ભારતીય કથાવિશ્વ૧/અશ્વિનીકુમારોને લગતી ઋચાઓ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અશ્વિનીકુમારોને લગતી ઋચાઓ

તમે બંને તુગ્ર દ્વારા પૂજનીય તો હતા જ, તેમના પુત્ર ભુજ્યુને અતાગ સમુદ્રમાંથી પક્ષી જેવા ઊડતા યાન વડે શીઘ્ર ગતિવાળા અશ્વો વડે બરાબર ઊંચકીને તેને ઘેર પહોંચાડ્યો. (ઋગ્વેદ ૧.૧૧૭. ૧૪)

સમુદ્રયાત્રા કરવા મોકલેલા તુગ્રનો પુત્ર હાનિ વિના પહોંચી ગયો. જ્યારે તેણે તમને સહાય માટે બોલાવ્યા ત્યારે મનોવેગી અને સારી રીતે જોડેલા રથ વડે પિતાને ઘેર પહોંચાડ્યો. (ઋગ્વેદ ૧.૧૧૭.૧૫)

વતિર્કા (ચકલી?)એ સાદ કર્યો અને તમે એને વરુના મોંમાંથી મુક્ત કરી. પર્વત શિખર વિજયી રથ દ્વારા ઓળંગીને નીકળી ગયા અને વિષ વડે ચારે બાજુ સંચાર કરનારા શત્રુઓને મારી નાખ્યા. (ઋગ્વેદ ૧.૧૧૭. ૧૬)

વૃકી (વરુ)ને સો ઘેટાં ઋજાશ્વે આપ્યાં એટલે અહિતકારી પિતાએ તેને આંધળો બનાવી દીધો, તમે એને દૃષ્ટિદાન આપ્યું, તેની આંખોનું પુનનિર્ર્માણ કર્યું. (ઋગ્વેદ ૧.૧૧૭.૧૭)

તે અન્ધની સુખપ્રાપ્તિ માટે વરુ પ્રાર્થના કરવા લાગી, જેવી રીતે યુવાન પ્રિયતમાને સર્વસ્વ આપે છે તેવી રીતે ઋજાશ્વે મને સો ઘેટાં આપી દીધાં હતાં. (ઋગ્વેદ ૧.૧૧૭.૧૮)

હે અશ્વિની દેવો, ગાભણી ન થનારી દૂબળી, દૂધ ન આપનારી ગાયોને તમે પુષ્ટ કરી. તમે પુરુમિત્રની પુત્રીને વિમદ સાથે પત્ની રૂપે સંપડાવી. (ઋગ્વેદ ૧.૧૧૭.૨૦)

હે શત્રુનાશી દેવો, અથર્વ વંશમાં ઉત્પન્ન થયેલા દધીચિ ઋષિ માટે ઘોડાનું મસ્તક એમના ધડ પર બેસાડ્યું, એ ઋષિએ યજ્ઞમાર્ગનો પ્રચાર કરતાં તમે બંનેને મધુવિદ્યા આપી. તમને બંનેને ઇન્દ્ર દ્વારા પ્રાપ્ત થયેલી મધુવિદ્યા તમને આપી. (ઋગ્વેદ ૧.૧૭.૨૨)

હે દાનેશ્વરી અશ્વિનીઓ, વધ્રીમતીના હાથમાં સુવર્ણ ધારણ કરનારો પુત્ર આપ્યો, જે શ્યાવ ત્રણ સ્થાને ખંડિત હતા તેમની ઉત્તમ સેવા કરી. (ઋગ્વેદ ૧.૧૧૭.૨૪)

સત્યપાલક દેવો, કુશળ કર્મોથી વન્દનને ઉપર ઉઠાવ્યો, રેભને ઊંચક્યો, તુગ્રના પુત્રને સમુદ્રપાર કરાવ્યો, ચ્યવાનને ફરી યુવાન બનાવ્યા. (ઋગ્વેદ ૧.૧૧૮.૬) ધીખતા કારાવાસગ્રસ્ત અગ્નિને શાન્ત કર્યા, સુખકારક અન્ન આપ્યું, અન્ધ કણ્વને દૃષ્ટિદાન આપ્યું. (ઋગ્વેદ ૧.૧૧૮.૭) (ઋગ્વેદ ૧.૧૧૯.૬)

