ભારતીય કાવ્યસિદ્ધાંત/લક્ષણા અને વ્યંગ્યાર્થ
કેટલાક લોકો વ્યંજનાનો લક્ષણામાં અંતર્ભાવ માને છે. પણ લક્ષણામાં વ્યંજનાને અંતર્ભાવ માનવાથી અતિવ્યાપ્તિ તેમજ અવ્યાપ્તિ બંને પ્રકારના દોષ આવે છે. વ્યંગ્યાર્થ મુખ્યાર્થબાધ વિના પણ સ્ફુરી શકે છે. એટલે જ્યાં વ્યંગ્યાર્થ હોય ત્યાં લક્ષણા ન હોય એવું બને. (દા.ત. लीलाकमलपत्राणि गणयामास पार्वती।’) અભિધામૂલ વ્યંજનાને લક્ષણા સાથે કશો જ સંબંધ નથી. એ જ રીતે લક્ષણા જ્યાં જ્યાં પ્રવૃત્ત થાય છે ત્યાં ત્યાં વ્યંગ્યાર્થ હોવો જ જોઈએ એવું નથી — જેમ કે રૂઢિલક્ષણામાં. (દા.ત. ‘ફાનસ સળગ્યું.’) લક્ષણાનું તો કેવળ પ્રયોજન જ વ્યંગ્ય હોય છે અને લક્ષણા તો કેવળ ઉપચાર છે—એક અર્થ માટે એકને બદલે બીજાશબ્દનો ઉપયોગ છે–એની પાછળ કોઈ વિશિષ્ટ અર્થ કે પ્રયોજન ઘણી વાર હોતું પણ નથી. એને આપણે રૂઢિલક્ષણા કહીએ છીએ. ત્યાં વ્યંગ્યાર્થ છે એમ આપણે નહિ કહી શકીએ. જેઓ લક્ષણામાં જ વ્યંજનાનો સમાવેશ કરતા હોય તેઓ લક્ષણાના પ્રયોજનને વ્યંજનાથી બોધિત થતું ન માને એ દેખીતું છે. પણ, આપણે આગળ જોયું તેમ, લક્ષણાના પ્રયોજનની પ્રતીતિ માટે વ્યંજના જેવી કોઈ વૃત્તિ સ્વીકારવી અનિવાર્ય છે.