને બધા માટે સૂવાની તૈયારી કરજે.’ પછી એણે ઠગોને કહ્યું, ‘આજે મારી જમીન જોવા જઈએ.’ વેંતિયાની સાથે એક સસલાને જોઈ એક ઠગે પૂછ્યું, ‘આ સસલું કેમ સાથે રાખ્યું છે, વેંતિયાભાઈ?’ વેંતિયો કહે. ‘હું એકલો જ છું. મારા બેય છોકરાં નાના છે. સમયસર ઘેર ન જઉં તો સસલાને મોકલીને ઘેર બધી તૈયારી કરવાનું કહી દઉં.’ પછી સસલાને કહે, ‘ઘેર જા અને કહેજે કે હૂકો ભરી રાખે ને રસોઈ તૈયાર કરી રાખે.’ તેણે સસલાને છુટ્ટું મૂકી દીધું. સસલું તો ડુંગર પર આમતેમ થઈને ક્યાંક જતું રહ્યું. પણ ઘરના બારણે જે સસલું બાંધેલું તે એમ જ હતું. ઠગ ઘેર આવ્યા તો સસલાને જોઈને કહે, ‘કહેવું પડે. ભાણાભાઈ, ગમે તે થાય પણ આ સસલું અમને આપો.’ વેંતિયાએ ઘસીને ના પાડી. કહ્યું, ‘સસલાની વાત નહીં કરતા.’ ઠગોએ બદલામાં સાતસો રૂપિયા આપતાં વેંતિયાએ ઠગોને સસલું આપી દીધું.
સસલું લઈને ઠગ ગયા ને વેંતિયાને મહેમાન થવાનું આમંત્રણ આપતા ગયા. એક દિવસ વેંતિયો એમને ત્યાં ગયો. ઠગે ઘેર કોઈ વાત કરી નહીં. કોઈ સૂચના આપી નહીં. સીધું જ વેંતિયાને કહે, ‘ચાલો ભાણાભાઈ, આપણે વાડો જોવા જઈએ.’ સસલાને સાથે લીધું. બધા વાડો જોવા ગયા. સાંજ થઈ એટલે સસલાને ઠગોએ ઘેર જઈને રસોઈ બનાવવાનું કહેવરાવ્યું. વેંતિયાને ખબર જ હતી કે સસલું અહીંથી બારોબાર જતું રહેવાનું છે. ને ખરેખર જ સસલું આમતેમ જોઈ રવાના થઈ ગયું.
ઘેર આવીને ઠગોએ પૂછ્યું કે ‘સસલું આવ્યું હતું?’ તો જવાબ મળ્યો કે ‘અહીં તો સસલું કેવું ને કોઈ કેવું?’ એટલે તેમણે વેંતિયાને કીધું કે ‘ભાણાભાઈ, સસલું તો અહીં આવ્યું નહીં.’ વેેેંતિયો કહે, ‘અરે મામા! તમે તેના કાન ફૂંક્યા’તાં? તો કહે ‘ના.’ તો સસલું ઘેર કેમ આવી શકે?’ એવી રીતે વાત વાળીને વેંતિયો ઘેર જતો રહ્યો. ફરી બધા ઠગે વેંતિયાને મારી નાખવાનો વિચાર કર્યો. વેંતિયો સૂતો હતો અને ઠગ આવ્યા. વેંતિયાએ ‘મામા’ કહીને આવકાર આપ્યો. મામા કીધાં એટલે તરત તો કંઈ ન કર્યું. વેંતિયાએ ખાટલા નીચે એક લાકડી મૂકી રાખેલી. પોતાની બૈરીને સમજાવી દીધેલી કે બે-ચાર લાત મારું તો મરી જાય તેમ પડી જવાનું ને આ લાકડી લઈને એક, બે, ત્રણ બોલું એટલે જીવતું થવાનું. ઠગને કહે, ‘ચાલો વાડામાં જઈએ.’ વાડો જોઈને ઘેર આવ્યા. પછી પત્નીને હુકમ કરતાં કહે, ‘પાણી ઊનું કર્યું છે?’ બૈરી કહે, ‘રોજ તમારે તો મહેમાન આવીને ઊભા હોય તે હું કાંઈ કામ કરવા નવરી છું? મારાથી કોઈ કામ નહીં થાય.’ એટલે વેંતિયાએ તેને બે-ચાર લાતો મારી. ઠગને લાગ્ગયું કે બૈરી મરી ગઈ એટલે એ ગભરાઈને બહાર નીકળી ગયા. વેંતિયો કહે, ‘મામા, ગભરાવ નહીં. આને તો હું રોજ મારી નાખું છું ને રોજ જીવતી કરું છું.’ પછી તાકામાંથી લાકડી લઈને એક, બે, ત્રણ બોલ્યો એટલામાં તેની બૈરી આળસ મરડીને બેઠી થઈ. ઠગ કહે, ‘આ ખરું ભાણાભાઈ, આ લાકડી અમને આપી દો.’ વેંતિયો કહે, ‘લાકડીની વાત કરવાની નહીં. મારે રોજ મારી બૈરીને મારવી પડે છે ને આ લાકડી જ એને જીવતી કરે છે.’ છેવટે વેંતિયાએ સાતસો રૂપિયામાં લાકડી આપી દીધી. લાકડી લઈને ભાણાભાઈને ઘેર આવવાનું આમંત્રણ આપીને ઠગ ઘેર આવ્યા. થોડા દિવસ પછી વેંતિયો ઠગના ઘેર ગયો. રાતે બધા સાથે વાડો જોવા ગયા. ત્યાંથી ઘરે પાછા આવ્યા. આવીને જુએ તો બધાએ પોતાની પત્નીઓને મારી નાંખેલી, તેમનાં શબ ત્યાં પડ્યાં હતાં.
વેંતિયાને તો ખબર જ હતી કે હવે આ સાતેય જણા રાંડ્યા છે. પહેલો ઠગ કહે કે ચિંતા કરવાની જરૂર નથી. હમણાં લાકડીથી જીવતી કરી દઈએ. બીજો એક, બે, ત્રણ બોલ્યો પણ કોઈ શબ હાલ્યું નહીં. ત્રીજો કહે, ‘લાવ મારી પાસે. તને કાંઈ આવડતું નથી.’ તેણે પ્રયત્ન કર્યો પણ કોઈ ઊભું થયું નહીં. ભાણાભાઈને પૂછ્યું, ‘કેમ કોઈ જીવતું થતું નથી?’ ભાણાભાઈ કહે ‘તમે લાકડી ક્યાં મૂકી હતી?’ તો કહે, ‘અહીં નીચે.’
એટલે વેંતિયો કહે, ‘એમ ન મુકાય. મેં તમારા દેખતાં તાકામાંથી કાઢી હતી. તમે ધૂપ પણ નહીં કર્યો હોય. એટલે હવે તમે રાંડ્યા. તમારી પત્નીઓ મરી ગઈ.’
