ભારતીય કથાવિશ્વ૧/અન્ય ઋચાઓ
કૂવામાં પડેલા ત્રિતે પોતાની સુરક્ષા માટે દેવોની પ્રાર્થના કરી; બૃહસ્પતિએ તે સાંભળી, કષ્ટોથી મુક્ત થવા વિસ્તૃત માર્ગ બનાવ્યો; હે દ્યાવા પૃથિવી, મારી પ્રાર્થના સાંભળો. (ઋગ્વેદ ૧.૧૦૫.૧૭)
હે રુદ્ર, અમારા વૃદ્ધોનો સંહાર ન કરો, અમારાં બાળકોની હિંસા ન કરો. અમારા યુવાનોની હિંસા ન કરો. વૃદ્ધંગિતની હિંસા ન કરો. અમારાં પ્રિય શરીરોને કષ્ટ ન આપો. (ઋગ્વેદ ૧.૧૧૪.૭)
અમારા પિતૃઓ અંગિરાએ મંત્ર દ્વારા મોટા-સુદૃઢ પર્વતનો નાશ કર્યો, (અન્ધકારનો નાશ કર્યો), મહાન આકાશમાર્ગને અમારા માટે સર્જ્યો, સૂર્ય અને દિવસને અમે મેળવ્યાં. (ઋગ્વેદ ૧.૭૧.૨)
મરુતગણોએ જળાશયનાં પાણીને વળાંક આપીને વાળ્યું અને તરસે મરતા ગૌતમ ઋષિના જલકુંડમાં વહેવડાવ્યું. આમ કરીને તેજસ્વી વીરો સંરક્ષક શક્તિઓ લઈને આવ્યા અને જ્ઞાની ગૌતમને તૃપ્ત કર્યા. (ઋગ્વેદ ૧.૮૫.૧૧)
હે અગ્નિ, સોમ, પણિઓ પાસેથી ગાયોનું હરણ કર્યું ત્યારે તમારું પરાક્રમ પ્રગટ કર્યું, વૃસયના શેષ અનુચરોને વિખેર્યા, સૂર્યની જ્યોતિ બધા માટે પ્રાપ્ત કરી. (ઋગ્વેદ ૧.૯૩.૪)
સોમને બાજપક્ષી પર્વતશિખર પરથી ઉખેડી લાવ્યું. (ઋગ્વેદ ૧.૯૩.૬)
જળમાં અગ્નિ છે.(ઋગ્વેદ ૧.૯૫.૫)
વસિષ્ઠપુત્રોએ સિંધુ પાર કરી, પ્રસિદ્ધ દાશરાજ યુદ્ધમાં સુદાસનું રક્ષણ કર્યું. (ઋગ્વેદ ૭.૩૩.૩)
તૃષ્ણવંશીઓથી ઘેરાયેલા વસિષ્ઠોએ દાશરાજયુદ્ધમાં ઇન્દ્રને સાદ કર્યો. (ઋગ્વેદ ૭.૩૩.૫)
વસિષ્ઠ ઉર્વશીથી સર્જાયા. (ઋગ્વેદ ૭.૩૩.૧૧)
નિશ્ચયપૂર્વક રાત્રે અને દિવસે જ્ઞાનીઓએ મને કહ્યું હતું. મારા હૃદયમાં વસતા જ્ઞાને પણ કહ્યું હતું કે બન્ધનાવસ્થામાં શુન:શેપે જે વરુણની પ્રાર્થના કરી હતી તે રાજા વરુણ અમને સૌને મુક્તિ આપે. (ઋગ્વેદ ૧.૨૪.૧૩) ત્રણ થાંભલે બંધાયેલા શુન:શેપે પ્રાર્થના કરી કે આદિત્ય (અદિતિપુત્ર) વરુણ આના પાશ ખોલી દે અને એને મુક્ત કરે. (ઋગ્વેદ ૧.૨૪.૧૩)
ઋષિએ અગ્નિદેવની સ્તુતિ કરી એટલે સારી રીતે બંધાયેલા શુન:શેપને હજારો યુપોથી છોડાવ્યો. (ઋગ્વેદ ૫.૨.૭)
કદી ન છુપાનાર સૂર્યનું કીતિર્ગાન કરતા હે ઋભુઓ તમે ત્યાં ગયા ત્યારે સવિતાએ તમને અમરત્વ આપ્યું. જીવનશક્તિદાતા સૂર્યે ભક્ષણ માટેનું ચમસપાત્ર બનાવ્યું. (ઋગ્વેદ ૧.૧૧૦.૩)
બળયુક્ત ઋભુ નવયુવાન જ દેખાય છે. (ઋગ્વેદ ૧.૧૧૭.૭)
