ભારતીય કાવ્યસિદ્ધાંત/લક્ષણા
કેટલીક વાર એવું બને છે કે શબ્દનો મુખ્ય અર્થ વાક્યમાં બંધબેસતો થતો નથી, ત્યારે એ શબ્દને એના મુખ્યાર્થને મળતા બીજા કોઈ અર્થમાં સમજવાની જરૂર પડે છે. દા. તા. ‘મારું ઘર રસ્તા પર જ છે.’ હવે ઘર ખરેખર રસ્તા ઉપર ન હોઈ શકે, તેથી ‘રસ્તા પર’નો વાચ્યાર્થ અહીં અસંગત બને છે, અને એ અસંગતિ ટાળવા આપણે એનો ‘રસ્તાની બાજુમાં’ એવો અર્થ લઈએ છીએ. આ અર્થને લક્ષ્યાર્થ કહે છે, જેમાંથી લક્ષ્યાર્થ લઈએ છીએ તે શબ્દને લાક્ષણિક કહે છે અને આ અર્થ આપતી શબ્દશક્તિને લક્ષણા કહે છે. પણ ગમે તે શબ્દમાંથી ગમે ત્યારે ગમે તેવો લક્ષ્યાર્થ ન લઈ શકાય અને આવા લાક્ષણિક પ્રયોગો પણ ફાવે ત્યારે ન કરી શકાય. એમ થાય તો ભાષામાં અવ્યવસ્થા વ્યાપી જાય. આથી લક્ષણાપ્રવર્તન અંગે મમ્મટ ત્રણ નિયમો દર્શાવે છે :
मुख्यार्थबाधे तद्योगे रूढितोऽथ प्रयोजनात् ।
अन्योऽर्थो लक्ष्यते यत्सा लक्षणारोपिता क्रिया ।।
અર્થાત્, (૧) મુખ્યાર્થનો બાધ થતો હોય ત્યારે જ (૨) મુખ્યાર્થની સાથે કોઈને કોઈ રીતે સંકળાયેલો બીજો અર્થ લઈ શકાય અને (૩) શબ્દનો આવો લાક્ષણિક પ્રયોગ રૂઢિને કારણે અથવા હેતુપૂર્વક થવો જોઈએ.
૩. મુખ્યાર્થબાધ :
શબ્દનો મુખ્ય અર્થ જ્યારે બંધ બેસે નહિ, ત્યારે જ લક્ષ્યાર્થ લઈ શકાય. દા.ત. ‘મારું ઘર રસ્તાની બાજુમાં છે’ એમ કહેવાયું હોય, તો લક્ષ્યાર્થ લેવાને માટે કોઈ કારણ રહેતું નથી. કેટલીક વાર એવું બને કે મુખ્ય અર્થનો બાધ ન થતો હોય, છતાં બીજો અર્થ સ્ફુરતો હોય, તો ત્યાં એ અર્થને લક્ષ્યાર્થ નહિ, વ્યંગ્યાર્થ ગણવો જોઈએ. મુખ્યાર્થનો બાધ બે પ્રકારે થાય છે. કેટલીક વાર શબ્દના વાચ્યાર્થને અન્વિત કરવા જતાં ચિત્તમાં બાધા ઉત્પન્ન થાય છે – પ્રત્યક્ષાદિ પ્રમાણથી એ વિરુદ્ધ રૂપનો દેખાય છે. દા.ત. ‘गङगायां घोषः’ (ગંગા નદી પર વાસ) અથવા ‘અમદાવાદ સાબરમતી પર વસેલું છે.’ અહીં ‘ગંગા’ કે ‘સાબરમતી’નો મુખ્યાર્થ ‘ગંગાપ્રવાહ’ કે ‘સાબરમતીપ્રવાહ’ ઉપયુક્ત નથી, કારણ કે નદીના પ્રવાહ પર વાસ થઈ શકે નહિ. આથી આપણે તે તે શબ્દનો ‘गङगातटे’ સાબરમતી કાંઠે’ એવો અર્થ લઈએ છીએ અને એમ કરતાં શબ્દોના અર્થ યોગ્ય રીતે અન્વિત થઈ શકે છે. આ જાતના મુખ્યાર્થબાધને આપણે ‘અન્વયબાધ’ કહી શકીએ.