સ્તુતિ કરનારા શયુને માટે ગાય પુષ્ટ કરી, વતિર્કાને વરુમુખમાંથી છોડાવી, વિશ્પલાની ભાંગેલી સાથળને સાજી કરી. (ઋગ્વેદ ૧.૧૧૮.૮)

સત્યવ્રતી અશ્વિની કૂવાના જળપ્રવાહને દૂર લઈ ગયા, એનું તળિયું ઊંચે આણ્યું, આડા માર્ગે જળ વહેવડાવ્યું, એ જળને તરસ્યા ગૌતમ સુધી પહોંચાડ્યું, હજારો પ્રકારની ધાન્યસંપત્તિ પણ મળે એ રીતે જળ વહેવડાવ્યું. (ઋગ્વેદ ૧.૧૧૬.૯)

શત્રુનાશક, સત્યનિષ્ઠ અશ્વિનીકુમારો, શરીરથી જીર્ણ ચ્યવાન ઋષિની વૃદ્ધ ત્વચા ઉતારી નાખી અને તેમને યુવાન બનાવ્યા. આયુષ્ય દીર્ઘ કર્યું અને સુંદર સ્ત્રીઓના પતિ પણ બનાવ્યા. (ઋગ્વેદ ૧.૧૧૬.૧૦)

વન્દનને ખાડામાંથી વહાર કાઢ્યો. (ઋગ્વેદ ૧.૧૧૬.૧૧)

હે અશ્વિનીકુમારો, અથર્વકુળમાં જન્મેલા દધીચી (દધ્યઙ્) ઋષિને અશ્વના મસ્તક દ્વારા જ તમને મધુવિદ્યાનો ઉપદેશ આપ્યો. (ઋગ્વેદ ૧.૧૧૬.૧૨)

હે અશ્વિનીકુમારો, દીર્ઘ યાત્રા કરતી વેળાએ એક બુદ્ધિમતી સંત્રીએ તમને આમન્ત્રણ આપ્યું હતું અને રાજાજ્ઞા ગણીને તમે તે સાંભળ્યું, તેને હિરણ્યહસ્ત નામનો પુત્ર આપ્યો. (ઋગ્વેદ ૧.૧૧૬.૧૩)

વરુના મોંમાંથી ચકલી છોડાવી (ઋગ્વેદ ૧.૧૧૬.૧૪) અને પ્રાર્થના કરતા કવિને દૃષ્ટિદાન કર્યું.

હે અશ્વિની દેવો, દુષ્ટ લોકોએ પાણીમાં ફંગોળી દીધેલા ઋષિ રેભ અત્યન્ત કૃશ થઈ ગયા હતા ત્યારે તમે ઔષધિઓ વડે ઘોડા જેવા હૃષ્ટપુષ્ટ બનાવી દીધા હતા, તમારાં આવાં કાર્ય જીર્ણ નથી થતાં. (ઋગ્વેદ ૧.૧૧૭.૪)

તમે બંનેએ સ્તુતિ કરનારા કૃષ્ણના પૌત્ર અને વિશ્વકર્માના પુત્ર વિષ્ણાપ્વને તેના પિતાના ઘરમાં પહોંચાડ્યો, પિતાના ઘરમાં જ વૃદ્ધ થયેલી ઘોષાને પતિ સંપડાવી આપ્યો. (ઋગ્વેદ ૧.૧૧૭.૭) હે અશ્વિની દેવો, જે શક્તિથી તમે વિમદની પત્નીઓને એમને ઘેર પહોંચાડી હતી, જેનાથી તમે અરુણ વર્ણની ઘોડીઓને પ્રશિક્ષિત કરી હતી, સુદાસના ઘરમાં પૂરતું ધન આપ્યું હતું, એ શક્તિઓ લઈને અહીં આવો. (ઋગ્વેદ ૧.૧૧૩. ૧૯)

