ભારતીય કથાવિશ્વ૧/વૃત્રાસુરને લગતી ઋચાઓ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વૃત્રાસુરને લગતી ઋચાઓ

પ્રજાનું હિત કરનારા ઇન્દ્રે પ્રજાનું અહિત કરનારા વૃત્રને માર્યો. ઇન્દ્રનું વજ્ર ઘોર અવાજ કરવા લાગ્યું, સોપાન કરનારા ઇન્દ્રે માયાવી દાનવની માયાને દૂર કરી. (ઋગ્વેદ ૨.૧૧.૧૦)

હે મરુતો, મેં મારી શક્તિથી વૃત્રને માર્યો, મારી જ શક્તિથી શક્તિશાળી બન્યો. વજ્ર હાથમાં ધર્યું. મનુષ્યોના હિતાર્થે બધાને આનંદ આપનાર સરળતાથી વહેનારા જળપ્રવાહો પ્રગટ કર્યા. (ઋગ્વેદ ૧.૧૬૫.૮)

હે ઇન્દ્ર, શરદ ઋતુમાં વસવા યોગ્ય શત્રુઓના નગરનો ધ્વંસ કર્યો ત્યારે શત્રુસૈનિકોનો વધ કર્યો, તમે જળપ્રવાહો વહેવડાવ્યા, પુરુકુત્સને માટે વૃત્રનો વધ કર્યો. (ઋગ્વેદ ૧.૧૭૪.૨)

ઇન્દ્રે જળમાં સૂતેલા મહામાયાવી વૃત્રને માર્યો. તે સમયે બળવાન ઇન્દ્રના વજ્રના ભયથી બંને લોક કાંપવા લાગ્યા. (ઋગ્વેદ ૧.૧૧.૯) ઇન્દ્રે મરુતોની સહાયથી વૃત્રનો વધ કર્યો. હવિ માટે ગાયો સર્જી. (ઋગ્વેદ ૩.૩૧.૧૧)

હે ઇન્દ્ર, તમે તેજસ્વી જળને રોકીને બેઠેલા ગુણહીન, સૂતેલા વૃત્રને વેગવાન વજ્રથી માર્યો. તેણે રોકેલા જળને અશ્વોની જેમ મુક્ત કર્યાં. (ઋગ્વેદ ૩.૩૨.૬)

જે વૃત્ર માટે અન્ન આપતા હતા તેમનું નામ જનની અદિતિએ કહી દીધું. (ઋગ્વેદ ૨.૩૦.૨)

વૃત્ર અંતરીક્ષમાં બહુ ઊંચે હતો એટલે ઇન્દ્રે વૃત્ર ઉપર વજ્ર ફેંક્યું, ત્યારે પણ મેઘથી છવાયેલો વૃત્ર દોડ્યો પણ ઇન્દ્રે શત્રુ પર વિજય મેળવ્યો. (ઋગ્વેદ ૨.૩૦.૩)

હે ઇન્દ્ર, તમે પોતાના સ્થાનથી ન ખસનારા શત્રુઓને હલાવી મૂકો છે અને વૃત્રોને મારો છો તથા સર્વત્ર એકલા વિચરો છો. દ્યાવા-પૃથિવી-પર્વત તમારા માટે અનુકૂળ થાય છે. (ઋગ્વેદ ૩.૩૦.૪)

અનેક દ્વારા બોલાવાતા ઐશ્વર્યવાન (મઘવન) બલયુક્ત તમે એકલાએ જ વૃત્રનો વધ કરીને જે અભયકારક કહ્યું છે તે સત્ય છે. તમે દ્યુલોક અને પૃથ્વી પર અધિકાર જમાવ્યો. (૩.૩૦.૫)

ઉત્સાહવર્ધક નીતિવાળા ઇન્દ્રે વૃત્રને રોક્યો, કુશળ ઇન્દ્રે માયાવી અસુરોને માર્યા, શત્રુવધની ઇચ્છાથી ઇન્દ્રે પર્વતમાં છુપાયેલા અસુરોનાં અંગ વાઢ્યાં અને અન્ધકારમાં છુપાયેલી ગાયો પકડી. (ઋગ્વેદ ૩.૩૪.૩)