૧ પણ કેટલીક વાર શબ્દનો વાચ્યાર્થ વાક્યનાં બીજાં પદોના અર્થ સાથે બંધબેસતો હોય છે, વાક્યાર્થ તર્કશુદ્ધ હોય છે, તે છતાં એ વાક્યની પાછળ જે તાત્પર્ય રહેલું હોય છે, વક્તાનો એ વાક્ય બોલવા પાછળ જે ઇરાદો હોય છે, તેનો ભંગ થયો હોય છે; વક્તાના ઈષ્ટ અર્થ સાથે કે વાક્યની પાછળ રહેલા તાત્પર્યની સાથે શબ્દના વાચ્યાર્થનો મેળ બેસતો નથી. દા.ત. કંદોઈને ત્યાથી ગાંઠિયા લઈને જતા છોકરાને એમ કહેવામાં આવે કે ‘સમડીનું ધ્યાન રાખજે’ તો એનો અર્થ એવો નથી કે કાગડાને એણે ગાંઠિયા ખાવા દેવા. આમ, ‘સમડી’નો વાચ્યાર્થ અહીં અખંડ વાક્યાર્થમાં બાધા ઉત્પન્ન ન કરતો હોવા છતાં વાક્યના તાત્પર્ય સાથે એ બંધબેસતો થતો નથી; પરિણામે ‘સમડી’ શબ્દનો ‘ગાંઠિયા ખાઈ જાય એવાં સમડી આદિ બધાં પ્રાણીઓ’ એવો અર્થ આપણે લઈએ છીએ. એ જ રીતે ‘छत्रिणः यान्ति’ એમ કોઈ કહે, ત્યારે ‘માત્ર છત્રીવાળા જ જઈ રહ્યા છે’ એ જ અર્થ એને અભિપ્રેત હોય છે એમ નથી; (મુખ્યત્વે) છત્રીવાળા અને છત્રી વગરના પણ જઈ રહ્યા છે’ એવો લક્ષ્યાર્થ સમજીએ છીએ તે તાત્પર્યની બાધા દૂર કરવા માટે. તાત્પર્યબાધના આવા કિસ્સામાં વક્તાને જો ઊંધો જ અર્થ ઉદ્દિષ્ટ હોય, તો તે ‘વિપરીતલક્ષણા’ કહેવાય. દા.ત. બકરીથી ડરતા બાળકને કોઈ એમ કહે કે ‘ધન્ય તારી બહાદુરીને !’ અથવા પોતાની નિન્દા કરનારને કોઈ એમ કહે કે ‘તમારાં મધુર વચનો માટે તમારો આભાર !’ તો ત્યાં ઊલટો જ અર્થ અભિપ્રેત છે. અહીં શબ્દોના અર્થોના અન્વયમાં કોઈ મુશ્કેલી પડતી નથી. અખંડ વાક્યાર્થની પ્રાપ્તિ થઈ શકે છે, પણ આસપાસના સંદર્ભથી વક્તાનો અભિપ્રાય વિચારતાં અમુક શબ્દોનો બીજો અર્થ લેવો પડે છે. તેથી આ જાતના બાધને ‘તાત્પર્યબાધ’ કહી શકાય. (૨)
૨. તદ્ યોગ
