ભારતીય કથાવિશ્વ૧/પરિશિષ્ટ/ઈશાવાસ્ય ઉપનિષદ
ઈશથી વસવા યોગ્ય આ સૌ જે ચાલતું જગે;
ત્યાગી તે ભોગવો. થાશો લોભી ના. કોનું છે ધન?
કરતાં જ અહીં કર્મો સો વર્ષો જીવવા ચહો.
તારી એ ગતિ, ના બીજી. કર્મે લેપાય ના નર.
આસુરી લોક છે તે તો, વીંટ્યા તિમિર અંધથી,
જઈ અહીંથી પ્હોંચે ત્યાં આત્મઘાતક જે જનો.
ન હાલતું, એક, સુવેગી ચિત્તથી;
પ્હેલું પ્હોંચે, ઇન્દ્રિયો આંબી ના શકે.
ઊભું ટપી જાતું દોડતાંને,
તેમાં ધરે કર્મને વિશ્વપ્રાણ.
તે હાલે છે, ન હાલે તે; દૂર તે, વળી પાસમાં.
આ સૌની ભીતરે તે છે, આ સૌની બ્હાર તે વળી.
પરંતુ સર્વ ભૂતોને આત્મામાં જ જુએ સદા,
આત્માને ભૂત સૌમાં, — તે એને ચાહે ન ઢાંકવા.
બન્યો આત્મા જ ભૂતો સૌ જ્યાં અનુભવજ્ઞાનીમાં,
તેને શો મોહ, શો શોક, — જે એકત્વ જુએ સદા?
અકાય સ્નાયુ-વ્રણ-હીન શુક્રને
ઘેરી વળ્યો શુદ્ધ અપાપવિદ્ધને
કવિ-મનીષી પરિભૂ-સ્વયંભૂ
જાણી લીધ તેણે જ્યમ છે તેમ નિત્યે પદાર્થો.
પ્રવેશે અંધ તિમિરે, જે અવિદ્યા ઉપાસતા;
તેથીયે વધુમાં જાણે, વિદ્યામાં રત જે વળી.
વિદ્યાથી કહ્યું છે બીજું, અવિદ્યાથી બીજું કહ્યું,
સુણ્યું ધીર જનો પાસે, — જેમણે સમજાવ્યું તે.
વિદ્યા-અવિદ્યા ઉભયે જેઓ સાથે જ તે લહે,
અવિદ્યાથી તરી મૃત્યુ, પ્રાશે વિદ્યાથી અમૃત.
પ્રવેશે અંધ તિમિરે જે અસંભૂતિને ભજે,
તેથીયે વધુમાં જાણે, જે સંભૂતિ મહીં રત.
સંભૂતિથી કહ્યું બીજું, વિનાશથી બીજું કહ્યું,
સુણ્યું ધીર જનો પાસે, — જેમણે સમજાવ્યું તે.
સંભૂતિ-નાશ ઉભયે જેઓ સાથે જ તે લહે,
વિનાશથી તરી મૃત્યુ, પ્રાશે સંભૂતિથી અમી.
સુવર્ણમય પાત્રેથી ઢંકાયું મુખ સત્યનું,
તે તું, પૂષન્, ઉઘાડી દે. સત્યનું કરું દર્શન.
પૂષન્, એકષિર્, યમ, સૂર્ય, પ્રાજાપત્ય,
ખોલ, સંકેલ રશ્મિ.
તારું તેજસ્વી જે કલ્યાણભર્યું તે જોઉં રૂપ.
તે હું છું પુરુષ પેલો પણે જે.
પ્રાણ અમૃત ચૈતન્યે હો હવે ભસ્મ દેહ આ!
ઓમ ક્રતો! સ્મર, કર્યું સ્મર. ક્રતો! સ્મર, કર્યું સ્મર.
રિદ્ધયર્થ તું સુપથે લૈ જા, અગ્નિ!
જાણે તું દેવ! સહુ કર્મ-માર્ગો;
હટાવી દે અમ પાપ વાંકું.
ઝાઝાં તુંને નમનો હો અમારાં.
ઓમ પૂર્ણ છે તે, પૂર્ણ છે તે આ, પૂર્ણથી પૂર્ણ નીકળે;
પૂર્ણમાંથી પૂર્ણ લેતાં રહે પૂર્ણ જ શેષ ત્યાં.
ઓમ શાન્તિ, શાન્તિ, શાન્તિ!
(અનુવાદ : ઉમાશંકર જોશી)