ઇન્દ્રે વૃત્રને માર્યો, અન્ધકારમાં ડૂબેલાં ઉષાઓને આમ મુક્ત કરી. વાદળોમાં રહેલા વૃત્ર દ્વારા રોકાયેલી નદીઓને પૃથ્વી પર વહેવા પ્રેરી. (ઋગ્વેદ ૪.૧૯.૮)

વૃત્રનો સંહાર કરનારા ઇન્દ્ર, તમે દાનુના પુત્ર વૃત્રનો વધ કર્યો. (ઋગ્વેદ ૪.૩૦.૭)

જળપ્રવાહ રોકનારા વૃત્રનો વધ કર્યો. (ઋગ્વેદ ૬.૭૨.૩)

જેવી રીતે વીજળી વૃક્ષ પર પ્રહાર કરે છે એવી રીતે જળ રોકનારા વૃત્રને મારી નાખે છે. (ઋગ્વેદ ૧.૧૪.૨)

સુદાસના ઘોડાને છોડી મૂકો. તેજસ્વી ઇન્દ્રે સામેથી, પાછળથી, ઉપરથી શત્રુઓને માર્યા. (વૃત્રને માર્યો) (ઋગ્વેદ ૩.૫૩.૧૧)

ઇન્દ્રે મોટા વજ્રથી વૃત્રનો સંહાર કર્યો, પહેલાં કુહાડીથી વૃક્ષની શાખાઓની જેમ તેના બાહુ છેદ્યા, અને ભૂમિ પર પાડી દીધો.

અમે મોટાં યુદ્ધોમાં ઇન્દ્રને સહાય માટે બોલાવીએ છીએ, નાનાં યુદ્ધોમાં વજ્રધારીને, વૃત્રના સંહારકને બોલાવીએ છીએ. (ઋગ્વેદ ૧.૭.૫)

પોતાને અહંકારી (મદોન્મત્ત) અને અપ્રતીમ યોદ્ધા માનનારા વૃત્રે મહાવીર, શત્રુઓને પરાજિત કરનારા, શત્રુનાશી ઇન્દ્રને લલકાર્યા, ત્યારે ઇન્દ્રનો સામનો ન કરી શક્યો અને તે ઇન્દ્રશત્રુએ પડતાં પડતાં નદીઓના કિનારા તોડી નાખ્યા.

હાથપગ કપાઈ ગયા પછી પણ વૃત્ર ઇન્દ્ર સાથે યુદ્વ કરવા માગતો હતો, ઇન્દ્રે તેના મસ્તક પર (ખભા પર પણ?) વજ્રનો પ્રહાર કર્યો, નિર્બળ બળવાન સામે લડે એવી રીતે તે ઇન્દ્ર સામે લડતો રહ્યો, છેવટે અનેક ઘા થવાથી તે પૃથ્વી પર પડી ગયો.

પૃથ્વી પર સૂતેલા વૃત્રને ઓળંગીને પુરને કારણે કિનારાઓને છિન્નભિન્ન કરતી નદીની જેમ જે જળપ્રવાહોને વૃત્રે રોકી રાખ્યા હતા તે મનોહર જળપ્રવાહો વહેતા થયા. એ બધાના ચરણોની નીચે તે સ્યં અહિ બની ગયો.

વૃત્રની માતા પુત્રને બચાવવા તેના ઉપર સૂઈ ગઈ, પણ ઇન્દ્રે તેની માતાની નીચેથી વૃત્રને સંહાર્યો, તે સમયે માતા ઉપર હતી, પુત્ર નીચે હતો; જેવી રીતે ગાય વાછરડા સાથે સૂઈ જાય છે તેવી રીતે દાનુ વૃત્રમાતા પુત્ર ઉપર સૂઈ ગઈ.

અસ્થિર અને અવિરત ગતિ કરનારા જળપ્રવાહોની વચ્ચે વૃત્રનું શરીર સંતાયેલું હતું, તેના ઉપરથી જલપ્રવાહો વહી જતા હતા. ઇન્દ્રશત્રુ વૃત્રે ઘણો અન્ધકાર ફેલાવી મૂક્યો હતો.