હે અશ્વિની દેવો, જે શક્તિથી દાની મનુષ્યો માટે સુખકારક બનો છો, જેનાથી અધ્રિગુ અને ભુજ્યુની રક્ષા કરો છો, જેનાથી પુષ્ટિકારક અને સુખદાયક અન્નસામગ્રી ઋતુસ્તુભને આપી. એ શક્તિઓ લઈને આવો. (ઋગ્વેદ ૧.૧૧૩.૨૦)

હે અશ્વિની દેવો, જે સામર્થ્યથી કૃશાનુને સહાય કરો છો, યુવકના ઘોડાને વેગીલો બનાવો છો, મધમાખો માટે મધ ભેગું કરો છો, એ બધું લઈને આવી ચઢો. (ઋગ્વેદ ૧.૧૧૩.૨૧)

હે અશ્વિની દેવો, સેંકડો કાર્ય કરનારા, અર્જુનીના પુત્ર કુત્સ, તુર્વીતિ અને દભીતિને રક્ષ્યા, ધ્વસન્તિ અને પુરુષન્તિને રક્ષ્યા તે સામર્થ્ય લઈને અહીં આવો. (ઋગ્વેદ ૧.૧૧૩.૨૩)

અશ્વિની દેવો, સેનાની સાથે ચાલતા રથ પરથી નવયુવક વિમદને માટે તેની પત્નીને તમે ઘેર પહોંચાડી....(ઋગ્વેદ ૧.૧૧૬.૧)

અશ્વિની દેવો, જલમય અગાધ સમુદ્રમાં ત્રણ રાત્રિ, ત્રણ દિવસ સુધી સતતગતિ ક્રતા સૌ પૈંડાંવાળા, છ અશ્વથી જોડાયેલા પક્ષી જેમ ઊડનારા ત્રણ રથ વડે ભુજ્યુને આક્રમણ માટે લઈને નીકળ્યા. (ઋગ્વેદ ૧.૧૧૬.૪)

હે અશ્વિની, સ્થાન વગરના, આધાર વિનાના, હાથ વડે પકડાય નહીં એવા સમુદ્રમાં સો વલ્લીથી (સઢ?) ચાલતી નૌકા પર આરૂઢ ભુજ્યુને ઘેર પહોંચાડ્યો. (ઋગ્વેદ ૧.૧૧૭.૫)

હે અશ્વિની દેવો, અઘાશ્વ રાજાને શ્વેત અશ્વનું દાન કર્યું, તમારું દાન પ્રશંસનીય, પેદુને આપેલો ઘોડો પણ પ્રશંસાપાત્ર. (ઋગ્વેદ ૧.૧૧૭.૬)

હે અશ્વિની દેવો, સ્તુતિ કરનારા અને ઉચ્ચ કુળમાં જન્મેલા કક્ષીવાનને નગરરક્ષણની બુદ્ધિ અર્પી, બળવાન અશ્વની ખરી સમાન પાત્રમાં જળના સો ઘડા ભરી તૈયાર રાખ્યા. (ઋગ્વેદ ૧.૧૧૭.૭)

હે અશ્વિની દેવો, ભભૂકતા અગ્નિને હિમ વડે ઠાર્યો, અંધારા કારાગૃહમાં ઊંધા મોઢે પડેલા ઋષિ અત્રિને એમના સર્વ ગણ સમેત ઉપર લાવ્યા અને પુષ્ટિકારક, બળપ્રદ અન્ન આપ્યું. (ઋગ્વેદ ૧.૧૧૭.૮)

ત્રિત ઋષિએ યજ્ઞ કરીને પ્રાર્થના કરી, યજ્ઞમાં પરમ પિતાના અંત:કરણમાં રહીને જ, માતાપિતાની પાસે, સ્તુતિ કરતા વિપત્તિરક્ષક સાધનો મેળવે છે.

