ભારતીય કથાવિશ્વ૧/ઇતિહાસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ભારતીય ઇતિહાસ અને પ્રાચીન કાવ્યો


હવે આપણે ભારતીય ઇતિહાસ અને પ્રાચીન કાવ્યો વચ્ચેનો સંબંધ જોઈએ. ગુજરાતી ભાષાના કે કોઈ પણ ભારતીય ભાષાના સ્નાતકને કે અનુસ્નાતકને એટલું તો ભણાવવામાં આવે છે કે એક સમયે ઇન્ડોયુરોપીઅન ભાષાકુળ હતું, તેમાંથી ક્રમેક્રમે ઇન્ડોઇરાનીઅન અને ઇન્ડોઆર્યન ભાષાઓ વિકસી. ઇરાનના વતનીઓ(પારસીઓ સંજાણ બંદરે ઊતર્યા તે વેળાના), આર્યો, અફઘાનો, કાશ્મીરી પંડિતો વગેરે પ્રજાઓમાં નૃવંશશાસ્ત્રીય સામ્ય જોઈ શકાય. વિલિયમ જોન્સે સંસ્કૃત ભાષાનો અભ્યાસ કર્યો અને ત્યાર પછી સંસ્કૃત અને કેટલીક યુરોપીય ભાષાઓનું સાદૃશ્ય પ્રકાશિત થતું ગયું. મેક્સમૂલર વગેરેને કારણે વૈદિક સાહિત્યનો પરિચય દુનિયાને થયો. વળી સંસ્કૃત ભાષામાં જોવા મળતી એક ચોક્કસ વ્યવસ્થા દુનિયાની બહુ ઓછી ભાષાઓમાં જોવા મળે છે તેનો ખ્યાલ વિદ્વાનોને આવ્યો. વીસમી સદીમાં ફૂલેલાફાલેલા ભાષાવૈજ્ઞાનિક અભિગમના એક મહત્ત્વના પ્રવક્તા ફદિર્નાન્દ સોસ્યૂર સુધ્ધાં સંસ્કૃત ભાષાની શાસ્ત્રીયતાથી બહુ પ્રભાવિત થયા હતા એવું કહેવાય છે. યુરોપના, ખાસ કરીને બ્રિટનના સામ્રાજ્યવાદી વલણને કારણે ભારતીય કળા, સાહિત્યની નાલેશી પણ પુષ્કળ થઈ હતી. એની સામે હાઇનરિક ઝીમરથી માંડીને એ.કે.વોર્ડર સુધીના વિદ્વાનોએ પ્રાચીન ભારતીય કળાસાહિત્યની ભારે પ્રશંસા કરી છે. આ બધી ચર્ચાવિચારણાઓમાં એક મહત્ત્વનો પ્રશ્ન પુછાતો રહ્યો કે આર્યો કોણ હતા, ક્યાંથી આવ્યા હતા, તેમનું મૂળ વતન કયું હતું? આના ઉત્તર રૂપે અનેક પ્રકારના વિરોધી દૃષ્ટિકોણ રજૂ કરવામાં આવ્યા છે. કદાચ આ પ્રશ્નોનો ચોક્કસ ઉત્તર ન પણ મળે.આવા કેટલાક પ્રશ્નોની ચર્ચા ‘વૈદિક આર્યો અને સંસ્કૃતિનો આરંભ’ : નવરત્ન રાજારામ, ડેવિડ ફ્રોલી; તથા ‘સંસ્કૃતિના પારણાની શોધમાં’ : જ્યોર્જ ફ્યુઅરસ્ટેઇન, સુભાષ કાક, ડેવિડ ફ્રૌલી જેવાનાં પુસ્તકોમાં કરવામાં આવી છે. આનો નિર્દેશ આગળ કરી ગયા છે. ગ્રીક સંસ્કૃતિના ઇતિહાસ સાથે જ્યારે આપણે ભારતીય ઇતિહાસની તુલના કરીશું ત્યારે એક વાતે તો બધા સંમત થશે કે આપણી પાસે એવો કોઈ સિલસિલાબંધ ઇતિહાસ નથી. ટીકા રૂપે કોઈ એમ કહી શકે કે ભારતીય પ્રજામાં ઇતિહાસની સૂઝ નથી. ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના જીવનની તવારીખ જેટલી સ્પષ્ટ છે તેટલી બીજી કોઈ તવારીખ સ્પષ્ટ નથી. આપણા મહાન કવિઓ ક્યારે થઈ ગયા તેની પણ સ્પષ્ટતા નથી. વ્યક્તિચિત્ર પરંપરા આપણે ત્યાં બહુ ઓછી હશે એટલે નરસંહિ, મીરાં, અખો, પ્રેમાનંદ, કબીર, તુલસીદાસ, રહીમ કેવા દેખાતા હતા તેની કશી જ જાણકારી મળતી નથી. ધારો કે આર્યો બહારથી એટલે કે મધ્ય એશિયાથી આવ્યા હોય તો પણ એટલું તો