ભારતીય કથાવિશ્વ૧/મનુ અને તેના પુત્રો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મનુ અને તેના પુત્રો

મનુના પુત્ર નામાનેવિષ્ઠ માનવ જ્યારે બ્રહ્મચર્યાશ્રમમાં હતા ત્યારે તેમના મોટા ભાઈએ પિતાની સંપત્તિમાં ભાગ આપવાની ના પાડી. તે ભાઈઓ પાસે જઈને કહેવા લાગ્યો. ‘હે ભાઈઓ, મારા માટે કયો ધનભાગ છે?’ તે ભાઈઓએ મનુ તરફ આંગળી ચીંધીને કહ્યું, ‘આ ધર્મરહસ્ય રહસ્યવિદ અને ન્યાય પ્રદાતા પિતાને પૂછ.’ તે પિતા પાસે જઈને બોલ્યો, ‘હે તાત, મારા ભાઈઓએ, બધી સંપત્તિ વહેંચી લીધી છે. મારો ભાગ તમારી પાસે છે, મને આપો.’ પિતાએ કહ્યું, ‘ભાઈઓના વચનનો આદર ન કરો. બધું ધન ભાઈઓએ લઈ લીધંુ છે. અંગિરા નામના મહર્ષિ સ્વર્ગલોક માટે સત્રનું અનુષ્ઠાન કરી રહ્યા છે. તેઓ વારેવારે સત્રનું આયોજન કરીને ષષ્ઠ અહ: પર આવીને ભ્રાન્ત થઈ જાય છે. સત્રની સમાપ્તિ કરી શકતા નથી. તું આ મહર્ષિઓને ષષ્ઠ અહ:માં જઈને આ સૂક્ત કહી બતાવ. આ ઋષિઓની સહ સંખ્યાક સત્રની દક્ષિણા છે, તે સ્વર્ગલોકને પ્રાપ્ત કરનારા ઋષિઓ એ બધું ધન તને આપી દેશે.’ પુત્રે કહ્યું, ‘ભલે.’ તે મહર્ષિઓ પાસે જઈને કહેવા લાગ્યો, ‘હે શુભ મેધાવાળા અંગિરાઓ, મનુના પુત્રનો સ્વીકાર કરો.’ મુનિઓએ પૂછ્યું, ‘કઈ બુદ્ધિ વડે તું આમ કહે છે?’ ત્યારે તેણે કહ્યું, ‘હે મહર્ષિઓ, તમને આ ષષ્ઠ અહ: છે એવું જ્ઞાન કરાવીશ અને એ જ્ઞાનના અંતે સત્ર માટે સંપાદિત અનુષ્ઠાન કરી બાકી રહેલું ધન તમે સ્વર્ગ જતી વખતે મને આપી દેજો.’ તેમણે હા પાડી. તે મુનિઓને માટે આ બંને સૂક્તોને છઠ્ઠા દિવસે પ્રયોજ્યા, ત્યાર પછી તે ઋષિમુનિઓને યજ્ઞનું જ્ઞાન પ્રકૃષ્ટરૂપે થયું અને તે અનુષ્ઠાનથી સ્વર્ગલોકનું જ્ઞાન પણ થયું. સ્વર્ગે જવા ઉત્સુક અંગિરાઓએ તેને કહ્યું, ‘હે બ્રાહ્મણ, આ જે વધ્યું છે તે તારા માટે છે.’ ત્યાં ખૂબ જ કાળાં કપડાં પહેરેલો એક પુરુષ યજ્ઞભૂમિની ઉત્તરે ઊભો રહીને કહેવા લાગ્યો. ‘આ મારું છે. યજ્ઞભૂમિ ઉપર જે હોય તે બધું મારું છે.’ બ્રાહ્મણે કહ્યું, ‘આ બધું મને અંગિરાઓએ આપ્યું છે.’ ત્યારે તે પુરુષે કહ્યું, ‘હે નામાનેવિષ્ઠ, તો પછી આનો નિર્ણય કરવા તમારા પિતાને પૂછીએ.’ તે પિતા પાસે ગયો. પિતાએ કહ્યું, ‘હે બાળક, શું તને અંગિરાઓએ નથી આપ્યું?’ ‘હા, મને જ તો આપ્યું હતું.’ ‘તો પછી’? ‘કાળાં કપડાં પહેેરેલો કોઈ પુરુષ ઉત્તર દિશામાં આવીને કહેવા લાગ્યો, આ મારું છે. યજ્ઞભૂમિ પર જે કંઈ વધ્યું હોય તે બધું મારું છે. એમ કહીને બધું લઈ લીધું.’ પિતાએ કહ્યું, ‘પશુપતિ હોવાને કારણે એ બધું રુદ્રનું છે, તે તને આપી દેશે.’ તે બાળક પાછો રુદ્ર પાસે જઈને બોલ્યો, ‘ભગવન, આ બધું તમારું જ છે એવું મારા પિતાએ કહ્યું.’ ત્યારે રુદ્રે કહ્યું, ‘હે બાળક, આ બધું જ હું તને આપી દઉં છું, કારણ કે તું સત્ય બોલ્યો.’

(ઐતરેય બ્રાહ્મણ, બાવીસમો અધ્યાય, નવમો ખંડ)