તે આપ્તના પુત્ર આપ્ત્યે-ત્રિતે પિતા પાસેથી શસ્ત્રો મેળવીને સંગ્રામ કર્યો. સાત કિરણોવાળા ત્રિશિરાનો વધ કર્યો, ત્રિતે ત્વષ્ટાના પુત્રની ગાયોનું હરણ કર્યુ.

અશ્વિની દેવો, તમે તુગ્ર પુત્ર ભુજ્યુની રક્ષા કરી. (ઋગ્વેદ ૬.૬૨.૬)

અશ્વિની દેવો, તમે ભુજ્યુને સમુદ્રમાંથી ઉગાર્યો. (ઋગ્વેદ ૭.૬૮.૭) (૮.૩.૨૩) (૮.૭૪.૧૪)

અશ્વિની દેવો, સમુદ્રમાં પડેલા ભુજ્યુનું રક્ષણ તમે કર્યું.

અશ્વિની દેવો, તુગ્રના પુત્ર ભુજ્યુની રક્ષા માટે તમે પોતાની શક્તિથી ગતિ કરનાર, પક્ષીની જેમ ઊડનાર નૌકા જેવાં વાહન બનાવ્યાં, મનવેગે મહાસાગરમાં જઈને ભુજ્યુને બચાવ્યો. (ઋગ્વેદ ૧.૧૮૨.૫)

અશ્વિની દેવો, સમુદ્રની વચ્ચે ફેંકાયેલા, આશ્રયરહિત અંધકારમાં તુગ્રના પુત્ર પાસે ચાર નૌકા પહોંચી અને એને ઉપર ઉઠાવી લીધો. (ઋગ્વેદ ૧.૧૮૨.૬)

જળની વચ્ચે એવું કયું વૃક્ષ હશે જ્યાં રથ સ્થિર રહ્યો હશે, પ્રાર્થના કરતા તુગ્રના પુત્ર ભુજ્યુએ તે વૃક્ષનો આશરો લીધો, ગબડી પડનાર હરણને જેમ પાંખો આવે એમ અશ્વિનીદેવોએ ભુજ્યુને ઊંચકી લીધો.

અશ્વિની દેવો, અદિતિએ ગર્ભમાં પોષણ કર્યું. (ઋગ્વેદ ૬.૬૭.૪)

અશ્વિની દેવો, તમે પુરુ રાજાના શત્રુનો વધ કર્યો. (ઋગ્વેદ ૭.૫.૩)

અશ્વિની દેવો, તમે હૃદય અર્પનાર, જીર્ણ ચ્યવનને યૌવન અર્પ્યું. (ઋગ્વેદ ૭.૬૮.૬) (૭.૭૧.૫)

અશ્વિની દેવો, પેદુને ઝડપી અશ્વ આપ્યો, અત્રિને અન્ધકારમુક્ત કર્યા, જાહુષને રાજ્ય આપ્યું. (ઋગ્વેદ ૭.૭૧.૫)

અશ્વિની દેવો, અત્રિની સ્તુતિ જેમ સાંભળી તેમ મારી — શ્યામાશ્વની — સાંભળો. (ઋગ્વેદ ૮.૩૬.૭) (૮.૩૭.૭)

વિશ્વકને વિષ્ણાપ્વ પુત્ર આપ્યો, વધિમતિને શ્યાવ પુત્ર આપ્યો, વિમદને પત્ની આપી. (ઋગ્વેદ ૧૦.૬૫.૧૨)

અશ્વિની દેવો, જેવી રીતે જૂના રથને નવો બનાવીએ છીએ એવી રીતે વૃદ્ધ વન્દનને તમે તરુણ બનાવ્યો. સ્તુતિથી પ્રસન્ન થઈને જ્ઞાનીને-વિપ્રને — ભૂમિમાંથી ઊગતા વૃક્ષની જેમ સર્જ્યો. (ઋગ્વેદ ૧.૧૧૯.૭)

