ભારતીય કથાવિશ્વ૧/સરણ્યૂની કથા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સરણ્યૂની કથા

ત્વષ્ટ્રાને બાર સંતાન. પુત્રી સરણ્યૂનું લગ્ન વિવસ્વત સાથે કર્યું — તેણે યમ-યમીને જન્મ આપ્યો. સરણ્યૂએ પતિની ગેરહાજરીમાં પોતાના જેવી જ એક બીજી સ્ત્રી સર્જીર્. બાળકોના ઉછેરની બધી જવાબદારી તેને સોંપીને પોતે ઘોડી બનીને જતી રહી. વિવસ્વતને આની કશી જાણ ન થઈ. પેલી છાયા દ્વારા મનુને જન્મ આપ્યો. થોડા સમયે તેને ખ્યાલ આવ્યો કે સરણ્યૂ તો ઘોડી બનીને જતી રહી છે. ત્યારે તે પણ ઘોડો બનીને તેને શોધવા નીકળી પડ્યો. સરણ્યૂએ ઘોડાના રૂપે વિવસ્વતને ઓળખી લીધો, અને સમાગમની ઇચ્છાથી તે તેની પાસે આવી. ઉતાવળે થયેલા સમાગમને કારણે જમીન પર ઢોળાયું, સંતાનની ઇચ્છાથી સરણ્યૂએ તે સૂંઘ્યું, એેને બે પુત્ર જન્મ્યા. નાસત્ય અને દ — તે અશ્વિનીકુમાર બન્યા.

કક્ષીવાનની દીકરી ઘોષા કોઈ રોગને કારણે કુરૂપ થઈ અને પિતાને ત્યાં સાઠ વર્ષ રહી. તે દુ:ખી થઈને વિચારવા લાગી, ‘પતિ અને પુત્ર વિનાની હું વૃદ્ધ થઈ ગઈ.’ તેણે અશ્વિનીકુમારોની સ્તુુતિ કરી અને યૌવન-સૌંદર્ય પ્રાપ્ત કર્યાં.

શંતનુ અને દેવાપિ બે ભાઈઓ હતા. દેવાપિ મોટો, નાનો શંતનુ. પહેલાને કોઈ ત્વચારોગ લાગુ પડ્યો. તેમના પિતાનો સ્વર્ગવાસ થતાં પ્રજાએ દેવાપિને રાજા ઘોષિત કર્યો. પણ દેવાપિએ થોડો વિચાર કરીને પ્રજાજનોને કહ્યું, ‘હું રાજગાદીને પાત્ર નથી. રાજા શંતનુ થશે,’ એટલે શંતનુનો રાજ્યાભિષેક થયો. દેવાપિ વનમાં જતો રહ્યો. બાર વરસ સુધી રાજ્યમાં વરસાદ ન પડ્યો. શંતનુએ દેવાપિ પાસે જઈને ફરી રાજ્ય સંભાળવા કહ્યું. દેવાપિએ કહ્યું, ‘હું રાજપાટને પાત્ર નથી. ત્વચારોગને કારણે મારી શક્તિઓ ખર્ચાઈ ગઈ છે. વરસાદ પડે એટલા માટે પ્રાર્થના કરીશ.’ શંતનુએ તેને પુરોહિત બનાવ્યો, અને દેવાપિએ મંત્રોચ્ચાર કર્યો.