સ્પષ્ટ છે કે તેમનું આગમન એક સમયે, સાગમટે થયું નહીં હોય. તેઓ જ્યારે એક સાથે રહેતા હશે ત્યારે તેમનો સંયુક્ત સાંસ્કૃતિક વારસો હોવો જોઈએ. એટલે જ હેલનના અપહરણની કથાની સાથે સાથે સાચી હેલન ટ્રોય ગઈ જ નહોતી, તેને તો દેવીઓ કોઈ રાજાને ત્યાં અનામત તરીકે મૂકી આવી હતી એવી કથા પ્રચલિત છે. ભારતીય પ્રાચીન કથાઓમાં કેટલીક વાચના પ્રમાણે સીતા નહીં પણ તેની છાયા લંકા પહોંચી હતી અને અગ્નિપરીક્ષા વખતે સાચી સીતા અગ્નિએ પાછી સોંપી હતી એમ કહેવાયું છે. હિટાઇટ ભાષામાં ગિલ્ગામેશ નામનું જે મહાકાવ્ય રચાયું તેમાં પ્રલય સમયે રાજાનો બચાવ થાય છે તે કથા, બાઇબલમાં આવતી નોઆઝ આર્કની કથા અને પ્રાચીન ભારતીય સાહિત્યમાં જોવા મળતી મનુ અને મત્સ્યની કથામાં જોવા મળતી સમાનતાઓ સૂચવે છે કે આ પ્રજા જ્યાં જ્યાં ગઈ ત્યાં ત્યાં પોતાનો એ વારસો લઈને ગઈ અને એ વારસાને પોતપોતાની રીતે વિકસાવ્યો. આ બધામાંથી પસાર થઈએ એટલે ખ્યાલ આવે કે આપણા પ્રાચીન સાહિત્યમાં માત્ર આર્યો અને અનાર્યો વચ્ચેના સંઘર્ષની જ કથા નથી, આર્યોની વિવિધ ટોળીઓ વચ્ચેના સંઘર્ષની કથાઓ પણ જોવા મળે છે. માંધાતાની જન્મકથા સાથેય આવી કથા સંકળાયેલી છે. ગ્રીક પ્રાચીન કૃતિઓમાં, નાટકોમાં એક કાષ્ઠ અશ્વની વાત આવે છે, છુપાયેલા ગ્રીક સૈનિકોવાળા અશ્વને ટ્રોયના દરવાજે મૂકીને ગ્રીક લોકો જતા રહે છે અને ટ્રોયવાસીઓ કૂતૂહલ ખાતર આ ઘોડો અંદર લઈ આવે છે. બધું જંપી જાય છે ત્યારે એમાંથી ગ્રીક સૈનિકો બહાર આવે છે ને દરવાજો ખોલી નાખે છે. શિકારશોખીન અને વીણાવાદક ઉદયનને દગાફટકાથી પકડી લાવવા મગધરાજ યાંત્રિક હાથી જંગલમાં મૂકાવડાવે છે, તેમાં મગધના સૈનિકો ભરાઈ બેઠા છે. વનમાં છેક ઊંડે ઉદયનને લઈ ગયા પછી હાથીમાંથી નીકળેલા મગધસૈનિકો રાજાને પકડી લે છે.(જુઓ કથાસરિત્સાગર કથામુખ લંબક, તરંગ-૩) ખાંડવવનદહનની કથા પણ સૂચક છે. આર્યોની કેટલીક ટોળીઓ કૃષિવિદ્યામાં નિપુણ હતી. હવે જો તેઓ આર્યાવર્તમાં સ્થાયી થવા માગતા હોય તો ખેતી માટે જમીન જોઈએ. વનોથી છવાયેલી ધરતીને કૃષિલાયક બનાવવી પડે. વનવાસીઓને પરાજિત કરવા પડે. એટલે કૃષ્ણ અને અર્જુન ખાંડવવનનું દહન કરવા નીકળી પડે છે. અર્જુનઅનુજના સમયમાં નાગ નામે તે સમયે ઓળખાતી કોઈ આદિવાસી જાતિના નિકંદનની કથા પ્રતીકાત્મક રીતે સૂચવાઈ ગઈ. ત્યાર પછી આ કથા અટકી નથી. યુરોપીઅન લોકોએ આફ્રિકા જઈને સ્થાનિક પ્રજાનું નિકંદન કાઢ્યું હતું. યુરોપના ગોરા વસાહતીઓએ અમેરિકા જઈને અમેરિકન આદિવાસીઓને રહેંસી નાખ્યા હતા; છેક વીસમી સદીમાં જેન ફોન્ડા જેવી અભિનેત્રી આ આદિવાસીઓના હક માટે બહુ લડી હતી. વીસમી સદીમાં હિટલરે યહૂદીઓનો કરેલો નરસંહાર, ઇઝરાઇલ દ્વારા પેલેસ્ટાઇનના લોકોની થઈ રહેલી કતલ, પાકિસ્તાને પૂર્વબંગાળમાં બંગાળીઓની