આ સાંભળીને બધા ઠગને ગુસ્સો આવ્યો. વેંતિયાને ઊંઘતો જ બાંધી દેવાનું નક્કી કર્યું. વેંતિયો ઊંઘતો હતો ત્યાં જઈને તેને ખાટલા સાથે જ બાંધી દીધો. ‘હવે વાવમાં નાંખી દઈએ તો જિંદગીમાં ક્યારેય પાછો ન આવે અને પછી એની બધી માલમિલકત આપણે લઈ લઈએ.’ આમ વિચારીને વેંતિયાને જંગલમાં લઈ ગયા. ખાટલા સાથે બાંધેલો એટલે હલીચલી શકાય નહીં. ઓછા વજનથી ખાટલો વાવમાં ડૂબે નહીં એટલે વજન વધારવા ખાટલા સાથે પથ્થર બાંધવાનું નક્કી કર્યું ને એ માટે મોટા મોટા પથ્થર ગોતવા ગયા. ખાટલો ત્યાં એક બાજુ મૂક્યો. એટલામાં દૂરથી એક રબારી ત્રણસો ચારસો સાંઢો લઈને આવતો દેખાયો. એને જોઈને વેંતિયાએ રડવાનું ચાલુ કર્યું. ને બબડવા માંડ્યો. ‘મારે પરણવું નથી તોય મારા ભાઈઓ મને પરણાવે છે. હું જેટલી વાર પરણ્યો એટલી વાર મારી બૈરી મરી ગઈ.’ રબારીએ આ વાત સાંભળી. તેણે પૂછ્યું, ‘શું થયું છે ભાઈ?’ વેંતિયો કહે, ‘મારા ભાઈઓએ મને સાત વાર પરણાવ્યો પણ એકેય વાર મારી બૈરી જીવતી રહી નહીં. ફ્રી વખત મને પરણાવે છે. મારે શું કરવું?’ રબારીએ આમતેમ જોયું પછી કહે, ‘અહીં તો કોઈ દેખાતું નથી.’ વેંતિયો કહે, ‘મારા ભાઈઓ કન્યા શોધવા ગયા છે. હું નાસી ન જઉ એટલે મને બાંધી દીધો છે.’ રબારી કહે, ‘હું વાંઢો છું.’ વેંતિયો કહે, ‘જો તારે પરણવું હોય તો મને છોડ. હમણાં એ બધાં આવી જશે. પછી એ કહે એમ તારે કરવાનું. કાંઈ બોલવાનું નહીં.’ રબારીને તો આ જ જોઈતું’તું. તેણે વેંતિયાને છોડ્યો. વેંતિયાએ રબારીને ખાટલા સાથે બાંધી દીધો. ને બધી સાંઢો લઈને નીકળી ગયો. થોડી વારમાં પેલા ભાઈઓ આવ્યા ને કાંઈ પણ જોયા વિના ખાટલાના પાયે પથ્થર બાંધીને ખાટલો વાવમાં નાખી દીધો.
ઘેર જઈને જુએ છે તો તો વેંતિયો બેઠો બેઠો હૂકો પીએ છે! સાથે ડેંકારતી સાંઢોય બેઠી છે. બધાં ભાઈઓ વિચારે કે આને વાવમાં નાખ્યો તોય અહીં સાંઢો લઈને કેવી રીતે બેઠો? તેમણે વેંતિયાને આ અંગે પૂછ્યું. વેંતિયો કહે ‘શું વાત કરું મામા? નાખ્યો નાખ્યો ને વાવની વચમાં કેમ ન નાખ્યો? હું તો આટલી જ સાંઢો લાવી શક્યો છું. હજી બીજી તો કેટલીયે ત્યાં છે.’ બધા કહે, ‘વેંતિયા, અમારેય સાંઢો લાવવી છે.’ વેંતિયો કહે, ‘ચાલો, ઘંટીના પડ લાવો.’ બધા પોતપોતાના ઘરેથી ઘંટીનાં પડ લાવ્યા ને ઊભા રહ્યા. વેંતિયાએ વિચાર્યું કે જો એક પછી એક વાવમાં પડશે તો એક બહાર નહીં નીકળે ત્યાં સુધી બીજો અંદર નહીં પડે. માટે એણે સાતેયને એકસાથે ઊભા રાખી ઘંટીઓનાં પડ બરાબર સાથે બાંધીને, એક, બે, ત્રણ બોલાય પછી સૌએ એક સાથે પડવું તેમ સૂચના આપી. આમ, બધાંય એકસાથે વાવમાં પડ્યા ને સૌના રામ રમી ગયા.