ભારતીય કાવ્યસિદ્ધાંત/કાવ્યપ્રયોજન

From Ekatra Wiki
Jump to navigation Jump to search
કાવ્યપ્રયોજન

‘प्रयोजनमनुद्दिश्य न मन्दोऽपि प्रवर्तते ।’ એ સિદ્ધાંત અનુસાર કવિને કાવ્યસર્જન પાછળ, તો ભાવકને કાવ્યના આસ્વાદ પાછળ કોઈ ને કોઈ પ્રયોજન, ઉદ્દેશ કે આશય હોય એ અત્યંત સ્વાભાવિક છે. આથી પ્રયોજનનો વિચાર ભારતીય કાવ્યશાસ્ત્રીઓએ પોતાની કાવ્યશાસ્ત્રની ચર્ચામાં આવશ્યક ગણ્યો છે. એમાં એમણે કેવળ તાત્ત્વિક દૃષ્ટિબિંદુ જ રાખ્યું છે એવું નથી; કવિ કે ભાવકનું કાવ્યસર્જન કે કાવ્યાસ્વાદન પાછળ શું પ્રયોજન હોય છે એનો વિચાર પણ એમણે કર્યો છે. મમ્મટના પુરોગામીઓ અને અનુગામીઓએ ગણાવેલાં કાવ્યપ્રયોજનો મમ્મટની ચર્ચામાં સંકલિત રૂપે જોવા મળે છે.૧[1] મમ્મટ આ પ્રમાણે કાવ્યપ્રયોજનો ગણાવે છે :

काव्यं यशसेऽर्थकृते व्यवहारविदे शिवेतरक्षतये ।
सध्यः परनिर्वृतये कान्तासंमिततयोपदेशयुजे ।।

આમાંનાં ત્રણ પ્રયોજનો તો મમ્મટ સ્પષ્ટ રીતે કવિપક્ષે ગણાવે છે : કાલિદાસને યશ મળ્યો, બાણને શ્રીહર્ષ પાસેથી ધન મળ્યું અને ‘સૂર્યશતક’ લખવાથી મયૂરનું અનિષ્ટ દૂર થયું – એનો કોઢ મટ્યો. પણ અહીં એક પ્રશ્ન થાય તેમ છે. કવિઓ યશ માટે કે ધન માટે કાવ્યસર્જન તરફ વળતા નથી એમ નથી; આ પ્રયોજનો લક્ષમાં રાખનારમાં પ્રતિભા હોય તો કાવ્ય સર્જાય છે પણ ખરું. (મયૂર તો અનિષ્ટનિવારણાર્થે જ કાવ્ય લખે છે.) પરંતુ કાલિદાસે યશ માટે અને બાણે ધન માટે કાવ્યસર્જન કર્યું એમ કહેવું યોગ્ય છે? મમ્મટને પણ કદાચ એવું અભિપ્રેત નહિ હોય. એટલે, કવિ યશ કે ધનની ઈચ્છાથી કાવ્ય લખે કે નહિ, પણ એને યશ અને ધન ઘણીવાર મળે છે; એટલે કે યશ, ધન વગેરે કાવ્યપ્રયોજન નહિ, પણ કાવ્યફલ છે, એમ કહેવું વધુ ઉપયુક્ત લાગે છે. ‘શિવેતરક્ષતિ’ મમ્મટે જે અર્થમાં બતાવી છે, તે અર્થમાં કાવ્યથી થાય છે, એમ આજે આપણે ભાગ્યે જ માનીએ. એ કામ તો વિકસતા વિજ્ઞાને ઉપાડી લીધું છે. પણ કેટલીક વાર સામાજિક અનિષ્ટ દૂર કરવામાં સાહિત્યકૃતિ ફાળો આપી શકે. કેટલુંક સાહિત્ય આ ઉદ્દેશથી લખાતું પણ હોય છે. પણ અનિષ્ટનિવારણનું પ્રયોજન ખરેખર ફળતું હોય તેનું અત્યંત સુંદર ઉદાહરણ ‘Uncle Tom’s Cabin’માં મળે છે. વિચિત્ર વાત એ છે કે અહીં અનિષ્ટનિવારણ થાય છે તે સીધી રીતે લેખકનું કે વાચકવર્ગનું નહિ, પણ ત્રીજા જ કોઈક વર્ગનું ! આ નવલકથાએ અમેરિકાના ભદ્રસમાજનો મત કેળવીને ગુલામોને મુક્તિ અપાવેલી. વ્યવહારજ્ઞાન અને ઉપદેશ એ પ્રયોજનો મમ્મટને ભાવકપક્ષે અભિમત હોય