જેવી રીતે પણી નામના અસુરે ગાયો છુપાવી રાખી હતી તેવી રીતે વૃત્રે જળપ્રવાહોને રોકી રાખ્યા હતા, જળનું જે દ્વાર બંધ હતું તે વૃત્રના વધ પછી ખૂલી ગયું. (જળપ્રવાહો વહેવા લાગ્યા) જળપ્રવાહો ખેતરમાંથી વહેવા લાગ્યા, પણ વૃત્ર નૌકાઓ દ્વારા પ્રવેશપાત્ર નદીઓમાં વૃદ્ધિ પામવા લાગ્યો, ઇન્દ્રે ધૈર્યપૂર્વક મન વડે એ શત્રુને ઘાતક વજ્રથી મારી નાખ્યો.

ભૂમિ પર સૂતેલા વૃત્રના સૈન્યનો ઇન્દ્રે વધ કર્યો. અને શંગ ધરાવતા શોષક વૃત્રનો વધ થોડા જ સમયમાં કર્યો. હે ઇન્દ્ર, તમારી પાસે જે બળ અને વેગ હતા તેનાથી શત્રુનો વજ્ર વડે વધ કર્યો.

આ ઇન્દ્રનું વજ્ર શત્રુઓ ઉપર આક્રમણ કરવા લાગ્યું, તીક્ષ્ણ અને બળવાન વજ્રથી ઇન્દ્રે તેમનાં નગરોને ધ્વસ્ત કર્યાં. વજ્ર વડે આક્રમણ કર્યું, શત્રુનાશક ઇન્દ્રે પોતાની તીક્ષ્ણ બુદ્ધિ દાખવી.

ઇન્દ્રના વજ્ર ઉપર અદ્વિતીય યુદ્ધનિપુણ વૃત્રે આક્રમણ કર્યું, જાણે તમારા પર જ. ત્યારે તમે ઘોડાનું પૂંછડું હલાવાય તેમ તે આક્રમણને ખાળી લીધું અને ગાયોને મેળવી. હે ઇન્દ્ર, તમે સોમ પ્રાપ્ત કર્યો અને સાતેય સિન્ધુઓના પ્રવાહને ગતિમાન કરી દીધા.

હે ઇન્દ્ર, શક્તિમાન વીરોએ આક્રમણ કર્યું તો પણ તમે એકલાએ ધનવાન વૃત્રનો વધ કર્યો, તમારા ધનુષ્યનો નાશ કરવા માટે જ્યારે તેમણે આક્રમણ કર્યું પણ ત્યારે યજ્ઞ ન કરનારા દાનવોનું મૃત્યુ થયું.

હે ઇન્દ્ર, વૃત્રનો વધ કરતી વખતે તમારા હૃદયમાં ભય પ્રગટ્યો હતો? તમે એના વધ માટે બીજા કોઈ વીરની પ્રતીક્ષા કરતા હતા? તમે તો નવ્વાણુ જળપ્રવાહોને બાજ પક્ષીની જેમ સહજ રીતે પાર કરી દીધા. (ઋગ્વેદ ૧.૨-૧૪)

સોમ રૂપી હવિષ્ય અન્ન મેળવીને પ્રસન્ન થયેલા ઇન્દ્રદેવે જળપ્રવાહોને રોકનારા વૃત્રને મારીને પાણીમાં વહેવડાવ્યો, હજારો રીતે સંરક્ષણ કરનારા ઇન્દ્ર જળપ્રવાહોમાં પર્વતની જેમ અચ્યુત — સ્થિર થઈ ગયા. (ઋગ્વેદ ૧.૫૨.૨)

હે ઇન્દ્ર, જ્યારે તમે શત્રુનો સંહાર કરનારા વજ્રથી વૃત્રના મોં પર ઘા કર્યો ત્યારે મરુતોએ તમારી પ્રશંસા કરી અને બધા દેવોએ તમને ઉત્સાહિત કર્યા. (ઋગ્વેદ ૧.૫૨.૧૫)

જળધારાઓને રોકનારો અન્ધકાર અનેક પર્વવાળા વૃત્રના પેટમાં જળ રોકીને બેસી ગયો ત્યારે ઇન્દ્રે વૃત્ર દ્વારા રોકાયેલા બધા જળપ્રવાહોને નીચે વહેવડાવ્યા. (ઋગ્વેદ ૧.૫૪.૧૦)