હે ઋભુદેવો, માત્ર ચામડું જ બાકી રહી ગયેલી એવી કૃશ ગાયને ફરી સુન્દર, પુષ્ટ બનાવી, તેને વાછરડા સાથે જોડી. હે સુધન્વાપુત્રો, પ્રયત્નપૂર્વક અતિ વૃદ્ધ માતાપિતાને યુવાન બનાવ્યા. (ઋગ્વેદ ૧.૧૧૦.૮)
હે બ્રહ્મણસ્પતે, સોમયાગ કરનારાઓની ઉત્તમ પ્રગતિ કરો. જેવી રીતે ઉશીકપુત્ર કક્ષીવાનને સમૃદ્વ કર્યો હતો તેમ આને પણ કરો. (ઋગ્વેદ ૧.૧૧.૧)
હે અગ્નિ, દેવતાઓએ સૌપ્રથમ તને આયુષ્ય આપ્યું, ત્યાર પછી માનવો માટે રાજાનું નિર્માણ કર્યું, પછી મનુષ્યો માટે ઇળા-ધર્મનીતિ સર્જી. જેવી રીતે પિતા પુત્રને જન્મ આપે છે એવી રીતે રાજા પ્રજાને પાળેપોષે. (ઋગ્વેદ ૧.૩૧.૧૧)
હે ઇન્દ્ર, અત્યન્ત સામર્થ્યવાન શત્રુઓનો વિનાશ કરવાવાળા અને ધન આણનારા વીર મરુત્ગણોની સહાયથી ગુફામાં સંતાડેલી ગાયોને શોધી કાઢી. (ઋગ્વેદ ૧.૬.૫)
હે અદ્રિવ(પર્વત પર રહેનારા) ઇન્દ્ર, ગાયોનું હરણ કરનારા વલ નામના અસુરની ગુફાનું દ્વાર તમે ખોલ્યું, તે સમયે દુ:ખી દેવતાઓ નિર્ભય થઈને તમારી પાસે આશ્રય લેવા આવ્યા. (૧.૧૧.૫) અસ્તિત્વ કે અનસ્તિત્વ ત્યારે નહોતું. ભૂલોક રજલોક નહોતો. એની પારનું વ્યોમ નહોતું, બધાંને આચ્છાદિત કરનાર કશું નહોતું. કોણ ક્યાં હતાં? કોના રક્ષણ હેઠળ? ગંભીર અને ગહન જલનું પણ અસ્તિત્વ નહોતું. મૃત્યુ ન હતું, અમૃત ન હતું, દિવસ અને રાત્રિનો પણ કોઈ સંકેત નહોતો. વાત-વાયુ વિના જ પોતાની રીતે ટકી રહેનાર બ્રહ્મ હતું. એ સિવાય કંઈ કરતાં કંઈ નહીં. આરંભે અંધકાર અંધકારથી વ્યાપ્ત હતો, કોઈ પણ ભેદક વિના નર્યું જળ જ હતું. તુચ્છ જળથી બધું ઢંકાયેલું હતું ત્યારે તપના પ્રભાવથી એક માત્ર અવિનાશી તત્ત્વ પ્રગટ્યું. આરંભે ચિત્તમાં પ્રથમ બીજ ઇચ્છા પ્રગટી, મેધાવી જ્ઞાનીજનોએ જ્ઞાનની શોધ ચલાવી, અસત્માં સત્ તત્વ નિહાળ્યું. તેમનો પ્રકાશ વિસ્તર્યો, અસ્તિત્વ અન્અસ્તિત્વનો વિસ્તર્યો... કદાચ ઉપર, કદાચ નીચે સામર્થ્ય હતું, ઉપર પ્રયતિ... કોણ જાણે છે? કોણ કહેશે કે આ સૃષ્ટિ ક્યાંથી, કેવી રીતે પ્રગટી? દેવો તો આ સૃષ્ટિ પ્રગટી પછી જ પ્રગટ્યા! તો પછી ઉત્પન્ન થયેલી સૃષ્ટિનું રહસ્ય કોણ જાણે છે? આ સૃષ્ટિ જેમાંથી સર્જાઈ તે એને ધારણ કરે છે કે નહીં? એ તો પરમ વ્યોમમાંથી જે આને નિહાળે છે તે જ જાણે છે, કે પછી એ પણ નથી જાણતો? (ઋગ્વેદ ૧૦, ૧૨૯)