કરેલી કત્લેઆમ, ઇન્દિરા ગાંધીની હત્યા પછી થયેલાં તોફાનોમાં હજારો શીખોનો થયેલો સંહાર, ગુજરાતમાં ગોધરાકાંડ અને ત્યાર પછી ચાલેલી હિંસામાં સેંકડો મુસ્લિમોની થયેલી કતલ. આ ઘટનાઓ ચાલતી જ રહી છે. આર્યો અને અનાર્યો વચ્ચેની સંઘર્ષકથાઓ બાજુ પર રાખો, આર્યોની એક ટોળી અને બીજી ટોળી વચ્ચે, વર્ણાશ્રમ પદ્ધતિ પ્રવેશ્યા પછી એક વર્ણ અને બીજા વર્ણ વચ્ચે સંઘર્ષો ચાલ્યા જ કરતા હતા. બ્રાહ્મણ અને ક્ષત્રિય વચ્ચેના સંઘર્ષોની કથાઓ પણ ખૂબ જાણીતી છે. સૌથી વધારે જાણીતી કથા વિશ્વામિત્ર અને વસિષ્ઠ વચ્ચેના સંઘર્ષની છે. પ્રશ્ન એ થાય કે રાજષિર્ તરીકે ઓળખાતા વિશ્વામિત્ર શા માટે બ્રહ્મષિર્ તરીકે ઓળખાવા આટલા બધા આતુર હતા. ચારે વર્ણોમાં બ્રાહ્મણો ચડિયાતા છે એવું વાતાવરણ છેક અર્વાચીન યુગમાં પણ નહોતું?ં કનૈયાલાલ મુનશી ‘ગુજરાતનો નાથ’માં કાક પાસે બોલાવડાવે છે કે ‘ચાંડાળ, બ્રાહ્મણ ઉપર થૂંકે છે?’ મહાભારતમાં આવતી એક કથા પ્રમાણે ધર્મરાજ વસિષ્ઠનું રૂપ લઈને વિશ્વામિત્રની પરીક્ષા લે છે ત્યાર પછી તેઓ વિશ્વામિત્રને ‘બ્રહ્મષિર્’ તરીકે સંબોધે છે. ક્યારેક વિદ્યા ક્ષત્રિય પાસેથી જ પ્રાપ્ત થાય. દશરથની રાજસભામાં વસિષ્ઠ હોવા છતાં રામલક્ષ્મણ અસ્ત્રશસ્ત્રવિદ્યા વિશ્વામિત્ર પાસેથી ગ્રહણ કરે છે. બીજી બાજુ મહાભારતમાં ભીષ્મ યુદ્ધવિદ્યામાં આટલા બધા નિપુણ હોવા છતાં કૌરવપાંડવોને વિદ્યા પ્રાપ્ત થાય છે બ્રાહ્મણ દ્રોણ દ્વારા. બ્રાહ્મણ ક્ષત્રિય વચ્ચેના સંઘર્ષો દ્રોણ-દ્રુપદ, પરશુરામ-કાર્ત્તવીર્ય વચ્ચે જોવા મળે છે. પરશુરામ બ્રાહ્મણ સિવાય કોઈને વિદ્યાદાન કરતા ન હતા. વાયુદેવતા કાર્ત્તવીર્યને બ્રાહ્મણો ક્ષત્રિય કરતાં કેટલાં બધાં ચઢિયાતા છે એનાં અનેક દૃષ્ટાંત આપે છે (જુઓ મહાભારત અનુશાસન પર્વ, ૧૩૭-૧૪૨). એક પ્રકારની વિદ્યા અને બીજા પ્રકારની વિદ્યા વચ્ચે પણ સંઘર્ષ જોવા મળે છે. જ્ઞાનનો ઇજારો બ્રાહ્મણો પાસે જ વિશેષ રહ્યો અને આ પરંપરા છેક ઓગણીસમીવીસમી સદી સુધી ટકી રહી. વેદમાં દેવતાઓની સ્તુતિ કરતી અનેક ઋચાઓ મળશે. આનો અર્થ એ નથી કે દેવતાઓ સર્વગુણસંપન્ન હતા. ઇન્દ્રના વ્યભિચારની કથાઓ પ્રચલિત છે. અસુરો પાસે જે વિદ્યાઓ હતી તેમાંની કેટલીક દેવતાઓ પાસે ન હતી, આવી વિદ્યાઓ મેળવવા દેવતાઓ ઋતુઓને મોકલે છે, ત્યારે જાણ થાય છે કે ખેતરમાં એક અસુર વાવણી કરે છે, એની પાછળનો અસુર નંદાિમણ કરે છે અને એની પાછળનો ત્રીજો અસુર લણણી કરે છે. સ્વાભાવિક રીતે આ રીતે થતું ઉત્પાદન આસુરી ગણાય. આ સમયે ઇતિહાસમાં બ્રહ્મસત્તા અને સમાજમાં ક્ષત્રિયસત્તા ઊપસી આવી હતી, વળી દેશમાં સ્થાનિક વસતી હતી, તેને આપણે આદિવાસી તરીકે ઓળખાવી શકીએ. આ પ્રજાને તેના પોતાનાં આગવાં વિધિવિધાનો હતાં, અંધશ્રદ્ધાઓ હતી, તેમના