હે ઇન્દ્ર, શત્રુનો વધ કરનારા તમે વૃત્રે ઢાંકી દીધેલા અને સર્વને ધારણ કરનારા, નષ્ટ ન થનારાં જળને બધી દિશાઓમાં વહેવડાવ્યાં, સોમથી હર્ષ પામીને વૃત્રને માર્યો અને જળપ્રવાહોને નીચે વહેવડાવ્યા. (ઋગ્વેદ ૧.૫૬.૫)

ઉત્તમ વૃષ્ટિ ન કરનારા અસુર સાથે યુદ્ધ કરવા તત્પર ઇન્દ્રની સહાય માટે જેવી રીતે નદીઓ હેઠવાસમાં વહે છે એવી રીતે મરુતો ગયા. સોમથી બળવાન થયેલા વજ્રધારી ઇન્દ્રે વલ અસુરને મારીને જાણે ત્રણે સીમાઓને મુક્ત કરી. (ઋગ્વેદ ૧.૫૨.૫)

હે ઇન્દ્ર, તમે જળપ્રવાહોને રોકનારા મેઘોને વરસાવ્યા, પર્વતમાં રહેનારા વૃત્ર પાસેથી ધન હરી લીધું. જ્યારે બળપૂર્વક વૃત્ર અને અહિનો વધ કર્યો, ત્યાર પછી સૂર્યનું દ્યુલોકમાં આરોહણ કરાવ્યું. (ઋગ્વેદ ૧)

જ્યારે વૃત્ર જળપ્રવાહોને રોકીને અન્તરીક્ષના ગર્ભમાં સૂઈ ગયો હતો ત્યારે જળપ્રવાહોને મુક્ત કરવા માટે હે ઇન્દ્રદેવ, તમે ભારે પુરુષાર્થથી વશ થનારા વૃત્રની હડપચી પર વજ્રથી પ્રહાર કર્યો. એનાથી તમારી કીતિર્ ચારે દિશાઓમાં પ્રસરી અને તમારું બળ સૌએ પારખ્યું. (ઋગ્વેદ ૧.૫૨.૬)

હે ઉત્તમ કર્મ કરનારા ઇન્દ્ર, તમે મનુષ્યોના લાભાર્થે ઘોડા પર ચઢીને, અત્યન્ત મજબૂત વજ્રને હાથમાં રાખીને વૃત્રને માર્યો અને દર્શન કરી શકાય એટલે સૂર્યને દિવ્યલોકમાં સ્થાપ્યો. (ઋગ્વેદ ૧.૫૨.૮)

વૃત્રના ભયથી મનુષ્યોએ સુખકારક, બળપ્રદ, આહ્લાદક સ્વર્ગીય ઋચાઓની રચના કરી, ત્યારે મનુષ્યોના હિતમાં યુદ્ધ કરનારા, દ્યુલોકની રક્ષા કરનારા મરુતોએ ઇન્દ્રની સહાય કરી. (ઋગ્વેદ ૧.૫૨.૯)

હે ઇન્દ્ર, સોમપાનથી આનંદિત થઈને દ્યુલોક અને પૃથ્વીલોકને ત્રાસ આપનારા વૃત્રના મસ્તકને બળપૂર્વક વજ્રથી કાપી નાખ્યું. આકાશ પણ વૃત્રની વિકરાળ ગર્જનાથી કાંપવા લાગ્યું. (ઋગ્વેદ ૧.૫૨.૧૦)

હે ઇન્દ્ર, બળ દ્વારા જળપ્રવાહોને પૃથ્વીનાં બધાં જ સ્થાનોમાં પ્રસાર્યા, સોમના ઉત્સાહમાં વૃત્રનો વધ કર્યો. (ઋગ્વેદ ૧.૫૬.૬)

હે વજ્રધારી ઇન્દ્ર, મહાન-બળવાન મેઘોના વજ્ર વડે ટુકડેટુકડા કર્યા અને રોકાયેલા જળપ્રવાહોને બહાર કાઢ્યા, કેવળ તમે જ બધાં બળને ધારણ કરો છો અને એ જ સત્ય છે. (ઋગ્વેદ ૧.૫૭.૬) બધા જન વૃત્રનાશકની પાસે જાય છે, વૈશ્વાનર અગ્નિ દસ્યુનો વધ કરે છે, દિશાઓને કંપાવે છે, શંબરનો નાશ કરે છે. (ઋગ્વેદ ૧.૫૯.૬)

