ભારતીય કાવ્યસિદ્ધાંત/(૨૦) ધ્વનિ અને લાવણ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(૨૦) ધ્વનિ અને લાવણ્ય : (પૃ.૧૪૪) :

ધ્વનિને લાવણ્યની સાથે સરખાવવામાં આવે છે, તો લાવણ્ય દ્વારા આપણને શું અભિપ્રેત છે તે અગત્યનો પ્રશ્ન બની જાય છે. એક સંસ્કૃત શ્લોકમાં મોતીઓમાં છાયાની જે વિશિષ્ટ પ્રકારની તરલતા હોય છે તે અંગોમાં લાવણ્યરૂપે સોહે છે એમ કહ્યું છે. એટલે લાવણ્ય એ માત્ર અંગસૌષ્ઠવ નથી, પણ અંગોમાંથી સ્ફુરતી કોઈ અપૃથક્કરણીય પણ સંવેદ્ય બનતી સૌંદર્યપ્રભા છે. અંગ્રેજ કવિ પોપ કાવ્યના પ્રભાવને આનંદવર્ધનના રૂપકથી જ સમજાવે છે :

In wit, as nature
what affects our hearts
Is not the exactness
of peculiar parts :
’T is not a lip or eye,
we beauty call
But the joint force and
full resultant of all.’

કુન્તક, અલબત્ત, પ્રતીયમાન અર્થને લાવણ્ય સાથે સરખાવવાનું યોગ્ય માનતા નથી. એમની દૃષ્ટિએ લાવણ્ય સકલલોકલોચનસંવેદ્ય છે, તેથી એનું સરખાપણું હોય તો તે કાવ્યના બંધસૌંદર્ય સાથે છે, પ્રતીયમાન અર્થ સાથે નહિ, પ્રતીયમાન અર્થની સરખામણી કરવી હોય તો ‘સૌભાગ્ય’ની સાથે થઈ શકે. સૌભાગ્યનો અનુભવ તો એનો ઉપભોગ કરવાની પાત્રતા ધરાવનાર નાયક જ કરી શકે છે. એટલે ધ્વનિ સૌભાગ્યના સ્થાને છે એમ કહેવું જોઈએ.