ભારતીય કાવ્યસિદ્ધાંત/ધ્વનિકાવ્યના પ્રભેદો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ધ્વનિકાવ્યના પ્રભેદો :

જેમાં વ્યંગ્યાર્થ વાચ્યાર્થ કરતાં પ્રધાન અને વધુ ચમત્કાર હોય તે ધ્વનિકાવ્ય. પણ ધ્વનિકાવ્યમાંયે વ્યંગ્યાર્થનો બોધ જુદી જુદી રીતે થઈ શકે, વ્યંજના લક્ષણામૂલ હોય, અભિધામૂલ પણ હોય; વાચ્યાર્થબોધ અને વ્યંગ્યાર્થબોધ વચ્ચેના સમયનો ક્રમ સ્પષ્ટ હોય કે અસ્પષ્ટ હોય; વ્યંજિત થતો અર્થ વસ્તુરૂપ હોય, અલંકારરૂપ હોય કે રસરૂપ હોય; વ્યંગ્યાર્થબોધમાં કારણભૂત આખું વાક્ય હોય કે કોઈ એક પદ જ હોય. આમ, ધ્વનિકાવ્યમાંયે અનેક પ્રકારો સંભવે છે. ધ્વનિકાવ્યના આ પ્રભેદોની મમ્મટને અભિમત એવી વ્યવસ્થા હવે જોઈએ. ધ્વનિકાવ્યના સૌપ્રથમ બે ભેદ પડી શકે : (૧) જેમાં વાચ્યાર્થ વિવક્ષિત ન હોય, એટલે કે જેમાં લક્ષણામૂલ વ્યંજના રહી હોય તેવું ધ્વનિકાવ્ય. આ પ્રકારને ‘અવિવક્ષિતવાચ્યધ્વનિકાવ્ય’ કહે છે. (૨) જેમાં વાચ્યાર્થ વિવક્ષિત હોય છતાં તેમાંથી બીજો અર્થ—વ્યંગ્યાર્થ - સ્ફુરતો હોય, એટલે કે જેમાં અભિધામૂલ વ્યંજના રહેલી હોય તેવું ધ્વનિકાવ્ય, આ પ્રકારને ‘વિવક્ષિતાન્યપરવાચ્યધ્વનિકાવ્ય’ કહે છે. અવિવક્ષિતવાચ્યધ્વનિ પણ બે રીતે શક્ય છે : (૧) જેમાં વાચ્યાર્થ બંધબેસતો હોય છતાં નિરુપયોગી હોવાને કારણે બીજા અર્થમાં પરિણમે; એટલે કે જેના મૂળમાં ઉપાદાનલક્ષણા રહેલી હોય એવું ધ્વનિકાવ્ય. આ પ્રકારને ‘અર્થાન્તરસંક્રમિતવાચ્યધ્વનિકાવ્ય’ કહેવામાં આવે છે. નીચેના ઉદાહરણમાં અર્થાન્તરસંક્રમિતવાચ્ય ધ્વનિ છે : ‘તને હું કહું છું કે અહીં વિદ્વાનોની મંડળી બેઠી છે; માટે તારી બુદ્ધિ ઠેકાણે રાખીને બેસજે.’ અહીં ‘કહું છું’ એ શબ્દોનો વાચ્યાર્થ ‘ઉપદેશ આપું છું.’ એવા અન્ય અર્થમાં પરિણમે છે. અને એ અન્ય અર્થમાં પહેલો અર્થ સમાવિષ્ટ છે. (૨) જેમાં વાચ્યાર્થ અસંગત હોઈ એને સંપૂર્ણપણે તજી દેવો પડે; એટલે કે જેના મૂળમાં લક્ષણલક્ષણા રહેલી હોય એવું ધ્વનિકાવ્ય. આ પ્રકારને ‘અત્યન્તતિરસ્કૃતવાચ્યધ્વનિકાવ્ય’ કહે છે. ‘साधयन्ती सखि सुभगं’૧[1]માં વાચ્યાર્થનો સંપૂર્ણપણે ત્યાગ થાય છે. અને ઊલટો જ અર્થ સ્વીકારવો પડે છે; માટે એ અત્યન્તતિરસ્કૃતવાચ્ય ધ્વનિનું ઉદાહરણ ગણાય. વિવક્ષિતાન્યપરવાચ્ય ધ્વનિના પણ બે મુખ્ય ભેદ પડે: (૧) ‘અલક્ષ્યક્રમવ્યંગ્યધ્વનિકાવ્ય’ : આ પ્રકારમાં વાચ્યાર્થ અને વ્યંગ્યાર્થનો બોધ થવા વચ્ચેનો ક્રમ નજરે પડતો નથી. રસાદિધ્વનિકાવ્યમાં વિભાવાદિ વાચ્ય હોય છે, જ્યારે રસ ભાવ આદિ વ્યંગ્ય હોય છે. વિભાવાદિનો બોધ થયા પછી રસાદિનું વ્યંજન થાય છે, પણ બંને વચ્ચેનો કાળભેદ લક્ષમાં આવે એવો હોતો નથી, એટલે રસાદિધ્વનિકાવ્યના જે પ્રકારો — રસ, ભાવ, ભાવોદય, ભાવશબલતા, રસાભાસ ઇત્યાદિ - ની વાત આગળ કરી છે (પ.૬૬-૬૯) તે બધા અલક્ષ્ય- ક્રમવ્યંગ્યધ્વનિકાવ્યનાં ઉદાહરણો ગણી શકાય. આના પ્રભેદો તો અનન્ત હોઈ શકે; કારણ કે જેટલા રસ, જેટલા ભાવ, જેટલાં તેમનાં મિશ્રણો તેટલા પ્રભેદો ગણાવી શકાય. આથી સગવડની દૃષ્ટિએ અલક્ષ્યક્રમવ્યંગ્યધ્વનિકાવ્યનો એક જ પ્રકાર ગણવામાં આવે છે. (૨) ‘લક્ષ્યક્રમવ્યંગ્યધ્વનિકાવ્ય’ : આ પ્રકારમાં વાચ્યાર્થબોધ અને વ્યંગ્યાર્થબોધ વચ્ચેનો કાળભેદ સ્પષ્ટ હોય છે. વસ્તુ અને અલંકારધ્વનિ આ પ્રકારના છે. એના, એમાં વ્યંજના શબ્દશક્તિમૂલ હોય, અર્થશક્તિમૂલ હોય કે ઉભયશક્તિમૂલ હોય એ પ્રમાણે ત્રણ ઉપપ્રકારો બને. ‘भद्रात्मनो’૨[2]ને શબ્દશક્તિમૂલ લક્ષ્યક્રમવ્યંગ્યકાવ્યનું ઉદાહરણ ગણી શકાય; જ્યારે ‘भ्रम धार्मिक’૩[3] અને ‘तदा मम’૪[4] અર્થશક્તિમૂલ લક્ષ્યક્રમવ્યંગ્યધ્વનિકાવ્યનાં ઉદાહરણો છે. ઉભયશક્તિમૂલ લક્ષ્યક્રમવ્યંગ્યધ્વનિકાવ્યનું ઉદાહરણ મમ્મટ નીચે મુજબ આપે છે :