ઉત્તમ જ્ઞાની ઇન્દ્રે પોતાના બળથી શોષણ કરનારા વૃત્રને વજ્રથી કાપી નાખ્યો, જેવી રીતે ગાયોને રોકી રાખેલી તેવી રીતે વૃત્રે ઘેરેલી અવનિને મુક્ત કરી, હવિદાતાઓને અન્ન અર્પ્યું. (ઋગ્વેદ ૧.૬૧.૧૦)

હે ઇન્દ્ર, શત્રુઘ્ન, સર્વના સ્વામી, અપરિમિત બળ ધરાવતા ઇન્દ્ર, આ વૃત્ર પર વજ્રનો પ્રહાર કરો, પ્રવાહો વહે એટલે વજ્રપ્રહારથી ભૂમિ સમતલ કરો. (ઋગ્વેદ ૧.૬૧.૧૨)

હે ઇન્દ્ર, તમારું વજ્ર નેવું નૌકાઓથી ઘેરાયેલા વૃત્રને વિચલિત કરવામાં સમર્થ છે. તમે પરાક્રમી છો, તમારા બાહુ બળવાન છે. એટલે જલરોધક વૃત્રનો સંહાર કરો. (ઋગ્વેદ ૧.૮૦.૮)

ઇન્દ્રે બળપૂર્વક વૃત્રની સેનાનો નાશ કર્યો. પોતાના સ્વરાજ્યની પૂજા કરતા કરતા વૃત્રનો સંહાર કર્યો અને જળપ્રવાહોને મુક્ત કર્યા. (ઋગ્વેદ ૧.૮૦.૧૦)

હે વજ્રધારી ઇન્દ્ર, સ્વરાજ્યની પૂજા કરતા કરતા, મરુતોનો સાથ લઈને વૃત્રનો વધ કર્યો, તે સમયે બંને લોક તમારા ક્રોધથી કંપી ઊઠ્યા. (ઋગ્વેદ ૧.૮૦.૧૧)

વૃત્ર ઇન્દ્રને પોતાના બળથી કે ગર્જનાથી ઇન્દ્રને ડરાવી ન શક્યો. ઇન્દ્રે વિદ્યુત્ જેવા તીક્ષ્ણ વૃત્ર પર હજારો ધારવાળા વજ્રથી પ્રહાર કર્યો. (ઋગ્વેદ ૧.૮૦.૧૨)

સ્વરાજ્યની પૂજા કરતા કરતા ઇન્દ્ર તમે વૃત્ર ઉપર અને તેના તીક્ષ્ણ શસ્ત્ર વિદ્યુત્ પર પ્રહાર કર્યો. (ઋગ્વેદ ૧.૮૦)

સંસારને ભયભીત કરનાર વૃત્રનું મસ્તક વજ્રથી દૂર ફંગોળાયું. (ઋગ્વેદ ૮.૭.૬)

નદીના જળને રોકનાર વૃત્ર સુધી બે અશ્વોએ પહોંચાડ્યા. (૮.૧૨.૨૭)

વૃત્રનો વધ એકલે હાથે કર્યો. (૮.૬૧.૧૫) ૮.૬૬.૩) (૮.૬૬.૧૦) વૃત્રે રોકેલા પ્રવાહો મુક્ત કર્યા.

ગર્જના કરતા શત્રુનો વધ કરવાવાળા ઇન્દ્રની કીતિર્ વિસ્તારવા જળ વહેવા લાગ્યું. એ બળવાન વૃત્રે જળને અંધકારથી ઘેરી રાખેલું; તેજસ્વી ઇન્દ્રે વૃત્રને માર્યો.

