ભારતીય કથાવિશ્વ૧/દેવો અને દાનવોનું યુદ્ધ
ત્રણે લોકના સંદર્ભે દેવો અને દાનવોએ સામસામે યુદ્ધ માંડ્યું. જેવી રીતે લોકમાં શક્તિશાળી રાજા સૈન્યરૂપી બળથી સંપન્ન દુર્ગનું નિર્માણ કરે છે. તેવી રીતે દાનવોએ પ્રાકાર પરિવેષ્ટિત નગરનું નિર્માણ કર્યું. આ પૃથ્વીને લોહના પ્રાકારથી યુક્ત કરી. અંતરીક્ષ લોકમાં ચાંદીના પ્રાકારવાળું નગર બનાવ્યું. દ્યુલોકને સુવર્ણપ્રાકારયુક્ત કરીને નગર સર્જ્યું. આમ આ લોકોએ નગરનું નિર્માણ કર્યું. દેવોએ પરસ્પર કહ્યું, ‘આ દાનવોએ પોતાનાં નગર બનાવી લીધાં. તો આ જ રીતે દાનવોને પ્રતિકૂળ આપણે આપણાં નગરો ઊભાં કરીએ.’ બધાએ તેની હા પાડી. તેમણે લોહદુર્ગથી પ્રતિકૂળ આ પૃથ્વી વડે સદસ્ નામનો મંડપ ઊભો કર્યો. અંતરીક્ષ વડે આગ્નીવ્ર નામનો અગ્નિકુંડ સર્જ્યો અને દ્યુ વડે હવિપાત્ર બનાવ્યો. આમ તેમણે દાનવોને પ્રતિકૂળ નગર ઊભાં કર્યાં. પછી દેવોએ એકબીજાને કહ્યું, ‘હવે આપણે ‘ઉપસદ’ નામના હોમનું અનુષ્ઠાન કરીએ. કારણ કે ઉપસદ દ્વારા જ રાજાઓ મહાન દુર્ગવાળા નગરને જીતી લે છે.’ તેમણે એમ જ કર્યું. જ્યારે તેમણે પ્રથમ ઉપસદની આહુતિ આપી ત્યારે તેના વડે દાનવોને આ લોક અર્થાત્ પૃથ્વી પરથી કાઢી મૂક્યા, જ્યારે તેમણે બીજી આહુતિ આપી ત્યારે તેના વડે અંતરીક્ષમાંથી તેમને કાઢી મૂક્યા. અને જ્યારે ત્રીજી આહુતિ આપી ત્યારે તેમને દ્યુ લોકમાંથી કાઢી મૂક્યા. આમ બધા લોકમાંથી તેમને કાઢી મૂક્યા. આમ બહિષ્કૃત થયેલા દાનવોએ ઋતુઓનો આશ્રય લીધો. ત્યારે દેવોએ કહ્યું, ‘આપણે ઉપસદ નામની આહુતિઓ આપીએ.’ તેમણે એમ જ કર્યું. આ ઉપસદ ત્રણ છે; દરેકનું અનુષ્ઠાન બબ્બે વારકર્યું. આ રીતે તેઓ છ થયા. ઋતુઓ છ હોય છે. આમ તેમને ઋતુઓમાંથી કાઢી મૂક્યા. ઋતુઓમાંથી કાઢી મુકાયેલા તે દાનવોએ મહિનાઓનો આશ્રય લીધો. ત્યારે દેવતાઓ બોલ્યા, ‘આપણે ઉપસદ નામની આહુતિઓ આપીએ.’ તેમણે એમ કર્યું. આ ઉપસદ છ છે. દરેકનું અનુષ્ઠાન બબ્બે વાર કર્યું. બાર મહિના હોય છે. આમ મહિનાઓમાંથી પણ દાનવોએ કાઢી મૂક્યા. મહિનાઓમાંથી કાઢી મુકાયેલા તે દાનવોએ પખવાડિયાંનો આશ્રય લીધો. ત્યારે દેવતાઓએ કહ્યું, ‘આપણે ઉપસદની આહુતિ આપીએ.’ તેમણે એમ કર્યું. આ ઉપસદ બાર છે, દરેકનું અનુષ્ઠાન બબ્બે વાર કર્યું એટલે એમ કરતાં ચોવીસ થયા. વરસનાં પખવાડિયાં ચોવીસ, આમ દાનવોને પખવાડિયાંમાંથી કાઢી મૂક્યા. પખવાડિયામાંથી નીકળીને દાનવો દિવસ અને રાતમાં જતા રહ્યા. ત્યારે દેવોએ કહ્યું, ‘આપણે ઉપસદ આહુતિઓ આપીએ.’ તેમણે આહુતિઓ આપી. બપોર પહેલાં પૂર્વાહ્નમાં તેમણે આહુતિઓ આપી એટલે દાનવો દિવસમાંથી નીકળી ગયા અને બપોર પછી જે આહુતિઓ આપી તેને કારણે તેઓ રાત્રિમાંથી નીકળી ગયા. આમ તે દાનવો રાત્રિ અને દિવસમાંથી નીકળી ગયા.
(ઐતરેય બ્રાહ્મણ ચોથો અધ્યાય, છઠ્ઠો ખંડ)