એવું એમની શબ્દયોજના પરથી લાગે છે. જોકે ગોવર્ધનરામ જેવા કોઈ લેખક વ્યવહારજ્ઞાન અને ઉપદેશ આપવા માટે સાહિત્યસર્જન કરવા પ્રેરાય એ અસંભવિત નથી, પણ ‘ફલ’ તરીકે તો એ ભાવકપક્ષે જ ગણાય. માનવસમાજનો એટલો મોટો ભાગ સાહિત્યને જીવનઘડતરના સાધન તરીકે જોતો હોય છે, અથવા તો એ દ્વારા પોતાના જીવનનું જાણ્યે – અજાણ્યે ઘડતર કરતો હોય છે કે કેળવણીકારો, રાજકીય નેતાઓ કે સમાજસુધારકો લોકોને કેળવવા, પોતાના પક્ષમાં ખેંચવા સાહિત્યના સાધનનો ઉપયોગ કર્યા વિના રહેતા નથી. આ વૃત્તિ કેટલી વ્યાપક છે તેનો ખ્યાલ અંગ્રેજ વિવેચક બેન જોનસનના નીચેના અભિપ્રાય પરથી આવશે: ‘….the wisest and the best learned have thought her (poetry) the absolute mistress of manners and nearest kin to virtue.’ કાવ્ય ઉપદેશ આપે છે, ત્યારે એની પદ્ધતિ તો, મમ્મટ કહે છે તેમ, જુદી જ છે. જ્ઞાન અને ઉપદેશ તો શાસ્ત્રોમાંથી મળે છે અને ઈતિહાસમાંથી પણ મળે છે, તો કવિતાની વિશિષ્ટતા શી? શાસ્ત્ર અને ઇતિહાસથી કાવ્યની ઉપદેશ આપવાની પદ્ધતિ શી રીતે જુદી પડે છે તે મમ્મટ અત્યંત સુંદર રીતે સમજાવે છે. તે કહે છે કે શાસ્ત્રો તો શબ્દપ્રધાન છે. એમનો શબ્દ જ આપણે સ્વીકારવાનો હોય છે. એટલે એ ઉપદેશ આપે છે તે માલિકની પેઠે, અથવા કહો કે એ આજ્ઞા આપે છે. ઇતિહાસપુરાણાદિમાંથી અર્થતાત્પર્ય સ્વીકારવાનું હોય છે. મિત્ર જેમ ઉદાહરણો આપી કોઈ વાત આપણને સમજાવે, તેમ ઇતિહાસપુરાણાદિ આપણને જીવન અંગેનું માર્ગદર્શન આપે છે. પણ કાવ્યની રીત તો એ બંને રીતથી વિલક્ષણ છે. એમાં શબ્દ અને અર્થ બંને ગૌણ બની જાય છે. એ તો વ્યંજનાવ્યાપાર વડે ભાવકમાં રસનો ઉદય કરીને એને પોતાની તરફ વાળે છે અને પરોક્ષ રીતે ઉપદેશ આપે છે – પ્રિયતમા પોતાની આકર્ષક લીલા વડે પ્રિયતમના હૃદયમાં સ્નેહ જન્માવી પોતાનું ધાર્યું કરાવી લે છે તેવી રીતે. જનસમાજને કેળવવા માટે કાવ્યનો ઉપયોગ કરનાર કવિતાની આ વિશિષ્ટ શક્તિને બરાબર ઓળખતા હોય છે, અને ‘સુકુમાર પ્રહરણ’ તરીકે જ એનો ઉપયોગ કરતા હોય છે. આમ છે છતાંયે બોધ એ કાવ્યનું અનિવાર્ય પ્રયોજન હોય એમ લાગતું નથી. મહત્ત્વની છે તે બોધ વ્યક્ત કરવાની રીત, બોધનો આશય નહિ.૧[2] કદાચ આથી જ મમ્મટ ‘સદ્ય: પરનિર્વૃતિ’ને ‘સકલપ્રયોજનમૌલિભૂત’ પ્રયોજન ગણે છે. કાવ્ય કવિને યશ કે ધન અપાવે કે નહિ, વાચકને જ્ઞાન કે બોધ આપે કે નહિ, પણ કવિ કાવ્યસર્જન વેળા અને ભાવક કાવ્યોપભોગ વેળા જો અન્ય જ્ઞાનને ઘડીભર ભુલાવી દે એવી પરમ આનંદસમાધિમાં લીન ન થાય, તો તે કવિતા નહિ. કવિતા ઘણું કરી શકે છે, કરે પણ છે, પણ એ બીજું કંઈ કરે કે નહિ, આટલું તો એણે કરવું જ જોઈએ. પરમ આનંદમાં લીન બનાવી દે એવી કાવ્યની પ્રેરણા ન હોય, તો માત્ર યશ, ધન કે લોકકેળવણીના ઉદ્દેશથી ખરું કાવ્ય બનતું નથી.