પોતપોતાના સામર્થ્ય વડે ઇન્દ્ર-વૃત્ર યુદ્ધે ચઢ્યા. વૃત્રનો નાશ થયો એટલે અંધકારનો નાશ થયો. તેજસ્વી ઇન્દ્ર પૂર્વવત્ બધાનો સ્વામી બન્યો. (૧૦.૧૧૩.૬-૭)

શૌર્યકર્મ કરનારા, શૂરવીર, કામનાપૂરક, વજ્રધારી ઇન્દ્ર, તમે વૃત્રને માર્યો, યુદ્ધમાં તમે અસુરોને પરાઙ્મુખ કર્યા અને કુત્સનો યશ ફેલાવ્યો. (ઋગ્વેદ ૧. ૬૩.૪)

હે વજ્રધારી ઇન્દ્ર, શ્યેન (બાજ) દ્વારા આણવામાં આવેલા આનંદદાયક, બળવર્ધક સોમરસે તમારા આનંદમાં વૃદ્ધિ કરી. તમે બળ વડે વૃત્રનો વધ કર્યો, જળથી દૂર કર્યો... (ઋગ્વેદ ૧.૮૦.૨)

હે ઇન્દ્ર, શત્રુ સામે જાઓ, એને બધી બાજુએથી ઘેરી લો, એનો વિનાશ કરો, તમારા વજ્રનો કદી પરાભવ નહીં થાય, તમે તમારા સ્વરાજ્યનો સત્કાર કરીને વૃત્રનો વધ કરો અને જળપ્રવાહોને જીતી લો. (ઋગ્વેદ ૧.૮૦.૩)

હે ઇન્દ્ર, સ્વરાજ્યનો આદરસત્કાર કરીને ભૂમિ પર અને દ્યુલોકમાં વૃત્ર નિ:શેષ થાય એ જુઓ. મરુતગણોથી યુક્ત જળપ્રવાહોને મુક્ત કરો. (ઋગ્વેદ ૧.૮૦.૪)

આનંદમાં આવીને ઇન્દ્રે સ્વરાજ્યની સદા પૂજા કરતા સેંકડો પર્વવાળા વજ્રથી વૃત્રની હડપચી પર પ્રહાર કર્યો. (ઋગ્વેદ ૧.૮૦.૬)

વૃત્રાસુર, નમુચિનો ઇન્દ્રે વધ કર્યો. (ઋગ્વેદ ૭.૧૯.૫) કુત્સને લગતી ઋચાઓ

હે ઇન્દ્ર, તમે સૂર્યચક્ર લઈ લીધું, વાયુના અશ્વો દ્વારા શુષ્ણને મારવા કુત્સ પાસે વજ્ર લઈ જાઓ. (ઋગ્વેદ ૧.૧૭૫.૪)

કુત્સના રક્ષણ માટે શુષ્ણ, અશુષ, કુયવ — અસુરોને માર્યા, દિવોદાસ માટે શંબરાસુરનાં નવ્વાણુ નગર તોડ્યાં. (ઋગ્વેદ ૨.૧૯.૬)

કુત્સ ઋષિ પર સ્નેહ હોવાને કારણે તેમની રક્ષા કરી. શત્રુઓની સાથે યુદ્ધ કરનારાનું રક્ષણ કર્યું. તે વેળા તમારા ઘોડાઓની ખરીઓથી ઊડેલી રજ દ્યુલોક સુધી ફેલાઈ ગઈ. શ્વેત્રૈયની પણ તમે રક્ષા કરી. અહિને લગતી ઋચાઓ

હે ઇન્દ્ર, અહિ અસુરે રોકી રાખેલાં પાણીને તમે મુક્ત કર્યાં, ભૂમિ પર વહેવડાવ્યાં, પોતાની જાતને ઘમંડી, અમર માનનારને નષ્ટ કર્યો. (ઋગ્વેદ ૨.૧૧.૨)

હે ઇન્દ્ર, ગુફામાં સંતાયેલા માયાવી અહિને (જેણે પાણી રોકી રાખેલાં) માર્યો. (ઋગ્વેદ ૨.૧૧.૫)

અનેક પદાર્થો સર્જનારા, બળવાન ઇન્દ્ર, તમે ચારે બાજુ પાણી રોકીને સૂતેલા બળવાન અહિને માર્યો. (ઋગ્વેદ ૩.૩૨.૧૧)

ઇન્દ્રે હાથમાં વજ્ર લઈ અહિને માર્યો. (ઋગ્વેદ ૫.૨૯. ૫.૩૦.૬)

