ભારતીય કથાવિશ્વ૧/પ્રાચીન સાહિત્ય અને અંગ્રેજો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ભારતીય પ્રાચીન સાહિત્ય અને અંગ્રેજો

ભારતીય પ્રાચીન સાહિત્યની સમૃદ્ધિ કદાચ અંદરખાનેથી સ્વીકારવા છતાં અંગ્રેજોએ — ખાસ કરીને રોબર્ટ ક્લાઇવના સમયમાં કે ત્યાર પછી આવેલા અંગ્રેજોએ — જાહેરમાં એનો સ્વીકાર ન કર્યો. તેમણે તો ઋગ્વેદથી માંડીને છેક અર્વાચીન યુગના ભારતીય સાહિત્ય કરતાં પશ્ચિમના સાહિત્યની એક જ અભરાઈ વધુ સમૃદ્ધ છે એમ જાહેર કર્યું. મૅક્સમૂલર જેવાના પત્રવ્યવહાર જોઈશું તો જણાશે કે તેમનો મુખ્ય ઉદ્દેશ ખ્રિસ્તી ધર્મના પ્રચારનો હતો એટલે જ ખ્રિસ્તી મિશનરીઓને ધર્માંતર માટે છુટ્ટો દોર આપી દીધો હતો. આવું ધર્માંતર ખ્રિસ્તી મિશનરીઓએ પાછળથી કર્યું પણ એ પહેલાં ઇસ્લામે આ પ્રક્રિયા આરંભી તો દીધી હતી. એક અચરજ તો થશે કે ભારતીય પ્રજાએ પોતાના ધર્મનો પ્રચાર બહુ ઓછો કર્યો. હા, સમ્રાટ અશોકે પોતાના સ્વજનો દ્વારા બૌદ્ધ ધર્મનો પ્રચાર કરાવ્યો હતો અને પછી તો સમગ્ર અગ્નિ એશિયામાં બૌદ્ધ ધર્મ છવાઈ ગયો. સાથે સાથે આપણે સ્વીકારવું જોઈએ કે મર્યાદિત ફલક પર હિંદુ ધર્મ (આ શબ્દપ્રયોગ પણ વિચારણીય છે)પ્રસર્યો — જેવી રીતે ઇન્ડોનેશિયાનું બોરોબુદર મંદિર જગવિખ્યાત છે એવી રીતે કંબોડિયાનું અંગકોરવાટ મંદિર પણ પ્રખ્યાત છે. હા, આજે સ્વામિનારાયણ સંપ્રદાયનાં મંદિરો વિશ્વમાં ઠેર ઠેર ઊભાં થઈ રહ્યાં છે. અત્યારે એક વિવાદાસ્પદ પ્રશ્ન એ છે કે આર્યોનું મૂળ વતન કયું? આર્યો બહારથી આવ્યા કે આર્યો ભારતમાંથી બહાર ગયા? ઇતિહાસકારો ઉપર પણ શંકા જન્મે એવી રીતની ચર્ચાવિચારણા ચાલી રહી છે. પરંતુ એક વાત સ્પષ્ટ છે કે પૂર્વ-પશ્ચિમની કથાઓની સમાન્તરતા, જર્મન ગ્રીમ બંધુઓના લોકકથાસંચયોમાં જોવા મળેલાં કથાઘટકો, કથાપ્રકૃતિઓ સાથે સમાંતરતા ધરાવતી ઘણી બધી કથાઓ પાછળ કયું કારણ? પ્રશિષ્ટ ગણાતી સાહિત્યકૃતિઓમાં પણ કેટલું બધું સામ્ય જોવા મળે છે? દા.