ભારતીય કાવ્યસિદ્ધાંત/લક્ષણાનું પ્રયોજન અને વ્યંજના
લાક્ષણિક શબ્દપ્રયોગ ઘણી વાર ખાસ પ્રયોજનપૂર્વક કરવામાં આવે છે. ‘ગંગાતટે વાસ’ને બદલે ‘ગંગામાં વાસ’ એ શબ્દપ્રયોગ કરવામાં ખાસ પ્રયોજન રહેલું છે – ગંગાતટે રહેલા વાસમાં પણ ગંગાનાં જેટલાં જ શૈત્ય, પાવનત્વ આદિ ધર્મોનું આરોપણ કરવાનું. આ લક્ષણાપ્રયોગને કારણે વાસમાં વિશેષભાવે શૈત્ય, પાવનત્વ આદિ ધર્મોનું ભાન થાય છે, એથી એને ‘ફળ’ પણ કહી શકાય; એટલે કે વક્તાની દૃષ્ટિએ જે પ્રયોજન છે, તે આપણે માટે ફળ છે. પણ આ પ્રયોજન કે ફળની પ્રતીતિ આપણને કેવી રીતે થાય છે? લક્ષણા તો ‘गङ्गायाम्’ નો ‘गङ्गातटे’ એવો બીજો અર્થ આપીને વિરમી જાય છે, તો ગંગાનાં જેવાં શૈત્ય, પાવનત્વ આદિ ગંગાતટ પરના વાસમાં પણ છે એવું આપણને સૂચવાય છે તે શાથી? એ સમજાવતાં મમ્મટ લખે છે :
यस्य प्रतीतिमाधातुं लक्षणा समुपास्यते ।
फले शब्दैकगम्येऽत्र व्यञ्जनापन्नापरा क्रिया ।।
એટલે કે જેની પ્રતીતિ મેળવવા માટે લાક્ષણિક પ્રયોગ કરવામાં આવ્યો હોય છે તે ફળ કે પ્રયોજન શબ્દગમ્ય જ છે – શબ્દમાંથી જ સમજાય છે. (અર્થાત્ અનુમાન કે પ્રત્યક્ષ પ્રમાણ જેવાં શબ્દેતર પ્રમાણોથી એની પ્રતીતિ ન થઈ શકે, કારણ કે આપણી પાસે તો માત્ર વાક્ય જ છે; નથી ગંગા, નથી તટ કે નથી વાસ. ગંગાતટ પરના વાસમાં આપણે ઊભા હોઈએ અને ગંગા જેવી શીતળતા પવિત્રતા આદિનો સાક્ષાત્ અનુભવ કરતા હોઈએ તો એ પ્રતીતિ પ્રત્યક્ષ પ્રમાણથી થઈ ગણાય. અહીં તો એવું નથી. અહીં તો આપણી પાસે શબ્દ જ છે. તેથી જે અર્થોની પ્રતીતિ આપણને થાય તે શબ્દને આધારે જ થાય છે એમ કહેવાય.) માટે વ્યંજના સિવાય બીજા કોઈ વ્યાપારની અહીં શક્યતા નથી. અભિધા અને લક્ષણા તો શબ્દ વ્યાપાર છે. છતાં તેમના વડે લક્ષણાના પ્રયોજનની પ્રતીતિ થાય છે એમ કહી શકાશે નહિ; ‘ગંગાનાં જેવાં શૈત્ય, પાવનત્વ આદિ’નો અર્થ ‘ગંગા’ શબ્દમાંથી મળી શકે. પણ એ અર્થમાં ‘ગંગા’ શબ્દનો સંકેત નથી. આથી અભિધા દ્વારા એ અર્થ ન મળી શકે. બીજી કોઈ શક્તિ દ્વારા ‘ગંગા’માંથી એ અર્થ સ્ફુરતો કલ્પીએ, તો જુદી વાત છે. કોઈ એમ કહે કે મુખ્યાર્થબાધ દૂર કરવા આપણે જે લક્ષ્યાર્થ લઈએ છીએ, તેની સાથે જ પ્રયોજનની પ્રતીતિ થઈ જાય છે એમ માનીએ તો શો