જેણે અહિ(મેઘ)ને મારી સાત નદીઓ વહેવડાવી, જેણે વલ અસુરે સંતાડેલી ગાયો મુક્ત કરી, જેણે પથ્થરો વચ્ચે અગ્નિને ઉત્પન્ન કર્યો. (ઋગ્વેદ ૨.૧૨.૩)

જેવી રીતે પક્ષી પોતાના માળામાં જાય છે, નદીઓ એમ વહે છે, હાથમાં વજ્ર લઈને ઇન્દ્રે જળને રોકનારા અહિને માર્યો. (ઋગ્વેદ ૨.૧૯.૨)

વજ્રી (વજ્રધારી) એટલે કે ઇન્દ્રે કરેલાં ભૂતકાલીન પરાક્રમોનું વર્ણન કરીએ છીએ. તેમણે અહિનો વધ કર્યો. ત્યાર પછી જળપ્રવાહોને વહેવડાવ્યાં; પર્વતો કોરીને નદીઓના માર્ગ કિનારા સર્જ્યા.

પર્વત પર આશ્રય લેનારા અહિનો વધ કર્યો, ત્વષ્ટાએ ઇન્દ્ર માટે શબ્દવેધી વજ્ર બનાવ્યું હતું; જેવી રીતે ગાયો હમ્ભારવ કરતી (વાછરડાં પાસે) દોટ મૂકે છે તેવી રીતે એ જળપ્રવાહ સમુદ્રની દિશામાં ગતિ કરી ગયો.

બળવાન ઇન્દ્રે સોમરસ સ્વીકાર્યો, ત્રણ પાત્રોમાં મૂકેલા રસનું પાન કર્યું, મઘવાએ બાણ અને વજ્ર હાથમાં ધારણ કર્યાં અને અહિઓમાં મુખ્ય અહિનો ઘાત કર્યો.

હે ઇન્દ્ર, અહિઓમાં અગ્રણી અહિનો તમે વધ કર્યો, માયાવીઓની માયાનો વધ કર્યો, પછી સૂર્ય અને ઉષાને પ્રગટ કર્યા, ત્યારે તમારો કોઈ શત્રુ ન રહ્યો.

ઇન્દ્ર જ્યારે યુદ્ધ કરતા હતા ત્યારે વિદ્યુત્, હિમવર્ષા કે મેઘગર્જના પણ તેમને અટકાવી શક્યા નહિ. ઇન્દ્ર અને અહિ યુદ્ધ કરવા લાગ્યા. તે સમયે મઘવાએ અસુરોનાં બધાં જ આક્રમણો ઉપર વિજય મેળવ્યો. દભીતિ ઋષિ, શુષ્ણાસુર, અશ્નાસુર, કૃષ્ણાસુરને લગતી ઋચાઓ

દભીતિ ઋષિની સહાય કરી દસ્યુઓનો વિનાશ કર્યો. (ઋગ્વેદ ૧.૧૩.૯)

ઇન્દ્રે દભીતિ ઋષિનું અપહરણ કરીને લઈ જતા અસુરોને ઘેરીને બધાં અસ્ત્રશસ્ત્ર સળગાવી મૂક્યાં. (ઋગ્વેદ ૨.૧૫.૪)

દભીતિના રક્ષણ માટે ચુમુહિ અને ધુનિ રાક્ષસોને દીર્ઘ નિદ્રામાં સુવાડ્યા. (ઋગ્વેદ ૨.૧૫.૯)

હે ઇન્દ્ર, તમે (અનેક કાર્યોના કર્તા) ધનવાન નાર્મરને મારવા અન્નપ્રાપ્તિ માટે, દસ્યુઓના વિનાશ માટે વજ્ર ફેંક્યું. (ઋગ્વેદ ૨.૧૩.૮)

શુષ્ણાસુરનો વધ કરનાર ઇન્દ્ર, તમારો જય થાઓ. (ઋગ્વેદ ૩.૧૧.૮)

અંગિરાઓની સ્તુતિ સ્વીકારનાર ઇન્દ્ર સૂર્ય પાસેથી ઉષાનું અપહરણ કરનારા અશ્નાસુરનાં નગરોને નષ્ટ કરે છે. (ઋગ્વેદ ૨.૨૦.૫)

વૃત્રહન્તા, શત્રુનગરોના વિધ્વંસક ઇન્દ્રે કૃષ્ણાસુરની સ્ત્રીઓને મારી નાખી (ઋગ્વેદ ૨.૨૦.૨) (દાસ વંશ ખતમ થયો)