અશ્વિની દેવો, તુગ્રે પોતાના જ પુત્રને ત્યજી દીધો હતો તે ભુજ્યુને દૂર દૂર જઈને પણ બચાવ્યો. (ઋગ્વેદ ૧.૧૧૯.૮)

અશ્વિની દેવો, ઉશિકના પુત્ર કક્ષીવાન્ તમને આમંત્રે છે, જેવી રીતે મધુમક્ષિકા ગુંજન કરે છે તેમ, દધીચિ ઋષિના મનને તમે આકષિર્ત કર્યું અને અશ્વમુખેથી તમને ઉપદેશ આપ્યો. (૧.૧૧૯.૯)

અશ્વિની દેવો, તમારા બંનેનો રથ પાર ઉતારનારો તૈયાર થયો — તુગ્રપુત્રને બચાવવા — ત્યારે સમુદ્રની વચ્ચે તમે સ્થિર કર્યો.

અશ્વિની દેવો, ઉચથ્યપુત્ર દીર્ઘતમા પ્રાર્થે છે- આ ગતિશીલ દિવસ-રાત મને નીચોવે નહીં, અગ્નિ મને ભસ્મીભૂત ન કરે, જેણે તમારા ભક્તને બાંધ્યો હતો તે જ અહીં ધરતી પર પડ્યો છે. (ઋગ્વેદ ૧.૧૫૮.૪)

અશ્વિની દેવો, જ્યારે ઉચથ્યપુત્ર દીર્ઘતમાને સારી રીતે બાંધી રાખ્યો અને નીચા મોઢે ફેંકી દીધો ત્યારે માતૃતુલ્ય નદીઓએ મને ડુબાડ્યો નહિ. જ્યારે મારા માથાને, છાતીને અને ખભા તોડવામાં આવ્યા ત્યારે મારી રક્ષા કરી. (ઋગ્વેદ ૧.૧૫૮.૫) અશ્વિની દેવો, હે સુધન્વાપુત્રો, તમે પ્રયત્નો વડે ત્વચાહીન(નિશ્ચર્મડ) ગાયને પુષ્ટ કરી, વૃદ્ધ માતાપિતાને તરુણ બનાવ્યા, એક ઘોડામાંથી બીજો ઘોડો સર્જ્યો, રથમાં તેમને જોડી દેવો પાસે ગયા. (ઋગ્વેદ ૧.૧૬૧.૭)

જેમણે ઇન્દ્ર માટે શબ્દસંકેતથી ચાલનારા, ચિત્તશક્તિથી સર્જ્યા તે ઋભુ દેવ શમી એટલે કે ચમસ વગેરે લઈને યજ્ઞમાં આવે છે. (ઋગ્વેદ ૨૦.૨)

તે દેવોએ અશ્વિનીકુમારો માટે અત્યન્ત સુખદ અને ગતિમાન રથનું નિર્માણ કર્યું, ગાયોને સરસ દૂધ આપનારી બનાવો.

સત્યમન્ત્રા અને ઋજુ (કોમળ) સ્વભાવવાળા અને સર્વવ્યાપી ઋભુઓએ માતાપિતાને ફરી યુવાન બનાવ્યા. (ઋગ્વેદ ૧.૨૦. ૨-૩-૪).

ત્વષ્ટા દ્વારા બનાવેલ એ નવું જ ચમસ હતું. ઋભુઓએ એને ચાર પ્રકારનો બનાવ્યો. વૃદ્ધ ચ્યવનની ત્વચા કવચની જેમ તમે ઉતારી નાખી અને તેમને યુવાન બનાવ્યા, વધૂ તેમની કામના કરે એવા બનાવ્યા. (ઋગ્વેદ ૫.૭૪.૫)

અશ્વિનીકુમારો, પુરુમિત્ર રાજાની શુન્ધ્યુવ નામક પુત્રીને રથ પર બેસાડીને એને પતિ વિમદને સોંપી હતી. તમે બંને વધ્રિમતિએ બોલાવ્યા એટલે યુદ્ધમાં આવ્યા હતા, તેની પ્રસવવેદનાને દૂર કરીને ઐશ્વર્ય આપ્યું.