૨[3] એ જ રીતે કાવ્ય ખરું કાવ્ય હોય, તો એમાંથી બોધ લેવા પ્રવૃત્ત થયેલાને પણ – અલબત, એ સહૃદય હોય તો પહેલાં તો એ રસલીન બનાવી દે. કવિતાના પ્રયોજન તરીકે બોધ અને આનંદનો ઝગડો જમાનાજૂનો છે. આજેય એનું સંપૂર્ણપણે સંતોષકારક સમાધાન થઈ ગયું છે, એમ નહિ કહી શકાય. મમ્મટે આનંદને કાવ્યનું સર્વોચ્ચ પ્રયોજન ગણાવ્યું, છતાં કાન્તાની પેઠે ઉપદેશ આપવાનો ભાર પણ એમણે કાવ્યને માથે નાખ્યો. અંગ્રેજ વિવેચક ડ્રાયડન પણ કંઈક આવું જ વલણ બતાવે છે : ‘Delight is the chief, if not the only, end of poesy; instruction can be admitted but in the second place; for poesy only instructs as it delights.’ આચાર્ય આનંદશંકર ધ્રુવ કવિતાનું પ્રયોજન આનંદ હોવું જોઈએ કે બોધ એ કૂટ પ્રશ્નનો મધુર અને તાત્ત્વિક ખુલાસો ‘कान्तासंमिततयोपदेशयुजे’માં જુએ છે.૧[4] પણ ઉપદેશ કે બોધ દ્વારા આપણને શું અભિપ્રેત છે, તે નક્કી કર્યા પહેલાં કવિતાએ કાન્તાની પેઠે ઉપદેશ આપવો જોઈએ એમ કહી શકાશે નહિ. આચાર્ય આનંદશંકર એક સ્થળે કાલિદાસની કલામાં રહેલા ઉપદેશનું સ્વરૂપ આ રીતે સમજાવે છે : ‘સૌંદર્યનો અનુભવ અને એ અનુભવમાં જ જીવનને ઉચ્ચ કરવાની જે અદ્ભુત શક્તિ રહેલી છે તેનું દિગ્દર્શનન્એ જ એનો ઉપદેશ છે.’૧[5] આ પ્રકારના ઉપદેશનો ભાર કાવ્ય પર નાખવામાં કોઈને ભાગ્યે જ વાંધો હોઈ શકે, કેમ કે એ ધર્મ તો કાવ્ય આપોઆપ બજાવે છે. પ્રો. એબરક્રોમ્બી૨[6] અને શ્રી રામનારાયણ પાઠક૩[7] પણ કહે છે કે કાવ્યમાં સરહસ્ય અનુભવ હોય છે, અને એનો આસ્વાદ કર્યા પછી વ્યવહારજગતમાં આવતો ભાવક જીવનને પણ સરહસ્ય જોતાં શીખે છે. અલબત્ત, કાવ્ય કંઈ જીવનને સરહસ્ય જોતાં શીખવવા માટે જ લખાતું નથી, પણ એ એનું આનુષંગિક ફળ છે. એટલે આ રીતે કાવ્યને જીવનમાં ઉપકારક થતું માનવામાં કશી હરકત નથી. પણ મમ્મટના મનમાં ઉપદેશનું જે સ્વરૂપ છે તે તો ‘रामादिवद वर्तितव्यं न रावणादिवत्’ એવા સ્પષ્ટ આચારબોધ કે નીતિબોધનું. આ અર્થમાં બોધ કવિતામાં અનિવાર્ય છે એમ કહી શકાશે ખરું? ‘કળાનું મુખ્ય પ્રયોજન તો બ્રહ્માનંદસહોદર એવો કળાનંદ છે. સદાચાર અને સામાજિક સામર્થ્ય એ એનાં અયુતસિદ્ધ ઉપપ્રાપ્તિ’ (by-products) છે’૪[8] એવો કાકાસાહેબનો અભિપ્રાય બધી કવિતા અંગે સાચો ગણી શકાશે ખરો? ઉદાહરણ તરીકે, શુદ્ધ પ્રકૃતિકવિતામાંથી આપણને કોઈ આચારબોધ કે સામાજિક સામર્થ્યની પ્રાપ્તિ થતી હોય એમ માનવું મુશ્કેલ થઈ પડે. તો પછી, કવિતાસામાન્યને લક્ષમાં લેતાં, ‘A lovely poem with no philosophy is preferable to a bad poem with philosophy.’ (Edith Sitwel) – એમ માનવું વધારે સયુક્તિક લાગે છે. સાથે સાથે આચાર્ય આનંદશંકર કહે છે એ વાતનો પણ ઈન્કાર થઈ શકે એમ નથી કે ‘જગતનાં મહાન કાવ્યો તો તે જ ગણાયાં છે કે જેણે મનુષ્યનો જીવનપંથ ઉજાળ્યો છે, એની સંસ્કૃતિને ઉન્નત ભાવતી પોષી છે, દીપાવી છે, એક પગલું એને આગળ ભરાવ્યું છે.’૧ માનવીની સામાજિકતાનું અને કલાથી જીવનની જે મહાનતા છે તેનું આ અનિવાર્ય પરિણામ છે. એટલે બધી કવિતામાં નહિ, પણ મહાન કવિતામાં તો સદાચાર અને સામાજિક સામર્થ્યની ‘અયુતસિદ્ધ ઉપપ્રાપ્તિ’ થાય છે એમ સ્વીકારવું પડે. ટૂંકમાં, કવિતાનું પ્રધાન અને અનિવાર્ય પ્રયોજન તો છે આનંદ જ, પણ એમાં રહેલું સૌન્દર્યનું તત્ત્વ જીવનના એક અંશની પરિતૃપ્તિ કરતું હોઈ એ જીવનને ઉપકારક છે એમ કહી શકાય. જીવનના બીજા અંશો — નીતિ, ધર્મ, સત્ય આદિ—ની પરિતૃપ્તિ કરવી એ એને માટે આવશ્યક નથી, પણ કવિતા જ્યારે એ કરે છે - અને તે પણ કલાની રીતે જ —, ત્યારે જીવનનો અખંડ અનુભવ પ્રાપ્ત થતો હોવાથી એ કવિતા મહાન કવિતા બને છે.[9]

છેલ્લે એક પ્રશ્ન રહ્યો. આનંદને આપણે કવિતાનું અનિવાર્ય પ્રયોજન કહ્યું; પરંતુ કોઈ કહેશે કે આનંદ તો ગણિતશાસ્ત્રીને ગણિતના કોયડા ઉકેલતાં પણ આવે છે, ધર્મજિજ્ઞાસુને ધર્મચર્ચામાં આવે છે; તો કવિતાના આનંદની એનાથી કંઈ ભિન્નતા ખરી કે નહિ? આનો જવાબ બે રીતે આપી શકાય. એક તો એ કે કવિતાનો આસ્વાદ આપણે એક સહૃદય ભાવક તરીકે કરીએ છીએ, ગણિતશાસ્તરી કે ધર્મજિજ્ઞાસુ તરીકે નહિ. એટલે એ આસ્વાદ બધાને પ્રાપ્ત હોય છે. બીજો જવાબ મમ્મટ કાવ્યના આનંદને ‘રસાસ્વાદનસમુદ્ભૂત’ કહે છે એમાં સમાયેલો છે. ગણિતશાસ્ત્રી અને ધર્મજિજ્ઞાસુને પોતાના વિષય સાથે અંગત અપેક્ષા (interest)નો સંબંધ હોય છે, એ કારણે એ ક્યારેક આનંદરૂપ ન પણ નીવડે. કાવ્યવસ્તુનો આપણે આસ્વાદ લઈએ છીએ તે સાધારણીકૃત રૂપે અને નિરપેક્ષભાવે. એટલે એ હંમેશા આનંદરૂપ બને છે. એથી તો કાવ્યના આનંદને ‘બ્રહ્માસ્વાદસહોદર’ કહેવામાં આવે છે; બ્રહ્મનો આસ્વાદ પણ નિરપેક્ષભાવે જ લૌકિક સંબંધોથી મુક્ત થવાથી થાય છે. આમ ‘रसो वै सः’ની એક પ્રતિકૃતિ તે કાવ્યરસ.