હે ઇન્દ્ર, તમે ક્રિવીનો વિનાશ કર્યો. (ઋગ્વેદ ૨.૨૨,૨) શંબર, બલાસુર, પણિઓ, વલ અસુર, સરમાને લગતી ઋચાઓ

શત્રુઓને નમાવ્યા, ક્રોધથી શંબરને વિદાર્યો, ધન-ગાયવાળા પર્વતમાં પ્રવેશ્યો. (ઋગ્વેદ ૨.૨૨.૨)

બલાસુરનો વધ કરી ગાયો છોડાવી (ઋગ્વેદ ૨.૨૪.૩)

પણિઓએ ગુફામાં સંતાડેલી ગાયો ઇન્દ્રે મેળવી. (ઋગ્વેદ ૨.૨૪.૩) હે ઇન્દ્ર, ગાયોના વાડા (વ્રજ) પર અધિકાર જમાવનાર, સંગ્રહ કરનાર વલ અસુર વજ્રથી ભયભીત થઈને મૃત્યુ પામ્યો. જળ વહે એટલે માર્ગ સરળ કર્યા, ઇન્દ્રથી પ્રેરિત થઈ જળ વહેવા માંડ્યાં. (ઋગ્વેદ ૩.૩૦.૧૦)

હે અધ્વર્યુઓ, જે ઇન્દ્રે દભીકનો વધ કર્યો, જેણે ગાયો શોધી કાઢી અને વલને ખુલ્લો કર્યો. (ઋગ્વેદ ૧.૧૪.૩)

સરમાએ પર્વતના ભગ્ન ભાગોને જાણી લીધા. ઇન્દ્રે એક સીધો, પહોળો માર્ગ બનાવ્યો, ત્યારે ઉત્તમ પગવાળી (સુપદી) સરમા ઇન્દ્રને દોરી ગઈ; નષ્ટ થનારી ગાયોનો અવાજ સાંભળીને સરમાએ ગાયો મેળવી. (ઋગ્વેદ ૩.૩૧.૬)

અત્યન્ત શ્રેષ્ઠ જ્ઞાની ઇન્દ્ર મૈત્રીની ઇચ્છાથી પર્વત પાસે ગયા, પર્વતે સુકૃત કરનારા ઇન્દ્ર માટે પોતાના ગર્ભમાં છુપાયેલી ગાયો(કિરણો) મેળવી. અંગિરાએ ઇન્દ્રની શીઘ્ર પૂજા કરી.(ઋગ્વેદ ૩.૩૧.૭) અગ્નિને લગતી ઋચાઓ

અગ્નિએ મમતાના આંધળા પુત્રને બચાવ્યો. (ઋગ્વેદ ૪.૪.૧૩)

મહાન, સ્તુતિ કરતા, સોમયાગ કરતા કક્ષીવાન રાજા માટે ઓછા આયુષ્યવાળી વૃચયા સ્ત્રી આપી, વૃષ્ણશ્ચ રાજા માટે મેના આપી, આ બધાં કાર્યો કથનયોગ્ય છે. (ઋગ્વેદ ૧.૫૧.૧૨)

અગ્નિની સાથે સાથે તુર્વશ, યદુ અને ઉગ્રદેવને આમત્રીએ છીએ. દુષ્ટોનું દમન કરવા બલ આપનારના અગ્નિ નવવાસ્તુ, બૃહદ્રથ, તુર્વીતિને પણ લઈને આવે છે. (ઋગ્વેદ ૧.૩૬.૧૮)

હે મહાન કર્મ કરનારા જાતવેદ, તમે જેવી રીતે પ્રિયમેવ(જેને બુદ્ધિ પ્રિય છે), અત્રિ(ભ્રમણ કરનારા), વિરૂપ (વિશેષ રૂપવાન), અંગિરા (અંગરસનો જ્ઞાતા)ની પ્રાર્થના સાંભળી હતી તેવી રીતે પ્રસ્કણ્વ (વિશિષ્ટ વ્યાખ્યાતા)ની પ્રાર્થના પણ સાંભળો. (ઋગ્વેદ ૧.૪૫.૩)