વાંધો? એટલે કે ‘ગંગા’ શબ્દનો ‘ગંગાના જેવા શૈત્યપાવનત્વાદિ ધર્મોથી યુક્ત તટ’ એવો લક્ષ્યાર્થ લઈએ, તો એ ધર્મોની પ્રતીતિ વિશે જુદું વિચારવાનું રહેશે નહિ. પણ આ જાતની વિચારણામાં એક તર્કદોષ છે. કોઈ પણ બાબતની આપણને પ્રતીતિ થાય છે તે કોઈક વિષયના કોઈક સાધન દ્વારા કરેલા અભ્યાસમાંથી ફળરૂપે પ્રાપ્ત થતી હોય છે. આમ, વિષય, સાધન અને ફળ ત્રણે જુદાં હોય છે. મમ્મટ કહે છે : ज्ञानस्य विषयो ह्यन्यः फलमन्यदुदाह्रतम । મમ્મટે અહીં ‘જ્ઞાન’ શબ્દ ‘પ્રમાણ’ (means of knowledge)ના અર્થમાં, ‘વિષય’ શબ્દ ‘પ્રમેય’ (object of knowledge)ના અર્થમાં અને ‘ફલ’ શબ્દ ‘પ્રમિતિ’ (cognition)ના અર્થમાં પ્રયોજ્યા છે. આ પરિભાષાને એક ઉદાહરણથી સમજીએ. આપણે નજરે જોઈને નીલકમળ વિશે જાણકારી પ્રાપ્ત કરી. અહીં ‘નીલકમળ’ આપણા જ્ઞાનનો ‘વિષય’ અથવા ‘પ્રમેય’ છે. આપણું સાધન છે નજરે જોવું તે. એટલે ‘પ્રત્યક્ષ’ એ ‘જ્ઞાન’ અથવા ‘પ્રમાણ’ થયું. હવે આ પ્રમાણથી આ પ્રમેયનો અભ્યાસ કરતાં ‘ફળ’ શું આવ્યું? વસ્તુધર્મને લક્ષમાં લેતા ભાટ્ટ મીમાંસકોના મતે નીલકમળમાં ‘જણાયાપણા’નો ધર્મ આવ્યો, એટલે ‘પ્રકટતા’ એ ‘ફળ’ થયું અને આત્મધર્મને લક્ષમાં લેતા પ્રાભાકર મીમાંસકોના મતે ‘નીલકમળને મેં જાણ્યું’ એવું આપણામાં ભાન થયું, એટલે ‘સંવિત્તિ’ એ ‘ફળ’ થયું. આમ, બંને મીમાંસકોના મતે જ્ઞાન, જ્ઞાનનો વિષય અને જ્ઞાનનું ફળ જુદાં જુદાં છે. હવે, આપણે જ્યારે ‘ગંગાના જેવા પાવનત્વાદિ ધર્મોથી યુક્ત તટ’ એવો લક્ષ્યાર્થ લઈએ છીએ, ત્યારે એ લક્ષ્યાર્થ જ આપણા જ્ઞાનનો વિષય બને છે અને એમાંથી ફળરૂપે પાવનાત્વાદિ ધર્મની પ્રતીતિ થાય છે. આમ, લક્ષ્યાર્થની સાથે જ પ્રયોજનની પણ પ્રતીતિ થઈ જાય એવો મત જો સ્વીકારીએ તો જ્ઞાનનો વિષય અને ફળ એકરૂપ થઈ જાય, જે યોગ્ય નથી. ખરી વાત તો એ છે કે ‘ગંગામાં વાસ’ એવી ઉક્તિ સાંભળતાં જ, પહેલાં તો મુખ્યાર્થનો બાધ ટાળવા લક્ષણા વડે ‘ગંગાતટે વાસ’ એવો અર્થ આપણે લઈએ છીએ; અને પછી ‘ગંગાતટે વાસ’ એમ કહેવાને બદલે ‘ગંગામાં વાસ’ શા માટે કહ્યું એનો – ભલે અસંપ્રજ્ઞાતપણે — વિચાર કરતાં આપણને પ્રયોજનની પ્રતીતિ થાય છે. આમ, ગંગાતટ વિષય છે, ‘ગંગા’ શબ્દ જ્ઞાન કે સાધન છે, અને ગંગાના