ભારતીય કાવ્યસિદ્ધાંત/કૃતિ-પરિચય
‘ભારતીય કાવ્યસિદ્ધાંત’ જયંત કોઠારી અને નટુભાઈ રાજપરાનો પ્રથમ વિવેચનસંગ્રહ છે. આ સંગ્રહમાં સંસ્કૃતના ભિન્ન ભિન્ન કાવ્યસિદ્ધાંતોનો પરિચય મમ્મટના ‘કાવ્યપ્રકાશ’ને આધારે કરાવવામાં આવ્યો છે. અહીં કવિસૃષ્ટિ અને બ્રહ્માની સૃષ્ટિ, શબ્દની શક્તિ, રસ, અલંકાર ગુણ ઔચિત્ય, ધ્વનિ અને વક્રોક્તિ, કાવ્યલક્ષણ અને કાવ્યના પ્રકારો, કાવ્યહેતુ અને કાવ્યપ્રયોજન જેવા જુદા જુદા સિદ્ધાંતનાં મૂળતત્ત્વોને ચોક્કસ પરિપ્રેક્ષ્યમાં લેખકોએ મૂકી આપ્યા છે. વિવિધ સિદ્ધાંતોની ચર્ચામાં જે તે સિદ્ધાંતવિચારને વધારે સ્પષ્ટ કરવા માટે લેખકોએ અહીં આપણાં ગુજરાતી સાહિત્યના મણિલાલ નભુભાઈ, રમણભાઈ નીલકંઠ, આનંદશંકર ધ્રુવ, જ્યોતિન્દ્ર દવે, ડોલરરાય માંકડ, વિષ્ણુપ્રસાદ ત્રિવેદી અને રામનારાયણ પાઠક આદિનાં મંતવ્યોનું પણ પ્રસંગોપાત્ત અનુસંધાન કર્યું છે. આપણી સંસ્કૃત પરંપરામાં કાવ્યની રમણીયતાનું આકલન કરવાના પ્રયત્નો થયાં છે એ સિદ્ધાંતો સમગ્ર ગુજરાતી સાહિત્યને પામવામાં ક્યાં ને કેટલાં સહાયક બને એ સરળરીતે સમજાવવાનો આ વિવેચનસંગ્રહનો હેતુ છે. અઘરા સિદ્ધાંતને સરળ અને મનોરમ શૈલીમાં સમજાવતો, વિવિધ સિદ્ધાંતની સમજ આપવા માટે સંખ્યાબંધ નિદર્શનો રજૂ કરતો અને સંસ્કૃત સિદ્ધાંતશાસ્ત્રમાં વિષયપ્રવેશ માટે રાજદ્વાર બની રહેતો આ સંગ્રહ વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે પાયાનો સંદર્ભગ્રંથ છે.
કીર્તિદા શાહ