અશ્વિની દેવો, તમે બંનેએ કલિ નામના બુદ્ધિમાન ઋષિને — વૃદ્ધને યૌવન અર્પ્યું, પત્નીવિરહથી દુ:ખી વંદન ઋષિને કૂવામાંથી બહાર કાઢ્યા હતા, એ જ રીતે અપંગ વિશ્પલાને લોખંડનો પગ બેસાડ્યો.

ઇચ્છિત ફળ આપનારા અશ્વિનીઓ, અસુરોએ ગુફામાં મરણતોલ સ્થિતિમાં રેભ ઋષિને મૂક્યા હતા, તમે એમને બચાવ્યા, અને સાત બંધનોથી બાંધેલા અત્રિ ઋષિને અગ્નિકુંડમાંથી નાખી દીધેલા, ત્યારે તમે જ એ અગ્નિને બુઝાવ્યો હતો.

તમે બંનેએ પેદુ નામના રાજાને શ્વેતવર્ણી અશ્વ અને નવ્વાણું અશ્વો આપ્યા, આ બધું શત્રુપક્ષને પરાજિત કરાવવા માટે હતું. એ અશ્વ શત્રુઓને ભગાડનારો, બોલાવ્યે તરત આવનારો, ઐશ્વર્ય પ્રદાન કરનારો હતો, તેનું તમે દાન કર્યું. હે અશ્વિનીકુમારો, તમારા માટે ઋભુઓએ રથ તૈયાર કર્યો, એ પ્રગટે એટલે તેજસ્વી આકાશની કન્યા ઉષા પ્રગટે, સૂર્યથી અત્યંત સુંદર રાત્રિ-દિવસ બની છે. એ મનોવેગી રથ પર બેસીને આવો.

શત્રુની ઘરડી ગાયને ફરી દૂધાળી બનાવો, તમે વરુુના મોંમાંથી વતિર્કાને છોડાવી હતી. (ઋગ્વેદ ૧૦.૩.૯.૭થી ૧૩)

અશ્વિની દેવોએ વાંઝણી ગાયોને પ્રજનનક્ષમ બનાવી. (ઋગ્વેદ ૧.૧૧૨.૩)

હે અશ્વિની દેવો, પૂરેપૂરા જળમાં ડુબાડેલા અને બાંધેલા રેભ અને વન્દનને પ્રકાશ દેખાડવા ઉપર ઉઠાવ્યા અને ભક્તિની ઇચ્છા ધરાવતા કણ્વને સુરક્ષિત રાખ્યા હતા એ બધાં સાધનો લઈને તમે આવો. (ઋગ્વેદ ૧.૧૧૨.૫)

હે અશ્વિની દેવો, ખાડામાં પડી ગયેલા અન્યકને તમે છોડાવ્યો હતો, જેવી રીતે ભુજ્યુને સુરક્ષિત કર્યો અને કર્કન્ધુ તથા વય્યની સંભાળ લીધી એ બધાં સાધનો લઈને તમે આવો. (ઋગ્વેદ ૧.૧૧૨.૬)

જે સાધનો વડે ધનનું વિતરણ કરતા શુચન્તિને નિવાસયોગ્ય સુન્દર ગૃહ આપ્યું અને ગરમ-તપેલા કારાગૃહને અત્રિ ઋષિ માટે શાન્ત કર્યું, પુશ્નિગુ અને પુરુકુત્સને બચાવ્યા એ બધાં સાધનો લઈને આવો. (ઋગ્વેદ ૧.૧૧૨.૭)