अतन्द्रचन्द्राभरणा समुद्दीपितमन्यथा ।
तारकातरला श्यामा सानन्दं न करोति कम् ।।

[‘પ્રકાશમાન ચન્દ્રરૂપી આભરણવાળી, કામને ઉદ્દીપિત કરનાર અને ઝબકતા તારાઓવાળી રાત્રિ (श्यामा) કોને આનંદ નથી પમાડતી?’ બીજો અર્થ : ‘તન્દ્રા વિનાની, કર્પૂર(चन्द्र)ના અંગરાગવાળી, કામને ઉદ્દીપિત કરનાર અને ચંચળ કીકીઓવાળી (तारक) સ્ત્રી (श्यामा) કોને આનંદ નથી આપતી?’] આ શ્લોકમાં રાત્રિ અને સુંદર સ્ત્રીની ઉપમા વ્યંગ્ય છે. વ્યંજક છે શબ્દ ને અર્થ બન્ને. चन्द्र, तारक, तरल, श्यामा આદિ શબ્દોના પર્યાય મૂકવાથી વ્યંજના ન રહે. તેથી એટલા ભાગમાં શબ્દશક્તિમૂલ ધ્વનિ છે; જ્યારે ‘समुद्दीपितमन्मथा’માં અર્થશક્તિમૂલ ધ્વનિ છે. આમ, અહીં ઉભયશક્તિમૂલ ધ્વનિ છે એમ કહી શકાય. એક બીજી દૃષ્ટિએ પણ લક્ષ્યક્રમવ્યંગ્યધ્વનિકાવ્યના પ્રભેદો પાડી શકાય. વ્યંજક અને વ્યંગ્ય વસ્તુરૂપ હોઈ શકે, તેમ અલંકારરૂપ પણ હોઈ શકે. શબ્દશક્તિમૂલ અને ઉભયશક્તિમૂલ ધ્વનિકાવ્યમાં વ્યંજક શબ્દ હોય છે. એટલે તેમાં વ્યંજક વસ્તુરૂપ કે અલંકારરૂપ હોવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. અર્થશક્તિમૂલ ધ્વનિકાવ્યમાં વ્યંજક અર્થ (વ્યંગ્યાર્થ પ્રાપ્ત કરાવનાર અર્થ, એટલે કે વાચ્યાર્થ) વસ્તુરૂપ હોઈ શકે, તેમ અલંકારરૂપ પણ હોઈ શકે. ‘गच्छ गच्छसि.’ (પૃ.૧૪૭) ‘भ्रम धार्मिक’ અને ‘तदा मम’માં વ્યંજક અર્થ વસ્તુરૂપ છે; જ્યારે ‘शिखरिणि’ (પૃ.૧૪૭)માં વ્યંજક અર્થ અલંકારરૂપ છે. આ જ રીતે, વ્યંગ્યાર્થ પણ વસ્તુરૂપ કે અલંકારરૂપ હોઈ શકે. ઉપરનાં બધાં ઉદાહરણોમાં વ્યંગ્યાર્થ વસ્તુરૂપ છે, જ્યારે ‘लावण्यकान्ति’માં વ્યંગ્યાર્થ અલંકારરૂપ છે. પરિણામે અર્થશક્તિમૂલધ્વનિના આ ધોરણે આપણને ચાર પ્રકારો મળે : (૧) વ્યંજક વસ્તુમાંથી વ્યંગ્ય વસ્તુ (૨) વ્યંજક વસ્તુમાંથી વ્યંગ્ય અલંકાર, (૩) વ્યંજક અલંકારથી વ્યંગ્ય વસ્તુ અને (૪) વ્યંજક અલંકારમાંથી વ્યંગ્ય અલંકાર. ઉભયશક્તિમૂલ ધ્વનિમાં વ્યંગ્યાર્થ હમેશાં અલંકારરૂપનો જ હોય એમ મમ્મટ કહે છે. એટલે ઉભયશક્તિમૂલ ધ્વનિનો એક જ પ્રકાર શક્ય છે. શબ્દ વ્યંજક હોઈ એ વસ્તુરૂપ કે અલંકારરૂપ હોવાનો પ્રશ્ન નથી, અને વ્યંગ્યાર્થ હંમેશાં અલંકારરૂપ હોય છે. આપણે આગળ જોયેલા ‘अतन्द्र’ માં વ્યંગ્યાર્થ ઉપમા-અલંકારરૂપ છે. શબ્દશક્તિમૂલ ધ્વનિમાં વ્યંજક શબ્દ હોઈ, એ વસ્તુરૂપ કે અલંકારરૂપ હોવાનો પ્રશ્ન નથી. પણ વ્યંગ્યાર્થ વસ્તુરૂપ કે અલંકારરૂપ હોઈ શકે. આમ એના બે પ્રભેદો શક્ય છે. ‘भद्रात्मनो’માં રાજા અને હાથીની ઉપમા વ્યંજિત થાય છે; જ્યારે

पथिक मात्र स्त्रस्तरमस्ति मनाक् प्रस्तरस्थले ग्रामे ।
उन्नतपयोधरं प्रेक्ष्य यदि वसति तदा वस ।।

[હે પથિક, આ પથ્થરવાળા ગામમાં પાથરણું બિલકુલ નહિ મળે. ઉન્નત પયોધરને જોઈને રહેવું હોય તો રહે.] આ શ્લોકમાં ‘પયોધર’ શબ્દ શ્લિષ્ટ છે. પયોધર એટલે વાદળ અને સ્તન. આ શ્લેષને કારણે ‘જો ઉપભોગની ઈચ્છા હોય તો રહે’ એવા વ્યંગ્યાર્થ પ્રાપ્ત થાય, જે વસ્તુરૂપ છે. અર્થશક્તિમૂલ ધ્વનિમાં અર્થ વ્યંજક હોય છે. આ અર્થને એ વસ્તુરૂપ છે કે અલંકારરૂપ છે એ ઉપરાંત એક બીજી દૃષ્ટિએ પણ જોઈ શકાય. એ અર્થ વ્યવહારજીવનમાં સામાન્ય રીતે સંભવે એવો હોય. જેમ કે, ‘भ्रम धार्मिक’ અને ‘तदा मम’ એ ઉદાહરણોમાંના વ્યંજક અર્થ એને ‘સ્વતઃસંભવી’ કહે છે. પણ કેટલીક વાર વ્યંજક અર્થ કવિકલ્પનાનું ફળ હોય. ઉદાહરણ તરીકે,