પોતાના દેવ હતા. આ આદિવાસીઓનો દેવ એટલે ભૂતનાથ, પશુપતિ. આર્યોના દેવોમાં રુદ્ર આવે છે. બ્રહ્માસરસ્વતી કથામાં બ્રહ્માને અઘટિત કાર્ય કરતા રોકવા માટે રુદ્રને વિનંતી કરવામાં આવે છે ત્યારે રુદ્ર દેવો પાસે સામી માગણી કરે છે કે મને પશુપતિ બનાવો અને દેવતાઓ તેમની વિનંતી માન્ય રાખે છે. આમ સમય જતાં ત્રણ સત્તાઓ ઊભરી આવી. બ્રહ્મસત્તા, ક્ષત્રિયસત્તા અને આદિવાસી સત્તા. આ ત્રણના પ્રતિનિધિ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. આ ત્રણમાં શ્રેષ્ઠ કોણ? આ ત્રણેની સાથે રજસ્, સત્ત્વ અને તમસ્ ગુણને સાંકળ્યા. એમાં સત્ત્વને ઊંચી પ્રતિષ્ઠા આપી. હવે આ ત્રણ દેવોની પરીક્ષા કરવાની કામગીરી ઉપાડે છે ભૃગુ નામના બ્રાહ્મણ. તેઓ ત્રણેની પરીક્ષા કરે છે ત્યારે સર્વશ્રેષ્ઠ દેવ વિષ્ણુ પુરવાર થાય છે. આ કથા માટે અનુમાન કરી શકાય કે એ ક્ષત્રિયો પાસેથી પ્રાપ્ત થઈ હશે. ભૃગુકથામાં માત્ર પરીક્ષા હતી કે શ્રેષ્ઠત્વ પુરવાર કરવાની વાત હતી? આ ત્રણ દેવતાઓમાં બ્રહ્મદેવની કથાઓ બહુ જોવા નહીં મળે. બ્રહ્મા-સરસ્વતી કથા પણ ક્ષત્રિયવર્ગે ઉપજાવી કાઢી હોવાની શક્યતા નકારી ન શકાય. કેટલીક વખત આદિમ સત્તા બ્રહ્મસત્તાને હંફાવે છે. એક કથા લઈએ. દક્ષ પ્રજાપતિ અને સતી-શંકરની કથા ખૂબ જાણીતી છે. દક્ષ ક્ષત્રિય રાજા અને તેની પુત્રી સતીએ પસંદગી ઢોળી એક આદિવાસી દેવ પર. આજે પણ માબાપ આવા લગ્નની સંમતિ આપતા નથી. દક્ષ પ્રજાપતિએ યોજેલા યજ્ઞમાં સતીને આમંત્રણ ન અપાયું. વગર આમંત્રણે આવી ચઢેલી ને અપમાનિત થયેલી સતી યજ્ઞકુંડમાં ઝંપલાવીને મૃત્યુ પામી. આને પરિણામે શંકરના ગણોએ, વીરભદ્રે દક્ષ પર આક્રમણ કર્યું. બ્રાહ્મણોના અને ક્ષત્રિયોના દેવતાઓ જોતા જ રહી ગયા. આદિમ સત્તાએ બ્રહ્મસત્તા અને ક્ષત્રિયસત્તાને હંફાવી. શંકરના ગણ વીરભદ્રે એ બધાના દેખતાં દક્ષના યજ્ઞનો અને દક્ષનો નાશ કર્યો. આ જ સતી બીજા જન્મે પાર્વતી રૂપે અવતરે છે. પાર્વતીને કોઈ દેવકન્યા કે ક્ષત્રિયકન્યા તરીકે આલેખી નથી. તે હિમાલયની પુત્રી છે, પર્વતપુત્રી છે. રામાયણની સીતા વસુંધરાપુત્રી છે, તો પાર્વતી ગાઢ વનસ્પતિઓથી ઘેરાયેલા હિમાલયની પુત્રી છે, સીતાની જેમ તે પણ પ્રાકૃતિક પરિબળોની નીપજ છે. તે ઇન્દ્ર, વિષ્ણુ જેવા કોઈ દેવને માટે તપ કરતી નથી. તે પણ એવા જ કોઈ આદિમ દેવને વરવા માટે તત્પર થઈ છે અને ઇન્દ્રાદિ દેવો એ લગ્નને અનુમોદન આપે છે, પ્રોત્સાહન આપે છે. એ લગ્ન થાય તો જ આસુરી શક્તિઓનો સંહાર કરનાર કુમાર જન્મી શકે. આમ વન્ય સંસ્કૃતિ દ્વારા, આદિમ સંસ્કૃતિ દ્વારા દુષ્ટતા પર વિજય મળે છે. એક રીતે જોઈએ તો આર્યોના દેવતાઓએ ટકી રહેવા માટે સમાધાનનો માર્ગ અપનાવ્યો. ઋગ્વેદની ઋચાઓમાં ઋષિઓએ યાચક બનીને ઇન્દ્ર અને બીજા દેવતાઓ પાસે યાચના કરી કરીને સમૃદ્ધિ માગી છે. ઘણી બધી ઋચાઓમાં ઇન્દ્ર પ્રમુખ દેવ છે અને ઉપેન્દ્ર રૂપે વિષ્ણુ આવે છે. પાછળથી વિષ્ણુ બધા દેવો ઉપર છવાઈ જાય છે અને રાક્ષસોના સંહાર માટે તે જ વારંવાર પ્રાણી રૂપે, પ્રાણી-મનુષ્યના મિત્ર રૂપે અને મનુષ્ય રૂપે અવતરે છે. એક તબક્કો એવો આવે છે કે આર્યોના દેવતાઓ અને દેવરાજની સત્તાનો અસ્વીકાર સમાજના નીચલા વર્ગો કરે છે. (જુઓ ગોવર્ધનધારીની કથા. આ કથાને લગતાં શિલ્પો છેક ઈ.સ.પૂ. બીજી સદીથી જોવા મળ્યાં છે) કૃષ્ણ રામની જેમ કૃષિકાર નથી પણ ગોપાલક છે. આજે ગોપાલકો એક વિચરતી જાતિ તરીકે અને સૂચિત-અનુસૂચિત-પછાત જાતિમાં ગણાય છે. ઋગ્વેદકાળથી ગોપાલનનું મહત્ત્વ સ્વીકારાયું છે. કૃષિજીવન અને ગોપાલન પરસ્પર સંકળાયેલી ઘટનાઓ છે. દેવતાઓ પણ ગાયોનું મહત્ત્વ સમજતા હતા એટલે જ પણીઓ જ્યારે દેવતાઓની ગાયો ચોરી જાય છે ત્યારે ઇન્દ્ર તેમની ભાળ કાઢવા દેવોની કૂતરી સરમાને મોકલે છે. અમેરિકામાં સ્થાયી થયેલા નવા વસાહતીઓ પણ ગાયોનાં અપહરણોમાં સંડોવાયેલા હતા. આ વિષયને આવરી લેતી કેટલી બધી કથાઓ અને ફિલ્મો હોલિવુડે ઉતારી છે. મધ્યકાળની ઘણી કૃતિઓમાં ગાયોનાં અપહરણની કથાઓ જોવા મળશે. એવા ગોપાલકો, કૃષિકારો અને ક્ષત્રિયો વચ્ચે લગ્નવ્યવહારના સંબંધો હતા, ગાઢ મૈત્રી પણ હતી, (વસુદેવ અને નંદ) અર્જુન કૃષ્ણભગિની સુભદ્રાને પરણે છે. આગળ જે ગોવર્ધનમહોત્સવની વાત કરી તેને આધારે કહી શકાય કે કૃષ્ણકથા ભારતભરમાં પ્રચલિત થઈ ગઈ હોવી જોઈએ. મહાભારતની સમીક્ષિત વાચનામાં દ્રૌપદી વસ્ત્રહરણ પ્રસંગે કૃષ્ણ તે અપમાનિતાને વસ્ત્ર પૂરતાં નથી. એ વાચના તો માત્ર આટલું જ કહે છે કે કોઈ અદૃષ્ટ સત્તાએ દ્રૌપદીને વસ્ત્ર પૂરાં પાડ્યાં. પાછળથી કોઈએ અહીં કૃષ્ણનું પાત્ર ઉમેર્યું અને એ રીતે કૃષ્ણમહિમા ભારતભરમાં વિસ્તર્યો અને તે પણ કેટલી બધી માત્રામાં. સાહિત્ય, સંગીત, નૃત્ય, ચિત્ર, શિલ્પ બધી જ કળાઓમાં કૃષ્ણભક્તિ કેન્દ્રમાં આવી ગઈ. જો કે કૃષ્ણના વિરોધીઓ પણ ઓછા ન હતા. મહાભારતમાં રાજસૂય યજ્ઞ વખતે સૌથી પહેલી પૂજા કૃષ્ણની થવી જોઈએ એવું સૂચન જ્યારે ભીષ્મ કરે છે ત્યારે શિશુપાલ કેટલો બધો વિરોધ કરે છે અને એક પછી એક ગાળ બોલે જાય છે. સો ગાળ દેવાઈ એટલે કૃષ્ણ સુદર્શન ચક્ર વડે તેનો શિરચ્છેદ કરે છે. જરાસંધ, દુર્યોધન વગેરેને કૃષ્ણ માટે ભારોભાર તિરસ્કાર છે. જરાસંધ જેવા રાજાઓ બ્રહ્મસત્તાને વંદન કરતા હતા એટલે જ કૃષ્ણ, અર્જુન અને ભીમ બ્રાહ્મણોનો વેશ લઈને જરાસંધ પાસે ગયા હતા. આ સમયમાં વૈદિક ધર્મના ઉપાસકો વિરુદ્ધ મોરચા મંડાતા રહ્યા. વેદકાળમાં પણ હિંસા અને અહિંસાની વાતો તો થયા કરતી હતી. નરમેધમાંથી છેવટે જવતલ હોમવાની પ્રથા ચાલુ થઈ એવી કથા પ્રચલિત છે. આનું એક દૃષ્ટાંત જોઈએ.

દેવોએ મનુષ્યને પશુ બનાવીને યજ્ઞનો આલમ્ભન કર્યો પરંતુ એમાંથી મેધ(યજ્ઞયોગ્ય હવિ) નીકળી ગયો. તે અશ્વમાં પ્રવેશ્યો; એટલે અશ્વ મેધ્ય બન્યો; હવિ વિનાના મનુષ્યને દેવોએ તિરસ્કાર્યો એટલે તે કંપુિરુષ બની ગયો. તેમણે (હવે) અશ્વનું આલમ્ભન કર્યું, પરંતુ અશ્વમાંથી હવિભાગ નીકળી ગયો અને તે ગાયમાં પ્રવેશ્યો, એટલે ગાય મેધ્ય બની. હવિ વિનાના અશ્વને દેવોએ તિરસ્કાર્યો એટલે તે ગૌરમૃગ (નીલ ગાય) બની ગયો. તેમણે ગાયનું આલમ્ભન કર્યું, પરંતુ ગાયમાંથી હવિભાગ નીકળી ગયો અને તે ઘેટામાં પ્રવેશ્યો, એટલે ઘેટું મેધ્ય બન્યું. હવિ વિનાની ગાયને દેવોએ તિરસ્કારી એટલે તે બળદ બની. તેમણે ઘેટાનું આલમ્ભન કર્યું, પરંતુ ઘેટામાંથી હવિભાગ નીકળી ગયો અને બકરામાં પ્રવેશ્યો. એટલે બકરો મેધ્ય બન્યો, હવિ વિનાના ઘેટાને દેવોએ તિરસ્કાર્યો એટલે તે ઊંટ બની ગયો. એ બકરામાં યજ્ઞયોગ્ય હવિ ઘણો સમય રહ્યો એટલે આ પશુઓમાં તે બહુ પ્રયુક્ત રહ્યો. તેમણે બકરાનું આલમ્ભન કર્યું, પરંતુ તેમાંથી યજ્ઞયોગ્ય હવિ નીકળી ગયો અને તે પૃથ્વીમાં પ્રવેશ્યો, એટલે પૃથ્વી મેધ્ય બની, હવિ વિનાના બકરાને દેવોએ તિરસ્કાર્યો એટલે તે શરભ(આઠ પગવાળું સંહિઘાતક પ્રાણી) બની ગયો. ઉત્ક્રાન્ત મેધવાળા — હવિ વિનાના મનુષ્ય, અશ્વ, ગાય, ઘેટા, બકરાનું માંસ ખાવાલાયક નથી. હવિભાગ પૃથ્વીમાં પ્રવેશ્યો, એને પામવા દેવો પૃથ્વીમાં પ્રવેશ્યા, ભાગવાને અસમર્થ તે વ્રીહિ(ધાન્ય) બની ગયો.

(ઐતરેય બ્રાહ્મણ ૧ : ૮)

પણ રચાતા જતા બ્રાહ્મણગ્રંથોમાં યજ્ઞયાજન વૃદ્ધિ પામે છે. હિંસા, નરબલિ, પશુબલિની વાતો વધુ પ્રચલિત બનતી જાય છે. આવી હિંસાની સામે ગૌતમ બુદ્ધનાં અને મહાવીર સ્વામીનાં અર્પણોને જોવાં રહ્યાં. આ બંને મહાપુરુષોએ શિષ્ટમાન્ય ભાષાને બદલે લોકપ્રચલિત ભાષાઓમાં ઉપદેશ આપ્યો. આ પરંપરા છેક વીસમી સદીમાંય જોવા મળી. લોકપ્રચલિત ભાષાને કારણે સાંસ્કૃતિક મૂલ્યો સમગ્ર સમાજમાં પ્રસર્યાં. એ રીતે સામાન્ય માનવીની પ્રતિષ્ઠા થઈ. વિશ્વામિત્ર અને હરિશ્ચંદ્રની કથામાં શુન:શેપ દ્વારા નરબલિની વાત આવે છે અને કથાને અંતે ચાંડાલને ત્યાં દાસ તરીકે હરિશ્ચંદ્ર જોવા મળે છે. ક્ષાત્રસત્તાને અપમાનિત કરવા તો ચાંડાલ પ્રવેશ્યો નથી ને એવી શંકા કોઈને જાય તો નવાઈ નહીં. ‘કથાસરિત્સાગર’માં પણ લક્ષ્મણ રામ દ્વારા થનારા નરમેધયજ્ઞમાં નરબલિ શોધવા નીકળે છે અને તેને સીતાપુત્ર લવ જડે છે. તેને બાંધીને લક્ષ્મણ અયોધ્યા લઈ જાય છે. (અલંકારવતી લંબક, પ્રથમ તરંગ) આજે પણ નરબલિ પશુબલિની ઘટનાઓ વર્તમાનપત્રોમાં આવતી રહે છે. હેમચંદ્રાચાર્યના આગમન પછી અહિંસામાં માનતા થયેલા કેટલાક લોકો કૂકડાનો બલિ ચડાવવાને બદલે ‘કૂકડાને રમતો’ મેલે છે. હોમહવનમાં નરમસ્તકને બદલે ભૂરું કોળું કે નારિયેળ હોમવામાં આવે છે. આ સમયે સામાજિક ક્ષેત્રે સ્ત્રીનું સ્થાન શું? ગાર્ગી, મૈત્રેયીની કથાઓ અવારનવાર જોવા મળે છે. મહાભારતના શાંતિપર્વમાં જનક અને સુલભા વચ્ચેનો સંવાદ જોવા જેવો છે. આ તત્ત્વસ્પર્ધામાં જનકનો પરાજય થાય છે. પરંતુ આ અપવાદો છે. પુત્રનો મહિમા પહેલેથી જ ભારતીય સમાજજીવનમાં રહ્યો છે. પુત્રપ્રાપ્તિ માટે નિયોગવિધિની યોજના સર્વસ્વીકાર્ય હતી અને કેટલીય વાર આવી ઘટના લક્ષણા રૂપે જોવા મળતી હતી. પણ પુરુષનો મહિમા બધે જ છે. દશરથને ચાર પુત્રો છે, રામને બે પુત્રો છે, ગાંધારીને સો પુત્રો થયા પછી જ દુ:શલા જન્મી છે. કૃષ્ણને પણ પુત્રો છે. કુંતા, માદ્રીનેય પાંચ પુત્રો છે. દ્રૌપદીને પાંચ પુત્રો છે, અર્જુનપત્ની સુભદ્રાને અભિમન્યુ અને ઉત્તરાને પરીક્ષિત, ભીમપત્ની હેડંબાને ઘટોત્કચ. સિદ્ધાર્થને રાહુલ. બહુપતિત્વ કે બહુપત્નીત્વનો આચાર સ્વીકાર્ય હતો. યયાતિકન્યા માધવી ચાર પુરુષોને વારાફરતી પરણે છે. એટલે જ રામાયણમાં રામ દ્વારા એક પત્નીત્વનો આદર્શ સ્થાપવામાં તો નથી આવ્યો ને? પ્રાચીન કાળમાં લગ્નસંસ્થા સ્થિર થઈ ન હતી અને એને કારણે બહુપતિત્વ કે બહુપત્નીત્વની પ્રથાઓ જોવા મળી. આની સામે મહાભારતમાં ક્યાંક કહેવાયું છે કે એકપતિ-એકપત્નીની પ્રથા ચાલુ થવી જોઈએ, નહીંતર સમાજજીવનમાં અરાજકતાનો સામનો કરવો પડે. ફરી આપણે બ્રહ્મવિદ્યા, કૃષિસંસ્કૃતિ અને ગોપાલનની વાત કરીએ. એક અથવા બીજી રીતે બ્રહ્મવિદ્યાનું વર્ચસ્ તો હતું જ. તો બીજી બાજુ આર્યસંસ્કૃતિની સામે આદિમ સત્તા હતી. ક્યારેક પરસ્પરવિરોધી બનતી સંસ્કૃતિઓ છેવટે તો પરસ્પર સમન્વય કરીને જીવતી થઈ. દશાવતારની કથામાં પણ આર્યોએ સમાધાન કરવાનો કેટલો બધો પ્રયત્ન કર્યો છે. મત્સ્ય, કચ્છપ, વરાહ, નૃસંહિ દ્વારા આદિમ જગત પ્રવેશ્યું, વામન-પરશુરામની પાછળ પાછળ રામકૃષ્ણ પ્રવેશ્યા. બૌદ્ધધર્મના વધતા જતા વર્ચસને કારણે બુદ્ધને વિષ્ણુના અવતાર તરીકે સ્વીકારી લીધા. ગૌતમ બુદ્ધે ભારતીય ઇતિહાસ અને સંસ્કૃતિના ક્ષેત્રે કરેલા પ્રદાનની સમજ મેળવવા રવીન્દ્રનાથ ઠાકુરનો ગૌતમ વિશેનો નિબંધ વાંચવા જેવો છે. રામાયણમાં રાવણને શંકરનો ઉપાસક બતાવવામાં આવે છે. કૃષિસંસ્કૃતિમાં નિપુણ એવા જનક વળી પાછા અધ્યાત્મવિદ્યાના નિષ્ણાત તો છે જ. આ જનક પાસે શિવપ્રતીક ધનુષ છે. અને છતાં શિવભક્ત રાવણ આ ધનુષ ઊંચકી ના શક્યો. આ ધનુષભંગ રામે કર્યો એટલે આદિમ સત્તા સામે જાણે ક્ષાત્ર સત્તાએ વિજય મેળવ્યો. કૃષિનિપુણ જનકને સીતાની પ્રાપ્તિ થઈ. કવિએ ધાર્યું હોત તો જનક રાજાની રાણીના પેટે સીતાનો જન્મ કરાવી શક્યા હોત. પણ એમ ન થયું. રામ ધરિત્રીપુત્રી, કૃષિસંસ્કૃતિની નીપજ એવી સીતાને પરણ્યા. બીજી રીતે કહીએ તો સીતા દ્વારા રામ કૃષિસંસ્કૃતિમાં નિપુણ બન્યા. આ નિપુણતા ક્યાં કામ લાગે છે તે પણ જોવા જેવું છે. રામાયણની અહલ્યાકથા જાણીતી છે. રવીન્દ્રનાથે આ કથાને રૂપક તરીકે જોઈ છે. ગૌતમ ઋષિ પણ કૃષિનિપુણ છે. તેઓ જે ધરતીમાંથી પાક લેતા હતા તે ધરતી યોગ્ય સંમાર્જનને અભાવે બિનઉપજાઉ બની ગઈ. એટલે ગૌતમ એ વંધ્ય ધરતીને શાપીને જતા રહ્યા. દાયકાઓ પછી રામ ત્યાં આવ્યા. પોતે આત્મસાત્ કરેલી કૃષિવિદ્યા અજમાવી અને તે વંધ્ય ધરતીને નવસાધ્ય