જે સામર્થ્યથી તમે ઋષિ પરાવૃજને, અન્ધને દૃષ્ટિ આપી, અપંગને ચાલવા યોગ્ય બનાવ્યો, વરુના મોંમાંથી ચકલીને છોડાવી — એ બધાં સંરક્ષણ-સાધનો લઈને આવો. (ઋગ્વેદ ૧.૧૧૨.૮)

હે અજર અશ્વિનીદેવો, મધુર જળથી ભરેલી નદીઓને તમે વહેવડાવી; વસિષ્ઠને તૃપ્ત કર્યા; કુત્સ, શ્રુતર્ય અને નર્યનું રક્ષણ કર્યું. એ બધાં સાધનો લઈને આવો. (ઋગ્વેદ ૧.૧૧૨.૯)

હે અશ્વિની કુમારો, જે યુદ્ધમાં હજારો સૈનિકો લડ્યા હોય તે યુદ્ધમાં અથર્વકુલોત્પન્ન વિશ્પલાનો સહયોગ કર્યો. પ્રેરણકર્તા તથા અશ્વના પુત્ર વશને સુરક્ષિત કર્યા. એ બધાં સાધન લઈને આવો. (ઋગ્વેદ ૧.૧૧૨.૧૦)

હે અશ્વિની દેવો, ઉશિકપુત્ર દીર્ઘશ્રવા વેપારી માટે મધના ઘડા ભર્યા, સ્તોત્રકર્તા કક્ષીવાનને સુરક્ષિત કર્યો. એ બધી શક્તિઓ સમેત આવો. (ઋગ્વેદ ૧.૧૧૨.૧૧) હે અશ્વિની દેવો, જે સામર્થ્યથી નદીઓના તટને કચડી નાખનારા જળભંડારોથી સંપન્ન કર્યા, ઘોડા વગરના રથને ચલાવ્યા, ત્રિશોક ગાયો પ્રાપ્ત કરી શક્યો તે બધી શક્તિઓને લઈને આવો. (ઋગ્વેદ ૧.૧૧૨.૧૨)

ભરદ્વાજને બચાવ્યા. (ઋગ્વેદ ૧.૧૧૨.૧૩)

શત્રુનગરો ધ્વસ્ત કરતા સંગ્રામમાં ત્રસદસ્યુ રાજાને સુરક્ષિત કર્યા એ બધું લઈને આવો. (ઋગ્વેદ ૧.૧૧૨.૧૪)

શમ્બરનો વધ જ્યાં થયો તે યુદ્ધમાં અતિથિગ્વ, કશોજુવ, મહાન દિવોદાસને સંરક્ષ્યા, જે સામર્થ્યથી સોમરસ પીનારા અને નજીક રહેલા લોકો દ્વારા પ્રશંસનાર વમ્ર ઋષિને રક્ષ્યા, વિવાહિત કલિ(અર્થાત્ પતિપત્ની)ની રક્ષા કરી. અશ્વહીન પૃથિની રક્ષા કરી, તે સર્વને લઈને આવો. (ઋગ્વેદ ૧.૧૧૨.૧૫)

જે શક્તિથી સંયુને સહયોગ આપવા, અત્રિ ઋષિને કારાગારથી મુક્ત કર્યા, જેનાથી મનુને પુરાતન કાળે દુ:ખનિવૃત્ત્અ થવાનો માર્ગ બતાવ્યો; બાણોનો પ્રહાર કરીને સ્યૂન રશ્મિની રક્ષા કરી. એ બધું લઈને આવો. (ઋગ્વેદ ૧.૧૧૨.૧૬)

હે અશ્વિની દેવો, પ્રજ્વલિત અને સમિધ નાખવાથી વૃદ્ધિ પામતા અગ્નિતુલ્ય દેવો, પડર્વા રાજા સાથેના યુદ્ધમાં તમે બંનેએ શર્યાતની રક્ષા કરી, એવી જ રીતે તમે અહીં આવો. (ઋગ્વેદ ૧.૧૧૨.૧૭)