ભારતીય કથાવિશ્વ૧/સત્યકામ અને જબાલાની કથા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સત્યકામ અને જબાલાની કથા
(ભારતભરમાં જાણીતી થયેલી આ કથા સત્યવક્તાપણું, નિર્ભયતા, પારદશિર્તા જેવા ગુણો ધરાવે છે. હજારો વર્ષ પહેલાં સંતાનની પાછળ પિતાના નામને બદલે માતાનું નામ રાખવાની રૂઢિ અહીં સૂચવાય છે. કોઈ પણ પ્રકારના શરમસંકોચ વિના જબાલાએ પોતાના એ પુત્રને વાત કહી દીધી.)

એક હતી જબાલા, તેનો પુત્ર સત્યકામ. બીજાઓની જેમ તેને પણ ગુરુના આશ્રમમાં જઈને અધ્યયન કરવાનું મન થયું. પણ ગુરુ તો બધા શિષ્યોનાં ગોત્ર જાણીને આશ્રમમાં દાખલ કરે. સત્યકામને આની જાણ. એટલે તેણે માને કહ્યું, ‘હું બ્રહ્મચર્ય પાળીને ગુરુના આશ્રમે જવા માગું છું, તો તું મને મારું ગોત્ર કહે.’ જબાલા શું બોલે? કશું ખોટું બોલવા માગતી ન હતી એટલે તેણે તો નિખાલસતાથી કહ્યું, ‘પુત્ર, હું તારું ગોત્ર જાણતી નથી.’ ‘કેમ નથી જાણતી?’ ‘મારા પતિને ત્યાં અતિથિઓ આવ્યા જ કરતા. હું તે બધાની સેવાચાકરી કરતી. યુવાનીમાં જ મેં તને મેળવ્યો, પછી તો તારા પિતાનું અવસાન થયું. હવે મને યાદ નથી કે તારું ગોત્ર કયું છે. મારું નામ જબાલા, ગુરુ પૂછે તો કહેજે કે મારું નામ સત્યકામ જાબાલ.’ પછી તો જાબાલ ગુરુ ગૌતમ વંશના હારિદ્રુમત પાસે પહોંચી ગયો. અને આશ્રમમાં નિવાસ કરવાની ઇચ્છા તેણે ગુુરુ આગળ વ્યક્ત કરી. ગુરુએ પૂછ્યું, ‘તારું ગોત્ર કયું?’ ‘હું જાણતો નથી.’ પછી જાબાલે માતા સાથે થયેલી વાતચીત ગુરુને કહી સંભળાવી. ‘મારું નામ સત્યકામ જાબાલ.’ ગુરુએ કહ્યું, ‘આટલી સ્પષ્ટ અને સીધીસાદી વાત બ્રાહ્મણ સિવાય કોઈ કરે નહીં. હું તારા સંસ્કાર કરીશ, કારણ કે તેં સત્યનો આશ્રય લીધો.’ પછી ગુરુએ તેને કંતાઈ ગયેલી, દૂબળી એવી ચાર ગાયો સોંપી. ‘આ ગાયો એક-હજાર થશે ત્યારે હું પાછો ફરીશ.’ અને સત્યકામ ગાયોની સંખ્યા એક હજાર થઈ ત્યાં સુધી અરણ્યમાં જ રહ્યો.

(છાંદોગ્ય ઉપનિષદ, ૪,૪)