જેવા શૈત્ય, પાવનત્વ આદિ ધર્મની ગંગાતટે પ્રતીતિ એ ફળ છે. ફળ સહિતનો લક્ષ્યાર્થ લેવાથી લક્ષ્યાર્થ અને ફળની પ્રતીતિ વચ્ચે જે પૌર્વાપર્ય છે – ભલે કોઈ એને અસંલક્ષ્ય (ધ્યાનમાં ન આવે એવું) કહે — તેનું ખંડન થાય છે. આમ, લક્ષણા પ્રવૃત્ત થઈ ચૂક્યા પછી જ બીજા વ્યાપાર વડે પ્રયોજનનો બોધ થાય છે એમ માનવું ઇષ્ટ છે. આરંભમાં જોયું તેમ સંકેતના અભાવે અભિધા એ પ્રયોજનનો બોધ કરાવી શકે એમ નથી. કોઈ બીજી વાર પણ લક્ષણાને પ્રવૃત્ત થતી માનવા પ્રેરાય, એટલે કે ‘ગંગાતટ’રૂપ અર્થ લક્ષણાથી પ્રાપ્ત થઈ ચૂક્યા પછી ‘પાવનત્વાદિધર્મ’- રૂપ અર્થ બીજી લક્ષણાથી પ્રાપ્ત થતો માને. પણ ‘પાવનત્વાદિ ધર્મ’રૂપ અર્થને લક્ષ્યાર્થ ગણવા માટે ‘ગંગાતટ’રૂપ અર્થને મુખ્યાર્થ ગણવો પડે, જે ખરું જોતાં તો મુખ્યાર્થ નથી જ. પણ એને મુખ્યાર્થ માની લઈએ તોયે અહીં મુખ્યાર્થબાધ પણ નથી થતો; ‘ગંગાતટે વાસ’ કહેવામાં કંઈ ખોટું નથી. પાવનત્વાદિ ધર્મો તો ગંગાપ્રવાહના છે. એટલે ગંગાતટ સાથે એને સંબંધ નથી. આમ, લક્ષણાની તદ્યોગની આવશ્યકતા પણ અહીં સંતોષાતી નથી. વળી, ‘પાવનત્વાદિધર્મ’ રૂપ અર્થમાં ‘ગંગાતટ’ શબ્દ પ્રયોજવાની કોઈ રૂઢિ નથી, તેમ એમાં કોઈ પ્રયોજન પણ નથી. આમ, ત્રિવિધ હેતુના અભાવે બીજી લક્ષણા લઈ શકાય તેમ નથી. અને આ બીજી લક્ષણા લેવામાં કોઈ પ્રયોજન છે એમ માનીએ, તો એ પ્રયોજન સમજાવવા માટે ફરી લક્ષણાનો આશ્રય લેવો પડે અને એમ પ્રયોજન–લક્ષણા-પ્રયોજનની પરંપરા ચાલતાં અવ્યવસ્થા ઊભી થાય. ખરી વાત તો એ છે કે, આપણે આગળ જોયું તેમ, પાવનત્વાદિ ધર્મો ગંગા સાથે કોઈ ચોક્કસ સંબંધે જોડાયેલા છે, અને એનો બોધ કરાવવા ગંગા શબ્દ અસમર્થ નથી. અભિધા દ્વારા એ આ ધર્મોનો બોધ ન કરાવી શકે, તો કોઈ બીજો શબ્દવ્યાપાર સ્વીકારવો જ રહ્યો. મમ્મટ કહે છે તેમ એને વ્યંજન, ધ્વનન કે દ્યોતન ગમે તે કહો. ટૂંકમાં, લક્ષણાથી ‘ગંગાતટ’ એવો અર્થ પ્રાપ્ત થયા પછી ‘ગંગા’ શબ્દ શા માટે વાપર્યો છે એનો વિચાર કરતાં, એ શબ્દમાંથી વ્યંજના દ્વારા ગંગાગત શૈત્ય, પાવનત્વ આદિ ધર્મો સૂચિત થાય છે અને ગંગાતટ પરના વાસ વિશે એનું આપણે આરોપણ કરીએ છીએ. આમ, લક્ષણાના પ્રયોજનનો બોધ વ્યંજના દ્વારા થાય છે એમ માનવું સયુક્તિક છે.