કરીને ફળદ્રુપ બનાવી. દર્શકકૃત ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’માં ગોપાળબાપા કોતરોને નવસાધ્ય કરીને એમાંથી વિવિધ ફળ મેળવતા થાય છે એ ઘટના તો ગુજરાતી સાહિત્યરસિકોને જાણીતી છે. રામાયણની સમીક્ષિત વાચનામાં અહલ્યા શિલા થતી નથી. ગૌતમના શાપને કારણે તે અદૃશ્ય રહે છે. લાક્ષણિક રીતે જોઈએ તો એ ભૂમિની ફળદ્રુપતા અદૃશ્ય થઈ ગઈ અને એ અહલ્યા પર કુદૃષ્ટિ કરનાર ઇન્દ્રની પુંસકતા હરી લેવામાં આવી. તે સમયે આવા અપરાધીઓને આ પ્રકારની આકરી શિક્ષા કરવામાં આવતી હશે. આચારસંહિતાનો વિશેષ પરિચય મેળવવા માગનારે મહાભારતના અનુશાસનપર્વમાંથી, શાંતિપર્વમાંથી પસાર થવું જોઈએ. રામાયણમાં રામ-કૌશલ્યા-કૈકેયી-લક્ષ્મણ-ભરત દ્વારા બીજું પણ સૂચવાય છે. જગતભરના ઇતિહાસોમાં, લોકસાહિત્યમાં માનીતી અણમાનીતી રાણીઓની વાત આવે છે. દશરથને કૈકેયી વધુ વહાલી છે. દૂરદૂરના પ્રદેશમાંથી આવેલી કૈકેયીએ અયોધ્યામાં રામવિરોધી કે કૌશલ્યાવિરોધી એક જૂથ ઊભું કર્યું છે. રામવનવાસના સંદર્ભે કૌશલ્યા રામને કહે છે કે તમે બધા હોવા છતાં, હું પટરાણી હોવા છતાં કૈકેયીના દાસદાસીઓ મને માન આપતા નથી. વળી રામના રાજ્યાભિષેક પ્રસંગે પણ દશરથ ભરતને કશો ખ્યાલ ન આવે એટલે તેને મોસાળ મોકલી દે છે. અયોધ્યાવાસીઓને રામના રાજ્યાભિષેકની જાણ છે પણ કૈકેયીમંથરાને એની જાણ નથી. છેવટે દશરથ સાવ અસહાય બનીને રામને વનવાસ અને ભરતને રાજ્યાભિષેક માટે તૈયાર થાય છે. ભારતીય ઇતિહાસ આવા કાવાદાવાથી ઊભરાય છે. નાગ, વાનર, રીંછ જેવાં પ્રાણીઓ વનવાસી જાતિઓનાં સૂચક છે. આર્યો ગમે તેટલા બળવાન હોય તો પણ અનાર્યોને, વનવાસીઓને મિત્ર બનાવ્યા વિના બીજો કોઈ ઉપાય તેમની પાસે ન હતો. એટલે જ રામ ગુહકને સ્વીકારે છે. ગુહક તો પછાત જાતિનો પણ પાછળથી રામ શૂદ્ર શંબૂકનો વધ કરે છે. રવીન્દ્રનાથ ઠાકુર એમ માને છે કે સંરક્ષક, રૂઢિચુસ્ત કથાકારોએ રામાયણમાં એ કથા ઉમેરી દીધી હશે અને એ રીતે રામના ચરિત્રને દોષ આપ્યો. મહાભારતના અનુશાસન પર્વ(૧૦)માં કોઈ શૂદ્ર તપસ્યા કરીને બ્રાહ્મણત્વ મેળવવા માગે છે. ઇન્દ્ર એને તપ વડે બ્રાહ્મણત્વ પ્રાપ્ત નહીં થાય એમ વારંવાર કહે છે. શૂદ્રો કે જંગલી જાતિઓ દ્વારા બોલાતી ભાષાને હલકી ગણવામાં આવતી હતી અને એટલા જ માટે પૈશાચી ભાષામાં રચાયેલી ‘બૃહત્કથા’ને સ્વીકારવા સાતવાહન રાજા તૈયાર થતા નથી. સંસ્કૃત કથાઓમાં દેવતાઓ કે ઋષિઓ શાપ આપે ત્યારે ‘જા તું શૂદ્ર જાતિમાં જન્મ લેજે’ એવું કેટલી બધી વાર કહે છે. ભારતીય સંસ્કૃતિના આ કલંકને હજુ પણ આપણે નિવારી શક્યા નથી ધીમે ધીમે વર્ણાશ્રમ, ઊંચનીચના ખ્યાલો ઘર કરવા લાગ્યા. મહાભારતની સમીક્ષિત વાચનામાં દ્રૌપદી સ્વયંવર વખતે ‘એ સૂતપુત્રને હું નહીં પરણું’ એવી ઉક્તિ બોલતી જ નથી. ત્યાં તો બીજા રાજાઓની જેમ કર્ણ પણ ધનુષભંગ કરી ન શક્યો એટલું જ કહ્યું છે. તે સમયે જાતિગત દ્વેષની માત્રા ઓછી હશે. પાછળથી જે કથાઓ આવી તેમાં દ્રૌપદીની ઉક્તિ દ્વારા આ ચિત્ર પ્રવેશ્યું.