ભારતીય કથાવિશ્વ૧/વિશ્વરૂપની કથા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વિશ્વરૂપની કથા

ત્વષ્ટાનો એક પુત્ર હતો. તેને ત્રણ મસ્તક અને છ આંખો હતાં અને ત્રણ મુખ હતાં. એનું રૂપ આવું હતું એટલે તેનું નામ વિશ્વરૂપ પડ્યું. તેનું એક મુખ સોમપાન માટે, બીજું મુખ સુરાપાન માટે, ત્રીજું મુખ બીજા પ્રકારના ભોજન માટે. ઇન્દ્રને તેના પર દ્વેષ હતો એટલે તેણે તેનાં મસ્તક છેદી નાખ્યાં. સોમપાનવાળા મુખમાંથી કપંજિલ/ચાતક પંખી નીકળ્યું, એટલે તે ભૂરું હોય છે. મદ્યપાનવાળા મુખમાંથી ગૌરઢ્યા (કલવંકિ) નીકળ્યું એટલે તે થોથવાતી જીભે બોલે છે; જે સુરા પીએ છે તેની વાણી લથડિયાં લે છે. અને ત્રીજું મુખ બીજું બધું ખાનારું હતું તેમાંથી તેતર પ્રગટ્યાં એટલે એમનાં શરીર પર એવા ડાઘ દેખાય છે; કેટલાક ડાઘ ઘી જેવા, કેટલાક મધ જેવા. તેણે જુદા જુદા રંગના પદાર્થનું ભક્ષણ કર્યું હતું. ત્વષ્ટાને ક્રોધ પ્રગટ્યો. ‘શું ખરેખર મારા પુત્રને મારી નાખ્યો?’ એટલે જે સોમમાં ઇન્દ્રનો ભાગ ન હતો તે લઈ આવ્યો, જે સમયે ઇન્દ્રનો ભાગ ન હતો તે સમયે એમાંથી સોમ કાઢ્યો હતો. ઇન્દ્રે વિચાર્યું : આ મને સોમથી વંચિત્ રાખે છે, તેણે વગર બોલાવે જ સોમ પી લીધો, જેવી રીતે બળવાન નબળાનું પી જાય છે તેવી રીતે. સોમે તેને પીડા પહોંચાડી. સોમ તેના બધા પ્રાણોમાંથી વહેવા લાગ્યો, માત્ર મોંમાંથી વહ્યો નહીં. એટલે સોત્રામણિ ઇષ્ટિ થઈ. એમાં બતાવવામાં આવે છે કે દેવતાઓએ તેને કેવી રીતે સારો કર્યો. ત્વષ્ટાને ક્રોધ પ્રગટ્યો. શું વગર બોલાવે તે સોમ પી ગયો? તેણે પોતે યજ્ઞભંગ કર્યો. કળશમાં વધેલા ચોખા સોમને (અગ્નિ) હોમીને કહ્યું, ‘ઇન્દ્રશત્રુ જેનો તું છે તે વિસ્તૃત થા.’ જે ક્ષણે તે અગ્નિમાં હોમાયા તે જ ક્ષણે તે વિસ્તર્યો, તે અગ્નિ સોમ અને સર્વ વિદ્યાઓ, સર્વ યશ, સર્વ અન્ન, સર્વ શ્રીથી સંપન્ન થયો. તે વિસ્તર્યો અને વૃત્ર બન્યો. તે પગ વિના કૂદ્યો એટલે સર્પ બન્યો. દનૂએ અને દનાયુએ તેને પુત્રની જેમ સ્વીકાર્યો. તેઓ તેને દાનવ કહેવા લાગ્યા. ત્વષ્ટાએ કહ્યું હતું કે તું વિસ્તૃત થા અને ઇન્દ્રશત્રુ બન. એટલે ઇન્દ્રે તેનો વધ કર્યો. જો તેણે એવું કહ્યું હોત કે ઇન્દ્રશત્રુ, તું વિસ્તર.’ તો વૃત્રે નિશ્ચિત ઇન્દ્રનો વધ કર્યો હોત. (શતપથ બ્રાહ્મણ ૧.૬.૩)