ત. રામાયણની એક વાચનામાં અગ્નિદેવ બ્રાહ્મણવેશે રામલક્ષ્મણ પાસે આવીને આવનારી વિપરીત પરિસ્થિતિઓનો સંદેશ આપીને સીતાને પોતાની સાથે લઈ જાય છે અને ભાવિ અગ્નિપરીક્ષા વખતે હું તેને પાછી આપીશ એવું વચન આપે છે, તથા મૂળ સીતાને બદલે ‘છાયા સીતા’ રચીને રામને સોંપે છે. ‘હેલન’ નામની ગ્રીક ટ્રેજેડીમાં પણ છાયા હેલનની વાત આવે છે. દેવીઓ મૂળ હેલનને એક રાજાને ત્યાં અમાનત તરીકે મૂકી આવે છે અને હેલન જેવી જ સ્ત્રી સર્જીને ગ્રીક લોકો પાસે મૂકે છે, એ છાયા હેલનનું અપહરણ ટ્રોયનો રાજકુમાર કરે છે. બીજી રીતે જોઈએ તો રામાયણમાં અપહૃત સીતાને પાછી લાવવા માટે રામ રીંછ-વાનરોની સહાયથી લંકા ઉપર આક્રમણ કરે છે, એવી જ રીતે એગામેમ્નન ગ્રીક લોકોને લઈને ટ્રોય પર ચઢાઈ કરે છે. ગ્રીક લોકો લાકડાનો ઘોડો ઊભો કરીને તેમાં સૈનિકોને ગોઠવે છે. ટ્રોયવાસીઓ નગરદ્વારની બહાર મૂકેલા આ ઘોડાને તેમના પુરોહિતની ચેતવણી છતાં લઈ આવે છે અને રાતે ઘોડામાંથી ગ્રીક સૈનિકો બહાર આવીને કિલ્લાનો દરવાજો ખોલી નાખે છે. આપણી એક પ્રાચીન કથા પ્રમાણે ઉદયનને પકડવા માટે બનાવટી હાથી ઊભો કરવામાં આવે છે અને તેમાંથી સૈનિકો બહાર આવીને ઉદયનને લઈ જાય છે. મહાભારતની એક વાચનામાં દુર્યોધનના મોઢામાં ‘જાનામિ ધર્મં ન ચ મે પ્રવૃત્તિ’વાળો વિખ્યાત શ્લોક (જો કે મહાભારતની સમીક્ષિત વાચનામાં આ શ્લોક નથી) મૂકવામાં આવ્યો છે. આવા જ ભાવાર્થવાળી ઉક્તિ એક ગ્રીક ટ્રેજેડીમાં પણ આવે છે. સંસ્કૃત માતા શબ્દ માટે વિશ્વની ભાષાઓમાં જોવા મળતા જુદા જુદા શબ્દો સરખાવવા જેવા છે. mater (લેટિન), mathair (આઇરિશ), mathir (પશિર્યન), mutter (જર્મન), modir (આઇરિશ), moder (સ્વીડીશ), mor (ડેનિશ), moeder (ડચ), mere (ફ્રેન્ચ), madre (સ્પેનિશ), mamac (રૂમાનિયન), mae (પોર્ચુગીઝ), matko (ઝેક), matj (રશિયન), maika (બલ્ગેરિયન), motina (લિથુનિયન), mair (આર્મેનિયન) વિલિયમ જોન્સના આગમન પછી થયેલાં સંશોધનોથી એટલું તો સ્વીકારાયું કે ઘણીબધી ભાષાઓની સમાનતા જોતાં આ બધી ભાષાઓના મૂળમાં કોઈ એક ભાષા હોવી જોઈએ અને વિદ્વાનોએ એને નામ આપ્યું ઇન્ડોયુરોપીઅન — આ ભાષા બોલતી પ્રજા ક્યાં હતી, તે કેવી રીતે પૂર્વપશ્ચિમમાં પ્રસરી તે વિશે હજુ પણ ચર્ચાઓ ચાલ્યા કરે છે. એ કોયડાને આપણે બાજુ પર રાખીએ, એક વાત સ્પષ્ટ થાય છે કે જુદી જુદી પ્રજાઓમાં કેટલીક સાંસ્કૃતિક સમાનતાઓ તો છે જ. ભારતીય પ્રાચીન કથાસાહિત્યનો બધો આધાર વેદ, ઉપનિષદ, બ્રાહ્મણ ગ્રંથો ઉપર છે. ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદમાં આમ જોવા જઈએ તો વિવિધ દેવોની પ્રાર્થના છે. દેવતાઓએ ભૂતકાળમાં કેટલીક વ્યક્તિઓને સહાય કરી હતી, તેમની માંદગીઓ દૂર કરી હતી, કેટલીક વ્યક્તિઓને યુદ્ધમાં વિજય અપાવ્યો હતો. તો વળી કેટલીકને ધનસંપત્તિ પણ આપી હતી. ઋગ્વેદ અને અન્યત્ર આવી વ્યક્તિઓના નામનિર્દેશ થયા છે, એ દરેક સાથે અહીં કોઈ કથા જોડી કાઢવામાં નથી આવી, પરંતુ પાછળથી જે કવિઓ આવ્યા તેમણે કેટલીક કથાઓ રચી અને એમ એ કથાઓનો વિસ્તાર થતો ગયો. અહીં સ્ત્રીઓને ખૂબ જ આદરથી જોવામાં આવી છે. ઐતરેય બ્રાહ્મણમાં જોવા મળતી શુન:શેપની કથાનાં મૂળ તો વેદમાં છે, પણ આ બ્રાહ્મણમાં શુન:શેપની મુક્તિ માટે બધા દેવોની સ્તુતિ કરે છે પણ ઉષાની સ્તુતિ કર્યા પછી જ તે મુક્તિ પામે છે. અહીં સરસ્વતીને સત્ય કર્મની પ્રેરણાદાતા તરીકે આલેખવામાં આવી છે, એવી જ રીતે સૂર્ય અજ્ઞાનીને જ્ઞાન આપે, અરૂપને રૂપ આપે. આ બધા સાહિત્ય પાછળ તત્ત્વજ્ઞાન ન હોય તો તેનો કશો અર્થ નથી. જોસેફ કેમ્પબેલના ‘માસ્ક્સ ઓવ્ ગોડ’માં પ્રાચીન કાળની વિશિષ્ટતા બહુ સારી રીતે સમજાવવામાં આવી છે. ‘પ્રાચીન કાળની અહંવૃત્તિ અને તેની પોતાના વિશેની સભાનતા આપણા કરતાં જુદા પ્રકારની, ઓછી વર્જનાત્મક અને ઓછા ચોક્કસ સ્વરૂપવાળી હતી. તે જાણે કે પાછળથી ખુલ્લી હતી, એ ઘણું બધું ભૂતકાળમાંથી મેળવતી હતી અને એનું પુનરાવર્તન કરીને એને ફરી વર્તમાન બનાવતી હતી અને આવી અચોક્કસપણે અલગ પડતી અહંવૃત્તિ માટે ‘અનુકરણ’નો અર્થ, આપણે આજે જે કરીએ છીએ તેના કરતાં ઘણો વધારે થતો હતો. એમાં તો પુરાણકથા સાથેનું તાદાત્મ્ય રહેલું હતું. જીવન, અથવા કંઈ નહિ તો અર્થપૂર્ણ રચવામાં આવેલું હતું. તેનો સંદર્ભ અને તેની હૃદયસ્પશિર્તા પુરાણકથાના સંબંધમાં હતાં અને એ દ્વારા જ, પ્રાચીનતાના સન્દર્ભ દ્વારા જ જીવન પોતાને અર્થપૂર્ણ અને સચ્ચાઈવાળું ગણી શકતું. જીવનની આ ગંભીર લીલાને પુરાણકથા તરીકે, એક દૃષ્ટાંત તરીકે માનવાના પરિણામે જ જીવન એક ઉત્સવ, એક મુખવટો, એક પુનર્દૃશ્ય બની જતું. જેમાં પુરોહિતો દેવોના પ્રારૂપો તરીકે અભિનય કરતા હોય.’ (અનુવાદ : મકરંદ દવે, ‘ગર્ભદીપ’, પૃ.૧૩)