ભારતીય કથાવિશ્વ૧/ગરુડકથાની પૂર્વભૂમિકા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ગરુડકથાની પૂર્વભૂમિકા

ઉત્તમ પાંખોવાળા (સુપર્ણ), ભ્રાન્ત ન થનારી શક્તિ (ચક્ર વિના જ)વડે મનુ માટે અર્થાત્ મનુષ્યો માટે દેવોને પ્રિય હવિ લઈને આવ્યો, તે પક્ષી બીજા કરતાં વધુ શક્તિશાળી, બીજા શ્યેન કરતાં વધુ ઝડપી છે. (ઋગ્વેદ ૪.૨૬.૪)

જ્યારે બધા લોકને કંપાવતું એ પક્ષી સોમને દ્યુલોકમાંથી લાવ્યું ત્યારે વિસ્તૃત માર્ગમાં મનોવેગી બનીને ઊડ્યું; સૌમ્ય અને મધુર રસ લઈને શીઘ્રતાથી આવ્યું અને આ લોકમાં કીતિર્ મેળવી. (ઋગ્વેદ ૪.૨૬.૫)

દૂર દૂરથી સોમ લાવીને સરળ માર્ગે જનાર, દેવોની સાથે રહેનાર આ શ્યેન મધુર અને આનંદપ્રદ સોમ ઊંચા દ્યુલોકમાંથી લઈ આવ્યું. (ઋગ્વેદ ૪.૨૬.૬)

એ શ્યેન પક્ષી હજારો યજ્ઞો સાથે સોમ લઈને ઊડ્યું. અનેક સત્કર્મો કરનારા, જ્ઞાની ઇન્દ્રે સોમરસ પીને આનંદપૂર્વક મૂર્ખ શત્રુઓને માર્યા. (ઋગ્વેદ ૪.૨૬.૭)

ગર્ભમાં રહીને મેં આ દેવતાઓના બધા જન્મોને પામી લીધા, સો લોહમય નગરીઓએ મારી રક્ષા કરી. પછીં શ્યેન રૂપે બહાર નીકળી આવ્યો. (ઋગ્વેદ ૪.૨૭.૧)

તે મને સારી રીતે ઘેરી ન શક્યો, મેં જ ઉત્તમ સામર્થ્યથી ઘેરો ઘાલ્યો, પરમાત્માએ શત્રુઓનો સંહાર કર્યો, વાયુવેગી શત્રુઓનો પણ. (ઋગ્વેદ ૪.૨૭.૨)

સોમ લાવતી વખતે શ્યેને દ્યુલોકમાંથી ગર્જના કરી. બુદ્ધિવર્ધર્ક સોમને લઈ જતા શ્યેન પાસેથી સોમ છિનવી લેવા રક્ષકોએ પ્રયત્ન કર્યો, મનોવેગી રક્ષક કૃશાનુએ પ્રત્યંચા ખેંચી અને શ્યેન પર તીર છોડ્યું. (ઋગ્વેદ ૪.૨૭.૩)

જેવી રીતે અશ્વિની ભુજ્યુને લાવ્યા હતા તેવી રીતે સરલ માર્ગથી જનાર શ્યેન ઇન્દ્રરક્ષિત દ્યુલોકથી સોમ લાવ્યા. પછી એ યુદ્ધમાં વીંધાયેલા પંખીની એક પાંખ ખરી પડી. (ઋગ્વેદ ૪.૨૭.૪)

શ્યેન ઇન્દ્ર માટે સોમ આણે છે. (ઋગ્વેદ ૮.૮૨.૯)

શ્યેન ઇન્દ્ર માટે સોમ લઈ આવ્યો. (ઋગ્વેદ ૮.૧૦૦.૮)