  1. ૧. કેટલાક કાવ્યશાસ્ત્રીઓએ ગણાવેલાં કાવ્યપ્રયોજનો જુઓ :
    (૧) वेदविधेतिहासानामाख्यानपरिकल्पनम् ।
    विनोदजननं लोके नाट्यमेतद् भविष्यति ।।
    -भरतमुनि (नाट्यशास्त्र)
    (૨) धर्मार्थकाममोक्षेषु वैचक्षण्यं कलासु च।
    प्रीतिं करोति कीर्ति च साधुकाव्यनिषेवणम् ।।
    -भामह (काव्यालङ्कार)
    (૩) चतुर्वर्गफलप्राप्तिः सुखादल्पविधियामपि ।
    काव्यादेव यतस्तेन तत्सवरूपं निरुप्यते ।।
    चतुर्वर्गप्राप्तिर्हिवेदशास्त्रेभ्यो नीरसतया दुःखादेव परिणतबुद्धीनामेव जायते। परमानन्दसन्दोहजनक तयासुखादेव सुकुमारबुद्धीनामपि पुनः काव्यादेव
    -विश्वनाथ (साहित्यदर्पण)
  2. ૧. આચાર્ય અભિનવગુપ્ત આ મુદ્દો સ્પષ્ટ કરે છે :
    तथापि तत्र प्रीतिरेव प्रधानम् । अन्यथा प्रभुसंमितेभ्यो वेदादिभ्यो मित्रसंमितेम्यः च इतिहासादिभ्यो व्युत्पत्तिहेतुम्यः कः अस्य काव्यरूपस्य व्युत्पत्तिहेतोः जायासंमितत्वलक्षणो विशेषः इति प्राधान्येन आनन्दः एव उक्तः । चतुर्वर्गव्युत्पत्तेः अपि च आनन्दः एव पार्यन्तिकं मुख्यं फलम् । (ध्वन्यालोकलोचन)
  3. ૨. મમ્મટ અને બીજા કાવ્યશાસ્ત્રીઓ પણ આનંદનું પ્રયોજન ભાવકપક્ષે જ ગણાવતા હોય એવું લાગે છે. સર્જકપક્ષે એમણે યશ, ધન અને અનિષ્ટનિવારણને જ ગણાવ્યાં, જે અનિવાર્ય પ્રયોજનો નથી, એટલે સર્જક પક્ષે એમણે તાત્ત્વિક દૃષ્ટિએ નહિ, વ્યવહારુ દૃષ્ટિએ જ વિચાર્યું લાગે છે. આધુનિક પાશ્ચાત્ય મીમાંસકો સર્જકપક્ષે Self-expression – આત્માભિવ્યક્તિને કાવ્યનું પ્રયોજન ગણાવે છે. સર્જકને જે પ્રેરણા જાગી છે, જે સંવેદન થયું છે તેને અભિવ્યક્તિ દ્વારા સંતૃપ્ત કરવું એ જ કાવ્યસર્જનનું પ્રયોજન. એ વ્યાપારમાં કવિચિત્તની સ્થિતિ બહુધા આનંદમય હોવાની. એ રીતે આનંદને કાવ્યસર્જનનું પણ પ્રયોજન ગણી શકાય.
  4. ૧. ‘કાવ્યતત્ત્વવિચાર’ : પૃ.૧૧૪
  5. ૫. ‘કાવ્યતત્ત્વવિચાર’ : પૃ. ૫૪
  6. ૬. ‘Principles of Literary Criticism’ : પૃ. ૫૭
  7. ૭. ‘કાવ્યની શક્તિ’ : પૃ. ૧૦
  8. ૮. ‘જીવનનો આનંદ’ : પૃ. ૩૧૯.
  9. ૧. ‘કાવ્યતત્ત્વવિચાર’ : પૃ.૧૧૪