गाढालिङ्गनरभसोधते दयिते लघु समपसरति ।
मनस्विन्या मानः पीडनभीत इव हृदयात् ।।

(પ્રિયતમ ગાઢ આલિંગન કરવા ઉત્સુકતાથી તત્પર બન્યો, ત્યાં માનિનીનું માન ભીંસાઈ જવાના ડરથી એકદમ ચાલ્યું ગયું.) અહીં ‘માનિનીનું માન ભીંસાઈ જવાના ડરથી એકદમ ચાલ્યું ગયું’ એ કવિકલ્પનાજન્ય અર્થ છે. આ પ્રકારના વ્યંજક અર્થને ‘કવિપ્રૌઢોક્તિમાત્રનિષ્પન્ન’ અર્થ કહે છે. પણ ક્યારેક આવી કલ્પના કાવ્યના કોઈ પાત્રની ઉક્તિમાં હોય, તો એ પ્રકારના અર્થને ‘કવિનિબદ્ધવક્તૃપ્રૌઢોક્તિમાત્રનિષ્પન્ન’ અર્થ કહે છે. ‘शिखरिणि’માં એ જાતનો અર્થ છે. અર્થશક્તિમૂલ ધ્વનિના આગળ ગણાવેલા ચારે પ્રકારોમાં આ ત્રણ ઉપપ્રકાર શક્ય છે. એટલે અર્થશક્તિમૂલ ધ્વનિના બાર પ્રભેદો થયા. આમ, ધ્વનિકાવ્યના ૧૮ પ્રભેદો પ્રાપ્ત થાય છે : અવિવક્ષિતવાચ્યધ્વનિકાવ્ય : ૨ પ્રભેદ (અર્થાન્તરસંક્રમિત, અત્યંતતિરસ્કૃત) અલક્ષ્યક્રમવ્યંગ્યધ્વનિકાવ્ય ૧ : પ્રભેદ (રસધ્વનિ) લક્ષ્યક્રમવ્યંગ્યધ્વનિકાવ્ય : ૧૫ પ્રભેદ (શબ્દશક્તિમૂલ : ૨ (વ્યંગ્ય વસ્તુ અને અલંકારરૂપ) અર્થશક્તિમૂલ : ૧૨ (વ્યંજક અને વ્યંગ્ય X વસ્તુ અને અલંકારરૂપ X સ્વત:સંભવી, કવિપ્રૌઢોક્તિસિદ્ધ, કવિનિબદ્ધપાત્ર-પ્રૌઢોક્તિસિદ્ધ વ્યંજક અર્થ) ઉભયશક્તિમૂલ ; ૧ પ્રભેદ (વ્યંગ્ય અલંકારરૂપ) પણ હજી ધ્વનિકાવ્યનું મમ્મટનું પૃથક્કરણ પૂરું થયું નથી. વ્યંગ્યાર્થબોધમાં નિમિત્તભૂત કોઈ પદ - શબ્દ છે, શબ્દનો ભાગ છે, વર્ણ છે, વાક્ય છે, પ્રબંધ છે કે રચના છે, એ પ્રમાણે પણ એનું વર્ગીકરણ થઈ શકે. ઉદાહરણ તરીકે, ‘निःशेषच्युत’માં ‘અધમ’ શબ્દને કારણે વ્યંજના પ્રવર્તે છે, તો ‘गाढालिङ्गन’ કે ‘साधयन्ती सखि’ જેવાં ઉદાહરણોમાં વ્યંજના વાક્યગત છે. ઉભયશક્તિમૂલ ધ્વનિ તો કેવળ વાક્યગત જ શક્ય છે, કેમ કે એમાં વ્યંજક શબ્દ તેમજ અર્થ બંને હોય છે. અવિવક્ષિતવાચ્યધ્વનિકાવ્ય અને શબ્દશક્તિમૂલધ્વનિકાવ્ય — એ બંનેના બંને ભેદોમાં પદગત અને વાક્યગત એવા પેટાભેદો શક્ય છે. એટલે એ બંનેના ચાર ચાર પ્રભેદો થયા. અર્થશક્તિમૂલધ્વનિકાવ્યમાં તો પ્રબન્ધગત વ્યંજના હોય એવો, પદગત અને વાક્યગત ઉપરાંત, ત્રીજો ભેદ પણ શક્ય છે. એટલે એના બાર પ્રકારમાંના દરેકના ત્રણ પ્રભેદ શક્ય હોવાથી કુલ ૩૬ પ્રભેદો થયા. અલક્ષ્યક્રમવ્યંગ્યધ્વનિકાવ્યમાં આ ઉપરાંત પદૈકદેશગત, વર્ણગત અને રચનાગત વ્યંજના પણ શક્ય છે. એટલે એના છ પ્રભેદો થયા. આમ, કુલ ૫૧ પ્રભેદો થયા. ધ્વનિકાવ્યના પ્રભેદોની આ વ્યવસ્થાને નીચેના કોષ્ટક રૂપે રજૂ કરી શકાય :


  1. ૧. જુઓ પૃ.૪૨
  2. ૨. જુઓ પૃ.૩૬
  3. ૩. જુઓ પૃ.૪૯
  4. ૪. જુઓ પૃ.૪૦