શબ્દનો મુખ્યાર્થ જ્યારે બાધિત હોય, ત્યારે આપણે લક્ષ્યાર્થ લઈએ છીએ, પણ આ લક્ષ્યાર્થ – બીજો અર્થ – ગમે તે તો ન જ લઈ શકાય ; મુખ્યાર્થ સાથે સંબંધ ધરાવતો જે નજીકમાં નજીકનો અર્થ બંધ બેસે તે જ અર્થ લઈ શકાય. આમ, ‘તદ્યોગ’ એટલે કે લક્ષ્યાર્થનો મુખ્યાર્થ સાથેનો સંબંધ લક્ષણાપ્રવર્તનની એક અનિવાર્ય આવશ્યકતા બની રહે છે. આ રીતે જોતાં ‘गङ्गायां घोषः’ ‘ગંગાપ્રવાહ’ એ મુખ્યાર્થ અને ‘ગંગાતટ’ એ લક્ષ્યાર્થ વચ્ચે સામીપ્યનો સંબંધ છે. ‘ભારત આત્માની શક્તિમાં શ્રદ્ધા ધરાવે છે.’ એ વાક્યમાં ‘ભારત’ શબ્દના ‘ભારતભૂમિ’ એ મુખ્યાર્થ અને ‘ભારતના લોકો’ એ લક્ષ્યાર્થ વચ્ચે આશ્રયાશ્રયિભાવ રહેલો છે. ‘छत्रिणः यान्ति’ એ વાક્યમાં ‘छत्रिणः’ શબ્દના ‘છત્રીવાળાઓ’ એ મુખ્યાર્થ અને ‘છત્રીવાળાઓ તથા છત્રી વગરના’ એ લક્ષ્યાર્થ વચ્ચે સાહચાર્યનો સંબંધ છે. ‘નર્મદ સિંહ હતો’ એમ કહીએ છીએ, ત્યારે ‘સિંહ’ શબ્દના ‘એ નામનું પ્રાણી’ એ મુખ્યાર્થ અને ‘(એના જેવું બળ ધરાવતો) નર્મદ’ એ લક્ષ્યાર્થ વચ્ચે સાદૃશ્યનો સંબંધ છે. ‘ધન્ય તારી બહાદુરીને’ વગેરે દાખલાઓમાં વૈપરીત્યનો સંબંધ છે. આમ મુખ્યાર્થ અને લક્ષ્યાર્થ વચ્ચેના આવા અનેક સંબંધોમાંથી કોઈને કોઈ સંબંધ લક્ષણાપ્રવર્તન માટે અનિવાર્ય છે. રૂઢિ અથવા પ્રયોજન શબ્દનો લાક્ષણિક પ્રયોગ રૂઢિમૂલક અથવા તો પ્રયોજનમૂલક હોવો જોઈએ. ‘સાબરમતીને કાંઠે’ના અર્થમાં ‘સાબરમતી પર’ એવો શબ્દપ્રયોગ આપણે ત્યારે જ કરી શકીએ કે જ્યારે એવી રૂઢિ કે પરંપરા હોય, અથવા તો એવો પ્રયોગ કરવા પાછળ કોઈ પ્રયોજન હોય. ફાવે તે શબ્દ ફાવે તે અર્થમાં, કશા પ્રયોજન વિના કે એવી કોઈ રૂઢિ ન હોય તે છતાં, યોજવામાં આવે તો આપણને બોલનારનું વક્તવ્ય પણ ન સમજાય. મમ્મટ ‘कर्मणि कुशलः’ને રૂઢિલક્ષણાનું દ્રષ્ટાંત ગણાવે છે, પણ એ ચર્ચાસ્પદ છે. જ્યારે ‘સાહિત્યદર્પણ’કાર વિશ્વનાથે આપેલા ‘कलिङ्ग: साहसिक:’ એ ઉદાહરણમાં પણ પ્રયોજન જોવું મુશ્કેલ નથી. કલિંગની સમગ્ર પ્રજાનું અવિનાભાવી લક્ષણ દર્શાવવા માટે ‘કલિંગના લોકો’ને બદલે ‘કલિંગ’ એવો પ્રયોગ અહીં કરવામાં આવ્યો છે એમ કહી શકાય. ખરી વાત તો એ છે કે રૂઢિ તો કાળક્રમે જ ઘડાય. આજે રૂઢિમૂલક ગણાતો લાક્ષણિક પ્રયોગ પહેલવહેલો થયો હોય, ત્યારે તો પ્રયોજનસર જ થયો હોવાનો વધુ સંભવ છે. એ રીતે બધી લક્ષણા મૂળમાં તો પ્રયોજનવતી જ ગણાય – આજે આપણે એનું પ્રયોજન ભૂલી ગયા હોઈએ તે જુદી વાત છે. છતાં, કેવળ રૂઢિ જ જેમાં કામ કરતી હોય એમ લાગે એવાં ઉદાહરણો – ભલે જૂજ પણ – મળશે ખરાં. જેમ કે ‘ફાનસ સળગ્યું.’ સળગે છે વાટ, છતાં આપણે કહીએ છીએ કે ‘ફાનસ સળગ્યું.’ આ એવો રૂઢિપ્રયોગ છે કે કોઈને એમાં લક્ષણા રહેલી હોવા વિષે જ સંશય ઊપજે. પણ ‘ફાનસ’નો મુખ્યાર્થ ‘વાટ’ નથી જ, અને એ અર્થમાં આપણે સામાન્ય રીતે એને પ્રયોજતા પણ નથી; તેથી આ દાખલામાં રૂઢિલક્ષણા ગણવી સયુક્તિક લાગે છે. પ્રયોજન, સામાન્ય રીતે, મુખ્યાર્થના ધર્મો લક્ષ્યાર્થ પર આરોપવાનું હોય છે. ‘गङ्गातटे घोष’ એમ કહેવાથી વાસમાં શૈત્ય, પાવનત્વ આદિ ધર્મો એટલા પ્રમાણમાં પ્રતીત નથી થતા, જેટલા પ્રમાણમાં ‘गङ्गातटे घोष:’ કહેવાથી પ્રતીત થાય છે. આમ, શૈત્યપાવનત્વાદિની અતિશયતા દર્શાવવાનું અહીં પ્રયોજન છે. ‘મારું ઘર રસ્તા પર જ છે’ એવા લાક્ષણિક પ્રયોગનું પ્રયોજન સામીપ્યની અતિશયતા દર્શાવવાનું છે એમ કહી શકાય–રસ્તાની બાજુમાં, તરત જ મળી જાય એવું ઘર છે, એમ કહેવાનો આશય એમાં છે. ‘छत्रिणः यान्ति’ છત્રીવાળાઓનું પ્રાધાન્ય દર્શાવવાનું પ્રયોજન છે. ‘ધન્ય તારી બહાદુરીને!’ જેવી ઉક્તિમાં બાળકનું ડરપોકપણું સચોટ રીતે ખુલ્લું પાડવાનું પ્રયોજન છે. આરોપિત ક્રિયા : મમ્મટે લક્ષણાને શબ્દનો મૂળભૂત સ્વકીય વ્યાપાર (‘ક્રિયા’) નહિ, પણ આરોપિત વ્યાપાર કહેલ છે. શબ્દ સીધેસીધો લક્ષ્યાર્થ પ્રગટ કરી શકતો નથી. પહેલાં તો એ પોતાની અભિધાશક્તિ –જે એની ઈશ્વરદત્ત નૈસગિક શક્તિ છે તે - દ્વારા પોતાનો વાચ્યાર્થ પ્રગટ કરે છે; અને આ વાચ્યાર્થ બાધિત જણાતાં તેમાંથી અન્ય અર્થ લેવા આપણે પ્રવૃત્ત થઈએ છીએ. આમ, લક્ષણા એ શબ્દનો નહિ, પણ એક રીતે કહીએ તો, વાચ્યાર્થનો વ્યાપારછે અને શબ્દ ઉપર એ આરોપિત થયેલો છે. વિશ્વનાથ પણ લક્ષણાને શબ્દની ‘अर्पिता शक्ति’ કહે છે અને એનું વિવરણ એ ‘स्वाभाविकेतरा ईश्वरानुद्भाविता’ એવા શબ્દોથી કરે છે. એટલે કે લક્ષણા અભિધાના જેવી શબ્દની સ્વાભાવિક કે ઈશ્વરદત્ત શક્તિ નથી; એ શબ્દની અમુક પરિસ્થિતિમાં અને કદાચ માણસની ઇચ્છાથી પ્રગટ થતી શક્તિ છે. પણ શ્રી. સુરેન્દ્રનાથ દાસગુપ્ત તો લક્ષણાને શબ્દની શક્તિ તરીકે જ સ્વીકારવા તૈયાર નથી. પોતાનો આ મત સમજાવતાં તેમણે લખ્યું છે કે “કેવળ શબ્દ દ્વારા જ લાક્ષણિક અર્થ સમજાવી શકાતો નથી. કોઇ શબ્દનો અર્થ બીજા શબ્દના અર્થ સાથે અન્વિત થઈને કોઈ પણ વાક્યાર્થને અસંભવિત બનાવી મૂકે છે, તેનું કારણ શબ્દ નથી, તેનું કારણ આપણો પૂર્વનો અનુભવ છે. આપણે જાણીએ છીએ કે ગંગામાં વાસ કરવા જતાં માણસ જરૂર ડૂબી જ જવાનો. એટલા માટે પૂર્વના અનુભવ સાથે વાક્ય દ્વારા પ્રતિપાદિત અર્થનો વિરોધ જન્મે છે. એવી સ્થિતિમાં જો એટલી ખબર હોય કે વક્તા લવલવિયો અથવા ખોટાબોલો નથી, તો હું ‘ગંગામાં’ એ શબ્દનો બીજો અર્થ શોધું. ઘણી વાર એક કરતાં વધુ રીતે વાક્યાર્થનો મેળ સાધી શકાય તેમ હોય છે. ‘ગંગામાં’ શબ્દનો અર્થ ‘ગંગાતીરે’ પણ કરી શકીએ અથવા ‘ગંગામાં તરતી નૌકા’ પણ કરી શકીએ. બહુવિધ જટિલ વિચારને પરિણામે જે અર્થ આપણે ગ્રહણ કરીએ તે આમ શબ્દ શક્તિજનિત માનવો એ મને સંગત નથી લાગતું.”૧ [1] મમ્મટ કે વિશ્વનાથ લક્ષણાને કેવળ શબ્દની શક્તિ કે એની સ્વાભાવિક શક્તિ માનતા નથી. પણ શબ્દનિમિત્તે અર્થ પ્રાપ્ત થતો હોવાથી, તેમજ શાસ્ત્રીય વર્ગીકરણની સગવડ ખાતર એને શબ્દની શક્તિ ગણવાનું એમનું વલણ દેખાય છે. વિશ્વનાથ લક્ષણાને ‘ईश्वरानुद्भाविता’ કહે છે તેમાં માણસની ઈચ્છાને એ અધીન છે એવું સૂચન જોઈ શકાય અને શ્રી. દાસગુપ્ત લક્ષણામાં માણસના પૂર્વના અનુભવને કારણભૂત માને છે તેની સાથે એને મેળ સાધી શકાય. એક કરતાં વધુ રીતે વાક્યાર્થને મેળ સાધવાનું તો, જે વાક્યના સંદર્ભને બરોબર ખ્યાલમાં રાખીએ તો બહુ ઓછે સ્થળે શક્ય હોય છે. આથી લક્ષણાશક્તિનો શબ્દ પર આરોપ કરવામાં ખાસ કશી શાસ્ત્રીય ભૂલ થતી હોય એવું લાગતું નથી.
- ↑ ૧. આકાંક્ષા, યોગ્યતા અને સંનિધિ એ ત્રણ વાક્ય બનાવવા માટે આવશ્યક તત્ત્વો છે, તે આપણે આગળ જોયું. અન્વયબાધ એટલે યોગ્યતાનો અભાવ. ‘હું કેરી પીઉં છું’ એ વાક્યમાં યોગ્યતાનો અભાવ છે, એમ આપણે કહેલું ; પણ ‘હું કેરીનો રસ પીઉં છું’ એવો લક્ષ્યાર્થ લઈને યોગ્યતાને અભાવ આપણે ટાળી શકીએ.